શું બોલું, શું બોલું ?
શું બોલું, શું બોલું ?
દુ:ખ હોય તો રોઉં – આ તો સુખશમણાનું ઝોલું !
પહેલવારકી ભાળી’તી જે
નેણહૂંફાળાં મરકલડાંની તરવર્ય તરવર્ય ભાત્ય,
અટવાતી, ગૂંથાતી એમાં, હસતી, રોતી, રમતી, ગાતી,
ખોવાતી, પકડાતી દીઠી તે દીથી આ જાત્ય !
કાલ સુધી જે સાવ નફકરી ફરતી’તી
ઈની ઈ હું આ ઘરમાં બેઠી ઘુમટો યે ના ખોલું !
શું બોલું, શું બોલું ?
જરાક અમથું મરકલડું
ને પલકવારમાં જીવતર મારું સાવ ગયું બદલાઈ,
રૂંવે રૂંવે ડરું,
અરે એ ક્યાંક જરા જો ઓરા આવી આછું યે તે અડી જશે તો
જાતબટકણી જઈશ હું તો સમૂળગી વેરાઈ !
સાવ સાડલો ચોફરતો ઓઢીને, આખો દેઈ બધો સંકોરી લઈને
જાતમાંહ્યલી ઝંખી રહી છે એનું એક અડપલું.
શું બોલું, શું બોલું ?
દુ:ખ હોય તો રોઉં – આ તો સુખશમણાનું ઝોલું!
[અમદાવાદ બીજી ડિસેમ્બર, ૧૯૮૩]
(c) ‘ભભાઈ’ ભરત પાઠક. Copyrights for both, the poem and the video, are with "Bharat Pathak family".
https://www.youtube.com/watch?v=Vqk5-speyK0