હિંદુ ધર્મમાં ધર્મ વિશે ઘણું કહેવાયું છે :
यतो धर्म: ततो जय:
धर्मस्य गहना गति
धर्मा रक्षति रक्षित:
धारयात इति धर्म:
स्वधर्म निधनं श्रेय:
परधर्मो भयाव:
सत्यम् वद धर्म चर:
હિંદુધર્મમાં ધર્મની બાબતો વિશે શંકાશીલ થવું કે ‘તર્કબાજી’ કરવી તે બહુ આવકારદાયક પણ નથી. અગિયારસ, ચાતુર્માસ, નવરાત્રી, સમય-સમયનાં દર્શન, તથા શુદ્ધતા અને પવિત્રતા અંગેના પણ આગવા ખ્યાલો છે. ઘઉંના લોટની ભાખરી, જો લોટ પાણીથી બંધાયો હોય તો એંઠી અને દૂધથી (દૂધમાં ગમે તેટલું પાણી ઉમેરાયું હોય !) બંધાય તો ચોક્ખી ગણાય. આવા રીતરિવાજો ઉપરાંત કર્મકાંડ, જ્યોતિષ, કર્મના સિદ્ધાંત વગેરેનો એક મોટો ખજાનો છે. બધાને આ તમામની વિગતો સમજવાનો કે સારાસાર તત્ત્વો તારવવાનો સમય, વૃત્તિ કે અભિગમ હોતા નથી. આથી કથાકારો, ‘સાધુઓ’ પૂજારી, વગેરેના આદેશ કે સૂચનોને શિરોધાર્ય ગણવામાં આવે છે.
પરંતુ જો પરંપરા અને પુરાણોની કથાઓની ભીતરમાં બુદ્ધિ કે તર્ક સાથે અને ઇતિહાસનો ઉપયોગ કરીને પ્રવેશવા પ્રયાસ કરીએ તો મુશ્કેલીઓ શરૂ થઈ જાય છે. આ અંગે વિવિધ અને ક્યારેક ચોંકાવનારાં તથ્યો મળે છે. આ વિધાનો ઘણા લોકોની માન્યતાઓને આઘાત પહોંચાડી શકે તેવાં છે. આ પ્રકારની માહિતીનો ઉલ્લેખ અહીં નિરર્થક છે. છતાં નમૂના દાખલ એક ઉલ્લેખ જોઈએ :
બુદ્ધ એક જ ન હતા; ૨૭ બુદ્ધ થઈ ગયા. તે પૈકી એક લંકાપતિ રાવણના સમવયસ્ક હતા. અને બંને મળ્યા પણ હતા. જો એમ હોય તો બુદ્ધ અને રામની પણ મુલાકાત થઈ હોઈ શકે. તો પછી બૌદ્ધધર્મ કેટલો જૂનો હશે ? જો બૌદ્ધધર્મ આટલો જૂનો હોય તો સનાતન ધર્મ કેટલો જૂનો હશે ? આ પ્રકારના પ્રશ્નો ઉપરાંત ભાષાનો પણ મુદ્દો ઉઠે છે. પાલિ અને સંસ્કૃત પૈકી કઈ ભાષા વધુ જૂની ?
ઇતિહાસનું અવગાહન અનેક સવાલો ઊભા કરે છે. જેમને સત્ય અથવા તથ્ય શોધવા કે જાણવામાં રસ હોય તેમણે આ દિશમાં આગળ વધવું રહ્યું.
પરંતુ નવ્વાણું ટકા લોકોને ‘આવી’ બાબતોમાં રસ હોતો નથી. આ ક્ષેત્ર વિચારોનું ક્ષેત્ર છે. તર્ક અને બુદ્ધિના ક્ષેત્રના વિચાર, તેમાંથી નિષ્પન્ન અભિવ્યક્તિ અને વર્તનની જગ્યાએ ભક્તિ, શ્રદ્ધા, આદેશ અને આજ્ઞા આપીને બેસી જાય છે. કાળક્રમે મોટા ભાગના લોકો દેખાદેખી અને ગતાનુગતિક ઢબ અપનાવી પોતાના વર્તનમાં પરંપરા તેમ જ આધુનિકતા – એમ બંનેનો સમાવેશ કરતા થઈ જાય છે. હિંદુ ધર્મના ચાર આશ્રમોનું ઉદાહરણ લઈએ.
તે મુજબ એકાવનમા વરસે ગૃહસ્થે વનપ્રવેશ-વાનપ્રસ્થાશ્રમ સ્વીકારવો જોઈએ. અને પંચોતેરમા વરસે સંન્યાસી બનવું જોઈએ. આવું ભાગ્યે જ બને છે. નથી પરંપરા ખપમાં આવતી અને નથી તર્કશીલતા કેળવાતી. આથી જ દેશના વિવિધ કાળખંડોમાં લોકો દ્વારા સમાજમાં કરાતી વર્તણૂક એક અભ્યાસનો અને ક્યારેક ચિંતાનો વિષય બને છે.
ભારતનું બંધારણ એના ‘આમુખ’માં શિક્ષણ, જીવન અને કામના મૂળભૂત નાગરિક અધિકારોનો સ્વીકાર કરે છે. આ ત્રણ બાબતો ધર્મ-વિરુદ્ધની પણ નથી; પણ તેના અમલનું વાસ્તવિક ચિત્ર, ધર્મનો અહેસાસ કરાવતું નથી. બધા જ ધર્મોનું મૂળતત્ત્વ માનવલક્ષિતા છે. બુદ્ધિ-તર્ક અને સમતાલક્ષિતા વગર માનવલક્ષિતા સંભવ નથી. આ વ્યાપક સંદર્ભમાં શિક્ષણ અપાય અને શિક્ષિતોને નોકરી-ધંધા મળી રહે તો એક વિકસિત અને નૈતિકતાસભર સંવેદનશીલ સમાજ રચાય.
ઉત્તર યુરોપ, કેનેડા, અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ વધતા-ઓછા અંશે આ દિશામાં જઈ રહ્યા છે. આ દેશોમાં પણ ધર્મનો આશ્રય તો છે જ પણ ત્યાં કર્મકાંડની સત્તા નથી.
‘સ્ત્રીઓનું સન્માન કરવું’ તે કર્મકાંડ વડે શીખવવાનો મુદ્દો હોવા કરતાં શિક્ષણ દ્વારા ઊભી કરાતી સંસ્કારિતાનો મુદ્દો વધુ બને છે. શિક્ષણ દ્વારા કરાતું મૂલ્યવર્ધન અત્યાચારનું રૂપ ભાગ્યે જ લે છે !
સૌજન્ય : “ભૂમિપુત્ર”, 01 નવેમ્બર 2023; પૃ. 20
![]()


When citizens cannot engage in rational, thoughtful discussions, the health of democracy is in peril



