Opinion Magazine
Number of visits: 9743360
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

કરવા ગયા કંસાર, થઈ ગઈ થૂલી !

રમેશ સવાણી|Opinion - Opinion|24 June 2023

રમેશ સવાણી

વ્હાઈટ હાઉસ ખાતે, અમેરિકાના પ્રમુખની હાજરીમાં 22 જૂન 2023ના રોજ, યોજાયેલ પ્રેસ કોન્ફરન્સમાં ભારતના વડામપ્રધાનને Wall Street Journalના પત્રકાર Sabrina Siddiquiએ સવાલ પૂછ્યો કે : “ભારત હંમેશાં ખુદને દુનિયાનું સૌથી મોટું લોકતંત્ર કહે છે. પરંતુ ઘણા માનવ અધિકાર સંગઠનો કહે છે કે આપની સરકારે ધાર્મિક લઘુમતી સાથે ભેદભાવ કર્યો છે. આપ આજે વ્હાઈટ હાઉસમાં ઊભા છો; જ્યાં દુનિયાના કેટલાં ય નેતાઓએ લોકતંત્રની સુરક્ષા માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે. આપ અને આપની સરકાર લઘુમતીઓની રક્ષા માટે અને અભિવ્યક્તિની આઝાદીની રક્ષા માટે શું પગલાં લેશો?”

આ સવાલ સાંભળતી વેળાએ વડા પ્રધાનના ચહેરા પર અકળામણ જોઈ શકાતી હતી. વડા પ્રધાને હિન્દીમાં જવાબ આપ્યો : “મને આશ્ચર્ય છે કે આપ કહો છો કે લોકો કહી રહ્યા છે ! લોકો કહે છે, પરંતુ ભારત લોકતાંત્રિક દેશ છે. ભારતના DNAમાં લોકતંત્ર છે ! લોકતંત્ર અમારી રગોમાં છે, લોકતંત્રને અમે જીવીએ છીએ. અમારા પૂર્વજોએ એને શબ્દોમાં ઢાળ્યું છે અમારા સંવિધાન રૂપે. અમારી સરકાર લોકતંત્રના આધારે બનેલ સંવિધાનના આધારે ચાલે છે. અમે સિદ્ધ કર્યુ છે કે ડેમોક્રસી કેન ડીલિવર ! જ્યારે હું ડીલિવર કહું છું ત્યારે જાતિ, પંથ, ધર્મ કોઈ પણ પ્રકારના ભેદભાવની ત્યાં જગ્યા હોતી નથી ! જ્યારે આપ લોકતંત્રની વાત કરો છો તો જો હ્યુમન વેલ્યૂ ન હોય, હ્યુમેનિટી ન હોય, માનવ અધિકાર ન હોય, તો તે લોકતંત્ર જ નથી. અને જો લોકતંત્રને આપ સ્વીકાર કરો છો, લોકતંત્ર માટે જીવો છો તો પક્ષપાતનો કોઈ સવાલ જ નથી ઉઠતો ! માટે ભારત; સબ કા સાથ, સબ કા વિકાસ, સબ કા પ્રયાસ એ મૂળભૂત સિદ્ધાંતોને લઈને ચાલે છે. ભારત સરકારના જે બેનિફિટ છે, તે સૌને મળે છે, જે હક્કદાર છે. માટે ભારતના લોકતાંત્રિક મૂલ્યોમાં કોઈ ભેદભાવ નથી, ન ધર્મના આધાર પર કે ન જાતિના આધાર પર, ન ઉંમરના આધાર પર કે ન ભૂ-ભાગના આધાર પર.”

થોડાં પ્રશ્નો : 

[1] વડા પ્રધાને હંમેશાં વિપક્ષને ઊતારી પાડવા જ પોતાની શક્તિ / સરકારની શક્તિ વાપરી છે; સવાલો ઊઠાવનાર એક્ટિવિસ્ટોને / વિદ્યાર્થી નેતાઓને / પત્રકારોને જેલમાં પૂરાવ્યા છે ! અસહમતિના અવાજને કચડી નાંખવા CBI / ED / ITનો દુરુપયોગ કર્યો છે; તે બધું વડા પ્રધાન ભૂલી ગયા હશે? અવાજ ઉઠાવનારને દેશદ્રોહી / અર્બન નક્સલ / ટુકડે ટુકડે ગેંગનો સિક્કો મારી જેલમાં પૂર્યા છે; શું આ લોકતાંત્રિક મૂલ્ય છે? વડા પ્રધાનની આલોચના કરનારાઓ પાછળ ગંદી ગાળો ભાંડવા ટ્રોલસેનાનો ઉપયોગ શું લોકતાંત્રિક છે?  

[2] ‘ભારત સરકારના જે બેનિફિટ છે, તે સૌને મળે છે’ તે વડા પ્રધાનની કૃપાથી નથી મળતા, પરંતુ બંધારણના અધિકારથી મળે છે ! એટલે જ RSSએ બંધારણ અમલમાં મૂકાયું ત્યારે બંધારણની નકલો જાહેરમાં સળગાવી હતી; તે વડા પ્રધાન ભૂલી ગયા હશે? 

[3] ‘ભારત સબ કા સાથ, સબ કા વિકાસ, સબ કા પ્રયાસ’ એ મૂળભૂત સિદ્ધાંતનો અમલ ભારતમાં થતો હોય તો ન્યૂર્યોર્કના રસ્તાઓ પર વડા પ્રધાનનો વિરોધ કેમ? 75 અમેરિકન સંસદસભ્યોએ વડા પ્રધાનની નીતિઓની આલોચના કેમ કરી? શું ‘સબ કા સાથ-‘નું સૂત્ર ભેદભાવવાળી નીતિના બચાવ માટેનું નથી? નફરતની નીતિને ઢાંકવા માટેનું આ કાગળી-સૂત્ર નથી? 

[4] શું ગોદી મીડિયામાં રોજ હિન્દુ-મુસ્લિમની ડીબેટ થતી નથી? ‘હેટ સ્પીચ’ બાબતે સુપ્રિમકોર્ટે સરકારને નપુંસક કહીને નાક કાપ્યું છે; એ વડા પ્રધાન ભૂલી ગયા હશે? 

[5] ‘જો હ્યુમન વેલ્યૂ ન હોય, હ્યુમેનિટી ન હોય, માનવ અધિકાર ન હોય, તો તે લોકતંત્ર જ નથી.’ આ ઉપદેશ વડાપ્રધાન કોને આપતા હશે? શું આ ઉપદેશ મુજબ વડા પ્રધાનની કરણી છે? વડા પ્રધાને BBC ડોક્યુમેન્ટરી પર પ્રતિબંધ મૂક્યો; અને નફરત ફેલાવતી ફિલ્મને ટેક્સ ફ્રી કરી; શું આ લોકતાંત્રિક મૂલ્ય છે? અભિવ્યક્તિની સ્વતંત્રતાને કચડી નાખવા, BBCની દિલ્હી-મુંબઈ સહિત 20 ઓફિસ પર Income Tax ના દરોડા પડાવ્યા; એ હરકત શું સૂચવે છે? NDTVના પત્રકાર રવિશકુમારની આલોચના સહન થતી ન હતી એટલે અદાણીને કહીને NDTV ચેનલ જ ખરીદી લીધી; શું પ્રધાન મંત્રીના મોંમાં લોકતંત્રની વાત શોભે છે ખરી? 

[6] માનવ અધિકારનું કામ કરતી સંસ્થા Amnesty Internationalની દિલ્હીની કચેરી વડાપ્રધાને બંધ કરાવી દીધી; ક્યા મોઢે માનવ અધિકારની વાત કરતા હશે? 

[7] સુપ્રિમકોર્ટના 4 જસ્ટિસે 12 જાન્યુઆરી 2018ના રાજ પ્રેસ કોન્ફરન્સ કરીને લોકતંત્ર બચાવવા બૂમો પાડી હતી અને એ રીતે સરકારનું નાક કાપ્યું હતું; તે વડાપ્રધાન ભૂલી ગયા હશે? 

[8] કિસાન આંદોલનમાં 700થી વધુ કિસાનોના જીવ ગયા ત્યારે વડા પ્રધાને કહ્યું હતું કે ‘એ લોકો મારા માટે થોડાં મર્યા છે?’ વડા પ્રધાને કિસાન નેતાઓને ‘આંદોલનજીવી’ કહીને લોકતંત્રની મશ્કરી કરી હતી તે વડા પ્રધાન ભૂલી ગયા હશે? સરકારે, કિસાન આંદોલન વેળાએ ટ્વિટરના CEO જેક ડોર્સીને ટ્વિટર બંધ કરવાની ધમકી આપેલ; તે ધમકી લોકતંત્રની સુરક્ષા માટે આપી હતી? 

[9] મહિલા પહેલવાનો સામે પોલીસનો ઉપયોગ કર્યો અને યૌન શોષણ કરનાર બ્રિજભૂષણ સિંહને છાવર્યો ! ફેઈક એન્કાઉન્ટનો પર્દાફાશ કરનાર IPS અધિકારી સતિષ વર્માને શા માટે ડિસમિસ કરાવ્યા? 2002ના કોમી તોફાનોમાં ભોગ બનનાર સાથે ઊભા રહેનાર IPS અધિકારી આર. બી. શ્રીકુમારને શા માટે જેલમાં પૂરાવેલ? વડા પ્રધાન ક્યા આધારે કહેતા હશે કે ભેદભાવ થતો નથી? 

[10] ‘ગોલી મારો લાલો કો’ કહેનારને કેબિનેટ મંત્રી બનાવો છો, ત્યારે ‘સબ કા સાથ’નો ઉપદેશ શોભે છે ખરો? હાઈકોર્ટ અને સુપ્રિમકોર્ટે નફરત ફેલાવનાર સામે પગલાં લેવા કહ્યું છતાં પણ ચૂપ રહેનાર વડા પ્રધાન ક્યા મોઢે ‘સબ કા સાથ’ની વાત કરતા હશે?

ભારતના અધિકારીઓએ વ્હાઈટ હાઉસના અધિકારીઓ પર દબાણ કરેલ કે ભારતના વડા પ્રધાન અને અમેરિકન પ્રેસિડેન્ટ લખેલું સંયુક્ત નિવેદન આપશે; પરંતુ વ્હાઈટ હાઉસના અધિકારીઓએ પ્રેસ કોન્ફરન્સનો આગ્રહ રાખ્યો, તો રસ્તો એ કાઢવામાં આવ્યો કે પ્રેસ કોન્ફરન્સમાં માત્ર બે જ પ્રશ્નો પૂછી શકાશે ! આ કેવી પ્રેસ કોન્ફરન્સ કે પ્રશ્નો પૂછવાની પણ ટોચ મર્યાદા ! બીજી બાજુ વડા પ્રધાન લોકતંત્રનો ઉપદેશ આપે છે ! વડા પ્રધાને સવાલ સાંભળતી વેળાએ ઈયરફોનનો ઉપયોગ કર્યો હતો; મતલબ કે સવાલ અંગ્રેજીમાં હોય તેથી તેનું ભાષાંતર થઈ શકે ! 13 વર્ષ CM અને 9 વર્ષ PM રહ્યા છતાં અંગ્રેજીમાં પૂછાયેલ સરળ પ્રશ્ન સમજી શકવાના ફાંફાં છે; પરંતુ ભક્તોને રાહુલ ગાંધી પપ્પૂ લાગે છે ! વડા પ્રધાનનો જવાબ એવો હતો જાણે કોઈ તાલુકાના મામલતદાર જવાબ આપી રહ્યા હોય ! પોતે દેશના વડા પ્રધાન છે, એને છાજે તેવો જવાબ પણ તેઓ આપી શક્યા ન હતા ! ભક્તો કહેતા થાકતા નથી કે ‘વડા પ્રધાને તો વિશ્વમાં ભારતનો ડંકો વગાડી દીધો છે !’ પરંતુ વડા પ્રધાનની અમેરિકા યાત્રાએ તો વિશ્વ-ડંકાની હવા જ કાઢી નાખી ! Sabrina Siddiquiએ લોકશાહીની વ્યાખ્યા પૂછી ન હતી; પરંતુ વડા પ્રધાન તો ભળતું જ બોલવા લાગ્યા ! જે બોલ્યા તેમાં શબ્દે-શબ્દે જૂઠ ટપકતું હતું ! મહાન દેશના વડા પ્રધાન દુનિયા સમક્ષ શરમજનક સ્થિતિમાં મૂકાઈ ગયા !

કરવા ગયા કંસાર, થઈ ગઈ થૂલી ! શું આ રીતે વિશ્વમાં ભારતનો ડંકો વાગશે?

સૌજન્ય : રમેશભાઈ સવાણીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

માદરે વતન સૌરાષ્ટ્ર 

પ્રીતમ લખલાણી|Opinion - Opinion|23 June 2023

પ્રીતમ લખલાણી

મારા કરતાં કુણાલને અક્ષર દેરીનાં દર્શન કરવામાં વઘુ રસ હતો. મુંબઈમાં દાદર ખાતે આવેલા સ્વામીનારાયણના મંદિરમાં જ્યારે કુણાલને અમે લઈ ગયાં હતાં, ત્યારે ત્યાં દર્શનાર્થે આવતા હરિભકતોને દંડવત્‌ પ્રણામ કરતા જોઈ તેને ઘણી જ રમૂજ થતી હતી.

અક્ષર દેરીમાં એકાવન વખતથી પણ વઘુ પોતે કરેલી પ્રદક્ષિણા અને પ્રણામનું વર્ણન મા સમક્ષ કરવા તે જેવો દોડ્યો કે અચાનક તેના જમણા પગના ચપ્પલની એક પટ્ટી તૂટી પડતાં તે જરા અચકાયો, પરંતુ પોતે માણેલા આનંદનું વર્ણન કરવાની તેની પ્રબળ ઉત્કંઠાએ તેને નિરાશ થતો રોક્યો. ચપ્પલ હાથમાં લઈ ઉઘાડા પગે તે પોતાની મા તરફ દોડ્યો.

‘મમ્મી, મેં એકાવન વખત દેરીને ફરતે આંટા માર્યા’, અને પછી રમેશભાઈને પોતાનું ચપ્પલ બતાવતાં તેણે પૂછ્યું, ‘અહીં કયાં ય મારું ચપ્પલ સમું કરવાવાળું કોઈ મળી શકશે?”

‘ચાલ દીકરા, આપણે ગામમાં જઈને કોઈ મોચીને શોઘી લઇએ.”

મોચીની ભાળ મેળવવા અમારી કાર ગોંડલ ગામમાં પ્રવેશી. બે-ચાર માણસોને પૂછતાં એકે જણાવ્યું કે થોડેક દૂર ગામમાં જશો, એટલે બેકાર ચોક આવશે. ત્યાં આગળ આર.એસ.પી.નો ડેપો છે. તેના જમણે ખૂણે એક મોચી આવીને હમણાં રોજ બેસે છે.

બેકાર ચોક પાસે અમારી કાર આવતાં ખૂણામાં લીમડાના શીતળ છાંયડા હેઠે એક વૃદ્ઘ મોચીને મગ્ન બની કામ કરતો જોયો. ગાડી ઊભી રહેતાં જ પોતાનું તૂટેલું ચપ્પલ લઈને કુણાલે મોંચી તરફ હડી કાઢી. ફાટેલી થીંગડથાગડ ચોળણી તેમ જ બાંડિયું તેની ગરીબાઈની ચાડી ખાતાં હતાં, તેમ છતાં તેના ચહેરા પર સંતોષ ડોકાઈ રહ્યો હતો. હું પણ કારમાંથી ઊતરી એમની પાસે ગયો.

કુણાલે ભાંગીતૂટી અંગેજી-ગુજરાતી મિશ્ર વાણીમાં એમને તેમનું નામ પૂછયું. કુણાલની ત્રૂટક ત્રૂટક શબ્દોમાં બોલાયેલી એ અગડમ્‌ બગડમ્‌ ભાષાને મોચી સમજી ન શકયો કે તે શું પૂછવા માગે છે. તેની મૂંઝવણ જોતાં મે મારો પ્રશ્ન દોહરાવ્યો.’એ તમારું નામ પૂછે છે.”

કુણાલના હાથમાંથી તૂટેલ ચપ્પલ લેતા કહ્યુંઃ ‘મારું નામ જમાલ છે, અહીં બઘા મને જમાલ કાદરી તરીકે ઓળખે છે. પણ દીકરા, તમે અહીં ગોડલના ઘૂળિયા ગામમાં કયાંથી આવો છો?”

કાઠિયાવાડી તળપદી બોલીમાં પુછાયેલો જમાલ ચાચાનો સવાલ કુણાલને ન સમજાયો; તેણે મારી સામે જોયું. કુણાલે જ્યારે મોચી ચાચાનો સવાલ મારા મોઢેથી સાંભળ્યો એટલે તેણે ફરી પોતાની એ જ અગડમ વાણીમાં કહ્યુંઃ ‘અમે અમેરિકાથી અહીં ફરવા તેમ જ યાત્રા કરવા આવ્યા છીએ.’

કુણાલની કાલીઘેલી ભાષા પર તે આફરીન થઈ ગયા. તરત જ એમણે કુણાલનું ચપ્પલ મજબૂત રીતે સીવી તો આપ્યું, પરંતુ બંને ચપ્પલને પાલીસ કરી ચકચકિત બનાવી આપ્યા, કુણાલના પગમાં ચપ્પલ પહેરાવતાં તેમણે અંતઃકરણપૂર્વક દુઆ આપતાં કહ્યુંઃ “જાઓ દીકરા, ભગવાન સ્વામીનારાયણ તમને સદા સુખી રાખે.”

બીનાએ પોતાના પર્સમાંથી દસ રૂપિયાની નોટ કાઢી, તેમને આપવા હાથ લંબાવ્યો. જમાલ ચાચાએ તરત જ પૂછ્યુંઃ ‘બે’ન, તમે મને શેના પૈસા આપો છો?” 

‘ચાચા, તમે અમારા કુણાલનું ચપ્પલ સાંઘી આપ્યું તેનું આ મહેનતાણું.”

મારા દીકરા, તમે આટલા છેટેથી – છેક અમેરિકાથી અહીં મારા વતનમાં ભગવાન સ્વામીનારાયણની યાત્રા કરવા આવ્યાં છો, અલ્લાતાલા તમારી આ યાત્રા સુખરૂપ પૂરી કરે, ભગવાન સ્વામીનારાયણ તમને ખૂબ જ સુખ સમૃદ્ધિ અને સંપત્તિ આપે.”

પછી થોડીવાર અટકી એક ઊંડો શ્વાસ લઈ આગળ બોલ્યાઃ ‘તમે જેને યાત્રા કહો છો તેને અમે હજ કહીએ છીએ. અમારે જો હજ કરવી હોય તો દરિયો ખેડીને અરબસ્તાન જવું પડે. તેના માટે નાણાં જોઈએ, સખાદાતાઓ તરફથી નાણાં તો કદાચ મળી પણ જાય, પરંતુ રસૂલની દરગાહ સુઘી તથા કાબા શરીફના દ્વાર સુઘી પહોંચવાનું તકદીર પણ હોવું જોઈએ! ક્યારે હું વિચારું છું કે મક્કા અને મદીના જો ભારતમાં હોત તો? પરંતુ આજે અફસોસ નથી. મને લાગે છે આજે મારી હજયાત્રા પૂરી થઈ”.

e.mail :preetam.lakhlani@gmail.com
પ્રગટ : “અખંડ આનંદ”, જૂન 2023; પૃષ્ઠ 50 – 51

Loading

તરબતર

ઉમેશ સોલંકી|Poetry|23 June 2023

અંદર ને બ્હાર

શરીર તો નર્યો આકાર

આકાર ક્યારેક ભરમ લાગે

નિરાકાર જેવુંય કંઈ ન ભાસે

શું કરું?

ઠરું

શરીરથી મનને ભરું

મનને આખું શરીર કરું

તોય ન ભૂલી શકું

જીવડાથી ઉપર ન ઊઠી શકું

અને, શબદને હેતથી મળી લઉં

અરથની પેલે પાર ફરી લઉં :

ન આગળ ન પાછળ ન નીચે ન ઉપર

જીવડામાં જીવન તરબતર

e.mail : umlomjs@gmail.com

Loading

...102030...1,1281,1291,1301,131...1,1401,1501,160...

Search by

Opinion

  • સ્ટ્રેટ ઑફ હોર્મુઝઃ “બહોત કઠિન હૈ ડગર પનઘટ કી …” ભારતની ઊર્જા સુરક્ષા પર સાંકડા માર્ગનો સકંજો
  • ચલ મન મુંબઈ નગરી—334
  • મારે મોગલ ને ફુલાય પિંજારા 
  • અસત્યના પ્રયોગો  
  • દલિત આંદોલનની દિશા કેવળ અનામત-એટ્રોસિટીમાં ઇતિ નથી

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …

Poetry

  • કવિ
  • ગઝલ
  • ગઝલ
  • કોઈ અપાવે જો એ બાળપણ પાછું …
  • પન્નાને, વેલન્ટાઈન ડે, ફેબ્રુઆરી 14, 2026 ~ સોનેટ ~ નટવર ગાંધી

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved