કેટલીક વાર આપણું રાષ્ટ્રીય ચારિત્ર્ય પકડાતું નથી. એક તરફ ભારતનું વૈશ્વિક કદ વિકસતું આવતું જણાય છે, તો બીજી તરફ તે સાવ દંભી ને છીછરું પણ દેખાય છે. અમેરિકા અને રશિયા આમ તો પ્રતિદ્વંદ્વી રાષ્ટ્રો છે, પણ એ બંને ભારતના મિત્રો છે, એની પણ કમાલ જ છેને ! અમેરિકા, રશિયા સાથેની ભારતની મૈત્રીની વિશ્વભરમાં નોંધ લેવાતી હોય કે ભારતનું વૈશ્વિક સ્તરે પ્રતિનિધિત્વ અને વર્ચસ્વ અગાઉ ક્યારે ય ન હતું એટલું વિકસ્યું હોય તો, પ્રશ્ન એ થાય કે કેટલી ય સિદ્ધિઓમાં ભારત લગભગ છેલ્લે કેમ છે? ભારતે અનેક સ્તરે વિકાસ કર્યો જ છે તેની ના નથી, પણ વૈશ્વિક ભૂખમરાની 2022માં બહાર પડેલી યાદીમાં, 121 દેશોમાં ભારત 107માં નંબરે છે તે પણ હકીકત છે. એ બાબતે તો આપણાં કરતાં યાદીમાં પાકિસ્તાન, શ્રીલંકા કે નેપાળ વધારે આગળ છે. 2021માં ભારત 101માં સ્થાને હતું ને ‘22માં તે 6 નંબર પાછળ ગયું છે એ વિકાસનું કયું લક્ષણ છે તે સમજવાનું અઘરું છે.
એ સિદ્ધિનો આનંદ છે કે ભારતે કરોડો ભારતીયોને કોરોનાની રસી વિના મૂલ્યે પૂરી પાડી, એટલું જ નહીં, લાખો ડોઝ 35થી વધુ દેશોને ગ્રાન્ટ સહાય તરીકે વિના મૂલ્યે પૂરા પાડ્યા. એ પણ ખરું કે ભારતમાં યુવાનોની સેનાના ચાર દેશોમાં ભારત ચોથા નંબરે છે. ભારત બ્રિટનને પાછળ છોડીને પાંચમી મોટી અર્થવ્યવસ્થા બન્યું છે તે પણ નાની સિદ્ધિ નથી. અર્થવ્યવસ્થામાં આવેલી મંદીને કારણે ભારતની આર્થિક નીતિની ઘણી ટીકા થઈ, પણ વર્લ્ડ ઈકોનોમિક ફોરમના એક રિપોર્ટ પ્રમાણે, 137 દેશોની યાદીમાં 55માં ક્રમ પરથી તે છેલ્લાં પાંચ વર્ષમાં 40માં ક્રમ પર આવ્યું છે તેની ના પાડી શકશે નહીં. એ પણ છે કે ભારત પાસે G-20, એસ.સી.ઓ.ની અધ્યક્ષતા આવી છે. આ ઉપરાંત પણ બીજી સિદ્ધિઓ ગણાવી શકાય.
એક સમય હતો, જ્યારે વેપાર, વિદ્યા ને વૃદ્ધિ અર્થે વિદેશથી અનેક પ્રજાઓ મોટી સંખ્યામાં આ દેશમાં આવી અને અહીં જ વસી ગઈ. મોગલો, અંગ્રેજો ને બીજી ઘણી પ્રજાઓ પણ અહીં આવી ને ભારતની ભૂમિ પરખીને તેણે અહીં જ વર્ચસ્વ જમાવ્યું. એ સંદર્ભે આજની સ્થિતિ જુદી છે. છેલ્લાં થોડાં વર્ષોની જ વાત કરીએ તો 2016થી ‘19માં દર વર્ષે ભારતની નાગરિકતા લેનાર વિદેશીઓની વધુમાં વધુ સંખ્યા દર વર્ષે બસોની પણ નથી. 2017માં 175 લોકોએ ભારતની નાગરિકતા લીધી એ સૌથી મોટો આંકડો છે. 2020માં તો એ સંખ્યા 27ની જ હતી ને 2022માં અત્યાર સુધીમાં 60 લોકોએ જ ભારતની નાગરિકતા લીધી છે. એની સામે ભારત છોડીને વિદેશનું નાગરિકત્વ સ્વીકારનારની સંખ્યા છેલ્લાં દસ વર્ષમાં 16 લાખથી વધારે છે. બીજા શબ્દોમાં કહીએ તો દર વર્ષે અંદાજે દોઢ લાખથી વધુ ભારતીયો વિદેશમાં સ્થાયી થયા છે. આ વર્ષની જ વાત કરીએ તો ઓકટોબર, 2022 સુધીમાં ભારત છોડીને અહીંનાં 1,83,741 લોકો વિદેશ જઈને કાયમી વસવાટ કરી ચૂક્યા છે. આ માહિતી રાજ્યકક્ષાનાં વિદેશ પ્રધાન મુરલીધરને લોકસભામાં આપી છે. આમ તો બેન્કોની લોન ડુબાડીને વિદેશ જનાર ઉદ્યોગપતિઓના આંકડા બહાર આવ્યા છે, પણ બીજા લાખો લોકો દેશ છોડતી વખતે અહીંની કેટલી સંપત્તિ સાથે લઈ ગયા તેની માહિતી મળતી નથી. આ ઉપરાંત ગેરકાયદે વિદેશમાં વસતા ભારતીયોની સંખ્યા પણ ઓછી નથી જ !
આમ તો અમેરિકા કે અબુધાબી જેવામાં ભારતીયોની હત્યાઓ કરવામાં આવે છે. ગયા જાન્યુઆરીમાં બે ભારતીય અને એક પાકિસ્તાનીની હત્યા યુ.એ.ઇ.માં કરવામાં આવી. આ હત્યા અજાણતાં થઈ નથી, તે યમનનાં વિદ્રોહી જૂથ ‘હોથી’ દ્વારા જાણીબૂઝીને કરાઈ છે ને હત્યા પછી ચેતવણી પણ અપાઈ છે કે વિદેશી નાગરિકોની હત્યા તેઓ કરતાં જ રહેશે. આ જોખમ છતાં યુ.એ.ઇ.માં 30 ટકા વસતિ ભારતીયોની જ છે. આ એ ભારતીયો છે અબજો રૂપિયા ભારત મોકલે છે. મોટે ભાગના ભારતીયોની પહેલી પસંદ યુ.એ.ઇ. છે. જો હત્યાનું પ્રમાણ વધે તો ભારતીયોને વધુ વેઠવાનું આવે તે પણ સ્પષ્ટ જ છે. એ ઉપરાંત કેનેડાથી ગેરકાયદે અમેરિકા જતાં, સરહદે, ઘણા નાગરિકોના જીવ જાય છે, છતાં, વિદેશ જવાનો લોભ ભારતીયો જતો કરી શકતા નથી તે હકીકત છે. અમેરિકા ઉપરાંત ઓસ્ટ્રેલિયા, બ્રિટન, સ્વીડન, સિંગાપોર જેવા સોથી વધુ દેશોમાં ભારતની પ્રજા સ્થાયી વસવાટ કરતી થઈ છે, તો પ્રશ્ન એ થાય કે અહીં શું નથી ને ત્યાં શું છે કે લાખો ભારતીયો વિદેશ તરફ દોટ મૂકે છે ને ત્યાંનાં જ નાગરિક થઈને રહી જાય છે? એનાં કારણો નથી એમ નથી. વિદેશમાં નોકરીની તકો ને કમાણી વધુ છે. યુ.એ.ઈ.ની જ વાત કરીએ તો ભારતીય કરન્સી કરતાં તેની કરન્સી મોંઘી છે. તેનો એક દિરહમ આશરે ભારતના 20 રૂપિયા બરાબર છે. બીજી વાત એ છે કે ભારતનું ટેક્સનું માળખું ગૂંચવનારું ને છેતરનારું છે, જ્યારે યુ.એ.ઇ.માં ઇન્કમ પર ટેક્સ જ નથી. એનો અર્થ એ થાય કે વિદેશની કમાણી ને ત્યાંનું ગ્લેમર ભારતીયોને વિદેશ વસવાનું કારણ પૂરું પાડે છે. એનો અર્થ એ પણ ખરો કે નોકરીની તકો કે શિક્ષણ કે સ્કિલની કદર વિદેશ કરતાં ભારતમાં ઓછી છે. વિદેશ વસતા 60 ટકા ભારતીયો માને છે કે વિદેશમાં નોકરીની તકો અને શિક્ષણની કદર વધુ છે. એક વર્ગ એવું પણ માને છે કે વિદેશનું શિક્ષણ પણ શ્રેષ્ઠ છે. અલબત્ત ! એની ના પાડી શકાશે નહીં. દુનિયાની શ્રેષ્ઠ યુનિવર્સિટીઓમાં ભારતની એક પણ યુનિવર્સિટી ન હોય એ શું સૂચવે છે?
એક તરફ ભારત વિશ્વ ગુરુ બનવાને પંથે હોય ને અહીંનાં લોકોએ ગુરુની શોધ બીજે ચલાવવી પડે એ કેવું? એવું પણ નથી કે નબળું શિક્ષણ ભારતીયોને વિદેશ જવાનું કારણ પૂરું પાડે છે, 2014થી 2018માં 23 હજારથી વધુ કરોડપતિઓએ પણ દેશ છોડી દીધો છે. તે એટલે કે અમીર ભારતીયો ગોલ્ડન વિઝા મેળવવા સ્પર્ધામાં રહે છે. વિદેશમાં રોકાણ કરીને ત્યાંની નાગરિકતા મેળવવાની કોશિશો ભારતીય અમીરો કરતાં જ રહે છે. એનો અર્થ એ થયો કે ઘણા ભારતીય અમીરોને અહીં રોકાણ કરવામાં રસ નથી. એનું આશ્ચર્ય નથી કે અમીરો વિદેશમાં રોકાણ કરે છે, કારણ વ્યાવસાયિક સલામતી જો અહીં મળતી ન હોય તો અહીં રહીને કરવાનું શું એ વાતે એ બધા મુંઝાય છે.
રહી વાત વિદેશ જતાં વિદ્યાર્થીઓની, તો અહીં શિક્ષણ ઠીક નથી ને મોંઘું છે, એટલે એ વિદેશ જાય છે. એ સાચું હોય તો, વિદ્યાર્થીઓ ભણીને સ્વદેશ પાછા ફરવા જોઈએ, પણ એની ટકાવારી ઓછી જ છે, તે એટલે કે ઉચ્ચ શિક્ષણ મેળવીને પરત ફરેલ વિદ્યાર્થીઓને, એને લાયક નોકરી કે વ્યવસાયની તકો અહીં ઓછી જ છે. એ કારણે પણ કેટલાંક વિદ્યાર્થીઓ વિદેશ વસી જવા તૈયાર થાય છે. લગભગ 70થી 80 ટકા વિદ્યાર્થીઓ ભારત પાછા નથી ફરતા. એ સાચું કે વિદેશની ચમકદમક ને આવક, ભારતીયોને વિદેશ વસવા પ્રેરે, પણ વાત એટલી જ નથી, અહીનું રાજકારણ અને અર્થકારણ, પણ ભાગ ભજવે જ છે. અહીંનો ભ્રષ્ટાચાર યોગ્યને અયોગ્ય અને અયોગ્યને યોગ્ય જગ્યાએ ગોઠવે છે. એમાં જે સંવેદનશીલ છે તે વધુ વેઠે છે, એટલે આમાંથી છૂટવા પણ ઘણાં વિદેશની વાટ પકડે છે.
વારુ, અહીંની પ્રતિભા વિદેશમાં પોંખાય છે ત્યારે ભારતીય મૂળની એ વ્યક્તિ માટે આપણે પોરસાઈએ છીએ, પણ એ વ્યક્તિ આપણી ઉદાસીતાને કારણે વિદેશ વસવા મજબૂર થઈ છે એનો વિચાર ભાગ્યે જ કરતાં હોઈએ છીએ. ઘણાં ભારતીય મૂળનાં ભારતને નફરત કરતાં હોય તો પણ નવાઈ નહીં, કારણ બધી યોગ્યતા છતાં અહીં થયેલ અન્યાયને એ ન ભૂલે એમ બને. એ ભારતીય કમનસીબી છે કે અહીંની બુદ્ધિમત્તાની થવી જોઈતી કદર થતી નથી અને એ વિદેશમાં ઝળકે છે તો ભારતીય મૂળનો વાવટો ફરકાવીને આપણે અમસ્તાં જ ખુશ થયા કરીએ છીએ. આપણી રાજસત્તાઓએ એ વિચારવા જેવું છે કે અહીની ટેલન્ટને અહીં જ સમાવી, વિકસાવી શકાય એમ છે કે કેમ? કે એ વિદેશમાં સત્તા પર આવે એ જોઈને જ તાબોટા ફોડવા છે? અહીંની પ્રતિભા અહીં જ પાંગરે એવું કરવાનું વધારે યોગ્ય છે એવું નહીં? ભારતીયો વિદેશમાં કમાઈને ઘણાં નાણાં મોકલે તો રાજી થઈએ છીએ, પણ અહીંથી જતાં ભારતીયો પાછળ જે નાણાં વિદેશ મોકલાય છે, એનો હિસાબ માંડવા જેવો છે ને પછી એ ભારતીય વિદેશમાં જ સ્થાયી થઈને અહીં નાણાં મોકલવાનું બંધ કરે તો તે ખોટ કેવી ને કેટલી હોય એનો હિસાબ પણ માંડવા જેવો છે. આપણને આપણું જ યુવા ધન વિદેશ ખેંચાઈ જતું જોઈ રહેવાનો સંતોષ કેમનોક થાય છે એ નથી સમજાતું? નથી લાગતું કે આપણે એ મામલે પૂરતાં દંભી અને અપ્રમાણિક છીએ?
000
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 12 ડિસેમ્બર 2022