સૌજન્ય : નંદિતાબહેન મુનિની ફેઇસબૂક દીવાલેથી સાદર
![]()
![]()
પ્રિય કવિ જૅક ગિલ્બર્ટ ના એક કાવ્ય ‘Rain’નો અનુવાદ આજે મૂકું છું.
અચાનક આ પરાભવ.
આ વર્ષા.
નીલા રંગોનું પલટાઈ જવું ભૂખરામાં
અને પીળાનું
ભયાનક ઘેરા પીળામાં.
ઠંડીગાર શેરીઓમાં
તારો હૂંફાળો દેહ.
કોઈ પણ ઓરડામાં
તારો હૂંફાળો દેહ.
આટલા લોકોની વચ્ચે
તારું ન હોવું.
આટલા બધા, લોકો જે ક્યારેય
‘તું’ નથી.
![]()
થડકાની જેવું
જીવન સો ટકા છે ધબડકાની જેવું
છતાં મીઠું લાગે સબડકાની જેવું
શું લ્હાવો સૂરજ સાથેની મિત્રતાનો
નથી માણ્યું ક્યારેય તડકાની જેવું
મળે સંકટોના ન ક્યાંયે પગેરું
છતાં જીવ જીવે છે ફડકાની જેવું
લૂટાઈ જવાની પછી બીક શાને
છે હોવું તો બિન્દાસ્ત કડકાની જેવું
ખખડધજ શી ખોલીમાં અવતાર વીતે
અને સ્વપ્ન શ્રીમંત લડકાની જેવું
ફરી કોઈ કવિને શૂળીએ ચડાવ્યો
શબદને થયું પાછું થડકાની જેવું
પળેપળ રહ્યા છીએ તરબોળ સાહિલ
રુવેરુવું છે તોય ભડકાની જેવું
°
ડરી રહ્યા છે
સ્વયંથી લોકો ડરી રહ્યા છે
ને કાંચળીમાં સરી રહ્યા છે
તમારા પગલાં ઝીલ્યાં છે જેણે
એ રસ્તા તમને સ્મરી રહ્યા છે
નશીબદારોની વાત ન્યારી
વમળની વચ્ચે તરી રહ્યા છે
ભલેને ભૂક્કા અહમ થયા પણ
ભરમની ઝોળી ભરી રહ્યા છે
જે લોકો પૂજી રહ્યા હરિને
હરિને પાછા હરી રહ્યા છે
કશુંક ભડકે બળે છે ભીતર
છતાંય શ્વાસો ઠરી રહ્યા છે
શૂળોનો માન્યું ધરમ છે કિન્તુ
ફૂલોય ખંજર ધરી રહ્યા છે
ચરણમાં છલકે છે થાક સાહિલ
ને પગલાં ક્યાં ક્યાં ફરી રહ્યા છે
![]()

