Opinion Magazine
Number of visits: 9667194
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

એર ઇન્ડિયાઃ આકાશમાં ઓળખ કેળવી, અંધારાના હેંગર પર લટકી ફરી નવી ઉડાન તરફ પહોંચલી એરલાઇન

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|13 August 2023

એર ઇન્ડિયા વિશ્વની એક માત્ર એવી એર લાઇન છે જેણે સિલ્વાડોર ડાલી જેવા આર્ટિસ્ટ પાસે ખાસ એશ્ટ્રેસઝ ડિઝાઇન કરાવી હતી અને તેના બદલામાં વળતર તરીકે હાથી મોકલી આપ્યો હતો

ભારતની સૌથી પહેલી એરલાઇન એર-ઇન્ડિયા ગુરુવાર સાંજથી ચર્ચામાં છે કારણ કે એર ઇન્ડિયાએ પોતાનું રિ-બ્રાન્ડિંગ કર્યું. એક કરતાં વધુ પેઢી માટે એર ઇન્ડિયાના વાંકડી મૂછોવાળા મહારાજા, તેમનો લાલ કોટ અને પીળી-લાલ પાઘડી ભારતની આધુનિકતાની ઉડાનની ઓળખાણ રહી છે. એરલાઇન્સે પોતાનો લોગો બદલ્યો ત્યારે લોકોએ મહારાજાનો એ મેસ્કોટ હવે ઇતિહાસ થઇ જશેનો વસવસો વ્યક્ત કર્યો, પણ બીજા દિવસે એમ નથી થવાનું તેની પણ ચોખવટ આવી. એર-ઇન્ડિયાના નામમાંથી વચ્ચેની પેલો હાઇફન પણ ક્યારનો ય કાઢી લેવાયો છે અને તેને એર ઇન્ડિયા જ કહેવાય છે. જેણે ભારતના ઉડ્ડયન ક્ષેત્રના ઇતિહાસની રચના કરી એવા એર ઇન્ડિયાને લગતી ઘણી એવી બાબતો છે જે સીમાચિહ્ન સમાન છે. જો કે જેમ દરેક ઇતિહાસના નાયકને ભરતી ઓટનો સામનો કરવો જ પડતો હોય છે એમ એર ઇન્ડિયા એરલાઇન્સ સાથે પણ થયું છે. આ એરલાઇન ભારતને વૈશ્વિક નકશા પર ઝળકાવવા માટે પણ જવાબદાર છે તો જંગી ખોટ ખાઇને સરકારના માથાનો દુખાવો પણ બની ચૂકી છે.

1932માં ભારતના ઉદ્યોગપતિ જે પોતે ભારતના સૌથી પહેલા લાઇસન્સ્ડ પાયલટ હતા, એવા જે.આર.ડી. તાતાએ એર-ઇન્ડિયાની સ્થાપના કરી. બહુ જલદી જ તેમણે તેને ભારતની સૌથી પહેલી કોમર્શિયલ એર લાઇન બનાવવાનો નિર્ણય લીધો અને તે સમયની ઇમ્પિરિયલ એરવેઝના રૂટ્સ પર હવાઈ મેઇલ સેવાની શરૂઆત થઇ. એરલાઇન્સે ભારત આખામાં મેઇલ સેવા માટેના ડેસ્ટિનેશન્સ વધાર્યા અને પછી ધીરે ધીરે મુસાફરોને લઇ જવાની શરૂઆત પણ થઇ. એરલાઇન શરૂ થયાના પહેલા વર્ષના અંત સુધીમાં કરિયરે 10.7 ટન મેલ્સ અને 155 મુસાફરોને બ્રિટિશ બનાવટના મોનોપ્લેન ડિ હેવિલેન્ડ પસ મૉથ એરોપ્લેન મારફતે અલગ અલગ સ્થળોએ પહોંચાડ્યા હતા.

જે.આર.ડી તાતા

1938માં એરલાઇનને તાતા એરલાઇન્સ નામ આપવામાં આવ્યું અને પહેલીવાર વિમાન આંતરરાષ્ટ્રીય આકાશ ભણી ઉડ્યું. ફ્લાઇંગ કેરિયરે શ્રીલંકાના કોલંબોને પણ પોતાના રૂટમાં ઉમેર્યું. તાતા એરલાઇન્સે એવું ઘણું કર્યું છે જે ઇતિહાસનો હિસ્સો છે. જેમ કે બીજા વિશ્વ યુદ્ધમાં તેના વિમાનોનો ઉપયોગ મિલિટરી માટે થયો હતો અને યુદ્ધમાં મદદ કરવા જે.આર.ડી. તાતાએ ગ્લાઇડર્સ પણ બનાવ્યા હતા. 1942 સુધીમાં તો દીર્ઘદૃષ્ટા તાતાએ યુદ્ધ પછીના ભવિષ્યને ગણતરીમાં લઇને પશ્ચિમી દેશોમાં હવાઈ સેવાઓ ચાલુ કરવાની દિશામાં વિચાર શરૂ કરી દીધા. 1947માં ભારતને આઝાદી મળી અને સરકારે એરલાઇનમાં 49 ટકા હિસ્સેદારી ખરીદી લીધી અને એર-ઇન્ડિયામાં વચ્ચેનો હાઇફન ખસી ગયો અને ત્યારથી એરલાઇન કહેવાઈ એર ઇન્ડિયા. એર ઇન્ડિયાની સૌથી પહેલી લાંબી ફ્લાઇટ ૧૯૪૮મા મુંબઈ અને લંડન હિથ્રો વચ્ચે હતી. જે.આર.ડી. તાતા આ ક્ષણની રાહ લાંબા સમયથી જોઇ રહ્યા હતા. જો કે પાંચ વર્ષમાં સરકારે એર ઇન્ડિયા અને અન્ય બીજા કેરિયર્સને રાષ્ટ્રીયકૃત કરી દીધા. એર ઇન્ડિયા પરથી તાતાનું પૂરેપૂરું નિયંત્રણ હવે સરકાર પાસે ચાલ્યું ગયું અને શરૂઆતમાં તો આ થવાથી જે.આર.ડી. તાતા ભારે રોષે ભરાયા હતા, પણ આખરે આ એરલાઇન એમણે શરૂ કરી હતી એટલે તે તેના ચેરમેન તરીકે સેવા આપવા ફરી એર ઇન્ડિયા સાથે જોડાયા.

1960ના દાયકામાં એર ઇન્ડિયાએ બોઇંગ 707-420 એરક્રાફ્ટ શરૂ થયા અને એર ઇન્ડિયાએ જેટ પ્લેન વાપરવાની શરૂઆત કરી અને બે વર્ષમાં તે વિશ્વની સૌથી મોટી એવી એરલાઇન બની જેના બધા જ વિમાનો જેટ પ્લેન્સ હતા. એર ઇન્ડિયા એક એવું નામ બન્યું જે ઘર ઘરમાં જાણીતું બન્યું એટલું જ નહીં પણ વિશ્વની સૌથી વિશ્વસનીય અને સર્વશ્રેષ્ઠ સેવા આપતી એરલાઇન તરીકે તેની ગણના થવા માંડી. અન્ય વૈશ્વિક સ્પર્ધક એરલાઇનની સામે તેનું કદ કદાચ નાનું હોય પણ વાસ્તવિકતા એ હતી કે તેની સેવાઓ એટલી સારી હતી કે આખી એવિએશન ઇન્ડસ્ટ્રીમાં તેની વાહવાહી થતી. વળી એર ઇન્ડિયાની સેવાઓ એટલી સારી ગણાતી કે યુરોપિયન અને અમેરિકન હવાઈ સેવાના મુસાફરો હવે ટ્રાન્સ એટલાન્ટિક ફ્લાઇટ્સ માટે એર ઇન્ડિયાની એરલાઇનનો ઉપયોગ કરવાનું પસંદ કરવા લાગ્યા. એર ઇન્ડિયાની જાહેરાતો અને તેના મજાના મેસ્કોટ મહારાજાની લોકપ્રિયતા પણ ઘણી હતી.બધું રંગેચંગે ચાલતું હતું પણ પછી એવિએશન માર્કેટ ઉઘડ્યું, નવા સ્પર્ધકો આવ્યા અને એર ઇન્ડિયા અહીં બીજી એરલાઇન સાથે પગલાં મેચ કરવામાં પાછી પડી. તાજેતરમાં એક ઇન્ટરવ્યુમાં એર ઇન્ડિયાના સી.ઇ.ઓ. અને એમ.ડી. કેમ્બેલ વિલ્સને એમ પણ કહ્યું હતું કે દોઢ દાયકા સુધી એર લાઇનને સરખી રીતે ચલાવી શકે એવી ટેલેન્ટ્સની પણ ખામી હતી અને આઇ.ટી. સિસ્ટમ કે રેવન્યુ મેનેજમેન્ટમાં કોઇ રોકાણ ન થવાથી એ બધું પણ અસ્તવ્યસ્ત રીતે જ ચાલી રહ્યું હતું. એરલાઇનનું ટર્ન અરાઉન્ડ હજી નવી વાત છે પણ 2018માં તો એવી હાલત હતી કે ભારતે એર ઇન્ડિયાનું ખાનગીકરણ કરવાનો પ્રયાસ કર્યો. 76 ટકા હિસ્સો વેચવાનો પ્રયત્ન તો કર્યો પણ કોઇ પણ ખાનગી ખરીદદાર એવી એરલાઇનમાં પૈસા નાખવા નહોતો માગતો જેની માલિકી સરકાર સાથે વહેંચવાની હોય. 2020માં ભારત સરકારે એર ઇન્ડિયામાંથી મુક્તિ મેળવવા માટેના 100 ટકા ભાગીદારી જતી કરવાનો પ્રસ્તાવ મંજૂર કર્યો. તાતા સન્સ જેણે એરલાઇન શરૂ કરી હતી તેણે સરકારી બની ચૂકેલી એરલાઇન માટેની હરાજીમાં ભાગ લીધો. આઠ દાયકા પછી અનેક ટર્મોઇલ અને ટર્બ્યુલન્સમાંથી પસાર થઇ ચૂકેલી આ એરલાઇન તાતા ગ્રૂપ પાસે પાછી ફરી. બે દાયકા પહેલા સરકારે ડિસઇનવેસ્ટમેન્ટની પ્રક્રિયા ચાલુ કરી હતી જ્યારે અટલ બિહારી બાજપાઈની સકારે 40 ટકા હિસ્સો વેચાવાની જાહેરાત કરી હતી ત્યારે તાતા ગ્રૂપ અને સિંગાપોર એરલાઇન્સ રસ દાખવ્યો હતો, પણ એ ડિસઇન્વેસ્ટમેન્ટની પ્રક્રિયા પૂરી ન થઇ શકી. ત્યારથી માંડીને અત્યાર સુધી જે પણ સરકાર આવી તેણે એર ઇન્ડિયાને વેચવાની ભાંજગડ કરી પણ કંઇ વળ્યું નહીં. આખરે ઑક્ટોબર 2021માં બધું પાર પડ્યું. તાતા સન્સે સરકાર પાસેથી એરલાઇનનો કન્ટ્રોલ મેળવવા માટે 18,000 કરોડની બીડ જીતી હતી.

તાતા ગ્રૂપ પાસે એરલાઇનની માલિકી આવી. હવે એરલાઇનને ફરીથી ધમધમતી કરવા માટે જેટ્સથી માંડીને એરબસીઝ અને બોઇંગ માટેની રેકોર્ડ ડીલ્સ કરવામાં આવી.  એરલાઇન્સના વિસ્તરેલા ઑપરેશન્સની વેલ્યુ અંદાજે 6.40 લાખ કરોડ જેટલી હોવાની મનાય છે. એરલાઇનના સંચાલકોનું કહેવું છે કે નવા એરક્રાફ્ટ આ વર્ષના અંતમાં આવશે તો જેટ્સ 2025 સુધીમાં આવવાની શક્યતા છે. નવા લોગોની જાહેરાત સાથે એર ઇન્ડિયાએ બ્રાન્ડિંગ મેક-ઓવર કર્યું તો સાથે નવી ઉડાનો માટે તે પૂરી રીતે તૈયાર છે તેનો પણ સ્પષ્ટ સંકેત આપ્યો. એર ઇન્ડિયા ભારતની ઓળખાણ રહી છે અને તેની કામગીરીમાં કોઇ ટર્બ્યુલન્સ ન આવે એ માટે તાતા ગ્રૂપ પૂરી રીતે સજ્જ છે તેવું તેમની નવી જાહેરાતો પરથી લાગી રહ્યું છે.

બાય ધી વેઃ

એર ઇન્ડિયા માત્ર ફ્લાઇટ્સ અને સર્વિસિઝની વાત નથી, વિમાનમાં ઉડનારાઓ માટે એ મુસાફરી એક ‘શ્રેષ્ઠી’ હોવાનો અનુભવ કરાવે એ પણ અગત્યનું છે. આજે કદાય એવિએશન ઇન્ડસ્ટ્રીમાં આટલા બધી કંપનીઝ હોવાને કારણે વિમાનની આવન-જાવન પહેલાંની સરખામણીએ સામાન્ય બની છે, પણ સાંઇઠના દાયકામાં ફ્લાઇટ લેવી એ કોઇ લાઇફસ્ટાઇલ અને લક્ઝરીથી કમ નહોતું. પેસેન્જર્સ ફ્લાઇટમાં ક્યુબન હવાના સિગાર્સ પીતાં, કેવિએર ખાતાં અને શેમ્પેઇન માણતાં. હર્મિઝ અને ક્રિશ્ચન ડિઓરનાં કપડાં અને જ્વેલરી સ્ટુઅર્ડેસિઝ પહેરતી. એ હવાઇ યાત્રાનો સુવર્ણકાળ હતો અને તમે માનશો એર ઇન્ડિયા લક્ઝરીને મામલે નંબર વન હતી. એર ઇન્ડિયાએ એક સમયે આર્ટિસ્ટ સિલ્વાડોર ડાલી (1967માં) પાસે ડિઝાઇન કરાવેલી 500 એશ્ટ્રેઝ પોતાના ખાસ મુસાફરોને ભેટ આપી હતી અને ડાલીને વળતર ચૂકવવા માટે પૈસાને બદલે હાથી આપ્યો હતો – એ પણ બેંગલોરથી જીનિવા સુધી પ્લેનમાં મોકલવામાં આવ્યો હતો અને ત્યાંથી ટ્રકમાં ડાલીને ઘરે મોકલાયો હતો. વળી હાથી ભાઇનું આગમન થયું તો ત્યાંના મેયરે ત્રણ દિવસની રજા જાહેર કરીને શહેરના મુખ્ય હિસ્સામાં હાથીની પરેડનું આયોજન કર્યુ હતું. આ હતો એર ઇન્ડિયાનો ઠાઠ અને હવે તાતા જૂથે જે રીતે કમર કસી છે તે જોતાં લાગે છે હવાઇ યાત્રાનો સુવર્ણ યુગ પહેલાં જેવો તો નહીં, પણ એને મળતો આવે એટલો તો બહેતર થશે જ.  અને હા જતાં જતાં એક બીજું બાય ધી વે એ કે એર ઇન્ડિયાના મહારાજા કોઇ રાજા પરથી પ્રેરણા લઇને નહોતા બનાવાયા. ખાસ તો તેની મૂછોની પ્રેરણા એર ઇન્ડિયાના કોમર્શિયલ ડાયરેક્ટર બોબી કૂકાના એક પાકિસ્તાની ઉદ્યોગપતિ મિત્ર સૈયદ વાજીદની મૂછો પરથી લેવામાં આવી હતી. મહારાજાનો મેસ્કોટ એટલે એર ઇન્ડિયાની રાજવી ઠાઠની સેવાથી દરેક ગ્રાહક મહારાજા તેવું અનુભવી શકે તેવો સંદેશ.

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 13 ઑગસ્ટ 2023

Loading

કેન્દ્ર અને રાજ્યમાં લોકપ્રતિનિધિગૃહોની અવગણના એ લોકતંત્રની ગંભીર બીમારી છે 

રમેશ ઓઝા|Opinion - Opinion|13 August 2023

રમેશ ઓઝા

શાસક પક્ષની બહુમતી જોતાં નરેન્દ્ર મોદીની સરકાર સામેનો વિરોધ પક્ષોનો અવિશ્વાસના પ્રસ્તાવ સફળ થવાનો નહોતો, અને એ વાત એ તેઓ પણ જાણતા હતા. આમ છતાં ય અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો એનું દેખીતું કારણ એ હતું કે એ નિમિત્તે વડા પ્રધાન મોઢું ખોલે. અવિશ્વાસના પ્રસ્તાવ પર ચર્ચા થવી જરૂરી છે. દરેક પક્ષના નેતાઓને તેમની સભ્યસંખ્યાના પ્રમાણમાં બોલવા માટેનો સમય ફાળવવો પડે છે. ગૃહમાં હોહા કરીને વિઘ્ન પેદા કરવામાં આવે તો પણ દરેક સભ્યને સાંભળવા તો પડે જ છે. દરેક પક્ષના નેતાઓ બોલી લે એ પછી વડા જવાબ આપે છે. વડા પ્રધાન માટે કોઈ સમયની મર્યાદા હોતી નથી. ટૂંકમાં સંસદમાં કામકાજ ચાલવા દેવામાં ન આવે, સ્પીકર પક્ષપાત કરે, ગૃહને સ્થગિત કરવામાં આવે કે પછી કેટલીક બાબતે શાસકો ન બોલે તો અવિશ્વાસ પ્રસ્તાવ દ્વારા તેનો ખંગ વાળી શકાય છે. વિરોધ પક્ષો આ ઉદ્દેશથી અવિશ્વાસનો પ્રસ્તાવ લાવ્યા હતા.

સંસદનું અધિવેશન ઓછામાં ઓછો સમય મળે અને હોહા કરીને તેને ચાલવા ન દેવી એ ભારતીય સંસદીય ઇતિહાસની જૂની બીમારી છે, જે નરેન્દ્ર મોદી વડા પ્રધાન બન્યા પછી વકરી છે. આગલી લોકસભામાં બી.જે.પી.ના નેતા લાલકૃષ્ણ અડવાણી અકળાઇ ગયા હતા અને તેમણે તેમના જ પક્ષના શાસકોને સવાલ પૂછ્યો હતો કે આ બધું શું ચાલી રહ્યું છે? કામકાજના દિવસો ઘટાડવામાં આવી રહ્યા છે અને જો ગૃહ મળે છે તો તેને ચાલવા દેવામાં આવતું નથી. લાલકૃષ્ણ અડવાણીને સંસદીય રાજકારણમાંથી નિવૃત્ત કરી દેવામાં આવ્યા છે. હવે નવી વાત એ જોવા મળી રહી છે કે વડા પ્રધાન અને તેમનાં મહત્ત્વનાં ખાતાં સંભાળનારા પ્રધાનો બને ત્યાં સુધી બોલતા જ નથી, કે સંસદીય કામકાજમાં ભાગ લેતા નથી. નરેન્દ્ર મોદી ભારતના પહેલા વડા પ્રધાન છે જે સંસદમાં ઓછામાં ઓછો સમય હજાર રહે છે.

કેન્દ્ર અને રાજ્યોમાં લોકપ્રતિનિધિગૃહોની અવગણના એ લોકતંત્રની ગંભીર બીમારી છે અને એ બીમારી ૨૦૧૪ પછી વકરી છે. પણ અવિશ્વાસનો પ્રસ્તાવ એનો ઈલાજ નથી. પાંચ વરસની લોકસભાની મુદ્દતમાં બે દિવસ ચર્ચા કરો અને શાસક પક્ષને બોલવા માટે તેમ જ ચર્ચા કરવા માટે મજબૂર કરો એનાથી શું વળવાનું છે? શાસકો એવા હોવા જોઈએ જે પ્રશ્નોથી ભાગે નહીં. ટીકાને આવકારે. વિરોધ પક્ષોનું કામ છે પ્રશ્નો પૂછવાનું. અયોગ્ય લાગતું હોય તો ધ્યાન દોરવાનું, ટીકા કરવાનું. વિરોધ પક્ષમાં હતા ત્યારે જનસંઘ/બી.જે.પી.એ દાયકાઓ સુધી આ કામ કર્યું છે, પણ ભારતીય સંસદીય ઇતિહાસમાં ક્યારે ય કોઈ વડા પ્રધાનને ભાગતા જોયા નથી જે અત્યારે જોવા મળી રહ્યું છે. અટલ બિહારી વાજપેયીએ તો એક વખત લોકસભામાં વિરોધ પક્ષોની ટીકાઓનું સ્વાગત કરતા કબીરને ટાંકીને કહ્યું હતું કે ‘નિંદક નીઅરે રાખીએ…’ નિંદક નિંદા કરીને તમને સચેત રાખે છે. પણ વર્તમાન વડા પ્રધાન પ્રશ્નોથી ભાગે છે. 

મણિપુર, ચીન, બેરોજગારી, આર્થિક ગતિરોધ, બે-ત્રણ ઉદ્યોગપતિઓને કરવામાં આવતી ફેવર, થોડાંક હાથોમાં સંપત્તિનું એકત્રીકરણ અને લોકતંત્રનું હનન ચર્ચના મુખ્ય મુદ્દા હતા. વિરોધ પક્ષોએ બને ત્યાં સુધી મુદાઓને વળગી રહીને ચર્ચા કરી હતી, પણ વડા પ્રધાને બે કલાકનાં લાંબા ભાષણમાં તેને બગલ દેવાનો પ્રયાસ કર્યો હતો. કાંઈ પણ કહ્યા વિના બે કલાક કેમ બોલી શકાય એની કળા વડા પ્રધાન જાણે છે. મહત્ત્વના પ્રશ્ને ગંભીરતાપૂર્વક ચર્ચા ન થાય, શાસકો કોઈ બાબતનો ખુલાસો ન કરે અથવા અસંબદ્ધ વાતો કરીને ભાષાને ભૂંસામાં ફેરવી નાખવાની પ્રચાલાકી ચિંતા ઉપજાવે એવી છે.

શાસક પક્ષનો ટાર્ગેટ રાહુલ ગાંધી હતા. શાસક પક્ષના સભ્યોએ જ રાહુલ ગાંધીને ટાર્ગેટ કરીને સાબિત કરી આપ્યું છે કે રાહુગ ગાંધી એક તાકાત છે અને તેમની તાકાતથી શાસક પક્ષના નેતાઓ ડરે છે. જો એમ ન હોય તો “પપ્પુ”થી ડરવાનું હોય! જેની ઠેકડી ઉડાડવામાં આવતી હોય એના વિષે આટલું બધું બોલવું પડે? અવિશ્વાસ પ્રસ્તાવે જો એક હકીકત સ્થાપિત કરી આપી હોય તો એ આ છે. રાહુલ ગાંધી એક તાકાત છે અને કાઁગ્રેસ બી.જે.પી.નો વિકલ્પ છે. રાહુલ ગાંધી સહિયારા સેક્યુલર ભારત માટે પ્રતિબદ્ધ છે. રાહુલ ગાંધી બંધારણપ્રણિત ભારત(આઈડિયા ઓફ ઇન્ડિયા)ની સંકલ્પનાને વરેલા છે. ખુલીને બોલે છે. આનો અર્થ એ થયો કે રાહુલ ગાંધી ભારત વિશેની એક સંકલ્પના(નેરેટિવ)ના પ્રવક્તા છે અને એ સંકલ્પના હિંદુ રાષ્ટ્રનો વિકલ્પ છે. બી.જે.પી.ના નેતાઓ એ સંકલ્પનાથી ભયભીત છે અને માટે રાહુલ ગાંધીની પાછળ આદુ ખાઈને પડ્યા છે. તેમની સૌથી મોટી પીડા એ છે કે રાહુલ ગાંધી દરેક રીતની ઠેકડી ઉડાડ્યા છતાં, કરોડો રૂપિયા એ માટે ખર્ચ્યા હોવા છતાં તૂટતા નથી. ભડવીરોને આટલો બધો સમય આપવો પડે એક મામૂલી માણસ માટે!

પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 13 ઑગસ્ટ 2023

Loading

ચલ મન મુંબઈ નગરી—209

દીપક મહેતા|Opinion - Opinion|12 August 2023

પુસ્તક પંઢરીનો પહેલો પડાવ 

જ્યાં સાડા છ લાખ મરાઠી પુસ્તકો છે તેવું મુંબઈનું પુસ્તકાલય

૧૮૬૦ પહેલાંના મુંબઈની વાતો કરતું પુસ્તક : મુંબઈચે વર્ણન    

આપણા મહારાષ્ટ્રમાં પંઢરી — પંઢરપુરની જાતરાનું અદકેરું મહત્ત્વ છે. તેને અનુસરીને હવે પછી થોડા વખત માટે આપણે કરશું પુસ્તક-પંઢરી. પણ કયાં પુસ્તક? કેવાં પુસ્તક? પુસ્તકનાં અવલોકન? ના, ના. જાતરાએ જનાર પાછા ફરતાં બીજાંને વહેંચવા માટે પ્રસાદ લેતો આવે તેવું કશુંક. આપણી આ જાતરાનો પહેલો પડાવ છે મુંબઈના દાદર વિસ્તારમાં આવેલું મુંબઈ મરાઠી ગ્રંથ સંગ્રહાલય. જાતરામાં સહભાગી છે ૧૯મી સદીના મરાઠી સાહિત્યના એક અગ્રણી ગોવિંદ નારાયણ માડગાંવકર, મરાઠીના વિદ્વાન સંશોધક-વિવેચક સ.ગં. માલશે અને આપનો નાચીઝ દી.મ. 

ગો.ના. માડગાંવકર

દી.મ. : યા માડગાંવકર સાહેબ, યા માલશે સર. તમારું બંનેનું પુસ્તક પંઢરીમાં સ્વાગત કરું છું. મરાઠી સાહિત્યના પ્રેમીઓ અને સંશોધકો માટે આ મુંબઈ મરાઠી ગ્રંથ સંગ્રહાલય એ તો એક તીર્થસ્થાન છે. માલશે સર! પહેલાં તેને વિષે થોડી વાત કરશો? 

માલશે : જરૂર કરવાના. આજે હવે લાયબ્રેરીઓમાં રસ કેટલાને રહેલો છે? આ મુંબઈ મરાઠી ગ્રંથ સંગ્રહાલયની શુરુઆત છેક ૧૮૯૮માં થયેલી. આજે તેની પાસે સાડા છ લાખ જેટલાં મરાઠી પુસ્તકો છે, જેમાં દોલામુદ્રિતોનો પણ સમાવેશ થાય છે.

દી.મ. : માલશે સાહેબ! આ દોલામુદ્રિત એટલે વળી શું?

માલશે : મરાઠી ભાષામાં ચોપડીઓ છાપવાનું શરૂ થયું ત્યારથી ૧૯મી સદીના સેવટ સુધી છપાયેલાં પુસ્તકોને અમે ‘દોલામુદ્રિત’ તરીકે ઓળખીએ છીએ. દોલા એટલે પારણું. મુદ્રણ-પ્રકાશનની બાલ્યાવસ્થાનાં પુસ્તકો તે દોલામુદ્રિત. આવાં પુસ્તકોનો બહુ મોટો ખજાનો અહીં છે. 

દી.મ. : અને એમાંનું એક છે માડગાંવકર સાહેબનું પુસ્તક ‘મુંબઈચે વર્ણન.’

માલશે : હા, જી. એ પહેલી વાર છપાયેલું ૧૮૬૩માં. અને ૧૯મી સદીની અધવચ સુધીના મુંબઈ શહેરની જાણકારી માટે તો આ ચોપડી સોનાની ખાણ જેવી છે. 

માડગાંવકર : આ તમે કશી વારતા કરતા છો! આપણી મુંબઈ વિષે તો કેટલું બધું લખાયેલું છે! તેમાં મારું પુસ્તક તો …

છઠ્ઠી આવૃત્તિ, ૨૦૨૦

દી.મ. : ગોવિંદરાવ પોતાને વિશે કશું બોલશે નહિ. માલશે સાહેબ! તમે જ થોડી વાર્તા કરો તેમના વિષે.

માલશે : ગોવિંદરાવનો જન્મ ૧૮૧૫માં, ગોવાના મડગાંવમાં. અર્વાચીન મરાઠી સાહિત્યના પહેલા ચાર મશાલચીમાં આજે તેમની ગણના થાય છે. બીજા ત્રણ તે સદાશિવ કાશીનાથ છત્રે, બાળ ગંગાધાર શાસ્ત્રી જાભેકર, અને હરિ કેશવજી પાઠારે. ગોવિંદરાવના ખાસ ધ્યાન ખેંચે તેવા બાબત એ કે તેમનાં ૧૮ પુસ્તકોમાંથી એકને બાદ કરતાં બધાં મૌલિક પુસ્તકો છે. ગોવિંદરાવના વડીલ(પિતા)નો ધંધો તપકીરની પૂડી (પડીકાં) વેચવાનો. ગોવામાંનો પોતાનો ધંધો સંકેલી લઈને નારાયણરાવ સકુટુંબ મુંબઈ આવ્યા. કાલબાદેવી રોડ પર તપકીરની પૂડી અને બીજાં ઓસડિયાં વેચવાની દુકાન શુરુ કરી. આગળ જતાં સમાજ સુધારાની ચળવળના ભાગ રૂપે તપકીર પૂડીના ગેરફાયદા ગણાવી ગોવિંદરાવે તેનો ઉગ્ર વિરોધ કર્યો. મુંબઈ આવીને તેઓ એલ્ફિન્સ્ટન નેટિવ એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટની નિશાળમાં ભણવા લાગ્યા. પછી સરકારી ઓફિસમાં નોકરીએ લાગ્યા. પણ થોડા વખત પછી ફરી રેવરન્ડ વિલ્સનની નિશાળની કોલેજ શાખામાં ભણ્યા અને પછી ત્યાં જ ‘માસ્તર’ બન્યા. 

દી.મ. : સાહેબ! આ જરા સમજાયું નહિ : રેવરન્ડ વિલ્સનની નિશાળની ‘કોલેજ શાખા’ એ વળી શું?

માલશે : જુઓ મહેતા! તમે તો જાણતા કે એલ્ફિન્સ્ટન કોલેજ એ મુંબઈની સૌથી પહેલી કોલેજ. પછી બીજી તે વિલ્સન કોલેજ. હિન્દુસ્તાનની ઘણી ભાષાના જાણકાર રેવરન્ડ વિલ્સને પહેલાં સ્કૂલ શરૂ કરી. અને વખત જતાં એ સ્કૂલની શાખા તરીકે કોલેજ શરૂ કરી. પછીથી બંને સંસ્થાઓ અલગ થઈ.

વિલ્સન સ્કૂલનું અસલ મકાન, ગિરગાંવ

દી.મ. : હો, હો. અત્તા કળલં.

માલશે : ૧૮૬૩ના અરસામાં ગોવિંદરાવ નોકરીમાંથી રિટાયર થયા. એ વખતે આપેલા ભાષણમાં રેવરન્ડ વિલ્સને ગોવિંદરાવે લખેલાં ૧૭ મરાઠી પુસ્તકની વિગતો આપી છે. પણ મહેતા, તમને જાણીને આશ્ચર્ય થશે કે ગોવિંદરાવે ગુજરાતીમાં પણ ચાર ચોપડી લખેલી : સત્યનિરૂપણ (૧૮૫૩), ઉદ્ભીજ પદાર્થ (૧૮૫૯), શુચીર્ભૂતપણા, અને ઋણનિષેધક બોધ. અલબત્ત, આ ચારે તેમનાં મૂળ મરાઠી પુસ્તકોના અનુવાદ હતા. પણ એ અનુવાદ કરેલા ગોવિંદરાવે પોતે. 

દી.મ. : તે ગોવિંદરાવજી! આપ ગુજરાતી બી ભણેલા?

ગોવિંદરાવ : ભણેલા નઈ, પણ આવડી ગયેલા. અને એમાં કોઈ નવા વાત નહોતા. અમારા જમાનામાં મરાઠી, ગુજરાતી, પારસી, બધા સાથે મળીને કામ કરતા અને એટલે એકબીજાની બોલી આપોઆપ શીખી જતા. 

માલશે : ૧૮૬૫ના માર્ચની ૧૫મી તારીખે ગોવિંદરાવજી દેવલોક પામ્યા તે અગાઉ તેમણે જે કાંઈ લખ્યું તે બધું સાચી વાત લોકો સામે માંડીને તેમના જીવનને એક પાયરી ઉપર ચડાવવા માટે લખ્યું.

દી.મ. : અને માલશેસાહેબ! આપે તેમનું સમગ્ર સાહિત્ય ત્રણ મોટા ગ્રંથોમાં સંપાદિત કરીને ૧૯૬૮થી ૧૯૭૦ સુધીમાં પ્રગટ કર્યું. આ કાંઈ નાનુંસૂનું કામ ન કહેવાય. અને હા, તેમાં આપે ગોવિંદરાવજીનું પ્રમાણભૂત જીવનચરિત્ર પણ પહેલી વાર આપ્યું.

માલશે : જુઓ મહેતાભાઈ, મારા-તમારા જેવાને લાખો લોકો વાંચે, તારીફ કરે, એવું તો બનવાના નહિ. એટલે જે બી કામ હાથમાં લઈએ એ બને તેટલી સારી રીતે કરવું, એટલું આપણે કરી શકીએ. પણ મારે એક વાત કહેવા જોઈએ : ગોવિંદરાવનું સૌથી મહત્ત્વનું પુસ્તક તે તો તેમનું છેલ્લું પુસ્તક, ‘મુંબઈચે વર્ણન’. જાણીતા વિવેચક ન.ર. ફાટકસાહેબે કહેલું છે તેમ ૧૮૬૩માં જ્યારે આ પુસ્તક પહેલી વાર પ્રગટ થયું ત્યારે મુંબઈનો ઇતિહાસ જાણવા માટે બહુ ઓછાં સાધન હતાં. અંગ્રેજીમાં પણ એ વખતે મુંબઈ પર ઝાઝાં પુસ્તક લખાયાં નહોતાં. એવે ટાણે ગોવિંદરાવે આ પુસ્તક લખ્યું એ ખરેખર માન પ્રેરે તેવી બાબત છે.

ગોવિંદરાવ : જુઓ, એમાં બાબત એવી છે કે નાની ઉંમરે હું મુંબઈ આવી વસ્યો. અને મારાં આંખ-કાન ખુલ્લાં રાખીને જીવ્યો. મરાઠી ઉપરાંત અંગ્રેજી, ગુજરાથી, હિન્દી, વગેરે ભાષા બોલનારા સાથે મળીને કામ કર્યાં. એટલે ઘણા જાણવા મળ્યા. અને શોધવાની મહેનત કરો તો જાણકારી મેળવવા માટેનાં સાધન તો હતાં જ. એટલે આ પુસ્તક લખી શકાયું.

માલશે : મરાઠી માણૂસને પોતાની ભાષા માટે, પોતાના ઇતિહાસ માટે ઘણું અભિમાન હોય છે એમ કહેવાય છે. અને વાત સાવ ખોટી બી નથી. છતાં મુંબઈ વિશેની માહિતીના ખજીના જેવા આ પુસ્તકની બીજી આવૃત્તિ લગભગ સો વરસ પછી, છેક ૧૯૬૧માં થઈ એ જરા નવાઈ લાગે તેવી વાત છે. જો  કે પછી ૨૦૨૦ સુધીમાં તેના કુલ ૬ આવૃત્તિ થયા છે એ સારી વાત છે.

ગોવિંદરાવ : આ પુસ્તક રચવાના મન મને કેમ થયા એની થોડી વાત કરું. એક દિવસ એક સભામાં હું ગયો હતો. એક ગોરા સાહેબ ભાષણ કરતા હતા. પોતાના દેશના ઇતિહાસ માટે, સાહિત્ય માટે, જાણકારી માટે, ગ્રેટ બ્રિટનમાં કેટલા બધા લોક કામ કરતા રહે છે તેમ બોલ્યા. પછી કહ્યું કે તમારે પણ તમારા દેશ માટે આ રીતે કામ કરવા જોઈએ. સારા કામને સરકાર મદદ કરે ચ છે, પણ સરકારની મદદ પર બધો મદાર ન રાખો. વાંચો, જાણો, લખો. – આ ભાષણ સાંભળ્યા પછી મેં નક્કી કરેલું કે ભલે હું મારા હિન્દુસ્તાન દેશનો ઇતિહાસ ન લખી શકું, ભલે મારી માયભૂમિ મહારાષ્ટ્રનો ઇતિહાસ ન લખી શકું. પણ આ મુંબઈ શહેરનો ઇતિહાસ તો મારે લખવો જ જોઈએ. પણ હા, એ વખતે મને માલુમ નહોતું કે મુંબઈને સલામ કરતું અ પુસ્તક મારું છેલ્લું પુસ્તક હશે.

દી.મ. : માલશે સાહેબ! આ પુસ્તકમાં શું શું છે એનો જરા ખ્યાલ આપશો?

સ.ગં. માલશે

માલશે : જરૂર. પુસ્તક ૧૫ ચેપ્ટરમાં વહેંચાયેલું છે. પુસ્તકની શરૂઆત થાય છે મુંબઈની હાલની (એટલે કે આ પુસ્તક લખાયું ત્યારની, ૧૮૬૦ની આસપાસની) અને અગાઉની સ્થિતિની સરખામણીથી. લોકો, તેમના પહેરવેશ, બોલી, રીતરિવાજો, તહેવારો, ધંધા-પાણી, વગેરેનું અપાર વૈવિધ્ય તે વખતના મુંબઈમાં પણ હતું એ હકીકત આ પુસ્તક વાંચતાં સમજાય છે. અને બીજી વાત એ કે એ જમાનામાં લોકો એકબીજાની પરંપરાને માન આપતા, તેમાંથી કેટલુંક સારું લાગે તે અપનાવતા પણ ખરા. 

દી.મ. : આજે એવું કદાચ ઓછું જોવા મળે છે, નહિ?

ગોવિંદરાવ : જે સતત ગતિમાન છે તે જ છે જગત. મુંબઈ પણ કેટલું બધું બદલાઈ ગયું છે! અરે! અમારા જમાનામાં પણ સતત બદલતું રહેતું હતું. વરળી, પાયધુની, કુલાબા, ડોંગરી, બોરીબંદર, વાલકેશ્વર, ચોપાટી. ક્યાં એ લકડી બંદર, ક્યાં અમારા જમાનાની ચોપાટી, અને ક્યાં આજની ગિરગામ ચોપાટી! કોઈ ગરીબ, ચીંથરેહાલ માણસ, પોતાની મહેનત, બુદ્ધિ, અને નસીબને જોરે શ્રીમંત બની જાય એવું જ આ શહેરનું થયું. અંગ્રેજોએ એનું કલેવર બદલ્યું, પણ એ કલેવરમાં પ્રાણ પૂર્યા તે તો આપણે સૌએ. 

માલશે : એ વખતે સરકાર લોકોના જીવનમાં ઝાઝું માથું મારતી નહિ. આખા મુંબઈ ઈલાકાની સરકારમાં ૧૭૨૦ની સાલમાં ફક્ત ૪૦ સનદી અધિકારી હતા. અને એમના પગાર? મુંબઈના ગવર્નરનો પગાર હતો વરસે – મહિને નહિ હોં – ત્રણ હજાર રૂપિયા! અને ત્યારે પગાર દર છ મહીને ચૂકવાતો! 

ગોવિંદરાવ : અને માલુમ છે? મમ્માદેવીના મંદિરની પાછળ એક વખત બહુ મોટું ‘શાલ બજાર’ હતું.

દી.મ. : શાલ બજાર? એટલે?

માલશે : દેશના જુદા જુદા ભાગોમાંથી આવેલી શાલના ઢગલા માંડીને દુકાનદારો બેઠા હોય! રંગબેરંગી, જરીવાળી અને વગરની, ગરમ, રેશમી, સુતરાઉ, અમૃતસર કે કાશ્મીરથી મગાવેલી શાલ. બારે મહિના વેચાય.

દી.મ. : પણ એ લે કોણ? મુંબઈમાં એવી ઠંડી જ ક્યાં પડે છે? 

ગોવિંદરાવ : અમારા જમાનાના મુંબઈમાં ટાઢ, તડકો, પાઉસ, બધું માફકસર રહેતું. અને આ શાલ બજારથી થોડે દૂર હતી અફીણ-ગાંજાની દુકાનો. એનાથી આગળ જાવ એટલે જોહરીઓ – તમે ગુજરાતીમાં શું કહો? હા, ઝવેરીઓની દુકાનો, લાઈનબંધ. પછી આવે તાંબા-પિત્તળનાં વાસણોની દુકાનો. લાલ-પીળાં વાસણો દિવસના અજવાળામાં ઝગારા મારે! અને એની બાજુમાં એક લગભગ ચીંથરેહાલ, પોતડી ઘાલેલો માણસ રસ્તાની ધારે બેસીને પતરાવળી અને પડિયા વેચતો હોય. 

માલશે : એ જમાનામાં હજી પ્લાસ્ટિક નામના દાનવે દેખા દીધી નહોતી. અને જે કાંઈ વપરાતું તેમાનું મોટા ભાગનું ‘રિસાઈકલ’ થતું. દાણો-પાણી કે શાકભાજી લેવા જાય ત્યારે લોકો પોતાની કપડાની પીશવી, તમે શું કહો? હા, થેલીઓ, સાથે લઈ જતા. દુકાનદાર ત્રાજવે તોળી તોળીને ઘઉં-ચોખા, વગેરે એક એક થેલીમાં ભરતો જાય. 

દી.મ. : અમને તો હવે એવી થેલી લઈને ઘર બહાર જતાં શરમ જ આવે. એટલે બધું પ્લાસ્ટિકની થેલીઓમાં પેક કરેલું મળે. કેટલી સગવડ!

માલશે : જરા ગિરગામ કે જુહુ ચોપાટી જઈને જોજો! દરિયા કિનારા પર પ્લાસ્ટિકના ઢગલેઢગલા રોજેરોજ પડ્યા હોય છે. 

દી.મ. : હા, અમે પહેલાં નાની નાની સગવડો ઊભી કરીએ, અને પછી મોટી મોટી અગવડો સામે ચાલીને આવે. પણ ગોવિંદરાવજી અને માલશે સાહેબ. આપણે રાત થોડી અને વેશ ઝાઝા એવું થયું છે. એટલે આ વાતો આજે તો અટકાવીએ. આવતે શનિવારે ફરી મળીશું, આપણે ત્રણે. ત્યાં સુધી આવજો!

e.mail : deepakbmehta@gmail.com

xxx xxx xxx

પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”; 12 ઓગસ્ટ 2023

Loading

...102030...1,0271,0281,0291,030...1,0401,0501,060...

Search by

Opinion

  • સત્ય, તથ્ય અને નિસબતનો દસ્તાવેજ એટલે ડાર્વિનની આત્મકથા
  • રાજનીતિમાં વૈચારિક સફાઈના આગ્રહી: પંડિત દીનદયાલ
  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved