વાર્તા એક :
દાનવ
એણે ચણ ચણી લીધું . . ચાચમાં દાણા ભર્યા. સર સર સર પવન કાપતો પછી એ ચકલો ઉડ્યો. ઘર નજીક આવતું જતું હતું. થોડી જ વારમાં ઘરનું આંગણ ઝાડ દેખાયું, ઝડપ વઘી.
'ભૂખ્યા થયાં હશે ને બાળકો', એને થયું. પણ …. અરે …..
'મારો માળો ક્યાં ? મારાં બચ્ચાં ક્યાં ?'
'….. ચીં ચીં ચીં ચીં …' ભોંય પરથી કણસવાનો અવાજ આવતો હતો.
'અરે, અા શું થયું ? … કોણ આવ્યું હતું અહીં, વાયરો ?'
'….. ચીં ચીં ચીં ચીં …'
'મેહુલો .. ?'
'….. ચીં ચીં ચીં ચીં …'
'ચોપગું .. ?'
'….. ચીં ચીં ચીં ચીં …'
'.. કોઈ દાનવ … ?'
'….. ચીં ચીં ચીં ચીં …'
'.. નક્કી, પેલો બે પગો .. ?'
'………………………..'
બચ્ચાં શાંત થઈ ગયા હતાં …
ચકલો ગમગીન હતો.
પછી …
'પારંગત છે એ તો તોડવામાં … ઘરમાં ફોટો ગાંધીનો અને કામ ગોડ્શેના, સફેદ લિબાશધારી ..' એમ બબડતો ચકલો ફરી ઊડ્યો તણખલાં લેવા.
પણ પહેલાં એણે ચાંચમાંના દાણા ભોંયે ફેંક્યા, થુ થુ થુ થુ ….
•
વાર્તા બે :
કાંચીડો
'આજે દાળ કેમ આટલી બધી પાતળી બનાવી ?' પંચમના ઊંચા સૂરમાં પુત્રે વૃદ્ધ માને ત્રાડ જ નાખી.
'શિલ્પાવહુએ બનાવી છે, આજે …' વૃદ્ધાના અવાજમાં કંપન સાથે ડર પણ ડોકાયો.
'…. જો કે બની છે ખૂબ જ સ્વાદિષ્ટ' પુત્રનો સૂર છેક સરગમના નીચલા 'સા' પર પછડાયો હતો.
તત્કાળ પૂરતો વૃદ્ધાએ નિરાંતનો દમ લીધો, અને મનોમન બબડી 'કાંચીડો ..'
e.mail : gunvantvaidya@hotmail.com