રશિયા-યુક્રેન યુદ્ધને પરિણામે જગતમાં જે પરિસ્થિતિ આકાર લઈ રહી છે, એ ગંભીર છે અને એમાં ભારતની વિદેશનીતિમાં જોવા મળતી અનિશ્ચિતતા ચિંતા ઉપજાવે છે. એક બાજુએ ચીનના નેતાને હીંચકે બેસાડીને ઢોકળા ખવડાવો, અને બીજી બાજુ ચીન સામે ચીન વિરોધી દેશોને ભેગા કરીને ઘેરાબંધી કરો અથવા ચીનવિરોધી છાવણીના સભ્ય બનો, એમ બે દિશાની વિરુદ્ધ નીતિ લાંબો સમય ન ચાલે. ઓછામાં પૂરું, ચૂંટણી જીતવા સારુ બહુમતી હિંદુ પ્રજાને હિંદુ રાષ્ટ્રવાદ નજરે પડતો રહે એ માટે પાડોશી દેશો સાથે ખાસ પ્રકારના બળુકાપણાનું પ્રદર્શન કરવાની નીતિ અપનાવી, જેને પરિણામે પાડોશી દેશો સાથે સંબંધ બગાડ્યા છે. ડાહ્યા માણસો બધા મોરચા એક સાથે નથી ખોલતા. અત્યાર સુધીના શાસકો ઝૂકતું માપ આપીને પાડોશી દેશો સાથે સંબંધ સાચવતા હતા કે જેથી તેઓ ચીન અને પાકિસ્તાનની નજીક ન જાય. તેમને હિંદુ ખુમારીના પ્રદર્શનની જરૂર નહોતી તે એ સમયે ભારતની વિદેશનીતિની મોટી તાકાત હતી. આજે સ્થિતિ એવી છે કે જ્યાં હિંદુઓની વસ્તી મોટા પ્રમાણમાં છે એ નેપાલ પણ ભારતથી દૂર થયું છે અને ભૂતાન અંતર રાખતું થયું છે.
ચીનની બાબતમાં ભારત બે વિરુદ્ધ દિશાની નીતિ અપનાવીને સમય પસાર કરતું રહ્યું અને કોઈ ટકાઉ ઉપાય શોધી રહ્યું હતું, ત્યારે એક વાત ધ્યાનમાં લેવી જોઈએ કે ચીનની ભારત સાથેની નીતિ એક જ દિશાની છે. ચીન જગતનો સૌથી શક્તિશાળી દેશ છે, વર્તમાન અને હવે પછી એકાદ સદી ચીનની છે, ભારતે આ હકીકતનો સ્વીકાર કરવો જોઈએ, ભારતે હવે ચીનની બરોબરી કરવાના ફાંફા નહીં મારવા જોઈએ, નવી વાસ્તવિકતા સ્વીકારીને ભારતે ચીન સાથે સંબંધો વિકસાવવા જોઈએ, નિ:શંક બનીને ચીનના ભાગીદાર બનવામાં ભારતનું હિત છે, અમેરિકાનો યુગ પૂરો થઈ ગયો છે, વગેરે વગેરે. ચીનના શાસકો અલગ અલગ રીતે ભારતને આ કહી રહ્યા છે અને સાથે સાથે લદાખ, ડોકલામ અને અરુણાચલમાં છાશવારે પ્રવેશીને પોતાની તાકાત અને ભારતની નિર્બળતાનું પ્રદર્શન કરે છે.
પણ ચીન ઉપર ભરોસો કરી શકાય? લાખ રૂપિયાનો સવાલ આ છે. મૂંઝવણ ભારતની છે, ચીનની નથી. ચીન ઉપર ભરોસો ન કરાય એમ જો નરેન્દ્ર મોદીને અને તેમના વિદેશ પ્રધાનને લાગતું હોય તો તેમનું અનુમાન ખોટું નથી. ચીન ઉપર ભરોસો કરીને આપણે દાઝેલા છીએ. બીજો લાખ રૂપિયાનો સવાલ એ છે કે ચીનની બરાબરી કરવાનાં સપનાં જોવાનું ભારતે બંધ કરવું જોઈએ અને ચીન ક્યારે ય આંબી ન શકાય એટલું આગળ નીકળી ગયું છે એ વાત શું એક નરી વાસ્તવિકતા છે જે ભારતે સ્વીકારી લેવી જોઈએ? આ બન્ને પ્રશ્નોના ઉત્તર ભારતે શોધવા પડશે અને શોધેલા માર્ગે ચાલવું પડશે. નિ:શંક બનીને કોઈ એક માર્ગ અપનાવવામાં જોખમ તો છે જ, પણ જોખમ તો નિર્ણયના અભાવમાં વચ્ચે ઊભા રહીને સમય વેડફવામાં પણ છે, જેનો અનુભવ ભારતને થઈ રહ્યો છે.
મારો ઉત્તર એ છે કે ચીન ભારત કરતાં ક્યાં ય આગળ નીકળી ગયું છે એ એક વાસ્તવિકતા છે, પરંતુ એનો અર્થ એવો નથી કે ચીનની બરાબરી કરવાનાં સપનાં જોવાનું ભારતે બંધ કરવું જોઈએ. પણ પહેલો સવાલ તો હજુ અનુત્તરીત જ છે કે ચીનની બરાબરી ચીનના ભાઈબંધ બનીને કરવી જોઈએ કે પછી ચીનવિરોધી ધરીનો ભાગ બનીને? ચીનવિરોધી ધરીનું નેતૃત્વ અમેરિકા કરે છે અને અમેરિકાનો ભરોસો કરી શકાય? અમેરિકા જરા ય ભરોસાપાત્ર મિત્ર નથી એનો અનુભવ પણ આપણને થયો છે. અમેરિકા જગતનો સૌથી ઓછો ભરોસામંદ દેશ છે. અત્યંત મૂંઝવણભરી સ્થિતિ છે નહીં? નથી અમેરિકા ભરોસાપાત્ર કે નથી ચીન ભરોસાપાત્ર. તો પછી કરવું શું?
ઉત્તર છે પોતાની જાત ઉપર, દેશની પ્રજા ઉપર ભરોસો કરીને વિકાસના માર્ગે પોતાની જગ્યા બનાવવાનો. માર્ગ મહેનતવાળો છે, ધીરજની કસોટી કરનારો છે, પણ છે ટકાઉ. ઉછીની તાકાત અને પોતાની તાકાતની વચ્ચે કોઈ તુલના જ ન થઈ શકે. પણ આ ૩૬૫ દિવસ અને ચોવીસે કલાક ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને હિંદુ-મુસ્લિમ વિખવાદ પેદા કરીને ન થઈ શકે. ચીન માથાભારે દેશ છે, પણ તેનું માથાભારેપણું રાષ્ટ્રીય છે, પ્રજાકીય નથી. ચીનની એક પ્રજા બીજી પ્રજા સાથે માથાભારે બનીને નથી વર્તતી. પ્રજાકીય ઉર્જા રચનાત્મક માર્ગે વાળવામાં આવે તો જ દેશ આગળ વધે. આ તો સનાતન સત્ય છે, જગતનો ઇતિહાસ તપાસી જાવ. બીજી બાજુ પ્રજાને (અને એ પણ બહુમતી પ્રજાને) રડાવવામાં આવે, ડરાવવામાં આવે, ખોટી તાકાતનો અહેસાસ કરાવીને પોરસાવામાં આવે તો એવો દેશ ક્યારે ય બે પાંદડે ન થાય. આ પણ સનાતન સત્ય છે. જગતનો ઇતિહાસ તપાસી જાવ.
૨૦૧૪ની સાલમાં નરેન્દ્ર મોદીની સરકાર આવી અને આપણી નજર સામે આઠ વરસ વેડફાઈ ગયાં. આઠ વરસથી રસ્તાની વચ્ચે ઊભા રહીને ક્યારેક જમણે ક્યારેક ડાબે એમ ચીન સાથેની બે વિરુદ્ધ દિશાની નીતિ અપનાવી રહ્યા છીએ. હિંદુઓને હિંદુ રાષ્ટ્રવાદનું બળુકાપણું બતાવવામાં પાડોશી દેશો સાથેના સંબંધો બગાડી નાખ્યા છે. આઠ વર્ષથી વર્તમાન શાસકો માત્ર ચૂંટણી લડી રહ્યા છે અને ચૂંટણી જીતવા પ્રજાકીય ઉર્જાને હિંદુ-મુસ્લિમ વિખવાદમાં વેડફી રહ્યા છે. આઠ મૂલ્યવાન વર્ષ આમાં ખર્ચી નાખ્યાં અને હવે અચાનક રશિયા-યુક્રેન યુદ્ધે જગતને બે છાવણીમાં વહેંચી નાખ્યું. વચ્ચે ઊભા રહેવાનો અને ચીન સાથે બે વિરુદ્ધ દિશાની નીતિ અપનાવવાનો વિકલ્પ હાથમાંથી સરકી રહ્યો છે. અચાનક આવી કોઈ ઘટના બનશે એની કોઈએ કલ્પના નહોતી કરી. ચીન અને રશિયાની ધરી રચાઈ છે. એક પાસે સોવિયેત યુગની સૈનિકી તાકાત છે અને બીજા પાસે આર્થિક અને સૈનિકી એમ બન્ને તાકાત છે. બન્ને માથાભારે છે, બેશરમ છે અને પૃથ્વીના ગોળાની આ બાજુએ પ્રશાંત મહાસાગરથી લઈને એટલાન્ટીક મહાસાગર સુધી ફેલાયેલા છે.
ભારતે રશિયાને રાજી રાખવા માટે અને રશિયા ચીનની પાંખમાં જતું ન રહે એટલા માટે રશિયા પાસેથી ક્રુડ તેલનો મામૂલી જથ્થો ખરીદ્યો અને તરત જ બે પ્રતિક્રિયા આવી પડી. અમેરિકાના પ્રમુખ બાયદને (વ્હાઈટ હાઉસના પ્રવક્તાએ નહીં, ખુદ પ્રમુખે) જે કહ્યું એના સૂચિતાર્થો સમજવા જેવા છે. પહેલાં તો તેમણે ભારતને અમેરિકાના નેતૃત્વ હેઠળ રચાયેલી રશિયા-ચીન વિરોધી છાવણીનું સભ્ય જાહેર કર્યું. પોતાની મેળે જ, મનસ્વીપણે. ૯/૧૧ પછી ત્રાસવાદ સામેની લડત માટે જે ધરી રચાઈ હતી તેમાં ભારત ભાગીદાર બને એ માટે ભારતનું મન જાણવા અને મંજૂરી મેળવવા અમેરિકન વિદેશ પ્રધાન કોલીન પોવેલ ભારત આવ્યા હતા. આ વખતની લડાઈ એનાં કરતાં પણ મોટી છે, પણ અમેરિકન પ્રમુખને એવી જરૂર ન લાગી કે કોઈને દિલ્હી મોકલવામાં આવે. તેમણે બારોબાર જાહેરાત કરી દીધી કે ભારત ચીન-રશિયા વિરોધી છાવણીનો ઘટક દેશ છે. એ પછી તેમણે ભારતની ટીકા પણ કરી કે ભારતની ભૂમિકા ડાબે-જમણે ડગમગનારી છે. કોઈ બારોબાર હાથ પકડીને પરાણે હોજમાં ખેંચી લે અને પછી કહે કે પાણીમાં સ્થિર ઊભા રહેતા નથી આવડતું એના જેવી આ વાત થઈ. ભારતે હજુ સુધી કોઈ પ્રતિક્રિયા નથી આપી. ‘નમસ્તે ટ્રમ્પ’ અને ‘અબ કી બાર ટ્રમ્પ સરકાર’નું પણ આ પરિણામ છે. જો અમેરિકન ચૂંટણીમાં ભારતે માથું ન માર્યું હોત તો કમ સે કમ ભારતના નેતાઓ સાથે વાતચીત કરવા વિદેશ પ્રધાનને દિલ્હી મોકલવા જેટલું સૌજન્ય બાયદને બતાવ્યું હોત જે રીતે ૨૦૦૧માં ૯/૧૧ પછી તે વેળાના અમેરિકન પ્રમુખ જ્યોર્જ બુશે બતાવ્યું હતું.
“ભારત પણ અમારી સાથે રશિયા-ચીન વિરોધી છાવણીનું સભ્ય છે” એવી બારોબાર જાહેરાત અમેરિકન પ્રમુખે કરી ન કરી અને ચીનના વિદેશ પ્રધાને નિવેદન કર્યું કે અમેરિકા જેમ રશિયા સામે યુક્રેનનો ઉપયોગ કરે છે, એમ ચીન સામે ભારતનો ઉપયોગ કરે છે. આ બન્ને નિવેદનો ગંભીર છે અને ચીનના વિદેશ પ્રધાનનું નિવેદન વધારે ગંભીર છે. અમેરિકા ચીન-રશિયા સામેની છાવણીમાં ભારતને પરાણે ઊભું રાખે છે અને નહીં ડગમગવાની ચેતવણી આપે છે તો ચીન એક ડગલું આગળ વધીને ભારતને ચીન વિરોધી છાવણીનો નહીં ડગમગનારો સ્થિર દેશ જાહેર કરે છે. બન્ને નિવેદનો બારોબાર, ભારતની ભૂમિકાની તમા રાખ્યા વિના, પોતાને અનુકૂળ આવે એ રીતે કરવામાં આવ્યાં છે. ભારતે ચીની નિવેદન વિષે પણ આ લખાય છે ત્યાં સુધીમાં કોઈ પ્રતિક્રિયા આપી નથી.
ચીન એક ડગલું હજુ આગળ વધ્યું છે. પાકિસ્તાનમાં ‘ઓર્ગેનાઈઝેશન ઑફ ઇસ્લામિક કોઓપરેશન’ની બેઠકમાં ભાગ લેવા ગયેલા ચીનના વિદેશ પ્રધાને ભારત દ્વારા પ્રતાડિત કાશ્મીરી મુસલમાનો માટે ચીન સહાનુભૂતિ ધરાવે છે, એવું નિવેદન કર્યું. ભારતે આ વિષે પ્રતિક્રિયા આપી છે, પણ ભારતની યુક્રેન સાથેની સરખામણી વિષે એમાં કહેવામાં આવ્યું નથી. જે અભિપ્રાય પુતિનનો યુક્રેન વિષે છે એ જ અભિપ્રાય ચીનનો ભારત વિષે છે. જે અભિપ્રાય અમેરિકાનો યુક્રેન વિષે છે એ જ અભિપ્રાય અમેરિકાનો ભારત વિષે છે. જે ઘટનાઓ બની રહી છે એ ડરાવનારી છે અને ભારતના નેતાઓ સાદી સ્પષ્ટતા પણ કરવાની સ્થિતિમાં નથી. આમ પણ આપણા નેતાઓ સંકટ સમયે મોઢું ફેરવી લેવામાં મહારત ધરાવે છે.
બે વિરુદ્ધ દિશાની નીતિ અપનાવીને રસ્તાની વચ્ચે ઊભા રહો, મૂલ્યવાન સમય વેડફો અને પૂરી તાકાત ચૂંટણીઓ લડવામાં અને પ્રજાકીય વિખવાદ પેદા કરવામાં ખર્ચો તો આવું થાય.
જુઓ, આગળ આગળ શું થાય છે!
પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 27 માર્ચ 2022
![]()


રશિયાએ યુક્રેન પર કરેલી ચઢાઈને મહિનો થવા આવ્યો. આ એક પૂરેપૂરો માનવતાવાદી સંઘર્ષ બની ચૂક્યો છે. પરંતુ પુતિનની જીદને કારણે પેટ્રોલ ડિઝલની કિંમત પર અસરો વર્તાવા લાગી છે. ઈંધણની કિંમતો વૈશ્વિક સ્તરે આસમાને પહોંચી રહી છે કારણ કે રશિયન ઓઇલ અને ગેસની વહેંચણી – વેચાણમાં વિક્ષેપ પણ પડ્યા છે. યુ.એસ.એ.ના પ્રમુખ જો બાઇડેને કરેલી જાહેરાત અનુસાર રશિયન ઓઇલની આયાત પર ત્યાં પ્રતિબંધ મુકાયો છે. રશિયા યુક્રેન સંઘર્ષને કારણે વૈશ્વિક સ્તરે ઊર્જાના સંજોગો પર ઘેરી અને માઠી અસર પડી છે. ખાસ કરીને યુરોપને રશિયા ઓઇલ અને ગેસનો પુરવઠો પૂરો પાડે છે, ત્યારે હાલના સંજોગોમાં રશિયા ધારે તો પોતાના ફોસિલ ફ્યુઅલ – અશ્મિગત ઇંઘણનું જ સશસ્ત્રીકરણ કરી શકે તેમ છે, અને આ કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે માર્કેટ્સ તાણમાં છે. રશિયા યુક્રેનના સંઘર્ષના ઘેરા પ્રત્યાઘાતો જીઓપોલિટિક્સ – ભૌગોલિક રાજકીય સ્થિતિ પર પડી રહ્યા છે અને તે પ્રભાવ લાંબા સમય સુધી રહેશે.
ખૂબ જાણીતા મનોચિકિત્સક સિગમંડ ફ્રોઇડ પણ યુદ્ધવિરોધી હતા અને તેમણે આ વિશે આલ્બર્ટ આઇનસ્ટાઇનને એક પત્ર લખ્યો છે, જે જાણીતો છે; જેમાં યુદ્ધ શા માટે? તેવો પ્રશ્ન ઊભો કરીને તેની ભયાનકતા તેમાં આલેખી હતી. આ પત્ર ‘વિશ્વમાનવ’ સામયિકમાં, 1959ના નવેમ્બરના અંકમાં, પ્રકાશિત થયો છે. તેમાં સિગમંડ ફ્રોઈડ આઇનસ્ટાઇનને લખે છે : “આજની દુનિયામાં ન્યાય એ પશુબળના પાયા પર ઊભેલો છે, ને હિંસા દ્વારા જ નિભાવાઈ રહ્યો છે, એ સત્ય જો ભૂલી જઈશું તો આપણે આપણા તર્કમાં એક પગથિયું ચૂકી ગયા એમ ગણાશે.” સિગમંડ ફ્રોઇડે યુદ્ધનો પ્રશ્ન રાજકીય ગણાવ્યો છે, પણ તેમણે આ પત્રમાં માનવજાતના ચાહક તરીકે આઇનસ્ટાઇનને જવાબ આપ્યો છે. તેઓ લખે છે : “પ્રત્યેક માણસને યુદ્ધની મહામારીનો ચેપ આટલી સહેલાઈથી શી રીતે લગાડી શકાતો હશે? ને તમને લાગે છે કે, માણસ આવા ચેપનો આટલા જલદી ભોગ થઈ પડે છે, તેનું કારણ એ હોવું જોઈએ કે એનામાં સ્વયંસ્ફૂર્ત એવી ધિક્કાર અને ક્રૂરતાની વૃત્તિ પડેલી હોવી જોઈએ. જે તક મળતાં જ વિફરી ઊઠે છે.” સિગમંડ ફ્રોઇડ મનોચિકિત્સક છે અને તે માણસનું દિમાગ અન્ય કરતાં સારી રીતે પારખે છે તેથી તેઓ એવું સ્વીકારે છે કે “માણસજાતમાં રહેલી આ આક્રમક વૃત્તિઓને આપણે કોઈ રીતે કચડી નાખી શકવાના નથી. માણસની આક્રમક વૃત્તિઓને કચડી નાખવાનો કોઈ સવાલ જ ઊભો થતો નથી. આપણે જો કંઈ કરવા વિચારવાનું હોય તો તે એટલું જ કે, એની એ વૃત્તિઓને યુદ્ધ સિવાયના બીજા માર્ગોએ વાળવી શી રીતે?”
તે પછી ફ્રોઇડે તેને લગતા ઉકેલ આપ્યા છે. જેમ કે તેમણે કહ્યું છે કે, “જો આક્રમક ને વિનાશ કરવાની વૃત્તિ માણસને યુદ્ધ તરફ ધકેલી લઈ જતી હોય, તો એની સામા છેડાની વૃત્તિને – અર્થાત્ સર્જનની વૃત્તિને આપણે હાથમાં લેવી જોઈએ.” તે પછી ફ્રોઇડે સત્તાના દુરોપયોગ ન થાય, સ્વતંત્ર વિચાર કરી શકતાં હોય તેવું મોકળું મેદાન મળે તેવી તરફેણ કરી છે. પણ અંતે તેઓ આ સિવાયના કોઈ ઝડપી માર્ગ નથી તેમ કહે છે. જો કે તેમને યુદ્ધની આ વાસ્તવિકતા ખબર હોવા છતાં તેઓ યુદ્ધનો વિરોધ ઉગ્ર રીતે પ્રગટ કરતા હતા. તે વિશે લખતાં તેઓ કહે છે : “આપણા જીવનની બીજી અનેક ઘૃણાજનક વાસ્તવિકતાઓનો આપણે મૂંગા મૂંગા સ્વીકારી લઈએ છીએ, તેમ આનો ય સ્વીકાર કેમ નથી કરી લેતા? એ રીતે જોવા જઈએ તો આ પણ એક કુદરતી વૃત્તિઓનું, જીવશાસ્ત્રના નક્કર પાયા પર ઊભેલી ને લગભગ અનિવાર્ય એવી વૃત્તિઓનું જ પરિણામ છે.”
એ રીતે જાણીતાં શિક્ષણવિદ્ અને સાહિત્યકાર રસેલ બર્નાન્ડે પણ યુદ્ધવિરોધી જાગૃતિ લાવવા ખાસ્સા પ્રયાસ કર્યા હતા. સાહિત્યમાં નોબલ સન્માન મેળવનારા રસેલે હિટલર સામે જંગ છેડવાનું અનિવાર્ય લાગ્યું હતું. તેમને લાગતું હતું કે હિટલર જેવાને ડામવા ભલે યુદ્ધ કરવું પડે. જો કે તેઓ પૂરું જીવન યુદ્ધવિરોધી રહ્યા. તેઓ હિટલરના, સ્ટાલિનવાદના વિરોધી રહ્યા, જેમાં સામ્રાજ્ય ફેલાવવાનો મુખ્ય ધ્યેય હતો. આ ઉપરાંત તેઓ વિયેતનામ યુદ્ધને લઈને અમેરિકાના વિરોધી પણ રહ્યા. વિશ્વમાંથી અણુશસ્ત્રો નાબૂદ થવા જોઈએ તે માટે તેમણે આંદોલન ચલાવ્યું હતું. 1945ના વર્ષમાં તેમણે ‘ધ બોમ્બ એન્ડ સિવિલાઇઝેન’ નામનો એક લેખ લખ્યો હતો. જેમાં તેમણે પરમાણુ બોમ્બની ઘાતકતા વિશે વિગતે ચર્ચા કરી છે. પરમાણુ બોમ્બમાં વપરાતાં યુરેનિયમ વિશે તેઓ લખે છે : “યુરેનિયમ એકાએક ખૂબ જ કિંમતી પદાર્થ બની ચૂક્યો છે. અને હવે દેશો ઓઇલના બદલામાં યુરેનિયમ વિશે લડતાં પણ દેખાશે. હવે પછીના યુદ્ધમાં જો પરમાણુ બોમ્બ બંને પક્ષો દ્વારા ઉપયોગમાં લેવાશે તો તમામ મોટાં શહેરો નેસ્તનાબૂદ થશે, અને એ રીતે જ તમામ વૈજ્ઞાનિક લેબોરેટરીઝ અને સરકારી કેન્દ્રો પણ ધ્વસ્ત થશે. સમૂહમાં રહેતી પ્રજા વેરવિખેર થશે, અને ફરી પાછાં આપણે પાષાણ યુગમાં પાછા ધકેલાશું, જ્યાં કોઈ પણ એટોમિક બોમ્બ બનાવવાની નિપુણતા નહીં ધરાવતા હોઈએ.” ટૂંકમાં રસેલ પરમાણુ બોમ્બથી શું નુકસાન થઈ શકે છે તેનું ચિત્ર આ લેખમાં બતાવ્યું છે.
પ્રથમ વિશ્વયુદ્ધમાં અંગ્રેજ સૈનિક તરીકે હિસ્સો હેન્રી પેચનું એક કોટ અત્યારે વાઇરલ થયું છે. તેઓ કહે છે કે, “યુદ્ધ એ સામૂહિક હત્યા છે, તે સિવાય બીજું કશું નહીં.” આ રીતે યુદ્ધની નિરર્થકતા અનેક સૈનિકોએ પણ અનુભવી છે. 2004માં એક કાર્યક્રમમાં હેન્રી પેચે કહ્યું હતું કે, “યુદ્ધનો અંત આવ્યો ત્યારે મને ખ્યાલ ન આવ્યો કે અમે વિજયી થયા એટલે હું નિરાંતમાં હતો કે પછી હવે મારે પાછું યુદ્ધભૂમિ પર નથી જવું તે કારણે. પાશ્ચેન્ડેલમાં ભીષણ યુદ્ધ થયું હતું. હજારો યુવાનોને મેં મોતને ભેટેલા જોયા. આ બધાથી હું ખૂબ ગુસ્સે થયો. હું ત્યારે જર્મનીના એક સૈનિક સાથે હાથ મીલાવવા ગયો. આ મારી લાગણી છે. અત્યારે તે જર્મન સૈનિક ચાર્લ્સ કુએન્ડઝ 107 વર્ષના છે અને આજે યુદ્ધ વિશે વિચારીએ ત્યારે યુદ્ધનો અર્થ અમે જાણીએ છીએ. મારા માટે, તે એક પરવાનો છે જેનાથી હત્યાઓ કરી શકાય. કેમ મને બ્રિટિશ સરકાર બોલાવીને એવી યુદ્ધભૂમિમાં લડવા માટે મોકલે છે અને એવા વ્યક્તિને મારવાનું કહે છે જેને હું ક્યારે ય મળ્યો નથી, હું તેને જાણતો નથી, હું તેની ભાષા જાણતો નથી. આ બધા જ પોતાનું જીવન હોમી દે છે અને પછી યુદ્ધનો અંત ટેબલ પર આવે છે. અને આ બધાનો મતલબ શું છે?” બેશક એક સૈનિકને યુદ્ધની નિરર્થકતા અલગ કારણસર લાગતી હશે, પણ તે નિરર્થક છે તેટલું ચોક્કસ.