અફઘાનિસ્તાન અને કોરોનાવાઇરસ – આમ તો વૈશ્વિક દ્રષ્ટિએ આ બન્ને મુદ્દા જુદાં છે પણ અફઘાનિસ્તાનમાં જે અરાજકતા છે તેમાં ત્યાં વાઇરસને મામલે શું સંજોગો છે તે આખો મામલો ચર્ચામાં હોવા છતાં હાંસિયામાં ધકેલાયેલો છે. આતંકીઓથી બચવામાં વાઇરસ સામેની લડાઇ સાઇડલાઇન થઇ ગયેલી છે. જ્યારથી તાલીબાને ત્યાં કબજો કર્યો છે ત્યારથી કોવિડ-૧૯ માટેનું ટેસ્ટિંગ અને વેક્સિનેશન સ્વાભાવિક રીતે જ પ્રાથમિકતા નથી રહ્યા. ડબલ્યુ.એચ.ઓ.ના અફઘાનિસ્તાનના પ્રતિનિધિએ વિવિધ રિપોર્ટ્સમાં એ પણ જણાવ્યું છે હૉસ્પિટલ્સમાં આઇ.સી.યુ.ની ક્ષમતા અને ઑક્સિજનનો પુરવઠો વધારવાની કામગીરી પણ અટકાવી દેવાઇ છે. તાલિબાનનું જોર વધ્યું અને કોરોનાવાઇરસ સામેની ઇમ્યુનાઇઝેશન પ્રક્રિયામાં ૮૦ ટકા પડતી થઇ તેવું યુનિસેફનો એક રિપોર્ટ જણાવે છે. અફઘાનિસ્તાનના ૨૩ પ્રોવિન્સિઝમાં જ્યાં તાલીબાનની પકડ મજબૂત થઇ તેના અઠવાડિયા પહેલાં જ્યાં ૧ લાખ ૩૪ હજારની આસપાસ લોકોનું વેક્સિનેશન થયું હતું ત્યાં તાલીબાન આવ્યા પછીના અઠવાડિયે માત્ર ૩૦,૫૦૦ લોકોનું જ વેક્સિનેશન થઇ શક્યું. અફઘાનિસ્તાનમાં ૨ મિલિયન જેટલા વેક્સિન ડૉઝિસ આવનારા મહિનામાં એક્સપાયર થઇ જાય તેવા સંજોગો છે. આતંકીઓએ અફઘાનિસ્તાનને ભરડામાં લીધો તે પહેલાં પણ અફઘાનિસ્તાનનું વહીવટી તંત્ર વાઇરસ સામેના જંગમાં સંઘર્ષ જ કરી રહ્યું હતું કારણ કે આમ જનતામાં વેક્સિનેશન અંગે જાતભાતના વહેમ તો હતા જ વળી યુદ્ધને કારણે હેલ્થ કૅરની સિસ્ટમ સખળડખળ તો હતી જ.
રોગચાળો શરૂ થયો ત્યારથી અફઘાનિસ્તાનમાં કોવિડ-૧૯ વાઇરસ સંક્રમણના દોઢ લાખ જેટલા કેસિઝ હતા અને સાત હજારથી વધુ મોતનો આંકડો હતો. છેલ્લા એક મહિનામાં ૪૦ લાખથી વધુની વસ્તીમાં માત્ર સાત લાખ ટેસ્ટ થઇ શક્યા છે. જુલાઇના ઉત્તરાર્ધમાં કોરોનાવાઇરસના ટેસ્ટિંગ માટે નવી ૩૫ લૅબ્ઝ શરૂ કરાઇ હતી. નવા વેરિયન્ટ્સનું ટેસ્ટિંગ થઇ શકે તે માટે એક પણ સગવડમાં અપગ્રેડેશન નહોતું અને ઓવરસિઝ ટેસ્ટિંગમાં એ સાબિત થઇ ચૂક્યું હતું કે આલ્ફા અને ડેલ્ટા જેવા વેરિયન્ટની ત્યાં હાજરી છે. વળી આ વેરિયન્ટ ભારત, ઇઝરાયલ, રશિયા અને યુનાટેડ સ્ટેટ્સ સહિતના દેશોમાં ખાસ કરીને જ્યાં વેક્સિનેશન નથી થયું તેવા પ્રદેશોમાં ઝડપથી ફેલાઇ ચૂક્યા છે. જૂન અને જુલાઇમાં અફઘાનિસ્તાનમાં વાઇરસને લઇને સંજોગો ખાસ્સા સંગીન બન્યા હતા. ઑગસ્ટની શરૂઆતમાં કેસિઝ ઓછા નોંધાયા હતા પણ પછી જે તખ્તો પલટાયો તેમાં નવા કેસિઝ વધવાની શક્યતાઓ વધી રહી છે. વિસ્થાપિતોમાં સંક્રમણ વધી જશેની ચિંતા હેલ્થકૅર એક્સપર્ટ્સ જતાવી રહ્યા છે. આતંકી જૂથો પણ વાઇરસની ગંભીરતા સમજે છે અને તેમણે હેલ્થ કૅરને મામલે પોતાની વિચારસરણી બદલી છે પરંતુ સામાન્ય લોકોમાં અત્યારે વાઇરસ કરતાં આતંકીઓનો ભય વધારે છે. વળી અફઘાનિસ્તાનમાં વેક્સિનેશન માટે જતી મહિલાઓની સંખ્યા તાલિબાનના ત્રાસમાં ઘટી ગઇ હોવાનું પણ નોંધાયું છે.
ત્યાં આ હાલત છે તો આપણે ત્યાં ત્રીજી લહેરની શક્યતાઓ પર ચર્ચા થઇ રહી છે. હા એક રિપોર્ટ અનુસાર ભારતના સિત્તેર ટકા જિલ્લાઓમાં ૫ ટકાથી ઓછો પૉઝિટીવીટી દર છે જે ચોક્કસ રાહત આપનારી બાબત છે પણ હજી ઘણી સ્પષ્ટતાઓ બાકી છે. જેમ કે હર્ડ ઇમ્યુનિટીની વાતો ભલે થાય પણ જે રીતે પોલિયો અને ઓરી-અછબડામાં એક ચોક્કસ પોઇન્ટ પછી હર્ડ ઇમ્યુનિટી વિકસી જશેની ખાતરી હતી જ્યારે કોરોનાવાઇરસને મામલે આવી કોઇ ખાતરી મળી શકે તેમ નથી. સરકાર સતત લોકોને કોઇ પણ રીતે ઢીલું ન મુકવાની તાકીદ કર્યા કરે છે. કોવિડ પ્રોટોકોલ્સ તોડનારા કિસ્સાઓ કંઇ આપણે માટે નવા નથી. વળી કોમોર્બિડીટીઝ ધરાવતી વસ્તીના કૂલ આંકડામાંથી ૭૦ ટકાનું વેક્સિનેશન થઇ જાય તે બહુ જ અગત્યનું છે. પણ વેક્સિન્સની અછત અને બીજા પ્રશ્નોને કારણે આ દિશામાં આપણે બહુ આગળ નથી વધી શક્યા.
ત્રીજી લહેરની માથે તોળાઇ રહેલી તલવારને અમુક લોકો ગંભીરતાથી લે છે તો અમુકને એમ લાગે છે વેક્સિનેશન, ફાર્મા કંપની વગેરેની ગણતરીઓને પાર પાડવા માટે ત્રીજી લહેરનો ડર પેસાડવામાં આવી રહ્યો છે. આઇ.આઇ.ટી.ના રિસર્ચર્સ અનુસાર ત્રીજી લહેર એટલી જોખમી નહીં સાબિત થાય જેટલી બીજી લહેર હતી. તેમની ત્રિરાશી અનુસાર ઑક્ટોબરમાં જો હાલત ગંભીર બનશે તો રોજના લાખ કેસ થાય તેમ બની શકે. ઑગસ્ટના અંતથી માંડીને સપ્ટેમ્બર સુધીમાં કેસિઝ વધતા જશે પણ જો નવો વેરિયન્ટ આ વધારામાં નહીં હોય તે આ લહેર નાનકડી લહેરખી સાબિત થશે તેમ આઇ.આઇ.ટી.ના રિસર્ચર્સનું કહેવું છે. બીજી તરફ આપણો પૉઝિટીવીટી રેશિયો ૧ ટકાની નીચે હોય તે સ્થિતિ આવકારદાયક છે પણ હજી આપણે ત્યાં પહોંચ્યા નથી. વેક્સિનેશન ફરજિયાત બનાવવાના જ્યાં પગલાં લેવાયાં છે તેની સામે પ્રશ્નો ખડાં થયા છે, ઘણાં લોકો એવા છે જેમના સુધી હજી વેક્સિન પહોંચી નથી. ભારત સરકારે હજી એ સવાલનો જવાબ નથી આપ્યો કે ફાર્મા પી.એસ.યુ.નો ઉપયોગ કરીને ડ્રગ્ઝ અને વેક્સિન મેન્યુફેક્ચરિંગ શા માટે નથી થઇ રહ્યો. ફાર્મા ઇન્ડસ્ટ્રીઝમાં અમુક ખાનગી કંપનીઓને કમ્પલસરી લાઈસન્સ આપવાને મામલે સરકારનો અભિગમ નકારાત્મક છે તો ફાર્મા કંપનીઝને પણ તે મેળવવાની માથાકૂટ કરવામાં કોઇ રસ નથી. આ મુદ્દો એ કે હંગામી ધોરણે ફાર્મા કંપની કોવિડ-૧૯ને લગતા આઇ.પી. જતાં કરેની વાત ભારતે જે ડબલ્યુ.ટી.ઓ.માં કરી તે જ વાત ઘર આંગણે અનુસરવામાં ભારત સરકારનો અભિગમ સાવ જૂદો છે. ટેક ટ્રાન્સફરનો અભિગમ ફાર્મા કંપનીઓની ભાગીદારી વધારનારો સાબિત થાય તે સ્વાભાવિક છે જે આમ જનતા માટે તો લાભદાયી જ નિવડશે. ભારત સરકારનું રસિકરણ અભિયાન જેટલું જોરદાર રીતે થવું જોઇએ તે રીતે થયું નથી તેમ માનનારાઓ પણ છે. ભારત સરકારે માત્ર બે જ કંપનીઓ પર વેક્સિનને મામલે આધાર રાખ્યો છે, તેની સામે યુ.એસ.એ.ની વાત કરીએ તો ત્યાં વેક્સિનેશન ઝડપભેર થયું છે કારણ કે સરકારે ફાર્મા કંપનીઝને અમુક છૂટ આપી દીધી, કોલાબરેશન કર્યા, ફંડ આપ્યું વગેરે. યુ.એસ.એ. સરકારનો અભિગમ બહુ જ જુદો રહ્યો છે.
અત્યારે આપણે જે સંજોગોમાં છીએ, એક દેશ જ નહીં પણ એક દુનિયા તરીકે તેને લઇને આપણે પ્રશ્નો ઘણાં ખડા કરી શકીએ પણ દલા તરવાડીની માફક જાતે સવાલ કરી જાતે જવાબ આપવાની નોબત આવે તેમ પણ બની જ શકે છે કારણ કે સંજોગો આંધળા પાટા જેવા છે.
બાય ધી વેઃ
વેક્સિન, કોનફ્લિક્ટ ઝોન્સ, સરકારનું ફાર્મા કંપની સાથેનું નેક્સસ, ત્રીજી લહેરથી ડરવું જોઇએ કે નહીંના પ્રશ્નો, લોકોની લાપરવાહી જેવું ઘણું બધું વિશ્વના ખૂણે ખૂણે ચાલી રહ્યું છે. આ મામલે એમ છે કે બાત નિકલેગી તો દૂર તલક જાયેગી. અધધધ વસ્તી ધરાવતો દેશ અને માનવ મહેરામણથી છલકાતા વિશ્વમાં જાતભાતનું ઘણું બધું બની રહ્યું છે. કોરોનાવાઇરસને લગતી કોન્પીરસી થિયરીઝ પરતો એક બીજો આખો લેખ થઇ શકે. અફઘાનિસ્તાનના સંજોગો એક્સટ્રીમ છે અને આપણે ત્યાં જે અવ્યવસ્થા છે તેમાં સવાલો કરવા જેટલી સ્થિરતા આપણને ઝડપથી મળવાની નથી. શંકા, કુશંકાની વચ્ચે આપણે વિજ્ઞાન પર વિશ્વાસ રાખીને અને સ્વની રક્ષા કરવા જરૂરી નિયમો અનુસરવા સિવાય કોઇ વિકલ્પ નથી.
પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 29 ઑગસ્ટ 2021
![]()






અમદાવાદના સાબરમતી આશ્રમને ‘વિશ્વકક્ષાના સ્મારક”(વર્લ્ડ ક્લાસ મેમોરિયલ)માં તબદીલ કરવાની સરકારી પરિયોજનાના રાષ્ટ્રવ્યાપી વિરોધનો આરંભ કરનારા પ્રકાશ ન.શાહ, ગણેશ દેવી અને આનંદ પટવર્ધનના જાહેર નિવેદન પર મેં પણ સહર્ષ હસ્તાક્ષર કર્યા છે. હું ગાંધીનો વંશજ છું કે ગાંધીનું મેં વિશદ અધ્યયન કર્યું છે એટલા માટે મેં તેના પર હસ્તાક્ષર કર્યા નથી, પરંતુ સાબરમતીના તટે સહેલાણીઓને આકર્ષવા સતત ઊભાં કરાતાં માળખાં ગાંધીના આશ્રમને ગળી તો નથી જતાં, પણ તેને નગણ્ય બનાવી દે છે તે વિચાર મારા વિરોધપત્ર પર હસ્તાક્ષરનું મુખ્ય કારણ છે.