સાચદિલ સાહિત્યકાર પોતાના કર્તવ્યબોધને ચરિતાર્થ કરીને ગયો એનો ગર્વ અંકે કરીએ
નિરંજન ભગતને ભાવાંજલિ

બુશ્શર્ટનાં બેય ખિસ્સામાં હથેળીઓ ખોસીને કોઈ માણસ જોરદાર શબ્દોમાં રોષઆક્રોશથી બોલતો સંભળાય તો તે કવિ નિરંજન ભગત હોય એવી એમની સૌને જાણીતી છબિ મારા ચિત્તમાં સચવાયેલી છે. તે સમયોમાં નિરંજનભાઈ ૫૩ આસપાસના હશે એમ ધારું છું. અમદાવાદના ટાઉનહૉલ પાસેની હૅવમોર રેસ્ટોરાં. રાત હોય. ટેબલ આસપાસ ચાર-છ દોસ્તો ને કવિમિત્રો. નિરંજનભાઈ બોલતા હોય સાહિત્યકલા વિશે. સાહિત્ય અંગ્રેજી કે ગ્રીક હોય, હિન્દી મરાઠી કે બંગાળી. કવિ ફંટાય તો મોરારજી રાજકારણ સમાજકારણ કેળવણીકારણ કે યુનિવર્સિટીઓનું સત્તાકારણ પણ હડફટમાં આવી જાય. જોસ્સો છતાં વિચારની સુરેખતા. સમજાવવાની નિષ્ઠાવાન કોશિશ. બદમાશો બાસ્ટર્ડ્સ સ્ટૂપિડ જેવી સંજ્ઞાઓ એમના જોસ્સાના હિંસક આવિષ્કારો. કેમ કે એમને તરફદારી કરવી હોય પ્રેમ દેશ લોકશાહી સંસ્કૃિત કે કલા જેવી મૂલ્યવાન ચીજોની. રોષઆક્રોશ હંમેશાં મૂલ્યોને માટે. એટલે સહ્ય અને આસ્વાદ્ય લાગે બલકે અનિવાર્ય ભાસે. સમજ બંધાય કે આ માણસ આવેશપૂર્વક કશુંક બચાવી લેવા ઝંખે છે.
આંખોમાં ચમક આવી જતી. આંખો મોટી – તમને પકડી રાખે. ઊભા ઓળાયેલા વાળ સૂચવે કે માણસ મિજાજી છે. ખૂણાવાળું વિશાળ કપાળ. ટૅનિસ કૉલરવાળો અરધી બાંયનો બુશ્શર્ટ. એવી જ ક્લાસિકલ સ્ટાઇલનો પૅન્ટ. ચ્હૅરો જ્ઞાનતેજસ્વી. એમાં ઊંડે સરી પડેલા વિષાદની ચાડી ખાતી રેખાઓ. જોનારને થાય, જોખમકારક બોલી શકનારા આ સાલસ ચહેરાનો મેળ કેમ પાડવો. બાળસહજ સરળતા. સમજાય કે સરળતા એમની નિર્ભીકતા સત્યપ્રિયતા અને સચ્ચાઈનું જ એક અવાન્તર રૂપ છે. લાગે કે માણસ ઝૂઝારુ છે. ઊંચી નિસબત ધરાવતો નિત્યજાગ્રત બૌદ્ધિક છે. એને માત્ર સાહિત્યની નહીં, આસપાસના તમામ સંદર્ભોની ચિન્તા છે.
અવિસ્મરણીય બૌદ્ધિક, આધુનિકોના અગ્રયાયી, અઠંગ સાહિત્યાભ્યાસી અને પૂરા પ્રભાવક પ્રોફેસર નિરંજન ભગતની એ છબિને મારા પુસ્તક ‘નિરંજન ભગત’-માં (૧૯૮૧) શબ્દાન્કિત કરી છે. ૩૭ વર્ષ થઈ ગયાં. સમગ્ર કારકિર્દીનું નિરીક્ષણ કરતાં મને જણાયું છે કે પેલો રોષઆક્રોશ ક્રમે ક્રમે આછરી ગયો છે. જોસ્સો વ્યાખ્યાનોની શિસ્તને પ્રતાપે અલોપ થઈ ગયો છે અને એનું સ્થાન ભરપૂર વિદ્વત્તાએ લીધું છે. વાગ્મિતા તાર્કિકતા ભાષાનો સંયત વિનિયોગ, એકબીજામાં રસાઈ ગયાં છે. અનુવાદો આસ્વાદો અને ‘સ્વાધ્યાયલોક’-ના ૮ વિવેચનગ્રન્થોમાં વિવેચક નિરંજનભાઈને માણી શકાય છે. કવિની થઈ, એટલી સમીક્ષા વિવેચક નિરંજનભાઈની નથી થઈ. નહિતર સમજાય કે આપણા વિવેચનસાહિત્યની સમૃદ્ધિમાં કેવી તો વૃદ્ધિ થઈ છે.
પણ મુખ્યત્વે એઓ માત્ર અને માત્ર કવિ છે. એક વાર રવીન્દ્રનાથની અંગ્રેજી ‘ગીતાંજલિ’-ના પ્રભાવમાં આવીને એ શૈલીમાં ૧૦૦ ગદ્યકાવ્યો અંગ્રેજીમાં લખી પાડેલાં. કોઈ કોઈ છપાયેલાં. પણ, એમના જ શબ્દોમાં, ‘શીખ મળી કે અનુકરણ ન કરવું, રવીન્દ્રનાથનું ય નહીં’. ‘સ્વશિક્ષણથી’ બંગાળી શીખીને બંગાળીમાં કાવ્ય કરવા ગયા. પણ મૂળ ‘ગીતાંજલિ’-ની ‘અનંતગણી મધુરસુંદરતા’-નો પરિચય લાધ્યો એટલે અંકે કર્યું -‘પરભાષામાં કવિતા ન કરવી, એ નર્યું દુ:સાહસ છે.’ ૧૯૪૩-માં માતૃભાષામાં કાવ્યસર્જનના શ્રીગણેશ કર્યા. ૧૯૪૩-માં ‘છંદોલય’ ૧૯૫૪-માં ‘અલ્પવિરામ’ ૧૯૫૮-માં ’૩૩ કાવ્યો’ ‘૧૯૫૯-માં ‘કિન્નરી’ અને ‘અલ્પવિરામ’ સાથે જ ‘છંદોલય’-ની ‘પ્રવાલદ્વીપ’ સહિતની બીજી આવૃત્તિ, એમ ઉત્તરોત્તર કાવ્યસંગ્રહો પ્રગટ્યા. કવિ ઊઘડતા ચાલ્યા.
હું એમની કાવ્યસર્જનયાત્રાના ત્રણ પડાવ જોઉં છું : યૌવનના ઉદ્રેકો પ્રેમ અને પ્રણયના દર્દનું ગાન કરતો રોમૅન્ટિક પડાવ : સમસામયિક ઘટનાઓ સ્વાતન્ત્ર્ય ભાગલા ગાંધીહત્યા વગેરેને ઝીલતો રીયાલિસ્ટક પડાવ : અને નગરજીવનની યન્ત્રવિજ્ઞાનીય સંસ્કૃિતએ જન્માવેલી વેદનશીલતાને આકારતો મૉડર્નિસ્ટ પડાવ. ‘ચલ મન મુમ્બઈ નગરી, જોવા પુચ્છ વિનાની મગરી’ પંક્તિએ, ‘આધુનિક અરણ્ય’ જેવી અનેક રચનાઓએ, બૉદ્લેરના પ્રભાવ હેઠળ રચાયેલાં ‘પાત્રો’-એ, નિરંજનભાઈને નગરચેતનાના આધુનિક કવિ રૂપે સ્થાપી આપેલા. પછીનાં વર્ષોમાં કાવ્યસર્જન મન્દ પડેલું. છતાં નોંધવું જોઈએ કે એમની કવિતામાં એક વિશુદ્ધ સર્જનાત્મક તર્ક છે. ઍબ્સર્ડનો અહેસાસ છે. મૅટાફિઝિકલ ટિન્ટ છે. એમણે લખ્યો એટલો ચોખ્ખો છન્દ બહુ ઓછાથી લખાયો છે. પણ એ એમનાથી છૂટ્યો નહીં. દૃઢબન્ધ કાવ્યપ્રકાર સૉનેટ કે ‘હરિવર મુજને હરી ગયો’-નો ગીતપ્રકાર એમના વડે ખૂબ ખીલ્યો, પણ છૂટ્યો નહીં. એ મને એમનામાં બચેલું ક્લાસિકલ ઍટિટ્યુડ લાગ્યું છે. પરિણામે એમની કવિતા પરમ્પરા અને આધુનિકતાની સીમારેખા પર ચાલી છે. છતાં ઐતિહાસિક હકીકતની નૉંધ લેવી જોઈએ કે ’સાઠીમાં પ્રગટેલી ઉત્ફુલ્લ આધુનિક કવિતાનું એ અરુણુ પ્રભાત હતી. છન્દ કાવ્યપ્રકાર કાવ્યબાની – તમામ પરમ્પરાગત વાનાં છોડીને નવ્ય આધુનિકોએ મહા પ્રયોગશીલ સર્જકતાનો સાહસિક રસ્તો પકડેલો.
એમના દુ:ખદ અવસાને એક પ્રશ્ને મને સતાવ્યો છે : ૯૨ વર્ષના આયુષ્ય દરમ્યાન નિરંજનભાઈ પરમ્પરા અને આધુનિકતાને જીવ્યા. અનુ-આધુનિક યુગને નીરખ્યો. એવા મહાનુભાવ પાસે ભાવિ સાહિત્યદર્શનને આકારી શકાય એવા વિચારો અને માર્ગદર્શન માંગી શકાયાં હોત. પણ વખતેવખતે માત્રઆદરસત્કાર દાખવીને એ જ્ઞાનવૃદ્ધ વડલાની ઠંડકભરી છાયામાં આપણે માત્ર બેસી રહ્યા ! એ મનોવૃત્તિને કયા નામે ખતવવી?
૧૯૭૭માં હું ભાષા-ભવનમાં જોડાયો પછી અવારનવાર રૂબરૂ મળવાનું થયેલું. એક વાર અમારા ‘સન્નિધાન’-ના ઉપક્રમે નડિયાદમાં યોજાયેલા શિબિરનો વિષય ‘પશ્ચિમનું સાહિત્ય’ તે મને એમ કે એમાં નિરંજનભાઈ જોઈએ જ. હું ગયો, વાત કરી. મારી જોડે વાત હંમેશાં ‘સુમન’-થી શરૂ કરતા : સુમન, હું અમદાવાદ બ્હાર જતો જ નથી : મને મૂંઝવણ થયેલી પણ મારા સદાગ્રહને વશ થઈ પ્રોફેસર અમદાવાદ બ્હાર નીકળેલા. કહે, ગુજરાતીના આટલા બધા અધ્યાપકોને પહેલી વાર જોઉં છું. એક વાર રીફ્રેશર કોર્સમાં બોલાવેલા, વર્ગમાં ફરતા ફરતા મૉજથી વ્યાખ્યાન આપતા’તા. શિબિરાર્થીના ખભે હાથ મૂકી સૌને પોતાની વાતમાં ભારે કુનેહથી સંડોવતા’તા. એ દિવસે મારા ઘરે ‘શબરી’-માં અમે રશ્મીતાનો શિરો અને બટાટાવડાંનાં ચા-પાણી કરેલાં.
‘સુરેશ જોષી સાહિત્યવિચાર ફૉરમ’-ના ઉપક્રમે મેં યોજેલા બૉદ્લેર વિશેના પરિસંવાદમાં હું નિરંજનભાઈને અનિવાર્ય સમજું. પણ હિતૈષીઓ ક્હૅ, ફૉરમ જોડે સુરેશ જોષીનું નામ છે એટલે નિરંજન ભગત ના પાડશે. મળ્યો; સીધું એ જ કહ્યું – સુરેશભાઈનું નામ છે એટલે તમે ન આવો : આંખો વિસ્ફારિત થઈ ગયેલી. બોલ્યા : શું હું સુરેશભાઈનો દુશ્મન છું? મારે એ જ દિવસે વિદેશ જવાનું છે તો પણ આવીશ. એમને કહેજો કે – તમારો નિરંજન ભગત આવવાનો છે ! : આવ્યા, સરસ વ્યાખ્યાન આપીને લન્ડનની ફ્લાઇટ પકડવા નીકળી ગયા. એ વરસોમાં દર સાલ લન્ડન જતા.
એક ઘટના અમારા બન્ને માટે દુ:ખદ ઘટેલી. સૅનેટ-હૉલમાં એમના પ્રમુખસ્થાને એક કવિ વિશે મેં આપેલા વ્યાખ્યાનને એમણે ઉતારી પાડેલું. પણ સભા પૂરી થતાં ઊંધું કહેલું : સુમન, તમે કહ્યું એ સાચું છે, એ કવિમાં સાત પાનની પણ કવિતા નથી ! એમની એ પરસ્પર વિરોધી વાતોનો મને સખત વાંધો પડેલો ને અમારી વચ્ચે જોરદાર ઝઘડો થયેલો. ભવનના મિત્રોએ અને રજિસ્ટ્રારે અમને છૂટા પાડેલા. કેટલાક માસ પછી અકસ્માતે અમે ભાષાભવનના બસ-સ્ટૅન્ડે ભેગા થઈ ગયેલા. એમને ગુજરાત કૉલેજ જવું’તું ને મારે પણ. બસની એક જ સીટ પર અમે સાથેસાથે બેઠેલા. મારી હથેળીઓ ભેગી પકડી લઈ કહે, સુમન, એ દુ:ખદ વાતને ભૂલી જજો, હું ભૂલી ગયો છું. મેં કહેલું, જરૂર. હું ગદ્ગદ્ થઈ ગયેલો. મેં એમની વ્યક્તિતાને સમજવાની કોશિશ કરેલી. પામી શકેલો કે હી ઇઝ ગ્રેટર ધૅન હી ઇઝ. પોતીકા સત્યની હિફાજત કરનારો વળી ભૂલોના એકરારો અને સમાધાનો કરનારો આવો સમ્પ્રજ્ઞ આધુનિક વિરોધાભાસી ન હોય તો જ નવાઈ ! અને મારું દુ:ખ પણ ઊડી ગયેલું.
એ બનાવ પછી રમણલાલ જોશીએ એમની ગ્રન્થકારશ્રેણીમાં મને નિરંજનભાઈ વિશે પુસ્તક લખવા કહેલું. આશ્ચર્યચકિત હું બોલું એ પહેલાં જ એઓ બોલ્યા – મને વિશ્વાસ છે, તમે કવિને મૂલવશો, વ્યક્તિને નહીં. પણ પેલા હિતૈષીઓમાંના એક ક્હે, વૅર વાળી લેજો ! મેં કહેલું – હું તમારા જેવો ઝૅરીલો નથી, ચૂપ રહો ! મેં ‘નિરંજન ભગત’ પ્રકાશિત કરેલું. હિતૈષી શેના જુએ?
વચગાળામાં મને નિરંજનભાઈએ કહેલું – એકવાર ફરીથી રશ્મીતાનાં બટાટાવડાં ખાવા આવવું છે. પણ એ તક ન મળી. હું હંમેશાં પૂછતો, તબિયત કેમ રહે છે? તો ક્હે, ચાલે છે, ‘જવું’ નથી. હું કહેતો, ‘એ’ તો ઈચ્છા પડે ત્યારે બોલાવતો હોય છે. તો કહે, કારણ તો આપશેને … અને અમે હસી પડેલા. એક સાચદિલ સાહિત્યકાર પોતાના કર્તવ્યબોધને ચરિતાર્થ કરીને ગયો એનો ગર્વ અંકે કરીએ.
= = =
નોંધ : મારું 'નિરંજન ભગત' પુસ્તક અહીં અમેરિકામાં મારી પાસે હતું નહીં. પરન્તુ મારા મિત્રો જયેશ ભોગાયતા અને અજય રાવલે દોડાદોડી કરી અને એ પુસ્તકનાં મારે જોઇતાં પાનાં મને જિતેન્દ્ર મેકવાને WhatsApp કર્યાં. અતુલ રાવલે પણ કેટલીક માહિતી મોકલી. એ સૌનો આભાર માનું છું.
[શનિવાર તારીખ ૧૦/૨/૨૦૧૮ને સ્થાને સોમવાર તારીખ ૧૨ / ૨ / ૨૦૧૮-ના રોજ “નવગુજરાત સમય” દૈનિકમાં, ‘સાહિત્ય સાહિત્ય’ નામક સાપ્તાહિક કોલમમાં પ્રકાશિત આ લેખ અહીં પ્રેસના સૌજન્યથી મૂક્યો છે.]
![]()



આગળ કર્નાડના જ શબ્દોમાં, ‘આ અંત:સ્ફુરણા થવા પાછળ મને મુખ્યત્વે ત્રણ કારણો જણાયાં: પહેલું તો એ કે આજ દિન લગી મારા મનમાં કવિ બનવાની ઝંખના હતી અને તેના બદલે હું આજે નાટક લખી રહ્યો હતો ! બીજું આશ્ચર્ય મને એ થયું કે મારી કાચી ઉંમરથી હું સદા ય English Poet – અંગ્રેજી કવિ બનવાની તૈયારીમાં રચ્યોપચ્યો રહેલો અને પછી એકાએક શું થયું કે હું કન્નડ ભાષામાં લખવા માંડ્યો ! જ્યાં ઑડૅન અને એલિયટ જેવા સમર્થ કવિઓએ નામના કાઢેલી એવા દેશમાં હું જવા માંગતો હતો. મને લાગતું હતું કે ભારતમાં રહેવામાં કંઈ માલ નથી. અહીં કશું જ નથી. એટલે જ મેં અંગ્રેજી લેખક બનવાની તૈયારીઓ વિચારી રાખેલી. પરંતુ ખરેખર જ્યારે મન પરનો બોજ અને ગૂંગળામણ વ્યક્ત કરવાની અસલ ઘડી આવી ત્યારે મારી કલમ અભાનપણે કન્નડમાં જ ચાલવા લાગી ! મને તત્કાળ ભાન થયું કે આજ સુધીનું તમામ લેખનકાર્ય સમયનો નર્યો બગાડ હતો. ત્રીજું આશ્ચર્ય મને એ વાતનું થયું કે મારા પ્રથમ નાટક; યયાતિ’નું કથાબીજ મેં મહાભારતમાંથી મળેલી એક દંતકથામાંથી ખોળેલું. આ ત્રણેય આશ્ચર્યો મને એટલા માટે થયું કે તે ઘડી સુધી હું એવી જ ગેરસમજમાં રાચતો હતો કે ‘પોતાની ભાષા અને પોતાનાં સામાજિક-સાંસ્કૃિતક માળખાંમાંથી બહાર નીકળીને – અળગા થઈને જીવવું એ જ ખરી આધુનિકતા (Modernity) છે !’
વાત એમ હતી કે ૧૮૬૧માં અમેરિકામાં ગુલામીના દૂષણની નાબુદીના મુદ્દે આંતરવિગ્રહ શરૂ થયો, તેને કારણે ત્યાંથી મળતો કપાસ બંધ થયો. એટલે શાસક દેશ બ્રિટનના મિલમાલિકો હિન્દુસ્તાનથી મોટે પાયે કપાસ મગાવવા લાગ્યા. પરિણામે ભારતમાં કપાસના ભાવ અસાધારણ ઊંચા ગયા, નિકાસમાં પુષ્કળ વધારો થયો. શેરબજારમાં અભૂતપૂર્વ તેજી આવી. નિકાસકારોની અને શેરબજારના સટોડિયાઓની જરૂરિયાતને પહોંચી વળવા અનેક નવી બૅન્કો રાતોરાત ફૂટી નીકળી. પણ પછી ૧૮૬૫માં અમેરિકન આંતરવિગ્રહનો અણધાર્યો અંત આવ્યો. કપાસની નિકાસ અટકી ગઈ, કપાસના ભાવ બેસી ગયા. શેરબજાર તળિયે ગયું. કેટલી ય બૅન્કો રાતોરાત ફડચામાં ગઈ. દેશમાં, અને ખાસ કરીને પશ્ચિમ ભારતમાં આર્થિક મંદી ફરી વળી. દલપતરામ શેરમૅનિયાનો ભોગ બન્યા. તેમાંથી તેઓ ઉગરી ગયા તે એમના પરમ મિત્ર અને ગુજરાત માટે ‘અર્વાચીનતાના સૂરજના છડીદાર’ એવા અંગ્રેજ અમલદાર ઍલેક્ઝાન્ડર કિન્લૉક ફાર્બસ (૧૮૨૧-૧૮૬૫)ને કારણે.