વિકાસના વંચિતો અને સમૃદ્ધિના સીમાન્તોને પ્રતીક્ષા પ્રજાસૂય પડકારની
આમ પણ મને તો કૈં અડવાણીની પેઠે વાંકું પાડવા જેવું લાગતું નથી કે પંદરમી ઓગસ્ટે લાલ કિલ્લેથી રાષ્ટ્રજોગ સંબોધન કરતાં વડાપ્રધાન મનમોહનસિંહે પાકિસ્તાન બાબત કશું બોલવું પસંદ કેમ ન કીધું. એમાં રવિવારે વહેલી સવારના હેવાલોમાં હું જોઉ છું કે પાક અખબાર ‘ડોન’ સાથેની વાતચીતમાં અમેરિકી વિદેશ ખાતાના દક્ષિણ એશિયાઈ બાબતોના નવનિયુકત સહાયક મંત્રીએ સાફ કહ્યું છે કે મુંબઈના શંકાસ્પદો સામે પ્રતીતિકર પાક કારવાઈ વગર તેમજ પાકિસ્તાનની ધરતી પરથી આતંકવાદ નથી પ્રયોજાતો એવી પાકી ખાતરી વગર ભારત-પાક મંત્રણા કેવી રીતે પાટે ચડી શકે. મતલબ, બીજા શબ્દોમાં ભારત-પાક શાંતિ વાટાઘાટ વિષયક મનમોહનસિંહના વિવાદાસ્પદ લેખાયેલા નિવેદન છતાં પાકિસ્તાન પર વિશ્વમતનું ચોક્કસ દબાણ જારી છે. મનમોહનસિંહે, એક મત પ્રમાણે વાટાઘાટનાં દ્વાર ખુલ્લાં રાખતે છતે ભારતના સાફ વલણ વિશે પાકિસ્તાનને પૂરતું સતર્ક કરેલ છે.
પણ આ ક્ષણે મારો મુદ્દો રાજનયિક આટાપાટાનો નથી. વડાપ્રધાને લાલ કિલ્લાના કંઈક રસમી ભાષણમાં પાકિસ્તાનની ટીકાનો રાબેતો ન પાળ્યો એમાં એક આશાકિરણ હું એ જોઉ છું કે આપણી વિદેશનીતિ અને એકંદર રાષ્ટ્રચિંતન એક હદથી વધુ પાકિસ્તાનકેન્દ્રી ન રહે તે ઇષ્ટ છે. કોઈ પણ રાષ્ટ્ર-રાજય પોતાની સીમાસુરક્ષા વિશે સાવધ અને સુસજજ રહે જ. ભારતે પણ એમાં અપવાદ હોવાનું કારણ નથી. પાકિસ્તાનમાં આપણી ગુપ્તચર સેવાના સંપર્કો નહીં હોય એમ માનવું નર્યું ભોળપણ અથવા ‘શત્રુ’ને મુકાબલે આપણી પોતાની પોતે કલ્પેલી અરછી છબિનું તત્ત્વ જ લેખાશે.
મુદ્દે વિવાદાસ્પદ લેખાયેલા અને ભાજપ જ નહીં પણ કોંગ્રેસના કેમ્પમાં સુઘ્ધાં મિશ્ર પ્રત્યાઘાતો જગવતા નિવેદન પરની ચર્ચા દરમિયાન ગહમાં મનમોહનસિંહે પાકિસ્તાન સાથે કારગિલ ઘટના છતાં વાજપેયીએ લંબાવેલ મૈત્રી-હાથનો સાદર ઉલ્લેખ કરીને જે વ્યાપક વલણનો અહેસાસ આપ્યો હતો એના વિના ભારત-પાક ઉપખંડ સમેત દક્ષિણ એશિયા સમસ્તનું ઠેકાણું પડવાનું નથી.
હકીકતે, વ્યાપક પરિપ્રેક્ષ્ય અને શુચિર્દક્ષ શાસકીય ભૂમિકા, બેઉના સમન્વયપૂર્વક આપણા વિશ્વદર્શને કેવળ અને કેવળ પાકિસ્તાનમૂલકતાથી હટવાપણું છે, કેમ કે ઘરઆંગણે પાયાના પ્રશ્નો પરત્વે અગ્રતાવિવેક ચૂકવાનું પરવડે તેમ નથી. વસ્તુત: કાચોપાકો પણ જે જનાદેશ મે-૨૦૦૯માં લોકસભાની ચૂંટણી વાટે વ્યકત થયો છે તેમાં આતંકવાદ અને આંતરિક સલામતીને મુખ્ય મુદ્દો બનાવીને ખેલાતી વિભાજક-વિઘાતક રાજનીતિને સ્થાને રાષ્ટ્રનિર્માણની રાજનીતિના એકંદર સંદર્ભમાં આખી વાતને જોવામૂકવાનું વલણ રહેલું છે. ચાલુ અઠવાડિયે ભાજપની ચિંતનબેઠકમાં આ ધોરણે પોતાના વિશ્વદર્શનને સમુંનમું કરવાની જરૂરત પડઘાશે કે કેમ તે આપણે અલબત્ત જાણતા નથી. બને કે એ માટે હજુ એને ઘટતી કળ નયે વળી હોય.
દરમિયાન જયાં સુધી લાલ કિલ્લા સંબોધનનો સવાલ છે, જોવાનું એ રહે છે કે એમાં પાકિસ્તાનનો ઉલ્લેખ નહીં કરતાં મુખ્ય મુદ્દો શો ઉપસાવાયો છે. કદાચ વૈશ્વિક મંદી વચ્ચે ટકી જવાના આશાવાદ અને પગલાં ઉપરાંત કોઈ એક કેન્દ્રસ્થ વાત હોય તો તે સહભાગી અગર સર્વસમાવેશી વિકાસ (ઇન્કલુઝિવ ગ્રોથ)ની છે. હકીકતમાં સંયુકત પ્રગતિશીલ ગઠબંધનની પહેલી મુદતની જે બે મહદ્ ઉપલબ્ધિઓ રહી છે, રોજગાર ગેરન્ટી અને માહિતી અધિકાર, એમાં અભિપ્રેત અને અભિમત વાનું પણ સમાવેશી વિકાસનું છે, એમ માનવામાં હરકત નથી.
પરંતુ, આટલું કહ્યા કબૂલ્યા અને નોંઘ્યા પછી જરીક ‘રૂક જાવ’ની રીતે સમગ્ર વિમર્શને જોવોતપાસવો રહે છે. લાલ કિલ્લા સંબોધનમાં રોજગાર ગેરન્ટી યોજનાના પ્રયોગને સફળતાનું પ્રમાણપત્ર અપાયું છે, અને શકયતા તો એ છે કે આ દિવસોમાં જ રાજીવ ગાંધીના જન્મદિવસનો તાકડો સાધીને એના વ્યાપક અમલની જાહેરાત પણ કરવામાં આવે. થોડાં વરસ પર સોનિયા ગાંધીના વડપણ હેઠળ કાર્યરત રાષ્ટ્રીય સલાહકાર પરિષદના દબાણથી, ખાસ તો અરુણા રોય અને જીન ડ્રેરેઝની ભારપૂર્વકની પહેલથી, રોજગાર ગેરન્ટી યોજના અમલમાં આવી હતી એ જાણીતું છે. હવે તો આ પરિષદ પૂર્વવત્ કાર્યરત નથી, પણ અરુણા રોય અને જીન ડ્રેરેઝનું આકલન છે કે રોજગાર ગેરન્ટી યોજનાનો અમલ સાર્વત્રિક બને તે પૂર્વે કેટલીક સુસ્તી અને દુરસ્તી જરૂરી છે. મનમોહનસિંહ અને સાથીઓ આ બાબતે કેટલા જાગ્રત છે એ આપણે જાણતા નથી. જોકે જે એક વાનું બેલાશક સમજાય છે તે એ કે કયારેક રાષ્ટ્રીય સલાહકાર પરિષદ સાથે સંકળાયેલા કર્મશીલોનું કંઈક ઊપજયું હોય તો એ સારી વાત છે, પરંતુ નાગરિક ઉધુકિતનું જેવું ને જેટલું સમર્થન- બલકે, સેન્ક્શન જોઈએ તે અરુણા રોય અને સાથીઓ કને નથી. સરકારની ખબર લેતા અને રાખતા નાગરિક સમાજનું હાલ ટાંચું પડેલ છે, કેમ કે જાગ્રતપ્રાણ અને સક્રિય લોકશકિત નથી. કોંગ્રેસના શતાબ્દી અધિવેશનમાં રાજીવ ગાંધીના યાદગાર એકરાર મુજબ સત્તાદલાલોની રાજનીતિ જેમની તેમ જારી છે.
આ લખું છું ત્યારે સાંભરે છે કે મહારાષ્ટ્રમાં ઓગસ્ટના આ દિવસોમાં અણ્ણા હજારે એમની લોકહિતૈષી માગણીઓના સ્વીકાર માટે ઉપવાસ પર જવાના હતા તે રાજયના મુખ્યમંત્રીએ આપેલ આશ્વાસન પછી તાત્પૂરતું મુલતવી રહ્યું છે. રાલેગણ સિદ્ધિ ખ્યાત અણ્ણા હજારેની પ્રતિભા જોતાં સરકાર કોઈક રીતે મુદત ખરીદે તે સમજાય એવું પણ છે. પણ પ્રજાપરક પ્રગતિશીલ અભિગમની ધીંગી પરંપરા ધરાવતા સાને ગુરુજી સ્થાપિત મરાઠી સાપ્તાહિક ‘સાધના’એ હજારેનું સમર્થન કરતે છતે કરેલી ટિપ્પણી ઘ્યાનાર્હ છે. ‘સાધના’ એ તંત્રીસ્થાનેથી કહ્યું છે કે શાસકીય દશા અને દિશા લક્ષમાં લઈએ તેમજ રાજકીય સંકલ્પશકિતના લગભગ અભાવની વાસ્તવિકતા જોઈએ તો સમજાશે કે અણ્ણા હજારે સરખાની હાજરી આશ્વસ્તકારી છતાં કેટલી અપૂરતી છે. બલકે, ‘સાધના’ કારના શબ્દોમાં, બાબા આઢવ, મેધા પાટકર અને અણ્ણા હજારેસ એકત્ર આવે તોપણ પૂરતાં પડે તેમ નથી. વાસ્તવમાં, સંપ્રદાયવાદ અને બજારવાદથી ઉફરા વલણના પ્રગતિશીલ રાજકારણીઓ, અણ્ણા હજારે વગેરે સંઘર્ષ-અને-કતિ-શીલ પ્રજાપુરુષો તેમજ છાત્ર યુવા શકિત ગઠિત અને ઉદ્યુકત થાય તો કંઈક વાત ખચિત બને.
અધિકાર- પછી તે રોજગારનો હોય કે માહિતી અગર શિક્ષણનો- જયાં સુધી જનસંઘર્ષ રૂપી રામનું પદાર્પણ ન થાય એ શલ્યાની પેઠે સૂતો રહે છે. સંઘર્ષ અને રચનાની રાજનીતિમાં સ્તો એ કૌવત અને સંજીવની સ્પર્શ છે કે સૂતી શલ્યા અહલ્યા બની આળસ મરડતી ઊઠી છે. જયારે પણ પાકિસ્તાનકેન્દ્રી કે લઘુમતીવિરોધી વિશ્વદર્શન અને રાજનીતિથી ઊંચે ઊઠવાની જિકર કરવાનું બને છે, નજર સામે ઊઠતું ને ઊભરતું ચિત્ર કોઈ એક હોય તો ઓગસ્ટ- ૨૦૦૯માં બારણે ટકોરા દઈ રહેલ, વિકાસના વંચિતો અને સમૃદ્ધિના સીમાન્તોની બાલાશ જાણતા પ્રજાસૂય પડકારનું છે…બાકી ઇતિહાસને રાજસૂય યજ્ઞોની કયાં નવાઈ છે?