સોળમી લોકસભાના છેલ્લા દિવસે, હવે ગમે તે ક્ષણે ચૂંટણીજાહેરાત સાથે આચારસંહિતા અમલી બનવામાં છે એવી ગાભણી ને ગોરંભાયેલી પરિસ્થિતિમાં, સ્પષ્ટ બહુમતીની તાકીદ ચર્ચતી સત્તાવાર તકરીર અને સામસામે છતાં સાથે હોવાની વિપક્ષી કવાયત : શું કહીશું, સિવાય કે ધ ડાઈ ઈઝ કાસ્ટ.
મે ૨૦૧૪ની વચનલહાણ સામે ફેબ્રુઆરી ૨૦૧૯ની વિપરીત વાસ્તવિકતા સબબ નમો ભા.જ.પ. સવાલિયા દાયરામાં ઘેરાયેલ છે. પ્રાદેશિક પક્ષો અને ભાજપેતર રાષ્ટ્રીય પક્ષ (કૉંગ્રેસ) પોતપોતાનાં પ્રભાવક્ષેત્રમાં જે તે સાથી પક્ષ પરત્વે સરસાઈ જાળવવા સાથે રાષ્ટ્રીય સ્તરે પ્રમાણમાં પરસ્પર પૂરક ચિત્ર ઉપસાવી નમો ભા.જ.પ. સામે અસરકારક પડકાર ઊભો કરવાની કોશિશમાં છે. તેરમી ફેબ્રુઆરીની જંતરમંતર રેલી અને શરદ પવારને ત્યાંની ભોજન બેઠક આ સંદર્ભમાં સૂચક પુરવાર થઈ શકે છે.
પવારને ત્યાં મળેલી બેઠકમાં ઊપસી રહેલો એક મહત્ત્વનો મુદ્દો એ હતો કે લોકસભાની ચૂંટણીપૂર્વે સહિયારો કાર્યક્રમ જાહેર થઈ જવો જોઈએ, જેથી પરિણામો પછી વૈકલ્પિક કાર્યક્રમ વિશે કોઈ અસમંજસ ન રહે. આ મુદ્દાનું જમા પાસું એ છે કે એક માત્ર મોદીવિરોધ જ કેમ જાણે એજન્ડા હોય એવી આમ છાપને બદલે કાર્યક્રમની ચર્ચા કેન્દ્રમાં આવે.
જોવાનું એ પણ છે કે નમો ભા.જ.પ.નાં એકંદર શાસનવલણો સામેની વિરોધલાગણી કેવળ રાજકીય પ્રતિસ્પર્ધી વર્તુળોમાં જ છે એવું નથી. સ્વતંત્ર બૌદ્ધિકોના એક મોટા વર્ગે, એમાં પણ કેટલાકે તો ઇંદિરાઈ કટોકટી (૨૬ જૂન ૧૯૭૫) અને હાલના દોર (૬ ડિસેમ્બર ૧૯૯૨) પરત્વે એકસરખી તીવ્રતાથી મોદી ભા.જ.પ.ના વજૂદને પડકારવાપણું જોયું છે. રાજદ્રોહ, દેશદ્રોહ, અર્બન નક્સલ તરીકેની શત્રુખોજના રાજકારણ સામે નાગરિક સમાજ તરીકેની બંધારણીય ભૂમિકાનું એક દર્શન, કંઈક પરિભાષિત – કંઈક અપરિભાષિત, આકાર લઈ રહ્યું છે.
નવા ચૂંટણીચુકાદાનો અવસર તરતમાં આવી મળવાનો છે ત્યારે સમતા અને ન્યાય યુક્ત પરિવર્તનનાં બળો તેમ જ યથાશક્તિનાં બળો વચ્ચે વિવેકની ઇન્દ્રિય સાબદી રાખવી રહેશે.
આજે બને કે આ સ્વતંત્ર જેવાં બળો કૉંગ્રેસ / વિપક્ષ તરફી ખાનામાં ખતવાતાં લાગે પણ એમણે જે વલણો દાખવ્યાં છે તે આવતી કાલે જે નવા સત્તાધીશો આવશે એમને પણ તાવશે અને મૂલવશે જરૂર. એમની નિયતિ (અને સદ્ભાગ્ય) એ છે કે જતીઆવતી સરકારોની પેઠે એમની નોકરી હંગામી નથી.
સૌજન્ય : “નિરીક્ષક”, 16 ફેબ્રુઆરી 2019; પૃ. 01
![]()


આસામના સિલ્ચર પ્રાંતમાં ‘એશો બોલી’ સંસ્થા દ્વારા આયોજિત સાંસ્કૃતિક કાર્યક્રમમાં ઉદ્ઘાટક તરીકે ઉપસ્થિત બંગાળી કવિશ્રી બંદોપાધ્યાય સાથે કેટલાંક સ્થાપિત હિતો ધરાવતાં, અસામાજિક તત્ત્વો દ્વારા જે દુર્વ્યવહાર થયો, તેમના હાથમાંથી માઇક ખેંચી લેવામાં આવ્યું. તોડફોડ કરવામાં આવી, ધમકી આપવામાં આવી, તે ઘટનાને ‘ધ ઇન્ડિયન એક્સપ્રેસ’(જાન્યુઆરી ૧૪)માં આવરી લેતી અખબારી નોંધ આપણે આપણી મહામૂલી જણસ જેવા કવિને કેટલા સાચવીએ (!) છીએ તે અંગે ઘણું કહી જાય છે. ભગતસાહેબ કહેતા હતા ‘સમાજમાં કવિનું હોવું અને કવિતાનું થવું મનુષ્યજાતિનું સદ્ભાગ્ય છે.’ આ સદ્ભાગ્યની આપણને કદાચ પડી નથી.