Opinion Magazine
Number of visits: 9667576
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

અહો વેબારણ્યે અથ ‘વિશ્વમાનવ’-‘નિરીક્ષક’ કથા

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|3 May 2023

પ્રકાશ ન. શાહ

લે ને એ એક જોગાનુજોગ જ હોય, સાચે જ એ રૂડું ને સોજ્જું થયું કે ગુજરાત રાજ્યના સ્થાપના દિવસના પૂર્વ સપ્તાહે લંડનથી પ્રસિદ્ધ થતા ગુજરાતી સામયિક ‘ઓપિનિયન’ની વેબસાઈટ પર ભોગીભાઈ ગાંધી સ્થાપિત ‘વિશ્વમાનવ’ (1958-1993) અને ઉમાશંકર જોશી આદિએ શરૂ કરેલ ‘નિરીક્ષક’ (1968-2010) મુકાઈ ગયાં છે. (https://opinionmagazine.co.uk./sankaliyu). આ પૂર્વે ઉમાશંકર જોશીની વેબસાઈટ પર ‘સંસ્કૃતિ’ (1947-1984) તો સુલભ થયેલું જ છે (http://umashankarjoshi.in>sanskriti>).

સ્વરાજ મળ્યું, ગુજરાતનું અલગ રાજ્ય બન્યું, નઈ રોશની અને કટોકટીના રાજકારણથી માંડીને દેશે જે.પી. આંદોલનના ઉજાસમાં ગુજરાતમાં જનતા મોરચો જોયો, આગળ ચાલતાં ગાંધી-નેહરુ-પટેલદીધી એકંદરમતી તૂટી અને હમણેનાં વર્ષોમાં ઇતિહાસવિદ્દ કે બીજી રીતે જોવા મળે છે તેમ આખા એક વૈકલ્પિક વિમર્શ માટેનો ઉદ્યમ ચાલે છે. સ્વરાજસંગ્રામ અને સ્વરાજનિર્માણમાં જે કંઈ બન્યું, જે કંઈ ન બન્યું એ બધાં વિશે તથ્યનિરપેક્ષ આખી એક વોટ્સએપ યુનિવર્સિટી કાહુ કાહુ કરતી મંડી પડેલી છે. તે વખતે સત્યાસત્યની સમજ કેળવવા વાસ્તે આપણી કને ‘સંસ્કૃતિ’, ‘વિશ્વમાનવ’ ને ‘નિરીક્ષક’ મુકાયાંનો મહિમા, ચોસઠમા ગુજરાત દિવસ આસપાસ! આમ તો, હાજી મોહમ્મદનું ‘વીસમી સદી’ ઘણા વહેલાં પ્રગટ થયેલું, અને વેબસાઈટ પર પ્રગટ્યું પણ પહેલાં. પણ અહીં જે સામયિકોનો વિશેષોલ્લેખ કર્યો છે એનું ખાસ પાસું એ છે કે એના તંત્રી-સંપાદક ઉમાશંકર જોશી, ભોગીલાલ ગાંધી, પુરુષોત્તમ માવળંકર, ઈશ્વર પેટલીકર, યશવન્ત શુક્લ, મનુભાઈ પંચોળી, પ્રબોધ ચોકસી, જયન્ત પંડ્યા, પ્રકાશ- આ સૌ પોતપોતાની રીતે જાહેર જીવનમાં પડેલા રહ્યા. અક્ષરજીવન અને જાહેરજીવનનું એક વિલક્ષણ પારસ્પર્ય એમના પત્રોની વિશેષતા બલકે સહજ ગતિ રહી. એવું પણ અનાયાસ મળી આવે એમાંથી કે વોટ્સએપ યુનિવર્સિટી છક્કડ ખાઈ જાય. નમૂના દાખલ, ‘સંસ્કૃતિ’ના જાન્યુઆરી 1951ના અંકમાં ઉમાશંકર જોશીએ હિંદુ મહાસભાના પુના અધિવેશનની નોંધ લેતાં લખ્યું હતું : ‘રાષ્ટ્રપિતાના હત્યારાની જય પોકારાય અને છબીઓ વેચાય એ તો આપણા દેશમાં જ બની શકે.’ આ તો જાણે કે રસમી લાગણી થઈ, પણ માર્મિક નુક્તેચીની તો તે પછી આવે છે : ‘અધિવેશનની ઘૃણાજનક કાર્યવાહીમાંથી કોઈ સુખદ સમાચાર આવ્યા હોય તો એ કે સરદાર વલ્લભભાઈ પટેલના અવસાન બદલ ખેદ પ્રગટ કરતો ઠરાવ લાંબી રકઝક પછી ઉડાડી દેવામાં આવ્યો : સરદાર કોમવાદી હતા એ ખ્યાલને પાયામાંથી ઉખાડી દેનાર આથી વધુ સારો પુરાવો બીજો શો મળી શકત?’ લગાર ચમત્કૃતિ સારુ આ ઉતારો આપ્યો, પર્ણ ‘સંસ્કૃતિ’, ‘વિશ્વમાનવ’, ‘નિરીક્ષક’ આદિ પત્રોનું પાયાનું કામ સતત અવિશ્રાન્ત વિચારવિમર્શનું રહ્યું છે.

