Opinion Magazine
Number of visits: 9743360
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

બ્રિજ ભૂષણ સિંહ: સિર્ફ એક બંદા કાફી હૈ!

રાજ ગોસ્વામી|Opinion - Opinion|4 June 2023

રાજ ગોસ્વામી

તમે એને કેશિયસ ક્લે જુનિયરના નામથી બોલાવો કે મોહમ્મદ અલીના નામથી, તેના મુક્કાની અસર એક સરખી જ હતી. બોક્સિંગની દુનિયામાં એક એકથી ચઢિયાતા મુક્કાબાજ થયા છે, પરંતુ મોહમ્મદ અલી જેવો કોઈ થયો નથી. મુક્કાબાજ જેવી અસામાન્ય રમતના ખેલાડીઓનો પરિચય લોકોને આપવો પડે, પણ અલી એક એવો મુક્કાબાજ હતો જે પૂરી દુનિયામાં કોઈ પરિચયનો મોહતાજ નહોતો. બાળકોથી ઘરડાં સુધી સૌએ તેનું નામ સાંભળ્યું છે.

એ માત્ર મુક્કાબાજ જ નહોતો, પણ એક સાંસ્કૃતિક પ્રતિક હતો, અમેરિકાના અશ્વેત સમુદાયનો અવાજ હતો. અલીની આક્રમકતા અને વિજયની ભૂખને ગોરાઓના વર્ચસ્વ સામેના પ્રતિરોધના રૂપમાં જોવામાં આવે છે. કેશિયસ ક્લે જન્મે ઈસાઈ હતો, પણ અમેરિકન સમાજમાં ચાલતા રંગભેદના વિરોધમાં મુસ્લિમ ધર્મ અંગીકાર કરીને તે મોહમ્મદ અલી બની ગયો હતો.

તેની સાથે અને તેના સમાજના લોકો સાથે થતા ભેદભાવથી તેને કેટલી પરેશાની થતી હતી તેનો એક સૂચક કિસ્સો છે.

1960માં, રોમમાં યોજાયેલા ઓલેમ્પિકમાં કેશિયસ ક્લે (ત્યારે તે મોહમ્મદ અલી બન્યો નહોતો) મુક્કાબાજીમાં પહેલો ગોલ્ડ મેડલ જીત્યો હતો. તેની ઉંમર 18 વર્ષની હતી. તેને વિમાનની મુસાફરીનો ડર લાગતો હતો અને પેરાશુટ પહેરીને તે રોમની ફ્લાઈટમાં ગયો હતો. તેણે તેનાથી આઠ વર્ષ મોટા અને કદાવર ઝિન્ગી પિત્રઝક્વાસ્‌કીને પછાડીને મેડલ જીત્યો, તો વતનમાં ઓહાયો નદી કિનારે વસેલા લુઇસવિલે શહેરમાં લગ્ન જેવો માહોલ હતો. કેશિયસ માત્ર ક્લે પરિવાર જ નહીં, શહેરના પૂરા અશ્વેત સમુદાયનું ગૌરવ વધાર્યું હતું.

એ પછી એક ઘટના બની, જે તેને મોહમ્મદ અલી બનવા તરફ એક ઔર ધક્કો મારવાની હતી.  નાનપણથી ‘નીગર’(નીગ્રો, જે અમેરિકામાં ગાળ ગણાય છે)નાં મહેણાં સાંભળીને મોટો થયેલો અલી એકવાર લુઇસવિલેની રેસ્ટોરન્ટમાં જમવા ગયો હતો, પણ તે અશ્વેત હતો એટલે રેસ્ટોરન્ટવાળાઓ તેને ખાવાનું આપવાની ના પાડી દીધી. અલી અકળાઈને ત્યાંથી નીકળી ગયો, નજીકમાં ઓહાયો નદીના જેફરસન કાઉન્ટી બ્રિજ પર ગયો અને ગળામાંથી ઓલમ્પિક ગોલ્ડ મેડલ ઉતારીને તેને નદીમાં ફેંકી દીધો.

1975માં પ્રગટ થયેલી તેની આત્મકથા ‘ધ ગ્રેટેસ્ટ’માં અલી લખે છે કે તે દિવસે બેવાર અપમાન થયું હતું. અલી અને એના ભાઈબંધની મોટરબાઈક ચોરતી ગેંગના એક માણસ સાથે મારામારી થઇ હતી. એ બંનેની બાઈક ચોરવા આવ્યો હતો. એ પહેલાં રેસ્ટોરન્ટ વાળાએ તેને અશ્વેત હોવાથી કાઢી મુક્યો હતો. મેડલને ફેંકી દીધો તે ક્ષણને યાદ કરીને અલી લખી છે, “મને ત્યારે પીડા કે પસ્તાવો થયો નહોતો, માત્ર રાહત અને નવી તાકાત મળી હતી.”

•••

મંગળવારની સાંજે, દિલ્હીમાં જંતર-મંતર પર છેલ્લા એક મહિનાથી ધરણાં કરી રહેલાં દેશનાં પહેલવાનો (વિનેશ ફોગાટ, સાક્ષી મલિક અને બજરંગ પુનિયા) તેમના ઓલેમ્પિક તેમ જ વિશ્વ મેડલ ગંગા નદીમાં વિસર્જિત કરવા માટે હરદ્વાર પહોંચ્યાં ત્યારે, સોશિયલ મીડિયા પર ઘણા લોકોએ મોહમ્મદ અલીની ઘટનાને તાજી કરી હતી (અમુક લોકોએ જો કે અલીની કહાનીને કાલ્પનિક પણ ગણાવી હતી, કારણ કે અલીનો મેડલ નદીમાં ડૂબી ગયો હતો કે તેનાથી ક્યાંક ખોવાઈ ગયો હતો તેને લઈને સ્પષ્ટતા નથી.)

પહેલવાનો ગંગા કિનારે પહોંચી પણ ગયાં હતાં, પરંતુ કિસાન નેતા નરેશ ટિકૈતની સમજાવટથી તેમણે પાંચ દિવસ માટે મેડલોનું વિસર્જન મુલતવી રાખ્યું હતું. ભારતીય પહેલવાન સંઘના ભૂતપૂર્વ અધ્યક્ષ અને ભારતીય જનતા પાર્ટીના સાંસદ બ્રિજ ભૂષણ સિંહ સામે મહિલા પહેલવાનોના જાતીય શોષણના આરોપસર ત્રણ પહેલવાનો એક મહિનાથી ધરણાં કરી રહ્યાં છે. રવિવારે, નવી સંસદના ઉદ્દઘાટન વખતે સંસદ સામે જ મહિલા પંચાયતનું આયોજન કરવા બદલ દિલ્હી પોલીસે પહેલવાનો સામે કાર્યવાહી કરી હતી, તેમની અટકાયત કરવામાં આવી હતી, ફરિયાદ દાખલ કરવામાં આવી હતી અને ધરણા સ્થળ ખાલી કરવામાં આવ્યું હતું. પરિણામે, પહેલવાનોએ મેડલને ગંગામાં વહાવી દેવાનું નક્કી કર્યું હતું.

તેમણે કહ્યુ હતું, “અમને આ મેડલોની જરૂરનથી કારણ કે તેને લટકાવીએ છીએ ત્યારે વહીવટીતંત્ર મોહરા તરીકે અમારોઉપયોગ કરે છે અને પછી અમારું શોષણ કરે છે. અમે જો શોષણ સામે બોલીએ તો જેલમાં પુરવાની ધમકી આપે છે. અમે તેને મા ગંગામાં વહાવી દઈશું. અમે ગંગાને પવિત્ર માનીએ છીએ – અમે મેડલો જીતવા માટે એટલી જ પવિત્રતાથી મહેનત કરી છે.”

બ્રિજ ભૂષણ સિંહ સામે પહેલવાનોનો વિરોધ સરકાર માટે શરમજનક સ્થિતિએ પહોંચ્યો છે. જે દિવસે ધરણાં કરી રહેલાં પહેલવાનોને દિલ્હી પોલીસ સડક પર ઘસેટી રહી હતી તે જ દિવસે બ્રિજ ભૂષણ સિંહ નવી સંસદમાં ખુશખુશાલ ચહેરે સેલ્ફી પડાવતા હતા. બંને વિરોધાભાસી દૃશ્યો આખા દેશે જોયાં હતાં.

રવિવાર અને મંગળવારની ઘટના પછી ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટીએ એક નિવેદનમાં કહ્યું છે કે પહેલવાનો સાથેનો વ્યવહાર અસ્વસ્થ કરનારો છે. કમિટીએ આરોપો સામે ઝડપી પોલીસ કાર્યવાહીની માંગણી કરી છે.

પોલીસ બ્રિજ ભૂષણ સિંહ સામે કેમ કારવાઈ નથી કરી રહી તે આશ્ચર્ય છે. તેની સામે એક સગીર વયની પહેલવાનના જાતીય શોષણનો આરોપ છે. દિલ્હી પોલીસે તેના પરથી 29 એપ્રિલે પોક્સો ધારામાં ફરિયાદ દાખલ કરી છે. દિલ્હી પોલીસ પહેલવાનોના આરોપો પર ધ્યાન નથી આપતી તેવી ફરિયાદ સાથે તેમણે સુપ્રીમ કોર્ટના દરવાજા ખટખટાવ્યાં પછી પોલીસે સિંહ સામે ફરિયાદ દાખલ કરી હતી.

પોક્સો ધારા બાળકોના યૌન શોષણને રોકવા માટેનો કાનૂન છે અને તેમાં તત્કાળ ધરપકડની જોગવાઈ છે. ધરપકડ પછી પોલીસ આરોપીને જામીન નથી આપી શકતી. આ ધારામાં દેશમાં અનેક ધરપકડો થઇ ચુકી છે. બ્રિજ ભૂષણ સિંહ સામે તો આમ પણ 30 કેસ દાખલ થયેલા છે. તે 6 વખતથી સંસદ સભ્ય છે. ઉત્તર પ્રદેશમાં સામાજિક અને રાજકીય રૂપે તેની મોટી વગ છે.

રાજ્ય સભાના સાંસદ અને સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે સવાલ ઉઠાવ્યો છે કે પોક્સોમાં તત્કાળ ધરપકડની જોગવાઈનો અમલ ભા.જ.પ.ના સંસદ સભ્ય અને અન્ય અપરાધીઓ માટે અલગ છે? દિલ્હી પોલીસે કહ્યું છે કે આ સંવેદનશીલ કેસમાં તપાસ ચાલુ છે અને તેનો અંતિમ રિપોર્ટ સંબંધિત અદાલત સમક્ષ રજૂ કરવામાં આવશે.

પહેલવાનોના આરોપનું એક કાનૂની પાસું છે તો બીજું રાજકીય પાસું પણ છે. સાધારણ કેસ હોત તો પહેલવાનોએ સડકો પર આવવું જ પડ્યું ન હોત, પરંતુ બ્રિજ ભૂષણ સિંહનું રાજકીય-સામાજિક કદ મોટું છે. એટલે જ પહેલવાનોના ન્યાય માટે શરૂ થયેલું અંદોલન હવે રાજકીય સૂચિતાર્થો સુધી પહોંચ્યું છે.

બ્રિજ ભૂષણ સિંહ જાટ સમુદાયમાંથી આવે છે. ઉત્તર ભારતમાં જાટ સમુદાયનું વર્ચસ્વ ખૂબ છે. લગભગ 30 જેટલી લોકસભા બેઠકો પર જાટ મતો નિર્ણાયક છે. એટલા માટે રાજકીય પક્ષો સાવધાનીપૂર્વક આ મુદ્દાને સ્પર્શી રહ્યા છે. પહેલવાનોના સમર્થનમાં પહેલીવાર પ્રિયંકા ગાંધી મહિના પહેલાં બહાર આવી હતી. તે પછી તરત જ બ્રિજ ભૂષણ સિંહે આરોપ કર્યો હતો કે હરિયાણાના કાઁગ્રેસ સાંસદ દીપેન્દ્ર હૂડાએ તેમની સામે રાજકીય કાવતરું ઘડ્યું છે. હૂડાએ વળતામાં સિંહ સામે બદનક્ષીની ફરિયાદ દાખલ કરવા ધમકી આપી હતી.

ભા.જ.પ. માટે પણ સિંહ એટલા માટે જ ‘મૂલ્યવાન’ છે. એનો તાજો પુરાવો એ છે કે ખુદ બ્રિજ ભૂષણ સિંહે પોક્સો ધારામાં સુધારાની માંગણી કરી છે અને પોતાના સમર્થનમાં અયોધ્યાના સંતોને ઉતાર્યા છે. શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના અધ્યક્ષ મહંત નૃત્ય ગોપાલ દાસના ઉતરાધિકારી મહંત કમલ નયન દાસે કહ્યું છે કે સિંહને પોક્સો ધારામાં પરેશાન કરવામાં આવી રહ્યા છે. સંતોએ 5મી જૂને અયોધ્યામાં રામ કથા પાર્કમાં પોક્સો સામે જાગૃતિ રેલીનું પણ આયોજન કર્યું, જેની અયોધ્યા પ્રશાસને મંજૂરી ના આપી. સિંહે પણ આક્રમક તેવર અખાત્ત્યાર કરતાં કહ્યું છે કે , “મારી સામે એકપણ આરોપ સિદ્ધ થશે તો હું ખુદ ફાંસી લગાવી દઈશ.”

દરમિયાનમાં, તમે એક્ટર મનોજ બાજપાઈની નવી ફિલ્મ “સિર્ફ એક બંદા કાફી હૈ” જોઈ છે? તેમાં જાતીય શોષણના આરોપ હેઠળ પોક્સો ધારાનો સામનો કરી રહેલા એક બાબાના વકીલો, ફરિયાદી સગીર યુવતીને પુખ્તવયની સાબિત કરવા માટે અદાલતમાં જન્મ તારીખને લઈને પુરાવાઓનું યુદ્ધ લડે છે. 

કંઇક એવો જ વળાંક બ્રિજ ભૂષણ સિંહના કેસમાં આવ્યો છે. તેની સામે જાતીય શોષણનો આરોપ કરનારી રોહતક – હરિયાણાની સગીર પહેલવાન યુવતીના કાકાએ મીડિયા સમક્ષ દાવો કર્યો છે કે તેમની ભત્રીજી સગીર નથી અને સરકારી નોકરીની લાલચ આપીને તેની પાસે ખોટો આરોપ કરાવામાં આવ્યો છે.

પહેલવાનોનું આ અંદોલન લાંબુ ચાલ્યું તો આ કેસમાં આવા અનેક અણધાર્યા વળાંક આવશે. વળાંકોનું એ ઊંટ કઈ તરફ બેસશે એ કોઈ અનુમાન કરી શકે તેમ નથી.

લાસ્ટ લાઈન:

“નૈતિકતા એટલે તમારે પાસે શું કરવાનો અધિકાર છે અને શું કરવું અધિકૃત છે તે વચ્ચેના ફરકની સમજ.” 

— પોટર સ્ટેવર્ટ, અમેરિકન વકીલ અને જજ

(પ્રગટ : ‘ક્રોસ લાઈન’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, “ગુજરાતી મિડ-ડે”; 04 જૂન 2023)
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

મહિલા કુસ્તીબાજોની ન્યાયની માંગણી સામે તેમના સ્વમાનને જમીન પર ચત્તું પાટ પાડી તેની પર મરાયા મુક્કા

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|4 June 2023

શું એક દેશ તરીકે ભારત આ ક્યારે ય પણ સ્વીકારી શકશે કે તેના ગર્વનું કારણ બનનારી આ છોકરીઓની આ હાલ કરવામાં કોઇને પણ બે આંખની શરમ ન નડી? ચેમ્પિયન્સને ઘસડીને લઇ જવાયા એવું સમાચારોમાં વાંચીને કોઇનું પણ રુંવાડું ફરકતું નહીં હોય?

ચિરંતના ભટ્ટ

દિલ્હી – આપણા દેશનું પાટનગર ચર્ચામાં રહે એ સ્વાભાવિક છે અને રહેવું જ જોઇએ, પણ માળું કમનસીબે છેલ્લા કેટલાક વખતથી ત્યાંથી જેટલી તીવ્રતામાં સારા સમાચાર આવે છે એનાથી વધુ તીવ્રતાથી ખરાબ સમાચાર પણ આવે છે. એક તરફ વીરસાવરકરના જન્મદિવસે (ખબર નહીં શા કારણે આ જ દિવસની પસંદગી થઇ) નવા સંસદનું ઉદ્ઘાટન થયું, એમાં રાજદંડ વાળી ચર્ચાઓ ચાલી એમાં કંઇપણ સાચું-ખોટું વાઇરલ થયું, તો બીજી તરફ સોળ વર્ષની છોકરીની લોકોની અવર-જવર હોય એવી જગ્યાએ ગોઝારી હત્યા થઇ. આ બધા સમાચારોની સમાંતર એક બીજી ઘટના ચાલે છે અને એ છે કુસ્તીમાં ભારતનું નામ રોશન કરનારી મહિલા પહેલવાનો – કુસ્તીબાજોના વિરોધ પ્રદર્શનની. જાતીય સતામણીની ફરિયાદ કરનારી ભારતની શાન ગણાતી આ મહિલા પહેલવાનો સાથે દિલ્હી પોલીસે બેહૂદું વર્તન કર્યું, તેમના આ દેખાવો અંગે જાત-ભાતના પ્રતિભાવો આવ્યા કરે છે. દિલ્હી – આપણા દેશની રાજધાનીમાં મહિલાઓ સલામત નથી – અને આ આજકાલની વાત નથી, આ જ દિલ્હીનો મિજાજ છે.

કોઇપણ ખેલાડી માટે અગત્યનું શું હોય? પોતાના દેશ માટે પદક જીતવા. આંતરરાષ્ટ્રીય ફલક પર ભારતનું નામ વિજેતા તરીકે બોલાય એટલે આખા દેશમાં જુસ્સો ભરાય. આ જુસ્સા માટે જેમણે લોહી-પાણી એક કર્યાં છે એવી કુસ્તીબાજ મહિલા ખેલાડીઓના ચહેરા પર આજ ગર્વ નહીં પણ નકરી પીડા છે. રેસલિંગ ફેડરેશન ઑફ ઇન્ડિયાના વડા બ્રિજ ભૂષણ શરણ સિંઘે તેમની સાથે કરેલી જાતીય સતામણીની વાત જાહેર કરી તેનો વિરોધ કરી, તેની ધરપકડની માંગ કરી ભારતની આ વિજેતા મહિલા ખેલાડીઓ ન્યાય માંગી રહી છે. કિસાન આંદોલનના સમર્થકોએ પણ તેમની સાથે જોડાવાની જાહેરાત કરી છે. એક મહિનાથી આ દેખાવો ચાલી રહ્યા છે. નવા સંસદ ભવનની સામે આ ખેલાડીઓએ મહિલા પંચાયત ભરવાનું નક્કી કર્યું – જે તેમના અહિંસક દેખાવોનો જ હિસ્સો હતો પણ નાગરિક તરીકેના તેમના અધિકાર પર પોલીસની હિંસાનો મુક્કો પડ્યો અને તેઓ આ દેખાવો ન કરી શક્યા. શું એક દેશ તરીકે ભારત આ ક્યારે ય પણ સ્વીકારી શકશે કે તેના ગર્વનું કારણ બનનારી આ છોકરીઓનાં આ હાલ કરવામાં કોઇને પણ બે આંખની શરમ ન નડી? ચેમ્પિયન્સને ઘસડીને લઇ જવાયા, એવું સમાચારોમાં વાંચીને કોઇનું પણ રુંવાડું ફરકતું નહીં હોય? સંગીતા ફોગટ, બબીતા ફોગટ – આ બહેનો પર બનેલી ફિલ્મ દંગલ જોઇને ભલભલા લોકોને જાણે પોતાની દીકરીઓની કિંમત સમજાવા માંડી હતી, પણ અત્યારે તો રાષ્ટ્રનું નામ રોશન કરી ચૂકેલી આ ખેલાડી દીકરીઓ જે પોતાની આબરૂ સાથે થયેલી સતામણી અંગે સવાલ કરી રહી છે કે તેમની કિંમત બે કોડીની પણ ન રહી. એક અગત્યના મુદ્દા પર સવાલ ઉઠાવવા જાહેરમાં ખડી થેયલી આ મહિલા ખેલાડીઓની હાલત પણ એવી જ થઇ જેવી કોઇપણ સાધારણ નાગરિકની થઇ હોત, અથવા થતી હોય છે. વિરોધ પ્રદર્શન કરનારાઓની હાલત આજની લોકશાહીમાં કફોડીને કફોડી જ થતી જાય છે.

ભારત ખેલકૂદમાં – ક્રિકેટ સિવાયની રમતોમાં પાછળ રહ્યો છે-ના વાક્યને બદલનારા, દેશી રમતોમાં કાઠું કાઠનારા આ ખેલાડીઓ માટે સારી સવલતો નથી હોતી, તેમણે સગવડને નામે અનેક જાતના સમાધાનો કરવા પડે છે, એવા સમાચાર કંઇ નવા નથી. શારીરિક અને માનસિક બળનો ઉપોયગ કરીને પોતાના ખેલમાં જીતનારા આ કુસ્તીબાજોને વિરોધ-પ્રદર્શને નહીં પણ તેમની સાથે જે વહેવાર થયો છે એ ઘટનાએ માનસિક રીતે કેટલા તોડી નાખ્યાં હશે તેની તો કલ્પના માત્રથી પણ કંપારી છૂટી જાય છે.

મહિલા પહેલવાનોના વિરોધને ટેકો મળ્યો છે,  આંતરરાષ્ટ્રીય સ્પૉર્ટિંગ સંસ્થાઓએ આ બાબતની નોંધ લીધી છે, જેમાં ઇન્ટરનેશનલ ઑલિમ્પિક કમિટી અને યુનાઇટેડ વર્લ્ડ રેસલિંગે પણ આ ઘટનાની નોંધ લીધી. આ બધું ચાલી રહ્યું છે પણ જેની તરફ જાતીય સતામણી કરવા માટે આંગળી ચિંધાઇ રહી છે તેવા બ્રિજભૂષણ સિંહની ધરપકડ પણ નથી થઇ રહી કારણ કે દિલ્હી પોલીસનું કહેવું છે કે તેની ધરપકડ કરવા જેવા કોઇ નક્કર પુરાવા હજી સુધી મળ્યા નથી. કેટલીક મહિલા કુસ્તીબાજોએ પોક્સો હેઠળ તેમની ધરપકડ થવી જોઇએ એમ કહ્યું હતું તો પોલીસે એમ શોધી કાઢ્યું કે જે મહિલા પહેલવાને ફરિયાદ નોંધાવી એ તો સગીરા હતી જ નહીં પણ તેના પિતાનો દાવો છે કે તે યુવતી સગીર છે. આ લખાઇ રહ્યું છે ત્યારે દેશના એક રાષ્ટ્રીય અખબારમાં મુખ્ય સમાચાર છે કે બ્રિજભૂષણે જાતીય માંગણી અને સતામણી કરી હોવાના કેસિઝ બે એફ.આઇ.આર.માં વિગતવાર નોંધવામાં આવ્યા છે.

આપણે ત્યાં બિનજરૂરી ચીજોને બહુ ચગાવાય છે, આ જે થઇ રહ્યું છે તે બાબતને જેટલી ગંભીરતા લેવાવી જોઇએ એમાં આપણે, સત્તાધીશો, નાગરિકો બધા જ પાછા પડીએ છીએ. નવા સંસદભવનની બહાર મહિલા મહાપંચાયત ભરાત તો કદાત ઐતિહાસિક ગણાત કારણ કે પંચાયતોમાં મહિલાઓનું સ્થાન નામનું જ હોય છે આ બહુ જ પિતૃસત્તાક ગોઠવણ હોય છે. પરંતુ દિલ્હી પોલીસે આ થવા ન દીધું. નવા સંસદ સાથે જેની સૌથી વધુ ચર્ચા થઇ એ જો સેંગોલ ન્યાયનું પ્રતીક હોય તો આ મહિલા કુસ્તીબાજોને માટે ન્યાય ક્યારે? આવી ઘટનાઓ થાય ત્યારે બેટી પઢાઓ-બેટી બચાઓ અને મહિલા સશક્તિકરણના મુદ્દાઓ સાવ પોકળ લાગે.

વિરોધ કરવા ભેગી થયેલી આ મહિલાઓ મોટેભાગે સાધારણ પરિવારોની દીકરીઓ હોય છે, તેમની ઓળખ ઘડાય એ સાથે તે દેશને પણ ઓળખ આપે છે. દેશની દીકરીઓના અવાજ બહેરા કાને ન અફળાય એ માટે એક રાષ્ટ્ર તરીકે આપણે તેમને ન્યાય આપવો જ રહ્યો, નહિંતર રાજકીય પક્ષો વચ્ચે બંધારણ અને સંસદ અને ધર્મના અનર્થ રાજકારણમાં આપણે આપણા ગર્વના પદક પર ચઢી રહેલો કાટ જોવાનું ચૂકી જઇશું અને પછી વસવસો કરવાથી કંઇ નહીં વળે. ગર્વ કરવો હોય તો એ માટે કંઇ બચવું પણ જરૂરી છે.

બાય ધી વેઃ

આ કુસ્તીબાજો તેમનાં પદકો અને ચંદ્રકોને ગંગામાં વહેવડાવી દેવાનાં હતાં, પછી તેમણે સરકારને મુદ્દત આપીને કહ્યું કે આ મામલે જલદી જ કંઇ થવું જોઇએ. જગજીત સિંઘના અવાજમાં એક બહુ જાણીતી ગઝલ છે જે રજિંદરનાથ રાબહરે લખી છે, તેરે ખુશ્બૂ મેં બસે ખત મેં જલાતા કૈસે … આ ગઝલમાં વાત તો પ્રેમની જ છે પણ પ્રેયસીના પત્રો ગંગામાં વહેવડાવવાની વાત છે જેના કારણે ગંગાના પાણીમાં આગ લાગશે એવી કલ્પના કવિએ કરી છે. ભારતનું નામ રોશન કરનારી મહિલા કુસ્તીબાજોનાં સુવર્ણ ચંદ્રકો જો ગંગામાં વહ્યાં હોત તો તેમાં દાવાનળ ફાટત, કદાચ. વિકાસ અને સમૃદ્ધિની વાતોમાં રાચતા આપણે જે વાસ્તવિક મુદ્દાઓ છે તે અંગે કશું પણ નક્કર કરવામાંથી ચૂકી જઇએ છીએ અને જો આવું જ રહેશે તો આપણા માથા એકવાર નહીં અનેકવાર શરમના માર્યા ઝૂકી જશે અને ઝુકવા જોઇએ.

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 04 જૂન 2023
cartoon courtesy : E.P. Eunny, “The Indian Express”; 03 June 2023

Loading

દેશહિતમાં પ્રશ્ન પૂછનાર દેશદ્રોહી અને મૂંગા રહેનાર દેશપ્રેમી !

રમેશ ઓઝા|Opinion - Opinion|4 June 2023

રમેશ ઓઝા

ચીને માગણી કરી છે કે ભારતે લદાખમાં ભારત-ચીન સરહદે ૨૦ કિલોમીટરનો બફર ઝોન રચવો જોઈએ. બફર ઝોન એટલે એવો પ્રદેશ જ્યાં લોકો ભલે રહેતા હોય, ભલે તેમને નાગરિક સુવિધાઓ પૂરી પાડવામાં આવે, પણ જ્યાં સુધી બે દેશ વચ્ચે સીમા સમજૂતી ન થાય ત્યાં સુધી વ્યાપક પ્રમાણમાં લશ્કરી કે મુલ્કી બાંધકામ (ઇન્ફ્રાસ્ટ્રકચર) કરવામાં ન આવે. આ માગણી ચીને ભારત ચીન સરહદી મંત્રણાના અઢારમાં રાઉન્ડમાં કરી હતી જે ૨૩મી એપ્રિલે યોજાઈ હતી. પાંચ અઠવાડિયા કરતાં વધુ સમય થઈ ગયો પણ તમને આ વાતની જાણ હતી? આ બાબતે ભારતે શું કહેવાનું છે એ તો પછીની વાત છે, અહીં તો વાટાઘાટોમાં શું મુદ્દા ઉપસ્થિત થઈ રહ્યા છે તેની જાણકારી જ આપવામાં નથી આવતી. ચીની કે બીજા દેશોના મીડિયા દ્વારા આપણને ખબર પડે છે કે ચીન શું કરી રહ્યું છે.

સામ્યવાદી ચીને તિબેટ પર આક્રમણ કર્યું એ પછી ૭મી નવેમ્બરે સરદાર વલ્લભભાઇ પટેલે વડા પ્રધાન જવાહરલાલ નેહરુને લાંબો પત્ર લખીને સલાહ આપી હતી કે તિબેટ ભારત અને ચીન વચ્ચે બફર સ્ટેટ બની રહેવું જોઈએ. નેહરુ વિરોધી રાષ્ટ્રવાદીઓ આ પત્રની યાદ હંમેશાં કરાવે છે. આવો એક પત્ર એ સમયના કૃષિ અને અન્ન પુરવઠા પ્રધાન કનૈયાલાલ મુનશીએ પણ લખ્યો હતો. એ વાત સાચી છે કે આવું સૂચન સરદાર અને મુનશીએ કર્યું હતું, પરંતુ એ કઈ રીતે થાય તેની કોઈ રૂપરેખા બેમાંથી કોઈએ આપી નથી. તિબેટ ૧૭૨૦ની સાલથી વ્યવહારમાં ચીનના કબજામાં હતું. વાચકોએ હેનરિક હેરરનું ‘સેવન યર્સ ઇન તિબેટ’ નામનું પુસ્તક વાંચવું જોઈએ અથવા એ જ નામથી બનેલી ફિલ્મ જોવી જોઈએ. (આ પુસ્તક ગુજરાતીમાં પણ ઉપલબ્ધ છે. મહેન્દ્રભાઈ મેઘાણીએ તેનો અનુવાદ કર્યો છે) તિબેટ દુનિયાના અંધારે ખૂણે પડેલું, દુનિયામાં શું બની રહ્યું છે એની જાણકારી વિનાનું, એકલું અટૂલું, ઉપેક્ષિત, અવિકસિત, જગત કરતાં લગભગ ૫૦૦ વરસ પાછળ એવું એક રાષ્ટ્ર હતું. ૧૯૦૩માં લોર્ડ કર્ઝનના કહેવાથી કર્નલ ફ્રાન્સીસ યંગહસબંડના નેતૃત્વ હેઠળ સૈનિકોની એક ટુકડીએ તિબેટમાં પ્રવેશ કર્યો ત્યારે તિબેટના ૧૩માં દલાઈ લામા ડરીને મોંગોલિયા નાસી ગયા હતા.

ગાંધીજીએ તેમનાં દક્ષિણ આફ્રિકાનાં વર્ષો દરમિયાન પડછંદ કાયા ધરાવતા કાળાઓને એકલા અટૂલા ગોરાને જોઇને નાસી જતા જોયા હતા અને એવા નિર્ણય પર આવ્યા હતા કે જ્યાં સુધી પ્રજાની અંદર આત્મવિશ્વાસ પેદા ન થાય ત્યાં સુધી કોઈ પ્રજા બે પગે ઊભી ન રહી શકે, આઝાદી તો બહુ દૂરની વાત છે. માટે તેમણે કહ્યું હતું કે કાળાઓની મુક્તિ માટેની લડતને હજુ વાર છે. તેમનું બીજું તારણ એ હતું કે બળ બાવડામાં નથી, આત્મામાં છે.

આમ સરદાર અને મુનશીએ કહ્યું તો ખરું કે તિબેટને બફર સ્ટેટ તરીકે જાળવી રાખવું જોઈએ પણ એ કઈ રીતે તેનો કોઈ માર્ગ બતાવ્યો નહોતો. કારણ કે એવો કોઈ માર્ગ હતો જ નહીં. કાળા આફ્રિકનોની માફક તિબેટીઓ પણ પોતાની જાતઓળખ ધરાવતા નહોતા. બે પગે ઊભા રહી શકે એમ નહોતા. પણ રાષ્ટ્રવાદીઓ એવો દેખાવ કરે છે કે સરદારે રામબાણ ઉપાય સૂચવ્યો હતો જે નેહરુએ અજમાવ્યો નહોતો.

હવે ચીને એ જ ભારતના એ જ સરદારના કહેવાતા રાષ્ટ્રવાદી રાજકીય અનુયાયીઓને કહ્યું છે કે લદાખમાં ભારત અંકુશ રેખાને લાગીને એટલે કે ભારતની તરફ ૨૦ કિલોમીટરનો બફર ઝોન રચે. સરદારનાં સૂચનથી બરાબર ઊલટું. તિબેટને બફર ઝોન બનાવવાની જગ્યાએ તિબેટની આ બાજુએ ભારતમાં લદાખમાં બફર ઝોન રચવાની માગણી ચીને કરી છે. પણ ન ચૂં કે ચા. પ્રજાને જાણકારી જ આપવામાં નથી આવતી. બહારથી ખબર પડે છે કે ચીન શું કરી રહ્યું છે. ૬૪માંથી ૨૭ પેટ્રોલિંગ સ્ટેશન ભારતે ગુમાવી દીધાં છે એની જાણ બહારથી થઈ. ભારત કહી શક્યું હોત કે એ શક્ય નથી. અમે એક ઇંચ પણ જમીન જતી નહીં કરીએ. હા, સરહદ સમજૂતી માટે તૈયાર છીએ. ભારત કહી શક્યું હોત કે જો બફર ઝોન રચવા જ હોય તો અંકુશ રેખાની બન્ને તરફ બન્ને દેશો ઝોન રચે. આવું કહ્યું હોત તો જનતાને ૫૬ ઈંચની છાતીનો પરિચય પણ થાત. જાહેરસભાઓમાં મર્દાનગી જોઇને જો કેટલાક લોકો ગદગદિત થઈ જતાં હોય તો કલ્પના કરો કે ચીનને મોઢામોઢ આમ કહ્યું હોત તો તો તેમનાં ઘરે લાપશીના આંધણ મૂકાયા હોત. પણ ન ચૂં કે ન ચા.

બીજું ચીને બફર ઝોનની માગણી માત્ર લડાખ સરહદે કરી છે, અરુણાચલ પ્રદેશમાં નથી કરી. શા માટે નથી કરી? ભારતે કહેવું જોઈતું હતું કે આપણે બન્ને સમગ્ર સરહદે બન્ને તરફ બફર ઝોન રચીએ. પછીથી નિરાંતે વાટાઘાટો કરીશું અને ધીરે ધીરે વિવાદનો અંત લાવશું. યુદ્ધની સંભવના નહીં રહે અને કારણ વિનાના લશ્કરી ખર્ચાઓથી બન્ને દેશને રાહત મળશે. એ પૈસા લોકોના વિકાસ પાછળ ખર્ચી શકાશે. ચીને અરુણાચલ પ્રદેશમાં બફર ઝોનની માગણી એટલા માટે નથી કરી કે તે અરુણાચલ પ્રદેશને વિવાદિત સમજતું જ નથી. સંપૂર્ણ અરુણાચલ પ્રદેશ પર ચીન દાવો કરે છે. બને કે વાટાઘાટો દરમિયાન ભારતે બન્ને તરફ અને સમગ્ર સરહદે બફર ઝોન રચવાની માગણી કરી પણ હોય અને ચીને તે સાંભળતાની સાથે જ ઠુકરાવી દીધી હશે.

જે હોય તે, ભારત પોતાની ભૂમિકા સ્પષ્ટ કેમ નથી કરતું? શા માટે પ્રજાને વિશ્વાસમાં લેવામાં નથી આવતી? રાહુલ ગાંધી જ્યારે પૂછે છે કે ચીન સાથે શું ચાલી રહ્યું છે અને આપણે આપણો કેટલો પ્રદેશ ગુમાવ્યો છે એ દેશની જનતાને વિશ્વાસમાં લઈને કહો ત્યારે તેમને દેશદ્રોહી જાહેર કરવામાં આવે છે. દેશહિતમાં પ્રશ્ન પૂછનાર દેશદ્રોહી અને મૂંગા રહેનાર દેશપ્રેમી! બુદ્ધિનું આવું તળિયું આ પહેલાં ક્યારે ય જોવા મળ્યું નથી.

એની વે, ચીને ઉપર કહી એવી લદાખમાં થોડો ઘણો નહીં, વીસ કિલોમીટરનો બફર ઝોન રચવાની માગણી કરી છે અને એ પણ માત્ર લદાખમાં, અરુણાચલ પ્રદેશમાં નહીં. ભારત ચૂપ છે. આ ભારતના ભડવીર શાસકોની આજના દિવસની વાસ્તવિકતા છે. માટે ગાંધીજીએ કહ્યું હતું કે સાચી તાકાત કાળજામાં હોય છે, બાવડામાં કે હથિયારોમાં નથી હોતી. કૃતિ વિનાના ઠાલા શબ્દોમાં તો જરા ય નથી હોતી.

પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 04 જૂન 2023

Loading

...102030...1,1491,1501,1511,152...1,1601,1701,180...

Search by

Opinion

  • સ્ટ્રેટ ઑફ હોર્મુઝઃ “બહોત કઠિન હૈ ડગર પનઘટ કી …” ભારતની ઊર્જા સુરક્ષા પર સાંકડા માર્ગનો સકંજો
  • ચલ મન મુંબઈ નગરી—334
  • મારે મોગલ ને ફુલાય પિંજારા 
  • અસત્યના પ્રયોગો  
  • દલિત આંદોલનની દિશા કેવળ અનામત-એટ્રોસિટીમાં ઇતિ નથી

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …

Poetry

  • કવિ
  • ગઝલ
  • ગઝલ
  • કોઈ અપાવે જો એ બાળપણ પાછું …
  • પન્નાને, વેલન્ટાઈન ડે, ફેબ્રુઆરી 14, 2026 ~ સોનેટ ~ નટવર ગાંધી

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved