Opinion Magazine
Number of visits: 9552863
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

આપત્તિ હવે ખાતરીપૂર્વક આવી રહી છે 

નેહા શાહ|Opinion - Opinion|6 September 2025

નેહા શાહ

ચોમાસું શરૂ થયું છે ત્યારથી લગભગ સતત હિમાલયના રાજ્યોની તબાહીનાં દૃશ્યો આપણી સામે આવ્યા જ કરે છે. કાગળના ઘરોની માફક તણાઈ જતાં મકાનોના વીડિયો આપણે સોશ્યલ મીડિયા પર લગભગ રોજ જોઈ રહ્યા છીએ ! માત્ર ૨૦૨૫ના વર્ષમાં ત્રીસથી વધુ વાદળ ફાટવાની ઘટનાઓ બની છે. વાદળ ફાટે, અચાનક પૂર આવે, તળાવ ફાટવાની ઘટના બને, મકાનો પાણીમાં તણાઈ જાય, આખું ગામ કાદવ તળે દટાઈ જાય, પુલ તૂટી જાય, ઠેર ઠેર ભૂસ્ખલન થાય અને નદીનો પ્રવાહ બદલાઈ જાય …. આ ઘટનાઓના સમાચાર અટકતા જ નથી.  હિમાચલ પ્રદેશમાં કુલ્લુ અને મંડી, ઉત્તરાખંડમાં ધરાલી, જમ્મુ-કાશ્મીરમાં કિશ્તવાડ, તેમ જ ઉત્તરાખંડમાં ચમોલી – લગભગ એક જ મહિનાની અંદર આ બધી ઘટના બની !  આ માત્ર ભારે વરસાદની ઘટનાઓ નથી. હવે આપણી સામે સ્પષ્ટ થઇ ગયું છે કે બદલાયેલી પર્યાવરણના ચક્ર સાથે બદલાયેલી વરસાદની તરાહ છે જે માનવ વસાહત માટે ખતરનાક બની રહી છે. ડાઉન ટૂ અર્થ (ડી.ટી.ઈ.) દ્વારા કરાયેલા એક વિશ્લેષણ જાન્યુઆરી થી ૧૮ ઓગસ્ટ 2025 સુધીના સમય દરમ્યાન હિમાલયમાં લગભગ રોજની એક કટોકટી નોંધાઈ છે, જેમાં 632 લોકો માર્યા ગયા! માત્ર હિમાચલ પ્રદેશમાં જ પાછલા બે મહિનામાં ૨૦૦ થી વધુ લોકોનાં પૂરને કારણે મૃત્યુ થયાં છે. પાંચ વર્ષનું વિશ્લેષણ કરીએ તો દર વર્ષે વરસાદી પેટર્ન વધુ ને વધુ ખરાબ થઈ રહી છે. આ લખાય છે ત્યારે રાવિ, સતલજ, બિયાસ અને જેલમ જેવી મોટી નદીઓ પૂરગ્રસ્ત છે જે કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને પંજાબમાં તારાજી ફેલાવી રહી છે. 

હિમાલયમાં બદલાયેલી વરસાદની તરાહ માટે વૈજ્ઞાનિકો આબોહવાના પરિવર્તનને જવાબદાર માની રહ્યા છે. વિશ્વના અન્ય વિસ્તારોની તુલનામાં હિમાલય ઝડપથી ગરમ થઈ રહ્યાનું અનુમાન છે. ઉષ્ણતામાન વધવાની સાથે હવામાં વધુ ભેજ ભેગો થાય છે, પરિણામે વરસાદ વધુ તીવ્ર અને અનિયમિત બનાવે છે. હિમાલયનો પ્રશ્ન જેટલો વૈશ્વિક ગ્લોબલ વોર્મિંગનો છે તેટલો જ સ્થાનિક પણ છે. આ પર્વતમાળાની નાજુક ભૌગોલિક અને ભૂસ્તરીય રચનાને ધ્યાનમાં રાખી ત્યાં થઇ રહેલા વિકાસનાં કામોની સંભવિત અસરો વિષે વર્ષોથી વૈજ્ઞાનિકો ધ્યાન દોરી રહ્યા છે. પહાડોમાં બંધાયેલા બંધ અને હાઈડ્રો પાવર પ્લાન્ટ, મોટા પાયે જંગલોની કાપણી, ખાણ અને ખનીજકામ અને ઉદ્યોગો ભેગા થઈને આ વિસ્તારના પર્યાવરણ ચક્રને પૂરતું નુકસાન કરી ચુક્યા છે. એમાં ઉમેરો થાય છે પ્રવાસન (ટુરીસમ) ઉદ્યોગની માંગને પહોંચી વળવાનું દબાણ. હિમાલયના રાજ્યોમાં ટુરીસમ સીધી રીતે સાતથી આઠ ટકા આવક ઊભી કરે છે અને આડકતરી રીતે લગભગ વીસથી પચીસ ટકા આવકનો સ્રોત છે. હાલનો પ્રવાસન ઉદ્યોગ ઉપભોગતાવાદી છે. ધાર્મિક સ્થળોએ પહોંચતી માનવ મહેરામણમાં શ્રદ્ધાળુઓ કરતાં પૈસા ખર્ચી સગવડો માણવા પહોંચેલા ગ્રાહકો વધારે હોય છે. જેમની માંગને પહોંચી વળવા ઊભા થયેલા બજારમાં આડેધડ બંધાયેલા હોટેલોનાં મકાન, બેફામ વપરાતું પાણી અને બેરોકટોક વાહનોની અવરજવર ભેગા થઇ ને સ્થાનિક પર્યાવરણ પર ભારણ વધાર્યું છે. જ્યાં ત્યાં બંધાયેલાં મકાનો ઘણી વાર પાણીના પ્રવાહને અવરોધતા હોઈ પૂરનાં પાણી એને વહાવીને લઇ જાય. ચાર લેનના રોડ પર સડસડાટ વાહન ચલાવીએ ત્યારે અપ્રતિમ આનંદ મળે એ ખરું, પણ એની પાછળ કપાતાં જંગલ અને પર્વતના ઢોળાવને સમથળ કરવા થતી તોડફોડનું શું? હિમાલયની ભૂમિ એને ટકાવી શકે એમ છે?

આપણે વિકાસના એ તબક્કા પર પહોંચ્યા છીએ જ્યાં બધા ને બધું મેળવી લેવું છે. ઉદ્યોગો-ધંધાના વિકાસે જે ગતિ પકડી છે એમાં વિકાસને ટકાઉ બનાવવાનાં કોઈ પણ પગલાંને  વિકાસના વિરોધ તરીકે જોવામાં આવે છે. એટલે જ કોઈ પણ પ્રોજેક્ટને મંજૂરી આપવા માટે પર્યાવરણનાં મૂલ્યાંકનને પણ એક વિઘ્ન તરીકે જોવામાં આવે છે, એટલે એમાં સૌથી વધારે ભ્રષ્ટાચાર પણ જોવા મળે છે. હિમાચલમાં એક ખાનગી હોટેલ ચલાવતી કંપનીએ રિસોર્ટ બનવવા માટે જમીનને ‘ગ્રીન એરિયા’ની કક્ષામાંથી હટાવવાની માંગ કરી હતી જેથી તેઓ મોટું બાંધકામ કરી શકે. નિયમો સાથેની બાંધછોડ ઘણી સામાન્ય બની ગઈ છે. આ સંદર્ભે જુલાઈ મહિનામાં સુપ્રીમ કોર્ટે ટિપ્પણી કરી કે એ દિવસ દૂર નથી જ્યારે દેશના નકશામાંથી હિમાચલ પ્રદેશ ગાયબ થઇ જશે ! થોડાં વર્ષ પહેલા બનેલ મનાલીનો એક પ્રસંગ છે. પ્રવાસીઓના ધસારાને નિયંત્રિત કરવા રાજ્ય સરકારે રોહતાંગ પાસ પર જવા માટે મર્યાદિત પાસ આપવાનો હુકમ કર્યો. પણ, પ્રવાસન પર નભતા ટેક્સી ડ્રાઈવરો વિરોધમાં હડતાલ પર ઉતરી ગયા. વિકાસ અને કુદરત વચ્ચે જે વિરોધાભાસ ઊભો થયો છે એનું આ એક ઉદાહરણ. જો પર્યાવરણને બચાવાની કોશિશ કરો તો લોકોના પેટ પર લાત વાગે અને જો લોકોની રોજી-રોટીની ચિંતા કરો – જે બિન ટકાઉ વિકલ્પો પર નભી રહી છે, તો પર્યાવરણ ચક્રમાં એ હદ સુધી વિક્ષેપ થાય કે કુદરત રિસાઈને રૌદ્ર સ્વરૂપ ધારણ કરે! એની માઠી અસર સામાન્ય લોકોની રોજી રોટી પર જ સૌથી વધારે પડવાની છે. 

ટકાઉ અને કલ્યાણકારી વિકાસ માટે વૈજ્ઞાનિક અભિગમ આપણે ક્યારે અપનાવીશું?

સૌજન્ય : ‘કહેવાની વાત’ નામક લેખિકાની સાપ્તાહિક કોલમ; નેહાબહેન શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

સો વરસના ઉંબર મહિને રા.સ્વ.સંઘ ક્યાં, કેટલે 

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|6 September 2025

અવસર

સંગઠન અને સત્તાયોગનો સવાલ

સત્તાયોગ અને શીર્ષ પલટાના હાકોટાછીંકોટાનું તો જાણે સમજ્યા પણ વિચારધારાકીય રીતે જે પથ–સંસ્કરણ બલકે આમૂલ સુધાર જરૂરી છે, એનું શું એ સો ટકાનો સવાલ છે.

પ્રકાશ ન. શાહ

ઑગસ્ટ ઊતરતે સરસંઘચાલક મોહન ભાગવતે, હવે તરતમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનાં સો વરસ પૂરાં થવામાં છે તેની ઉજવણીની લગભગ નાન્દીરૂપ ત્રણ વ્યાખ્યાનો લુટિયનને ટીંબે – નવી દિલ્હીના વિજ્ઞાન ભવનમાં આપ્યાંઃ પાંચેક વરસ પર આપેલાં વ્યાખ્યાનો પછી ખાસ કોઈ નવી ભોં ભાગ્યાનું જણાતું નથી. 

જેમ 2018માં તેમ 2025માં આ બેઉ વિશેષ વ્યાખ્યાનમાળાઓનો સમયસંદર્ભ એ રીતે અગત્યનો હતો અને છે કે આ સંગઠનને કેન્દ્રમાં પોતાની સુવાંગ સરકાર મળેલી છે. જનસંઘની સ્થાપના વખતે તો નહીં જ, પણ મોરારજી સરકારમાં જનતા ઘટક તરીકે જનસંઘને સ્થાન મળ્યું તેમ જ વાજપેયીનાં છ વરસ એમ ત્રણેક વખત સંઘને સત્તાયોગ થયો છે જરૂર – પણ, 2014થી શરૂ થયેલ સત્તાયોગ એ બધાં કરતાં ક્યાં ય આગળ ગયેલો છે. એટલે એક સંગઠન તરીકે વિચારધારાકીય સવાલો તેમ પોતાની સરકાર સાથેના સત્તાયોગમાં અનુકૂલનના સવાલો આ દોરમાં મહત્ત્વના બને છે. 

સંગઠન અને સત્તાયોગનો સવાલ શતવર્ષીના ઉંબર મહિને પ્રથમ લઈએ તો ન.મો.ની કથિત રવાનગી વાટે સંગઠનનો પક્ષ પરનો અખત્યાર પુરવાર કરવાની વાત કંઈ નહીં તોપણ છેલ્લા વરસેકથી તો હાકોટાછીંકોટાથી આગળ વધી શકી નથી. 

મુદ્દે જનસંઘ મૌલિચંદ્ર શર્મા સરખા આગંતુકથી માંડી બલરાજ મધોક સરખા સ્થાપક નેતા (અને સંઘ પ્રચારક)ને સંઘને કહ્યે કાઢી શક્યો હશે તો હશે, હવે સત્તાયોગમાં વડા પ્રધાનને માતૃસંગઠન હટાવી શકે એ પૂર્વવત સરળ રહ્યું નથી. મુદ્દે, ક્યારેક ગુરુદક્ષિણા પર નભવાનું સમુચિત ગૌરવ લેતું આ સંગઠન એની પોતાની તરેહવાર સંસ્થાગૂંથણી વાટે સરકારી આર્થિક સ્રોતોથી ખદબદતું થઈ ગયું છે અને એનો જેમ લાભ તેમ વણછો પણ ચોખ્ખો છે. એનું ચારિત્ર્ય સપાટાબંધ ગ્રાન્ટજીવિનીમાં ફેરવાઈ રહ્યું છે. શીર્ષ સત્તાસ્થાને ધારો કે ધાર્યો પલટો એ ક્વચિત કરાવી શકે તોપણ સંગઠન પૂર્વને સ્વાયત્ત હોઈ શકવાનું નથી તે એનું અંગીકૃત આર્થિક વાસ્તવ છે અને ઉત્તરોત્તર વિકસતા સુવિધાભોગી અભિગમનું અનિવાર્ય પરિણામ છે. 

મોહન ભાગવત

અને વૈચારિક રીતે ? 2018નાં તેમ 2025નાં વિજ્ઞાનભવન વ્યાખ્યાનોમાંથી જે સૂરતમૂરત ઊપસે છે તે ઉપરી વરખસ્થાપનથી ઊંડે ઝમી શક્યાનું હજી તો જણાતું નથી. મુદ્દે, વડા પ્રધાન અને સર સંઘચાલક ગમે એટલા વૈચારિક વરખવાઘાંનો આસરો લે, એમની વાસ્તવિકતા એવી છે જેવી ‘ડાઇરેક્ટ એક્શન’ પછી ઝીણાના સેક્યુલરિઝમની હતી. 

એક વાત સાચી કે દાયકાઓ લગી સંઘનું બાઇબલ રહેલ ગોળવલકરની કિતાબ ‘વી ઓર અવર નેશનહુડ ડિફાઈન્ડ’ હવે સંગઠનમાં કોઈ ખુલ્લા વિમર્શ વગર લગભગ બાજુએ મુકાઈ છે. રાષ્ટ્રનિર્માણના હિટલરી અભિગમ પર વારી જતી અને હિંદુ સંસ્કૃતિ નહીં સ્વીકારનારને વળી નાગરિક અધિકાર તો શું સામાન્ય અધિકાર નહીં એવી ભૂમિકામાં ખોડાયેલી એ ચોપડી હતી. તે વણચર્ચ્યે કોરાણે મેલી કે શીંકે ચડાવી સગવડપૂર્વક આગળ ચાલી જવાયાથી કશુંક પી.આર. પ્રબંધન થયું હોય તો ભલે, પણ હોર્મોન્સ ને જિન્સ જે ગોળવલકર બાઇબલથી બંધાયા તે બંધાયા એવો ઘાટ છે. 

સર સંઘચાલક ભાગવત સંઘવિચારની રજૂઆતમાં ગાંધીના ‘હિંદ સ્વરાજ’ અને રવીન્દ્રનાથના ‘સ્વદેશી સમાજ’ પ્રકારની સામગ્રીનો વરખવિનિયોગ કરે છે પણ મૂલતઃ અગર તો હાડે કરીને સંધી રાષ્ટ્રવાદ ને ગાંધીરવીન્દ્ર દર્શન જુદાં પડે છે એ પાયાની વાત કાં તો એમના આકલન બહાર છે કે પછી સભાન નહીં તો અભાનપણે તે ગુપચાવવામાં એમને સાર જણાય છે.

ઉત્તર દીનદયાલે એકાત્મ માનવવાદના અભિગમથી સાવરકરી – ગોળવલકરી હિંદુત્વના શોધન-વર્ધનની એક કોશિશ કીધી હતી. તે અધૂરી અણસમજી ઠીંગરાયેલ છે. સત્તાયોગ રહો ન રહો, સુવિધાભોગી અભિગમ છૂટો અને આ શોધન-વર્ધનની પ્રક્રિયા સમજીને આગળ વધારો બાકી તો સો વરસે પણ એ ઇતિહાસનિયતિ હોવાની જે ડાઇરેક્ટ એક્શન પછી ઝીણાના સેક્યુલરિઝમની હતી અને છે. સ્થાપના દિવસ(વિજયાદશમી)ના સરસંઘચાલકી સંબોધનનો એક મહિમા છેઃ કાશ, તરતના અઠવાડિયાઓમાં આ દિવસે કશીક ભોં ભાંગે!

Editor: nireekshak@gmail.com
પ્રગટ : ‘પરિપ્રેક્ષ્ય’, “દિવ્ય ભાસ્કર”; 03 સપ્ટેમ્બર 2025

Loading

શારદામંદિરના શિક્ષક વશરામભાઇ બારડ

રીતિ શાહ|Opinion - Opinion|5 September 2025

લગભગ બે દાયકા પછી, ગયા મહિને, ‘દર્શક’ના દેશમાં અણધાર્યા મળી આવેલા શિક્ષક વશરામભાઈ. થોડાં વર્ષો પહેલા તેમના વિષે લખેલ એક નાનકડી પોસ્ટ –

વશરામભાઈ બારડ અને રીતિબહેન શાહ

આજે આમ તો નથી ગુરુપૂર્ણિમા કે નથી શિક્ષકનો જન્મદિવસ પણ જે શિક્ષકે આપણાં ઘડાતા  કિશોર મનને બંધિયાર પાઠ્યપુસ્તકની દુનિયા બહારના વિશાળ જગત વિષે વિચારતું કર્યું હોય તેમની વાત માંડવા શું ગુરુપૂર્ણિમા કે શિક્ષક દિવસની રાહ જોવી પડે? 

સમયના પ્રવાહમા ભૂલાઇ ગયેલા, સુષુપ્ત થઈ ગયેલા, અનેક સંબંધો ફેસબુકે પુન:જીવિત કરી આપ્યા. તેમાંના એક તે મારા શાળા જીવનના શિક્ષક વશરામભાઈ બારડ. આ શિક્ષક સાવ ભૂલાઇ ગયેલા એમ તો કેમ કહેવાય? સાઉથ દેલ્હીમાં જે.એન.યુ.ની પડખે મુનિરકાની અગાશીમાં ઘર માંડ્યું, ત્યારે મનમાં વશરામભાઈ સાથેના સહેજે દસ-બાર વર્ષ પૂર્વે કરેલા કુલુમનાલી પ્રવાસના દિવસો રમતા હતા. માત્ર પ્રવાસમાં જ નહીં પણ રોજિંદા જીવનમાં પણ જરૂરિયાતો ઓછી કરવાથી જીવનનો આનંદ-મજા કઇંક નોખો જ અનુભવાય તેવા બીજ તે પ્રવાસે રોપ્યા હતા. 

અમદાવાદની જાણીતી શાળા શારદામંદિરના ગણિત અને વિજ્ઞાનના તે શિક્ષક. વિશાળ વાંચન ધરાવતા સાહેબના મનનો કબજો લીધો હતો.  તે દિવસોમાં લીધો હતો “ઝેર તો પીધા છે જાણી જાણી”ના ગોપાળબાપાએ. તે ભૂગોળ કે ગુજરાતીના શિક્ષક તરીકે પણ ચોક્કસ સફળ થયા હોત તેમ હું ખાતરીપૂર્વક કહી શકું. વિષય તો ગમે તે હોય, સ્થળ પણ ગમે તે હોય, શાળાની  ચાર દીવાલો વચ્ચેનો ઓરડો કે પછી હિમાલયના પહાડો, સારા નાગરિકોનો ફાલ ઉતરે એવી એમની અભિલાષા. તે માટે સતત પ્રયત્નશીલ. ખૂબ ઉત્સાહી શિક્ષક. હિમાલય ટ્રેકિંગ જેટલો જ ઉત્સાહ  વર્ગખંડમાં  પણ છલકાય, ગણિત- વિજ્ઞાનથી ભાગતા વિદ્યાર્થીઓને પણ ઉત્સુક્તાથી વશરામભાઈના તાસની પ્રતિક્ષા કરવી ગમે. એક વખત તેમણે વર્ગમાં ભણાવતી વખતે કહ્યું હતું કે જેને ગણિત આવડે છે તે જીવનમાં ક્યારે ય પાછો પડતો નથી. ગમે તેવી મુશ્કેલીમાથી જીવનમાં રસ્તો કરી લે છે. તે પછી મેં ગણિતમાં વિશેષ રસ લેવાનો શરૂ કરેલો, કોયડા ઉકેલતા આવતા બગાસા ગાયબ થવા લાગેલા અને ગણિતમાં મજા આવવા લાગેલી. આમ  તેમના એ વિધાને તે વર્ષોમાં તો સારી અસર કરેલી, પણ  આજે  જિંદગીના  ચોથા દાયકે  પણ આ  વિધાન સાબિત કરવા અસમર્થ છું. ગણિતના દાખલાથી વિશેષ તો એ ઉગતા વિદ્યાર્થી મનના કોયડા ઉકેલી જાણતા. કિશોર મનની સાયકોલોજી પર જબરી પકડ હતી તેમની. વિદ્યાર્થીઓની નિબંધની નોટો પણ ફ્રી પિરિયડમાં વાંચતાં એવું આછું-આછું યાદ આવે છે.     

1993માં સત્તર-અઢારની ઊગતી ઉમરે, અમે દસ-બાર વિદ્યાર્થીઓએ તેમની અને મંજુબહેન (ગુરુપત્ની) સાથે કુલૂમનાલી ટ્રેકિંગનો આનંદ લીધો હતો. ટ્રેકિંગમાં પણ ટંકે-ટંકે ચટાકેદાર ખાવાની માંગણી કરતાં આગળની બેચના વિદ્યાર્થીઓની વાત કરતા તેમના ચહેરા પર સ્પષ્ટ નારાજગી વંચાતી. ગાડી-બંગલાધારી શેઠિયાઓનાં સંતાનો સાથે તેમની easy going મની મેંટાલિટી અંગે મિત્રવત ચર્ચા કરતાં. દસ-બાર દિવસ તેમની સાથે પહાડોમાં ગાળ્યા પછી ચંડીગઢ-દેલ્હી આવતા અમે મિત્રો એકબીજાને કહેતા થયેલા “પછી અમદાવાદ જઈને છરી-કાંટાથી ખાજે, અત્યારે તો નિરાંતે  હાથથી ઝાપટ”. માત્ર પહાડોમાં જ નહીં પણ રોજિંદા જીવનમાં પણ જરૂરિયાતો ઓછી કરીને કેવું સુંદર જીવન માણી શકાય તેવી તેમની ફિલોસોફીએ મારા  કિશોર મન પર તે દિવસોમાં ઠીક-ઠીક અસર જમાવેલી. અમદાવાદ સ્ટેશન આવતાં જ કુલી કરતાં વિદ્યાર્થીઓને તેમણે ટપારેલા. 

ટાપટીપ માટે અતિ સજાગ છોકરીઓને ગુરુપત્ની કહેતાં “સાહેબ (વશરામભાઇ) હંમેશાં કહે છે જે ઓળખે છે એ આપણને ઓળખે છે અને જે નથી ઓળખાતા તે નથી ઓળખાતા. માટે બાહ્ય દેખાવ અંગે બહુ ચિંતા કરવી નહીં.”

બુદ્ધિવિલાસથી પ્રયત્નપૂર્વક  દૂર રહેતા, સાહેબ અર્થપૂર્ણ જીવન જીવાય તે માટે સજાગ છે. ખૂબ ચીવટથી પુસ્તકોની પસંદગી કરતા. સાહેબ અત્યારે નવરાશની પળોમાં  સૂફી, ઝેન, તિબેટિયન સંસ્કૃતિ વિષે વિશેષ જાણવા ઉત્સુક રહે છે. ગતિશીલ છે. એટલે જ કોઈ ફિલોસોફર કે વિચારધારાથી પ્રભાવિત થયા પછી મુક્ત પણ થઈ શકે છે. 

એક સાધારણ શિક્ષક તરીકે પોતાની ઓળખ આપતા વશરામભાઈએ કાચા કિશોર-કિશરોને ઘડવામાં અસાધારણ ભૂમિકા ભજવી એમ કહું તો અતિશયોકિત નહીં  થાય.

સૌજન્ય : રીતિબહેન શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...102030...101102103104...110120130...

Search by

Opinion

  • વિવેકહીન વ્યક્તિપૂજાનું વહેણ દેશને કઈ દિશામાં લઈ જશે?
  • બચ્ચે મન કે સચ્ચે
  • હગ ડિપ્લોમસી અને આકરી પસંદગી: પુતિનની મુલાકાત અને ભારતની વ્યૂહરચના
  • ભારત નથી અમેરિકાને નારાજ કરી શકતું કે નથી રશિયાને છોડી શકતું
  • ચલ મન મુંબઈ નગરી —318

Diaspora

  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !

Gandhiana

  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા
  • ઋષિપરંપરાના બે આધુનિક ચહેરા 

Poetry

  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 
  • ગઝલ
  • મારી દુનિયાનાં તમામ બાળકો

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved