Opinion Magazine
Number of visits: 9667358
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ટાઈટેનિક અને ટાઈટેન: ના, આપણા માટે દરેક માનવ જીવનનું મૂલ્ય સરખું નથી.

રાજ ગોસ્વામી|Opinion - Opinion|2 July 2023

રાજ ગોસ્વામી

13મી જૂને, ઉત્તરીય ગ્રીસના ભૂમધ્ય સાગરમાં મચ્છીમારીનું એક નૌકા ઉથલી ગઈ. તેમાં લગભગ 700 પ્રવાસીઓ સમુદ્રમાં ડૂબીને મરી ગયા. તેમાં 100 જેટલાં બાળકો પણ હતાં. આ નૌકા ઈજીપ્તથી નીકળી હતી અને ગ્રીસ અને ઇટલી જવાની હતી. રસ્તામાં તેણે લીબિયામાંથી પ્રવાસીઓને લીધા હતા. 21મી જૂને, સ્પેન પાસે આવેલા કાનેરી ટાપૂઓ પર જઈ રહેલા લગભગ 35 પ્રવાસીઓ તેમની નૌકા ડૂબી જતાં માર્યા ગયા હતા. 39 પ્રવાસીઓ હજુ લાપતા છે. એ લોકો આફ્રિકન દેશોના નાગરિક હતા.

આ બંને ઘટનાઓના પ્રવાસીઓ પોતાના દેશનાં આર્થિક, સામાજિક અને કારણોસર બીજા દેશોમાં સ્વર્ગની તલાશમાં જતા હતા. સંયુક્ત રાષ્ટ્ર સંઘના આંકડા અનુસાર, ગયા વર્ષે 29,895 લોકો સમુદ્ર માર્ગે સ્પેન પહોંચ્યા હતા, જયારે 643 લોકો સમુદ્રમાં ડૂબી ગયા હતા. 2021માં, 418 લોકોએ જળસમાધિ લીધી હતી. ઉપર લખ્યા તે બે તાજા સમાચાર કે અગાઉના આ સમાચાર તમારા ધ્યાનમાં ના આવ્યા હોય તે સંભવ છે. મોટાભાગની દુનિયામાં પણ આ સમાચાર ઘણા લોકોની નજરમાં નથી આવ્યા.

સ્પેનની ઘટના બની તેના બીજા જ દિવસે, 22 જૂને, નોર્થ એટલાન્ટિકના એક ખૂણામાં, જ્યાં એક સદી પહેલાં ટાઈટેનિક જહાજ ડૂબી ગયું હતું, તેનો કાટમાળ જોવા ગયેલી એક સબમર્સીબલ કેપ્સુલ, ધ ટાઈટેનમાં, સ્ફોટ થયો, અને તેમાં સવાર પાંચ અમીર પ્રવાસીઓનાં મોત થઇ ગયાં. ટાઈટેનિકે જ્યાં જળસમાધિ લીધી હતી તે સમુદ્રનું પેટાળ પાછલાં ઘણાં વર્ષોથી ટુરિસ્ટ-કેન્દ્ર બન્યું છે અને લોકો અવારનવાર સ્કૂલવાન કદની સબમર્સીબલ કેપ્સુલમાં બેસીને ત્યાં જાય છે.

આ પાંચ લોકોમાં, આ કેપ્સુલ ડીઝાઇન કરનારી અમેરિકન કંપની ઓસિયનગેટના માલિક સ્ટોકટન રશ, બ્રિટિશ બિઝનેસમેન અને અન્વેષક હમિશ હાર્ડિંગ, ફ્રેંચ સમુદ્ર વિજ્ઞાની પોલ-હેન્રી નાર્ગેઓલેટ, બ્રિટિશ-પાકિસ્તાની બિઝનેસમેન શહઝાદા દાઉદ અને તેમનો દીકરો સુલેમાન હતા. 

આ સમાચાર દુનિયાભરનાં સમાચાર માધ્યમો અને સોશિયલ મીડિયા પર છવાઈ ગયા હતા. છવાવા પણ જોઈએ. પાંચ અગ્રણી બિઝનેસમેન, 1,500 લોકોના જીવ લેનારુ ટાઈટેનિક જ્યાં ડૂબી ગયું હતું, તે જ જગ્યાએ જળસમાધિ લે તો ઇતિહાસના એ ગમખ્વાર દુર્ઘટનાના જખ્મ તાજા થઇ જાય તે સ્વાભાવિક છે. લોકોએ આઘાત અને દુઃખ સાથે આ સમાચાર વાંચ્યા. આ લખનારનું ધ્યાન નહોતું તો એક મિત્રએ જેવા બ્રેકિંગ ન્યૂઝ આવ્યા કે તરત જ દુઃખ સાથે કહ્યું, “અરેરે, બહુ ખોટું થયું!” આવું ઘણા લોકોને એ દિવસે થયું હશે.

સમજવા જેવું એ છે કે સમુદ્રમાં માણસોના ડૂબી જવાની આગળ-પાછળ બનેલી ઘટનાઓમાં આપણી પ્રતિક્રિયા તદ્દન ભિન્ન હતી. બે એક સરખી ટ્રેજેડી હતી. બંનેમાં નિર્દોષ લોકો અકસ્માતે મોતને ભેટ્યા હતા. બંનેમાં તેમના પરિવારો નોધારા થઇ ગયા હતા, અને છતાં આપણને એક દુર્ઘટનનું દુઃખ લાગ્યું અને બીજા દુર્ઘટનનું દુઃખ તો છોડો, આપણે જાણવા-સમજવાની પણ તમા નથી લીધી. સમાચાર માધ્યમોએ એક દુર્ઘટનની શું થયું, ક્યાં થયું, ક્યારે થયું અને કેવી રીતે થયું તેની બેઝિક માહિતી આપી. એક દિવસ પછી એ સમાચાર ભુલાઈ ગયો.

ટાઈટનની દુર્ઘટનામાં કેપ્સુલ ગાયબ થયાના સમાચારથી લઈને ઘટના બની તેના ફોલો-અપ સમાચારો આપ્યા, તસવીરો જારી કરી, પરિવારજનો તેમ જ નિષ્ણાતોના ઈન્ટરવ્યું કર્યા, કેપ્સુલ બનાવનારી કંપનીનો ઇતિહાસ લખ્યો, કેપ્સુલની ડિઝાઈની સમજ આપી, ટાઈટેનિકનો ઇતિહાસ યાદ કર્યો.

આ ઘટના બની ત્યારે, ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા એથેન્સમાં એક કાર્યક્રમમાં હાજર હતા. તેમણે ટીપ્પણી પણ કરી હતી કે, “700 માણસો ડૂબી ગયા તેની સરખામણીમાં સબમર્સીબલની ઘટના તરફ લોકોનું વધારે ધ્યાન ખેંચાયું તે બરાબર નથી.”

આવું કેમ? આપણને સ્વીકારતાં અઘરું પડે, પણ હકીકત એ છે કે અમુક લોકોનાં જીવન વધુ કિંમતી હોય છે અને અમુકનાં ઓછાં. નોર્થ એટલાન્ટિકમાં જે પાંચ લોકો ડૂબી ગયા તે અમીર હતા અને પશ્ચિમના વિકસિત દેશોના નાગરિક હતા. સ્પેન (અથવા ગ્રીસ) પાસે જે લોકો મરી ગયા તે ગરીબ અને અવિકસિત દેશોના નાગરિક હતા.

જોવા જેવી વાત એ છે કે પાકિસ્તાનની અંદર પર આ ભેદભાવ હતો. નૌકા ડૂબી એ ઘટનામાં પાકિસ્તાની નાગરિકો પણ હતા, પરંતુ લોકોને સબમર્સીબલમાં માર્યા ગયેલા લંડનના પાકિસ્તાની બિઝનેસમેન બાપ-દીકરા પ્રત્યે વધુ દુઃખની લાગણી હતી. દરેક મનુષ્ય સમાન છે એવી નૈતિકતા સૌ માને છે, પરંતુ વ્યવહારમાં અમીર-ગરીબ માણસોનો ભેદભાવ થતો હોય છે. જેમ કે આપણે ત્યાં કહેવાય છે કે તોફાનો થાય ત્યારે ગરીબ લોકોનાં છોકરાઓ જ મરે છે, ક્યારે ય નેતાઓના છોકરાઓ મારતાં નથી, અને આ તોફાનો પાછળ કોનો હાથ હોય છે? નેતાઓ કે તેમની પાર્ટીનો.

મનોવૈજ્ઞાનિક દૃષ્ટિએ એનાં બે કારણો છે. પહેલું કારણ છે કામના માણસો અને નકામા માણસોનો ભેદ. ધારો કે એક નૌકામાં ત્રણ માણસો છે. એક યુનિવર્સિટીનો યુવાન વૈજ્ઞાનિક છે, બીજો જેલ પૂરી કરીને છૂટેલો હત્યારો છે અને ત્રીજા તમે છો. નૌકા ડૂબવાની અણી પર છે અને તમે બેમાંથી એકને જ બચાવી શકો તેમ છો. કોને બચાવશો? તમે એ ભાવિ વૈજ્ઞાનિકને બચાવશો જે ભવિષ્યમાં કેન્સરની દવા શોધવાનો છે કે પછી એ હત્યારાને બચાવશો જે ન તો ભણ્યો છે કે ન તો તેનો પરિવાર છે?

જવાબ સ્વયં સ્પષ્ટ છે. એક કામનો છે, અને બીજો નકામો છે. તમે કામના માણસને જ બચાવશો. ધારો કે એ નૌકામાં 80 વર્ષનો એક વૃદ્ધ છે અને 18 વર્ષનો એક છોકરો છે. કોને બચાવશો. આનો જવાબ પણ સ્વયં સ્પષ્ટ છે. આપણે વ્યક્તિના જીવનની કિંમત સમાજમાં તેના સ્થાન કે ઉંમર જોઈને નક્કી કરીએ છીએ. ફેવરિટિઝમ એ આપણો મૂળભૂત સ્વભાવ છે અને તે સ્વાર્થમાંથી આવે છે. હું બીજા પરિવાર કરતાં મારા પરિવારની, બીજાના બેબી કરતાં મારા બેબીની કે અજાણ્યા રાહદારી કરતાં મારા મિત્રની ફેવર કરીશ.

બીજું કારણ પરિચિતતાનું છે. બીજા દેશોમાં ઘુસણખોરી કરતાં માણસોના મરી જવાના સમાચારો બહુ કોમન છે. રોજ હજારો લોકો યુરોપ-અમેરિકામાં ગેરકાયદે ઘૂસે છે અને વારેતહેવારે તેમના અકાળે મરવાના સમાચારો આવે છે. આપણને આવા સમાચારોની ‘ટેવ’ પડી ગઈ છે એટલે તેની ‘શોક-વેલ્યુ’ ઘટી ગઈ છે. એક અત્યાધુનિક અને સુરક્ષિત સબમર્સીબલમાં બેસીને ટાઈટેનિકનો કાટમાળ જોવા ગયેલા લોકો છેક સમુદ્રના પેટાળમાં જઈને મરી જાય એવી ઘટના રોજ નથી બનતી. એટલે એમાં આપણને આધાત અને નવીનતા બંને લાગે છે.

એક વર્ષ પહેલાં રશિયાએ યુક્રેન પર આક્રમણ કર્યું, ત્યારે દિવસો સુધી તેના સમાચારો આવતા હતા અને લોકો યુદ્ધની ટ્રેજેડીની વાતો કરતા હતા, પરંતુ એક વર્ષ પછી એ ટ્રેજેડી એટલી પરિચિત થઇ ગઈ છે કે લોકોએ તેના પર ધ્યાન આપવાનું બંધ કરી દીધું છે.

આપણું દિલ એ જ ટ્રેજેડીથી આઘાત પામે છે જે અચાનક બની હોય અને જેમાં ‘નજીક’માં અથવા ‘કામના’ લોકો ભોગ બન્યા હોય. છાસવારે બનતી અને આપણને ભાવનાત્મક કે બીજી કોઈ રીતે સ્પર્શતી ના હોય તેવી ટ્રેજેડીથી આપણે એટલા ઘવાતા નથી. મારી પાસે એક જ રૂપિયો હોય તો તેનું મૂલ્ય મારા માટે વધુ હોય, પણ મારી પાસે એક લાખ રૂપિયા હોય, તો એક રૂપિયાનું મૂલ્ય ઓછું હોય. માણસોના જીવનની કિંમતનું પણ એવું જ છે. નૈતિકતાનું વર્તુળ નાનું હોય ત્યાં સુધી જ આપણામાં બીજા માટે સહાનુભૂતિ રહે છે. એનો દાયરો હજારો લોકો સુધી પહોંચી જાય પછી સહાનુભૂતિ નબળી પડતી જાય. માત્ર મહાપુરુષો જ આખી માનવજાતનું દર્દ અનુભવી શકે છે. એટલા માટે જ તેમને મહાપુરુષ અને આપણને પામર જીવ કહેવાય છે.

(પ્રગટ : ‘બ્રેકિંગ વ્યૂઝ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”; 02 જુલાઈ 2023)
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

રશિયાનું વાગનર ગ્રૂપઃ ખાનગી સૈન્યની આડોડાઇ તેને પોષનારાના જીવ અદ્ધર કરી દે છે

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|2 July 2023

વાગનર ગ્રૂપ એવું પહેલું ખાનગી સૈન્ય નથી જે અચાનક જ ચર્ચાનો વિષય બની ગયું છે, યુનાઇટેડ સ્ટેટ્સે જ્યારે ઇરાક પર હુમલો કર્યો હતો ત્યારે ૧૯૯૭માં સ્થપાયેલા મર્સિનરી ગ્રૂપ બ્લૅકવૉટરે ઇરાકમાં ૨૦૦૦ના દાયકાની શરૂઆતમાં જે વિવાદાસ્પદ કૃત્યો કર્યા હતા તેની ભારે ચર્ચા થઇ હતી

ચિરંતના ભટ્ટ

દુનિયા માટે પનોતી થવા તૈયાર બેઠેલા રશિયાની પનોતી બેસી ગઇ હોય એમ લાગે છે. જો કે ધાર્યું હતું તેના કરતાં બધું જરા જલદી આટોપાયું પણ ખાનગી સૈન્ય વાગનર ગ્રૂપે રશિયામાં જે કર્યું તેના પડઘા ભલભલાના કાન ફાડી નાખે એવા રહ્યા એમ કહેવામાં કોઇ અતિશયોક્તિ નથી. રશિયન ક્રાંતિનો ઇતિહાસ કોઇને માટે નવો નથી. આ વાગનર ગ્રૂપે રશિયન સરકાર સામે નિષ્ફળ બળવો પોકાર્યો પણ આ ગણતરીના દિવસોમાં જે થયું તેને કારણે આધુનિક વિશ્વમાં ખાનગી સૈન્યનો જે ફાળો છે તેની તરફ ધ્યાન આપવું અને તેનું વિશ્લેષણ કરવું અનિવાર્ય થઇ પડ્યું.  રશિયન પ્રમુખ પુતિનને માટે તો ‘હાથના કર્યા હૈયે વાગ્યા’ વાળો ઘાટ થયો છે.

રશિયન પ્રાઇવેટ મિલટરી કંપની – વાગનર ગ્રૂપ આમ તો કોઇ બિઝનેસ કંપની જેવું જ માળખું લાગે પણ તેની કામગીરી, તેની વ્યવસ્થા બધું જ રશિયન સૈન્ય અને ઇન્ટેલિજન્સ ઑફિસીઝ સાથે બારિકાઇથી જોડાયેલું છે. રશિયન સરકારને આ ખાનગી સૈન્ય સેવાઓ કામની લાગી છે.

આ ખાનગી સૈન્યનો ઇતિહાસ અને પૃષ્ઠ ભૂમિ શિત યુદ્ધ પછીના સમયમાં રહેલી છે. શિત યુદ્ધ પછી ખાનગી સૈન્ય સેવાઓ આપતી કંપનીઝ શરૂ થઇ અને જે રાષ્ટ્રમાં તે હોય તે ઉપરાંતના અન્ય રાષ્ટ્રોએ પણ જરૂર પડે તેની મદદ લીધી છે. ૨૧મી સદીના ઇરાક અને અફઘાનિસ્તાના સંઘર્ષોમાં આ ખાનગી સેના કંપનીઓએ બધા જ સ્તરે કામ કર્યું હતું. સોવિયેત રશિયામાં આવી કંપનીઝ હતી જ અને તેમણે ચીન, ફિનલેન્ડ જેવા દેશો સાથેના સંઘર્ષમાં કામગીરી કરી હતી વળી સોવિયેત યુનિયનની આવી કંપનીઝે શિત યુદ્ધ દરમિયાન ‘એડવાઇઝર્સ’ તરીકે સીરિયા, ઇજિપ્ત, લિબિયા જેવા અનેક રાષ્ટ્રોમાં ત્યાંના સૈન્યનું આધુનિકીકરણ કરવામાં મદદ કરી હતી. નેવુંના દાયકામાં તેમણે  મોલડોવા અને જ્યોર્જિયાના અલગાવવાદી સંઘર્ષોમાં ભાગ લીધો પણ રશિયન સરકારે પોતે એ સંઘર્ષનો હિસ્સો હોવાનું ક્યારે ય ન સ્વીકાર્યું. સોવિયેત સંઘ છૂટા પડ્યા પછીના રશિયામાં આ ખાનગી સેના કંપનીઓને મજબૂત બનતા ખાસ્સી વાર લાગી કારણ કે રાષ્ટ્રીય સેનાઓએ તેનો વિરોધ કર્યો હતો. જો કે છેલ્લાં કેટલાંક વર્ષો કાયદાકીય ક્ષતિઓ શોધીને નેવુંના દાયકામાં ખાનગી સલામતી કંપની સાથે આ સેના કંપનીઓ પણ ખડી થઇ ગઇ, અને ૨૦૧૦ના દાયકામાં તો સીરિયા અને યુક્રેન યુદ્ધના પરિણામે તે આખા વિશ્વમાં પ્રચલિત પણ થઇ.

યેગવેની પ્રેગોઝિને સ્થાપેલા વાગનર ગ્રૂપે આફ્રિકા, માલી, લિબિયા, સેન્ટ્રલ આફ્રિકા રિપબ્લિક, મોઝામ્બિક જેવાં સ્થળોએ ત્યાંની સરકાર વતી અથવા તો રશિયન સરકાર માટે બિનઅધિકૃત રીતે લશ્કરી ઑપરેશન્સ પાર પાડ્યા છે.

વાગનર ગ્રૂપ એવું પહેલું ખાનગી સૈન્ય નથી જે અચાનક જ ચર્ચાનો વિષય બની ગયું છે. વિશ્વમાં અન્ય દેશો પાસે પણ ખાનગી સૈન્ય છે જ. યુનાઇટેડ સ્ટેટ્સે જ્યારે ઇરાક પર હુમલો કર્યો હતો ત્યારે ૧૯૯૭માં સ્થપાયેલા મર્સિનરી ગ્રૂપ બ્લૅકવૉટરે ઇરાકમાં ૨૦૦૦ના દાયકાની શરૂઆતમાં જે વિવાદાસ્પદ કૃત્યો કર્યાં હતાં તેની ભારે ચર્ચા થઇ હતી. ખાનગી મિલિટરી કંપની તરીકે બ્લૅકવૉટરે યુ.એસ. સરકાર અને તેના સાથીઓને સુરક્ષા અને સૈન્યનો સહકાર આપવામાં નોંધનીય યોગદાન આપ્યું હતું. બ્લૅકવૉટર ગ્રૂપની પકડ એટલી મજબૂત હતી કે યુ.એસ. મીડિયાએ ક્યારે ય તેને વિશે લખવામાં ‘પ્રાઇવેટ આર્મી’ જેવા શબ્દોનો ઉપયોગ ન કર્યો બલકે ‘આર્મ્ડ કોન્ટ્રાક્ટર્સ’ જેવો શબ્દ પ્રયોગ કર્યો. આમ કરવાથી આ ખાનગી સૈન્યને કોઇ નકારાત્મક રંગ ન ચઢે તે સ્વાભાવિક છે.

આ ખાનગી સૈન્યને ચાર મોટા ફાયદા હોય છે. સૌથી પહેલાં તો તે સૈન્યને લગતી તમામ બાબતોને લઇને સારી પેઠે તૈયાર હોય છે, તેમને પોતાના વિષયનું – પોતાના કામનું સારું એવું જ્ઞાન હોય છે.  જેમ કે બ્લૅકવૉટરની વાત કરીએ તો તેમાં એવા જ લોકોને રાખવામાં આવે છે જેને સૈન્યનો બહોળો અનુભવ હોય. મોટે ભાગે આ લોકો ઉચ્ચ કક્ષાના સ્પેશ્યલ ફોર્સ યુનિટના હોય છે જે હાઇલ સ્કિલ્ડ ઑપરેટર્સની કક્ષાના હોય છે. જ્યાં બહુ વધુ જોખમ હોય એવા સંજોગોમાં તેમને માટે જટિલ મિશન્સ પાર પાડવાનું સરળ થઇ પડે છે. ખાનગી સૈન્યનો બીજો ફાયદો એ છે કે સુરક્ષાને લગતા પડકારો ખડા થાય તો તે ગણતરીની મિનિટોમાં તત્કાળ પ્રતિક્રિયા આપવા માટે સજ્જ હોય છે અને ધાર્યા કરતાં વધુ ઝડપથી તેઓ ‘એક્શન’માં આવી શકે છે. વળી ત્રીજો અગત્યનો મુદ્દો એ કે ખાનગી સૈન્ય જ્યારે હુમલો કરે અથવા યુદ્ધ જેવા સંજોગોમાં સામેલ હોય ત્યારે માનવાધિકારનું ઉલ્લંઘન થાય ત્યારે એ ખાનગી સૈન્ય જે પણ દેશનું હોય, એ દેશની સરકારને કોઇ જવાબદારી રહેતી નથી, તેઓ તેમના જ દેશના ખાનગી સૈન્યથી થયેલા જાન-માલના નુકસાન માટે પોતાને માથે કોઇ ઓળિયો-ધોળિયો આવે તેનાથી સત્તાવાર રીતે દૂર રહી શકે છે. વાગનર ગ્રૂપે આફ્રિકા પર ચઢાઈ કરી હતી તેનાં પગલે રશિયાએ પોતાની મિલિટરી શક્તિની ક્ષમતા દેખાડી દીધી પણ એની કોઇ સત્તાવાર સ્વીકૃતિ ન કરી. આમ થવાથી મોસ્કો આ ઑપરેશન્સમાં, આ સંઘર્ષમાં પોતાનો કોઇપણ હાથ નથી એમ બતાડી શક્યું છતાં પણ પ્રોક્સી ફોર્સ દ્વારા જે જોઇતું હતું એ તો મેળવી જ લીધું. આ ખાનગી સૈન્યનો ચોથો ફાયદો એ કે તે રાષ્ટ્રે મોંઘી નથી પડતી, સરકારી સૈન્યને જાળવવામાં – સજ્જ રાખવામાં જે ખર્ચો થાય છે તેની સરખામણીએ આ ખાનગી સેના લાંબા અને ટૂંકા ગાળે ગજવા પર હળવી પડે છે અને આમ કરતાં જે બચત થાય તે શસ્ત્ર કે લશ્કરના આધુનિકીકરણના લક્ષ્યમાં વાપરી શકાય છે.

હવે રશિયાના વાગનર ગ્રૂપની ફરી વાત કરીએ તો તેના કર્તાહર્તા યેગવેની એક સમયે કેટરિંગનું કામ કરતા હતા અને તે હજી થોડા સમય પહેલાં તો પુતિનના ખાસ ગણાતા. યુક્રેનના યુદ્ધમાં વાગનરના ભાડૂતી સૈનિકો રશિયા વતી ખાસ્સું એવું લડ્યા. રશિયામાં તે બળવો થયો તેનું કારણ હતું વાગનર ગ્રૂપ અને રશિયાના સંરક્ષણ મંત્રાલય વચ્ચેના મતભેદને પગલે પ્રેગોઝિને રશિયન આર્મીને જ પતાવી દેવાનું એલાન કર્યું અને આ એલાનને પગલે ક્રેમલિને કહ્યું કે આ વાગનર ગ્રૂપનો બળવો છે. વાગનરવાળાની ફટકી તે ૨૪ કલાક સુધી રશિયન સરકારના જીવ પડીકે બંધાઇ ગયા કારણ કે આ ખાનગી સૈન્ય જે દેશ માટે લડતું તેની જ સરકારી સેના સામે તેમણે મોરચો માંડ્યો અને ભારે નુકસાન કર્યું. અચાનક જ બધું કોઇ ફિલ્મી સીનની માફક બદલાતું રહ્યું. આ આખા ખેલમાં પુતિનનું વલણ હાસ્યાસ્પદ કહી શકાય એવું રહ્યું પછી ભલેને લુકાશેન્કોની મદદથી વાગનરની ધમકીઓ તેણે ટાળી હોય. શનિવારે પહેલાં એમણે પ્રોગોઝિનનાં લખ્ખણોને આંતરિક વિશ્વાસઘાત કહીને તેમને રાજદ્રોહી પ્રકારનું લેબલ આપ્યું. પુતિનને રાજદ્રોહીઓ પર પોતાના વિદેશી શત્રુ રાષ્ટ્રો કરતાં પણ વધારે તિરસ્કાર છે, તેણે આડકતરી રીતે પ્રિગોઝિનનો નાશ કરવાનું એલાન કર્યું અને સાંજ સુધીમાં તો પ્રિગોઝિન પર ખટલો સુદ્ધાં નહીં ચાલેની વાત આવી અને પ્રિગોઝિન બેલારૂસ ચાલ્યા ગયા.

પુતિનના રસોઇયા તરીકે ઓળખાતા પ્રિગોઝિને જે પણ કર્યું હોય પણ તેની કંપની રશિયા માટે જરૂરી છે. પુતિને હવે પોતાના સૈન્ય અને ખાનગી સૈન્ય વચ્ચે કોઇ સંતુલન શોધવું પડશે. વળી વાગનર ગ્રૂપે આડા ફાટવાનું નક્કી કર્યું તેની પાછળ કોનો દોરી સંચાર હશે એ પણ પુતિને વિચારવું રહ્યું. શું આ માત્ર સત્તા સાબિત કરવાને લીધે થયું કે પછી કોઇ પશ્ચિમી રાષ્ટ્રએ વાગનર ગ્રૂપને આમ કરવા માટે ઉશ્કેર્યું?

વળી વાગનર ગ્રૂપે જે કહ્યું તેને બળવો કે ક્રાંતિ કહેવાય? રશિયન ક્રાંતિ – બૉલ્શેવિક ક્રાંતિનો પ્રભાવ આખી દુનિયાના રાજકારણ પર પડ્યો હતો પણ વાગનરે જે કર્યું તેની અસરે નિર્દોષોનો ભોગ લીધો અને પુતિનની રાતની ઊંઘ હરામ કરી દીધી.

રશિયા એટલે કે પુતિને આ વાગનર ગ્રૂપને તેની કામગીરી બદલ નહીં નહીં તો ૨ બિલિયન ડૉલર્સ ચૂકવ્યા હશે. પણ એક વસ્તુ સમજવી જરૂરી છે કે આ પ્રાઇવેટ આર્મીઝ – ખાનગી સૈન્ય કોઇના પણ સગાં નથી, કોઇપણ દેશ તેનો ઉપયોગ કરીને છાનું ઑપરેશન કરાવી શકે છે. ખાનગીકરણનું આ જ સત્ય છે, જે પૈસા આપશે તેને માટે કામ કરશે અને વધારે પૈસા આપશે અને પૈસા આપનારાની માંગ હશે સગા બાપને ય નહીં છોડે. વળી આ આર્મીઝ બહુ જોરાવર હોય છે અને એટલે જ એમને કોઇની ય સાડાબારી નથી હોતી.

બાય ધી વેઃ

ઇરાકમાં યુદ્ધ ચાલી રહ્યું હતું , એક કાર બોમ્બ ફૂટ્યો અને બ્લેકવૉટરના એક સ્નાઇપરે કાર ડ્રાઇવરને માથામાં ગોળી મારી કારણ કે એણે કાર રોકી નહીં. ડ્રાઇવર તો મરી ગયો કાર ચાલુ હતી અને તે બ્લૅકવૉટરની ટૂકડી તરફ ધસી રહી હતી અને તેના ગાર્ડ્ઝે અંધાધૂંધ મશીનગન અને ગ્રેનેડ લૉન્ચર્સ વાપર્યા જેમાં ૧૭ જેટલા નિર્દોષ નાગરિકો મરી ગયા. વાગનરે યુક્રેનમાં આવું જ બધું કર્યું છે. આ તો રશિયાની વાત છે પણ હકીકત એ છે કે આખી દુનિયામાં સત્તાની ધરી બનવાનો સંઘર્ષ ચાલે છે. ચીન, ભારત, યુ.એસ.એ. અને રશિયા બધા જ આ ધરી બનવાની મથામણમાં છે અને તેને પગલે આમ નાગરિકો યુદ્ધ અને યુદ્ધ જેવા સંઘર્ષોનો ભોગ બને છે. આદિપુરુષને પાપે એક વધુ બાય ધી વે કે આ વાગનર ગ્રૂપ છે વાનર ગ્રૂપ નથી જે વફાદાર રહે.

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 02 જુલાઈ 2023

Loading

યુનિફોર્મ સિવિલ કોડનું સ્વાગત કરવું જોઇએ

રમેશ ઓઝા|Opinion - Opinion|2 July 2023

રમેશ ઓઝા

સમાન નાગરિક સંહિતા(યુનિફોર્મ સિવિલ કોડ)નો મુદ્દો સરકારે ઉપસ્થિત કર્યો છે. લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે, કર્નાટક વિધાનસભાની ચૂંટણીમાં કારમો પરાજય થયો છે, વિરોધ પક્ષો એકતા માટે પ્રયાસરત છે અને ભારતના સેક્યુલર નાગરિક સમાજે મેદાનમાં ઉતરવાનું શરૂ કર્યું છે ત્યારે એવો કોઈ પ્રશ્ન ઉપસ્થિતિ કરવો જરૂરી છે જે કોમી ધ્રુવીકરણ કરવામાં ઉપયોગી થાય. સરકારની ગણતરી એવી છે કે મુસ્લિમ મૌલવીઓ, તેમની ધાર્મિક સંસ્થાઓ, રૂઢિચુસ્ત પુરુષ મુસલમાનો સમાન નાગરિક સંહિતાનો વિરોધ કરશે અને પરિણામે મુસ્લિમ સમાજમાં સ્ત્રી-પુરુષ વચ્ચે લૈંગિક વિભાજન થશે. એ વાતમાં કોઈ શંકા નથી કે સમાન નાગરિક કાયદા મૂળભૂત રીતે સ્ત્રીઓને ન્યાય કરનારા છે. આ ઉપરાંત કેટલાક સેક્યુલર હિંદુ નાગરિકો અને રાજકીય પક્ષો પણ તેનો વિરોધ કરશે અને તેના દ્વારા રાજકીય ફાયદો થશે. વળી સમાન નાગરિક કાયદો બી.જે.પી.ના એજન્ડા પર ૧૯૮૭થી છે. આર્ટીકલ ૩૭૦, સમાન નાગરિક સંહિતા અને અયોધ્યામાં રામમંદિર એમ ત્રણ મુદ્દા બી.જે.પી.ના એજન્ડામાં ૩૫ વરસથી છે.

સરકાર સમાન નાગરિક સંહિતા માટે આગ્રહ કરે અને લાગુ કરવાનો પ્રયાસ કરે તો તે તેનો અધિકાર છે. ભરતનો પ્રત્યેક નાગરિક એક કાયદા દ્વારા શાસિત હોવો જોઈએ, કાયદા સામે દરેક સરખા અને પ્રત્યેક કાયદો ભેદભાવ વિના એક સરખો લાગુ થવો જોઈએ એમ બંધારણમાં પણ કહેવામાં આવ્યું છે. રહી વાત એક સમાન નાગરિક કાયદાઓની તો એ બાબતે બંધારણ ઘડનારાઓ માર્ગદર્શન આપીને ગયા છે કે ભવિષ્યમાં બને એટલી સત્વરે એને લાગુ કરવામાં આવે અને લાગુ કરી શકાય એવી અનુકૂળતા પેદા કરવામાં આવે.

અહીં સવાલ ઉપસ્થિત થાય છે કે શા માટે બંધારણ ઘડાયું ત્યારે જ દરેક ધર્મના અનુયાયીઓ માટે સમાન નાગરિક કાયદો લાગુ કરવામાં ન આવ્યો? બીજું નાગરિક કાયદા શું છે?

બીજો સવાલ પહેલાં હાથ ધરીએ.

અંગ્રેજો ભારતમાં આવ્યા ત્યારે ભારતમાં ન્યાયદાનની કોઈ એક સરખી જોગવાઈ નહોતી. લેખિત કાયદાઓ નહોતા અને પૂરા સમય કામ કરનારું ન્યાયતંત્ર પણ નહોતું. એક પ્રકારની અવ્યવસ્થા અને વિસંગતતા જોવા મળતી હતી. હવે અંગ્રેજોની પ્રતિષ્ઠા વ્યવસ્થા (ઓર્ડર) માટેની હતી અને તેના દ્વારા તો તેઓ ભારતની પ્રજાનો વિશ્વાસ સંપાદિત કરતા હતા એટલે તેમણે ન્યાયની પ્રક્રિયામાં એકસરખાપણું લાવવાનો પ્રયાસ કર્યો. પૂરો સમય કામ કરનારું ન્યાયતંત્ર વિકસાવ્યું અને કાયદાપોથીઓ તૈયાર કરી અર્થાત કાયદાઓને લેખિત સ્વરૂપ આપવા માંડ્યું. કાયદો લેખિત હોય તો અર્થઘટન કરવાની છૂટ મળે, કાયદાથી તદ્દન વિરુદ્ધ દિશામાં જવાની કોઈને છૂટ ન મળે. અંગ્રેજોએ ભેદભાવ વિના પ્રત્યેક ભારતીયનાં જીવન વ્યવહારને એક સરખા કાયદે બાંધી દીધો. પણ ધાર્મિક અને સામાજિક રીતિરિવાજોનું શું? અંગ્રેજો સામે વિકટ પ્રશ્ન ઉપસ્થિત થયો. લગ્ન, લગ્નવય, એકપત્ની કે બહુપત્ની, સગોત્રવિવાહ, છૂટાછેડા, પુનર્વિવાહ, પુત્રને દત્તક લેવો, કૌટુંબિક વારસો વગેરે બાબતે જે તે કોમના લોકોમાં અલગ અલગ રિવાજ હતા અને તેને કાં ધર્મની માન્યતા હતી અથવા સમાજની માન્યતા હતી. હવે આ રિવાજોને ભલે જે તે ધર્મની કે સમાજની માન્યતા હતી, પણ એ કોઈકને અન્યાય કરનારા હતા. ખાસ કરીને સ્ત્રીઓને અન્યાય કરનારા હતા.

અંગ્રેજોએ એમાં પણ એકસરખાપણું લાવવાનો પ્રયાસ કર્યો હતો, પણ એમાં તેમના હાથ દાઝ્યા, ૧૯૫૭માં વિદ્રોહ થયો એટલે તેમાં હસ્તક્ષેપ કરવાનું અંગ્રેજોએ પડતું મુક્યું. અંગ્રેજોને સમજાઈ ગયું કે આ સંવેદનશીલ મામલો છે.

અહી બે સ્પષ્ટતા કરવી જરૂરી છે. એક તો એ કે અલગ વૈયકતિક કે કૌટુંબિક કાયદાઓનો લાભ એકલા મુસલમાનોને નથી મળતો, પારસી સહિત ભારતની દરેક ધાર્મિક પ્રજાને મળે છે અને તેમાં આદિવાસીઓનો પણ સમાવેશ થાય. આદિવાસીઓ માટેના અલગ કાયદાઓ સામાજિક કાયદા (કસ્ટમરીઝ લો) તરીકે ઓળખાય છે.  બીજી સ્પષ્ટતા એ કે ભારતનો પ્રત્યેક નાગરિક ઉપર કહ્યા એ લગ્ન વગેરે કૌટુંબિક બાબતોને છોડીને બાકી દરેક બાબતે એક સરખા કાયદા દ્વારા શાસિત છે. બીજા શબ્દોમાં કહીએ તો લગભગ ૯૫ ટકા બાબતે યુનિફોર્મ લોઝ અંગ્રેજોના સમયથી લાગુ છે. માત્ર એક નાનકડી પૂંછડી બચી ગઈ છે.

એ સાવ નાનકડી પૂંછડી છે એટલે એનો અર્થ એવો નથી કે તે ધાર્મિક-સમાજિક રિવાજ આધારિત કાયદાઓ ટકી રહેવા જોઈએ. કારણ કે કોઈ રિવાજને પરિણામે જો કોઈને અન્યાય થતો હોય તો તેને ચલાવી ન લેવાય અને કૌટુંબિક કાયદાઓમાં મુખ્યત્વે સ્ત્રીઓને અન્યાય થાય છે. માટે તો નારીમુક્તિનું આંદોલન ચાલાવનારી મહિલાઓ કહે છે કે આ જે તે કોમની ધાર્મિક સ્વતંત્રતાનો પ્રશ્ન નથી, સ્ત્રીને મળવી જોઈતી સ્વતંત્રતાનો પ્રશ્ન છે, લૈંગિક ન્યાયનો પ્રશ્ન છે.

આગળ કહ્યું એમ અંગ્રેજોના હાથ દાઝ્યા એટલે અંગ્રેજોએ એમાં હસ્તક્ષેપ કરવાનું છોડી દીધું. હવે આઝાદી પછી બંધારણ ઘડનારાઓ સામે પ્રશ્ન આવ્યો કે કૌટુંબિક કાયદાઓનું શું કરવું? એ સ્ત્રીઓ માટે અન્યાયકારી છે એ પહેલી નિસ્બત હતી અને દેશનો પ્રત્યેક નાગરિક એક સરખા કાયદા દ્વારા શાસિત હોવો જોઈએ એ બીજી નિસ્બત હતી. પણ તેઓ પણ સમાન નાગરિક સંહિતા ઘડી શક્યા નહીં.

શા માટે? મુસલમાનોએ વિરોધ કર્યો હતો? નહીં. ભારતમાં રહેવાનું પસંદ કરનારા મુસલમાનો તો બિચારા વિભાજનને કારણે ઓશિયાળા હતા. બંધારણસભામાં એક મુસ્લિમ સભ્યે માગણી કરી હતી કે ભારતીય મુસલમાનો ઉપર સેક્યુલર લોઝ નહીં, શરિયતના કાયદા લાગુ થવા જોઈએ ત્યારે સરદાર વલ્લભભાઇ પટેલે તેમને કહ્યું હતું કે શરિયતનું શાસન જોઈતું હોય તો હજુ પણ પાકિસ્તાન જવાના દરવાજા ખુલ્લા છે. સરદારે આમ કહ્યું ત્યારે નેહરુએ તેમને વાર્યા નહોતા. મુસલમાનો યુનિફોર્મ સિવિલ કોડનો વિરોધ કરવાની સ્થિતિમાં જ નહોતા.

તો પછી વિરોધ કોણે કર્યો હતો? એ જ લોકોએ જેઓ અત્યારે યુનિફોર્મ સિવિલ કોડના મોટા હિમાયતી છે. કાયદા પ્રધાન ડૉ આંબેડકરે હિંદુ કોડ બિલ સંસદમાં રજૂ કર્યું ત્યારે રૂઢિચુસ્ત સનાતની કાઁગ્રેસી હિંદુઓએ તેનો વિરોધ કર્યો હતો. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને હિંદુ મહાસભા બહાર વિરોધ કરતા હતા અને રૂઢિચુસ્ત કાઁગ્રેસીઓ બંધારણસભા કમ સંસદમાં વિરોધ કરતા હતા. આનાં દ્વારા પરિવારો તૂટશે, ભાઈ-બહેન વચ્ચેનાં સંબંધો બગડશે, આ તો હિંદુ પુરુષને અન્યાય કરનાર છે, કારણ કે સ્ત્રીને બાપ, સસરા અને પતિ એમ ત્રણેયની મિલકતમાં ભાગ મળશે અને પુરુષને તો માત્ર એક જ સ્થળેથી. ટૂંકમાં આ બધી જોગવાઈ  હિંદુ પરિવારોમાં આગ ચાંપનારી છે. હજુ એક વાત. હિંદુઓમાં પરંપરાગત રિવાજ મુજબ સ્ત્રીને છૂટાછેડા લેવાનો અધિકાર નહોતો. હિંદુ કોડ બીલમાં હિંદુ સ્ત્રીને છૂટાછેડાનો અધિકાર આપવામાં આવ્યો તેનો પણ તેમણે વિરોધ કર્યો હતો. છેવટે ડૉ. આબેડકરે અકળાઈને રાજીનામું આપી દીધું. એ તો ભલું થજો જવાહરલાલ નેહરુનું કે તેમણે સમજાવી ફોસલાવીને અનુકૂળતા બનાવતા જઇને ટુકડે ટુકડે હિંદુ કોડ બીલ મંજૂર કરાવ્યું. ભારતની હિંદુ મહિલા નેહરુની ઋણી છે.

આનાં પ્રમાણ જોઈતાં હોય તો કળશી એક મળશે. સંપૂર્ણ આંબેડકર ખંડમાં મળશે, સંસદમાં થયેલી ચર્ચામાં મળશે અને આર.એસ.એસ.ના હિન્દી અને અંગ્રેજી મુખપત્રોમાં મળશે. ખુદ તપાસી જુઓ. તો પછી હવે શા માટે તેઓ યુનિફોર્મ સિવિલ કોડના હિમાયતી થઈ ગયા છે? મુસલમાનોને ઝૂડવા માટે અને દેશમાં કોમી ધ્રુવીકરણ પેદા કરવા માટે.

પણ સરકાર જો સમાન નાગરિક સંહિતા લાવવા માગતી હોય તો તેનું સ્વાગત કરવું જોઈએ અને કોઈ રાજકીય પક્ષે કે નાગરિક સમાજે તેનો વિરોધ કરવાની ભૂલ ન કરવી જોઈએ. છેવટે સ્ત્રીઓને ન્યાય મળવાનો છે.

પ્રગટ : ‘કારણ તારણ’, નામક લેખકની કટાર, ‘રસ રંગ પૂર્તિ’, “દિવ્ય ભાસ્કર”, 02 જુલાઈ 2023

Loading

...102030...1,0871,0881,0891,090...1,1001,1101,120...

Search by

Opinion

  • સત્ય, તથ્ય અને નિસબતનો દસ્તાવેજ એટલે ડાર્વિનની આત્મકથા
  • રાજનીતિમાં વૈચારિક સફાઈના આગ્રહી: પંડિત દીનદયાલ
  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved