Opinion Magazine
Number of visits: 9563326
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

આરોગ્યનો અધિકાર : સરાહનીય અને અનુકરણીય કદમ

ચંદુ મહેરિયા|Opinion - Opinion|13 May 2023

ચંદુ મહેરિયા

રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતોના અનુચ્છેદ ૪૭માં જાહેર આરોગ્યમાં સુધારાને રાજ્યનું પ્રાથમિક કર્તવ્ય માનવામાં આવ્યું છે. જીવન જીવવાના મૂળભૂત અધિકાર અંગેના અનુચ્છેદ ૨૧માં આરોગ્યનો અધિકાર નિહિત હોવાનું સુપ્રીમ કોર્ટ અને ઘણા રાજ્યોની હાઈકોર્ટ જણાવી ચૂક્યાં છે. એટલે અનુચ્છેદ ૨૧ અને ૪૭ની બંધારણીય જોગવાઈઓ પ્રમાણે તો ભારતના લોકોને બહુ વહેલો આરોગ્યનો અધિકાર મળી જવો જોઈતો હતો. પરંતુ છેક હવે, આઝાદીના પંચોતેરમા વરસે, કાઁગ્રેસશાસિત રાજસ્થાન રાજ્યની વિધાનસભાએ એકમતિથી રાજસ્થાન રાઈટ ટુ હેલ્થ બિલ, ૨૦૨૨ પસાર કર્યું છે. રાજ્યના નાગરિકોને આરોગ્યનો કાનૂની અધિકાર આપતું રાજસ્થાન દેશનું પહેલું રાજ્ય બન્યું છે.

છેલ્લા બેએક દાયકાથી આરોગ્ય સેવાઓનું ખાનગીકરણ વધ્યું છે. આજે દેશની પોણાભાગની આરોગ્ય સેવાઓ ખાનગી ક્ષેત્ર હસ્તક છે. કુલ દર્દીઓમાંથી પચાસ ટકા ખાનગી દવાખાને સારવાર લે છે. દેશની સિત્તેર ટકા હોસ્પિટલો અને સાઠ ટકા દવાખાના ખાનગી માલિકીના છે. લગભગ પંચોતેર ટકા તબીબો પ્રાઈવેટ પ્રેકટિસ કરે છે. ખાનગી ક્ષેત્રની હેલ્થ સર્વિસ અત્યંત મોંઘી તો હોય જ છે, ઘણી મનમાની પણ ચાલે છે. દેશની વસ્તીનો ઘણો ભાગ આરોગ્ય સેવાઓની પાયાની સગવડોથી વંચિત છે એટલે તે જમીન-જાયદાદ વેચીને કે દેવું કરીને પણ મનમાની મોંઘી ખાનગી આરોગ્ય સેવા લેવા મજબૂર છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના જણાવ્યા પ્રમાણે આરોગ્ય પાછળ લોકો જે નાણાં ખર્ચે છે તેની વૈશ્વિક સરેરાશ ૧૮ ટકા છે પરંતુ ૨૦૧૯માં ભારતીયોએ ૫૫ ટકા ખર્ચ કર્યો હતો. આ સ્થિતિનો ઉકેલ સરકારી આરોગ્ય સેવાઓનું ગુણવત્તાયુક્ત દ્રઢીકરણ અને સૌની પહોંચમાં હોવું છે. તબીબી સેવાઓમાં જે વિકરાળ અસમાનતા જણાય છે તેનું નિવારણ સાર્વજનિક આરોગ્ય સેવાઓમાં સુધારા અને આરોગ્યના અધિકારમાં છે. તેથી રાજસ્થાનનું આરોગ્યના અધિકારનું પગલું સરાહનીય અને અનુકરણીય છે.

રાઈટ ટુ હેલ્થ બિલ, ૨૦૨૨માં રાજસ્થાનના નિવાસીઓને આરોગ્યનો અધિકાર આપતી મહત્ત્વની જોગવાઈઓ કરવામાં આવી છે. સરકારી અને સરકાર અધિકૃત ખાનગી દવાખાના કે હોસ્પિટલોમાં અંદરના અને બહારના દર્દીઓની તબીબી સલાહ, સારવાર, તપાસ, પરિવહન અને અન્ય સેવાઓની કોઈ ફી લેવામાં આવશે નહીં. દર્દી ઈમરજન્સી સારવાર માટે સરકાર અધિકૃત ખાનગી હોસ્પિટલમાં જાય અને સારવારના બિલની ચૂકવણી ના કરી શકે તેમ હોય તો આવી ખાનગી હોસ્પિટલો સારવારની ના કહી શકશે નહીં. અકસ્માત કે અન્ય લીગલ મેડિકો કેસીસમાં પોલીસ તપાસની રાહ જોયા વિના કે હોસ્પિટલના બિલના અગોતરા ચુકવણાની ફરજ પાડ્યા વિના તાત્કાલિક તબીબી સારવાર આપવાની રહેશે. ખાનગી હોસ્પિટલને આવા બિલોનું ચુકવણું રાજ્ય સરકાર કરશે. સમયસર ચુકવણા માટે ઓટો એર્પૂવલની જોગવાઈ કરી છે. દર્દી અને તેનાં સગાંને દવા અને તપાસના સ્થાનની પસંદગીનો, ઈલાજ વિશેની સંપૂર્ણ માહિતીનો, અન્ય તબીબ કે હોસ્પિટલનો સેકન્ડ ઓપિનિયન મેળવવાનો અધિકાર આપવામાં આવ્યો છે. આ કાયદામાં રાજ્ય અને જિલ્લા કક્ષાએ ફરિયાદ નિવારણ ઓથોરિટીની જોગવાઈ કરવામાં આવી છે. તેના નિર્ણય વિરુદ્ધ દિવાની અદાલતમાં જવાનો અધિકાર અબાધિત રાખવામાં આવ્યો છે.

રાજસ્થાન વિધાનસભાએ સર્વાનુમતે પસાર કરેલા આ બિલને ખાનગી તબીબો અને તેમના મંડળોએ કાળો કાયદો ગણાવી વિરોધ કર્યો હતો. રાજસ્થાનમાં તો પ્રાઈવેટ હોસ્પિટલોએ બાર દિવસની હડતાળ પાડી હતી. જે રાજ્યના તમામ રાજકીય પક્ષો અને નાગરિક સમાજ માટે આઘાતજનક હતું. તેમા છતાં વિપક્ષ બી.જે.પી.ના નેતાની સામેલગીરી સાથે સરકારે કાયદાના અમલીકરણ અંગેની તેની દૃઢ પ્રતિબદ્ધતા સાથે પ્રાઈવેટ ડોકટર્સની વાજબી માંગણીઓ સ્વીકારતી ચર્ચાઓ કરી હતી. ખાનગી તબીબોને ઈમરજન્સીમાં કરેલી સારવારના નાણા ચુકવવામાં સરકારી તંત્રના વિલંબ અને ફરિયાદ નિવારણ માટેની ઓથોરિટીનો નિર્ણય અંતિમ હોવાની જોગવાઈ સામે વિરોધ હતો. તેનું સરકારે વાજબી નિરાકરણ કર્યું હતું. હડતાળ દરમિયાન તબીબોનાં સંતાનોના હાથમાં ‘મેરે પાપા ડોકટર હૈ, લૂટેરે નહીં’ એવું જે પ્લેકાર્ડ હતું તેના પરથી ખાનગી ડોકટરોને આ કાયદો તેમના પર નિયંત્રણ મૂકનારો હોવાનું લાગ્યું હતું. પરંતુ કાયદાનો ખરો ઉદ્દેશ તો લોકો સુધી સમયસર ગુણવતાયુક્ત આરોગ્યસેવાઓ પહોંચાડવાનો છે. એટલે તેમનો ભય વાજબી નથી.

રાજ્ય વિધાનસભાની ચૂંટણીઓ આડે હવે થોડા જ મહિના બાકી છે ત્યારે આ કાયદો કાઁગ્રેસે તેના રાજકીય સ્વાર્થ માટે ઘડ્યો હોવાની પણ ટીકા થઈ રહી છે. જો કે આ ટીકા સાચી જણાતી નથી. માહિતી અધિકારની જેમ આરોગ્યના અધિકારનો કાયદો રાજસ્થાનના જનઆંદોલનનું પરિણામ છે. જન સ્વાસ્થ્ય અભિયાન, રાજસ્થાન દ્વારા લાંબા સમયથી આરોગ્યના અધિકારની માંગણી થઈ રહી છે. ૨૦૧૮ની રાજ્ય વિધાનસભાની  ચૂંટણી વખતે અભિયાને તમામ રાજકીય પક્ષો સમક્ષ આરોગ્યના અધિકારના ચૂંટણી વચનની માંગણી કરી હતી. તેને લીધે જ કાઁગ્રેસે તેના ચૂંટણી ઢંઢેરામાં રાઈટ ટુ હેલ્થના કાયદાનું વચન આપ્યું હતું.

પાતળી બહુમતીથી રાજસ્થાનમાં કાઁગ્રેસ સત્તામાં આવતાં ૨૦૧૯માં અભિયાને સરકાર અને સંબંધિત પક્ષો સમક્ષ કાયદાનો મુસદ્દો રજૂ કર્યો હતો. પરંતુ કોરોનાને કારણે તેમાં ધારી પ્રગતિ થઈ નહોતી. તે પછી ૨૦૨૧માં ફરી ઝુંબેશ હાથ ધરી. ફલસ્વરૂપ માર્ચ-૨૦૨૨માં સરકારે બિલનો પહેલો મુસદ્દો ઘડી જાહેર જનતાના સૂચનો માંગ્યા હતા. તેના આધારે સુધારા સાથેનું બિલ સપ્ટેમ્બર ૨૦૨૨માં વિધાનસભામાં રજૂ કર્યું હતું. આ બિલ સામે ત્યારે પણ ખાનગી તબીબોનો વિરોધ હતો. એટલે તેને વધુ વિચારણા માટે પ્રવર સમિતિને સોંપવામાં આવ્યું. તેના પરની વિચારણા અને સૂચનો સાથેનું બિલ ગઈ તારીખ એકવીસમી માર્ચ ૨૦૨૩ના રોજ વિધાનસભાએ વિના વિરોધે પસાર કર્યું છે. એટલે બિલ દીર્ઘ અને જટિલ પ્રક્રિયામાં તપીને મંજૂર થયું છે. માત્ર મતો અંકે કરવા જ પસાર થયું છે તેમ કહેવું યોગ્ય નથી.

હાલનો આ કાયદો આરોગ્યસેવા( હેલ્થકેર)નો છે. આરોગ્યના અધિકાર(રાઈટ ટુ હેલ્થ)નો નથી. કાયદામાં ઘણી ખામીઓ પણ છે. કાયદો માત્ર રાજસ્થાનના નિવાસીઓને લાગુ પડવાનો છે. એટલે રાજ્ય બહારના લોકો, વિચરતી જાતિઓ વગેરેને લાગુ પડશે નહીં. અધિકાર આપ્યો છે પરંતુ જો આરોગ્યસેવાઓ જ અપૂરતી હશે તો તેનો અમલ થવાનો નથી. સરકારી દવાખાનાઓની દાકતરો, દવાઓ, દાક્તરી તપાસના સાધનો અને સ્ટાફના અભાવની સમસ્યાથી રાજસ્થાન પણ બાકાત નથી. આ બિલ પૂર્વે અન્ય રાજ્યોની આરોગ્ય બજેટની ૬ ટકા ફાળવણીની સરખામણીએ રાજસ્થાનમાં ૭.૪ ટકા બજેટ ફાળવણી થતી હતી. એટલે અમલીકરણનું સુદ્રઢ તંત્ર અને રાજકીય ઈચ્છાશક્તિ હશે તો જ કાયદો સફળ બની શકશે. રાજસ્થાનના કાયદાનું અનુકરણ અન્ય રાજ્યો કરે, રાષ્ટ્રીય કક્ષાના કાયદાની માંગ બુલંદ બને, કમ સે કમ આ એક રાજ્યના લોકોના માથે બીમારીના ખર્ચનો બોજ ઘટે અને ગરિમા સાથે દાક્તરી સારવાર મળી શકે તો ય ભયો ભયો. 

e.mail : maheriyachandu@gmail.com

Loading

મા

રોનક ચંદ્રકાન્તભાઈ જોષી ‘રાહગીર’|Opinion - Opinion|13 May 2023

વાદળ બની એ વચ્ચે આવી જાય છે,

કોઈ જ્યારે લાલ આંખ કરવા જાય છે.

વાંક મારો છે કે સામેવાળાનો પછી જુએ છે,

પહેલા તો મારી પડખે ઊભી રહી જાય છે.

વાસ્તવિકતાને વાર્તા સાથે એવી રીતે જોડે,

ભાવ, અભાવ, સ્વભાવને સમજાવી જાય છે.

એકલતાનાં આઘાતમાં પણ હું બોલું ‘મા’,

ત્યાં તો પ્રેમભર્યાં વાદળ બની વરસી જાય છે.

હોય પાસે કે ના હોય, ‘મા’ શબ્દ જ કાફી છે,

ઉદાસીને ઉડાડી નવી ઉજાસ કરી જાય છે.

e.mail : ronakjoshi226@gmail.com

Loading

ચલ મન મુંબઈ નગરી—196

દીપક મહેતા|Opinion - Opinion|13 May 2023

જ્યારે માથેરાનમાં હાથી–ઘોડા જોવા મળતા! 

ત્યારે માથેરાનમાં હતી ફક્ત દસ દુકાન અને છ હોટેલ  

લીલમલીલી મહેકથી મને 

લાલ માટીનો રસ્તો હવે સાદ કરે છે :

મમ્મી! ચાલ ને માથેરાન!

ડાળે ડાળે કૂદતા પેલા વાંદરાઓ 

મને સાદ કરે છે : 

મમ્મી ચાલ ને માથેરાન!

મને બોલાવે ઘોડાના દાબડાઓ લાડથી,

મને બોલાવે પંખીના સૂર મીઠા ઝાડથી,

પ્હાડનું એકલ ઝાડ 

ને ડૂબ્યા પડઘાઓ ફરિયાદ કરે છે :

મમ્મી ચાલ ને માથેરાન!

આજથી પચાસ-સાઠ વરસ પહેલાં સુરેશભાઈ દલાલે આ બાળકાવ્ય લખ્યું ત્યારે મુંબઈના મધ્યમ વર્ગના બાળક માટે વેકેશનમાં માથેરાન કે મહાબળેશ્વર જવું એ બહુ મોટી વાત. કારણ એ વખતે હજી આજના જેટલું ટૂરિઝમ ફૂલ્યુંફાલ્યું નહોતું. મુંબઈની બહારની મુસાફરી એટલે કાં ‘દેશ’ જવું, કાં સારે-માઠે પ્રસંગે કોઈને ત્યાં જવું, કે પછી દેવદર્શન માટે યાત્રા કરવી. એ વખતે મધ્યમ વર્ગના માણસને પ્લેનની મુસાફરીનો તો સપનામાં ય વિચાર ન આવે. બહાર ગામની ટ્રેનોમાં ત્રણ ક્લાસ : ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ. વચમાં થોડાં વરસ વળી થર્ડ અને સેકન્ડની વચ્ચે ‘ઇન્ટર’ નામનો ક્લાસ ઉમેરેલો રેલવે કંપનીએ. પણ પછી કાઢી નાખ્યો. એટલે મધ્યમ વર્ગને તો પંખા વગરનો, બેસવા માટે લાકડાના બાંકડાવાળો થર્ડ ક્લાસ જ પોસાય. એટલે માથેરાન જવાનું હોય તો સૌથી મોટું આકર્ષણ તો ટોય ટ્રેન.

૧૯મી સદીના ઉત્તરાર્ધમાં માથેરાન

સુજ્ઞ વાચકને વિમાસણ થતી હશે કે આજે મુંબઈના રસ્તા પર રખડવાને બદલે આમ બહારગામ કેમના ઉપડ્યા? કારણ, મુંબઈ, માથેરાન, અને મહાબળેશ્વર વચ્ચે એક લગભગ અજાણ્યો નાતો છે. એક જમાનામાં મુંબઈના પૂર્વ કિનારે ઘણાં બધાં નાનાં નાનાં બંદર. તેમાંનું એક માલેટ બંદર. (આ ‘માલેટ’ ઉચ્ચાર બમ્બૈયા છે, હોં.) એની સાથે જોડાયેલા આર્થર મેલેટનો જન્મ ૧૮૦૬માં, અવસાન ૧૮૮૮માં. ૧૮૨૬થી ૧૮૬૦ સુધી મુંબઈ સરકારની નોકરી કરી. ૧૮૫૫થી ૧૮૬૦ સુધી મુંબઈની કાઉન્સિલના સભ્ય રહ્યા. પણ બંદર સાથે મેલેટનું નામ જોડવાનું કારણ એ કે મુંબઈની ગોદી કહેતાં ડોકના વિકાસમાં તેમનો મોટો ફાળો. એવો જ મહત્ત્વનો તેમનો ફાળો માથેરાનના વિકાસમાં. કહેવાય છે કે માથેરાનમાં પહેલવહેલું પાકું મકાન આ સાહેબે બંધાવેલું.

આર્થર્સ સીટ, મહાબળેશ્વર

આ આર્થરસાહેબના ભાઈ હ્યુ પોઈન્ઝ મેલેટ. તેમણે મહાબળેશ્વરની ‘શોધ’ કરેલી. એટલે આર્થરસાહેબ ઘણી વાર કુટુંબ સાથે ત્યાં પણ જતા. પણ કહ્યું છે ને કે ‘ન જાણ્યું જાનકી નાથે, સવારે શું થશે કાલે.’ ખીણમાં વહે સાવિત્રી નદી. આર્થર સાહેબ ઘણીવાર પત્ની અને બાળકો સાથે સાવિત્રી નદીમાં બોટિંગ કરે. પણ એક દિવસ શું સૂઝ્યું કે સાહેબે પત્નીને કહ્યું કે તમે બાળકોને લઈને બોટિંગ કરી આવો. હું અહીં બેઠો છું. એટલે એ બધાં ગયાં. હોડીમાં બેઠાં. નાવિકે હોડી હંકારી. માલેટ સાહેબની નજર હોડી પર, તેમાં બેઠેલાં પત્ની અને બાળકો પર. અને એકાએક શું થયું એ તો રામ જાણે! નદીના પ્રવાહમાં વહી રહેલી હોડી ઊંધી વળી ગઈ, સાહેબની નજર સામે. પણ સાહેબ બેઠા હતા ડુંગરની ધારે. અને નદી તો નીચે ખીણમાં. પોતાના પ્રાણપ્યારાં સ્વજનોને પોતાની આંખ સામે મરતાં જોયાં, છતાં સાહેબ તેમને બચાવવા કાંઈ જ ન કરી શક્યા. એનો એમને લાગ્યો ઊંડો આઘાત. અવારનવાર અહીં આવે. તે દિવસે બેઠા હતા ત્યાં જ જઈને બેસે. કલાકો સુધી સાવિત્રી નદીનાં વહેતાં વારીને તાકી રહે. પછીથી એ જગ્યાને એમની સ્મૃતિમાં ‘આર્થર્સ સીટ’ નામ આપવામાં આવ્યું. અહીનું આ સૌથી વધુ સુંદર પોઈન્ટ મનાય છે. અલબત્ત, કેટલાક આ વાતને કપોલકલ્પના માને છે. તેમનું કહેવું છે કે આર્થર્સ સિટ નામ તો પડ્યું છે મુંબઈના ગવર્નર સર જ્યોર્જ આર્થરના નામ પરથી. ૧૮૪૨થી ૧૮૪૬ સુધી તેઓ મુંબઈના ગવર્નર હતા. આર્થર રોડ અને આર્થર રોડ જેલ એ નામો પણ તેમના પરથી જ પડ્યાં છે.

પણ આ મેલેટ સાહેબે આ ‘શોધ’ કરી હતી કઈ રીતે? એ હતા મુંબઈ સરકારના નોકર. ૧૮૫૦ના કોઈક દિવસે પૂનાથી ઠાણે જતાં રસ્તામાં ‘ચોક બંગલો’ ખાતે રોકાયા. એક સાંજે હાથમાં બંદૂક લઈને બાજુનો ડુંગર ચડવા લાગ્યા. અડધે સુધી ગયા ત્યાં જ ખાતરી થઈ ગઈ કે આ જગ્યા તો વિકસાવવા જેવી છે. બીજે દિવસે ત્યાંના પાટિલને સાથે લઈને ફરી છેક ડુંગરની ટોચે પહોંચ્યા. પાછા ફરતાં પાણી, માટી, વનસ્પતિ, વગેરેના નમૂના સાથે લીધા.

થોડા મહિના પછી ત્યાંના પાટિલને સાહેબે થોડાં મરઘાં-બતકાં, બકરાં, મોકલ્યાં અને આદેશ આપ્યો કે આ બધું ડુંગરની ટોચ પર લઈ જવું. તો પાટિલના દીકરા માધવરામને કામ સોપ્યું ટોચ પર એક નાનકડું મકાન બાંધવાનું. છ અઠવાડિયાંમાં તો મકાન તૈયાર. ૧૮૫૦ના નવેમ્બરની પહેલી તારીખે બોમ્બે પ્રેસિડન્સીના નામદાર ગવર્નર લોર્ડ ફોકલેન્ડની સવારી માથેરાન આવી પહોંચી. તેમને માથેરાન એટલું તો ગમી ગયું કે પોતાના મકાનની આસપાસ તેમણે તંબુઓ ખોડાવ્યા, પોતાના સ્ટાફને કામ કરવા માટે. પૂરો એક મહિનો ગવર્નર સાહેબ અહીં રહ્યા. પછી તો લગભગ દર વરસે ઉનાળામાં ગવર્નર સાહેબ માથેરાનમાં જ હોય. ફોકલેન્ડ પછીના ગવર્નર લોર્ડ એલ્ફિન્સ્ટન ૧૮૫૫ના ઉનાળામાં માથેરાન આવ્યા અને આવ્યા એવા જ તેના પ્રેમમાં પડી ગયા. તેમણે માથેરાનના વિકાસ માટે ઘણી યોજના ઘડી ને પાર પાડી.

અંગ્રેજોને અનુસરવામાં હંમેશાં પારસીઓ સૌથી આગળ. એટલે ‘દેશીઓ’માં પારસીઓ સૌથી પહેલાં પહોચ્યા માથેરાન. તેમાંના એક હતાં ગુલબાઈ ફરામજી પાઠક. તેમણે માથેરાન વિશેનું પહેલું ગુજરાતી પુસ્તક લખ્યું જે પ્રગટ થયું ૧૮૯૧માં. એનું નામ જરા લાંબુલચક : ‘માથેરાન : તેનો મુખ્તેસર હેવાલ, આબોહવા, તવારીખ, ઈત્યાદી : તેના વિગતવાર નકશા સાથે.’ મુંબઈના કૈસરે હિન્દ સ્ટીમ પ્રેસમાં છપાયેલા ૭૨ પાનાંના આ પુસ્તકની કીમત હતી એક રૂપિયો.

માથેરાનમાં હાથી અને ઊંટ જોવા મળે ખરા? આજે તો હજી માંડ માંડ ઈ-રિક્ષા અખતરા તરીકે શરૂ થઈ છે. પણ ૧૮૯૧માં દસ્તૂરી આગળ ટોલ ટેક્સના દરનું જે પાટિયું માર્યું હતું તેમાં ટેક્સના દર આ પ્રમાણે લખ્યા હતા :

હાથી : દોઢ રૂપિયો

ઊંટ : આઠ આના 

પાલખી : એક રૂપિયો 

ટટટુ : ૯ પાઈ 

ઘોડો : ૧ રૂપિયો છ આના

બળદ : ૧ આનો 

ઘેટાં, બકરાં, ડુકકર : ૧ પાઈ

બીજું કોઈ પણ જાનવર : ૩ પાઈ

એટલે એક જમાનામાં માથેરાન પર હાથી અને ઊંટ જોવા મળતા હશે, ક્યારેક. પણ આ પ્રાણીઓ ડુંગર ચડતાં કઈ રીતે હશે એની તો આજે અટકળ જ કરવી રહી.

આ પુસ્તકમાં જણાવ્યું છે કે અહીં બંગલા બાંધવા માટે અરજીઓ મગાવાઈ ત્યારે કુલ ૬૫ અરજી આવી હતી, જેમાં એક પણ હિંદુ ગુજરાતીનું નામ નહોતું. મરાઠીભાષીઓમાં પણ માત્ર એક અરજી આવી હતી, વિનાયક ગંગાધરની. બાર અરજીઓ પારસીઓની હતી. તેમાં સર જમશેદજી જીજીભાઈ, રૂસ્તમજી મેરવાનજી, હિરજી જહાંગીર, મંચેરજી જમશેદજી, વગેરેનો સમાવેશ થતો હતો. બાકીની અરજી અંગ્રેજોની હતી.

માથેરાનની જૂની બજારનો દરવાજો

આ પુસ્તક લખાયું ત્યારે હજી નેરલ-માથેરાન ટ્રેન શરૂ થઈ નહોતી. પગ રસ્તે જ ચાલીને કે ડોળીમાં જવું પડતું. પુસ્તકનાં લેખિકા પણ એ રીતે જ આવતાં-જતાં. તેમણે માથેરાનની બજારની વિગતો આપી છે. એ પ્રમાણે તે વખતે બજારમાં ફક્ત દસ દુકાન હતી! બે ગાંધીની, બે શાકભાજીની, એક દરજીની, એક કંદોઈની, અને ત્રણ કરિયાણાની. દસમી દુકાન અંગ્રેજો માટેની હતી, ‘હોલ શોપ’. તો એ વખતના માથેરાનમાં ફક્ત છ હોટેલ હતી : ગ્રેન્વિલ, પિન્ટો, રગ્બી, ક્લેરેનડન, વિક્ટોરિયા, અને આલ્બર્ટ વિક્ટર. તેમાંની પહેલી ચાર માત્ર અંગ્રેજો માટે હતી. ‘દેશીઓ’ માટે માત્ર બે જ હોટેલ હતી. તેમાં પાછી વિક્ટોરિયા હોટેલ ફક્ત પારસીઓ માટે હતી. વિદેશીઓ માટેની હોટેલોમાં રોજનું ભાડું પાંચ રૂપિયા હતું, જેમાં આખા દિવસના  ‘ખાણા’નો સમાવેશ થતો, પણ ‘પીણાં’નો નહિ. શાપુરજી નવરોજીએ શરૂ કરેલી વિક્ટોરિયા હોટેલનું ભાડું હતું દિવસના ત્રણ રૂપિયા. આ ઉપરાંત પોસ્ટ ઓફિસની સામે આવેલી લાઈબ્રેરી તથા જીમખાનાની વિગતો પણ પુસ્તકમાં આપી છે.

૧૮૯૧માં એક પારસી બાનુએ લખેલું પુસ્તક

અને આજે પણ રસ પડે એવી એક વાત : ૧૮૯૦માં મુંબઈની બાલીવાલા નાટક મંડળી માથેરાન ગઈ હતી. ખાસ બાંધેલા તંબુમાં ત્રણ દિવસ સુધી નાટકના ખેલ થયા હતા. તેની બધી જ આવક બાલીવાલાએ માથેરાનને દાનમાં આપી દીધી હતી. તેમાંથી અહીંના દરેક પોઈન્ટ પર એક-એક બાંકડો મૂકવામાં આવ્યો હતો. ‘માથેરાન’ નામ સમજાવવા લેખિકા બે વિકલ્પ સ્વીકારે છે. પહેલો, જે ટેકરીના માથા પર, એટલે કે ટોચ પર રાન કહેતાં જંગલ આવેલું છે તે માથેરાન. આમ તો આ વાત બંધબેસતી થતી લાગે પણ તેમાં મુશ્કેલી એ છે કે મરાઠીમાં head માટે માથું શબ્દ નહિ પણ ‘ડોકા’ શબ્દ વપરાય છે. લેખિકા નોંધે છે કે અહીંના અસલ વતની એવા ધનગર લોકો કહે છે કે મૂળ નામ ‘માતેરાન’, એટલે કે માતાનું રાન હતું. તેમાંથી માથેરાન થયું. આ વાતને ટેકો આપતી એક મરાઠી કહેવત પણ લેખિકા નોંધે છે : ‘માતપીતે ગુમવલા, માતેરાન નાવ પાવલા.’

સુરેશ દલાલના બાળગીતના શબ્દો આપણને ક્યાંથી ક્યાં લઈ ગયા! માલેટ બંદરેથી ઊપડેલી આપણી હોડી તો પહોંચી ગઈ સીધી માથેરાન! અરે, પણ હોડી તે વળી માથેરાન કઈ રીતે પહોંચે? પણ ઉમાશંકર જોશીએ જ તો ગાયું છે :

છોને છોડે એ ભૂમિના કિનારા,

ને શહેરના મિનારા,

કે હોડીને દૂર શું, નજીક શું?

હવે આવતે અઠવાડિયે? કહેતી છે કે આડી રાત,એની શી વાત? અને અહીં તો એક નહિ, સાત-સાત રાત આડી છે!

e.mail : deepakbmehta@gmail.com 

xxx xxx xxx

 પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”; 13 મે 2023

Loading

...102030...1,1011,1021,1031,104...1,1101,1201,130...

Search by

Opinion

  • કિસ : એક સ્પર્શ જેમાં મિલનની મીઠાશ અને વિદાયની વ્યથા છુપાયેલી છે
  • આને કહેવાય ગોદી મીડિયા!
  • ‘ધુરંધર’માં ધૂંધળું શું?: જ્યારે સિનેમા માત્ર ઇતિહાસ નહીં પણ ભૂગોળ બદલે ત્યારે …
  • લક્ષ્મીથી લેક્મે સુધી : ભારતીય સૌન્દર્ય જગતમાં સિમોન ટાટાની અનોખી કહાની
  • મનરેગા : ગોડસે ગેંગને હેરાન કરતો પોતડીધારી ડોસો

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા
  • ઋષિપરંપરાના બે આધુનિક ચહેરા 

Poetry

  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved