કોઈ સંગીતની દુનિયામાં દંતકથારૂપ સ્થાન મેળવી શકે? મેળવી શકે જો તે અન્નપૂર્ણાદેવી હોય તો
ચાર-ચાર દાયકા સુધી સંગીતની એક પણ મહેફિલમાં ભાગ લીધા વિના કોઈ સંગીતની દુનિયામાં દંતકથારૂપ સ્થાન મેળવી શકે? મેળવી શકે જો તે અન્નપૂર્ણાદેવી હોય તો. તેઓ ક્યારે ય વિસરાયાં નહોતાં, જ્યારે તેમને સાંભળ્યાં હોય એવા જૂજ લોકો આજે ભારતમાં હશે. તેઓ જ્યારે પર્ફોર્મ કરતાં હતાં એ સમયની વીડિયો-ક્લિપ પણ મળતી નથી અને જે મળે છે એ બે-પાંચ મિનિટની છે. આ લખનાર જેવા અનેક લોકો હશે જેઓ અન્નપૂર્ણાદેવીને ચાહે છે, પરંતુ તેમને સાંભળ્યાં નથી. શું રહસ્ય હતું તેમના પ્રત્યેના લોકોના આદરનું એવો પ્રશ્ન થવો સ્વાભાવિક છે.
અન્નપૂર્ણાદેવી મૈહર ઘરાનાના ઓલિયા કહી શકાય એવા સંગીતકાર અને ગુરુ અલ્લાઉદ્દીન ખાન સાહેબનાં પુત્રી હતાં, સરોદવાદક અલી અકબર ખાનનાં બહેન હતાં અને વિશ્વપ્રસિદ્ધ સિતારવાદક રવિશંકરનાં પૂર્વ પત્ની હતાં. એમ કહેવાય છે કે અલ્લાઉદ્દીન ખાન સાહેબ લગભગ બધાં જ વાદ્યો વગાડી શકતા હતા અને એ ખૂબી અન્નપૂર્ણાદેવીમાં ઊતરી હતી. એક પ્રસંગ બહુ જાણીતો છે. એક વાર અલ્લાઉદ્દીન ખાન તેમના પુત્ર અલી અકબર ખાનને સરોદના કેટલાક પાઠ ભણાવીને અને એ મુજબ રિયાઝ કરવાનું કહીને બહાર ગયા હતા. રસ્તામાં કોઈક કામ યાદ આવતાં તેઓ ઘરે પાછા ફર્યા તો તેમના આશ્ચર્ય વચ્ચે અન્નપૂર્ણાદેવી તેમના ભાઈને બાબાએ શીખવેલી તાન યાદ કરાવવામાં મદદ કરતાં જોવા મળ્યાં. બાબાને આશ્ચર્ય થયું કે જે છોકરીને સંગીત શીખવ્યું નથી તે સંગીત શિખવાડવામાં કઈ રીતે મદદ કરી શકે! એ સમય સુધી અલ્લાઉદ્દીન ખાન સાહેબ સ્ત્રીઓને સંગીત શિખવાડવામાં માનતા નહોતા. તેમણે નાનકડી અન્નપૂર્ણાને તેમની રૂમમાં બોલાવ્યાં. અન્નપૂર્ણાદેવીને લાગ્યું કે બાબા ખિજાશે, પરંતુ તેમના આશ્ચર્ય વચ્ચે બાબા અલ્લાઉદ્દીન ખાને તેમના હાથમાં સરોદ આપી દીધી અને શીખવવાનું શરૂ કર્યું. દંતકથારૂપ અન્નપૂર્ણાદેવીનો એ દિવસે જન્મ થયો હતો.
અન્નપૂર્ણાદેવી અને પંડિત રવિશંકરનો પરિચય મૈહરમાં થયો હતો. રવિશંકરના મોટા ભાઈ ઉદયશંકરના બેલે ટૃૂપમાં સંગીત આપવા બાબા તેમની સાથે યુરોપ ગયા હતા જ્યાં રવિશંકરનો પરિચય થયો હતો. રવિશંકરે અલ્લાઉદ્દીન ખાન સાહેબની સંગીતની મહારથ જોઈને બાબા સાથે મૈહર જવાનો અને ત્યાં તેમની પાસે સંગીત શીખવાનો નિર્ણય લીધો હતો અને એ રીતે મૈહરમાં તેમનો અને અન્નપૂર્ણાદેવીનો પરિચય થયો હતો જે પ્રેમ અને લગ્નમાં પરિણમ્યો હતો. એમ કહેવાય છે કે બાબા અલ્લાઉદ્દીન ખાન સાહેબને અન્નપૂર્ણાદેવી અને રવિશંકર લગ્ન કરે એ ગમ્યું નહોતું. પ્રશ્ન હિન્દુ અને મુસલમાન હોવાનો નહોતો, પ્રશ્ન તેજસ્વિતાનો હતો. માત્ર સાંભળીને અલી અકબર ખાનને સરોદ શીખવનાર અને એક કરતાં વધુ વાદ્યો વગાડી શકનાર છોકરીને પુરુષપ્રધાન સમાજમાં રવિશંકર સાંખી શકશે કે કેમ એ વિશે બાબાને શંકા હતી. બન્યું પણ એમ જ. એક વાર દિલ્હીમાં યોજાયેલી એક મહેફિલમાં પંડિત રવિશંકર અને અન્નપૂર્ણાદેવી વચ્ચે જુગલબંદી યોજાઈ હતી જેમાં અન્નપૂર્ણાદેવી છવાઈ ગયાં હતાં. એ પછી બન્ને વચ્ચે ખટરાગ વધતો ગયો હતો. હૃષીકેશ મુખરજીની ફિલ્મ ‘અભિમાન’ પંડિત રવિશંકર અને અન્નપૂર્ણાદેવીના સંબંધ પર આધારિત છે, એમ કહેવાય છે.
એમ કહેવાય છે એમ વારંવાર એટલા માટે કહેવું પડે છે કે અન્નપૂર્ણાદેવીએ એ પછી મોઢું સીવી લીધું હતું, જાહેર કાર્યક્રમો આપવાનું બંધ કર્યું હતું એટલું જ નહીં લોકોને મળવાનું પણ બંધ કરી દીધું હતું. બીજી બાજુ રવિશંકરે તેમની જીવનયાત્રા અને સંગીતયાત્રા વિશે ઘણું લખ્યું છે, પરંતુ અન્નપૂર્ણાદેવી સાથેના સંબંધો વિશે કંઈ જ નથી લખ્યું. અન્નપૂર્ણાદેવી કોઈને મળતાં નહોતાં અને મુલાકાતો આપતાં નહોતાં. તેમના મુંબઈના ઘરની બહાર એક નોટિસ જોવા મળતી. આગંતુકે ત્રણ વાર ડોરબેલ વગાડવાની અને જો જવાબ ન મળે તો નામ અને ટેલિફોન-નબંરની નોટ છોડીને જતા રહેવાનું. આમ છતાં સંગીત શીખવા ઇચ્છનારા વિદ્યાર્થીઓ માટે અન્નપૂર્ણાદેવીનું ઘર ખુલ્લું હતું.
સિતારવાદક પંડિત રવિશંકર અને ઉસ્તાદ વિલાયત ખાનની બરોબરી કરી શકે એવા નિખિલ બૅનરજી અન્નપૂર્ણાદેવીના શિષ્ય હતા. પ્રસિદ્ધ બાંસુરીવાદક હરિપ્રસાદ ચૌરસિયા પણ અન્નપૂર્ણાદેવીના શિષ્ય હતા. મુંબઈ આવ્યા પછી હરિપ્રસાદ ચૌરસિયા ઑલ ઇન્ડિયા રેડિયોમાં નોકરી કરતા હતા અને જ્યારે રાતપાળી હોય ત્યારે શીખવા આવવામાં મુશ્કેલી પડતી હતી. અન્નપૂર્ણાદેવી તેમને રાતે શીખવતાં હતાં. જમાડે પણ ખરાં અને જો રાતની છેલ્લી લોકલ ટ્રેન મળે એમ ન હોય તો હરિપ્રસાદ ચૌરસિયાને પોતાના ઘરે રોકી પણ દેતાં. ચમરબંધીને ન મળનારાં અને પ્રસિદ્ધિથી દૂર ભાગનારાં અન્નપૂર્ણાદેવીનું ઘર વિદ્યાર્થીઓ માટે હંમેશાં ખુલ્લું રહેતું,
અન્નપૂર્ણાદેવી કલાકાર તરીકે વિસરાઈ ગયાં, પરંતુ ગુરુમા તરીકે અમર થઈ ગયાં. સરોદ, સિતાર, બાંસુરી એમ અનેક વાદ્યો વગાડી શકે. જાહેર પર્ફોર્મન્સ આપવાનો ન હોવા છતાં રિયાઝ કરે. પોતાના વિદ્યાર્થીઓને શ્રેષ્ઠ આપવા માટે રિયાઝ કરે. દેશમાં પ્રસિદ્ધ સંગીતકારો અનેક હતા અને છે, ગુરુમા એક જ હતાં.
સૌજન્ય : ‘કારણ-તારણ’, નામક લેખકની કટાર, “ગુજરાતી મિડ-ડે”, 17 અૉક્ટોબર 2018
![]()


મારા જીવનમાં મેં અનેક કર્મશીલોનું સન્માન કર્યું છે, પરંતુ મારા સન્માન-સમારંભમાં હું ખૂબ જ મૂંઝવણ અનુભવું છું અને તે સ્વીકારતાં ખચકાટ થાય છે, પરંતુ આ ટાઉનહૉલમાં ગુજરાતભરમાંથી, બનાસકાંઠાથી, ડાંગ અને પંચમહાલથી, જામનગરથી આવેલા તમામ વર્ગના અને વિવિધ વિચારોવાળા સાથીઓ જોયા, ત્યારે મને ખ્યાલ આવ્યો કે આ સન્માન મારું નથી, પરંતુ ગુજરાતમાં અને સમગ્ર દેશમાં પોતાના જીવન જીવવાના અધિકાર માટે, નવા માનવી માટે સંઘર્ષ કરનારાં લાખોકરોડો ભારતજનોનું સન્માન થાય છે. હું તો માત્ર નિમિત્ત જ છું અને એટલે આપ સૌનો The other Gujarat અને the other Bharatના ગૌરવશીલ માનવીઓનો મને પ્રતીક બનાવવા માટે હૃદયપૂર્વકનો આભાર માનું છું.


૪ … મહુવા-આંદોલન કેમ આટલું મજબૂત બન્યું, તેના ઉપર પણ દૃષ્ટિપાત કરીએ. આંદોલનની શરૂઆત લોકોએ કરી, ખાસ કરીને બહેનોએ. પોતાની તળ (ગ્રાસરુટ) સમજ અને અનુભવ એ તેમની તાકાત હતી. પાણી ઓછું થાય કે પ્રદૂષિત થાય, તો તેમની જમીન બરબાદ થાય. તેમના જીવનનો આર્થિક પાયો ડગમગી ઊઠે. ફૅક્ટરી ઉપરાંત તેમની જમીનો હેઠળનાં ખનીજ (લાઇમસ્ટોન્સ) તો સરકારે નિરમાને આપી દીધા છે. ઉપરની જમીન પણ નિરમા યેનકેન પ્રકારેણ લઈ જાય તો નવાઈ નહીં. જમીન વગરના લોકો ક્યાંયના ના રહે. જમીન તેમના જીવન અને સમાજનું કેન્દ્ર છે. એટલે જ તેમણે સખત વિરોધ કર્યો, એટલું જ નહીં, જમીન વગરના લોકો ક્યાંયના ના રહે. જમીન તેમના જીવન અને સમાજનું કેન્દ્ર છે. એટલે જ તેમણે સખત વિરોધ કર્યો એટલું જ નહીં, નિરમાના ગુંડાઓ અને રાજ્યની પોલીસનો સામનો કર્યો. આંદોલન નીચેથી – લોકોએ શરૂ કર્યું તે આંદોલનની સૌથી મોટી તાકાત. ત્યાર પછી લોકો તેમના ધારાસભ્ય ડૉ. કલસરિયા પાસે પહોંચ્યા અને પોતાની વેદના જણાવી. આ વિસ્તારના સેવાભાવી સર્જનને સત્તારૂઢ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય હોવા છતાં – સમજાયું કે લોકોની વાત સાચી છે અને ધીમે-ધીમે તેમણે આંદોલનનું નેતૃત્વ સ્વીકાર્યું. મજબૂત લડાયક લોકો અને સમજદાર, અભ્યાસી, સંવેદનશીલ, પ્રામાણિક અને અન્યાય સામે લડવાની તૈયારી તેમ જ શક્તિશાળી નેતા તેનો સંગમ થવો એ આંદોલનનું વિશિષ્ટ લક્ષણ અને તેનો મજબૂત પાયો. સાથે મુ. ચુનીકાકા, સનતભાઈ, ઇલાબહેન પાઠક જોડાયાં અને બીજા અનેક આંદોલનના કર્મશીલો પણ જોડાયા. આંદોલનને યોગ્ય અને કમિટેડ વકીલ આનંદ યાજ્ઞિક મળ્યો. એણે સ્થળ ઉપર અને અદાલતમાં મજબૂત લડાઈ આપી અને ગુજરાતમાં જેને ‘લોક-આંદોલન’ કહીએ, તેવું લોક-આંદોલન વર્ષો પછી પેદા થયું અને સરકારના વિકાસના માણસને પડકાર્યું. ગુજરાતમાં જમીનો વિશે કાંઈ પ્રશ્ન નથી કે ઘર્ષણ નથી એવો ઢોલ પિટાવતા નરેન્દ્ર મોદીને સૌથી મોટો પડકાર આપ્યો. ઉદ્યોગો સામે ખેતીવિષયક જમીન અને પાણીનો મહત્ત્વનો પ્રશ્ન ઉઠાવ્યો. આંદોલને પોતાની વૈજ્ઞાનિક ભૂમિકા હજી વધુ સ્પષ્ટ કરવી પડશે અને સાથે-સાથે તેની વિઝિબિલિટી માત્ર, ગુજરાત પૂરતી નહી પરંતુ દેશભરમાં ઊભી કરવી પડશે, જેથી વિવિધ આંદોલનો વચ્ચે સંકલન થાય. આખરે ‘લોકલ વિ. ગ્લોબલ’ની દુનિયામાં જેમ નિરમા ગ્લોબલાઇઝ્ડ ઇકોનૉમીનો ભોગ છે તેમ આ લોક-આંદોલન પણ વૈશ્વિક આંદોલનનો ભોગ બનવું જોઈએ.