લોકમાતાનું કોર્પોરેટકરણ : રિવર ફ્રન્ટ એટલે માત્ર કોર્પોરેટનો વિકાસ. નદીને જીવંત કરાય તો આખા વિસ્તારનો વિકાસ થાય
14ની ચૂંટણી અને વચનોની વણઝારને એક વરસ પૂરું થઈ ગયું છે. ભા.જ.પે. મેળવેલી એકલે હાથે બહુમતીનું અભિમાન રાજ્યસભાની વાસ્તવિકતા સામે મિથ્થાભિમાન સાબિત થઈ રહ્યું છે. બીજી તરફ કોંગ્રેસ અને એના સાથીદારોને ‘ભાંગ્યુ તો ય ભરૂચ’ જેવા પરિણામમાં પણ નિષ્ફળતા મળી છે. ચૂંટણીમાં નરેન્દ્ર મોદીએ જે મનોરાજ્ય ઊભું કર્યું હતું – ‘બુલેટ ટ્રેન’ અને ‘એરપોર્ટ’ જેવી સગવડવાળા રેલવે સ્ટેશનોવાળી રેલવે; સો જેટલા ‘સ્માર્ટ નગરો’ જે જોઈને ગામડાંના યુવકો સ્માર્ટ નગરો તરફ ધસી જશે; પરિણામે ચીનની જેમ સસ્તા મજૂરો ઉદ્યોગોને મળી જશે; જમીન સરકાર આપી શકે. એવો જમીન સંપાદન કાયદો; વિદેશમાં પડેલા ‘કાળા નાણાં’ પરત લાવી દરેક સ્વચ્છ ગંગાને કાંઠે અયોધ્યામાં ‘ગંગા રિવર ફ્રન્ટ’ વગેરે … વગેરે – હવે બધું ‘વર્લ્ડ કલાસ’ – કશું ભારતીય નહીં. કેવું છે એ મનોરાજ્ય! પરિણામ એ આવ્યું કે, ગુજરાતમાં જ્યાં નદી ત્યાં ‘રિવર ફ્રન્ટ’ બનાવવાની હોડ શરૂ થઈ છે. વડોદરામાં રૂ. 1,400 કરોડના ખર્ચે ‘વિશ્વામિત્રી રિવર ફ્રન્ટ’ બનાવવા કોર્પોરેશન સપના બતાવી રહ્યું છે.
પણ, આવા જન્મેલા આવેશ અને હવામાં પગલાં ભરાઈ રહ્યાં છે ત્યારે ગયા અઠવાડિયે ‘મેગ્સેસે એવોર્ડ’ વિજેતા અને ‘વોટરમેન’ તરીકે દેશભરમાં જાણીતા બનેલા રાજેન્દ્રસિંહ ગુજરાતની મુલાકાતે આવ્યા અને ‘સાબરમતી રિવર ફ્રન્ટ’ જોઈને અને ‘વિશ્વમિત્રી રિવર ફ્રન્ટ’ની યોજનાની જાણ થયા પછી કહી નાંખ્યું – ‘રિવર ફ્રન્ટ પ્રોજેક્ટથી નદીઓનું નહીં પણ કોર્પોરેટસનું ડેવલપમેન્ટ થશે’. વધુમાં કહ્યું કે, સરકારે કામ કરવું જ હોય તો વિશ્વામિત્રી જેવી રાજ્યની મૃત:પ્રાય નદીઓને પુન:જીવિત કરવાની કામગીરી કરવી જોઈએ. તેને માટે કરોડોના ખર્ચની નહીં પણ, રાજકીય ઈચ્છાશક્તિ અને સામાજિક જાગૃતિની જરૂર છે.
રાજેન્દ્રસિંહ કંઈ રાતોરાત ભારતના ‘વોટરમેન’ બની ગયા નથી. મૂળે, આયુર્વેદિક ડોક્ટર, એવા રાજેન્દ્રસિંહ પ્રેક્ટિસ છોડી, 30 વરસની મહેનત અને લાખો લોકોના શ્રમદાનના પરિણામે અલ્વર વિસ્તારની અરવરી અને સાવી જેવી સાત નદીઓ જીવિત કરી અને વિશ્વમાં ધ્યાન ખેંચાયું. આ સાત નદીઓને જીવિત કરવા રાજેન્દ્રસિંહે 11 હજાર ચેકડેમ બનાવ્યા. કમાલ એ છે કે, રાજેન્દ્રસિંહે આ કામ માત્ર રૂ. 27 કરોડમાં કર્યું. ભારતમાં જ્યારે ચૂંટણીઓ આવે છે ત્યારે ‘રાજનેતાઓ મતદારોને વિશાળ આધુનિક ટેકનોલોજી આધારિત મનોરાજ્યમાં લઈ જાય છે.’ રાજેન્દ્રસિંહ પહેલા 2014ના પ્રારંભમાં, વિનિત દિવાડકર નામના, લેન્ડસ્કેપ, આર્કિટેકચર અને અરબન ડેવલપમેન્ટના હાર્વર્ડ યુનિવર્સિટીના માસ્ટર ડિગ્રીના અભ્યાસીએ પણ સાબરમતી રિવર ફ્રન્ટનો અભ્યાસ કરી એને આવું જ નામ આપ્યું હતું.
દિવાડકરે અને ‘નર્મદા સ્વિમિંગ પુલ અને અમદાવાદ રિયલ એસ્ટેટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ’ કહ્યો હતો. કેવો અકસ્માત? હાર્વર્ડ યુનિવર્સિટીના સંશોધક અને સામાજિક કર્મશીલ જેણે સાત સૂકી નદીઓને જીવિત કરી છે. એવા જમીની કાર્ય કાર્યકરનું સાબરમતી રિવર ફ્રન્ટ માટે સરખું જ તારણ ! પણ આપણી કમનસીબી એ છે કે, હવે શાસકોને સત્ય વાત કહેવાની આપણી શક્તિ ક્ષીણ થઈ રહી છે. દિવાડકરને અભ્યાસ પછી સૌથી વધુ દુ:ખ એ વાતનું છે કે, સાબરમતી નદીમાં નદીનું પોતાનું પાણી વહેતું નથી. પણ 200 કિલોમીટર દૂર આવેલા બંધનું નર્મદા નદીનું પાણી વહે છે. દિવાડકર મૂળ તો, 1986-88 વચ્ચે પ્રસિદ્ધ સ્થપિત રિચાર્ડ કોહનના સાબરમતી ઈકોવેલીના અભ્યાસ પર સંશોધન કરી રહ્યા હતા. રિચાર્ડ કોહને આ પ્રોજેક્ટ તત્કાલિન વિત્તમંત્રી મોરારજીભાઈને સુપ્રત કર્યો હતો. પણ રિયલ એસ્ટેટના હિતના કારણે એ આકાર પામ્યો નહીં. કોહનના મૂળ પ્રોજેક્ટમાં તો બધા જ સંબંધિત ભાગીદારો જેવા કે, નદીના કાંઠે વસતા લોકો, ફેરિયાઓ અને નદીપાર ભરાતી ગુજરી પર નભતા હજારો કુટુંબોને એના વિકાસના સમાન ભાગીદાર બનાવવાની વાત હતી.
‘આજના રિવર ફ્રન્ટની યોજના એનાથી સાવ ઊલટી છે. આમાં તો રિવર ફ્રન્ટના કારણે વિસ્થાપિત બનેલા કુટુંબોને સુધ્ધાં પીવાના પાણીની તકલીફ વેઠવી પડે છે.’ એમ અભ્યાસના અંતે નોંધાયું છે. સાબરમતી નદી ધરોઈથી ખંભાતના અખાત સુધી 371 કિલોમીટરમાં વહે છે. આમાંથી માત્ર 10.4 કિલોમીટરના આર.સી.સી. દીવાલવાળા ભાગમાં નર્મદાના પાણીથી જીવતો રહે છે. એનો વિસ્તાર પણ એના ખર્ચનું વળતર મેળવવા કેટલી જમીન વિકસાવાશે એના પર આધારિત છે. કદાચ એનો દેખાવ, પેરિસ, લંડન કે સિંગાપોરના દેખાવ પરથી લેવાયો હશે. જેમ ચીનના પ્રમુખ જીપિંગ એમની પત્ની સાથે અહીં આવ્યા ત્યારે ઝૂલે ઝૂલ્યા હતા. એના છેડે આવેલા નદી પરના વાસણા બંધ પછી તો સૂકી, ગંદા પાણીવાળી સાબરમતી જ વહે છે.
વિનિત દિવાડકર કે ભારતના વોટરમેન નદીને જીવિત કરવા જે કરી રહ્યા છે એને રિવર ફ્રન્ટને નાવા નીચવોનો ય સંબંધ નથી ન એને કાકા કાલેલકરે નદીને ‘લોકમાતા’ કહીએ ભાવના સાથે સંબંધ છે.
http://www.divyabhaskar.co.in/news/ABH-difference-between-the-riverfront-and-the-river-is-to-be-alive-by-sanat-mehta-4992427-NOR.html
સૌજન્ય : “દિવ્ય ભાસ્કર”, 14 મે 2015
![]()


ગુજરાતના છપ્પનમા વરસમાં પ્રવેશ સાથે ‘નિરીક્ષક’ સ્વાયત્ત અકાદમીના મુદ્દાને સાંકળીને કેમ અગ્રલેખરૂપે મૂકે છે એવો સવાલ કોઈ ચાહે તો પૂછી તો શકે જ. વાચકનો એ અધિકાર પણ છે, અને અધિકારાયત્ત તંત્રી જ્યારે લખે છે ત્યારે એનું ય આ સંદર્ભમાં દાયિત્વ એટલે કે ઉત્તરદાયિત્વ બને છે. અને એ ધોરણે કહેવું જોઈએ કે ગુજરાત દિવસ અને સ્વાયત્તિ સહીઝુંબેશ બેઉની સહોપસ્થિતિ સાભિપ્રાય અધોરેખિત કરી છે.
ગુજરાત સરકાર માને છે કે અમેરિકાનું ફોર્ડ ફાઉન્ડેશન કોમી એકતા, લોકતાંત્રિક મૂલ્યો અને સામાજિક સમાનતાની વિરુદ્ધ છૂપી પ્રવૃત્તિ કરે છે અને એટલે એના પર પ્રતિબંધ મૂકવો જોઈએ. ભારત સરકારે જે કેટલાંક વિદેશી NGO(નૉન-ગવર્નમેન્ટલ ઑર્ગેનાઇઝેશન)ની પ્રવૃત્તિ પર નજર રાખવામાં આવી રહી છે એમાં હવે ફોર્ડ ફાઉન્ડેશનનો ઉમેરો કર્યો છે. હવે પછી ફોર્ડ ફાઉન્ડેશનના અધિકારીઓએ ભારતમાં કોઈ સ્થળની મુલાકાત લેવી હશે તો સરકારને પહેલાં જાણ કરવી પડશે અને મંજૂરી મેળવવી પડશે. કોઈ ભારતીય વ્યક્તિ કે સંસ્થા સરકારી મંજૂરી વિના હવે પછી ફોર્ડ ફાઉન્ડેશન પાસેથી નાણાકીય સહાય નહીં લઈ શકે અને જો લેશે તો એ ગુનો બનશે. સરકાર કહે છે કે આ અંકુશ રાષ્ટ્રીય હિત અને દેશની સુરક્ષાને ધ્યાનમાં રાખીને મૂકવામાં આવ્યા છે.