Opinion Magazine
Number of visits: 9667481
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ચાલો, સંસ્કૃત કાવ્યશાસ્ત્રની દિશામાં (૪)

સુમન શાહ|Opinion - Literature|5 May 2023

ભાવયિત્રી પ્રતિભા અને આલોચક –

રાજશેખર મનુષ્ય-વ્યક્તિની પ્રતિભાના બે પ્રકાર દર્શાવે છે : કારયિત્રી પ્રતિભા અને ભાવયિત્રી પ્રતિભા. કારયિત્રી કવિને ઉપકારક નીવડે છે, ભાવયિત્રી ભાવકને. કારયિત્રી પ્રતિભાની સત્તાએ સર્જનનું કાર્ય સમ્પન્ન થાય છે. ભાવયિત્રી પ્રતિભાની સત્તાએ ભાવનનું કાર્ય સમ્પન્ન થાય છે.

એમની દૃષ્ટિએ ભાવક આલોચક છે. એમણે પ્રાચીનોનો મત ટાંકીને કહ્યું છે કે કવિ અને આલોચક જુદા નથી, એટલું જ નહીં, આલોચક પણ કવિ છે. 

આપણા જમાનાની બલ્ગેરિયન-ફ્રૅન્ચ ફિલસૂફ જુલિયા ક્રિસ્તેવા કહે છે કે બધી ભાષાકૃતિઓ એકબીજા સાથે જોડાયેલી છે, ભાષાકૃતિઓની એક જાળ છે. એ જાળ રચાઈ છે, આન્તરપાઠત્વથી – ઇન્ટરટૅક્સ્ચ્યુઆલિટીથી. તાત્પર્ય એ છે કે સર્જન અને વિવેચન વગેરે લેખનો પણ આન્તરપાઠત્વથી જોડાયેલી ભાષાકૃતિઓ જ છે, તેમની વચ્ચે ઉચ્ચાવચ ભેદ ઊભા કરવાનો ખાસ કોઈ સાર નથી.

એટલે, પ્રશ્ન એ છે કે સર્જકનો કે વિવેચકનો કોનો મહિમા કરવો. ઉત્તર સ્પષ્ટ છે, બન્નેનો. કેમ કે, મનુષ્યચિત્તની બન્ને વિશેષતાઓ છે, ફૅકલ્ટીઝ છે.

રાજશેખર કારયિત્રીના ત્રણ પેટા પ્રકાર દર્શાવે છે : સહજા, આહાર્યા, ઔપદેશિકી.

૧ : 

પૂર્વ જન્મના સંસ્કારબળે લાધેલી જન્મજાત પ્રતિભા સહજા છે. એ જન્મજાત છે તેથી આ જન્મના અલ્પ સંસ્કારોથી પણ ઉદ્બુદ્ધ થઈ જાય છે.

૨ :

શાસ્ત્રો અને કાવ્યોના અભ્યાસથી ઉત્પન્ન થયેલી પ્રતિભા આહાર્યા છે. આહાર્યા-પ્રતિભાને અધિક સંસ્કાર અથવા અધિક અભ્યાસની જરૂરત પડે છે. 

૩ : 

મન્ત્ર તન્ત્ર દેવતા ગુરુ આદિના વરદાનથી કે ઉપદેશથી પ્રાપ્ત થયેલી પ્રતિભા ઔપદેશિકી છે. આ પ્રતિભાનો જન્માન્તર સાથે કશો જ સમ્બન્ધ નથી. એને હમેશાં વરદાન અને ઉપદેશોની જરૂરત પડે છે. 

આ ત્રણ કારયિત્રી પ્રતિભાના અનુલક્ષમાં કવિઓના પણ રાજશેખરે ત્રણ પ્રકાર કહ્યા છે : 

૧ : 

સારસ્વત – એની સરસ્વતી જન્માન્તરીય સંસ્કારોથી પ્રવૃત્ત થતી હોય છે. એવો જન સ્વાભાવિકપણે જ બુદ્ધિમાન સારસ્વત કવિ છે. 

૨ :

કવિઓનો બીજો પ્રકાર, આભ્યાસિક છે. એની સરસ્વતી આ જન્મના સંસ્કારોથી ઉન્મેષિત થતી હોય છે. એવો શાસ્ત્રાભ્યાસજન્ય બુદ્ધિવાળો જન આભ્યાસિક કવિ છે. 

૩ :

મન્દબુદ્ધિ હોવા છતાં મન્ત્રોપદેશ કે અનુષ્ઠાન આદિના પ્રતાપે વાણીના વૈભવનું પ્રદર્શન કરનારો જન ઔપદેશિક કવિ છે.

કવિઓમાં તારતમ્ય હોય છે. કહેવાયું છે કે કેટલાક કવિઓની રચનાઓ એમના ઘરની ચાર દીવાલોમાં વિચરણ કરતી રહી જાય છે. કેટલાકની રચનાઓ એમના મિત્રોના ભવન સુધી જ પ્હૉંચતી હોય છે. તો કેટલાકની રચનાઓ સૌના મુખ પર પદન્યાસ કરતી કરતી વિશ્વભ્રમણની ઇચ્છા પૂર્ણ કરે છે. 

કયા વિચારોનો મહિમા કરવો…

Which thoughts to italicized…

Pic courtesy : Fiction University

ગુજરાતી સાહિત્યના આપણા વિવેચકો ઉક્ત પ્રતિભાભેદ અને ઉક્ત તારતમ્ય અનુસાર, આપણા સર્જકોના લેખાંજોખાં માંડે તો ખાસ્સું સ્વચ્છ ચિત્ર જોવા મળે. બાકી, ઍવૉર્ડીઓ અને ઇનામદારોથી મોટા ભાગના વિવેચકોની આંખો અંજાયેલી રહે છે, તેથી કેટલીયે વાર આંધળે બ્હૅરું કુટાય છે. સ્વીકારવું રહ્યું કે સમસામયિક સમીક્ષાદૃષ્ટિ ઠીકઠીક ધૂંધળી છે. 

રાજશેખર દર્શાવે છે કે ભાવયિત્રી પ્રતિભા, ભાવક કે આલોચક માટે ઉપકારક નીવડે છે. આ પ્રતિભા, કવિ માટે પણ ઉપકારક નીવડે છે. ભાવયિત્રી પ્રતિભા ધરાવતો આલોચક કવિની કવિતા-લતાને સ-ફલ બનાવે છે. પ્રાચીન આચાર્યો કહે છે કે કવિ અને આલોચકમાં ભેદ નથી, કેમ કે બન્ને કવિ છે.  

પણ કાલિદાસ કવિત્વ અને ભાવકત્વને ભિન્ન ગણે છે. કવિ શબ્દરચના કરે છે, આલોચક એનું રસાસ્વાદન કરે છે. એમ પણ કહેવાયું છે કે કેટલાક જન વાણીની કવિતા રચવામાં નિપુણ હોય છે, તો કેટલાક જન તેનું શ્રવણ કરવામાં પ્રવીણ હોય છે. 

મહાકવિ ગણાતા જૈન કવિ મંગલ આલોચકોના બે પ્રકાર દર્શાવે છે : અરોચકી અને સતૃણાભ્યવહારી. 

૧ :

અરોચકી આલોચકને સારામાં સારી કૃતિ પણ ઠીક નથી લાગતી. 

૨:

સતૃણાભ્યવહારી આલોચકો સામાન્ય હોય છે, નવાસવા હોય છે અને કુતૂહલને કારણે બધે બધી રચનાઓ વિશે કંઈ ને કંઈ કહી બેસે છે.  

જો કે, વામનના મતે અરોચકી અને સતૃણાભ્યવહારી તો કવિઓ પણ હોય છે ! 

રાજશેખર ભાવક કે આલોચકના ચાર પ્રકાર દર્શાવે છે : અરોચકી અને સતૃણાભ્યવહારી. ઉપરાન્ત, મત્સરી અને તત્ત્વાભિનિવેશી. 

મત્સરી આલોચકો ઈર્ષાને કારણે એક પણ રચનાને પસંદ નથી કરતા, કંઈ ને કંઈ દોષ કાઢે છે. 

પરન્તુ, તત્ત્વના અભિનિવેશી આલોચકો નિષ્પક્ષ અને સચ્ચાઇને વરેલા હોય છે.  

રાજશેખરે અરોચકીના પણ બે પ્રકાર દર્શાવ્યા છે : 

એક છે, સ્વાભાવિકી અરોચકતા. એના પર કેટલાયે સંસ્કાર કરો, નષ્ટ નથી થતી. 

બીજી અરોચકી છે, જ્ઞાનયોનિ. આલોચકની અરોચકતા જો જ્ઞાનજન્ય હોય તો કશીક વિશિષ્ટ રચના પર રોચકતા ઉત્પન્ન થાય છે.

સામ્પ્રતમાં આપણા કેટલા વિવેચકોએ કેટલી સર્જનાત્મક કૃતિઓનું રસાસ્વાદન કર્યું હશે? આપણા કયા વિવેચકો શ્રવણ-પ્રવીણ છે? હિસાબ તો માંડો. નિરાશ થઈ જવાશે. વર્તમાનમાં શોધીએ તો નથી મળતો અરોચકી કે સતૃણાભ્યવહારી, મત્સરી કે તત્ત્વાભિનિવેશી. 

સર્જનના તમામ સંકેતાર્થો મરણપથારીએ છે, છતાં, જ્યાં નજર પડે ત્યાં બસ સર્જકો જ સર્જકો છે ! શું કરવાનું …

= = =

(05 / 05 / 23 : Ahmedabad)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

આલમ આરા : પહેલી બોલતી ફિલ્મનો ખોવાઈ ગયેલો અવાજ

રાજ ગોસ્વામી|Opinion - Opinion|5 May 2023

રાજ ગોસ્વામી

ભારતની સાંસ્કૃતિક પરંપરામાં ઇતિહાસને સાચવી રાખવાની ખાસ રુચિ કે વૃત્તિ નથી એ આરોપ નવો નથી અને તેના પુરાવા અવારનવાર મળતા રહે છે. દાખલા તરીકે, ગયા વર્ષે એક સમાચાર આવ્યા હતા કે ભારતની પહેલી બોલતી હિન્દી ફિલ્મ સાથે જોડાયેલી એક માત્ર ચીજ સાડી વેચવાની એક દુકાનમાં કાટ ખાતી મળી આવી હતી.

એ ફિલ્મનું નામ ‘આલમ આરા’ (વિશ્વનો પ્રકાશ) છે અને એ ચીજનું નામ છે બેલ એન્ડ હોવેલ ફિલ્મ પ્રિન્ટીંગ મશીન. 1931માં બનેલી આ ફિલ્મની પ્રિન્ટ આ મશીન પરથી કાઢવામાં આવી હતી. આ ફિલ્મ સાથે જોડાયેલી તમામ ચીજો અને તેની પ્રિન્ટ સાવ જ ખોવાઈ ગઈ છે. એના થોડા ઘણા ફોટા અને એક આ મશીન જ બચ્યું છે.

સૌતિક બિશ્વાસ નામના પત્રકારે 2022માં, બી.બી.સી. પર એક અહેવાલ આપ્યો હતો કે ‘આલમ આરા’ના નિર્દેશક અરદેશિર ઈરાની આ મશીન લાવ્યા હતા. મુંબઈમાં ફિલ્મ સ્ટુડીઓ અને લેબોરેટરી ચલાવતા નલિન સંપત નામના એક બિઝનેસમેનના દાદાએ 1962માં 2,500 રૂપિયામાં આ મશીન ખરીદ્યું હતું. 2000ની સાલ સુધી તેઓ આ મશીન પર ફિલ્મ્સ ડિવિઝનની ફિલ્મોની પ્રિન્ટ કાઢતા હતા. એ પછી ડિજિટલ ફિલ્મોની ટેકનોલોજી આવી તે પછી મશીન નવરું થઇ ગયું.

અહેવાલ પ્રમાણે, મુંબઈમાં ફિલ્મ હેરિટેજ ફાઉન્ડેશન ચલાવતા શિવેન્દ્ર સિંહ ડુંગરપુર નામના ફિલ્મ મેકર અને રીસ્ટોરર છેલ્લા એક દાયકાથી ‘આલમ આરા’ની કોપી શોધતા હતા. ફિલ્મ તો ન મળી પણ અકસ્માતે આ મશીન મુંબઈના દાદર વિસ્તારમાં પેઠણી સાડીઓની દુકાનમાંથી મળી આવ્યું હતું. આ દુકાન અગાઉ સિને ફોટો કેમિકલ વર્કસ તરીકે ઓળખાતી હતી. નલિન સંપત તેના માલિક હતા. તેમના દાદા દ્વારકાદાસ સંપત કોહીનૂર ફિલ્મ કંપનીના સ્થાપક હતા.

મજાની (કે દુઃખની?) વાત એ છે કે અરદેશિર ઈરાની જે વખતે મુંબઈમાં ‘આલમ આરા’ બનાવી રહ્યા હતા ત્યારે તેમનો સ્ટુડીઓ ઈરાની ભાષામાં ‘લોર ગર્લ’ નામની પહેલી બોલતી ફિલ્મ બનાવી રહ્યો હતો. આ ફિલ્મમાં ‘આલમ આરા’ના જ બેકગ્રાઉન્ડ એકટરો અને કપડાં વાપરવામાં આવ્યાં હતાં. ડુંગરપુરે બી.બી.સી.ને કહ્યું હતું કે, “ઈરાનની આર્કાંઇવ્સમાં ‘લોર ગર્લ’ ફિલ્મ સચવાયેલી પડી છે, પણ ભારતમાં ‘આલમ આરા’ ખોવાઈ ગઈ.”

1886માં, પૂણેના પારસી પરિવારમાં જન્મેલા અરદેશિર ઈરાની મોટા થઈને અમેરિકાના યુનિવર્સલ સ્ટુડીઓના પ્રતિનિધિ બન્યા હતા અને મુંબઈમાં એલેકઝાન્ડર સિનેમા ચલાવતા હતા. એમાંથી જ તેમણે ફિલ્મ બનાવવાની કળા-કારીગરી આવડી હતી. 1917માં તેમણે પહેલી મૂંગી ફિલ્મ ‘નળ દમયંતી’ બનાવી હતી. એ અનુભવ પરથી તેમણે 1922 અને 1924માં બે ફિલ્મ કંપનીઓ ભાગીદારીમાં સ્થાપી હતી.

1925માં તેમણે પોતાની સ્વતંત્ર પ્રોડક્શન કંપની ‘ઈમ્પીરિયલ ફિલ્મ્સ’ સ્થાપી હતી. આ કંપની 62 ફિલ્મો બનાવવાની હતી. છ વર્ષ પછી, તેમની આ કંપનીએ સાઉન્ડ ટેક્નોલોજીનો ઉપયોગ કરીને પહેલી બોલતી ફિલ્મ ‘આલમ આરા’ બનાવી. ફિલ્મ 14 માર્ચ 1931ના રોજ રિલીઝ થઇ હતી.

તેમાં એક રાજા અને તેની બે ઝઘડાખોર રાણીઓની વાર્તા હતી. એમાં એક ફકીર ભવિષ્યવાણી કરે છે કે એક રાણી રાજાનો વારસદાર પેદા કરશે. ગુસ્સામાં આવેલી બીજી રાણી રાજાના મંત્રીને પ્રેમ કરવા લાગી જાય છે, પણ મંત્રી તેનો ઇનકાર કરે છે એટલે રાણી તેને કારાવાસમાં નાખી દે છે અને તેની પુત્રી આલમ આરાને દેશ નિકાલ કરી દે છે. આલમ આરા મોટી થઈને પછી આવે છે અને રાજકુમારના પ્રેમમાં પડે છે. બંને રાણીનાં કરતુત ઉઘાડાં પાડે છે અને મંત્રીને છોડાવે છે.

મૂળમાં, 1929માં અમેરિકામાં ‘શો બોટ’ નામની એક આંશિક રીતે બોલતી ફિલ્મની વાર્તા પરથી મુંબઈના નાટકકાર જોસેફ ડેવિડે એ જ નામનું એક નાટક બનાવ્યું હતું. તેના પરથી પ્રેરાઈને ઈરાનીએ ‘આલમ આરા’ બનાવી હતી.

ફિલ્મમાં, માસ્ટર વિઠ્ઠલ નામના એક્ટરે રાજકુમારનો, ઝુબેદા નામની એક્ટ્રેસે આલમ આરાનો, પૃથ્વીરાજ કપૂરે મંત્રીનો, બિબ્બોએ આલમ આરાની બહેનપણીનો અને મુહમ્મદ વઝીરે ફકીરની ભૂમિકા કરી હતી. ફિલ્મમાં 7 ગીતો હતાં. એમાંથી બે ગીતો ‘દે દે ખુદા કે નામ પે પ્યારે’ લોકપ્રિય થયું હતું, જે મુહમ્મદ વઝીરે ગાયું હતું.

કહેવાય છે કે પૃથ્વીરાજ કપૂર મુંબઈ આવ્યા પછી અરદેશિર ઈરાનીને મળવા સ્ટુડિયો પર ગયા હતા. ત્યાં તેમણે અફઘાન ગાર્ડ સાથે રાત પસાર કરી હતી. સવારે અરદેશિર ઈરાનીએ જોયા તો તેમને આ ઊંચો-ગોરો પઠાણ ગમી ગયો હતો અને ‘આલમ આરા’માં ભૂમિકા આપી હતી.

તે વખતની સાઉન્ડ ટેક્નોલોજી આજની સરખામણીમાં બાળ-રમત જેવી હતી. તે વખતે રેકોર્ડિગનાં સાધનો ન હતાં, એટલે એક્ટરો સંવાદ બોલતી વખતે તેમના ખિસ્સામાં માઈક્રોફોન મૂકી રાખતા હતા. બીજું, ફિલ્મનું શુટિંગ મુંબઈની મેજેસ્ટીક ટોકીઝમાં કરવામાં આવ્યું હતું. ત્યાં લોકલ ટ્રેનની અવરજવર રહેતી હતી. એ ટ્રેનોનો અવાજ ન આવે તે માટે ફિલ્મને મધરાત પછી 1થી 4 વચ્ચે શૂટ કરવામાં આવી હતી.

ઈરાનીએ એક જૂના ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે તેમણે મુંબઈ આવેલા એક વિદેશી નિષ્ણાત મી. ડેમિંગ પાસેથી સાઉન્ડ રેકોર્ડિંગની પાયાની તકનીક શીખી હતી. આ ડેમિંગ પ્રોડ્યુસરો પાસેથી એક દિવસના 100 રૂપિયા લઈને સાઉન્ડ રેકોર્ડ કરી આપતા હતા. એ જમાનામાં 100 રૂપિયા મોટી રકમ હતી એટલે ઈરાનીએ કરકસર કરવા માટે જાતે જ ફિલ્મનું રેકોર્ડિંગ કરવાનું નક્કી કર્યું હતું.

ફિલ્મ રિલીઝ થઇ ત્યારે તેની અંગ્રેજી જાહેરખબરમાં એક લાઈન લખવામાં આવી હતી – ઓલ લિવિંગ. બ્રીધિંગ. હન્ડ્રેડ પરસેન્ટ ટોકિંગ. હિન્દીમાં લખવામાં આવ્યું હતું – 78 મુર્દે ઇન્સાન ઝિંદા હો ગયે. ઉનકો બોલતે દેખો. તેનો અર્થ એ હતો કે 78 એક્ટરોએ ‘આલમ આરા’માં તેમનો અવાજ આપ્યો હતો.

બોલતી ફિલ્મની વાત જ નવી હતી એટલે ‘આલમ આરા’ સફળ રહી અને તેનાથી પ્રેરાઈને ઈરાનીએ ઘણી બોલતી ફિલ્મો બનાવી. 1937માં તેમણે ‘કિસાન કન્યા’ નામની પહેલી રંગીન ફિલ્મ બનાવી હતી. ડુંગરપુર કહે છે, “હિન્દી ફિલ્મોમાં બોલતી ફિલ્મોની અસાધારણ શરૂઆત કરનાર આ ફિલ્મની એક પણ નકલ આપણે સાચવી શક્યા નથી તે દુઃખદ વાત છે. તાજમહેલની જેમ તેની જાળવણી થવી જોઈતી હતી.”

સૌતિક બિશ્વાસ પેલા અહેવાલમાં લખે છે કે 1912 અને 1931 વચ્ચે બનેલી 1,138થી વધુ મૂંગી ફિલ્મોનો અત્તોપત્તો નથી. પૂણેની ફિલ્મ ઇન્સ્ટિટ્યૂટમાં આમાંની 29 ફિલ્મો સચવાઈ છે. આપણી એટલી બેદરકારી છે કે આ ફિલ્મોની પ્રિન્ટ્સ અને નેગેટિવ્ઝ દુકાનોમાં, ઘરોમાં, ભોંયતળિયે, વખારોમાં અને થાઈલેન્ડનાં સિનેમા ઘરોમાં રખડતી મળી હતી. ફિલ્મસર્જક મૃણાલ સેન 1980માં એક ફિલ્મનું શુટિંગ કરતા હતા ત્યારે જૂની બંગાળી બોલતી ફિલ્મની પ્રિન્ટ એક જૂનાં મકાનમાંથી મળી આવી હતી.

મુંબઈમાં ફિલ્મ પ્રોપ્સ વેચવાનું કામ કરતા શહીદ હુસેન અન્સારી પાસે ‘આલમ આરા’ની એક બૂકલેટ છે. તેમણે બી.બી.સી.ને કહ્યું હતું, “અમારી પાસે આ 60 વર્ષથી છે. મેં સાંભળ્યું છે કે ફિલ્મની આ એક જ ચીજ બચી છે. આવી ચીજોનું શું મૂલ્ય છે એ કોઈએ ખબર નથી.”

(પ્રગટ : ‘સુપરહિટ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, “સંદેશ”; 03 મે 2023)
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

બધાં એટલું બધું ભલું કરવા માંગે છે કે હવે ભલું ન થાય તો સારું એમ થાય છે…

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|5 May 2023

રવીન્દ્ર પારેખ

આપણે ખૂબ ભલા સમયમાં અત્યારે જીવી રહ્યાં છીએ. જે આવે છે તે આપણું ભલું કરવા જ આવે છે. કોઈ કહે છે કે તંદુરસ્તી માટે દૂધ પીઓ ને આપણે દૂધ મોઢે માંડીએ કે બીજો કહે છે દૂધ નુકસાન કરી શકે છે. કોઈ વીડિયો શેર કરે છે કે પાણી પીવાય એટલું પીઓ ને આપણે પાણી પીવા જઈએ કે બીજો વીડિયો ટપકે છે કે વધારે પડતું પાણી નુકસાનકારક છે. આખો દિવસ આવું તો એટલું ભલું થતું રહે છે કે આપણને આપણાં મગજ વિષે પ્રશ્ન થાય કે એ પોતે કોઈ નિર્ણય લેવા સક્ષમ છે કે કેમ? જો છે, તો લોકો આટલી નિસ્વાર્થ સેવા શું કામ આપતાં હશે? હવે તો નિસ્વાર્થપણું ય વાગે છે. લોકો એટલા ભલા થઈ ગયા છે કે ફોરવર્ડ થયેલો મેસેજ પોતે પછી જોશે, પણ પહેલાં મિત્રોને, ગ્રૂપમાં ફોરવર્ડ કરશે ને એ એટલું લાંબું ચાલે છે કે મેસેજ વાંચવાનું જ ચુકાઈ જાય છે. હવે તો પોતે ન વાંચીને બીજાને ફોરવર્ડ કરવાની ફરજ લોકો બજાવી રહ્યા છે. વિચાર આવે છે કે મલાઈ વગર આટલી ભલાઈ થાય છે તો ખરેખર મલાઈ હોય તો શું થાય? બને કે ભલાઈ કરીને થાકેલા મિત્રો મલાઈ મોકલવામાં આળસ કરી જાય.

પૈસા કૈં ઝાડ પર લાગતા નથી, એમ કહેવાય છે, પણ મૈસુરમાં સુબ્રમણ્યમ્‌ રાયના આંબાના ઝાડ પર કરોડ રૂપિયા ઊગી નીકળ્યા ને તે આઈ.ટી. અધિકારીને દરોડા દરમિયાન મળી આવ્યા, એમાં દેશનું ભલું હશે, બીજી તરફ કૈં પણ ખબર પડે એ પહેલાં આપણાં ખાતામાંથી પૈસા પગ કરી જાય એમાં હેકરનું ભલું હશે, એમ જ ને?  જામનગરમાં હિંદુસેનાએ ‘ધ કેરાલા સ્ટોરી’ બહેનોને આજના શોમાં મફત બતાવવાનું આયોજન કર્યું છે. છે ને કમાલ ! સરકાર મફત અનાજ આપે છે તો હિંદુસેના મફત ફિલ્મ આપે છે. મિનિસ્ટ્રી ઓફ સોશિયલ જસ્ટિસ એન્ડ એમ્પાવર્મેન્ટ દ્વારા 14,567 ટોલ ફ્રી નંબરની શરૂઆત કરવામાં આવી છે, જેનો સંપર્ક કરવાથી વડીલોની સમસ્યાઓનું સમાધાન થાય છે. સિનિયર્સને સલાહની જરૂર હોય તો શારીરિક, માનસિક, કાનૂની માર્ગદર્શન મેળવી શકે છે, પણ ગજવામાં હાથ તો સિનિયરે જ નાખવો પડે એમ છે. આટલી ભલાઈ સરકાર કરે છે, પણ સિનિયર્સને રેલવે કન્સેશન આપવાનું સરકારે બંધ કર્યું છે તે એટલે કે સિનિયર્સ દોડાદોડી ન કરે. વૃદ્ધો વ્યાજની આવક પર જીવતા હતા, એમને આવક ઓછી કરવામાં સરકારે એટલે મદદ કરી કે ખોટા ખરચા ન કરે. આવી મદદના પરપોટા ફૂટતા જ રહે છે, પણ ખરી મદદ તો વૃદ્ધોએ પોતાને કરવાની રહે. એમ કરીને બધાં જ સિનિયર્સને સ્વાવલંબી રાખવા માંગે છે, એવું નહીં?

રહી વાત યુવાનોની તો એનું ભલું કરવા એક્ટરો ને ક્રિકેટરો સાગમટે મેદાનમાં ઊતર્યા છે. ભારત વસ્તીમાં અને યુવા વર્ગમાં મોખરે છે, તો દેશના યુવાનોનું ભલું કરવા હિન્દી ફિલ્મ જગતના કલાકારો એલચી, પાનમસાલાની જાહેરાતો લઈને યુવકોને આકર્ષી રહ્યા છે. ખાવાનું મળે કે ન મળે, પણ યુવાનો પાનમસાલા સુધી પહોંચે એને માટે અમિતાભ બચ્ચન, અક્ષયકુમાર, શાહરુખ ખાન, સલમાન ખાન, અજય દેવગણ, રીતિક રોશન જેવા અનેક કલાકારો તનતોડ મહેનત કરી રહ્યા છે, કારણ એ લોકો જાણે છે કે એલચી જ ઓક્સિજન છે. એ ઠસાવવા આ સાહેબો મોઢામાં એલચી ઓરતા પણ બતાવાયા છે, જેથી યુવાનો, વૃદ્ધોને ખ્યાલ આવે કે જીવવા માટે પાનમસાલા કે એલચી કેટલાં જરૂરી છે ! એક વખત અનાજ નહીં હોય તો ચાલશે, પણ પાનમસાલા કે એલચી વગર તો રહેવાય જ કેમ? એ ભાન આ ફિલ્મી કલાકારો રોજ જાહેરાતોમાં કરાવતા રહે છે. દેશનું યુવાધન શારીરિક, માનસિક, આર્થિક રીતે દાવમાં મૂકવાનો બધો યશ આ મહાન કલાકારોને આપવો ઘટે.

એક જાહેરાતમાં તો સ્ત્રી પણ સેશે ફાકતી બતાવાઈ છે. ખબર નહીં કેમ, પણ આવી જાહેરાતો એક્ટ્રેસો પાસે નથી કરાવાઈ. બને કે હવે પછી એનું પ્લાનિંગ થાય. એટલું થાય તો દેશની મહિલાને પણ પાનમસાલાની ટેવ પડે ને ઘરમાં રાંધવાનું બંધ થાય. પાનમસાલાથી જ પેટ ભરવાનું હોય તો રાંધીને કામ પણ શું છે? એ રીતે અનાજની બચત થશે ને તેની નિકાસ કરીને સરકાર કમાણી કરી શકશે. આ રીતે આખા દેશના યુવક-યુવતીઓને પાન-એલચી અભિયાનમાં જોડીને હિન્દી ફિલ્મી કલાકારો કેવો ભોગ દેશને ધરી રહ્યા છે એ વિચારીએ છીએ તો છાતી આપોઆપ જ 56ની થઈ ઊઠે છે. આમ તો કેટલાક ફિલ્મી કલાકારોને પદ્મશ્રીથી સરકારે નવાજ્યા છે, પણ ‘પાન’ પુરસ્કારથી થોડા વધુ કલાકારોને નવાજવા જોઈએ ને ‘પાન’ આધારિત તપાસ પણ કરવી જોઈએ, જેથી રિકવર કરવા કલાકારોએ કેટલી એવી એડ કરવી જોઈએ એનો એમને ને લોકોને ખ્યાલ આવે. આમ તો આ કલાકારો પાન-એલચીની જાહેરાતો દ્વારા સમાજ સેવા જ કરતા હોય છે, એટલે બિચારાઓ કેટલુંક કમાઈ જતા હશે તે તો તેઓ જ જાણે ! ખરેખર તો સરકારે જ આવાં આર્થિક વિકલાંગો માટે કોઈ નિધિની સ્થાપના કરવી જોઈએ જેથી કલાકારોએ ને ભવિષ્યમાં એમની વિધવાઓએ કોઇની પાસે હાથ ન લંબાવવો પડે. આફ્ટર ઓલ, આ કલાકારો કામ તો સરકારનું જ કરે છે ને !

એક તરફ સરકાર લોકોને તમાકુ ગુટખા ખાતાં રોકવા લાખો કરોડોની જાહેરાત કરે છે ને બીજી તરફ તમાકુ કે તમાકુ પ્રોડક્ટ્સ પર પ્રતિબંધ નથી મૂકતી એમાં પણ લોકસેવાનો જ મહિમા છે. તે એ રીતે કે તમાકુ ન ખાવાની જાહેરાતનો ખર્ચ તો થાય જ છે, તે ક્યાંથી કાઢવો? સિમ્પલ ! તમાકુ વેચાશે તો તમાકુ ન ખાવાની જાહેરાત થઈ શકશે ને ! એક એડ અક્ષયકુમાર સિગારેટ પીતા મિત્રને તમાકુ છોડવાની સલાહ આપતી કરે છે ને બીજી એડ ‘જુબાં કેસરી’ની કરે છે. બને કે પેલો મિત્ર અક્ષયકુમારના કહેવાથી સિગારેટ છોડે ને એના જ કહેવાથી ‘જુબાં કેસરી’ કરવા નીકળી પડે, કારણ એની જાહેરાત તો અક્ષય ઉપરાંત શાહરુખ અને અજય પણ કરે છે તો એ પ્રોડક્ટ કેટલી આરોગ્યવર્ધક હશે ! હવે યુવાનો અનાજ ખાવાને બદલે પાન-એલચીથી જ પેટ ભરે એમ બને. એવું થાય તો સરકારનું કેટલું અનાજ બચે ને એ અનાજ ગરીબોને મફત વહેંચી શકાય ને ગરીબો પણ અનાજના પૈસા બચે એમાંથી પાન-એલચી જેવી ટોનિક આઈટમ ખરીદી શકે.

એ કલાકારોને વંદન કરવા જોઈએ, જેમને એમ લાગ્યું કે પાન-એલચીની જાહેરાતમાંથી કમાવું ન જોઈએ. આ તો સેવા છે, એમાંથી હોજરી ન ભરાય. અમિતાભ બચ્ચને અને અક્ષયકુમારે કંપનીને રકમ પાછી વાળી. જો કે, યુવકોને પાન-એલચીની ટેવ છૂટી ન જાય ને એ ન ખાઈને આરોગ્યને જોખમમાં ન મૂકે એટલે જાહેરાતો ચાલુ રાખીને બંને કલાકારોએ લોકસેવાનું કામ ચાલુ રાખ્યું છે, એ માટે એમને મન મૂકીને ‘થાબડીએ’. કાર્તિક આર્યન જેવા એક્ટર પર તો જાહેરાતોનો એવો પ્રભાવ પડ્યો કે જાહેરાતથી થતી નવ કરોડની આવક જતી કરી. જો કે, એણે પૈસા છોડીને નવયુવકોને પાન-એલચી ખાવા પ્રોત્સાહિત કર્યાં હોત તો સેવા થઈ હોત, પણ એ તો જેવી જેની મરજી !

આમ તો સુનિલ ગાવસ્કર અને વીરેન્દ્ર સેહવાગ કરોડોમાં રાચનારા જીવો છે, પણ તેમને ય થાય કે યુવાનો ક્રિકેટ જુએ છે તો એ પણ જુએ કે કેવી રીતે પાન-એલચી ખાઈને પોતે આમ ક્રિકેટના ગ્રાઉન્ડ સુધી પહોંચ્યા ને મહાન ક્રિકેટર બન્યા ! એટલે એ બંને એડમાં ફટકાબાજીની વાત કરતાં કરતાં સેશે મોઢામાં ઓરતા દેખાય છે. હવે આટલા મોટા ક્રિકેટરો સેશે ફાકવા માત્રથી ક્રિકેટર થઈ શકતા હોય તો યુવાનો પાન-એલચી ખાવાથી દૂર રહે? એ ખાવાના જ ! એટલે માત્ર એક્ટરો જ નહીં, ક્રિકેટરો પણ લાઈફ સેવિંગ પાન-એલચી ખવડાવવા જીવ રેડી રહ્યા છે. એમને યુવાનોની ચિંતા છે એટલે એમને જાહેરાતો દ્વારા પાન-એલચી ખાવા ખેંચે છે. આજ સુધી એલચીની જાહેરાત આવતી ન હતી, એની જાહેરાત હવે એક્ટરો ને ક્રિકેટરો ભેગા મળીને કરે છે જેથી યુવા વર્ગ ટાર્ગેટ થઈ શકે.

આમ તો યુવાનોને કામકાજ ખાસ રહ્યાં નથી એટલે આઇ.પી.એલ.ની મેચ સ્ટેડિયમમાં જઈને જોવાનો સમય મળી રહે છે. કમાલ એ છે કે એક્ટરો ને ક્રિકેટરો હવે સરખા લોકપ્રિય છે. એટલે બંને એડમાં પણ સાથે આવતા થયા છે. ધોની ને તેંડુલકર ને બીજા પણ ક્રિકેટરો મ્યુચ્યુઅલ ફંડમાં નાણાં કેમ રોકવા ને એના ’ફટકા’ કેમ ખાવા તે લોકોને શીખવે છે. કેટલાક તો રમી, વાઇલ્ડ રમી કેમ રમવી એ પણ જાહેરાતોમાં શીખવતા હતા. એ પછી ગેમનો વિકાસ થયો ને ક્રિકેટ પર વાત આવી. ડ્રીમ-11. એમાં પૈસા લગાવીને કેમ કમાવી શકાય એની જાહેરાત ધોની, હાર્દિક પંડયા અને રોહિત શર્મા જેવા ક્રિકેટરોએ કરી. આ બધા કરોડોમાં વેચાયા હોય એટલે રમનારને સ્વાભાવિક જ કમાણીનું મન થાય. યુવાનો હવે ક્રિકેટ જોતાં જ નહીં, પણ પૈસા લગાવીને ક્રિકેટ રમતા પણ થયા છે. આખી યુવાનીનો એક્ટરોએ અને ક્રિકેટરોએ આ રીતે જેટલો ઉપયોગ ભારતમાં કર્યો છે એટલો જગત આખામાં ક્યાં ય થયો નથી. દેશની યુવાનીને ધંધે લગાડવા બદલ એક્ટરોને અને ક્રિકેટરોને ધન્યવાદ આપીએ એટલા ઓછા છે.

શું કહો છો?

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 05 મે 2023

Loading

...102030...1,1511,1521,1531,154...1,1601,1701,180...

Search by

Opinion

  • સત્ય, તથ્ય અને નિસબતનો દસ્તાવેજ એટલે ડાર્વિનની આત્મકથા
  • રાજનીતિમાં વૈચારિક સફાઈના આગ્રહી: પંડિત દીનદયાલ
  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved