જો આપણને આપણી સરકાર પર આંધળો વિશ્વાસ હોય તો વિજ્ઞાન પર વિશ્વાસ રાખવામાં આપણે ખચકાવું ન જોઇએ.
ગયા વર્ષે જાન્યુઆરીમાં આપણે ટ્રમ્પ આવશેની વાતો કરતા હતા, તો હવે એના કરતાં ચાર ગણી આતુરતાથી આ જાન્યુઆરીમાં વેક્સિન આપણા દેશમાં ક્યારે પહોંચશે તેની રાહ જોઇશું. એક્સપર્ટ્સની વાતને ગણતરીમાં લઇએ તો આપણા દેશમાં વેક્સિન આવવામાં હજી ચાર-છ મહિના થઇ જશે. યુ.એસ.એ.માં વેક્સિનના ડોઝીસની ડિલિવરી શરૂ થઇ ગઇ છે. સેન્ટર ફોર ડિસિઝ કન્ટ્રોલ એન્ડ પ્રિવેન્શનના આંકડા અનુસાર યુ.એસ.એ.ના વિવિધ સ્ટેટ્સમાં ૧૧.૪ મિલિયન ડોઝિસની ડિલિવરી થઇ ચૂકી છે. આ તરફ ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશન જે રીતે વેક્સિનની વહેંચણી કરે છે તેની જો બાઇડને આકરી ટીકા કરી છે, અને કહ્યું છે કે જો આમ જ ચાલશે તો અમેરિકન્સનું વેક્સિનેશન કરવામાં મહિનાઓ નહીં, પણ વર્ષો નીકળી જશે. આ ટિપ્પણીમાં કેટલું રાજકારણ અને કેટલું સત્ય એ તો વખત આવ્યે ખબર પડશે, પણ વેક્સિન અને રાજકારણનો ખેલ તમે ધારશો તેના કરતાં વધુ પેચિદો અને લાંબો ચાલશે, એ ચોક્કસ.
વળી, આ રાજકારણમાં વિજ્ઞાન પ્રત્યે લોકોની જાગરૂકતા પણ મોટો ફાળો આપશે. જેમ કે જ્યારે રશિયાના પ્રેસિડન્ટે સ્પુટનિક વેક્સિનની જાહેરાત કરી તો સોવિયેત યુનિયને આ જ નામે લૉન્ચ કરેલા ઉપગ્રહને લઇને ૧૯૫૭માં જેટલો આવકાર અને ઉમળકો મળ્યા એટલા વેક્સિનની જાહેરાતને ન મળ્યા. આ વેક્સિનની જાહેરાત થતાં લોકોએ શંકા-કુશંકાઓ વ્યક્ત કરી અને સલામતીની પ્રશ્નો પણ ખડા કર્યા. બીજી તરફ આંતરરાષ્ટ્રીય સ્તરે કયું રાષ્ટ્ર સૌથી પહેલાં વેક્સિન લૉન્ચ કરે છે એની જાણે હોડ લાગી. આ હોડમાં માત્ર વૈજ્ઞાનિક સ્તરની સ્પર્ધા નહીં પણ આંતરરાષ્ટ્રીય સંબંધોનો પણ પ્રભાવ પડશે જ, તે સ્વાભાવિક છે. આ તરફ રશિયાએ જાહેરાત કરી તો યુ.કે. અને ચીનના વેક્સિનની જાહેરાત પણ થઇ, આ રેસમાં પોતાની ગતિ સાચવવા માટે યુ.એસ.એ.એ પણ કોઇ કચાશ ન છોડી. આ તમામ રાષ્ટ્રોએ અલગ અલગ વય જૂથ, મેડિકલ વર્કર્સ વગેરેને વેક્સિન્સ આપવાની શરૂઆત કરી છે. આખા વિશ્વના વૈજ્ઞાનિકોનું માનવું છે કે વેક્સિન જેને પણ અપાયા છે તે તમામ ઉમેદવારો પર તે હકારાત્મક અસર કરે છે તે સાબિત થશે, એ પછી પણ વેક્સિનનું આ પ્રોટેક્શન કેટલું ટકશે તેનો ક્યાસ કાઢવા માટે હજી સમય લાગશે.
રશિયાની વેક્સિન સફળ જાય એ પુતિનના રાજકીય કરિયર માટે બહુ જ મહત્ત્વનું છે અને એ જ પ્રમાણે યુ.એસ.એ.માં વેક્સિનનું વિતરણ સફળ રીતે પાર પડે એ ટ્રમ્પ માટે જરૂરી છે, જો કે ટ્રમ્પે પોતાની કાબેલિયતનું પ્રદર્શન વાઇરસ પૂર જોશમાં હતો ત્યારે કર્યું જ છે, એટલે એની પાસેથી કેટલી આશા રાખવી એ ચોક્કસ એક મોટો પ્રશ્ન છે. આ તરફ વેક્સિનની રેસમાં ઝડપથી દોડવા માગતા રશિયાના ઇન્ટેલિજન્સ માટે કામ કરતા હેકર્સે યુ.કે., યુ.એસ.એ. અને કેનેડાનો વેક્સિન સંબંધિત ડેટા ફાર્માસ્યુટિકલ્સ અને એકેડિમિક સોર્સિઝમાંથી ચોરવાની કોશિશ કરી હોવાનો આક્ષેપ પણ મુકાયો હતો.
દુનિયા આખી વાઇરસથી એટલી કંટાળી છે કે જે દેશ વેક્સિન આપવા તૈયાર હોય તેની સાથે વાટાઘાટ કરવા તૈયાર છે. હા, પણ રશિયન વેક્સિનને મામલે આ રાષ્ટ્રોને યુ.એસ. સેન્ટર્સ ફોર ડિસિઝ કન્ટ્રોલ એન્ડ પ્રિવેન્શન તથા ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન તરફથી ‘ઓકે’ની જરૂર પડશે.
વળી રાતોરાત તૈયાર થઇ ગયેલા વેક્સિનને લઇને લોકોમાં શંકા તો છે જ પણ યુ.એસ.એ.ની હિસ્પેનિક અને બ્લેક જેવી માઇનોરિટી કમ્યુનિટિઝને તેમના સુધી વેક્સિન પહેલા તબક્કામાં નથી પહોંચવાનું તેની ખાતરી પણ છે. વેક્સિનનું રાજકારણ બહુપરિમાણીય છે. માત્ર કયો દેશ વેક્સિન પહેલાં બનાવે છે કે કયું રાષ્ટ્ર કોની પાસેથી વેક્સિન મંગાવે છે, એ બધાં ઉપરાંત દરેક રાષ્ટ્ર સૌથી પહેલાં સમાજના કયા હિસ્સાનું રસીકરણ કરે છે, આખી વસ્તી સુધી કેવી રીતે પહોંચે છે, તે તમામ નિર્ણયોમાં રાજકીય વલણ બહુ મોટો ફાળો આપશે. વળી તમે રાજકીય ચહેરાઓએ જાહેરમાં લીધેલા વેક્સિનના સમાચાર વાંચ્યા જ હશે, અને તેની પાછળનું સીધું કારણ છે કે લોકોના મનમાંથી વેક્સિનનો ડર નીકળી જાય. ભૂતકાળમાં જ્યારે પોલિયોની રસી શોધાઇ ત્યારે યુ.એસ.એ.ની એક લેબમાંથી ઉતાવળે રસી ‘રોલઆઉટ’ કરવાની લ્હાયમાં ઇન્ફેક્શન વધારે તેવી રસી માર્કેટમાં પહોંચી ગઇ હતી અને પછી લોકોનો વિશ્વાસ પાછો મેળવવા માટે એલ્વીસ પ્રેસલી જેવા સ્ટારે જાહેરમાં રસી લેવી પડી હતી, તે પણ ટેલિવિઝન શો પર દેખાવાની ગણતરીની ક્ષણો પહેલાં.
હવે આપણા દેશની વાત કરીએ તો આપણે ત્યાં તો નવા જ વાંધા હોય છે. જેમ કે આયુષ્માન ભારત સ્કીમના સી.ઇ.ઓ. ઇન્દુ ભૂષણે એમ કહ્યું કે, “જો આ તબક્કે જ્યારે ‘આર.ઓ.’ એટલે કે આર નૉટ – એવો સરેરાશ આંકડો જે સંક્રમિત લોકોને કારણે બીજા લોકોને લાગતા ચેપની સંખ્યા બતાડે – નીચે આવ્યો હોય અને દેશ હર્ડ ઇમ્યુનિટી મેળવવાની નજીક હોય તો પછી સરકારે વેક્સિનને ફાઇનાન્સ કરવાની જરૂર જ શું છે?” ભૂષણે આ સવાલ સંક્રમણ ફેલાવી શકનારા જૂથને સંબોધીને કર્યો હતો. આ તરફ અલગ અલગ રાજ્યોએ પોતે કેવી રીતે રસીકરણની પ્રક્રિયા સંભાળશે તેની પર કામ કરવાની શરૂઆત કરી દીધી છે. સરકારનું ફોકસ છે કે જેમને સંક્રમણ લાગી શકે છે અને જેની પર તેની અસર થઇ શકે છે તેવા લોકોનું રસીકરણ પહેલાં કરવું. આપણા દેશમાં પણ સામાજિક સ્તરે રસીકરણમાં સમાનતા અને પારદર્શિતા જળવાય તેવી આશા અને અપેક્ષા રાખવાં જરૂરી છે. સરકાર આ મહાકાર્ય કેવી રીતે પાર પાડે છે એ ઘણાં સવાલોના જવાબ આપી શકશે.
બાય ધી વેઃ
કેન્દ્ર સરકારનો અભિગમ વેક્સિનની વહેંચણીમાં મોટો ફાળો ભજવશે. જે રીતે મતદાનની તૈયારીઓ થતી હોય છે તે રીતે વેક્સિન બુથ્સ ખડાં કરવા પડશે અને લોકો વેક્સિન લેવા આવે અને કોઇ ડર ન રાખે તે પણ સરકારની જવાબદારી જ રહેશે. અને હા વેક્સિન ઝડપથી શોધાઇ છે એટલે વિશ્વસનીય નથી એમ માનવામાં સાર નથી કારણ કે કોરોના વાઇરસ કોવિડ-૧૯ એક પ્રકારનો સાર્સ વાઇરસ છે અને સાર્સ પર તો લાંબા સમયથી કામ થઇ રહ્યું હતું, ચીને એકવાર વાઇરસનું બંધારણ જાહેર કર્યું પછી લેબ્ઝ માટે આ દિશામાં કામ કરવું મુશ્કેલ ન હતું, જો આપણને આપણી સરકાર પર આંધળો વિશ્વાસ હોય તો વિજ્ઞાન પર વિશ્વાસ રાખવામાં આપણે ખચકાવું ન જોઇએ.
પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 03 જાન્યુઆરી 2021
![]()


વિડંબના જુઓ! મુસલમાનોને, અન્ય વિધર્મીઓને, નાસ્તિકોને અને આધુનિકોને ગાંધીજી વધારે પડતા હિંદુ લાગતા હતા, તો હિન્દુત્વવાદીઓને અર્થાત્ હિંદુ કોમવાદીઓને ગાંધીજી હોવા જોઈએ એનાથી ઓછા હિંદુ લાગતા હતા. દલિતોને અને સામાજિક સમાનતાના આકરા પુરસ્કર્તાઓને ગાંધીજી મનુવાદી કહી શકાય એટલા સનાતની સવર્ણ હિંદુ લાગતા હતા તો સનાતની સવર્ણ હિંદુઓને ગાંધીજી સુધારક લાગતા હતા. સામ્યવાદીઓને ગાંધીજી જોઈએ એટલી સમાનતામાં નહીં માનનારા ઓછા સમાજવાદી પણ વધુ મૂડીવાદી બુર્ઝવા લાગતા હતા, તો જમીનદારો અને મૂડીવાદીઓને ગાંધીજી સંગ્રહ વિરોધી સમાજવાદી લાગતા હતા. રસ્તા ઉપર ઉતર્યા વિના સુવિધાપરસ્ત જિંદગી જીવીને આવેદન-નિવેદનનું રાજકારણ કરનારા લોકોને ગાંધીજી જહાલોમાં પણ જહાલ લાગતા હતા તો પોતાને ક્રાંતિકારી તરીકે ઓળખાવનારાઓને ગાંધીજી અહિંસામાં માનનારા પોચટ વિનીતોમાં પણ વિનીત લાગતા હતા. વ્યવહારવાદીઓને ગાંધીજી અવ્યવહારુ આદર્શવાદી લાગતા હતા પણ પાછા પોતાને ચતુર વ્યવહારુ સમજનારાઓ ગાંધીજી સામે ચિત્ત થતા હતા. જનમાનસને એટલી હદે પ્રભાવિત કરે અને એટલી હદે આંદોલિત કરે કે વ્યવહારકુશળ પ્રભાવી નેતા કલ્પના પણ ન કરી શકે.
નાતાલની સંધ્યાએ આ લખી રહ્યો છું ત્યારે ટ્રમ્પની લગભગ નિશ્ચિત વિદાય આડે પચ્ચીસ દિવસ બાકી રહ્યા છે. પૂરા ૩૦૬ ઈલેક્ટૉરલ મતદારોએ બાઇડનની તરફેણમાં મત આપીને બંધારણીય રીતે તેમની જીત પાક્કી કરી દીધી છે. આ બધું છતાં ટ્રમ્પે હજુ પોતાની હાર સ્વીકારી નથી. એટલું જ નહીં પોતે વીસમી જાન્યુઆરી પછી પણ પ્રમુખ હોઈ શકે તેવી હવાઈ વાતો ફેલાવાનું ચાલુ રાખ્યું છે. હવે છઠ્ઠી જાન્યુઆરીએ કૉંગ્રેસ મળે અને ઇલેક્ટ્રૉરલ કૉલેજના મતોને મતું મારે એટલે ચૂંટણીની બંધારણીય પ્રક્રિયાનો અંત આવશે (છઠ્ઠીએ ટ્રમ્પ તરફી સાંસદો કોઈ નાટક નહી કરે તેવી કોઈ બાંહેધરી નથી.) ટ્રમ્પ જશે તો પણ ટ્રમ્પ અને ટ્રમ્પીઝમની અસર સીધી કે આડકતરી રીતે અમેરિકન રાજકારણ પર રહેવાની. આવનારી પેઢી એકવીસમી સદીના પ્રારંભમાં અમેરિકામાં એક કેવા પ્રમુખ હતા, તેની ચર્ચા થઈ રહી છે, કરશે. એ અંગે થોડી ચર્ચા અહીં પણ …