ગૂજરાત વિદ્યાપીઠના પ્રારંભકાળના સ્નાતક, બારડોલીની લડત વખતે અરુણ ટુકડીના સૈનિક ભોગીલાલ ગાંધીને એક તબક્કે સામ્યવાદી પક્ષ સાથે જોડાવાપણું લાગ્યું. આગળ ચાલતાં વળી પુનર્વિચાર અને મૂળિયાં ફંફોસતાં ગાંધીમાં ઠર્યા તેમ જ માર્ક્સની ડેલીએ હાથ દઈ આવેલા જયપ્રકાશ જોડે આંદોલનમાં ભળ્યા. જ્યારે ભોગીભાઈ માર્ક્સ વિચાર પછીના નવતબક્કામાં સંક્રાન્ત થઈ રહ્યા હતા ત્યારે એમને ત્યાં અભ્યાસવર્તુળ દર ગુરુવારે મળવા લાગ્યું અને 1958થી તો ‘વિશ્વમાનવ’ પણ પ્રગટ થવા લાગ્યું. ચિત્રકાર ગુલામમોહમ્મદ શેખ એ દિવસો સંભારતાં લખે છે : ‘1955માં અઢાર વરસની ઉંમરે વડોદરા ભણવા આવ્યો ત્યારે કોઈને ય ઓળખું નહીં. પણ સુરેન્દ્રનગરમાં સાહિત્યની સોબતે ઊછર્યો હતો એ નાતે, સુરેશ જોષીને આવતાંવેંત શોધી કાઢ્યા. એમની સંગતે પહેલા મળ્યા તે ભોગીલાલ ગાંધી અને બીજા પ્રબોધ ચોકસી. યુવાકાળના બંધાતા વિચારપિંડમાં એ ત્રિવેણીનો પ્રસાદ પડ્યો.’ અને પછી – ‘1958ના જાન્યુઆરીમાં ભોગીભાઈએ ‘માનવ’ (જે પછી ‘વિશ્વમાનવ’ થયું) શરૂ કર્યું તેમાં સાહિત્ય, સમાજ ને રાજકારણના સેતુ પર નવા ભાવકનું આવાહન થયું. ખરેખર તો એ માત્ર નવાં ચિંતન અને ચેતના પ્રદીપ્ત કરવાનું કરવાનું સાધન જ નહીં, એક અભિયાન હતું. ડાબેરી વિચારક્રાન્તિમાં રસાયેલી એમની દૃષ્ટિ એમાં ગાંધીવિચાર સામે આંખ મેળવીને ઊભી રહી. સાંપ્રત સમયના વિચારવલોણે ગાંધી સાથે માર્ક્સને બેસાડવાનું મંથન અને ડાબેરી પરિપ્રેક્ષ્યોને સર્વોદય અને અહિંસાની એરણે તપાસવાની પહેલ એનાં પ્રમુખ લક્ષ્યો બન્યાં.’

લાંબી દાસ્તાંમાં નહીં જતાં અહીં એટલું જ સંભારીશું કે ભૂદાન આંદોલન અને સર્વોદય વિચારે અભ્યાસપુત ઉમંગી આવકાર સાથે વિનોબાને એક પ્રશ્ન ભોગીભાઈએ જરૂર કર્યો કે આમાં સંઘર્ષનું શું. 1958માં પુછાયેલા આ પ્રશ્નનો ઇતિહાસદીધો ઉત્તર 1974-75ના જે.પી. આંદોલનમાં મળ્યો જેમાં ગુજરાતમાં સંપર્કસૂત્ર ભોગીભાઈ હતા. આ આખી સંક્રાન્તિ પ્રકાશન્તરે ‘નિરીક્ષક’માં પણ ઝોકફેરે જોવા સમજવા મળે છે, અને 1977ના જનતા રાજ્યારોહણ પછી જનસંઘે જનતા અવતાર છોડી ભા.જ.પ. બનવું પસંદ કર્યું એ બધી ગતિવિધિનો કંઈક અંદાજ પણ. આ તો કેવળ અછડતું ને આછેરું આલેખન છે. ખરું જોતાં અહીં જે કેટલાંક રાજકીય ઈંગિતો ઉતાવળે કર્યા તે બધાં અવલોકનો એક વ્યાપક સાંસ્કૃતિક-સાહિત્યિક-સામાજિક પિછવાઈ પર વૈચારિક જદ્દોજહદને ધોરણે આ પત્રોમાં પ્રગટ થતાં આવેલાં છે. ‘ઓપિનિયન’ની વેબસાઈટ પર આ બધું ઉપલબ્ધ થઈ રહ્યું છે ત્યારે એના પ્રયોજક વિપુલ કલ્યાણી અને તેઓ હાલ જેના પ્રમુખ છે તે લંડનની ગુજરાતી સાહિત્ય અકાદમી વિશે અવલોકન કરવું લાજિમ લેખાશે. આ અકાદમીમાં નાતજાતકોમ અને રાષ્ટ્રીયતા, રિપીટ, રાષ્ટ્રીયતાનો ભેદ રખાશે નહીં. કથિત સવર્ણ-અવર્ણ, હિંદુસ્તાની, પાકિસ્તાની સૌ અહીં સમાન ધોરણે સામેલ થઈ શકે છે, થાય છે અને થશે.

ઈતિ વેબદ્વીપે ઓપિનિયન દેશે. 

E.mail :  prakash.nireekshak@gmail.com
સૌજન્ય : ‘તવારીખની તેજછાયા’ નામક લેખની સાપ્તાહિક કોલમ, ‘કળશ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”; 03 મે 2023

Loading

ચાલો, સંસ્કૃત કાવ્યશાસ્ત્રની દિશામાં (૩)

સુમન શાહ|Opinion - Literature|2 May 2023

સુમન શાહ

આપણે ભાગ્યે જ વિચારીએ છીએ કે કાલિદાસ શેક્સપીયર રવીન્દ્રનાથ ગોવર્ધનરામ કે સુરેશ જોષીનાં સર્જન આપણને ગ્રેટ કેમ લાગે છે; શા માટે અમુકોનાં સર્જન ગ્રેટ નહીં પણ ઍવરેજ અને સામાન્ય કે નિ:સામાન્ય લાગે છે.

એ ગ્રેટનેસ અથવા કલાપરક મહાનતાનું એક કારણ સર્જક વ્યક્તિની બુદ્ધિમત્તા છે એમ માનવું જોઈશે. એમ પણ માનવું જોઈશે કે એ મહાનતામાં બુદ્ધિની કશીક નિર્ણાયક ભૂમિકા છે. કાવ્યશાસ્ત્રીઓ તો કોઈ કોઈ કવિને ‘મન્દબુદ્ધિ’ કહેતાં ખચકાતા નથી બલકે સાચું કહ્યાનો સંતોષ મેળવે છે.

કાવ્યશાસ્ત્રમાં, ‘પ્રતિભા’, ‘વ્યુત્પત્તિ’ અને ‘અભ્યાસ’-ને ‘કાવ્યહેતુ’ કહ્યા છે. કાવ્યહેતુ એટલે, સર્જનનાં પરિબળો, કારણો. પરન્તુ, રાજશેખર એ ત્રણ ઉપરાન્ત ‘કવિત્વશક્તિ’ નામના કારણનો ઉમેરો કરે છે. સ્પષ્ટ કહે છે કે એ જ છે, કાવ્યનિર્માણનું મુખ્ય કારણ.

રાજશેખર બુદ્ધિના ત્રણ પ્રકાર દર્શાવે છે : સ્મૃતિ, મતિ, પ્રજ્ઞા.

સ્મૃતિ, ભૂતકાળમાં અનુભવાયેલા વિષયોનું સ્મરણ રાખે છે. મતિ, વર્તમાનમાં જિવાતા વિષયોનું મનન કરે છે. અને, ભવિષ્ય દર્શાવનારી તેમ જ દીર્ઘ દર્શનો કરાવનારી બુદ્ધિ પ્રજ્ઞા છે.

કહે છે, આ ત્રણેય પ્રકારની બુદ્ધિ કવિ માટે, એટલે કે, સર્જક માટે, આવશ્યક છે, કેમ કે ઉપકારક છે. ત્રણેય બુદ્ધિપ્રકારોનો ‘કાવ્યહેતુ’ સાથે સીધો કે આડકતરો સમ્બન્ધ છે.

જેને આપણે ‘કાવ્યસર્જન’ કે સર્વસામાન્યપણે ‘સર્જન’ કહીએ છીએ એને રાજશેખર ‘કાવ્યનિર્માણ’ કહે છે. કાવ્યનિર્માણને તેઓ ‘સરસ્વતીનું રહસ્ય’ ગણે છે, મહા ગમ્ભીર અને અવર્ણનીય લેખે છે. રાજશેખર જણાવે છે કે સમાધિ અને અભ્યાસ બન્ને મળીને કાવ્યનિર્માણશક્તિનું નિર્માણ કરે છે. કહે છે, એ અત્યન્ત નિપુણ વિદ્વાનોના જ્ઞાનનો વિષય છે. એની પ્રાપ્તિનો એક માત્ર ઉપાય છે, સમાધિ. શ્યામદેવ કાવ્યનિર્માણમાં સમાધિની આવશ્યકતા પર ભાર મૂકે છે. સમાધિ એટલે, મનની એકાગ્રતા. એકાગ્રચિત્તવ્યક્તિ અનેક સૂક્ષ્મ વિષયોનું ચિન્તન કરી શકે છે. મંગલ નામના વિદ્વાન કાવ્યનિર્માણમાં અભ્યાસને જ મોટું કારણ ગણે છે. અભ્યાસ એટલે, નિરન્તરનું અનુશીલન.

જોઈ શકાશે કે સ્મૃતિ મતિ અને પ્રજ્ઞા સાથે સમાધિ કહેતાં મનની એકાગ્રતા અને નિરન્તરનું અનુશીલન, એટલાં તત્ત્વો આ વિષયની ચર્ચામાં ઉમેરાયાં.

Pic Courtesy : Spotify

પ્રતિભાને ઈશ્વરદત્ત ગણનારા શાસ્ત્રીઓ પણ હતા ને તેઓ એટલે લગી કહેતા કે ‘પ્રતિભા વિના કાવ્ય ન જનમી શકે, જનમે તો હસનીય પુરવાર થાય.’ સવાલ એ છે કે સર્જક પ્રતિભાશાળી છે કે કેમ તે જાણવું શી રીતે. ઇરાદાપૂર્વક વધારેલાં દાઢી અને વાળ કે સ્વયં સરજાયેલી ટાલથી માણસ દેખાય પ્રતિભાવન્ત, – ઋષિઓનાં આપણે એવાં નિર્માલ્ય ચિત્ર જોયેલાં એટલે – પણ હોય, સામાન્ય ! સાતમા દાયકામાં, ખભે બગલથૅલો ને પગમાં સોલાપુરી ચમ્પલથી આપણા કેટલાક મિત્રો કવિ દેખાવાની ગમતીલી ચેષ્ટા કરતા’તા.

એટલે, રાજશેખરની વાત મને વિચારણીય લાગી છે. કેમ કે પ્રતિભા, વ્યુત્પત્તિ અને અભ્યાસ હોય કે ન હોય પણ જો વ્યક્તિમાં કવિત્વ કહેતાં, કવિપણું – પોએટિક ડિસ્પોઝિશન – નહીં હોય, તો એને કાવ્યત્વ અને અ-કાવ્યત્વ વચ્ચેનો ભેદ પણ નહીં પરખાય. એને હમેશાં લાગશે કે પોતે લખ્યું તે કાવ્ય જ છે ! ઇનામ-ઍવૉર્ડ મેળવી ચૂકેલાને તો વળી એમ લાગશે કે પોતે કેટલું તો મહાન સરજ્યું છે ને પોતે કેવો તો મહા કવિ છે ! જાતને અને એ ભેદને પરખનારી શક્તિને જ રાજશેખર, મને લાગે છે કે કવિત્વશક્તિ કહે છે.

રાજશેખર સમાધિ અથવા એકાગ્રતાને ‘આન્તરિક પ્રયત્ન’ ગણે છે, તે મને સમુચિત લાગે છે, કેમ કે દેખીતું છે કે એ તો સર્જકના ચિત્તમાં ઘટનારી ઘટના છે. તેઓ અભ્યાસને ‘બાહ્ય પ્રયત્ન’ ગણે છે, તે પણ સમજાય એવું છે, કેમ કે સાહિત્યકાર પોતાની કલમનો મહાવરો રાખે છે, હરિપ્રસાદ ચૉરસિયા રોજ સવારે બાંસુરીવાદનનો અભ્યાસ કરે છે, પોતાની કલાનું નિરન્તરનું અનુશીલન કરે છે. તે સાધના છે, પણ બાહ્ય વસ્તુ છે.

રાજશેખર કહે છે, કવિત્વશક્તિ, પ્રતિભા અને વ્યુત્પત્તિથી પૃથક, ભિન્ન, જુદી છે. કવિત્વશક્તિ કર્તારૂપ છે અને પ્રતિભા તથા અભ્યાસ કર્મરૂપ છે. કવિત્વશક્તિ હશે તો પ્રતિભા ઉત્પન્ન થશે, અને શક્તિસમ્પન્ન હશે એ જ વ્યુત્પન્ન હશે.

પ્રતિભા જેવા કંઈક રહસ્યમય ભાસતા કાવ્યહેતુને રાજશેખર આમ વાસ્તવની ધરા પર લાવ્યા, આત્મપરીક્ષણ સૂચવતી કવિત્વશક્તિનો નિર્દેશ કર્યો તેની નૉંધ લેવી જોઈએ.

કોઈને ઉતાવળથી પ્રતિભાશાળી કે પ્રતિભાનિકટનો – જીનિયસ કે બૉર્ડર લાઇન જીનિયસ – કહેવા કરતાં, તેની કવિત્વશક્તિના તોલમોલ કરવા તે વધારે ઉચિત દીસે છે.

= = =

(May 2, 23 : Ahmedabad)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

 ભાવિ કેવું હશે …?

'દીપક', ચૈતન્ય જોષી|Opinion - Opinion|2 May 2023

ચરણની ગતિ  કહેશે તમારું ભાવિ કેવું હશે?

તમારી જ મતિ કહેશે તમારું ભાવિ કેવું હશે ?

નથી જરૂરત કુંડળી કે હસ્તરેખા સમજવાની,

એ તમારા વતી કહેશે તમારું ભાવિ કેવું હશે ?

નથી જરૂરત ગ્રહદોષ નિવારણ કરવાની વળી,

વિષયોમાં જ રતિ કહેશે તમારું ભાવિ કેવું હશે ?

નથી જરૂરત પાણી પીવડાવવાની વૃક્ષમૂળમાં,

તમારી નિજી નીતિ કહેશે તમારું ભાવિ કેવું હશે?

નથી જરૂરત વ્રત – જપ – તપ કરીને દેહદમનની,

ધર્મમાં થતી પ્રગતિ કહેશે તમારું ભાવિ કેવું હશે.

નથી જરૂરત કોઈના પદ પખાડી ચરણરજ તણી,

તમારી વાણી વદતી કહેશે તમારું ભાવિ કેવું હશે ?

પોરબંદર.
e.mail : joshichaitanya568@gmail.com

Loading

...102030...1,1541,1551,1561,157...1,1601,1701,180...

Search by

Opinion

  • સત્ય, તથ્ય અને નિસબતનો દસ્તાવેજ એટલે ડાર્વિનની આત્મકથા
  • રાજનીતિમાં વૈચારિક સફાઈના આગ્રહી: પંડિત દીનદયાલ
  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved