Opinion Magazine
Number of visits: 9458180
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

એક કુટુંબકથાના આયનામાં પલટાતું ગુજરાત 

પ્રકાશ ન. શાહ|Opinion - Literature|19 April 2023

વિનોદિની નીલકંઠની નવલકથા ગુજરાતના સીમાડા વીંધીને બહાર જઈ રહી છે ત્યારે અનાયાસ એક જુદું જ સ્મરણ, સહેજે પાંચ દાયકા કરતાં પણ વધુ વરસ પરનું થઈ આવે છે. દ્વારકામાં સાહિત્ય પરિષદનું જ્ઞાનસત્ર યોજાયું હતું. પ્રમુખસ્થાને જ્યોતીન્દ્ર દવે હતા ને સામેલ થયેલાઓમાં ઉમાશંકર જોશી ને સ્નેહરશ્મિ સહિતની એક નક્ષત્રમાળા આખી હતી. પણ બહેનોની સ્વાભાવિક જ અવરજવરવાળી બજારમાં અમે છાત્રયુવા મિત્રોએ જોયું તો રસ્તા પર આ નક્ષત્રમાળા કરતાં વધુ તો વિનોદિનીબહેનની નોંધ લેવાતી હતી! પરનારીઓ આ પેલાં વિનોદિનીબહેન, ‘ઘર ઘરની જ્યોત’ એ કોલમવાળાં, એવું કૌતુક માંહોમાંહે વહેંચતી હતી.

શરૂઆત નવલકથાથી કરી ન કરી અને હું સીધો કોલમકારી પર ચાલી ગયો અને આ નીલકંઠ પરિવાર તે શું અને ગુજરાતના અક્ષર-અને-જાહેર જીવનમાં એની હાજરી તે શું, એના ચપટીક ઈંગિત વાસ્તે. મારો રસ એમાંયે તવારીખની તેજછાયાની રીતે પરિવારકથા નિમિત્તે પલટાતા ગુજરાતના ચિત્રને ઉપસાવવાનો છે. આ વિનોદિની મારી સાંભરણમાં પિયરની અટકે સોહતાં, પિતાની ને પતિની, એમ બેઉ અટકની જરૂરત નહીં જોતાં પ્રથમ (અને કદાચ એકમાત્ર) સન્નારી હતાં. અધ્યાપિકા, લેખિકા, અખિલ હિંદ મહિલા પરિષદ સહિત ઘણી બધી સામાજિક-શૈક્ષણિક પ્રવૃત્તિઓમાં એ પહેલાં હતાં. મહાગુજરાત આંદોલન વખતે એમને અને રંજનબહેન જયન્તિ દલાલને સાંભળ્યાંનાં સંભારણાં આગલી પેઢીનાંને હશે પણ ખરાં.

હમણાં અખિલ હિંદ મહિલા પરિષદનો ઉલ્લેખ વિનોદિનીના જાહેર જીવન સંદર્ભે કર્યો, પણ આ પરિષદના આખા દેશના સંમેલનના અધ્યક્ષ છેક 1932માં, લખનૌ મુકામે એમનાં માતા વિદ્યાગૌરી નીલકંઠ હતાં. ગુજરાતના પ્રથમ બે મહિલા ગ્રેજ્યુએટો પૈકીનાં આ એક, વિદ્યાગૌરી લખનૌથી પાછાં ફરતાં બનારસમાં રોકાયાં ત્યારે યુનિવર્સિટીમાં એક અગ્રણી શિક્ષિત સન્નારી રૂપે એમનું ખાસ સન્માન કરવામાં આવ્યું હતું. મેં કહેતાં શું એમને વિદ્યાગૌરી કહી દીધાં, પણ દાયકાઓ લગી એ લેડી વિદ્યાગૌરી તરીકે ઓળખાતાં, કેમ કે એ સર રમણભાઈ નીલકંઠ(1868-1928)નાં પત્ની હતાં. રહો, આ સર સાહેબની દાસ્તાંમાં જઉં તે પહેલાં વિદ્યાગૌરી ને શારદાબહેનની લગીર વિલક્ષણ તારીફ કરી લઉં? 1907માં સુરતની કાઁગ્રેસમાં સામેલ થયેલા મોતીલાલ નેહરુના મનમાં આ ગુજરાતણો એવી વસી ગયેલી કે એમની હેડીની બીજી નાગરકન્યાઓ હોય તો પોતાના પરિવાર માટે પણ વિચારી શકાય! આ વાત વિનાયક નંદશંકર મહેતાએ નોંધી છે. આપણા પહેલા નવલકથાકાર નંદશંકર મહેતાના એ પુત્ર, ને એ જમાનાના આઈ.સી.એસ. અલાહાબાદમાં ઊંચી પાયરીએ રહેલા, ને નેહરુ પરિવારના મિત્ર. આ જ પરિવારમાં પછી પુપુલ જયકર આવ્યાં, ઈંદિરા ગાંધીનાં સખી.

આ વિદ્યાગૌરી ગુજરાત વર્નાક્યુલર સોસાયટી(ગુજરાત વિદ્યાસભા)ના મંત્રી ને પછી પ્રમુખ પણ રહેલાં. 1943માં એમણે ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખપદેથી આપેલા વ્યાખ્યાનમાં ગુજરાત યુનિવર્સિટી સ્થાપવા વિશે ઊહાપોહભેર જિકર કરી હતી. જોગાનુજોગ, ગુજરાતના અક્ષર જગતમાં કદાચ એક જ દંપતી, નીલકંઠ દંપતી છે, જેમાં પતિ-પત્ની બેઉ પરિષદ-પ્રમુખ બન્યાં હોય.

સરનો ખિતાબ સૂચવે છે તેમ નીલકંઠ દંપતી એકંદરે ત્યારના મવાળ સંઘાડાનાં – લિબરલ સ્કૂલનાં હતાં. સીધા રાજકીય ક્ષેત્રે નહીં એટલાં તે શૈક્ષણિક, સામાજિક ક્ષેત્રોમાં ને સુધારાની ચળવળમાં સક્રિય હતા. ‘ભદ્રંભદ્રં’ એ કેવળ હાસ્યનવલ નથી, પણ સુધારાની ચળવળનું એક અક્ષરઓજાર પણ છે. અમદાવાદની ત્યારની સુધરાઈમાં પણ રમણભાઈની સેવા બોલે છે. આ કુટુંબમાં ગાંધીપ્રવેશ થયો, પણ રમણભાઈ 1928માં ગયા ત્યાં સુધી એ લિબરલ સ્કૂલના જ રહ્યા. જો કે, 1930માં પોલીસ દમનનું જે સ્વરૂપ, ખાસ કરીને વિરમગામમાં મહિલાઓ સાથેના વ્યવહારનું, સામે આવ્યું એણે વિદ્યાગૌરીની નાગરિક ચેતના ને સંવેદનાને એવી ઝંઝેડી જરૂર કે એમણે ‘કૈસરે હિંદ’નું માન પરત કરવાપણું જોયું. પણ, એકંદર લિબરલ વલણો છતાં, નાગરિક અધિકાર બાબતે એ એવી ભૂમિકાએ ચોક્કસ પહોંચ્યાં હતાં કે 1942માં પોલીસે વિદ્યાસભાનો (પ્રેમાભાઈ હોલનો) કબજો લીધો ત્યારે ર.છો. પરીખ આદિ વરિષ્ઠ કાર્યકરોએ પોતાની રાજકીય સક્રિયતાથી વિદ્યાબહેનને મૂંઝવણમાં નહીં મૂકવા રાજીનામું આપવા વિચાર્યું પણ એમણે એમને ચાલુ રહેવા કહી કલેક્ટર સાથે વાતચીત મારફત કબજો છોડાવ્યો હતો.

મહીપતરામ રૂપરામ અનાથાશ્રમ એ નામ સૂચવે છે તેમ રમણભાઈના પિતા મહીપતરામ (1829-1891) સુધારક પ્રવૃત્તિમાં હતા. વિદેશગમનથી નાત બહાર મૂકાયા હતા. શિક્ષણ ખાતામાંયે સક્રિય હતા. પરિવાર ને સમાજમાં સ્ત્રીઓનાં સ્થાનમાન વિશેનો નીલકંઠ સંસ્કાર એમણે પોતાનાં પત્નીને જે રીતે ‘પાર્વતીકુંવર આખ્યાન’માં નિરૂપ્યાં છે એનાથી સમજાઈ રહે છે. થેલીને ધોરણસર ટિંગાડવા વાસ્તે આપણે વિનોદિની નીલકંઠરૂપ ખીંટીનો આરંભે ઉપયોગ કીધો પણ એમને મિશે તેમ એમને વિશે પણ ચાંગળુંક વાત કરવી લાજિમ છે. મિશિગન યુનિવર્સિટીમાં એમણે સમાજશાસ્ત્ર-શિક્ષણશાસ્ત્રનો અનુસ્નાતક અભ્યાસ કરેલો. અહીં વનિતાવિશ્રામમાં જવાબદારી નભાવેલી તો ગાંધીયુગમાં હોવું ને પિકેટિંગમાં ન પડવું એ તો બને કેમ. ‘કદલીવન’ તો એમની નવલ. પણ એમણે કોલમકારી ઉપરાંત વાર્તાદિ પ્રકારોમાંયે હાથ અજમાવેલો – અને ‘કાશીનો દીકરો’ એ ફિલ્મ પણ એમની વાર્તા પરથી જ. ‘કાર્પાસી’ સરખી એમની અણુકથામાં કપાસના ઉદ્ભવની, ગાંધીઘટનાને શોભીતી હૃદ્ય કલ્પના છે.

બે શબ્દો ‘કદલીવન’ નિમિત્તે, ને મારી વાત પૂરી. અહીં એની વાર્તાવિગતમાં નહીં જતાં એની બીજી આવૃત્તિ પ્રસંગે નિરંજન ભગતે કહેલી નુક્તેચીનીનો એક અંશ માત્ર જોઈશું : ‘કદલીવન’ એ ગુજરાતી ભાષામાં દલિત ચેતના અને નારી ચેતનાના સાહિત્યની નાંદી છે. આ નવલકથા 1946માં આવી હતી તે લક્ષમાં લઈએ તો ભોં ભાંગતાં રહેવાની નીલકંઠ અગ્રયાયીતા સમજાઈ રહે છે … સ્વરાજ આવવામાં છે અને લિબરલ ધારા સમતા-સ્વતંત્રતા સારુ કેવુંક સુવાણં સરજે છે એ ઇતિહાસગતિનો આ સ્વલ્પ નિર્દેશ!

e.mail : prakash.nireekshak@gmail.com
પ્રગટ : ‘કળશ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”; 19 ઍપ્રિલ 2023

Loading

આંખમાં આજકાલ 

ઉમેશ સોલંકી|Poetry|19 April 2023

જામ થયેલી ગટરમાં કોઈ નાખે પથ્થર

તર્ત ઊડે મચ્છર

કાલ પર હું નજર નાખું

ઊડતા મચ્છર ભાળું.

શું બાળશે?

શું અજવાળશે?

નથી ખબર

ખબર બસ

આંખમાં આજકાલ

સળગ્યા કરે મશાલ સળગ્યા કરે મશાલ.

e.mail : umlomjs@gmail.com

Loading

ઇન્દુકુમાર જાનીને સ્મૃતિ-વંદના ! 

સંજય સ્વાતિ ભાવે|Opinion - Opinion|18 April 2023

આજે સવારમાં જ ફેસબૂક પર પાલણપુરના હિદાયતભાઈએ ઇન્દુકુમાર જાનીએ તેમની પુણ્યતિથિએ યાદ કર્યા. એ પોસ્ટ જોતાં મન ભરાઈ આવ્યું. મનમાં ઇન્દુભાઈની યાદો ઊભરાઈ આવી.

ઇન્દુકુમાર જાની 

કેટલી બધી યાદો ! 1996-97માં હું ગુજરાતી સામયિકોમાં લખતો થયો તેમાં ઇન્દુભાઈનો પણ મોટો ફાળો. ‘ભાઈ, તમે ઘણી મહેનત કરો છો, સારું લખો છો, લખતા રહો!’ – ઇન્દુભાઈએ આપેલી  એવી શાબાશી મારા માટે, કદાચ તે મેળવનારા કોઈ પણ માટે, મહત્ત્વની હતી.

મરાઠી સામયિકોની ગુણવત્તા તે જાણતા, એટલે તેમાંથી કરેલાં મારા અનુવાદ ‘નયા માર્ગ’માં હોંશથી છાપતા. બે-ત્રણ વાર તેમના સંપર્કમાં રહેલા જાણકાર મરાઠી વાચકોએ મોકલેલા મરાઠી છાપાંનાં કતરણો પણ તેમણે અનુવાદ માટેની વિનંતીસૂચક ચિઠ્ઠી સાથે મને ટપાલમાં મોકલી હતી. પુસ્તકો-નોંધો માટે પુસ્તકો પણ ઘરે મોકલતા. મને તેમની ઑફિસે કે ઘરે ધક્કો ન ખાવો પડે તેનું ધ્યાન રાખતા.

‘નયા માર્ગ’ અને ‘નિરીક્ષક’ની સાથે મારી લાગણીઓ, મારા વિચારોનો તાર બરાબર મળી ગયો હતો. એમણે લેખ ન છાપ્યો હોય તેવું ક્યારે ય બન્યું નથી. બે લેખો તો એમની માન્યતાથી જુદા વિષયો પરના હતા તો પણ એમણે છાપ્યા હતા.

ડૉ. પ્રકાશ આમટેના આત્મકથાત્મક પુસ્તકનો અનુવાદ 2014માં આવ્યો પણ આમટે દંપતીના કામ વિશે મને પહેલવહેલી વાર માર્ચ 1999 ‘મહારાષ્ટ્ર ટાઇમ્સ’ના એક લેખમાંથી જાણવા મળ્યું.  તે લેખનો મેં સત્વરે કરેલો અનુવાદ ઇન્દુભાઈએ 1 એપ્રિલના ‘નયા માર્ગ’ ખૂબ ખુશીથી છાપ્યો.

ત્યાર બાદ  બાબા આમટે, પુ.લ. દેશપાંડે, મેધાતાઈ પાટકર જેવાં પરના મરાઠી લેખો પરના મારા લેખો એ પ્રસિદ્ધ કરતાં જ રહ્યા. અંગ્રેજી સાપ્તાહિક ‘ધ વીક’ના એક વિશેષાંક પર આધારિત લેખોની ‘ભરોસાપાત્ર ભેખધારીઓ’ નામની આખી લેખમાળા તેમણે છાપી હતી.

દિલીપ રાણપુરાના ‘શિક્ષક-કથાઓ’ પુસ્તક પરનો મારો લેખ ઘણો લાંબો થઈ ગયો. એટલે મને મોકલતા સંકોચ થતો હતો. તે ‘નયા માર્ગ’માં  બે ભાગમાં આવ્યો.

આદિવાસીઓનું શોષણ, ઝૂંપડપટ્ટી, વિસ્થાપન, વંચિત બાળકો જેવું જ્યારે ક્યારે વાંચવા મળે ત્યારે થાય લાવ ને ઇન્દુભાઈને મોકલું ! ‘તમારું કશું મૂકી નથી રાખતો. લઈ જ લઉં છું’ – આવા  તેમના એક વખતના શબ્દો મને હંમેશાં યાદ રહેશે.

અલબત્ત, ખૂબ લાગણીશીલ ઇન્દુભાઈની અપેક્ષાએ હું પાર ન ઊતર્યો હોઉં, મેં ‘નયા  માર્ગ’ માટે  મારે લખવું જોઈએ એટલું મેં ન લખ્યું એવું ય મને થયા કરે છે.

વર્ષમાં ત્રણ-ચાર વાર લેખ આપવા નિમિત્તે કે સાલ મુબારક અવસરે એમના ઘરે મળવાનું થતું, ત્યારે રંજનબહેન આઇસક્રીમ અચૂક ખવડાવતા. અનૂજ અને તેના મમી-પપ્પા ત્રણેય ખૂબ  પ્રેમથી વાત કરતાં. તે સમયની તેમની આત્મીયતાની યાદ આજે અત્યારે પણ આંખ ભીની કરી જાય છે.

વર્ષો વીતતાં સમજાતું ગયું કે એક પાક્ષિક માટે, એક રાજ્યના પીડિતો-વંચિતો માટે વર્ષો લગી ગુજરાત ખૂંદનારા કેવી ઊંચાઈના કર્મશીલને હું મળતો હતો, અને એ કેટલા સહજ હતા.

મારા પિતાજીના અવસાન પર તે ઘરે મળવા આવ્યા હતા, કોવિડના પહેલાં મોજા દરમિયાન થયેલા મમ્મીના અવસાન પર પત્ર અને ફોન પર સાંત્વના આપી હતી.

એક વખત મારી મોટી માંદગીમાં ઘરે ખબર કાઢવા આવ્યા હતા. એક વખત વરસતા વરસાદે  ઇન્દુભાઈ, ચંદુભાઈ મહેરિયા, અને હું ઇન્દુભાઈની ગાડીમાં, અય્યૂબભાઈના ડ્રાઇવિંગ હેઠળ માર્ટીનભાઈ મૅકવાન, હિરેનભાઈ ગાંધી અને નીરવ પટેલના ખબર કાઢવા ગયા હતા. તે વખતે પણ ઇન્દુભાઈના હૈયાની કુમાશ મેં જોઈ હતી. આખો મોટો સંસ્મરણ લેખ લખી શકાય તેટલી યાદો; સંપાદકનું, સ્નેહીનું ઋણ.

છેલ્લાં પાંચ-સાત વર્ષમાં ઇન્દુભાઈએ શારીરિક પીડા ખૂબ વેઠી. ફોન પર કે રૂબરૂ મળીએ ત્યારે વાત ન કરે, મિત્રો પાસેથી જાણવા મળે. મને એમ થાય કે એક માણસ અને તેના પત્નીને ભાગે કેટલી પીડા ભોગવવાની આવે !

ઇન્દુભાઈ ગયા તે દિવસો કારમા હતા. તેમને અને પરિવારને બહુ આકરા પડ્યા. સાથીઓ અને હિતચિંતકોએ મહેનત પણ કરી.

એક પછી એક માણસો એકલા-અટૂલા છેલ્લી મુસાફરીએ ચાલ્યા જતા. ખબર કાઢવા, પરિવારને દિલાસો આપવા ય ન જવાય. મહિનાઓ દિવસો સુન્ન થઈ જવાયું હતું, મનમાં ને મનમાં વલવલતા રહેવાનું, ન વંચાય, ન લખાય.

સારું થયું ડંકેશ ઓઝાએ એમના પર પુસ્તક લખ્યું. તેના ઉદ્દઘાટન કાર્યક્રમ દરમિયાન, આખી જિંદગી ઇન્દુભાઈને પડખે ઊભા રહેનારાં રંજનબહેને તેમના મથામણ-મધુર દામ્પત્ય જીવનને શોભે તેવી સ્વસ્થતા જાળવી હતી, એ અઘરું હશે. આખો પરિવાર તેમની સાથે હતો. મને ઘણી વાર ડૂમો ભરાઈ આવતો હતો .. કાર્યક્રમ બાદ ભોજન પણ હતું. હું નહોતો જોડાઈ શક્યો.

ઇન્દુભાઈને પંચોતેર વર્ષ થયાં તે અવસરે તેમનો અભિવાદન કરવાનું મિત્રોએ વિચાર્યું હતું. તેમણે ધરાર ના પાડી. તેના વિકલ્પે મિત્રોના આગ્રહથી તેમણે પોતાની જિંદગીની વાત લોકો સુધી પહોંચાડવા માટે ‘ખેતવિકાસ પરિષદના નાના સભાગૃહમાં ત્રણ દિવસ વ્યાખ્યાનો આપ્યાં.

અભિવાદનનો પ્રસ્તાવ લઈને મળવા જનારા ચાહકોને તેમણે એમનો પ્રિય શબ્દપ્રયોગ વાપરીને કહ્યું હતું : ‘જે કંઈ કર્યું એ મારી મરજી, પસંદગીથી કર્યું હતું. કોઈની પર અહેસાન કરવા માટે નહીં. મને કંઈ લોકો કંકુ-ચોખા મૂકવા નહોતા આવ્યા.’

ઇન્દુભાઈ, તમને વિનમ્ર સ્મૃતિ-વંદના !

e.mail : sanjaysbhave@yahoo.com
સૌજન્ય : સંજયભાઈ ભાવેની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...102030...1,0361,0371,0381,039...1,0501,0601,070...

Search by

Opinion

  • કાનાની બાંસુરી
  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી
  • ગરબા-રાસનો સૌથી મોટો સંગ્રહ

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved