Opinion Magazine
Number of visits: 9552634
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

પડદા પાછળનું ગુજરાત: પુસ્તક

હિદાયાત પરમાર|Opinion - Opinion|29 November 2025

લેખક : આર.બી. શ્રીકુમાર (ગુજરાત કેડરના સેવાનિવૃત્ત આઈ.પી.એસ. અધિકારી)

પ્રસ્તાવના : પ્રકાશ ન. શાહ

પ્રકાશન : ફારોસ મીડિયા & પબ્લિશિંગ પ્રાઈવેટ લિમિટેડ, ૨૦૦૯ (ગુજરાતીમાં)

આ પુસ્તક ૨૦૦૨માં ગુજરાતમાં બનેલી કોમી હિંસાની ઘટનાઓનું આંતરિક અને વ્યવસ્થાગત વિશ્લેષણ છે, જે ગોધરા રેલવે સ્ટેશન પરની દુર્ઘટના (એસ-સિક્સ કોચમાં આગ લગાડવાની ઘટના) પછી રાજ્યના અનેક વિસ્તારોમાં ભડકી ઉઠેલા રમખાણો પર કેન્દ્રિત છે. આ ઘટનાઓને ગુજરાત અને ભારતના ઇતિહાસમાં કલંક તરીકે ગણાવતા લેખક આર.બી. શ્રીકુમાર, જે તે સમયે ઇન્ટેલિજન્સ વિભાગના અધિક પોલીસ મહાનિદેશક તરીકે ફરજ પર હતા (૯ એપ્રિલથી ૧૮ સપ્ટેમ્બર ૨૦૦૨), તેમના અનુભવો અને આધાર પુરાવાને આધારે આ પુસ્તક લખ્યું છે.

પુસ્તકમાં લેખકે પોતાની અંતરાત્માના બોજને હળવો કરવા માટે ઘટનાઓનું વિગતવાર વર્ણન કર્યું છે. તેમણે રાજ્ય સરકારને નજીકથી જોવાની તક મળી હતી, પરંતુ તેમણે સરકારને સાથ ન આપીને અને પંચો સમક્ષ સાચા બયાન આપીને સરકારના વિરોધનો ભોગ બન્યા. પુસ્તકમાં નીચેના મુખ્ય મુદ્દાઓ આવરી લેવામાં આવ્યા છે :

– ઘટનાઓનું ક્રમબદ્ધ વર્ણન : ગોધરાની ઘટના પછી અમદાવાદ, વડોદરા, ગાંધીનગર સહિતના શહેરોમાં થયેલી હિંસા, મુસ્લિમ સમુદાય પરના હુમલા, મંદિરો-મસ્જિદોનું વિનાશ અને પોલીસ તંત્રની નિષ્ક્રિયતા.

– પોલીસ અને વહીવટી અસફળતા : ઇન્ટેલિજન્સ રિપોર્ટ્સમાં અગાઉથી આગાહી હોવા છતાં સરકારની બેદરકારી, પોલીસને હસ્તક્ષેપથી રોકવું અને હિંસાને નિયંત્રિત કરવામાં નિષ્ફળતા. લેખકે તેમના વિભાગના દસ્તાવેજો અને આંતરિક મેમો આધારે આનું પુરાવા સાથે વર્ણન કર્યું છે.

– રાજકીય જવાબદારી : તત્કાલીન મુખ્ય મંત્રી, મંત્રીઓ અને વહીવટી અધિકારીઓની ભૂમિકા, જેમણે હિંસાને રાજકીય લાભ માટે વાપરી હોવાનું આક્ષેપ. લેખકે સરકારની નીતિઓ અને તેની અસરો પર પ્રકાશ પાડ્યો છે.

– સામાજિક અને માનવાધિકારી પરિણામો : હિંસામાં મૃત્યુ પામેલા લોકો (ખાસ કરીને લઘુમતી સમુદાય), વિસ્થાપન, આર્થિક નુકસાન અને રાજ્યની પ્રતિષ્ઠા પરના કલંક. પુસ્તકમાં આ ઘટનાઓને ભારતીય લોકશાહી અને ન્યાય વ્યવસ્થા પરના પડકાર તરીકે ચિત્રિત કરવામાં આવ્યા છે.

આ પુસ્તક એક પ્રકારનું ‘ઇન્સાઈડર’ અને ‘વિસલબ્લોઅર’ દસ્તાવેજીકરણ છે, જે ૨૦૦૨ની ઘટનાઓના ‘પડદા પાછળ’ના રહસ્યો ખોલે છે. તેમાં લેખકના વ્યક્તિગત પ્રયાસો, કોર્ટમાં આપેલા શપથપત્રો અને તેમની વ્યાવસાયિક જીવનની મુશ્કેલીઓનું જીવંત વર્ણન છે. આ પુસ્તકે ગુજરાતના રાજકીય-સામાજિક વાતાવરણને સમજવા માટે મહત્ત્વનું યોગદાન આપ્યું છે, જો કે તે વિવાદાસ્પદ પણ ગણાય છે કારણ કે તેમાં સરકારી વર્ગો પર કડક ટીકા છે.

સૌજન્ય : હિદાયતભાઈ પરમારની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

પર્યાવરણ જતન અને વધતા જતા પ્રદૂષણ પ્રત્યેનું દુર્લક્ષ મનુષ્યનો ભોગ લઈ શકે છે, જો આપણે બચવું હશે તો પર્યાવરણનું જતન કરવું જ પડશે!

હિતેશ એસ. રાઠોડ|Opinion - Opinion|28 November 2025

હિતેશ રાઠોડ

આજકાલ સમાચારોમાં સૌથી પ્રમુખ મુદ્દો દિલ્હીની હવાનો છે. દિલ્હીની હવા હવે શ્વાસમાં લેવા લાયક રહી નથી. સામાન્ય રીતે ‘૦’ થી ‘૫૦’ સુધીના અંક વચ્ચે સારો અને ૫૦થી ઉપર જોખમી ગણાતો વાયુ ગુણવત્તા આંક એટલે કે એર ક્વોલિટી ઈન્ડેક્સ દિલ્હીમાં ૪૦૦ અને બીજા ઘણા શહેરોમાં તે ૨૦૦ના આંકને વટાવી ગયો છે. આના પરથી કલ્પી શકાય કે દિલ્હીમાં રાજકારણની હવાની સાથે સાથે વાતાવરણની હવા પણ કેટલી હદે બગડી ગઈ છે! દિલ્હીની હવા હવે પ્રાણવાયુ ગણાય એવી નથી રહી પણ પ્રાણઘાતક કે જીવલેણ બનતી જઈ રહી છે. આ સ્થિતિ એકલા દિલ્હી શહેરની નથી. ભારતના લગભગ તમામ મોટા શહેરોમાં હવા-પ્રદૂષણની સ્થિતિ દિવસે ને દિવસે વકરતી જઈ રહી છે. હવાનું પ્રદૂષણ તેમ જ બીજા અનેક પ્રકારના પ્રદૂષણોનો તોડ હજી સુધી સરકાર કે પર્યાવરણવિદોને મળ્યો નથી, અથવા તો એમ પણ કહી શકાય કે આ સ્થિતિનો હલ તો હશે પણ એને હલ કરવાની હામ અને ઇચ્છાશક્તિનો અભાવ વર્તાય છે. વિકાસની આંધળી દોટમાં માણસના અસ્તિત્વ સાથે સીધી રીતે સંકળાયેલ બીજી ઘણી બધી બાબતો અંગે આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે. વિકાસ તો પછીનો મુદ્દો છે પહેલા આપણે નાગરિકોને ચોખ્ખી હવા, પાણી અને ખોરાક આપી શકીએ તો પણ ઘણું છે. આ પરિબળોની અવગણના કરીને સાધવામાં આવતા વિકાસનું ટકાઉપણું અને ઉપયોગિતા કેટલી એ મહત્ત્વપૂર્ણ સવાલ છે.

માનવ અસ્તિત્વ સાથે સીધી રીતે સંકળાયેલ આ ગંભીર સમસ્યાના કાયમી નિરાકરણ માટે સરકાર પક્ષે હવે વિશ્વ સ્તરીય પર્યાવરણ નિષ્ણાતો, શહેરી વિકાસ ક્ષેત્રના તજજ્ઞો અને સ્થાનિક લોકોને સાથે રાખી સુનિયોજિત રીતે નક્કર પગલાં ભરવાં પડશે. હવામાં પ્રદૂષણ ફેલાવતા તમામ પરિબળો સામે કડક હાથે કામગીરી કરવી પડશે, પછી ભલે એ વિકાસના ભોગે પણ કેમ ના હોય, અન્યથા નજીકના ભવિષ્યમાં બહુ માઠાં પરિણામો ભોગવવાનો વખત આવી શકે છે.

હવાની ગુણવત્તા બગડવા સાથે દેશમાં સતત વકરી રહેલા વિવિધ પ્રકારનાં પ્રદૂષણો માટે કોઈ એક નહિ પણ અનેક કારણો જવાબદાર છે. સામાન્ય રીતે વાહનો, ઉદ્યોગો, કારખાનાઓ અને બીજી અનેક નાની-મોટી ધંધાકીય પ્રવૃત્તિઓ દ્વારા ઓકવામાં આવતો ઝેરી ધુમાડો, ઝેરી કચરો, જોખમી રસાયણો, કાર્બન, વગેરે, મોટા પાયે પાક તેમ જ બીજા અન્ય કચરાને બાળી નાખવાની પ્રવૃત્તિ, સુવિધાઓના અભાવે લોકો દ્વારા ફેલાવવામાં આવતો કચરો, ચારેબાજુ ઊંચી-ઊંચી ઈમારતોને કારણે અવરોધાતા હવા અને સૂર્યપ્રકાશ, શહેરોમાં સતત ચાલતા રહેતા બાંધકામને કારણે હવામાં સતત ભળતા રહેતા ધૂળના સૂક્ષ્મ રજકણો, વધુ ને વધુ લોકોનું શહેરોમાં સ્થળાંતર, શહેરોની વધતી વસતી, લોકોની લાપરવાહ જીવનશૈલી, વૃક્ષો અને વનરાજીનો નાશ, ખેતીની જમીનનો નાશ, ખેતીની જમીનમાં થતા બાંધકામ, આ બધાં પરિબળો ભેગા મળીને હવા અને પર્યાવરણનાં પ્રદૂષણની પરિસ્થિતિને વધુ જટિલ બનાવે છે. આ સ્થિતિ ભારતના લગભગ તમામ મોટા શહેરોમાં જોવા મળે છે. અમુક ચોક્કસ લોકોના લાભાર્થે શહેરોમાં આડેધડ નગર આયોજન યોજનાને આપવામાં આવતી મંજૂરી, સતત વધતી જતી વસતીના પ્રમાણમાં અપૂરતી પ્રાથમિક સુવિધાઓ જેના લીધે લોકો બિનઆરોગ્યપ્રદ રીત-રસમો અપનાવે છે જેની  વિપરીત અસર હવા અને પર્યાવરણ પર થાય છે. શહેરોમાં અવિચારીપણે કરવામાં આવતાં વિકાસ કાર્યો બીજી અનેક આડઅસરોને જન્માવે છે જેનાં કારણે પ્રદૂષણની સ્થિત વિકટ બને છે. ભવિષ્યનો વિચાર કર્યા વિના વિકાસના નામે મન ફાવે તેમ ઉદ્યોગો શરૂ કરવાની મંજૂરી આપી દેવામાં આવે છે, જેના પરિણામે હવા, પાણી અને ઘન કચરાના નિકાલને લઈને પ્રદૂષણની અનેક સમસ્યાઓ સર્જાતી હોય છે, જેના તરફ દુર્લક્ષ સેવવામાં આવે છે. દિવસે ને દિવસે ખેતીની જમીનનો નાશ બીજી અનેક વણનોતરી સમસ્યાઓ ઊભી કરે છે. 

પરિસ્થિતિ હજી વધુ ગંભીર બને એ પહેલા જો આપણે (સરકાર અને નાગરિકો બંને) આમાંથી કોઈ ધડો નહિ લઈએ અને આપણાં આચરણ, રોજિંદા વ્યવહારો અને જીવનશૈલીમાં પર્યાવરણને સાનુકૂળ ફેરફારો નહિ કરીએ અને પર્યાવરણના જતનની જવાબદારી સામૂહિક રીતે નહિ સ્વીકારીએ, પર્યાવરણને લગતી નીતિઓ અને કાયદાઓનો કડક રીતે અમલ નહિ કરાવીએ તો પર્યાવરણ પ્રત્યેનું આ દુર્લક્ષ જ માનવનો ભોગ લેશે એમાં બેમત નથી. વળી, પર્યાવરણના જતન માટે એકલી હવાની જ વાત શા માટે! દેશના લગભગ તમામ મોટાં શહેરોમાં શુદ્ધ હવા, પાણી અને ખોરાક દુર્લભ બન્યાં છે. હવા, પાણી અને ખોરાક વધુ દૂષિત થવાને કારણે જ જાહેર સ્વાસ્થ્યનું સ્તર કથળ્યું છે. જવાબદારીપૂર્વક કહેવું હોય તો કહી શકાય કે પર્યાવરણને ગંભીર હાનિ પહોંચાડવા માટે આપણે પોતે, આપણા વિરાટકાય ઉદ્યોગો, આપણી લાપરવાહ જીવનશૈલી અને સરકારોની અવિચારી વિકાસ નીતિઓ જવાબદાર છે. વિકાસનો અર્થ એ નથી કે કુદરત નિર્મિત સ્થાયી સૃષ્ટિના ભોગે અવિચારી, અણઘડ અને આડેધડ રીતે તેમ જ પર્યાવરણની સુરક્ષાને ધ્યાનમાં લીધા વિના વિકાસનાં કામો કરવામાં આવે. વિકાસ કાર્યો હાથ ધરતી વખતે લોકોની જરૂરિયાતની સાથે સાથે પર્યાવરણ જતન ધ્યાનમાં લેવું પણ એટલું જ જરૂરી છે. વિકાસના નામે ગામ, સીમ, પહાડો, કુદરતી સજીવ-સૃષ્ટિ, વૃક્ષો, વનરાજી, લીલોતરી, તળાવ, કૂવા, નદી-નાળા, સરોવર આ બધાને જે નુકસાન પહોંચાડવામાં આવી રહ્યું છે એ માટે આપણે બીજા કોઈને દોષ આપી શકીએ નહીં. 

નદીઓનાં પાણીની સુરક્ષા, ખેતીની જમીનની સુરક્ષા, વૃક્ષો અને વનરાજીના જતનને કાયદાથી સુરક્ષા, પ્રદૂષણ ફેલાવતા ઉદ્યોગો પર પ્રતિબંધ, બાંધકામ સાઈટો પર કડક પ્રતિબંધો, અમુક ચોક્કસ ઊંચાઈ સુધી જ ઈમારતોને મંજૂરી વગેરે જેવી સીધી કે આડકતરી રીતે પ્રદૂષણ નિયંત્રણ સાથે સંકળાયેલ બાબતો પર સરકારે લોકભાગીદારીથી નક્કર આયોજન સાથે કામ કરવું પડશે. લોકોનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે અનિવાર્ય અને પર્યાવરણની સુરક્ષા માટેનું સૌથી મોટું પરિબળ એવી ખેતી અને ખેતીની જમીનને બચાવવા માટે સરકારે ચોક્કસ નીતિ ઘડી ખેતી અને ખેડૂતોને રક્ષણ આપવું પડશે.

પ્રદૂષણ ફેલાવવામાં વિરાટકાય ઉદ્યોગો પણ એટલા જ જવાબદાર છે. સરકારે ઉદ્યોગોની સામાજિક જવાબદારી એટલે કે કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી નક્કી કરી પ્રદૂષણ નિયંત્રણની જવાબદારી મોટા-મોટા ઉદ્યોગગૃહો પર લાદવી જોઈએ. ઉદ્યોગો ઘણા બધાં સામાજિક-આર્થિક અને માનવીય સંસાધનોનો ઉપયોગ કરે છે તો બદલામાં પ્રદૂષણ સામે સમાજની અને સમાજના સંસાધનો તેમ જ પર્યાવરણ  સુરક્ષાની જવાબદારી એમના માથે નાખવી જોઈએ. જે ઉદ્યોગો આવી જવાબદારી લેવા તૈયાર ન થાય એવા ઉદ્યોગોને તેમની કામગીરી ચલાવવાની મંજૂરી આપવી જોઈએ નહિ, અથવા તો આપેલ મંજૂરી પાછી ખેંચી લેવા અંગે પણ વિચારી શકાય. 

બીજી તરફ લોકોએ પણ હવે સરકાર પર વધુ પડતા નિર્ભર રહેવાને બદલે પોતાના વિવેકબુદ્ધિ અને સમજણપૂર્વક પ્રદૂષણની આ જીવલેણ સમસ્યાના નિરાકરણની દિશામાં સ્વ-સુરક્ષાના ઉપાયો હાથ ધરવા પડશે અને પ્રદૂષણ ફેલાવવામાં પોતે નિમિત્ત ન બને એ સુનિશ્ચિત કરવું પડશે. અનિવાર્ય ન હોય ત્યાં સુધી અંગત વાહનનો ઉપયોગ ન કરતા જાહેર પરિવહનનો ઉપયોગ, ઘન અને પ્રવાહી કચરાનો સુવ્યવસ્થિત નિકાલ કરવાની સસ્તી, ટકાઉ અને પર્યાવરણને સાનુકૂળ વ્યવસ્થા લોકોએ ભેગા મળીને વિકસાવવી પડશે, નોકરી-વ્યવસાય, બાળકોના શિક્ષણ, અન્ય સુવિધાઓ વગેરે કારણોસર લોકોની શહેરો તરફની આંધળી દોટ શહેરી સમસ્યાઓને વધુ વકરાવે છે. વિકલ્પે શહેર આસપાસનાં નાનાં-ગામોમાં વસવાટ કરવા અંગે પણ વિચાર કરી શકાય. પર્યાવરણ થકી આપણે છીએ પર્યાવરણ આપણા થકી નથી એ સિદ્ધાંતને યાદ રાખીને જ્યાં પણ વસવાટ કરીએ પર્યાવરણને સાનુકૂળ જીવનશૈલી અપનાવવાથી જ પર્યાવરણનું જતન કરી વધતા જતા પ્રદૂષણને નિયંત્રણમાં રાખવામાં આપણે યોગદાન આપી શકીશું. 

સરગાસણ, ગાંધીનગર
e.mail : h79.hitesh@gmail.com

Loading

ગઢસરાઈથી જાપાન વાયા પેરિસ

સુરેશ જાની|Opinion - Opinion|28 November 2025

ભોપાલની સંસ્થા ભારત-ભવનના સ્થાપક જગદીશ સ્વામીનાથન્‌, આદિવાસી કલાનો અભ્યાસ કરવા મધ્ય પ્રદેશના દિન્દોરી જિલ્લાના પાટણગઢની મુલાકાતે આવ્યા હતા. ત્યાંથી ૨૦ કિલોમિટર દૂર આવેલા ગઢસરાઈ ગામમાં  તેમણે એક ૧૬ વર્ષના યુવાન જાંગડ શ્યામને છાણ અને માટીના ગારાથી લીંપેલ દીવાલ પર ચાકથી ચિત્ર કરતો જોયો. અને એમની ખોજ પૂરી થઈ. તેમણે આ યુવાનને ભોપાલ લાવીને થોડીક વિશેષ તાલીમ આપી. પછી તેને ભારત ભવનના પ્રવેશ પાસેની દીવાલને સુશોભિત કરવાનું કામ સોંપ્યું. અને આ અદ્દભુત રચનાએ આકાર લીધો.

ત્યાર બાદ તો શ્યામનો સૂર્ય સોળ કળાએ ખીલી ઊઠ્યો. બહુ ટૂંકા ગાળામાં તેની ગોંડ કળાની જાણ આખા વિશ્વમાં પહોંચી ગઈ.

જાંગડ શ્યામ (૧૯૬૨ – ૨૦૦૧)

એક ગામના મકાન પર ગોંડ કળા

કરોળિયાના જાળાને કેન્દ્રમાં રાખીને તેણે કેન્વાસ પર બનાવેલ એક ચિત્ર તેના અવસાન બાદ  $ ૩૧,૨૫૦/-માં વેચાયું હતું.

ભારત ભવનમાં કામ શરૂ કર્યા બાદ પાંચ જ વર્ષમાં તેને મધ્ય પ્રદેશનો શિખર-સન્માન એવોર્ડ એનાયત થયો હતો. મધ્ય પ્રદેશની વિધાનસભામાં પણ તેના દીવાલ ચિત્રો મોજૂદ છે. તેણે વિશ્વના ઘણા દેશોની મુલાકાત લીધી હતી, અને તેનાં અઢળક ચિત્રો કલાસંગ્રહકારો અને મ્યુઝિયમોમાં મોજૂદ છે.

ભોપાલમાં તે સ્વામીનાથન્‌ની નજીક જ, પતરાંના એક ઝૂંપડામાં રહેતો હતો. આખા જીવન દરમિયાન તેમની દોરવણી અને સાથ તેને મળતાં રહ્યાં હતાં. પણ પછાત જાતિના હોવાના કારણે તેને સામાજિક મોભો કદી પ્રાપ્ત થયો ન હતો. તેનાં ચિત્રો ખાસ વેચાતાં ન હતાં. આ કારણે તે હમ્મેશ તંગીમાં જ રહેતો. અદ્દભુત આંગળીઓનો આ સ્વામી કમભાગ્યે નાણાં કમાવાની કળામાં કદી માહેર થઈ શક્યો ન હતો.

૨૦૦૧ની સાલમાં જાપાનના તોકામાચી રાજ્યના નિલગતા ખાતે આવેલા મિથીલા મ્યુઝિયમમાં વિશેષ કેળવણી મેળવવા તે ગયો હતો. ફીનાં નાણાં ન હોવાના અને બીજા કોઈક અજ્ઞાત કારણસર કમનસીબે તેણે આત્મહત્યા કરી અને તેના અદ્દભુત જીવનનો અંત આવી ગયો. પણ તેની શૈલી અને કળા જાંગડ કલામ તરીકે ચિરંજીવી બની ગયાં છે.

તેની થોડી કલા કૃતિઓ –

સંદર્ભ –

https://www.mptourism.com/gond-painting-and-the-story-of-jangarh-singh-shyam.html

https://timesofindia.indiatimes.com/india/from-patangarh-to-japan-the-gond-art-that-became-jangarh-kalam-and-the-boy-who-carried-it-to-the-world/articleshow/125504774.cms

https://www.indianmasterpainters.com/artist_des.php?detl=113

e.mail : surpad2017@gmail.com

Loading

...10111213...203040...

Search by

Opinion

  • વિવેકહીન વ્યક્તિપૂજાનું વહેણ દેશને કઈ દિશામાં લઈ જશે?
  • બચ્ચે મન કે સચ્ચે
  • હગ ડિપ્લોમસી અને આકરી પસંદગી: પુતિનની મુલાકાત અને ભારતની વ્યૂહરચના
  • ભારત નથી અમેરિકાને નારાજ કરી શકતું કે નથી રશિયાને છોડી શકતું
  • ચલ મન મુંબઈ નગરી —318

Diaspora

  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !

Gandhiana

  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા
  • ઋષિપરંપરાના બે આધુનિક ચહેરા 

Poetry

  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 
  • ગઝલ
  • મારી દુનિયાનાં તમામ બાળકો

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved