તાતા ખાનદાનના વડલાના બીજરૂપ જમશેદજી નસરવાનજી તાતા
તાતા–કથા ૧ :
તાતા ખાનદાનના રતન જેવા નબીરા ૮૬ વરસની માતબર જિંદગી ભોગવી નવમી ઓક્ટોબરે આય ફાની દુનિયા છોડી ગયા. એવનની યાદમાં સુરુ કરીએ છીએ તાતા ખાનદાનની આય તાતા-કથા.
જમશેદજી નસરવાનજી તાતાના પૂતળા પાસે રતન તાતા
એક તેર વરસની ઉંમરનો પોરિયો, નામ જમશેદ. ગાયકવાડી નવસારીમાં ૧૮૩૯ના માર્ચની તીજી તારીખે દસ્તૂર વાડના મોટા ફળિયાના ઘેરમાં જન્મેલો. તવંગર નહિ, પણ ખાનદાન હુતું બે પાનરે સુખી. મુંબઈ રહેતા બાવા નસરવાનજીએ જમશેદને નવસારીની પન્તોજીની નિશાળમાં ભણવા મૂક્યો. થોરા વખત પછી માલમ થિયું કે અહીં ભણીને કાંઈ દીકરાનું ભાયેગ ખુલશે નહિ. એટલે ૧૩ વરસનો થિયો તેવારે ૧૮૫૨માં પોતાની પાસે મુંબઈ બોલાવી એલ્ફિન્સ્ટન સ્કૂલમાં ભરતી કીધો. ભલે આજના જેવું નહિ, પન એ વખતે બી મુંબઈ એટલે એક મોત્તું શેર. નવસારી જેવા ગામમાંથી – અરે, એ વેલાંએ તો એ ગામરું જ હુતું – આવેલો આ પોરિયો શુરૂમાં તો બાઘોચકવો થઈ ગિયો. પન ધીમે ધીમે ગોઠતું ગિયું આય શેરમાં. ૧૮૫૭માં યુનિવર્સિટી ઓફ બોમ્બેની શુરૂઆત થઈ તારે જમશેદજીને તો કોડ હુતા આગળ ભણવાના. પણ બાવાજીએ કીધું કે હવે ઘણું ભણીયા. આપરી ઓફીસમાં કામે લાગી જાવ.
જ્યાં જમશેદજીનો જન્મ થયો તે નવસારીનું ઘર
બીજા ઘન્ના પારસીઓની જેમ, નસરવાનજી સેઠનો વેપાર બી ચીન સાથે હૂતો, અફીનનો. વહાણમાં અહીંથી અફીણ જાય, અને કોટન ભરીને પાછું આવે. એવામાં અમેરિકામાં સિવિલ વોર ફાટી નીકલી એટલે કોટનના ધંધામાં તાતાની કંપનીને સોનાનાં નલિયાં થઇ ગિયાં. એ વખતે જમશેદજી વેપારના કામના સબબે હોંગકોન્ગમાં હુતા. તાબડતોબ મુંબઈ આયા. કોટનના વેપારને મદદ થાય એટલા સારુ લંડનમાં બેંક સુરુ કરવાનું ઠરાવિયું. એટલે લંડન ગિયા. પણ પછી બેંક તો સુરુ થઈ નહિ, એટલે જમશેદજીએ બધો વખત કોટનના વેપારને આપ્યો. તાતાની કંપનીમાં પૈસાની રેલમછેલ. પણ પછી સિવિલ વોર એકાએક પૂરી થઈ તે બધ્ધું કરરભૂસ! પણ એક લડાઈએ પાયમાલ કીધા તો બીજી લડાઈએ પાછા માલામાલ કીધા.
ગ્રેટ બ્રિટનના બે એલચી કંઈ વાટાઘાટ કરવા એબિસીનિયા ગયા હુતા. પન તાંના રાજાએ તો બંનેને હેડમાં પૂર્યા! ગ્રેટ બ્રિટને તરત હુમલો કીધો અને તે માટેની ફોજ સર રોબર્ટ નેપિયરની સરદારી નીચે મુંબઈથી એબિસીનિયા મોકલી. કેહે છે ને એકુ તાવરી તેર વાનાં માગે! પન લશ્કરની તાવરી તો સેંકડો વાનાં માગે. એ બધી જણસો પૂરી પાડવાનો કન્ત્રાક તાતા કંપનીને મલિયો. સર નેપિયરે કીધું કે આય લડાઈ તો એક વરસ વેર ચાલસે. એટલે એક વરસ ચાલે એટલો માલસામાન મોકલો. એટલે તાતા કંપનીને તો ઘી-કેલાં થઈ ગિયાં. પન નેપિયર લશ્કર લઈને પૂગો તેની આગમચ રાજા થિયોડોરે પોતાનો જાન લીધો. વરસનાં સીધું-સામાન ભરેલાં તે બધાં ગિયાં પાનીમાં. પન તાતાની કંપની થઈ ગઈ માલામાલ. ગ્રેટ બ્રિટનની પાર્લામેન્ટમાં ચર્ચા બી થઈ કે સરકારે નક્કામા આટલા બધા પૈસા પાનીમાં નાખિયા. એક મિલિયન પાઉન્ડની જગાએ અગિયાર મિલિયન પાઉન્ડનો ખરચ કીધો હૂતો સરકારે. બનાવો કમિટી. તેના રિપોર્ટમાં બતાવ્યું કે આમાં ભૂલ ગ્રેટ બ્રિટનની સરકારની લંડનની વોર ઓફિસની અને બોમ્બે ગવર્નમેન્ટની હુતી. તાતા કંપનીની નિ.
અમેરિકાની સિવિલ વોર ચાલુ હુતી તે વારનો જમશેદજીને વિચાર આવતો હુતો કે આપના દેશથી કોટન ઇન્ગ્લંડ જાય, ત્યાં માન્ચેસ્ટરની મિલોમાં તેમાંથી કાપડ તૈયાર થાય, એ કાપડ પાછું આપના દેશમાં આવે અને મોંઘે ભાવે વેચાય. એને બદલે આપને જ અહીં મિલો ઊભી કરીને કપડું કેમ નહિ બનાવીએ? એટલે એવન ગિયા માન્ચેસ્ટર. તાંની મિલો કઈ પેરે કામ કરે છ તે જોયું. તે વારે એક વાત સમજમાં આવી. કે જ્યાં કોટન ઊગતું હોય તે જગાથી આવી મિલ બને તેટલી નજદીક હોવી જોઈએ. એટલે પાછા આવીને નાગપુર પાસેની એકુ જાગો સસ્તા ભાવે ખરીદી. અને રાણી વિક્ટોરિયા જે દિવસે ‘એમ્પ્રેસ ઓફ ઇન્ડિયા’ બનિયાં તે જ દહારે — ૧૮૭૭ના જાનેવારીની પેલ્લી તારીખે — નાગપુરમાં ‘ધ એમ્પ્રેસ મિલ’ શુરુ કીધી.
સ્વદેશી મિલ, મુંબઈ
અને પછી જમશેદજીએ કીધી એક મોટ્ટી ભૂલ. મુંબઈમાં બંધ પડેલી ધરમસી મિલ ફક્ત સાડા બાર લાખ રૂપિયામાં ખરીદી. એ બાંધવા પાછલ પચાસ લાખ રૂપિયા ખર્ચાયેલા. એટલે એવનને હુતું હે થોરા પૈસા નાખીને મિલ ચાલુ કરી ડેવસ. પન પછી સમજિયું કે આય મિલને ચાલતી કરવા તો લાખ્ખો રૂપિયા નાખવા પરસે. દસ વરસ સુધી પૈસા નાખિયા, નાગપુરની મિલના સોનાની લગડી જેવા પોતાના શેર વેચીને પૈસા ઊભા કીધા. દિવસ-રાત કામ કીધું અને પછી પેલા ફિનિક્સ બર્ડની જેમ એ મિલને ઊભી કીધી, નવું નામ આપિયું ‘સ્વદેશી મિલ.’
આપરા દેશમાં મહાત્મા ગાંધીજીએ સ્વદેશીની ચલવલ ૧૯૦૫માં સુરુ કિધેલી. પણ જમશેદજી શેઠે ‘સ્વદેશી મિલ્સ કંપની લિમિટેડ’ નામ રજિસ્ટર કરાવ્યું હુતું ૧૮૮૬ના સપ્ટેમ્બરની ૧૩ તારીખે. અને આજે આપરે ‘મેઈડ ઇન ઇન્ડિયા, મેઈડ ફોર ઇન્ડિયા’ના નારા સાંભળિયે છ. પન જમશેદજી સેઠે એ જમાનામાં આય ‘સ્વદેશી’ નામ અને કામ સુરુ કીધેલું! જમશેદજીએ રાત દહારો મહેનત કીધી. ગાંઠનાં ગોપીચંદન કીધાં, જાણકારોની મદદ લઈ નવી મશીનરી લાવિયા અને સેવટે સ્વદેશી મિલ બી ધમધમટી થઈ. આજે બી આપરા મુંબઈમાં સ્વદેશી મિલ રોડ અને કમ્પાઉન્ડ બી છે. પણ અફસોસ! ત્યાં મિલ નથી. પણ જમશેદજી શેઠનાં બે સૌથી મોટ્ટાં કામ તો હવે થવાનાં હુતાં. આ બે મોટ્ટાં કામની વાત કરીશું હવે પછી.
e.mail : deepakbmehta@gmail.com
xxx xxx xxx
પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”; 19 ઓક્ટોબર 2024