ઝમકુએ ગોબર અને માટીની લીપેલી છ બાય છની હવેલીમાં, જમીન ઉપર ઘાસ પાથરી, તેની ઉપર કંતાનના કોથળામાંથી છાપાંઓ કાઢી અને પાથરીને તેની પથારી બનાવી. પછી ઝટઝટ ખાલી થયેલા તે કોથળામાં કડકડતી પોષી ટાઢમાં થરથર ધ્રુજતા પાંચ વરસના રામલાને ઢબુઢાંકણ કરી જ દીધો. પછી પોતે પણ વહેલી વહેલી બીજા કોથળામાં કાયા સંકેલતી કોક્ડું વળી, રામલાની બાજુમાં જ ભરાઈ ….
ઠંડા પવનના સૂસવાટા ઝૂંપડીની અંદર અને બહાર લગભગ સમાન વેગે પકડાપકડી રમતા હતા.
રામલો વિચારે ચડ્યો હતો.
'આટલી બધી ટાઢમાં ગરીબો કેવી રીતે રહેતા હશે?'
વિચારો ગોઠવવા મથતો રામલો બબડતો હતો.
'હું પણ કાલથી જ કોથળો લઈને જઈશ'.
'છાપાં ભેગાં કરીશ તો જ એમને આપીશને … ? પથારી માટે ….. નહીં તો ઠંડીમાં …. તેઓ ….'
એ વિચારે રામલાની આંખો અંધારામાં પણ ચમકી જ ગઈ.
પછી તો એ વિચાર પાકકો ગોઠવાઈ જ જતાં રામલો તરત ઘસઘસાટ ઊંઘી ગયો.
નાનકડી દીવીએ એક ડૂસકું સાંભળ્યું ……….
ઝૂંપડીમાં ઉછરતી અમીરીની જનેતાનું …….
૨૦-૦૧-૨૦૧૪
![]()


આવળ, બાવળ અને બોરડીની અપાર સમૃદ્ધિ ધરાવતા ભાલપંથકની સૂકીભંઠ ધરતી માથે પારેવાના માળા જેવું પિપરિયા કરીને ગામ રહી ગયું છે. ગામની પંનરહેની વસ્તીમાં કણબી – પટેલના પંનરક ખોરડાં. આ ખોરડા અમથાય અછાના રિયે નંઇ. ગામમાં આંટો મારો એટલે તરત ઓળખાઇ જાય.