Opinion Magazine
Number of visits: 9667299
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ઓડિયન્સને અજવાળામાં લાવતું નાટક: ‘અદ્ભુત’

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|22 June 2023

રવીન્દ્ર પારેખ

મે 23-24, ‘23ની રાત્રે સાયન્સ સેન્ટરનાં, એમ્ફી થિયેટરમાં આઇડિયા અનલિમિટેડ, મુંબઈનાં બે નાટકો જોયાં, ‘વોટ્સ અપ‘ અને ‘અદ્ભુત’ -નએકપાત્રી નાટકો. ‘વૉટ્સએપ’નો નાયક ચિરાગ વોરા અને ‘અદ્ભુત’ની નાયિકા RJ દેવકી. બંનેના દિગ્દર્શક મનોજ શાહ. ‘અદ્ભુત’નો એક શો તો ‘સંસ્કૃતિ’ને ઉપક્રમે 24 જૂનની રાત્રે 7થી 9 દરમિયાન રીગલ બેનક્વેટ, વલસાડમાં પણ થવા જઇ રહ્યો છે, તો એની વાત કરવાનું પ્રસ્તુત પણ છે, પણ એ પહેલાં એના દિગ્દર્શક, અભિનેતા, પ્રોડ્યુસર મનોજ શાહ વિષે થોડું કહું.

મનોજ શાહને તેમનાં પહેલાં નાટક ‘માસ્ટર ફૂલમણિ’થી ઓળખું. એ 1999ના અરસામાં ‘ગાંધીસ્મૃતિ’માં ભજવાયેલું ને એનો ‘લોકસમર્થન’માં વિગતે રિવ્યૂ પણ કરેલો. નવી રંગભૂમિ પર ભજવાતું એ જૂની રંગભૂમિનું નાટક હતું, જેમાં પણ ચિરાગ વોરા જ નાયિકાનું પાત્ર ભજવે છે. એ પછી પણ ‘અપૂર્વ અવસર’, ‘અખો આખા બોલો’, ‘મોહનનો મસાલો’, ‘વોટ્સ અપ’, ‘અદ્ભુત’ જેવાં નાટકોમાં મનોજભાઈનું સાહસ – દિગ્દર્શન, સ્ક્રિપ્ટ, અભિનેતા-અભિનેત્રીની પસંદગીથી માંડીને નાટકનાં દરેક પાસાં સંદર્ભે અનુભવ્યું છે. એમને અનલિમિટેડ આઈડિયાઝમાં રસ છે એટલે જ એમનાં પ્રોડક્શનનું નામ પણ ‘આઈડિયાઝ અનલિમિટેડ’ છે. એ પોતે સ્ક્રિપ્ટ પાછળ ખૂબ મહેનત કરે છે અને કલાકારો પાસે કરાવે પણ છે. સ્ટેજ પર એક જ કલાકાર હોય ને તેને કેન્દ્રમાં રાખીને દોઢ કલાકથી વધુ સમય સુધી સળંગ નાટક સર્જવું રમત

મનોજ શાહ

નથી. કલાકારને મોકળું મેદાન મળે છે ને એ જ વાત એને માટે પડકારરૂપ પણ બને છે, તે એટલે કે તેણે સતત દોઢેક કલાક સુધી પ્રેક્ષકોની આંખોનો સામનો કરવાનો આવે છે. મનોજભાઈએ ડઝનેક નાટકો તો એકપાત્રી જ કરાવ્યાં છે. આવું ભારતમાં થયાનું તો જાણમાં નથી. મનોજ શાહે દિગ્દર્શિત કરેલાં નાટકોની સંખ્યા 90થી વધુ છે. એમનું છેલ્લું નાટક ‘એપલ’ 2022માં પ્રસ્તુત થયું છે ને એ પછી પણ નાટકો સોનો આંકડો પાર કરશે જ એવી શ્રદ્ધા છે. મનોજભાઈની વિશેષતા એ છે કે એમને નાટક દ્વારા સાહિત્ય પદાર્થમાં, સાહિત્યિક, આધ્યાત્મિક, સર્જનાત્મક ચરિત્રોમાં રસ પડે છે અને એવું ગુજરાતી તખ્તા પર ખાસ થયું નથી. એમનું નામ ગિનેસ બુકમાં એટલે નોંધાયું છે, કારણ એક જ દિવસમાં ‘મોહનનો મસાલો’ એમણે ગુજરાતી, હિન્દી અને અંગ્રેજીમાં પ્રસ્તુત કરવાનું અભૂતપૂર્વ કાર્ય કર્યું છે.

ઉત્તમ ગડા લિખિત ‘વોટ્સ અપ’ અર્ધવર્તુળાકારે ગોઠવાયેલા પ્રેક્ષકો સામે શરૂ થાય છે. ત્રીસેકની ઉંમરનો ચિરાગ, મોબાઈલ ફોનને રિસીવ કરતાં, સામે ફોન કરતાં અને મેસેજની આપલે કરતાં તે ભજવે છે. પોતે એના ભાઈને જેલ જતો બચાવવા, શિકાગો જવા, એરપોર્ટ પર આવ્યો છે, ત્યાં એની ગર્લફ્રેન્ડ, એની સાળી, એની પત્ની, એનો ભાઈ, એની બહેન, એનો ભાવિ બનેવી, બહેનના ભાવિ સસરા મોબાઈલમાંથી ટપકી પડ્યાં હોય તેમ ચિરાગને અકળાવે છે ને દોઢેક કલાકમાં ઘણાં પાત્રોનો સામનો તે મોબાઇલમાં કરે છે. નાટકમાં થોડાંક પુનરાવર્તનોને બાદ કરતાં ચિરાગ વોરાએ વિવિધ રસોનો અનુભવ પ્રેક્ષકોને કરાવ્યો છે. સ્ટેજ પર ચિરાગ જ છે, પણ તેની સાથે મોબાઈલ દ્વારા આખું કુટુંબ, તેની વિચિત્રતાઓ સહિત પ્રેક્ષકો અનુભવે છે. આમાં સ્ક્રિપ્ટને ફોલો કરવાની સગવડ ચિરાગને હતી, પણ ‘અદ્ભુત’માં એ તક દેવકીને ખાસ ન હતી.

RJ તરીકે જાણીતી દેવકીને ધ્રુવ ભટ્ટના ‘અકૂપાર’માં જોયેલી. એનો રિવ્યૂ કરેલો અને બીજે દિવસે સાહિત્ય સંગમમાં આખી ટીમનો ઇન્ટરવ્યૂ પણ કરેલો. અદિતિની અને આખી ટીમની મહેનતે ‘ધ્રુવ ભટ્ટ’ની અદ્ભુત નવલનું નાટયરૂપ સરસ રીતે ઉજાળી આપેલું.

ડંકન મેકમિલનની કૃતિ ’એવરી બ્રિલિયન્ટ થિંગ’નું સતચિત પુરાણિકે કરેલું ગુજરાતી રૂપાંતર ‘અદ્ભુત’, એ રીતે પણ અદ્ભુત છે કે એમાં અડધી ન લખાયેલી સ્ક્રિપ્ટ, અભિનય ન કરી શકતા પ્રેક્ષકોના હાથમાં છે. સ્ટેજ પર દેવકી તમામ ચંચળતાઓ સાથે જે રીતે આખેઆખાં ઓડિયન્સને વ્યાપી વળે છે એ કાબિલે દાદ છે. એ એકેએક પ્રેક્ષકને ‘અદ્ભુત’ નાટકનો કાર્ડ આપે છે. એની પાછળ એક નંબર છે ને એની નીચે કેટલીક પંક્તિઓ છે, જેમાં કવિતા છે, નાટક છે, ઇતિહાસ છે, અર્થ-અનર્થ બધું જ છે ને એ બધું સૂચક પણ છે. આમ આ નાટક છે, પણ એમાં પ્રેક્ષકોનાં જીવનનો અંશ પણ ક્યાંક સીધી રીતે ઉકેલાતો આવે છે ને સાધારણ રીતે નાટકમાં એવું ઓછું બનતું હોય છે. આમ વાતમાં બહુ દમ નથી, પણ દમ નીકળી જવા સુધીની નિરાશા, એકમાંથી બીજા પ્રસંગોમાં હળવાશથી પરોવાતી રહે છે. વાત નિરાશાથી, ડિપ્રેશનથી શરૂ થાય છે, પણ એની વાત  ફોડ પાડ્યા વગર થાય છે. વાત એવી છે કે દેવકી માને બચાવવા અદ્ભુત વસ્તુઓનું લિસ્ટ બનાવે છે. આમ તો એ એકલી જ સ્ટેજ પર છે, પણ તે એ રીતે એકલી નથી, કારણ અન્ય પાત્રો તેણે જ ઓડિયન્સમાંથી ઊભાં કરવાનાં છે. એ કોણ હશે તેની તેને ખબર નથી.

તે નાની છે ને તેનું ડોગી મરવાનું છે. તેને વધુ પીડા ન થાય એટલે મર્સી કિલિંગ માટે તે ડોક્ટરની પાસે આવે છે. એ બતાવવું છે, તો એ ઓડિયન્સમાં પહોંચે છે ને કોઈનો દુપટ્ટો માંગે છે. એને એવી રીતે ખભે નાખે છે કે એ માંદું ડોગી લાગે. હવે ટ્રીટમેન્ટ માટે ડૉક્ટર જોઈએ, તો તેની ઉઘરાણી પણ તેણે ઓડિયન્સમાંથી જ કરી. એક ડૉક્ટર ખરેખર જ આવ્યા. એમને પશુ ચિકિત્સક બનાવ્યા. ઓડિયન્સમાંથી જ પેન માંગી. એ ઇન્જેકશન બન્યું ને ડોક્ટરે દેવકીને ખભે પડેલાં ડોગીને તે આપ્યું. પછી તો જે થવાનું હતું તે થયું, પણ નાની છોકરી એ કારણે વ્યથિત છે કે કાલે તો ડોગી નહીં હોય, પણ એની ચીજ વસ્તુઓ હશે ને તે એની યાદને વધારે ઉપસાવશે. આમ તો આખું નાટક સ્મૃતિ સંહિતા જ છે. દેવકીની અનેક સ્મૃતિઓ એની હતાશા, એનાં હર્ષ, એની વ્યથાને શબ્દ આપે છે, પણ તે રડીને બેસી રહેતી નથી. તે ઓડિયન્સમાંથી પપ્પા ઊભા કરે છે, તેમની સાથે સ્કૂટર પર નીકળે છે ત્યારે પપ્પા તો તાજા તાજા જ પપ્પા થયા છે એટલે એમને સ્કૂટર પર આગળ કેમ ઊભાં રહેવું એની સૂચના આપવાનું પોતાને કહે છે. એ સૂચના બરાબર ન અપાય ત્યાં સુધી સૂચના આપવાનું ચાલુ રહે છે. એ રીતે આખું નાટક વર્કશોપ પણ છે.

વચમાં વચમાં પ્રેક્ષકોને અપાયેલા કાર્ડના નંબર દેવકી બોલતી રહે છે ને જેની પાસે એ કાર્ડ હોય તેણે એ નંબરની લાઇન વાંચવાની છે. એ દ્વારા ગીતની પંક્તિઓ, ફિલ્મી પંક્તિઓ, ગરબો, પાત્રની ઉક્તિ,  ઐતિહાસિક ઘટના… વગેરે દ્વારા નાટકને તો ગતિ મળી જ, પણ પ્રેક્ષકોના પણ એ સંદર્ભો સજીવન થયા. એ પણ પોતાની સ્મૃતિઓમાં ડોકિયું કરતાં રહ્યાં. એની સમાંતરે દેવકી સ્કૂલની સ્મૃતિમાં ખોવાઈ. એ માટે ઓડિયન્સમાંથી શિક્ષિકા શોધાઈ. કોલેજના અધ્યાપક પાસે એ ‘લલિતા દુ:ખદર્શક’ નાટક શીખેલી. એ નાટકના સંવાદો કેમ બોલાય તે અધ્યાપકને એણે શીખવ્યું ને એ પ્રમાણે બોલાવ્યું પણ ખરું. એ દ્વારા, તે વખતે ‘લલિતા દુ:ખદર્શક’નો જે પ્રભાવ હતો એનો ખ્યાલ પણ અપાયો. પછી તો ઓડિયન્સમાંથી જ પ્રેમી પણ શોધી કઢાયો. સ્ટેજ પરની પ્રાસંગિકતા સાથે જે તે પ્રેક્ષકની પણ કોઈ અંતરંગ વાતો ટકરાતી આવી ને એ દ્વારા નાની નાની રમૂજો પણ નાટકનો ભાગ બનતી ગઈ. ગમ્મત એ હતી કે ‘વોટ્સ અપ’માં પોતાનાં પાત્રો પારકાં થતાં હતાં, જ્યારે ‘અદ્ભુત’માં પારકાં પાત્રો પોતાનાં થતાં હતાં. અંતે, પ્રેક્ષકોના હર્ષોલ્લાસ વચ્ચે ને નાટકનાં શોની જાહેરાત સાથે નાટક પૂરું થયું.

પણ, આ નાટક ઘણી બધી રીતે અદ્ભુત છે. તે એ રીતે કે નાટક માટે જોઈતાં પાત્રો-પિતા, પ્રેમી, પ્રાધ્યાપક, ડૉક્ટર, શિક્ષક… વગેરે ઓડિયન્સમાંથી ઉપજાવી લેવાયાં છે. ગમ્મત એ છે કે ઓડિયન્સમાંથી કોણ પાત્ર થઈને સ્ટેજનાં અજવાળામાં આવશે એની નથી પ્રેક્ષકોને ખબર કે નથી તો નાયિકાને ખબર ! મુખ્ય પાત્રને બાદ કરતાં અન્ય તમામ પાત્રો ઓડિયન્સમાંથી તૈયાર કરાયાં છે તે નોંધપાત્ર ઘટના છે. આજ સુધી પ્રેક્ષકો અંધારામાં હતાં. આ પહેલું નાટક છે જે એક સાથે આટલાં પ્રેક્ષકોને પાત્રો બનાવીને સ્ટેજનાં અજવાળામાં લાવે છે. દિગ્દર્શક અને દેવકી માટે પડકાર એ હતો કે દરેક નાટકે તેમણે બદલાવાનું ન હતું, પણ પ્રેક્ષકો અને પ્રેક્ષકોમાંથી આવનારાં પાત્રો બદલાતાં રહેવાનાં હતાં ને દરેક જોડે દરેક નાટકે નાયિકાએ આ બદલાવ સાથે પાનાં પાડવાનાં હતાં. સાધારણ રીતે તો સ્ટેજ પર, અન્ય પાત્રના સંવાદ પરથી સામેનાં પાત્રને આગળની લાઇન્સ મળતી હોય છે, પણ અહીં તો દેવકી જ હતી ને સામે જે પાત્રો આવવાના હતાં એ પોતે જ એમનાં સંવાદોથી અજાણ હતાં તો, દેવકીને કોઈ ક્લુ મળવાની ખાતરી કેવી રીતે હોય? બીજું એ કે પ્રેક્ષકો નાટક જોવાની તૈયારી સિવાય બીજી કોઈ તૈયારી સાથે ભાગ્યે જ આવે છે, ત્યાં સીટ લીધાં પછી તેડું આવે કે સ્ટેજ પર જવાનું છે ને સંવાદો બોલવાના છે, તો મોતિયા જ મરી જાય કે બીજું કૈં? એવા પ્રેક્ષકોને દેવકી-દિગ્દર્શક સ્ટેજ સુધી લાવે છે, તેમની પાસે એક્ટિંગ કરાવે છે, સંવાદ બોલાવે છે ને બરાબર ન થાય ત્યાં સુધી સુધરાવે છે. આ કપરું કામ છે ને એ પાર પડ્યું એમાં જ દેવકીનો વિજય છે. સાચું તો એ છે કે દેવકીએ પોતાની એક્ટિંગ તો કરવાની જ હતી, પણ આવનાર પ્રેક્ષકને પાત્ર બનાવવા વધારાની એક્ટિંગ પણ, એમને શીખવવા કરવાની હતી ને એવું તો દરેક શો વખતે કરવાનું હતું ને એ ખરેખર કસોટી કરનારું હતું. વારુ, અહીં જે સ્ટોરી હતી તે ચોક્કસ ક્રમે આગળ વધતી ન હતી. એમાં પ્રસંગો આગળ પાછળ થતા રહેતા હતા. એ સ્થિતિમાં દેવકી માટે આ સ્ક્રિપ્ટ મોટો પડકાર બની રહી હોય તો નવાઈ નહીં !

ટૂંકમાં,‘અદ્ભુત’માં એવી સંવેદનાઓ ઊઘડે છે જેની બારાખડી અગાઉ લખાઈ નથી. એને માટે મનોજ શાહ, દેવકી અને એમની આખી ટીમને અભિનંદનો આપીએ એટલાં ઓછાં છે. સૌને હૃદયપૂર્વકનાં અભિનંદનો ને શુભેચ્છાઓ …

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : “ધબકાર”, 22 જૂન 2023

Loading

બંગડીબંધન

મનીષી જાની|Poetry|21 June 2023

જેમ અડધી આલમને

બંધનની બંગડીઓમાં પૂરી રખાઈ છે,

એમ જ મારા દેશની લોકશાહીને

બંગડી આકારના પાર્લામેન્ટમાં પૂરી દેવાઈ છે …

એ બંગડીમાં બેઠેલા બગલા જેવા સફેદ વસ્ત્રધારીઓ

એકબીજાને કલંકિત કાળામેશ વસ્ત્રધારી કહીને બસ,

ભાંડ્યા કરે છે,

એક દળ બીજા દળને ચોર કહે છે,

બીજું દળ પહેલા દળને ચોર કહે છે,

પછી એકબીજા પર માઈકો ફેંકવાની રમત રમે છે

પછી એકબીજાને ભેટીને ખાધું પીધું ને રાજ કરે છે …

બંગડીની બહાર દલ દલ કાદવમાં

બેરોજગાર ઊછળતું લોહી ખૂંપી રહ્યું છે,

પેટૃોલના ઊંચા ઊછળતાં ભાવ મોંઘવારીના નશામાં ચકચૂર છે,

નીચે ને નીચે પડી રહેલો, 

ખાંસતો, ગબડતો, બબડતો રૂપિયો …

મોંઘીદાટ કૉલેજોની દુકાનોની બહાર ઊભાં ઊભાં

ચમકદાર, ભભકદાર શોકૅસને જોયાં કરતાં યુવક યુવતીઓ,

વિન્ડો શોપિંગમાં ખોવાઈ ગયેલાં છાત્ર-છાત્રાઓ …

ડૉક્ટરોએ લખી આપેલાં દવાઓનાં લાંબાં પ્રિસ્ક્રિપ્શનના

કાગળોને સુંઘી રહેલાં વૃદ્ધો ને વૃદ્ધાઓ …

ખિસ્સામાં અફવાઓનાં ટોળાં લઈ ફરતા ચહેરાઓ

જે મરેલી ગાયનાં ચામડાં ઊતરડનારને 

અસ્પૃશ્ય ગણી પાણીના છાંટે સ્નાન કરે છે

એ જીવતા માણસની ચામડી ઉતરડી નાખવાના

સામૂહિક આનંદના મેળા યોજે છે …

બધું જ દલદલમાં ખૂંપી રહ્યું છે …

ભૂખ્યાં તરસ્યાં લોકોની ખાલી થાળીઓની

ઉઠાંતરી કરી ભક્તો થાળીઓનાં મંજીરાં બનાવી

લોકશાહીનાં ભજનો ભસી રહ્યાં છે …

મારા દેશની લોકશાહી

બંગડી આકારના પાર્લામેન્ટનાં બંધનમાં

બંધાઈ ગઈ છે …

[22 જુલાઈ, 2018]
(‘મને અંધારા બોલાવે’ કાવ્યસંગ્રહમાંથી સાભાર, પૃ. 05 અને 06)

Loading

દામિની : અન્યાયના અંધકાર પર ત્રાટકેલી વીજળી

રાજ ગોસ્વામી|Opinion - Opinion|21 June 2023

રાજ ગોસ્વામી

આજકાલ મનોજ બાજપાઈ અભિનીત ‘સિર્ફ એક બંદા કાફી હૈ’ ફિલ્મ ચર્ચામાં છે. ચર્ચાનું એક કારણ ખુદ બાજપાઈ છે, જેણે રાજસ્થાનની જોધપુર કોર્ટના એક વકીલ, પી.સી. સોલંકી, તરીકે દમદાર અભિનય કર્યો છે. બીજું કારણ કહાનીનો કોર્ટરૂમ ડ્રામા છે. આપણે ત્યાં થોડા વખતથી રિયાલિસ્ટિક ફિલ્મોમાં દર્શકો અને ફિલ્મ સર્જકોનો રસ વધ્યો છે, એટલે અસલી ઘટનાઓ પર ફિલ્મો બની રહી છે. સ્વાભાવિક રીતે જ, એના વિષયો ખૂન-બળાત્કારના સમાચારો આસપાસ ફરે છે. ‘સિર્ફ એક બંદા કાફી હૈ’માં પણ વાર્તાનો વિષય આસારામ બાપુ સામે જાતીય શોષણના આરોપો અને કોર્ટમાં તેમને દોષી ઠેરવવાનો છે.

ખાસ તો, તેમાં કોર્ટરૂમની કાયદાકીય આંટીઘૂંટીઓને વાસ્તવિક રીતે રજૂ કરવાનો જે પ્રયાસ થયો છે તે દર્શકો માટે એક નવીન અનુભવ છે. બોલિવૂડમાં, કોર્ટરૂમ ડ્રામાવાળી ફિલ્મોનો લાંબો ઇતિહાસ રહ્યો છે. જેમ કે, 1960માં બલદેવ રાજ ચોપરાએ ‘કાનૂન’ ફિલ્મ બનાવી હતી. જેમાં એક એવા જજ(અશોક કુમાર)ની વાર્તા હતી, જે તેમની જ કોર્ટના વકીલ અને ભાવિ જમાઈ(રાજેન્દ્ર કુમાર)ની નજરમાં ખૂન કેસના સંદિગ્ધ આરોપી બની જાય છે.

ચોપરાના જ લઘુ બંધુ યશ ચોપરાએ 1965માં ‘વક્ત’ નામની ફિલ્મ બનાવી હતી. ફિલ્મ આમ તો નાનપણમાં છૂટા પડી ગયેલા પરિવારની હતી, પણ તેનો અંત કોર્ટમાં હત્યાના એક ખટલામાં આવે છે. કાયદા આંધળો છે અને તેને કેવી રીતે સફળતાપૂર્વક ગેરમાર્ગે દોરી શકાય છે તેવા ઉત્તેજક વિષય સાથે 1983માં દક્ષિણના નિર્દેશક ટી. રામારાવે અમિતાભ, રજનીકાંત અને હેમા માલિનીની સાથે ‘અંધા કાનૂન’ ફિલ્મ બનાવી હતી. આ ફિલ્મમાં અમિતાભનું અંતિમ કોર્ટરૂમ દૃશ્ય યાદગાર છે અને કંઇક અંશે ‘સિર્ફ એક બંદા કાફી હૈ’માં બાજપાઈના અંતિમ કોર્ટરૂમ દૃશ્યની પ્રેરણા બન્યું હતું.

એ સંદર્ભમાં, 1993માં આવેલી રાજકુમાર સંતોષીની ‘દામિની’ ફિલ્મ તેના સાહસિક વિષય અને કોર્ટરૂમ ડ્રામાને લઈને સીમાચિન્હરૂપ છે. ‘દામિની’ નોંધપાત્ર ફિલ્મ એટલા માટે છે કારણ કે એક તરફ તેમાં બળાત્કારનો સામાજિક મુદ્દો હતો અને બીજી તરફ તેનું કાયદાકીય પાસું હતું. કરુણતા એ હતી એ બંને મોરચે પીડિતાની મદદગાર દામિની ગુપ્તા(મીનાક્ષી શેષાદ્રી)ને સહન કરવાનું આવે છે.

સમાજ-પરિવાર અને કાયદાના હાથે પરેશાન દામિનીની એ વિવશતાને ઘાટી કરવા માટે જ, રાજકુમાર સંતોષીએ એન્ટી-થિસિસ રૂપે એડવોકેટ ગોવિંદ શ્રીવાસ્તવ(સની દેઓલ)નું પાત્ર સરજ્યું હતું, જે દામિનીને ન્યાય તો અપાવે છે, પરંતુ ફિલ્મ પૂરી થયા પછી દર્શકોને સમાજનાં બેવડાં ધોરણો અને કાયદાની રુક્ષતા અંગે વિચાર કરવા મજબૂર કરે છે. ગોવિંદનો એ આક્રોશભર્યો સંવાદ ‘તારીખ પે તારીખ’ અને ‘યે ઢાઈ કિલો કા હાથ’ આજે પણ એટલો જ યાદગાર છે. ફિલ્મોના દમદાર કોર્ટરૂમ ડ્રામાની જો યાદી બંને, તો ‘દામિની’માં ગોવિંદની કોર્ટની પેશી સૌથી ઉપર હોય.

રાજકુમાર સંતોષીએ ફિલ્મમાં ચાર મહત્ત્વના મુદ્દા ઊભા કર્યા હતા. 

1. ભારતીય કોર્ટોમાં બળાત્કારના કેસો બહુ લાંબા અને અસંવેદનશીલ રીતે ચાલે છે

2. સમાજમાં બળાત્કારને લઈને બેવડાં ધોરણો છે. તેમાં પીડિતાને જ અપરાધી માનવામાં આવે છે.

3. સમાજ અને કોર્ટની વ્યવસ્થા એવી છે કે સત્ય બોલવાનું મુશ્કેલ બની જાય છે.

4. ન્યાય અને સત્તા અમીર અને ગરીબ વચ્ચે તફાવત કરે છે.

ફિલ્મની નાયિકા, દામિની, સચ્ચાઈ અને સરળતાનું પ્રતિક છે. પરિવારની સમસ્યાઓ હોય, સાર્વજનિક મુદ્દાઓ હોય કે અંગત બાબતો હોય, દામિની નિષ્કપટ જીવન જીવવામાં માને છે અને ઈચ્છે છે કે તેની આસપાસ જે લોકો છે તે પણ એવું જ જીવે. તેની એ નિર્દોષતાના કારણે જ એક અમીર બિઝનેસમેન શેખર ગુપ્તા (ઋષિ કપૂર) તેના તરફ આકર્ષાય છે અને તેની સાથે લગ્ન કરે છે. વિડંબના કેવી કે દામિનીનો એ ગુણ જ પાછળથી તેમની વચ્ચે અણબનાવનું નિમિત્ત બને છે.

ફિલ્મની વાર્તા બહુ જાણીતી છે : શેખરનો ભાઈ અને તેના દોસ્તો હોળીની મજા-મસ્તીમાં કામવાળી ઊર્મિ (પ્રજકતા કુલકર્ણી) પર બળાત્કાર કરે છે. દામિની અને તેનો પતિ આ અપરાધના ચશ્મ-દીદ ગવાહ છે. દામિની ઊર્મિને મદદ કરવા માંગે છે પણ તેનાં અમીર સાસરિયાં ઈજ્જત બચાવવા માટે તેને રોકે છે. એમાં તેને ઘર-પરિવાર છોડવો પડે છે.

દામિની ગુપ્તા પરિવારના લોકોના અપરાધબોધ હેઠળ જીવી શકતી નથી અને બેબસ હાલતમાં એક શરાબી વકીલ ગોવિંદના શરણે જાય છે. ગોવિંદ, જે કાયદા અને વકાલતની સિસ્ટમ કેવી રીતે કામ કરે છે તે સારી પેઠે જાણે છે, તે દામિનીનો હાથ થામે છે અને અમીર લોકોના બેરિસ્ટર ઇન્દ્રજીત ચઢ્ઢા(અમરીશ પૂરી)નો સામનો કરવા માટે તૈયાર થાય છે. એ પછી કાનૂની આંટીઘૂંટીઓ ચાલુ થાય છે અને બળાત્કારના કેસોમાં લોકો કહેતાં હોય છે તેમ, કોર્ટમાં ઊર્મિ પર ‘બીજો બળાત્કાર’ શરૂ થાય છે.

‘દામિની’ એક તરફ ભારતની અસંવેદનશીલ કોર્ટ વ્યવસ્થાની ટીકા કરે છે, તો બીજી તરફ મહિલા સશક્તિકરણનું સમર્થન કરે છે. એક સીધી-સાદી અને ભોળી દામિની કેવી રીતે પુરુષપ્રધાન સમાજમાં અકસ્માતે નારી અધિકારની રખેવાળ બની જાય છે તે રસપ્રદ છે. એમાં એક દૃશ્ય નોંધપાત્ર છે. દામિની જે રીતે તેનાં સાસરિયાંના ફરમાનનું ઉલ્લંઘન કરે છે અને પરિવારની વહુની ફરજો ‘ભૂલી’ને પારકી સ્ત્રીને ન્યાય અપાવાનો ઝંડો પકડે છે, તે જોઇને ભડકેલો ચઢ્ઢા ગુપ્તા પરિવારને ‘આશ્વાસન’ આપે છે કે, “મૈં દામિની કો દુસરી ઔરતો કે લિયે કભી ભી મિસાલ બનને નહીં દુંગા.” એટલે જ તે દામિનીને પાગલ ઠેરવાની કોશિશ કરે છે. વાત તો બરાબર છે. પુરુષના વર્ચસ્વવાળા સમાજમાં જે સ્ત્રી પોતાની સ્વતંત્રતા બતાવે તે પાગલ જ કહેવાય.

90ના દાયકામાં જ્યારે રોમેન્ટિક અને એક્શન ફિલ્મો ચાલતી હતી, ત્યારે રાજકુમાર સંતોષીએ બળાત્કારને લઈને સમાજ અને ન્યાયતંત્રના નિરાશાજનક અભિગમ પર એક નાયિકાપ્રધાન ફિલ્મ બનાવાનું સાહસ કર્યું હતું. ‘અર્ધ સત્ય’(1982)વાળા ગોવિંદ નિહલાનીના સહાયક તરીકે કામ કરનાર સંતોષીએ 1990માં સની દેઓલ અને મીનાક્ષી સાથે ‘ઘાયલ’ ફિલ્મથી નિર્દેશન ક્ષેત્રે પદાર્પણ કર્યું હતું. ‘દામિની’ની તેમની બીજી ફિલ્મ. એવું કહેવાય છે કે સંતોષીને ફિલ્મ બનાવાની સરખી તક મળતી ન હતી અને સનીએ જ તેમણે પહેલાં ‘ઘાયલ’ અને પછી ‘દામિની’માં ફાયનાન્સની વ્યવસ્થા કરી આપી હતી.

એક ઇન્ટરવ્યૂમાં તે કહે છે કે, “ઘાયલ પછી મેં તેની સિકવલ બનાવીને પૈસા છાપ્યા હોત, પરંતુ દામિનીની વાર્તા મને ગમી ગઈ હતી. મને લાગ્યું કે આ વાર્તા ઘણી પ્રાસંગિક છે. ઘણા લોકોએ મને સૂચન કર્યું હતું કે ફિલ્મમાં મીનાક્ષીની બહેન સાથે બળાત્કાર બતાવશો તો દર્શકોની સહાનુભૂતિ વધુ મળશે. મેં કહ્યું કે પોતાની મા કે બહેન માટે તો બધા લડે. મારે તો દામિનીને નોકરાણી માટે લડતી બતાવવી હતી અને તે નોકરાણી માટે તેના પતિ, સાસરિયાં અને બીજા બધા સાથે લડી પડે છે. મારે એવી નાયિકાનો દાખલો બેસાડવો હતો.”

અને મીનાક્ષીએ પણ દામિનીની એ ભૂમિકાને તેના નામ મુજબનો જ ન્યાય કર્યો હતો. દામિનીનો અર્થ થાય છે ‘વીજળી,’ અને ફિલ્મની નાયિકા વીજળી બનીને બધા પર એવી ત્રાટકી હતી કે આજે પણ તેના કડાકાભડકા સંભળાતા રહે છે.

(પ્રગટ : ‘સુપરહિટ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, “સંદેશ”; 21 જૂન 2023)
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...102030...1,1001,1011,1021,103...1,1101,1201,130...

Search by

Opinion

  • સત્ય, તથ્ય અને નિસબતનો દસ્તાવેજ એટલે ડાર્વિનની આત્મકથા
  • રાજનીતિમાં વૈચારિક સફાઈના આગ્રહી: પંડિત દીનદયાલ
  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved