Opinion Magazine
Number of visits: 9667282
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સાચા વૈષ્ણવજન

પ્રીતમ લખલાણી|Opinion - Opinion|5 August 2023

પતંગિયાની જેમ ઘરઆંગણામાં રમતી પૂજાને, ફકત ત્રણ વર્ષની કુમળી વયે કૅન્સર થયું, કૅન્સરનું નામ પડતાં જ પહાડ સમા અડીખમ માનવીના પણ હાંજા ગગડી જાય! પ્રફુલ્લ તેમ જ ચંદાને પૂજાના ભયંકર રોગની જાણ થતાં જ ઘોળે દિવસે આભના તારા દેખાવા માંડ્યા!

કૅન્સર એટલે કૅન્સર એમ જાણતાં હોવા છતાં, કૅન્સરને પરાજિત કરવા ચંદા અને પ્રફુલ્લે પોતાથી બનતા પ્રયત્નો કરી જોયાં, પરંતુ કૅન્સર પૂજાને પંજામાં ભરડો લેતું રહ્યું. કૅન્સર સામે રાત દિવસની પરવા કર્યા વગર હિંમતથી ઝઝૂમતા ડૉકટરોએ જ્યારે હાથ ધોઈ નાંખ્યા, ત્યારે પતપત્નીએ પણ હાર સ્વીકારી લીધી. પૂજાની માંદગી ઈશ્વરના ચરણે છોડી દીધી. બસ પૂજાનાં દર્દ, પીડા અને તેના મનની શાંતિ માટે ઈશ્વરની પ્રાર્થનામાં પોતાનું મન પરોવી દીઘું.

રંજન શાહ

નસીબ જોગે આ અરસામાં રામકથા અર્થે ભારતથી અમેરિકા પઘારતા મોરારિબાપુ રોચેસ્ટરમાં રહેતાં ચંદાનાં મોટીબહેન રંજનબહેનના ઘરે આવેલાં. આ વર્ષે રંજનબહેન ઉબાસ હતાં. બાપુની નજરે આ ઝીણી વાત પણ નોંઘાઈ ગઈ. સાંજની પ્રાર્થના તેમ જ ભોજન બાદ બાપુએ રંજનબહેનને એકાએક વાતચીતમાં પૂછી લીધું, ‘બહેન, આ વખતે તમે કેમ ઢીલાં દેખાવ છો?’

ઉદાસ મનની ગાંસડી રંજનબહેને બાપુ સામે ખોલી નાખીઃ ‘મારી નાની બહેન ચંદા અહીં રોચેસ્ટરમાં જ રહે છે. તેની એકની એક દીકરી પૂજાને કૅન્સર થયું છે. કોણ જાણે કઈ ઘડીએ અમને હાથતાળી આપીને તે ઈશ્વરના ઘરે ચાલી જાય તેનું કંઈ કહેવાય નહીં.’

મોરારિબાપુએ રંજનબહેનને હ્રદયપૂર્વક ઘીરજ આપી. એ જ ઘડીએ તેમના ઘરેથી ચંદાને ફોન કર્યો કે સવારે તમારા ઘરે તમને તેમ જ તમારી દીકરી પૂજાને મળવા આવું છું.

બીજે દિવસે બાપુએ પોતાના ભરચક કાર્યક્રમમાંથી સારો એવો સમય ચંદા તેમ જ પ્રફુલ્લ માટે ફાળવ્યો. બાપુએ તેમને ઘીરજ આપતાં કહ્યું કેઃ ‘ખરેખર! આ સમયે આપણે હિંમતથી આવી પડેલ આફત સામે મક્કમતાથી લડવાનું હોય છે. અરે! આ દેશમાં તો પારાવાર સગવડો છે. પર્ંતુ ભારત જેવા ગરીબ દેશમાં જ્યાં કોઇ જાતની પણ સુવિધા નથી હોતી, છતાં લોકો આવા ભયંકર રોગ સામે હસતાં-હસતાં લડતા હોય છે. ઈશ્વર તમને તેમ જ તમારી દીકરી પૂજાને આ ભયંકર રોગ સામે પ્રતિકાર કરવા શકિત બક્ષે એવી પ્રભુ પાસે અંતરની પ્રાર્થના છે.’

ચંદા મહેતા

ફરી બીજે વરસે બાપુ પોતાના નિયત સમયે અમેરિકા પધાર્યા. તેમણે ખાસ યાદ કરીને અમેરિકાના કોઈક ખૂણેથી પૂજાના ખબર પૂછવા ચંદા મહેતાને ફોન કર્યો. કમભાગ્યે પૂજા ત્યાં સુધીમાં કેન્સરથી મુકત થઈ ઈશ્વરને ચરણે રમવા ચાલી ગઈ હતી. બાપુએ બન્ને જણને ફોન પર આશ્વાસન આપતાં જણાવ્યું કે; ‘જેવી ઈશ્વરની ઈચ્છા! તેની ઈચ્છા પાસે આપણું કશું ચાલતું નથી. બસ, આપણે બને એટલું પ્રભુભજનમાં મન પરોવવું!’ એ જ વખતે ચંદાએ બાપુને કહ્યું કેઃ ‘આ વખતે બનારસમાં તમારી રામકથા છે તે વખતે અમારી બન્નેની ઈચ્છા છે કે પૂજાનાં અસ્થિફૂલ ગંગામૈયાના ખોળામાં સમર્પિત કરી, તમારાં ચરણમાં બેસીને રામકથાનું આચમન કરવું.’

ફોન મૂકી દેતાં પહેલાં બાપુએ તેમને કહ્યું કેઃ ‘તો પછી ચોક્કસ તમે એ વખતે કાશી પધારજો. આપણે ખાસ એ સમયે હિંદુ શાસ્ત્રવિઘિ કરાવી પૂજાના અસ્થિકુંભનું ગંગામાં વિસર્જન કરી દઈશું’.

પાણીના રેલા સમા સમયને વહેતા કયાં વાર લાગે છે ! ચપટી વગાડતાં જ સાત મહિના વીતી ગયા. ધાર્યા સમયે કાશીમાં મોરારિબાપુની રામકથા શરૂ થઈ ગઈ. દેશવિદેશથી ઊમટેલા લાખો કથાપ્રેમીઓનાં ટોળામાં પ્રફુલ્લ અને ચંદા પણ બાપુના મુખેથી વહેતી રામકથાની પવિત્ર ગંગામાં ડૂબકી મારવા પહોંચી ગયાં.

પ્રથમ દિવસે જ રામકથાનું આચમન લેવા લાખોની સંખ્યામાં ભાવિકો ચારેકોરથી ગંગાઘાટે ઊમટી પડ્યા. કથાના અંતે માઈક પરથી ખાસ એક અગત્યની સૂચના પ્રસારિત કરવામાં આવીઃ ‘જો આ સમૂહમાં અમેરિકાથી પ્રફુલ્લ મહેતા તેમ જ તેમનાં પત્ની ચંદા મહેતા કથા સાંભળવા પધાર્યાં હોય તો, બાપુને હમણાં જ આ સમયે મળીને પછી વિશ્રામ કરવા તેમના ઉતારે જાય!’

ચંદા અને પ્રફુલ્લને ખૂબ નવાઈ લાગી. એમને સ્વપ્ને પણ ખ્યાલ નો’તો કે બાપુ એમનું વચન આટલા લાંબા સમય પછી પણ યાદ રાખીને પાળશે! ભાવવિભોર બની ગયેલાં પતિપત્ની ક્ષણનો પણ વિલંબ કર્યા વગર બાપુને મળવા તેમના નિવાસસ્થાને ગયાં. બાપુએ બંને જણને પ્રેમપૂર્વક પોતાની સાવ નજીક બેસાડી પરિવાર, તેમ જ રોચેસ્ટરના ભાવિક મિત્રોના ખુશી સમાચાર પૂછી ચંદાને એકાએક યાદ કરાવ્યું કે છેલ્લે આપણી ફોન પર થયેલી વાતચીત મુજબ જો તમે પૂજાનો અસ્થિકુંભ ગંગામૈયામાં પધરાવવા અમેરિકાથી લાવ્યા હો તો આવતી કાલે સાંજે કથા બાદ આપણે તેનું વિસર્જન કરીએ.

બનારસમાં બાપુનો ઉતારો એક ભવ્ય નૌકા પર રાખવામાં આવ્યો હતો. બીજા દિવસે કથાના અંતે ચંદા અને પ્રફુલ્લ પૂજાના અસ્થિકુંભ લઈને નૌકા પર પહોંચી ગયાં. બાપુએ નાવિકને નૌકા કાંઠાથી દૂર ગંગાના પ્રવાહમાં લઈ જવાનું જણાવ્યું. નૌકા દૂર લહેરાતા પ્રવાહમાં પહોંચી એટલે બાપુએ શાંતચિત્તે ડૂબતા સૂરજ સામે બેચાર પળ ઘ્યાન ઘરી ચંદાના હાથના અસ્થિકુંભમાંથી એક મુઠ્ઠી અસ્થિફૂલ લઈને ગંગાના પવિત્ર જળમાં વહેરાવી, બાકીના અસ્થિફૂલ ચંદા તેમ જ પ્રફુલ્લ પાસે હિંદુ શાસ્ત્ર પ્રમાણે વિઘિ કરાવીને પઘરાવી દીઘાં.

e.mail : preetam.lakhlani@gmail.com

Loading

ફરફર ફરફર

ઉમેશ સોલંકી|Poetry|5 August 2023

મારી અંદર

એ નિરંતર

શોધું અંદર

હુંય નિરંતર

તોય ન મળતાં 

અમે ઘડીભર.

હૃદય ભંભોળું

તો મગજની ગલીઓમાં કિલકારી કરતું દોડે

મગજ ફંફોસું 

તો હૃદયમાં છબછબ કરતું છાલક મારે

છાલક જરાક રોકું ત્યાં તો છલાંગ મારી બહાર આવે

ઊડવા લાગે 

ફરફર ફરફર ફરફર ફરફર

ફરફર કરતું બેસે કટોરે

બેસે ન બેસે

ત્યાં તો ફફડે

ફરફર કરતું ફરે તગારે

પછી અડે

તીકમની ટોચે

ઝાડુની સળી પર ઘડી બે ઘડી ઝૂલે

પોરો ખાતા પરસેવાને 

ચપચપ કરતું પીવે

પછી ઊડે છેક અદ્ધર

ફરફર ફરફર ફરફર ફરફર

ફરફર કરતું આવે નીચે

ઉપર નીચે નીચે ઉપર

નીચે ઉપર નીચે ઉપર

ફરફર ફરફર ફરફર ફરફર

ફરફર કરતું ક્યાંક અચાનક

થઈ જાય પાછું છૂમંતર.

લાગે તરત

મારી અંદર

એ નિરંતર.

e.mail : umlomjs@gmail.com

Loading

ગુજરાત વિશેના જ્ઞાનના ભંડાર સમા અચ્યુત યાજ્ઞિકને સલામ : હરીશ ખરે

અનુવાદ : સંજય સ્વાતિ ભાવે|Opinion - Opinion, Samantar Gujarat - Samantar|5 August 2023

અચ્યુત યાજ્ઞિક

[અગ્રણી બૌદ્ધિક, સમાજવિજ્ઞાની, રાજકીય વિશ્લેષક, ઇતિહાસ લેખક, પત્રકાર અને કર્મશીલ અચ્યુતભાઈ યાજ્ઞિકનું આજે (4 ઑગસ્ટ 2023) 77 વર્ષની ઉંમરે હૃદયરોગના હુમલાથી અવસાન થયું. 

તેમણે સુચિત્રા શેઠ સાથે બે મહત્ત્વનાં પુસ્તકો લખ્યાં છે. The Shaping of Modern Gujarat : Plurality, Hindutva and Beyond (2005) અને Ahmedabad : From Royal City to Mega City (2011). 

અચ્યુતભાઈએ કિરીટ ભાવસાર સાથે તૈયાર કરેલી ગુજરાતી આદિમુદ્રિત ગ્રંથોની સૂચિ (2004) પણ ખૂબ રસપ્રદ છે. 

અચ્યુતભાઈને અંજલિ તરીકે વરિષ્ઠ પત્રકાર હરીશ ખરેએ ‘ધ વાયર’ પોર્ટલ પર લખેલો અંગ્રેજી લેખ અહીં ગુજરાતીમાં મૂક્યો છે.]

‌‌‌‌‌‌‌●●●

છેક 1975 સાલની આસપાસના વર્ષોથી લઈને હમણાં હમણાં સુધી ગુજરાતને લગતા સમાચાર બહારના અખબારોને આપનાર પત્રકાર કે ગુજરાત પર અભ્યાસ કરનાર સંશોધક માટે અચ્યુત યાજ્ઞિકને અચૂક મળવું એ લગભગ ફરજિયાત જેવું બની ગયું હતું.

કારણ કે અચ્યુતભાઈ ગુજરાતના રાજકારણ અને ગુજરાતી સમાજના મિજાજ વિશેની માહિતી, વિગતો, આંકડા, આખ્યાયિકાઓ અને સૂક્ષ્મદૃષ્ટિના જ્ઞાનનો ભંડાર હતા. ગુજરાત વિશે લખનાર સમાજવિજ્ઞાનીઓને અચ્યુતભાઈની ખોટ પડવાની.

એ હંમેશાં માત્ર ‘અચ્યુતભાઈ’ જ હતા. અને અચ્યુતભાઈને તમે ગમે ત્યારે મળી શકો – વાતચીત માટે, તમને લાગે તો ચર્ચા માટે, અને જો તમે ધીરજનો ગુણ કેળવ્યો હોય તો એમનું ભાષણ સાંભળવા માટે. આમાંથી કંઈ પણ હોય, તેમને મળવામાં હંમેશાં લાભ જ હતો.

પશ્ચિમ અમદાવાદના કૉમર્સ કૉલેજ ચાર રસ્તા પાસે આવેલી તેમની ઑફિસ ‘સેતુ’ (SETU – Centre for Social Knowledge and Action) તેની અંદરની સાદગીને કારણે ભલે કોઈ આશ્રમ જેવી ભાસે, પણ તેનો માહોલ હતો કૉફી-હાઉસ જેવો.

અચ્યુતભાઈને મળવા જનારને ‘સેતુ’ પર ભરપૂર ખાંડવાળી ચાની ચુસકીઓ અને અચ્યુતભાઈની ક્યારે ય ન ઓલવાતી સિગરેટોના ધુમાડાની વચ્ચે સાંપ્રત બનાવો અંગે બિલકુલ નવી વિગતો અને ખાસિયતોના પાઠ ભણવા મળતા.

વિષય ગમે તે હોઈ શકે – નવનિર્માણ આંદોલન, 1981નાં અનામત-વિરોધી હુલ્લડો, 1985-86નાં કોમી રમખાણો, નર્મદા યોજના વિરોધી આંદોલન, 1990-92નાં અયોધ્યા-તોફાનો કે પછી 2002નો અતિભીષણ સંહાર.

અચ્યુતભાઈ સાથે થોડાક કલાક વીતાવ્યા બાદ — રિપોર્ટરની સ્ટોરીમાં સુધારો થાય, કૉલમિસ્ટનો નજરિયો વધુ માતબર બને અને સંશોધકને એમ લાગે કે ગાઇડને થિસિસ સુપરત કરતા પહેલાં હજુ ઘણું ઘરકામ કરવાની જરૂર છે.

જૂના જમાનામાં પંડિત કે પુરોહિત જ્ઞાતિની કુળકથા અને કુંડળી જાણતા. અચ્યુતભાઈનું પણ એવું હતું. અચ્યુતભાઈ 1980 અને 1990ના ગાળાના રાજકારણી સમૂહ માટે અસલના જમાનાનું ‘ગૂગલ’ હતા.

સનત મહેતા, ઝીણાભાઈ દરજી, માધવસિંહ સોલંકી, ચીમનભાઈ પટેલ, અશોક ભટ્ટ, કેશુભાઈ પટેલ, શંકરસિંહ વાઘેલા વગેરે બધા અચ્યુતભાઈને માન આપતા અને તેમના અભિપ્રાયને મૂલ્યવાન ગણતા.

એ વર્ષો દરમિયાન ગુજરાતમાં હજુ સહિષ્ણુતા હતી, અને ઘણાં છાપાંને અચ્યુતભાઈની કૉલમ છાપવામાં રસ હતો.

‘સેતુ’ પર જાણે હરોળ લાગતી. તેમાં મેધા પાટકર, બેલા ભાટિયા, મધુસૂદન મિસ્ત્રી કે ઇન્દુકુમાર જાની જેવાં કર્મશીલો હોય. ધીરુભાઈ શેઠ, આશિષ નાંદી, હર્ષ સેઠી, ઘનશ્યામ શાહ કે અનિલ ભટ્ટ જેવા વિદ્યાજનો કે શાલિની રાંદેરિયા જેવા સંશોધક તમને ‘સેતુ’ પર મળે. અહીં તમને સામ પિત્રોડા, ભીખુ પારેખ કે મેઘનાદ દેસાઈ જેવા અગ્રણીઓ પણ મળી આવે.

લોકોને તેમના બૅન્ક બૅલન્સથી ચાહનાર કે તિરસ્કારનાર અને મૂલવનાર અમદાવાદી સમાજમાં અચ્યુતભાઈ નાત બહારના હતા. સાંસ્કૃતિક રીતે જ જ્ઞાનને બદલે સંપત્તિને પહેલી પસંદગી આપનાર સમાજમાં અચ્યુતભાઈ એમની શરતે જીવ્યા.

અતિશય ધનવાન અમદાવાદીઓના આડંબર અને આચારની જાળ તેમ જ તેમના પરિવેશમાં એ ક્યારે ય અટવાયા નહીં; એ વર્ગના દંભની આરપાર એ જોઈ શકતા હતા.

સ્થાપિત વર્ગોને, સત્તા સમેત મળનારા ઘમંડની સામે અચ્યુતભાઈ નક્કર સંવિદ દ્વારા લડ્યા. તેમના જ્ઞાનનો આધાર બૌદ્ધિક પ્રામાણિકતા અને વ્યક્તિગત આચારશુદ્ધિમાં હતો.

અચ્યુતભાઈ અંતકાળે અકિંચન હતા, પણ તેનો એમને અફસોસ ન હોય, કેમ કે તેઓ ગુજરાતના માનવંતાઓમાં સૌથી આદરપાત્ર તરીકે જીવ્યા.

અચ્યુતભાઈ તંદુરસ્ત નાગરિક સમાજનું પ્રતીક હતા. તેમણે ગાંધીનગરના સત્તાધારીઓ સાથે બરાબર અંતર જાળવ્યું હતું, પણ જરૂર પડે તો ગરીબો અને વંચિતો વતી રાજ્યસત્તાના સાથે રહેવા (to engage with authority) માટે પણ તેઓ તૈયાર રહેતા.

ગુજરાતમાં આર્થિક અન્યાયની સામે લડનાર કોઈ પણ એન.જી.ઓ., ચળવળ કે જૂથ માટે તેમનું ગમે ત્યારે માર્ગદર્શન મેળવી શકતાં.

પીડિતોને અચ્યુતભાઈ ઘણી વાર નિડર ધારાશાસ્ત્રી ગિરીશભાઈ પટેલ પાસે મોકલતા. ગિરીશભાઈ ગુજરાતમાં ચાલતા અનંત અન્યાયોની સામે કોઈ પણ ફી લીધા વિના લડતા જ રહેતા.

અને પછી આવ્યું 2000નું વર્ષ. ગુજરાત બદલાયું. નવાં આર્થિક બળો અને તેમના પ્રતિનિધિઓ / દલાલોએ ગુજરાતના રાજકારણ, સમાજ અને સમૂહમાધ્યમોને પોતાના તાબામાં લીધાં.

આ નવા ગુજરાતને અચ્યુતભાઈના મંતવ્યો કે વિચારોનો કોઈ ખપ ન હતો. પરિવર્તન ગુજરાતના તમામ સારા સ્ત્રી-પુરુષોને હતપ્રભ બનાવી રહ્યુ હતું. તે સંશોધનનો વિષય પણ હતું . તેના અભ્યાસીઓ માટે અચ્યુતભાઈ આખર સુધી અનિવાર્ય પૂછવાઠેકાણું રહ્યા.

નવા ગુજરાતમાંથી નીકળીને આગળ વધવાનો સમય માટે પાકી ચૂક્યો હતો, અને એ આગળ વધ્યા પણ ખરા, હંમેશ મુજબ એમની શરતે. અસ્તુ.                                                     

[અનુવાદમાં મદદ માટે આભાર : ઉર્વીશ કોઠારી]
છબિ સૌજન્ય : ડૉ. અશ્વિનકુમાર
 04 ઑગસ્ટ 2023
https://thewire.in/society/a-salute-to-achyut-yagnik-the-one-man-storehouse-of-knowledge-on-gujarat
e.mail : sanjaysbhave@yahoo.com

Loading

...102030...1,0371,0381,0391,040...1,0501,0601,070...

Search by

Opinion

  • સત્ય, તથ્ય અને નિસબતનો દસ્તાવેજ એટલે ડાર્વિનની આત્મકથા
  • રાજનીતિમાં વૈચારિક સફાઈના આગ્રહી: પંડિત દીનદયાલ
  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved