સહુ કહે; એ માનવું અઘરું તો છે;
જૂઠ પણ સ્વીકારવું અઘરું તો છે.
જેનો પડછાયો ય મંજૂર હોય નહિ,
એની સાથે ચાલવું અઘરું તો છે.
જેઓ હાલી નીકળ્યા હલકટ થઈ,
એમને પડકારવું અઘરું તો છે.
આવતીકાલો વિષે પ્રશ્ર્નો ન કર;
કે કશું પણ ધારવું અઘરું તો છે.
હું સૂતેલાંને જગાડું ઢંઢોળી,
જાણું છું; કે જાગવું અઘરું તો છે.
હર પળે રંગો બદલતા બહુરૂપી !
કદ કોઈનું માપવું અઘરું તો છે.
સરઘસો, રેલી અને પાગલપણું,
એથી અળગા થઇ જવું અઘરું તો છે.
ખેસ પ્હેરી જૂઠનો જાહેરમાં,
સત્યને લ્હેરાવવું અઘરું તો છે.
મારું પોતાનું ય કૈં જીવવું પડે,
સહુના જેવું લાગવું અઘરું તો છે.
સ્હેજ હો તો મનને પણ સમજાવીએ,
સાવ પથ્થર થઇ જવું અઘરું તો છે.
રોજ મારી નાગરિકતા તરફડે,
રોજ છાપું વાંચવું અઘરું તો છે.
શાહી ફરમાનો મુબારક હો તને,
એ કહે ત્યાં નાચવું અઘરું તો છે.
ખૈર હો મારા મુલક; તારી હવે,
સત્યને સમજાવવું અઘરું તો છે.
તું ‘પ્રણય’, ઘરબાʼરવાળો શખ્સ છે,
બાળી ઘરને – તાપવું અઘરું તો છે.
તા. ૦૨/૦૬/૨૦૨૨
![]()


રામાયણમાં હનુમાને રાવણની લંકા ફૂંકી હતી, તે વાતને યુગો વીત્યા. તે પછી ફરી એવી સ્થિતિ આવી છે કે શ્રીલંકા ફરી સળગ્યું છે. કોણ જાણે કેમ પણ, રાવણનાં માથાં એટલાં વધ્યાં છે કે આ વખતે શ્રીલંકન પ્રજાએ જ હનુમાનનું કાર્ય કરવાનું આવ્યું છે. એ એટલી ઉશ્કેરાઈ છે કે તે હનુમાનની રાહ જોઈ શકે એમ નથી. પ્રજા એટલી પીડાઈ છે કે તેણે જ સરકારને આગ ચાંપવા માંડી છે. શ્રીલંકન સરકારનો કારભાર એટલો કથળ્યો છે કે તેના રાષ્ટ્રપતિ ગોટબાયા રાજપકસેએ અને વડા પ્રધાન રાનિલ વિક્રમસિંઘેએ રાજકીય પદો છોડવાં પડ્યાં છે. બે દિવસ પર પ્રજાએ વડા પ્રધાનના નિવાસ સ્થાનને આગ ચાંપી દીધી હતી. પ્રજા એટલી ઉશ્કેરાઈ કે તેણે રાષ્ટ્રપતિ ભવનનો કબજો લઈ લીધો ને રાષ્ટ્રપતિને અંગરક્ષકોએ આર્મી હેડ ક્વાર્ટરમાં ખસેડવા પડ્યા. હેડક્વાર્ટરથી તેમણે 13 જુલાઈએ રાજીનામું આપવાની વાત કરી છે. જો ગોટબાયા રાજીનામું આપે ને બધું બરાબર ચાલે તો નવી નિમણૂક એકાદ મહિનામાં થાય એમ બને.
અમેરિકામાં અત્યારે એબોર્શનને લઈને જબરદસ્ત ચર્ચા ચાલી રહી છે. ત્યાંની સુપ્રીમ કોર્ટે, એબોર્શન કરવાના 50 વર્ષ જૂના સંવૈધાનિક અધિકારને ખારીજ કર્યો નાખ્યો છે. મતલબ કે, અમેરિકામાં હવે રાજ્યો ઈચ્છે તો એબોર્શન પર પ્રતિબંધ લગાવી શકે છે. અમેરિકામાં, એબોર્શનની છૂટ કે પાબંધી રાજ્યોનો વિષય છે, પરંતુ 50 પહેલાંના એક સીમાચિન્હ રૂપ કેસમાં, તત્કાલીન સુપ્રીમ કોર્ટ જજોએ એબોર્શન કરવાને સંવૈધાનિક રક્ષણ આપ્યું હતું, જેથી સ્ત્રીને એ અધિકાર મળતો હતો કે તેણે એબોર્શન કરાવવું કે નહીં. હાલના છ કન્ઝર્વેટિવ જજોએ એ ફેંસલાને ઉલટાવી દીધો છે. એટલે, હવે રાજ્ય નક્કી કરશે કે એબોર્શનનો અધિકાર આપવો કે નહીં.