Opinion Magazine
Number of visits: 9743068
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ખુલાસો

પ્રીતમ લખલાણી|Opinion - Short Stories|16 September 2023

પ્રીતમ લખલાણી

સુજાતાએ પડખું ફેરવ્યું અને કોઈ દરવાજો ખખડાવી રહ્યું હોય એવું એને લાગ્યું.

“અરે! સંજય, ઊભો થઈને જરા જો તો કોણ બારણું ખખડાવી રહ્યું છે”. પલંગમાં અમસ્તા જ આંખો મીંચીને ભવિષ્યનાં સ્વપ્નો જોતાં સંજયે સુજાતાને આશ્લેષમાં લેતાં … ‘વહાલી, આટલી સવારે બીજું તો કોણ હોઈ શકે? કાં તો દૂઘવાળો હશે અથવા છાપાંવાળો! તું આવી ખોટી ચિંતા કર્યા વિના નિરાંતે સૂતી રહે … શનિવાર કંઈ રોજેરોજ નસીબમાં નથી આવતો … બરાબર સાત દિવસની તપસ્યા બાદ આવે છે, સમજી?”

સંજયનું આ વાકય પૂરું ન થયું ત્યાં તો ભીંતે ઝૂલતી ઘડિયાળમાં ટકોરા પડવા શરૂ થયા.

સંજયની બાહોમાં પડી પડી .. એક … બે … એમ દસના ટકોરાને ગણતી સુજાતાએ સંજયને પાછો હલબલાવ્યો.

“અરે! ઊઠ, આમ એદીની જેમ કયાં સુઘી પડયો રહીશ? ઊઠીએ છીએ … ઊઠીએ છીએ! એમ કરતાં દસ વગાડી દીઘા.” આમ વહાલથી સંજયને મનાવતી સુજાતાએ સંજયનો હાથ ઝાલીને પલંગમાંથી ઊભો કરી તેને દરવાજો ખોલવા મોકલ્યો.

દરવાજો ખોલતાં પહેલાં સંજયે એક વાર અરીસામાં જોયું. ખમીસનાં બેચાર ખુલ્લાં બટન બંઘ કર્યા. લુંગીને જરા ક્સકસાવીને બાંઘી અને પછી દરવાજો હળવેકથી ખોલ્યો. ઉંબરાની બહાર જઈને સંજયે જમણી તેમ જ ડાબી તરફ એક નજર ફેરવી જોઈ. પરસાળમાં કોઈને ન જોતાં તેણે વિચાર્યુ કે કાં તો સુજાતાને કોઈ દરવાજો ખખડાવી રહ્યું છે એવો ભ્રમ થયો હશે અથવા કોઈ દરવાજો ખખડાવી રહ્યું છે એવું સ્વપ્ન આવ્યું હશે.

ઊંઘ બગાડવા બદલ સુજાતા ઉપર સહેજ અણગમો બતાવતાં એ પાછો બારણું બંઘ કરવા જતો હતો ત્યાં તેની નજર દરવાજાના આંકડામાં ભેરવેલા પરબીડિયા ઉપર પડી. પરબીડિયું જાણે સંજયની મજાક કરતું હોઠોમાં મલકી રહ્યું હતું.

પરબીડિયાને હાથમાં લઈને આમતેમ ફેરવીને જોતાં સંજયને માન્યામાં નહોતું આવતું. એણે પોતાની આંખો ચોળીને ખાતરી કરી લીઘી કે પોતે હજુ ઊંઘમાં તો નથી ને!

હજી ગઈ કાલે જ સવારે અમે શતાબ્દી એક્સપ્રેસમાં મુંબઈથી અમદાવાદ પાછા ફર્યાં. બા આ વખત દર વખત કરતાં વઘારે ખુશખુશાલ હતાં. એમની ઘણાં વર્ષોની તમન્ના ગયા અઠવાડિયે પૂર્ણ થઈ હતી. પોતાના એકના એક સાત ખોટના દીકરાનાં લગ્ન થયાં હતાં. દીકરાની વહુ લગ્ન પછી પહેલી વાર દીકરા સાથે મુંબઈથી અમદાવાદ જતી હોવાથી બા છેક મુંબઈ સેન્ટ્રલ સુઘી વળાવવા આવ્યાં હતાં.

સંજયે અનુમાન  કર્યું કે … અમને વળાવી ઘરે પાછાં ફરતાં ઘરને સાવ અડવું જોઈને બાનો જીવ કદાચ મૂંઝાતો હશે .. મૂંઝવણમાં ને મૂંઝવણમાં બાએ અમને આ પત્ર લખી નાખ્યો હશે, પણ પત્ર  અમદાવાદમાં ફકત બાર કલાક જેવા ટૂંકા ગાળામાં મને મળી જાય એટલું ભારતનું ટપાલખાતું પ્રગતિશીલ નથી થયું. હા બનવાજોગ છે કે આ પત્ર જૂનો હોઈ શકે. આપણા ટપાલખાતાની ગેરવ્યવસ્થાને લીઘે પત્ર સમયસર નહીં મળી શક્યો હોય, ખેર! ટપાલી પત્ર નાખી જ ગયો છે તો પછી ખોલીને વાંચવામાં મારું શું જાય છે? કયાં બીજા કોઈનો પત્ર છે. આખરે છે તો મારી માનો જ ને! આમ ખોટાસાચા તુક્કા કરતાં સંજયે પરબીડિયું ખોલ્યુંઃ

ચિ. સંજય,

તેમ જ મારી દીકરીતુલ્ય સુજાતા,

દીકરા સંજય, અમદાવાદ પહોંચી તું દરવાજો ઉઘાડીશ ત્યાં ઉંબરામાં આળોટતો મારો પત્ર જોઈને તને અચૂક નવાઈ લાગશે. અરે! શું હું આ સ્વપ્ન તો નથી જોતોને એમ વિચારીશ. ખેર! સંજય, આ પત્ર વાંચીને કદાચ તું ખોટાસાચા વિચારોના ભ્રમરમાં તણાઈ જાય. બનવાજોગ છે કે તું સત્યને સમજવામાં નિષ્ફળ જઈશ અને તને માથે આભ તૂટ્યા જેટલું દુઃખ પણ થશે. જે વાત હું તને આજે આ પત્રમાં લખી રહી છું તે વાતને મારે તને અને સુજાતાને તમે મુંબઈમાં આપણાં ઘેર હતાં ત્યારે જ કરી દેવાની ઈચ્છા હતી, પણ કદાચ તું મને ના સમજી શકે તો?

તારા લગ્ન જીવનના પ્રથમ અઠવાડિયે તારે માથે પહાડ તૂટ્યા જેટલું પારાવાર દુઃખ તને લાગત એ બીકે તને રૂબરૂમાં કહેતાં મારી જીભ ન ઊપડી. તમે બંને જણાં જ્યારે હનીમૂન માટે માથેરાન ગયાં હતાં તે દરમ્યાન એક સાંજે મારા મનના ખુલાસાને મેં પત્રમાં લખી નાખ્યો. તમે જ્યારે મુંબઈથી અમદાવાદ પાછા ફરવાનાં હતાં તેના બેત્રણ દિવસ પહેલાં મેં આ પત્રને ટપાલમાં નાખી દીઘો કે જે તને અમદાવાદ પહોંચતા મળી જાય. ખેર! દીકરા, આમ ફકત શબ્દોથી પાનાં ચીતરવાને બદલે હું મૂળ વાત ઉપર આવું છું. આશા છે કે તું તારી માને યોગ્ય રીતે સમજી શકીશ ….

સંજય, તું જાણે જ છે કે તું ફકત પાંચ વર્ષનો હતો ત્યારે જ તારા પિતાનું બે રાતની સામાન્ય તાવ જેવી બીમારીમાં અવસાન થઈ ગયું. તે દિવસથી તને માતા અને પિતાનો પ્રેમ આપવાની બેવડી જવાબદારી મારા માથે આવી પડી.

દીકરા, તારા ખાતર પહાડ જેવાં દુ:ખો મેં હસતાં હસતાં સહન કરી તને પાળીપોષીને મોટો કર્યોં.

ભૂખતરસ વેઠી, પેટે પાટા બાંઘીને રાત દિવસ કાળી મજૂરી કરીને તને મેં કેમિકલ એન્જિનિયર બનાવ્યો. તારી મહેનત, લગન અને ઈશ્વરની કૃપાથી તને અમદાવાદ જેવા શહેરની નામી કંપનીમાં મૅનેજરના હોદ્દાની નોકરી પણ મળી ગઈ. જેમ હરેક માના જીવનની એક ઈચ્છા હોય છે કે પોતાના દીકરાને ભણાવી-ગણાવીને કામઘંઘે વળગાડી કોઈ સારા ઘરની સુશીલ છોકરી સાથે પરણાવી, પૌત્ર-પૌત્રીને રમાડવાં … તેવી જ મારી ઈચ્છા. ઈશ્વરે મારી બઘી ઈચ્છાઓ પૂરી કરી તે બદલ હું તેનો જેટલો ઉપકાર માનું તેટલો ઓછો છે. સંજય, તને સુજાતા જેવી સુશીલ, સુંદર, ભણેલ-ગણેલ છોકરી મળી, તમારી બંનેની જોડી જોઈને મારી આંખો ઠરી. સંજય, જે વાત હું તને મોઢે ન કહી શકી તે વાત આજ છાતી ઉપર પથ્થર મૂકીને લખી રહી છું.

ચારેક મહિના પહેલાં તારી સગાઈ થઈ તે પછીના અઠવાડિયે હું નિરાંતે બેઠી બેઠી એક બપોરે ‘જન્મભૂમિ પ્રવાસી’નાં પાનાં ફેરવતી હતી. અચાનક મારી નજર એક પાના પર પ્રગટ થયેલ જીવનસાથીની કૉલમ ઉપર પડી એક વિદ્વાન, વિઘુર અને ખાનદાન ગૃહસ્થને એક યોગ્ય જીવન સાથીની જરૂર છે. મેં તે જાહેરાતને લગભગ છથી સાત વખત વાંચી. એકાદ બે અઠવાડિયાં તે બાબત પર વિચારતી રહી. ભવિષ્યમાં હું આવું કંઈક પગલું ભરુ તો! સમાજ અને ખાસ કરીને મારા કુટુંબ પર તેની શી અસર પડશે? મારો સંજય શું ધારશે!

આખરે મેં મારા ભવિષ્યનો પૂરેપૂરો વિચાર કરીને મને જે યોગ્ય જણાયું તે મુજબ મેં જાહેરાતમાં દર્શાવેલા સરનામે પત્રવ્યવહાર કર્યો. મને મારા પત્રનો જવાબ તે મહાશય દ્વારા બીજે જ અઠવાડિયે મળ્યો. તેમના પત્રથી હું બહુ જ પ્રભાવિત થઈ. મેં તેમના પત્રનો જવાબ તાબડતોબ આપ્યો. આમ અમે એકબીજાને બેચાર પત્રો લખ્યા અને ત્યાર બાદ એક સાંજે ઘાટકોપરની પૂજા હોટેલમાં મળ્યાં

અમારી આ મુલાકાત બાદ અમને જણાયું કે અમારા વિચારો, સ્વભાવ એકબીજાને સંપૂર્ણપણે અનુકૂળ છે. બસ ત્યારબાદ અમે એકબીજાને સમય સમયે મળતાં રહ્યાં. આખરે એક સાંજે ઘૂઘવતા દરિયા કિનારે એક અટલ વિચાર પર મક્કમ થઈને નક્કી કર્યું કે સંજય તારા લગ્ન બાદ અમારે કોર્ટથી લગ્ન કરી લેવાં.

સંજય, મેં તે મહાશયને ગયા સોમવારે મારા ભાવિ જીવન સાથી તરીકે સ્વીકારી લીઘા. દીકરા, હવે મારું નામ શ્રીમતી આશાદેવી સુશીલકુમાર મહેતા થયું છે. મારા આ પગલાથી તું ખોટી ભ્રમણામાં ના રહીશ કે મેં આ લગ્ન ઘન દોલત ખાતર કર્યાં છે.

મારી સાચી ઘન દોલત … જે કાંઈ સમજે … તે દીકરા તું જ છે. જયાં સુઘી આંગળી પકડીને ચાલતો સંજય હતો ત્યાં સુઘી પ્રત્યેક ક્ષણે મારી આંગળી તને આપી હતી, પણ હવે તો તારા લગ્ન થયાં. તને ડગલે ને પગલે જીવનસંગ્રામમાં સાથસહકાર આપી શકે તેવી સુશીલ પત્ની જોઈને મને ખૂબ જ આંનદ થયો.

તું મુંબઈમાં જયાં સુઘી મારી પાસે હતો, ત્યાં સુઘી મને કયારે ય એકલતાનો અહેસાસ થયો ન હતો, પરંતુ જ્યારે તને અમદાવાદમાં નોકરી મળી ગઈ અને તું સદા માટે ત્યાં સ્થાયી થઈ ગયો ત્યારથી મને પ્રત્યેક ક્ષણે આ ઘર ખાવા દોડતું હતું.

જીવનમાં હું એકલતા અનુભવતી હતી. આ ખાલીપણાને ભરવા મને કોઈકની જરૂરિયાત જણાતી હતી કે જેના ખંભે હું માથું મૂકીને સુખદુઃખમાં મારું મન હળવું કરી શકું.

આખરે જીવનમાં માર્ગે સાથ આપી શકે એવો એક પ્રેમાળ હાથ મને મળી ગયો. હવે કોઈ પણ સંજોગોમાં હું આ હાથને તરછોડવા માગતી નથી.

સંજય, તું અને સુજાતા કયારેક મુંબઈ આવશો ત્યારે મકાનમાં, શેરીમાં તેમ જ આપણાં સંગાસંબઘીઓ મારા વિશે તને કંઈક જુદી જ વાતો કરશે. કોઈ નવરું પંચાતિયું મહેણાંટોણાં મારશે. આશા છે તમે તેઓની વાતોને ભીતરમાં ન લેશો. બને તો આંખ આડા કાન કરશો. દીકરા, આપણે ગમે તેવા પ્રમાણિક કે સાચા હોઈએ, પણ દુનિયાને મોઢે કોઈ ગળણું બાંઘી ન શકીએ. તો ફાવે તેવું પોતપોતાના વિચારો પ્રમાણે બોલશે. દીકરા, આપણા સમાજમાં એક વિઘવા તરીકે જીવવું કેટલું કપરું છે એ તો મારું મન જાણે છે. હું તો જગતનાં મહેણાંટોણાંથી ટેવાઈ ગઈ હતી એટલે મને તેની કોઈ ચિંતા નથી.

સુજાતા આપણા સમાજથી સાવ અપરિચિત છે. લોકો તેને કહેશે કે તારી સાસુની તો શી વાત કરીએ? તેના આ લફરાને તો અમે વર્ષોથી જાણતાં હતાં. વળી કોઈક એમ પણ કહેશે કે મૂઈ આશા, આવું છિનાળું કરવું હતું તો જ્યારે ઉંમર હતી ત્યારે ન કર્યું અને જ્યારે દીકરાની વહુ આવી ત્યારે પોતે કોકના ઘેર જઈને બેઠી.

દીકરા, આ તો દુનિયા છે. આવું તમને કંઈક બનાવીને કહેશે. સંજય, મેં મારી બઘી જ જવાબદારી હસતાં હસતાં નિભાવી છે એમ હું માનું છું. જો તને કયાંક જીવનમાં મારા તરફથી ઊણપ જણાઈ હોય તો તું તારી માને માફ કરી દેજે.

દીકરા, તું એવો અર્થ ના કરીશ કે  આ લગ્ન કરી હું તારાથી દૂર જઈ રહી છું. માદીકરાના સંબંઘને મૃત્યુ પણ જુદા કરી શકતું નથી. જગતની કોઈ મા કયારે ય પોતાના દીકરાની જવાબદારીમાંથી મુકત થઈ શકી છે? તો હું તારાથી કેવી રીતે મુકત થઈ શકું?

હવે મને નથી લાગતું કે મારે આથી વિશેષ કંઈ ખુલાસો તારી પાસે કરવો જોઈએ. સંજય મને વિશ્વાસ છે કે તું મને બરાબર સમજી શકીશ, કારણ કે તારી રગમાં મારું જ લોહી છે. મને વિશ્વાસ છે કે તું તારા ઘરના દરવાજા મારા માટે બંઘ નહીં કરી દે.

બસ એ જ,

લિ. તારાથી કયારે ય દૂર ન જઈ શકેલ તારી મા આશાદેવીની આશિષ.

પત્ર વાંચતા આંખમાં આવેલ આંસુને લુછતા સંજયને પલંગમાં પડખાં ફેરવતી સુજાતાએ તેને પૂછ્યું.

“સંજય, કોનો પત્ર છે? આટલા રસથી કયારનો  વાંચી રહ્યો છે!”

“મુંબઈથી બાનો પત્ર છે.”

“બાનો! આટલી વારમાં! હજી ગઈ કાલે તો આપણે મુંબઈથી આવ્યાં અને બાએ આપણને પત્ર પણ લખી નાખ્યો? બા પણ ખરેખર કમાલ છે. શું લખ્યું છે બાએ?”

“લે … વાંચ … ” સંજયે સુજાતાના હાથમાં પત્ર મૂકી દીઘો.

E.mail : preetam.lakhlani@gmail.com

Loading

ચાલો, હરારી પાસે – 21 : માંધાતાઓની મીટિન્ગ  

સુમન શાહ|Opinion - Opinion|15 September 2023

સુમન શાહ

બે દિવસ પર ૧૩ સપ્ટેમ્બર ૨૦૨૩-ના રોજ વૉશિન્ગ્ટન ડી.સી.માં ‘એ.આઈ.’ સાથે કોઈ ને કોઈ ભૂમિકાએ જોડાયેલા સુન્દર પિચાઇ, ઍલન મસ્ક, માર્ક ઝુકરબર્ગ, બિલ ગેટ્સ અને અન્ય ટૅક-સી.ઇ.ઓ. તેમ જ કાયદાના કેટલાક ઘડવૈયાઓની એક મીટિન્ગ થઈ.

સુન્દર પિચાઇ “અલ્ફાબેટ અને ગૂગલ”-ના, ઍલન મસ્ક “ટૅસ્લા” “સ્પેસઍક્સ” અને “ટ્વિટર”-ના, માર્ક ઝુકરબર્ગ “ફેસબુક” તથા બિલ ગેટ્સ “માઇક્રોસૉફ્ટ”-ના કો-ફાઉન્ડર છે તેમ જ “બિલ ઍન્ડ મેલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશન”-ના ફાઉન્ડર છે. સાઠ સૅનેટર હાજર હતા, સૅનેટ મૅજોરિટી લીડર ચક શુમર આ મીટિન્ગના હોસ્ટ અને કન્વીનર હતા.

photo courtesy : CNN

‘એ.આઈ.’ પર નિયમન – રૅગ્યુલેશન – હોવું જોઈએ એનો વિમર્શપરામર્શ આ મીટિન્ગનો આશય હતો.

બધા એ વાતે સમ્મત થયા કે ‘એ.આઈ.’ એક સામર્થ્યવાન ટૅક્નોલૉજિ છે, એથી સારું પણ થઈ શકે અને ખરાબ પણ. અને તેથી બહુ જરૂરી છે કે એને માટેનાં નિયમનો વિકસાવાય, જેથી ‘એ.આઈ.’-નો સલામતીભર્યો વિકાસ થાય, ઉપયોગ થાય.

જો કે, ચૉક્કસ કયાં નિયમનો મૂકવાં જોઈએ એ વિશે બહુસમ્મતિ સાધી શકાઈ ન્હૉતી.

ઍલન મસ્ક નિયમનના જોરદાર સમર્થક હતા. એમણે કહ્યું, ‘એ.આઈ ’ બે-ધારી તલવાર છે, અને તેથી અતિ કાળજી રાખવી પડશે કે એને આપણે કઈ રીતે વિકસાવીએ છીએ. એમણે ‘એ.આઈ.’ માટે ‘રૅફરી’-ની રચનાનો, એવી સમિતિનો, આગ્રહ આગળ કર્યો. રૅફરી સ્વતન્ત્ર એકમ તરીકે ‘એ.આઈ.’-ના વિકાસ તેમ જ ઉપયોગ પર નજર રાખે.

માર્ક ઝુકરબર્ગે નિયમન બાબતે ઘણી સાવધતાભરી વાત કરી. એમણે કહ્યું કે ઇન્નોવેશન – નવ્ય શોધો – અને સલામતી વચ્ચેની સમતુલા બરાબ્બર સચવાવી જોઈશે. સરકારે ‘એ.આઈ.’ અંગે ઉચ્ચ ધૉરણોના મુદ્દાને લક્ષમાં લેવો જોઈશે, પણ સાથોસાથ એણે ટૅક્નોલૉજિના વિકાસને માઇક્રોમૅનેજ નથી કરવાનો, એટલે કે, એટલા બધા ઊંડે નથી  ઊતરવાનું.

સુન્દર પિચાઇએ કહ્યું કે ‘એ.આઈ.’ એક એવી સમર્થ ટૅક્નોલૉજિ છે કે વિશ્વમાં એ વડે ઘણું બધું સારું થઈ શકે એમ છે, પણ સમજી લેવું પડશે કે તેનાં જોખમો શું છે. એમણે કહ્યું કે ‘એ.આઈ.’-ને જવાબદારીપૂર્વક વિકસાવવાને ગૂગલ પ્રતિબદ્ધ છે; ‘એ.આઈ.’-ના ઉચિત ઉપયોગ માટે કમ્પની વિશ્વ આખામાં નિયમનો અનુસાર કામ કરી રહી છે.

શું પ્રયોજવાથી પૂર્વગ્રહો અને ભેદભાવોથી બચી શકાય; ઉપયોગ સ્વાસ્થ્યસેવાઓ, કેળવણી તેમ જ પર્યાવરણના સંરક્ષણ માટે જ થાય, સમાજના હિતમાં જ થાય; ‘એ.આઈ.’-થી બેકારી વધે કે દુરાશયોથી એનો દુરુપયોગ થવા માંડે, તો શું પગલાં લેવાં વગરે મુદ્દા પણ હાથ ધરાયેલા.

+++

આમે ય ‘એ.આઈ.’ પર નિયમનો અને ઍથિક્સ કહેતાં નીતિમત્તા અને તદનુસારી આચારસંહિતાની રચના અનિવાર્ય છે. હું નૉંધી ચૂક્યો છું કે હરારીએ વારંવાર આ અનિવાર્યતાને જુદા જુદા શબ્દોમાં વાચા આપી છે.

નીતિમત્તા એમ કહે છે કે ‘એ.આઈ.’ સિસ્ટમ્સ પ્રજાજનો માટે ટ્રાન્સપરન્ટ હોવી જોઈએ – પારદર્શક. લોકોને ખબર પડવી જોઈએ કે એ કેવા પ્રકારે નિર્ણયો લે છે અને એના કેવા કેવા ઉપયોગો છે. ’એ.આઈ.’ સિસ્ટમ્સ એકાઉન્ટેબલ હોવી જોઈએ. એ જે નિર્ણયો લે એ માટે કોઇક જવાબદાર હોવું જોઇએ. ‘એ.આઈ.’ સિસ્ટમ્સ પાસે ફૅઅરનેસની અપેક્ષા રહે છે. એ જે નિર્ણયો લે તે રૂડા અને પક્ષપાતરહિત હોવા જોઈએ. ‘એ.આઈ.’ સિસ્ટમ્સે વપરાશકારોની અંગતતાની રક્ષા કરવી જોઈએ.

આ બધી નીતિનું એ પાલન કરે જ છે પણ જેમ જેમ એનો વિકાસ થશે તેમતેમ એની આચારસંહિતાનો પણ વિકાસ થશે.

છેવટે તો ‘એ.આઈ.’-ને અંકુશમાં રાખે એવા કાયદાકાનૂનનો હજી વધુ વિકાસ થવો જોઈશે.

બાકી, ‘એ.આઈ.’-ની મદદથી સ્વયંસંચાલિત શસ્ત્રો બની શકે છે, સ્વયંસંચાલિત એવાં કે સામાને હણી નાખવા માટે માણસોની જરૂર ન પડે.

“એ.આઈ.’-ની મદદથી સર્વેઇલન્સ સિસ્ટમ વિકસાવી શકાય છે, જે મનુષ્યજીવોની બધી જ બાતમી આપે, દરેક હિલચાલ દર્શાવે.

‘એ.આઇ.’-ની મદદથી ખોટી માહિતી સાથે મતલબી પ્રચારઝૂંબેશો ચલાવી શકાય છે.

‘એ.આઇ.’-ની મદદથી ‘ડીપફેક્સ’ સરજી શકાય છે. એ ટૅક્નિક વડે ડીપ જનરેટિવ મૅથડથી ચહેરાઓનું સાદૃશ્ય સરજી શકાય છે, અને લોકોને છેતરી શકાય છે.

ભેદભાવ, પક્ષપાત કે વ્હૅરોઆંતરો કરવા માટે ‘એ.આઈ.’ સિસ્ટમ્સનો દુરુપયોગ થઈ શકે છે. એને એવા ડેટાથી તાલીમ અપાઇ હોય કે અમુક કામની જગ્યાએ પુરુષો સફળ થાય છે, સ્ત્રીઓ નહીં, તો એ સેવાઓ માટે પુરુષોને આરામથી પ્રાધાન્ય આપી શકાય. વગેરે વગેરે.

+++

‘એ.આઈ.’ પર નિયમનો માટેની પહેલી મીટિન્ગ આમ અમેરિકામાં થઈ. આવનારા સમયમાં સંભવ છે કે વિમર્શપરામર્શ માટેની વધુ મીટિન્ગો યોજાય. મીટિન્ગમાં માંધાતાઓ, ખરેખર તો ‘એ.આઈ.’-ના પ્રત્યક્ષ-પરોક્ષ જન્મદાતાઓ, મળ્યા કહેવાય, અને સૌએ આશાસ્પદ વિચારો કર્યા, તે શુભ ચિહ્ન છે.

= = =

(09/15/23 : USA)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

શિક્ષક જ્ઞાન સહાયક હોય તો શિક્ષણ મંત્રી જ્ઞાન સહાયક કેમ નહીં?

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|15 September 2023

રવીન્દ્ર પારેખ

રવિવારના સમાચાર છે કે શિક્ષણ મંત્રી ડિંડોર સાહેબને, જ્ઞાન સહાયક યોજના અંગે આવેદનપત્ર આપવા કેટલાક ઉમેદવારો ગયા, તો સાહેબે એવું છાશિયું કર્યું કે નોકરી કરવી હોય તો કરો, નહીં તો ઘરે બેસો. સાહેબ પોતે અધ્યાપન સાથે જોડાયેલા હતા, પણ હવે મંત્રી છે એટલે ભાવિ શિક્ષકો સાથે તો અવિવેક જ વિવેક ગણાય ને તે સાહેબે દાખવ્યો, પણ સાહેબનો ઝોક એવો હતો કે જ્ઞાન સહાયક યોજનામાં જોડાવું એ જ એક માત્ર વિકલ્પ ટેટ-ટાટ પાસ ઉમેદવારો માટે છે. અહીં સવાલ એ થાય કે જ્ઞાન સહાયક યોજના એટલી જ ઉત્તમ છે તો ક્વોલિફાઇડ ઉમેદવારો અમસ્તો જ વિરોધ કરે છે? એનો જવાબ એ કે આ યોજના બદથી બદતર છે. વિદ્યા સહાયક યોજનામાં એ તક હતી કે અમુક વર્ષની (સફળ) નોકરી પછી જે તે શિક્ષક કાયમી થતો. એ યોજના બંધ કરી અને તેને વિકલ્પે જ્ઞાન સહાયક યોજના દાખલ કરવામાં આવી. આ યોજનામાં વિદ્યા સહાયક કરતાં પગાર વધારે, પણ તે 11 મહિના પૂરતો જ ! મતલબ કે આ યોજના અંતર્ગત શિક્ષકને 11 મહિનાના કોન્ટ્રાક્ટ પર નોકરી આપવાની વાત હતી. 11 મહિના પછી શિક્ષક છૂટો થાય અને તેણે નોકરી કરવી હોય તો ફરી અરજી કરવાની ને એવું તેણે દર અગિયાર મહિને કરતાં રહેવાનું. એવું કરીને શિક્ષક રિટાયર થવાની ઉંમરે પણ કાયમ ન થાય એ નક્કી. હવે આનો વિરોધ ઉમેદવારો કરે તો તેમાં ખોટું શું છે? આખી યોજના બનાવવામાં જ એટલે આવી કે શિક્ષક કાયમી થાય જ નહીં ને નિવૃત્તિ પછીના લાભો શિક્ષકને આપવા ન પડે. રિટાયર થવાની ઉંમરે, વર્ષોવર્ષ 11 મહિનાની નોકરી પછી પણ, છેલ્લી નોકરી 11 મહિનાની કરીને, કોઈ જ આશા વગર શિક્ષકે ઘર ભેગા થઈ જવાનું.

2017થી ત્રીસેક હજાર કાયમી શિક્ષકોની ઘટ પુરાઈ નથી. સરકારને પ્રવાસી શિક્ષકો, વિદ્યા સહાયકો, શિક્ષા સહાયકો, જ્ઞાન સહાયકોની યોજના કરવાનો સમય છે, પણ કાયમી શિક્ષકોની ભરતી કરવાનો સમય નથી. એવી ભરતી કરવાનું સરકારને ન જ સૂઝે, કારણ કાયમી ભરતી કરવાની તેની દાનત જ નથી. દાનત એટલે નથી, કારણ નિવૃત્તિ પછીનાં પેન્શન વગેરેના લાભો સરકાર આપવા તૈયાર નથી, એટલે જ તે કામચલાઉ યોજનાઓનો ખડકલો કરતી રહે છે. સરકાર શિક્ષકોનું પેન્શન બંધ કરવા માંગે તો ભલે, પણ તે પહેલાં તેણે સાંસદોનું પેન્શન બંધ કરવું જોઈએ. એ જ રીતે કોર્પોરેટરો, ધારાસભ્યોનું પેન્શન પણ બંધ કરે ને પછી શિક્ષકોનાં પેન્શનને હાથ લગાડે. એવું જો સરકાર કરે તો કુહાડા પર પગ મારવા જેવું થાય, કારણ સરકારમાં તો એક સાથે કોર્પોરેટર, ધારાસભ્ય, સાંસદનું પેન્શન ગજવે ઘાલનારા પણ છે. ત્યાં હાથ નથી મુકાતો ને બધી કસર શિક્ષકને માથે જ રાખી છે. કોઈ પણ સરકારી તંત્રમાં કસર ભાગ્યે જ થાય છે, પણ શિક્ષકને આપવામાં હાથ ટૂંકો જ પડે છે. એ ખરું કે કેટલાક શિક્ષકો પગારને નહીં, પણ દંડને લાયક છે, પણ બધા એવા નથી. એટલે પાડાને વાંકે પખાલીને ડામ ન દેવાય ને નબળાઈ તો અન્ય તંત્રોમાં પણ ક્યાં નથી? જો, ત્યાં પેન્શન બંધ નથી થતું, તો શિક્ષકોનું પણ બંધ ન થવું જોઈએ.

ખરેખર તો શિક્ષણ વિભાગે યોજનાઓ લાગુ કરતાં પહેલાં પોતાના વિભાગમાં તે લાગુ કરવી જોઈએ. 11 મહિનાના કોન્ટ્રાક્ટ પર કારકૂનો, અધિકારીઓ, સચિવો, મંત્રીઓ લેવાશે? શિક્ષણ મંત્રીની ને તેમના અધ્યાપકોની જોબ પેન્શનેબલ છે કે તે સૌ એમ જ નિવૃત્ત થવાના છે? શિક્ષણ મંત્રી 11 મહિનાના કોન્ટ્રાક્ટ પર લેવાય છે? જો નહીં, તો શિક્ષક કોન્ટ્રાક્ટ પર કેમ? જો શિક્ષણ મંત્રી જ્ઞાન સહાયક નથી, તો શિક્ષક જ્ઞાન સહાયક કેમ? રેલવેમાં, બેન્કોમાં બધી નોકરીઓ કામચલાઉ છે? તો, શિક્ષકો જ કામચલાઉ કેમ? એ સમજી શકાય એવું છે કે કેટલીક જગ્યાઓ કામચલાઉ ધોરણે ભરવી પડે, પણ બધી જ જગ્યાઓ હંગામી તો ન હોયને ! નિવૃત્તિ પછીના લાભો આપવા પડે એટલે 2017થી કાયમી ભરતી થાય જ નહીં, એ કેવું? કેટલી ય શૈક્ષણિક સંસ્થાઓમાં એને કારણે શિક્ષકો નથી. 700 સ્કૂલો એવી છે, જ્યાં એક જ શિક્ષકથી કામ ચાલે છે, ગુજરાતમાં જ એક સંસ્થા એવી છે, જ્યાં  શિક્ષક નથી, તે પણ હાયર સેકંડરીમાં. આ યોગ્ય છે? 2020થી નવી શિક્ષણ નીતિ લાગુ થઈ છે. હવે જો શિક્ષકો જ પૂરતી સંખ્યામાં ન હોય તો નવી શિક્ષણ નીતિ અસરકારક રીતે લાગુ થશે જ એવું સરકારને કઇ રીતે લાગે છે?

લાગે છે એવું કે સરકાર, સરકારી ને ગ્રાન્ટેડ સ્કૂલો બંધ કરવા માંગે છે. અઢળક ટેક્સ પ્રજા પાસેથી વસૂલ્યા પછી પણ, મફત શિક્ષણ આપતાં સરકારને ઠંડી ચડે છે. મફત શિક્ષણ બંધ થાય તો સરકારનો ખર્ચ બચે ને ખાનગી સ્કૂલોનું ચલણ વધે. ખાનગીની કોઈ જવાબદારી સરકારની નથી, એટલે ત્યાં શિક્ષકોની ને ફીની શી સ્થિતિ છે, તે સરકારે જોવાનું નથી, પણ, એ ધ્યાનમાં લેવાનું રહે કે જે ગરીબ માબાપો આર્થિક જવાબદારી વહન કરી શકે એમ જ નથી, એમને માટે સરકારે મફત શિક્ષણની યોજના કરી. કન્યાઓ શિક્ષિત થાય એટલે કન્યા કેળવણી મફત કરી, આદિવાસીઓ અને અન્ય પછાત જાતિઓનાં સંતાનો ભણે એટલે પણ પ્રાથમિક શિક્ષણ મફત રાખ્યું. હવે જો ઇરાદો સરકારી કે ગ્રાન્ટેડ શાળાઓ બંધ કરવાનો હોય તો રાજ્યની ઘણી વસતિ અશિક્ષિત રહેશે. એ થવા દેવાનું છે? એક વાત સ્પષ્ટ છે કે પ્રાથમિક શિક્ષણ અસરકારક રીતે વિનામૂલ્યે ચાલુ નહીં રહે તો ગુજરાતથી પછાત રાજ્ય ભારતમાં બીજું કોઈ નહીં હોય.

એક તરફ ગુજરાતની આ સ્થિતિ છે, તો બીજી તરફ પેરિસની મલ્ટિનેશનલ માર્કેટિંગ રીસર્ચ ફાર્મ ઈપ્સોસનો સર્વે, દેશ અંગે જુદી જ વાત કરે છે. આ સંસ્થાના અહેવાલ મુજબ 50-55 ટકા શહેરી લોકો માને છે કે એજ્યુકેશન સિસ્ટમ સારી છે ને ગુણવત્તા પહેલાં કરતાં સુધરી છે. દેશના 76 ટકા શહેરી ભારતીયો માને છે કે શિક્ષણ માટેનાં સંસાધનો અને સગવડો પૂરતી માત્રામાં છે. સર્વેનાં એક તારણ મુજબ 80 ટકા શહેરીજનો માને છે કે શિક્ષકોને સન્માન આપવામાં ભારત મોખરે છે. હશે, ક્યાંક એવું પણ હશે, પણ ગુજરાતમાં શિક્ષણ મંત્રી ડિંડોર સાહેબ ટેટ-ટાટ પાસ ઉમેદવારોને કહે કે નોકરી કરવી હોય તો કરો, નહીં તો ઘરે બેસો – એના પરથી શિક્ષકો કેટલા સન્માનનીય છે તે સમજી શકાય એવું છે. 50-55 ટકા શહેરીજનો માને છે કે એજ્યુકેશન સિસ્ટમ સારી છે, ગુણવત્તા સુધરી છે, તો કલ્પી શકાય કે પેરિસની એ સંસ્થા ગુજરાત સુધી નહીં પહોંચી હોય. કાયમી શિક્ષકોની હજારોની સંખ્યામાં ભરતી જ થઈ ન હોય ને કારભાર શિક્ષકો વગર જ ચાલતો હોય, તો સિસ્ટમ ને ગુણવત્તા સારી છે એવું કઇ રીતે માનવું? શિક્ષકોનો, પડતર માંગણીઓ પૂરી ન થવા સંદર્ભે વિરોધ વધતો જતો હોય તો ‘સબ સલામત’નો ઘંટ પેરિસની એક સંસ્થા કઇ રીતે વગાડી શકે?

જો કે, જવાબદાર તો શિક્ષકો પણ છે. કાયમી શિક્ષકોની ઘટ પૂરી કરવાનો સરકારનો ઇરાદો જણાતો જ ન હોય ને તેને લીધે જે શિક્ષકો હાજર હોય તેમના પર કામનું ભારણ વધતું આવતું હોય ને જ્ઞાન સહાયકની વૈકલ્પિક વ્યવસ્થા જ કાયમી થવા જઇ રહી હોય, ત્યાં શૈક્ષિક યુનિયનો ચૂપ રહે તે અક્ષમ્ય છે. મોટે ભાગના યુનિયનોની પડતર માંગણીઓ આર્થિકથી આગળ જતી નથી. એવામાં વિદ્યાર્થીઓ અંગે વિચારવાનું તો ભાગ્યે જ બને છે. શિક્ષકોની ખેંચના સમયમાં વિદ્યાર્થીઓનું શિક્ષણ વારંવાર ખોરંભે ચડે છે ને પરીક્ષાઓ જ જાણે શિક્ષણ હોય, ત્યાં શિક્ષણ નીતિ ઉત્તમ હોય તો પણ શો અર્થ સરે? શિક્ષણ નીતિને વર્ગ શિક્ષણ સાથે તો લેવાદેવા છેને કે પરીક્ષા જ શિક્ષણ નીતિ છે? આ સ્થિતિ સુધરી શકે, જો યુનિયનો વધુ પારદર્શી રહીને, શિક્ષકો તથા વિદ્યાર્થીઓલક્ષી સક્રિયતા દાખવે. યુનિયનો નથી જાણતાં, તેનાં શિક્ષકો પાસેથી શિક્ષણેતર ફરજ બજાવવાનું દબાણ કરાય છે તે? વસતિ ગણતરી, રસીકરણ, ટીકાકરણ, મતદાન મથકની જવાબદારી જેવી ઘણી ફરજો શિક્ષકો પર વર્ષોથી થોપવામાં આવે છે. એમાં સુધારો નથી થયો, પણ વધારો જરૂર થયો છે. અત્યાર સુધી તો આવી ફરજો દિવસ દરમિયાન બજાવવાની રહેતી હતી, પણ હવે નવી જવાબદારી ફ્લડ કંટ્રોલની ઉમેરાઈ છે ને ડિઝાસ્ટર મેનેજમેન્ટના ભાગ તરીકે કરવાની કામગીરી ફરજિયાત હોઈ, ગ્રાન્ટેડ શિક્ષકો તેની ના પણ પાડી ન શકે. ના પાડે તો શિક્ષાત્મક પગલાંનો સામનો કરવાનો આવે. ફ્લડ કંટ્રોલની જવાબદારી રાતના બજાવવાની આવે એમ બને. એ કામગીરી શિક્ષકો રાતના બજાવે તો બીજે દિવસે તે ફરજ પર ભાગ્યે જ હાજર રહી શકે. એમ થાય તો વર્ગશિક્ષણ પ્રભાવિત થયાં વગર ન રહે. એટલું છે કે આ સંદર્ભે અખિલ ગુજરાત રાજ્ય શાળા સંચાલક મહામંડળે રાજ્યના શિક્ષણ સચિવને ફ્લડ કંટ્રોલની જવાબદારીમાંથી મુક્તિ આપવા પત્ર લખીને રજૂઆત કરી છે. આવી સક્રિયતા અન્ય મંડળો પણ દાખવે તે જરૂરી છે. એવું થશે તો સરકારને થોડે થોડે વખતે જે તુક્કાઓ સૂઝે છે તેનાથી શિક્ષકો બચશે. શિક્ષકોએ પણ સરકારને એ ભાન કરાવવાનું રહે કે તે દાઢીની દાઢી ને સાવરણીની સાવરણી નથી. શિક્ષક અભિમાની ન હોય, પણ તે સ્વમાની પણ ન હોય તો તે જીવશે તો ખરો, પણ તેને મુક્તિ નહીં હોય …

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 15 સપ્ટેમ્બર 2023

Loading

...102030...1,0221,0231,0241,025...1,0301,0401,050...

Search by

Opinion

  • સ્ટ્રેટ ઑફ હોર્મુઝઃ “બહોત કઠિન હૈ ડગર પનઘટ કી …” ભારતની ઊર્જા સુરક્ષા પર સાંકડા માર્ગનો સકંજો
  • ચલ મન મુંબઈ નગરી—334
  • મારે મોગલ ને ફુલાય પિંજારા 
  • અસત્યના પ્રયોગો  
  • દલિત આંદોલનની દિશા કેવળ અનામત-એટ્રોસિટીમાં ઇતિ નથી

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …

Poetry

  • કવિ
  • ગઝલ
  • ગઝલ
  • કોઈ અપાવે જો એ બાળપણ પાછું …
  • પન્નાને, વેલન્ટાઈન ડે, ફેબ્રુઆરી 14, 2026 ~ સોનેટ ~ નટવર ગાંધી

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved