ત્રીસમી ઑગસ્ટે સવારે આ લખતી વેળાએ હું સર્વોચ્ચ અદાલતને સલામ તો જરૂર કરવા ઇચ્છું કે એણે સુધા ભારદ્વાજ, ગૌતમ નવલખા, વારાવારા રાવ, વર્નોન ગોન્સાલ્વીઝ અને અરુણ ફેરેરા એ પાંચ નાગરિક કર્મશીલોને પરબારા જેલ ભેગા કરવાની પુણે પોલીસની મનસ્વી ચેષ્ટા પર કામચલાઉ તો કામચલાઉ પણ રોક ફરમાવી છે. દેખીતી રીતે જ, પોલીસ કોશિશ સ્ટૅન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસીજર (એસ.ઓ.પી.) વગરની હતી અને રાષ્ટ્રીય માનવ અધિકાર પંચે સ્વતઃ એ અંગે નોટિસ બજાવવાપણું જોયું છે.
છઠ્ઠી સપ્ટેમ્બરે સર્વોચ્ચ અદાલત વિશેષ સુનાવણી હાથ ધરશે અને પોલીસે પોતાનો કેસ પુરવાર કરવાનો રહેશે. પ્રાપ્ત હેવાલો પ્રમાણે કેસ જો કે લુલો બલકે નકો નકો છે, કેમ કે એણે નાગરિક સમાજ કર્મશીલોને માઓવાદી અગર તો એમની સાથે જોડાયેલા (ખાનગી સંડોવણી ધરાવતા) હોવાની ભૂમિકા લીધી છે. સૂચક બીના જો કે એ છે કે ડિસેમ્બર ૨૦૧૭ ઉતરતે મળેલ એલ્ગાર પરિષદ અને જાન્યુઆરી ૨૦૧૮ બેસતે ભીમા-કોરેગાંવમાં મહાર ફતેહની બસોવરસી ઉજવણી અનુષંગે ચાલેલ હિંસા દોરનો સંદર્ભ આપતી પોલીસે પહેલાં મિલિન્દ એકબોટે અને શંભાજી ભીડેની આગેવાની હેઠળનાં હિંદુત્વ બળોને જવાબદાર માની કારવાઈ હાથ ધરી હતી. કોઈક તબક્કે એ ટાઢી પડી ગઈ, અને હવે નાળચું એકદમ જ એલ્ગાર પરિષદ તરફ વળ્યું છે.

કોલસે પાટિલ અને પી.બી. સાવંત સરખા સન્માન્ય નિવૃત્ત ન્યાયમૂર્તિઓ અને અન્ય કર્મશીલો એલ્ગાર પરિષદના યોજકો પૈકી હતા. પ્રેસ કાઉન્સિલના અધ્યક્ષ રહી ચૂકેલા ન્યાયમૂર્તિ સાવંતે કહ્યું છે કે ભાષણોનું વસ્તુ ‘બંધારણ બચાવો’ હતું તેમ જ મહારાષ્ટ્રમાં હાલ જે દલિત-મરાઠા-ઓ.બી.સી. તનાવ છે તેને બદલે બંધારણીય મર્યાદામાં સૌહાર્દ અને ન્યાયની સ્થાપનાનો મુદ્દો એમાં અગ્રતાક્રમે હતો. આ લખનારને એ ખયાલ છે કે એલ્ગાર પરિષદમાં થયેલાં ભાષણો પૈકી કેટલાંક ઉગ્ર હોઈ શકે છે- બલકે, હતાં. પણ આ ઉગ્રતા પાછળનો તર્કધક્કો બંધારણીય મૂલ્યોના બિનઅમલ અને ગેરઅમલની એકંદર શાસકીય તાસીરને હિંદુત્વ દોરમાં ચડેલ વિશેષ વળ અને આમળાનો હતો. હવે, જૂનની કેટલીએક ધરપકડો અને ૨૮મી ઑગસ્ટની આ ધરપકડો સાથે, શરૂની એકબોટે-ભીડે કારવાઈ સહસા આડી ફાટી છે. સ્વાભાવિક જ, આ પલટા પાછળ રાજકીય-સત્તાકીય સંચાર હોવાનું સમજાય છે. એલ્ગાર પરિષદના યોજકો વતી ન્યાયમૂર્તિ સાવંતે ઠીક જ કહ્યું છે કે આવી પરિષદો અમે હજુ વધુ યોજવા ઇચ્છીએ છીએ કેમ કે સ્વતંત્રતા અને સમાનતાલક્ષી ન્યાયનાં બંધારણીય મૂલ્યો અને પ્રક્રિયાનું શીલ જળવાય તે જરૂરી છે.
દરમ્યાન, સર્વોચ્ચ અદાલતે પરબારી જેલભરતી અટકાવતાં કરેલી ટિપ્પણીઓ વિચારણીય છે. પોલીસને પક્ષે (‘રાજકીય આકાઓ’ એમ વાંચો) કોઈ ઝાઝા વિચાર વગર બલકે બિલકુલ વિચાર્યા વગર(‘નૉન-ઍપ્લિકેશન ઑફ માઈન્ડ’)નો આ કિસ્સો છે તેમ કહેતાં અદાલતે સંકોચ નથી કર્યો. પણ આ સ્વાગતાર્હ નિરીક્ષા સાથે એની એક નુક્તેચીની ગમતે છતે કંઈક અખરી એ પણ અહીં કહી નાખવું જોઈએ. એણે ઠીક જ કહ્યું છે કે જાહેર ટીકાટિપ્પણીની છૂટ એ તો એક અચ્છો ‘સેફ્ટી વાલ્વ’ છે. એ જો સુલભ નહીં હોય તો પ્રેશર કુકર ગમે તે ક્ષણે ફાટશે. આ લખનારને મતે પ્રસ્તુત નુક્તેચીની સાચી છતાં અધલંગડાતી છે. કેમ કે, પ્રેશર કુકર ફાટવાનો ભય નહીં પણ લોકશાહી અન્વયે નાગરિક અધિકારની સહજ સોઈ એ પાયાનો મુદ્દો છે. લોકશાહીનાં શીલ અને સાતત્યને (એને અનુલક્ષી શાસક પક્ષે અપેક્ષિત આણ અને આમન્યાને) વાસ્તે ભયની નહીં પણ સમજની ચાલના જરૂરી છે. ઈટ્સ નૉટ ડન, એટલું કહીએ તે સરકાર વાસ્તે કાફી હોવું જોઈએ.
અહીં સુધા ભારદ્વાજ અને બીજાઓની ન્યાયલક્ષી કીર્તિદા કામગીરી વિશે વિગતે લખવાનો ઇરાદો નથી. માત્ર એટલું જ કહીશું કે અદાલતી મોરચે અને જમીની લડાઈમાં એમના જેવાઓની સક્રિયતાને કારણે કાયદાપોથીમાં સૂતેલી શલ્યા અહલ્યારૂપે સજીવન થાય છે. નાગરિક સમાજ કર્મશીલો કાલિદાસની એ નાયિકાની ભૂમિકા અદા કરે છે જેના પાદપ્રહારે વૃક્ષો ફળફૂલે લચેલાં બની રહે છે.
સરકારોને આવી પ્રજાસૂય કામગીરીમાં સમાંતર સત્તા શો પડકાર અનુભવાય છે. ડિસેમ્બર-જાન્યુઆરી ઘટનાક્રમ સબબ આટલે મહિને કેસ ઊભો કરનાર પોલીસ કહે છે કે શકમંદ તત્ત્વોની આ યાદી તો અમારી પાસે યુ.પી.એ. સરકાર વખતની તૈયાર છે. આ પોલીસ દાવા સાથે પેલી અંગ્રેજી કહેવત પ્રમાણે બૅગમાંથી બિલ્લી બહાર આવી ગઈ છે એમ જ કહેવું જોઈશે. માત્ર, આ બિલ્લી એક નહીં પણ બે છે. પહેલી બિલ્લી તે સરકારમાત્રની તાસીર છે, અને બીજી બિલ્લી તે વર્તમાન સત્તા-પ્રતિષ્ઠાન હેઠળ એને અંગેનો વિચારધારાકીય વાજીકૃત વ્યવહાર છે.
હિંદુત્વ રાજનીતિની દુર્નિવાર નિયતિ કોઈક ને કોઈક શત્રુખોજની છે. ‘ધ અધર’ રૂપે મુસ્લિમ મળી રહે એ અપૂરતું છે. જેમ જૂના વારાના સામ્યવાદીઓની શોધ ગણશત્રુની હોઈ શકતી હતી (સંભારો ઇબ્સનનું નાટક અને સત્યજીત રાયની ફિલ્મ) તેમ હિંદુત્વ રાજનીતિ પણ નવી કે પૂરક શત્રુખોજમાં રાચે છે. વિકાસવિરોધી એ આવો જ એક પ્રયોગ છે. ‘રાષ્ટ્રવિરોધી’ અને ‘ટુકડે ટુકડે ગેંગ’ એ જો નમો શાસનના લાંબા પૂર્વાર્ધની નીપજ છે તો હવે આથમતે ઉત્તરાર્ધે બોલીવુડ બૌદ્ધિક વિવેક અગ્નિહોત્રીની કૃપાએ ‘અર્બન નક્સલ’ એ નવી શત્રુખોજ છે. નાગરિક સમાજ કર્મશીલો છેવાડાના બેજુબાનની જુબાન બને છે. શહેરી મધ્યમવર્ગના કર્મશીલોની આ કામગીરી સબબ એમને અપાયેલ સત્તાશિરપાવ આ દિવસોમાં ‘અર્બન નક્સલ’નો છે. ભાઈ, આ દેશના સત્તામાનસને કોણ સમજાવે કે તમારો ‘શુટિંગ ધ મેસેન્જર’ અભિગમ છાંડો. તમે જેને અર્બન નક્સલ કહો છો એ કર્મશીલ બૌદ્ધિકો એકંદરે હિંસા કેમ અનિવાર્ય બને છે એનું વિશ્લેષણ કરતા હશે, પણ હિંસાગત સક્રિય સંડોવણીમાં એ નથી. ‘હિંદ સ્વરાજ’ પર અંગ્રેજ સરકારે પ્રતિબંધ મૂક્યો ત્યારે ગાંધીની જે પ્રતિક્રિયા હતી એની યાદ આ કલાકોમાં રામચંદ્ર ગુહાએ તાકડે ઠીક આપી છે કે વાસ્તવિક હિંસા એ ગુનો બને છે પણ ટીકાટિપ્પણ તે હિંસા નથી. ગાંધીનાં વચનોની આ મતલબ સંભારીને ગુહાએ સરસ ઉમેર્યું છે કે સુધા ભારદ્વાજ અને બીજાઓને વાસ્તે આ ક્ષણે ગાંધી વરસો પર છોડેલ કાળો ડગલો ચડાવી કોરટ રૂબરૂ થવું પસંદ કરશે.
મુદ્દે, એન.ડી.ટી.વી. પરની રેડ પછી આ કદાચ બીજી મોટી ઘટના છે જ્યારે ‘અઘોષિત કટોકટી’ જેવો પ્રયોગ સ્વાભાવિક જ ચિત્તમાં આવે. એક્સપ્રેસ તો લખે, પણ બોરીબંદરનાં ડાહીફોઈ(ટાઈમ્સ)ને પણ આ ક્ષણે એવું તો પૂછવા જેવું લાગ્યું જ છે કે આપણે કોઈ ‘મેકાર્થી મોમેન્ટ’માંથી તો પસાર નથી થઈ રહ્યા ને.
આપણું જાહેર જીવન, ખાસ કરીને ન્યાય અને સમતાની લડાઈ હાલ એવા મુકામ પર છે કે આવો પ્રશ્ન લાજિમ જ લાજિમ છે. જરીક જુદો સૂર અને એને ‘ડાબેરી’ એવી ઓળખ આપી દસાડા દફતરેથી ધરાર ખરિજ કરવાનો એક સમય અમેરિકી લોકશાહીમાં આવ્યો હતો.
આજે હિંદુત્વને નામે ઉધમાત ને ઉત્પાત(અને સરકારી સૅંક્શન)ના સામાજિક સ્તર પરથી હવે અર્બન નક્સલને નામે સીધી સરકારી ધોંસ તરફ આપણે જઈ રહ્યા છીએ. પ્રશ્ન, સરકારે માત્ર ‘સેફ્ટી વાલ્વ’ની જરૂરત સમજવાનો – અને તે સર્વોચ્ચ અદાલતે ચીંધવાનો – જ નથી. સિતારો સે આગે જહાં ઔર ભી હૈ. આગળ – વધુ આગળ જઈને, ઊંડે – વધુ ઊંડે ઊતરીને સમજસર, સમયસર સંકલ્પબદ્ધ અને સક્રિય થવાનો પ્રજાસૂય પડકાર આ તો છે.
સૌજન્ય : “નિરીક્ષક”, 01 સપ્ટેમ્બર 2018; પૃ. 01-02
![]()


ફાજલભાઈનો નિકટ પરિચય હું આંબલા લોકશાળામાં શિક્ષક તરીકે દોઢ વરસ રહ્યો ત્યારે થયો. ત્યારે તેઓ ગ્રામદક્ષિણામૂર્તિ આંબલાની પ્રાથમિક શાળાના આચાર્ય હતા. એમનો પહેરવેશ એકધારો – ખાદીનાં સફેદ લેંઘો–કફની. એમની ચાલ એકધારી – શાંત અને દૃઢ. એમની કામગીરી એકધારી – શાળામાં એટલા ખૂંપી જવું કે ઘર–પરિવાર ભુલાઈ જાય. એમની દૃષ્ટિ એકધારી – વડીલો પાસેથી શીખતા રહેવું અને પોતાની દૃષ્ટિએ એને શાળામાં યોજતાં રહેવું. એમની ભાવના એકધારી – શાળામાં આવતાં બાળકો(સધ્ધર કે સાધારણ, ઉજળિયાત કે અસ્પૃશ્ય)ને સમાન પ્રેમ આપવો, સમાન કાળજી લેવી. એમનો સંતોષ એકધારો – પોતે કાંઈ બહુ જ્ઞાની નહીં; પણ સમજણ પાકી. એ મુજબ કાર્ય કરવું. કામની મોટાઈ રાખવી નહીં. સૌ સાથે મીઠપથી વર્તવું. ટૂંકા પગારમાં પણ તૃપ્તિનો ઓડકાર ખાતાં રહેવું.