Opinion Magazine
Number of visits: 9455956
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

શંકા

નરેન્દ્ર ત્રિવેદી|Opinion - Short Stories|12 September 2025

વિભા મંદિરનાં પગથિયાં ઉતરી રહી હતી. ભગવાનના દર્શન કર્યા પછી, લાઈનમાં બેઠેલા ભિક્ષુકોને કંઈને કંઈ આપવાનો તેનો નિયમ હતો. આજે તેણે ભિક્ષુકોને આપવાનું શરૂ કર્યું અને અચાનક તેની નજર દૂર લીમડાને ટેકે બેઠેલી વ્યક્તિ પર પડી. વિભા ચમકી ગઈ અને ઓળખી ગઈ, તે તેનો ભાઈ અભય હતો. આંખોમાં આંસુ આવી ગયાં. ગળે ડૂમો ભરાયો અને દોડીને કારમાં બેસી ગઈ અને ચાલી ગઈ. ભિક્ષુકો વિચારમાં પડી ગયા કે વિભાબહેન ક્યારે ય બધાને આપ્યા વગર જતાં નથી; આજે આવી રીતે કેમ ચાલ્યા ગયાં હશે? જે બાકી રહ્યાં હતાં તેને પોતાને ન મળ્યું તેનો અફસોસ નહોતો પણ વિભાબહેન કેમ આમ ચાલ્યાં ગયાં તેનું દુઃખ અને ચિંતા હતી.

અભય સમજી ગયો કે મેં ગમેતેટલી સાવચેતી રાખી. વિભા મને ઓળખી ગઈ, આખરે બહેન છે ને એટલે ભાઈને ઓળખતા વાર ન લાગે. અભયે નક્કી કર્યું કે હવે સંતાઈને દૂર લીમડાનાં વૃક્ષ નીચે બેસી વિભાને જોઈ લઈશ. પણ વિભા ચાર દિવસ સુધી મંદિરે આવી જ નહીં. અભયને ચિંતા થઈ કે વિભા કેમ આવતી નથી? અને વિભાએ અભયને જોયા પછી અભયની દશા જોઈને દુઃખી, દુઃખી થઈ ગઈ હતી. તેણે વિમલને વાત કરી. વિમલ અને અભય બંને ખાસ મિત્ર હતા અને અભયનાં આગ્રહથી વિભા અને વિમલના લગ્ન થયા હતા.

અભયે જોયું વિભાની કાર આવી, વિભા કારમાંથી ઉતરી સીધી અભય પાસે આવી, અભય તો દૂર લીમડાનાં વૃક્ષ નીચે બેઠો હતો. “અભયભાઈ, હું તમને તે દિવસે જ ઓળખી ગઈ હતી, પણ તમારી આ સ્થિતિ જોઈને દુઃખી થઈ ગઈ હતી એટલે તમને મળ્યા વગર ચાલી ગઈ હતી. ભાઈ, ચાલો ઘરે.” 

“ના બહેન, મારે તારા ગૃહસ્થ જીવનમાં વમળ ઊભા નથી કરવાં.” 

“ભાઈ વિમલને આ વાતની ખબર છે; તે પણ મારી સાથે કારમાં આવ્યો છે, અને તમારી રાહ જોઈને કારમાં બેઠો છે. ચાલો ભાઈ, સંકોચ ન રાખો; તમારી બધી ગેરસમજ અને શંકા દૂર થઈ જશે.” અભય ખંચકાતો, ખંચકાતો વિભા સાથે વિમલ બેઠો હતો એ કાર પાસે ગયો. વિમલે કારમાંથી બહાર આવી અભયને પ્રેમથી આવકાર્યો.

“અભય, મારે તારી સાથે વાત કરવી છે.” 

“તો કરને. વિમલ ઘણાં સમય પછી મને કોઈકે કહ્યું કે મારે તારી સાથે વાત કરવી છે. પણ, રીટા વિશેની વાત હોય તો ન કરતો. મારે રીટા સાથે કોઈ સંબંધ નથી.” 

“તારી ત્યાં જ ભૂલ થાય છે. તું એકવાર રીટાને મળી લે એટલે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે. હું તારો મિત્ર પહેલાંથી છું અને બનેવી તો પછી થયો.” વિમલના ખૂબ આગ્રહ પછી અભય રીટાને મળવા તૈયાર થયો.

“કેમ છે, તમને?”

 “સારું છે, સાથે સાથે રખડતો થઈ ગયો છું. વિભા પરાણે મને અહીયાં લઈ આવી. બે-ત્રણ દિવસ રહીને પછી ક્યાંક ચાલ્યો જઈશ. મારે ક્યાં કોઈ આશરો છે.” 

“એમ કેમ બોલો છો.” 

“તો શું બોલું? માણસનો વિશ્વાસ તૂટી જાય પછી જીવતર ઝેર જેવું બની જાય છે.” 

“મેં તમારો વિશ્વાસ નથી તોડ્યો, ત્યારે મેં તમને સાચી હકીકત જણાવવા માટે ખૂબ પ્રયત્ન કર્યા, પણ તમે મારું કાઈ સાંભળ્યું જ નહીં.” 

“તો, આજે પણ નથી સાંભળવું. આ વિમલે બહુ આગ્રહ કર્યો એટલે તને મળવા તૈયાર થયો છું.” 

“તમારે સાંભળવું હોય કે ન સાંભળવું હોય, આજે તમારે સાચી હકીકત જાણવી જ પડશે.”

“હું જેને મળતી હતી અને મને જે મળવા આવતો હતો એ મારા સગા મામાનો દીકરો, અંશુ હતો. તે હનીટ્રેપમાં ફસાઈ ગયો હતો. સામે વાળા માથાભારે અને ગુંડા તત્ત્વો હતા એટલે છુપી રીતે મારી પાસે સલાહ સૂચન લેવા આવતો હતો. તમને તમારા ઉતાવળિયા સ્વભાવને લીધે વાત કરવાં નહોતો માગતો. બીજું તમારી પાસે તેની ઇમેજ ખરડાય એટલે પણ મને તમને વાત કરવાની ના પાડી હતી. સામેવાળા ગુંડા તત્ત્વો હોવાથી એ મને સીધી રીતે  ક્યાં ય સંડોવવા નહોતો માંગતો, એટલે આ વાત હું તમને કરી શકી નહોતી, છતાં મેં તમને કહ્યું હતું તમે મારા ઉપર વિશ્વાસ રાખો, હું કંઈ ખોટું કામ કરતી નથી.”

અંશુએ કહ્યું, “હા, જીજાજી, રીટાએ કહેલી વાત સો ટકા સાચી છે અને તેના સાક્ષી આ વિમલભાઈ અને વિભાબહેન છે.”

“અભય, મેં તને કહ્યું હતું ને તું રીટાને મળીશ એટલે બધી ચોખવટ થઈ જશે. તારી ખોટી શંકા અને વાત નહીં સાંભળવાની જીદે આ પરિસ્થિતિ ઊભી થઈ છે. પતિ, પત્નીના સંબંધ તો એક બીજાના વિશ્વાસના દોરથી જોડાયેલ હોય છે. બંને વચ્ચેનો વિશ્વાસ જ જીવન જીવવાનું ભાથું હોય છે. હવે તારે શું કરવાનું છે? તું જે ઇચ્છે એ નિર્ણય લેવા માટે તું છૂટો છો. મારી જવાબદારી તારી શંકા હતી એ ખોટી હતી એ તને સમજાવવાની અને રીટાબહેને કાંઈ જ ખોટું નથી કર્યું એ પુરવાર કરવાની હતી. હવે તારી વાત તું જાણે.”

“હું, મારી ભૂલ સ્વીકારું છું. મેં, ત્યારે રીટાને સાંભળી હોત, સમજી હોત, તો આ પરિસ્થિતિ ઊભી ન થાત. તેણે તો પરિસ્થિતિની મર્યાદામાં રહીને મને સમજાવવાના ઘણા પ્રયત્ન કર્યા હતા. હવે જે સમય ચાલ્યો ગયો છે એ તો હું પાછો નહીં લાવી શકું, પણ એ વિતેલા સમયનું અનેક ઘણું મૂલ્ય રીટાને ચુકવીશ. વિશાલ, વિભા, અને અંશુ તમારો ખૂબ ખૂબ આભાર.”

“એમ આભાર માને નહીં ચાલે, અમે બહાર બેઠા છીએ, તમે સુલેહનો ધ્વજ ફરકાવી લ્યો. ચાલ, વિભા, હવે આપણું અહીયાં કંઈ કામ નથી.”

“રીટા,” રીટાએ અભય સામે જોયું, “હવે સુલેહના બંધનમાં મને બાંધીને તું બંધાઈ જા.” ને રીટા દોડીને અભયની બાહોમાં સમાય ગઈ. ઘણા સમય પછી અવાજ આવ્યો “સુલેહ થઈ ગઈ હોય તો અમે અંદર આવીએ?” 

“ના, અમે બહાર આવીએ છીએ.” રીટા અને અભય હાથમાં હાથ પરોવી બહાર આવ્યાં બધાની આંખો હર્ષના આંસુથી છલકાય ગઈ….

(ભાવનગર)
e.mail : Nkt7848@gmail.com

Loading

ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી

નેહા શાહ|Opinion - Opinion|12 September 2025

નેહા શાહ

આશરે બે વર્ષથી ચાલતા સતત હુમલા … આશરે ૬૫,૦૦૦ લોકોનાં મૃત્યુ … લાખો ઈજાગ્રસ્ત લોકો અને લાખો ભૂખમરાની કગાર પર ઉભેલા લોકો … આ છે ૨૧મી સદીના ગાઝાની વાસ્તવિકતા ! ઈઝરાઈલ અને પેલેસ્ટીનની વચ્ચેનો સ્થાનિક વિખવાદ માત્ર નથી. ગાઝામાં જે ચાલી રહ્યું છે તે વૈશ્વિક સ્તરની નૈતિક કટોકટી છે. આ કટોકટી આજની નથી, એની શરૂઆત ઈઝરાઈલ દેશની જન્મ સાથે જ થઇ છે, જે હાલમાં એની ચરમસીમા પર છે. બે વર્ષથી આખી દુનિયા જોઈ રહી છે અને અહીં માનવ સંહાર ચાલી રહ્યો છે. આ યુદ્ધ નથી. બે વર્ષ પહેલા હમાસે કરેલો હુમલો અપ્રસ્તુત બની ગયો છે, એના બહાના પાછળ ગાઝા પટ્ટીમાં આવેલા એકે એક શહેર પર વ્યવસ્થિત હુમલા કરી સંપૂર્ણ વિનાશ કરવાને યુદ્ધ ના કહેવાય. જ્યારે ગુનાના પ્રમાણમાં સજા નક્કી થાય ત્યારે ન્યાય થાય. ગાઝાથી જે થોડા ઘણા વીડિયો આપણા સુધી પહોંચે છે એમાં પાકા ઘરો, બહુમાળી મકાનો મિસાઈલ કે ડ્રોન હુમલા પછી પત્તાના મહેલની માફક તૂટી પડતા દેખાય છે. પાછળ સંપૂર્ણપણે તારાજ થયેલું શહેર! હોસ્પિટલો અને શાળા પણ હુમલાથી બચ્યા નથી. મૃત્યુ પામનારામાં સ્ત્રીઓ અને બાળકોનું પ્રમાણ ઘણું મોટું છે! ૧,૨૦૦થી વધુ ડોકટરો અને આરોગ્ય કર્મીઓ તેમ જ ૨૦૦થી વધારે પત્રકારોનાં મૃત્યુ થયા છે – હિંસાથી સત્તા ટકાવી રાખનારને લોકશાહી મૂલ્યોથી કામ કરનાર પત્રકારો માફક નથી આવતા! લાગે છે જાણે ૧૯૪૮થી યહૂદી રાષ્ટ્રનો વિસ્તાર વધારવાનું જે અભિયાન ઈઝરાઈલે શરૂ કર્યું હતું એના ભાગ રૂપે આખું ગાઝા હવે કબજે કરવા માંગે છે અને તે પણ સ્થાનિક રહેવાસી વગર! 

એક વર્ષથી સંયુક્ત રાષ્ટ્ર ગાઝામાં માનવ સર્જિત દુષ્કાળની શક્યતા અંગે જગતને ચેતવી રહ્યું હતું, અને ૨૦૨૫ની ૨૨મી ઓગસ્ટે ભૂખમરાની સત્તાવાર જાહેર કરાઈ. સપ્ટેમ્બર મહિનામાં દુષ્કાળ અને ભૂખમરો વધુ ભયાનક બની ફેલાશે એવી શંકા વ્યક્ત થઇ છે. આમ છતાં,  ઇઝરાયેલની આર્મી કોઈ પણ પ્રકારની માનવતાવાદી સહાય આ વિસ્તારમાં પહોંચવા નથી દેતી. માર્ચ મહિનાથી કોઈ પણ આવન જાવન બંધ છે! સંયુક્ત રાષ્ટ્ર તરફથી આવતી મદદ પણ નહિ. આ બર્બરતા ૨૧મી સદીમાં પણ થઇ રહી છે – આખી માનવ જાત જોઈ શકે એ રીતે થઇ રહી છે! ઈઝરાઈલ એના શ્રેષ્ઠ હથિયાર અને ગુપ્તચર સેવા સાથે મુશ્તાક છે. ખોબા જેટલું ઈઝરાઈલની આ હિંમત વિશ્વના શક્તિશાળી દેશોની સીધી કે આડકતરી રીતે ભાગીદારી વિના શક્ય નથી ! પાછલા ચાર – પાંચ મહિનાથી યુરોપના દેશો યુદ્ધ અટકવું જોઈએ એવી વાતો કરી રહ્યા છે, પણ એમના પ્રયત્નો ઈઝરાઈલને હુમલાઓ કરતુ બંધ થાય એવું દબાણ ઊભું કરવા માટે પૂરતા નથી. 

જ્યાં રાજ્ય સત્તાઓ ઢીલી પડે છે, ત્યાં નાગરિકોને જવાબદારી ઉપાડી લેવી પડે છે. સિડની, લંડન, હેગ, વોશિંગ્ટન ડી.સી., જીનીવા, મેડ્રીડ, ટોક્યો, મેડ્રીડ, દમાસ્કસ, ઢાકા જેવાં દુનિયાના અલગ અલગ ખૂણામાં આવેલાં શહેરોમાં હજારોની સંખ્યામાં લોકોએ ઈઝરાઈલ સામે વિરોધ પ્રદર્શિત કર્યા છે. ભારતમાં પણ મુંબઈ, દિલ્હી અને કલકત્તા જેવાં શહેરોમાં પ્રદર્શન થયા છે જ્યાં ઈઝરાઈલ વિરુદ્ધ કડક નિવેદન આપવા માટે ભારત સરકાર પર દબાણ લાવવાનો હેતુ પણ હતો. પણ, જ્યારે દુનિયાના દેશો ઈઝરાઈલ પર દબાણ ઊભું કરી રહ્યા છે, ત્યારે તેના નાણા મંત્રી બેઝાલેલ સ્મોટ્રિચ – જે તેમના આક્રમક અંતિમવાદી વિચારો માટે અનેક વાર વખોડાઈ ચુક્યા છે અને તેમની પર ઘણાં દેશોએ પ્રતિબંધ મુક્યો છે – તે ભારતના પ્રવાસે આવ્યા છે. બંને દેશો દ્વિપક્ષીય રોકાણ સમજુતી પર હસ્તાક્ષર કરી આર્થિક સહકાર તરફ આગળ વધી રહ્યા છે! 

અનેક દેશના અનેક નાગરિકો દેખાવ કરવા ઉપરાંત ગાઝામાં સીધી મદદ પહોંચાડવાનું કામ પણ કરી રહ્યા છે. ફ્રીડમ ફ્લોટિલા ગઠબંધન (એફ.એફ.સી.) ધરા તળે આવું જ કામ કરતા સંગઠનોનું ગઠબંધન છે જે ૨૦૧૦થી ગાઝામાં માનવતાવાદી સહાય પહોંચાડવાનાં પ્રયત્નો કરતું રહે છે. હાલમાં ૪૪ દેશોના કર્મશીલો ૨૦થી વધુ બોટમાં ‘ગ્લોબલ સુમુદ ફ્લોટિલા’ ગાઝામાં માનવતાના ધોરણે ખાદ્ય પદાર્થો, દવાઓ, બેબી ફૂડ, જેવી સહાય પહોંચાડવા નીકળ્યા છે.  અરેબીકમાં ‘સુમુદ’નો અર્થ છે ખંત, અને ફ્લોટિલા એટલે નૌકાનો કાફલો. આ કાફલામાં સ્વીડનની યુવા કર્મશીલ ગ્રેટા થન્બર્ગ પણ છે, જેના વહાણ પર ૯મી અને ૧૦મી સપ્ટેમ્બરે, બે વાર તુનીશિયાના દરિયામાં ડ્રોનથી હુમલો થયો. નસીબ જોગે ટીમના દરેક સભ્ય બચી ગયા. સુમુદ ફ્લોટિલાને ઈઝરાઈલે ધમકી આપી છે કે તેનાં સભ્યોની આતંકવાદ વિરોધી કાયદા હેઠળ ધરપકડ કરવામાં આવશે અને તેમને ડિટેન્શન સેન્ટરમાં રાખવામાં આવશે. આ પહેલા પણ જૂનમાં એફ.એફ.સી.નું એક જહાજ મૂળભૂત જરૂરિયાતની વસ્તુઓ પહોંચાડવા નીકળ્યું હતું જેને ઇઝરાયેલી દળોએ તેને ગાઝાપટ્ટી સુધી પહોંચતા અટકાવ્યા હતા. ફ્લોટિલા આંતરરાષ્ટ્રીય સમુદાયની નિષ્ફળતાનું પરિણામ છે, જો જનરલ એસેમ્બલી અથવા સુરક્ષા પરિષદે ગાઝામાં માનવતાવાદી સહાય પહોંચાડવા માટે નિર્ણાયક પગલાં લીધાં હોત, તો નાગરિક સમાજના કાર્યકરોને પોતાનો જીવ જોખમમાં મૂકી દરિયો ખેડવાની ફરજ પડી ન હોત. વિશ્વ યુદ્ધ પછી વિશ્વ શાંતિ માટે સર્વસંમતીથી લીધેલા નિર્ણયોના લગભગ એંશી વર્ષે નૈતિકતાની એ જ કટોકટી આપણને તાકી રહી છે.

સૌજન્ય : ‘કહેવાની વાત’ નામક લેખિકાની સાપ્તાહિક કોલમ; નેહાબહેન શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

 

Loading

સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની

રાજ ગોસ્વામી|Opinion - Opinion|12 September 2025

રાજ ગોસ્વામી

ભારતીય સિનેમા જગત પર કોઈ એક લેખકની સૌથી વધુ અસર પડી હોય, તો તે છે બંગાળી બાબુ શરદચંદ્ર ચટ્ટોપાધ્યાયની. તેમની નવલકથાઓ પરથી વિવિધ ભાષાઓમાં 40થી વધુ ફિલ્મો બની છે. એકલી હિન્દીમાં 10 જેટલી ફિલ્મો બની છે. ઓફકોર્સ, એ બધામાં તેમની વાર્તા ‘દેવદાસ’ સૌથી વધુવાર ફિલ્મોનો વિષય બની છે. તે સિવાય, બિરાજ બહુ, પરિણીતા, મજલી દીદી, છોટી બહુ અને ખુશ્બૂ જાણીતી ફિલ્મો છે.

શરદબાબુની એવી જ એક ઓછી જાણીતી નવલાકથા ‘સ્વામી’ પરથી, 1977માં એ જ નામની એક શાનદાર હિન્દી ફિલ્મ આવી હતી. આ ફિલ્મનું નિર્દેશન ‘છોટી સી બાત’ અને ‘ચિત્તચોર’વાળા બાસુ ચેટરજીએ કર્યું હતું. બાસુ’દા મધ્યમ વર્ગીય પરિવારોને લગતી ફિલ્મો માટે જાણીતા છે. તેઓ લગ્ન અને પ્રેમ સંબંધો પર વધુ ફોકસ રાખતા હતા. એ ઉપરાંત તેમની ફિલ્મો સામાજિક અને નૈતિક મુદ્દાઓની પણ વાતચીત કરતી હતી.

‘સ્વામી’ પણ તેનાથી અછૂતી નથી. માણસોનું જીવન અનેક દ્વંદ્વથી ભરેલું હોય છે. આપણા ઘણા નિર્ણયો અને વ્યવહાર તેવી પરિસ્થિતિઓ આધારિત હોય છે. તે નિર્ણય એક સ્થિતિમાં સાચો હોય છે અને બીજી સ્થિતિમાં ખોટો, કારણ કે માણસો હંમેશાં સાચા અને ખોટા વચ્ચે પસંદગી નથી કરતા, ક્યારેક તેમને બે ‘સાચા’માંથી એકની પસંદગી કરવાની હોય છે.

‘સ્વામી’ આવી જ રીતે દ્વંદ્વની વાર્તા હતી. ફિલ્મના શીર્ષક પરથી જ સ્પષ્ટ છે તેમ, તે એક પરિણીતાની વૈવાહિક નિયતિની વાત માંડે છે. આમ તો આ ફિલ્મનું શીર્ષક તેની મુખ્ય નાયિકા સૌદામિની (શબાના આઝમી) પરથી રાખવામાં આવ્યું હોત તો પણ ઉચિત જ હોત કારણ કે તેમાં એક એવી સ્ત્રીનો પ્રેમ અને લગ્નની તલાશનો દ્વંદ્વ હતો, જે એમ માને છે કે તેના માટે બંને એક જગ્યાએ સંભવ નથી.

સૌદામિનીને નાનપણથી જ એવું શીખવવામાં આવ્યું હતું કે એક સ્ત્રીનો સ્વામી તેનો પતિ હોય છે અને એકવાર તે કોઈને સ્વામી તરીકે માની લે, તે પછી તે બીજા કોઈને પ્રેમ કરવાનો અધિકાર ગુમાવી દે છે. આવી માન્યતામાં બંધાયેલી સૌદામિની, ગામડામાં જન્મી હોવા છતાં, તેના મામા(ઉત્પલ દત્ત)ની છત્રછાયામાં સાહિત્યની પ્રેમી તરીકે મોટી થાય છે અને તેના પુસ્તક પ્રેમને પોષતા જમીનદારના દીકરા નરેન્દ્ર(વિક્રમ મકાનદાર)ને ચાહવા લાગે છે. 

સંજોગો એવા નિર્માણ થાય છે કે તેના મામા અને માતા(સુધા શિવપુરી)ની ઇચ્છાથી દોરાવાયેલી સૌદામિની, બાજુમાં ગામમાં ઘઉંના વેપારી ઘનશ્યામ (ગિરીશ કર્નાડ) સાથે લગ્નની ગાંઠે બંધાઈ જાય છે. પહેલી નજરે એવું લાગે કે આ નિર્ણય તેનો જ છે, પણ વાસ્તવમાં તે પિતૃસત્તાક સમાજની ઉછીની માન્યતાઓમાં બંધાયેલી છે. બીજી રીતે કહેવું હોય તો, તેનું દિલ નરેન્દ્ર પાસે છે પણ તેનું દિમાગ ઘનશ્યામને સ્વામી માને છે. સૌદામિનીનું દિમાગ તેના દિલને કહે છે કે તને હવે બીજા પાસે રહેવાનો અધિકાર નથી!

પરંતુ દિલનો પોતાનો આગવો અખત્યાર હોય છે. એ થોડું દિમાગની વાતો માને! સૌદામિની ઘનશ્યામ પાસે રહીને પણ ખુશ નથી. તે તેને મનથી સ્વામી તરીકે સ્વીકારે છે, પણ એક શારીરિક અંતર રાખીને. ઘનશ્યામ એટલો ઉદાર છે કે તેની પત્નીની ભાવનાઓનું પૂરતું સન્માન રાખે છે. ઘનશ્યામ નામ પ્રમાણે જ ભગવાનનો માણસ છે. તેનો ખુદનો પરિવાર તેની ઉપેક્ષા કરે છે અને તે ફરિયાદ સુદ્ધાં નથી કરતો. ઘરનો નોકર પણ તેને ગણતો નથી. તે પૂરી નિષ્ઠાથી તેનું કામ કરે રાખે છે અને બદલામાં કોઈ ઇચ્છા રાખતો નથી. તે નિષ્કપટ છે અને સાદગીથી જીવન જીવે છે.

એક બાજુ પ્રેમીથી છુટા પડ્યાનો વિયોગ અને બીજી બાજુ સૌના હાથે હડધૂત થતા પતિ માટેની દયા, સૌદામિની અંદરોઅંદર પોતાની આ જિંદગીને કોસ્યા કરે છે અને એક દિવસ તેની સાસુ (શશીકલા) સાથે બોલાચાલી થઇ જાય છે. ઘનશ્યામ તેને માતાની માફી માંગવા કહે છે, સૌદામિની ઇનકાર કરે છે. એવામાં નરેન્દ્રની આકસ્મિક મુલાકાતના પગલે મામલો જટિલ બની જાય છે. ઘણા દિવસોથી ધૂંધવાયેલી સૌદામિની, ઘનશ્યામની ગેરહાજરીમાં અને નરેન્દ્રની હાજરીમાં, ઘર છોડી દે છે અને રેલવે સ્ટેશન જતી રહે છે.

ફિલ્મનો આ નાટ્યાત્મક હિસ્સો છે. જેમ જેમ ટ્રેન આવવાનો સમય થાય છે તેમ તેમ સૌદામિનીનો દ્વંદ્વ વધતો જાય છે. તેને લાગે છે કે તે કંઇક ખોટું કરી રહી છે. ઘનશ્યામનો માસૂમ ચહેરો તેની આંખો સામે તરવા લાગે છે. પતિનું નિસ્વાર્થ સમર્પણ તેના જીવને કચવે છે. ટ્રેન આવે છે અને નરેન્દ્ર તેને ઊભી થવા કહે છે. 

સૌદામિની પોતાની દ્વિધા જાહેર કરે છે, પરંતુ નરેન્દ્ર કહે છે કે ઘનશ્યામ હવે તેને સ્વીકારશે નહીં. જ્યારે નરેન્દ્ર ટ્રેનમાં સામાન રાખવા જાય છે, જ્યારે સૌદામણી દ્વિધાથી ભરેલી આંખો ખોલે છે, ત્યારે સામે ઘનશ્યામ ઊભો હોય છે. તે તેની રિસાયેલી પત્નીને ઘરે લઈ જવા આવ્યો છે. સૌદામિની ભાવુક થઈ જાય છે અને તેના પગમાં ઝુકી જાય છે. તેને ભાન થાય છે કે તે જ તેનો સ્વામી છે. ઘનશ્યામ ફરી એકવાર તેની ઉદારતાનો પરિચય આપે છે : તે કહે છે કે તેને લગ્ન પહેલાંથી જ સૌદામિનીના પ્રેમ વિશે ખબર હતી. ઘનશ્યામ તેના ખભે હાથ મૂકીને કહે છે. “ઘર ચલો, મિની.”

સૌદામિની તરીકે શબાના આઝમીનો આ એક સુંદર કિરદાર છે. તે વર્ષે તે આ ફિલ્મ માટે શ્રેષ્ઠ અભિનેત્રીનો ફિલ્મફેર એવોર્ડ લઇ ગઈ હતી (બાસુ ચેટરજીને શ્રેષ્ઠ નિર્દેશકનો અને શરદચંદ્ર ચટ્ટોપાધ્યાયને શ્રેષ્ઠ વાર્તાનો ફિલ્મફેર પણ મળ્યો હતો).

આ ફિલ્મની નિર્માતા હેમા માલિનીની માતા જયા ચક્રવર્તી હતી. ફિલ્મમાં એક ગીત ‘ભાગ જાઉંગી, અપને રાજા કે સાથ ભાગ જાઉંગી’ વખતે હેમા અને ધર્મેન્દ્ર દેખા પણ દે છે. ઇન ફેક્ટ, આ ફિલ્મનું યેસુદાસના અવાજમાં એક ગીત બેહદ મશહૂર થયું હતું : કા કરું સજની, આયે ના બાલમ. જયા ચક્રવર્તીની બહુ ઇચ્છા હતી કે હેમા ગિરીશ કર્નાડ સાથે લગ્ન કરે, પરંતુ હેમા ધર્મેદ્રના પ્રેમમાં ગળાડૂબ હતી.

હેમા સાથે લગ્ન કરવા માટે સંજીવ કુમાર પણ ઉત્સુક હતા (પણ લગ્ન પછી હેમાએ કામ નહીં કરવાનું એવી શરત મૂકી એટલે જયા ચક્રવર્તીએ એ માગું ઠુકરાવી દીધું હતું). ઘણા લોકોએ બાસુ ચેટરજીને ‘સ્વામી’ ફિલ્મમાં હીરો તરીકે કર્નાડની જગ્યાએ હરિભાઈને લેવાની સલાહ આપી હતી. બસુ’દાનો તર્ક બહુ સરસ હતો : સંજીવ જો હીરો હોય તો દર્શકો પહેલા જ સીનથી એવું ધારી લે કે ફિલ્મના અંતે સૌદામિની ઘનશ્યામ પાસે જ જશે. કર્નાડ ત્યારે એટલા જાણીતા નહોતા અને લોકોને ગમતા પણ નહોતા. એ જો હીરો હોય તો લોકોમાં એ સંદેહ બરકરાર રહે કે સૌદામિની અંતે તેને સ્વીકારશે કે નહીં.

એક ઇન્ટરવ્યુમાં શબાના આઝમી કહે છે, “મિનીનો કિરદાર સરસ રીતે લખાયો હતો. તે સ્વતંત્ર દિમાગવાળી છે, પુસ્તકો વાંચે છે, તેની માતાની અકળામણ વચ્ચે પણ મામા સાથે બૌદ્ધિક ચર્ચાઓ કરે છે. તે પરણીને સાસરે જાય છે ત્યારે, તે વખતની બાકી ફિલ્મોમાં બનતું હતું તેમ, ગાય જેવી નથી બની જતી. એક દૃશ્યમાં ઘનશ્યામ કહે છે – હમ વૈશ્નવ હૈ, હમારે યહાં સ્વામી કે સામને કભી જૂઠ નહીં બોલતે.’ તે વખતે મિની કહે છે – હમારે યહાં તો કિસી કે ભી સામને જૂઠ નહીં બોલતે.”

(પ્રગટ : ‘સુપરહિટ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, “સંદેશ”; 03 ઑગસ્ટ 2025)
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...9101112...203040...

Search by

Opinion

  • સાઇમન ગો બૅકથી ઇન્ડિયન્સ ગો બૅક : પશ્ચિમનું નવું વલણ અને ભારતીય ડાયસ્પોરા
  • ગુજરાતી ભાષાની સર્જકતા (૫)
  • બર્નઆઉટ : ભરેલાઓની ખાલી થઇ જવાની બીમારી
  • ચલ મન મુંબઈ નગરી—307
  • દાદાનો ડંગોરો

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved