– ખરો પડકાર તો પુખ્ત પાક નીતિનો છે
– વૈદિક પ્રકરણ; કાશ, આપણાં સત્તા-પ્રતિષ્ઠાનો અને મીડિયાને ગર્જનતર્જન તેમ જ પ્રક્ષેપણની કાર્યપદ્ધતિની કળ વળે
વેદ પ્રતાપ વૈદિકના દક્ષિણ એશિયાઈ રાજકીય સંપર્કો જો ખાસાબધા છે તો એ વિશે વારેવારે ગાઈવજાડીને ફરવા બોલવાની એમની કમજોરી પણ ખાસીબધી છે. એટલે એમને વિશે, નવી દિલ્હીના હાલના સત્તા-પ્રતિષ્ઠાન સાથેનાં કેટલાંક તત્ત્વો વિશે મુંબઈ ૨૬/૧૧ના માસ્ટર માઈન્ડ હાફિઝ સઈદ સાથેની મુલાકાતના સંદર્ભમાં કહેવાનું બેલાશક ઘણુંઘણું હોઈ શકે છે. અને શું વૈદિક કે શું વર્તમાન સત્તા-પ્રતિષ્ઠાન, બેઉએ આ પ્રકરણમાં પૂરતાં ટીકાવચનોને કારણ પણ આપ્યું છે.
પણ એમાં જઈએ તે પૂર્વે, તે દરમિયાન અને તે પછી જે એક વાત કોંગ્રેસ-ભાજપ પ્રવકતાઓના સામસામા પ્રહારોનો કે પછી ટ્રાયલ બાયા મીડિયાના શોરશરાબામાં લગભગ નથી થતી એ ઊહાપોહ માગી લે છે. આ મુદ્દો શો છે? પાકિસ્તાન સબબ વાજબી ફરિયાદો છતાં ભારત અને પાકિસ્તાન બેઉનું શ્રેય, છેવટે તો, સારા પાડોશી સંબંધમાં રહેલું છે. વિભાજનની વિભીષિકા પછી એટલો સમય તો ગયો જ છે કે આ દિશામાં ધોરણસર વિચારી શકીએ. વચમાં એવા બનાવો જરૂર બન્યા છે જે સમધારણ સંબંધો અંગે મનોવૈજ્ઞાનિક મુશ્કેલીઓ સરજે.
પણ હાકોટાછીંકોટા અને અથડામણો સરહદે ચાલુ રહે તો પણ એકંદર સમધારણ સંબંધો ભણી જવા સારુ એને અવરોધરૂપ ન બનવા દેવાય તેમાં બંનેની સલામતી છે. બલકે, એ સ્તો સુરક્ષા વ્યૂહ છે. કોંગ્રેસ સરકારોએ જ્યારે પણ આ ધોરણે કંઈક કૂણાપણું દાખવ્યું ત્યારે એમને જનસંઘ-ભાજપ વર્તુળો તરફથી ઉગ્ર ટીકા પ્રહારો ઝીલવા પડયા છે. સરવાળે કોંગ્રેસે પણ એક વ્યૂહ તરીકે પાકિસ્તાન પરત્વે ઉગ્ર ટીકાત્મક ભૂમિકામાં રાજકીય સલામતી જોઈ છે.
એક વાર આ વાનું લક્ષમાં લઈએ તો સમજાશે કે પાકિસ્તાન પરત્વે શુભેચ્છા પહેલ કરનાર વાજપેયી અગર તો સોગંદવિધિ વખતે પાકિસ્તાન સમેત સાર્ક દેશોના વડાઓને નિમંત્રણ આપનાર મોદી ચાલુ ચોકઠા બહારની વિચારણા કે પછી આંખ પરના ડાબલાં બહારની દૃષ્ટિ દાખવે છે. ભાજપ જ્યારે આટલી છૂટ મૂકે ત્યારે પાકિસ્તાન કદાચ વધારે ભરોસો મૂકે એવું પણ બને – કેમ કે, પાકિસ્તાનદ્વેષ મૂલક અખંડ ભારતવાદ જેની ગળથૂથીમાં મનાતો રહ્યો છે એ પક્ષ, સત્તાસ્થાનેથી આ પહેલ કરે છે.
કોંગ્રેસે વિપક્ષ તરફથી જે પ્રતિક્રિયાની ચિંતા કરવી રહે તે ચિંતા ભાજપે કદાચ ન કરવાની રહે. બલકે, પાકિસ્તાન સામે ઉગ્ર મુદ્રા લેતો પક્ષ, સત્તાસ્થાને આરૂઢ થયા પછી પહેલે જ ધડાકે એના વડાને વાજતેગાજતે નિમંત્રે એને આ પક્ષના ચાહકો તેમ જ ટીકાકારોનો એક હિસ્સો રાજકીય પુખ્તતા લેખે જોવા પણ ઈચ્છે. ચર્ચાનો આ ઉપાડ અને ઉઘાડ અલબત્ત એક પ્રકારે તંગ દોર પરની કવાયત છે કેમ કે પાકિસ્તાને ટીકાના પ્રસંગો ચોક્કસ આપ્યા છે અને છેલ્લાં વર્ષોમાં કથિત 'નોન-સ્ટેટ એકટર્સ’ના મુદ્દે તો એનો કેસ નબળો એટલે કે બેહદ નબળો છે.
માત્ર, આવા પ્રસંગે આપણે સમગ્ર ચિત્ર અને લાંબા ગાળાનો વ્યૂહ ચૂકી જઈએ તે ઈષ્ટ નથી. વૈદિક-સઈદ મુલાકાતને જો આ પરિપ્રેક્ષ્યમાં જોઈએ તો ભાજપના સર્વોચ્ચ ર્શીષસ્થાનેથી 'ટ્રેક ટુ ડિપ્લોમસી’ની રીતે એની એક ભૂમિકા પણ છે. વડાપ્રધાન બ્રિકસ રોકાણોમાં હતા અને ઘરઆંગણે વૈદિક વિવાદવિસ્ફોટ વખતે ભાજપ શ્રેષ્ઠીઓએ કોઈ સત્તાવાર સંડોવણીમાંથી હાથ ઊંચા દીધા એ એક રાજકીય રાબેતો માત્ર છે. હજુ આ દિવસોમાં જ સંઘ પરિવારના 'ઓર્ગેનાઈઝર’ પક્ષે એ વાત બઢાવીચઢાવીને પ્રગટ કરી હતી કે પાકિસ્તાનના રોકાણ દરમિયાન વૈદિકે પાક વડાપ્રધાન નવાઝ શરીફના નિવાસસ્થાને ખાસ મુલાકાત લઈ એમને ખાતરી બંધાવી હતી કે વડાપ્રધાન મોદી પર તમે ભરોસો મૂકી શકો, કેમ કે એ બહાદુર અને દૃઢસંકલ્પવાળા છે.
વૈદિક રાવલપિંડી ગયા તો હતા મણિશંકર અય્યર અને સલમાન ખુરશીદ વગેરે સાથે રિજનલ પીસ ઈસ્ટિટયૂટ યોજીત સેમિનાર માટે; પણ નવાઝ શરીફ સાથેની એમની આ વાતચીતનો 'ઓર્ગેનાઈઝર’નો હેવાલ દર્શાવે છે તેમ વૈદિક પાસે કોઈક એવો સત્તાસંપર્ક દાવો છે જે આ દિવસોમાં અય્યર પાસે સ્વાભાવિક જ નથી. મણિશંકર અય્યરે એમની વિદેશસેવાઓ સાથેની આરંભિક કારકિર્દીમાં પાકિસ્તાનમાં પણ કામ કરેલું છે. તે ગાળાની એમની કાર્યભૂમિકાનો વિધાયક અને આવકાર્ય પરિચય ગુજરાતી વાચકોને શિવકુમાર જોશીએ પાક મુલાકાત પછી કરાવેલો એને પણ હવે સહેજે ચાર દાયકા કે વધુ વરસો થયાં હશે.
અય્યર આ રિજનલ પીસ ઈન્સ્ટિટયૂટ સાથે સંકળાયેલા છે, અને પ્રસ્તુત સેમિનારમાં વૈદિકની જેમ જ સ્વપન દાસગુપ્તા ન ગયા એ જુદી વાત છે. જોવાનું એ છે કે અય્યર વગેરે પાછા ફર્યા પણ વૈદિક રોકાઈ ગયા અને સઈદ સાથે મુલાકાતનો મોકો ઝડપ્યો. દેખીતી રીતે જ, સઈદ સાથેની મુલાકાત ભારત-પાક ર્શીષ સત્તાસ્થાનોએથી લીલી ઝંડી વિના શક્ય ન બની હોય. વિવેકાનંદ ઈન્ટરનેશનલ ફાઉન્ડેશન (જેના અજિત દેવોલ હવે વડાપ્રધાનના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર છે) સાથે નિકટથી સંકળાયેલાઓમાં વૈદિક પણ છે. પત્રકાર તરીકે સઈદને મળ્યા બદલ એમને પકડી લેવાનો બૂમાટો જો ખોટો છે તો 'એક પત્રકાર તરીકે’ માત્ર મળ્યાનો દાવો પણ પૂરતો ખોટો છે.
ગર્જનતર્જન અને પ્રક્ષેપણ (પ્રોજેકશન)ના મુદ્દે ભાજપે અને વૈદિકે જો આ ઘટનાક્રમમાંથી શીખવાનું છે, તો એકંદર રાજકીય અગ્રવર્ગે પણ વ્યાપક રાજનીતિની રીતે સમજવાનું છે.
સૌજન્ય : “દિવ્ય ભાસ્કર”, 19 જુલાઈ 2014
![]()


વેદ પ્રતાપ વૈદિક ઘાટ-ઘાટનાં પાણી પી ચૂકેલા હિન્દી પત્રકાર છે. કેટલાક માણસો એવા હોય છે જેમનાં મૂળિયાં સમુદ્રી વનસ્પતિની માફક પાણી ઉપર ચારે બાજુ ફેલાયેલાં હોય છે, પણ જમીની વનસ્પતિની માફક ઊંડાં ઊતરેલાં નથી હોતાં. સમુદ્રનાં મોજાંની સાથે તેમની જગ્યા બદલાતી રહે છે. વેદ પ્રતાપ વૈદિક આવા એક પત્રકાર છે. તેઓ એક જમાનામાં સર્વોદયવાળાઓ સાથે ફરતા જોવા મળતા હતા. પઠાણકોટમાં સમન્વય આશ્રમમાં રહીને તેઓ સત્યમભાઈ નામના એક અંતેવાસી પાસેથી અફઘાનિસ્તાનનો અભ્યાસ કરતા હતા. એ પછીનાં વર્ષોમાં તેઓ કૉન્ગ્રેસના નેતાઓ સાથે જોવા મળતા હતા અને અત્યારે તેઓ બાબા રામદેવ, સંઘ પરિવાર અને BJPની આજુબાજુ ફરતા જોવા મળે છે. દક્ષિણ એશિયા એ તેમનો રસનો વિષય છે. સત્યમભાઈ પાસેથી અફઘાનિસ્તાનના ઇતિહાસ અને સંસ્કૃિતનો અભ્યાસ કર્યા પછી તેમણે બીજા ભારતના પાડોશી દેશોના ઇતિહાસ અને સંસ્કૃિતનો અભ્યાસ કર્યો હતો. દક્ષિણ એશિયા વિશેની તેમની જાણકારી સરાહના કરવી પડે એટલી વ્યાપક છે, પરંતુ એને ચોક્કસ પરિપ્રેક્ષ્યમાં રાખવા જેટલી આવડત તેઓ નથી ધરાવતા એટલે તેમની ગણના ભારતીય ઉપખંડને સમજનારા સમાજશાસ્ત્રીઓમાં નથી થતી.