ચાર દિવસ પહેલાં ભારતીય જનતા પક્ષ અને કૉન્ગ્રેસ સાથે જોડાણ ધરાવતાં બે વિદ્યાર્થી આગેવાનોએ ગુજરાત યુનિવર્સિટીના એક પ્રોફેસર પર તેમના કાર્યાલયમાં હુમલો કર્યો. આ પહેલાં જૂનની આખરમાં ભા.જ.પ.ના વિદ્યાર્થી સંગઠન અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકરોએ ભૂજમાં ક્રાન્તિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટીના પ્રોફેસરનું મોં તેમના વર્ગમાં ઘૂસીને કાળું કર્યું હતું. કાયદો અને વ્યવસ્થાનો બેબાક ભંગ કરતાં આ બંને ગુનાઈત કૃત્યો છે. તેની વચ્ચે ઓગણીસમી ઑક્ટોબરે પરિષદે એક વિદ્યાકીય પરાક્રમ કર્યું. તેમાં તેણે અમદાવાદ યુનિવર્સિટીમાં એક અભ્યાસક્રમ ભણાવવા માટે નિમંત્રિત જાણીતા ઇતિહાસકાર રામચન્દ્ર ગુહાની વિરુદ્ધમાં રજૂઆત કરી. ભા.જ.પ.ના પ્રખર ટીકાકાર, પર્યાવરણ અને ક્રિકેટના અભ્યાસી, બે બહુ દળદાર ગ્રંથોમાં ગાંધીનું જીવન આલેખનાર ગુહા વિશ્વવિખ્યાત વિદ્વાન છે. પણ તેમણે આ સેલ્ફ-ફાઇનાન્સ્ડ યુનિવર્સિટીમાં આવવાનો ઇન્કાર કર્યો તે પરિષદના વિરોધની સફળતા. ગુહાએ પહેલી નવેમ્બરે રહસ્ય અને સ્નેહમિશ્રિત ટ્વિટ કર્યું કે તેમણે તેમના ‘કાબૂ બહારના સંજોગોને કારણે’ આ ઇન્કાર કર્યો છે. એ સંજોગોની જાણ તેમણે હમણાં ગયા શનિવારે તેમના એક લેખમાં આડ વાત તરીકે કરી. એમાં એમણે એમના અટકાવ માટે ‘હિન્દુત્વવાદીઓને’, ‘સ્થાનિક ગુંડાઓને’ અને ‘દિલ્હીના શક્તિશાળી રાજકારણીઓને’ જવાબદાર ગણાવ્યા.
પરિષદે ગુહા વિરુદ્ધ આપેલાં આવેદનપત્રમાં એમ જણાવ્યું છે કે ગુહાનાં ‘પુસ્તકો તેમ જ લેખો ભારતીય હિન્દુ સંસ્કૃિતનું ખંડન કરતાં તેમ જ રાષ્ટ્રનું વિઘટન કરનાર પ્રવૃત્તિઓને પ્રેરણા આપનાર સાબિત થયાં છે’. આવેદનપત્રમાં જે લખાણોનાં અંશો મૂકવામાં આવ્યા છે તેમાંથી મોટા ભાગના ગુહાના ‘મેકર્સ ઑફ મૉડર્ન ઇન્ડિયા’ ગ્રંથનાં છે. આવેદનપત્રમાં અવતરણોની બહુ સગવડિયા અને સંકુચિત પસંદગી કરવામાં આવી છે. આ ગ્રંથ યુવાનને છાજે તેવા વધુ ખુલ્લા મનથી, હિન્દુ ધર્મ અને સંસ્કૃિતની સંકુચિત સમજથી બહાર નીકળી વંચાવો જોઈએ. સાડા પાંચસો પાનાંના આ સંપાદન-સંકલનમાં, અત્યારનાં લોકશાહી ભારતનું ઘડતર જેમના થકી થયું છે, તેવા જાહેર જીવનના ઓગણીસ પ્રબુદ્ધજનોનાં જીવનકાર્ય અંગેની સરસ નોંધ અને તેમનાં લખાણોનાં મહત્ત્વનાં અંશો વાંચવા મળે. તેમાં દેશના જાણીતા ઘડવૈયાઓ ઉપરાંત, મુસ્લિમ લીગના મોહમ્મદ અલી જિન્હા અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના મહાદેવ સદાશિવ ગોળવલકર પણ છે. તારાબાઈ શિંદે અને કમલાદેવી ચટ્ટોપાધ્યાય છે, સૈયદ અહમદ ખાન, વેરિયર એલ્વિન અને હમીદ દલવાઈ જેવાં ઓછાં જાણીતાં નામ છે. આ મહાનુભવોને કારણે દેશને સમાનતાવાદી બંધારણ, સ્ત્રી-દલિત-આદિવાસી-લઘુમતીના અધિકાર, સાર્વત્રિક શિક્ષણ અને લોકશાહી વિમર્શ મળ્યાં છે. જો કે શાસક ભા.જ.પ.ને આધુનિક ભારતનું આ જ સંવિત્ત જોઈતું નથી, અને એટલે તેને છિનવવા તે જે અનેક હથિયારોનો ઉપયોગ કરે છે, તેમાંથી એક વિદ્યાર્થી સંગઠન છે. તેની સામે બૌદ્ધિક, આર્થિક અને વિદ્યાકીય બળ ધરાવતી અમદાવાદ યુનિવર્સિટીએ સીધી જ શરણાગતિ સ્વીકારી. સંગઠને પત્રની નકલ મુખ્યમંત્રી અને રાજ્યપાલને મોકલી હોવા છતાં, આખા ય પ્રકરણમાં રાજ્યના પેટનું પાણી ય ન હલ્યું.
બીજી બાજુ, દિલ્હીની આમ આદમી પાર્ટીની રાજ્ય સરકાર સંગીતકાર ટી.એમ. કૃષ્ણાના ટેકામાં ઊભી રહી. વાત એમ હતી કે ભા.જ.પ.ના કડક આલોચક અને રૅડિકલ કર્ણાટક સંગીતકાર કૃષ્ણાનો એક કાર્યક્રમ એરપોર્ટ ઑથોરિટી ઑફ ઇન્ડિયાએ, સ્પિક-મૅકે નામની સંગીત પ્રસાર સંસ્થાના ઉપક્રમે, ગયા શનિવારે યોજ્યો હતો. તેને ઑથોરિટીએ ગુરુવારે એકાએક ‘સમ એક્સિજન્સી’ એટલે કે કોઈક તાકીદની જરૂરિયાત એવું અસ્પષ્ટ કારણ આપીને પડતો મૂક્યો. ખરું કારણ એ હતું કે આ મહેફિલની જાહેરાત થતાં સોશ્યલ મીડિયામાં કટ્ટર હિન્દુત્વવાદી ટ્રોલસેના મેદાને ચડી. તેણે કૃષ્ણા ‘જિસસ અને અલ્લા’નાં ગીતો ગાય છે, એ ‘ઍન્ટિ-નૅશનલ’, ‘કન્વર્ટેડ બાયગૉટ’ એટલે કે વટલાયેલો ધર્મઝનૂની અને ‘અર્બન નક્સલ’ છે એવી બૂમરાણથી જે દબાણ ઊભું કર્યું તેની સામે ઑથોરિટી ઝૂકી ગઈ. પણ દિલ્હીની સરકારે એ જ મહેફિલનું નિયત દિવસે વિના મૂલ્ય સફળ આયોજન કર્યું. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે જાહેર કર્યું કે ‘બધા ધર્મ અને બધા વર્ણને સમાવતા વૈવિધ્યસભર સમાવેશક દેશ’ને ટકાવી રાખવા માટે તેમની સરકારે આ પહેલ કરી છે.
પાટનગરનાં ગાર્ડન ઑફ ફાઇવ સેન્સેસમાં અર્ધચન્દ્રના ઉજાસમાં કૃષ્ણાએ બેઠકની શરૂઆત આશ્રમ ભજનાવલીના ‘ઓમ તત્સત્શ્રી નારાયણ તું’થી કરી. પછી તેમણે તુકારામની મરાઠી રચના અને આભડછેટનો ભોગ બનેલા કવિ કનક દાસની કન્નડ રચના ગાઈ. ઇસુ પરના એક મલયાલમ ગીત પછી કટ્ટરવાદીઓથી પીડિત લેખક પેરુમલ મુરુગનની તમિળ રચના સંભળાવી. નગુર સિદ્દિકીના સૂફી ગીત બાદ તેણે ‘વૈષ્ણવ જન’ ગાયું જેમાં પ્રક્ષકો જોડાયા. તમિળ ભાષામાં અદના આદમીના ગીત અને બંગાળી અમર જન્મભૂમિ ગીતો બાદ પછી ‘રઘુપતિ રાઘવ રાજા રામ’થી મહેફિલ પૂરી થઈ. યુ-ટ્યૂબ પર જોવા મળતી આ મહેફિલમાં સમન્વયવાદી કલાકાર કૃષ્ણા મળે છે. તે કર્મશીલ પણ છે. સંગીતમાં કહેવાતા ઉજળિયાત વર્ગની સદીઓ જૂની ઇજારાશાહી તોડીને તેમાં દલિત તેમ જ લઘુમતી વર્ગોને સ્થાન આપવાની તેમની મથામણ છે. પશ્ચિમ ઘાટ બચાવવાની કે આધાર કાર્ડ હઠાવવાની ઝુંબેશમાં કૃષ્ણાએ તેની કલાને જોડી છે. શ્રીલંકાના આંતરવિગ્રહથી પરેશાન લોકોને દિલાસો આપવા તેમણે જાફનામાં દિવસો સુધી મહેફિલો કરી છે. અલબત્ત, ધર્મઝનૂનીઓ દ્વારા તેમની મહેફિલો રદ્દ કરાવવામાં આવી હોય અને ચાહકોના ટેકે તે ફરીથી થઈ હોય એવું પણ બન્યું છે.
વિચાર સ્વાતંત્ર્યના દમનનો તાજેતરમાં બનેલો ત્રીજો કિસ્સો ઓછો જાણીતો કિસ્સો તે દિલ્હી યુનિવર્સિટીમાં કાન્ચા ઇલૈયાનાં પુસ્તકો પરનાં પ્રતિબંધના પ્રયત્નનો છે. ઇલૈયા રાજ્યશાસ્ત્ર, સમાજશાસ્ત્ર અને સબૉલ્ટરન સ્ટડીઝ એટલે કચડાયેલા વર્ગોના અભ્યાસ જેવાં ક્ષેત્રોના વિદ્વાન અધ્યાપક છે, તેમ જ તમિળ અને અંગ્રેજી લેખક છે. તેમનાં ત્રણ પુસ્તકો દિલ્હી યુનિવર્સિટીના રાજ્યશાસ્ત્ર વિષયમાં અનુસ્નાતક સ્તરે ઘણાં વર્ષોથી અભ્યાસક્રમમાં છે. તેમનાં નામ છે : ‘ગૉડ ઍઝ અ પૉલિટિકલ ફિલૉસૉફર : બુદ્ધાઝ ચૅલેન્જ ટુ બ્ર્રાહ્મિનિઝમ’, ‘વ્હાય આઇ ઍમ નૉટ અ હિન્દુ: અ શૂદ્ર ક્રિટિક ઑફ હિન્દુત્વ ફિલૉસૉફી’, અને ‘પોસ્ટ-હિન્દુ ઇન્ડિયા : અ ડિસ્કોર્સ ઑન દલિત બહુજન સોશિયો-સ્પિરિચ્યુઅલ ઍન્ડ સાયન્ટિફિક રેવોલ્યૂશન’. આ પુસ્તકોનાં નામ અને પેટાનામ પણ ઇલૈયાના અભિગમનો અંદાજ આપે છે. યુનિવર્સિટીની સ્ટૅંડિન્ગ કમિટીએ આ પુસ્તકોની ‘વિવાદાસ્પદ સામગ્રી’ને લઈને તેમને અભ્યાસક્રમમાંથી દૂર કરવાનો નિર્ણય કર્યો. તેમાં ‘હિન્દુ ધર્મનું અપમાન છે’ એમ પણ કહેવાયું. જો કે રાજ્યશાસ્ત્ર વિભાગે પોતે સ્ટૅન્ડિન્ગ કમિટીના નિર્ણયનો અસ્વીકાર કરીને પુસ્તકો અભ્યાસક્રમમાં ચાલુ રાખવામાં આવશે એમ જણાવ્યું છે. જો કે અંતિમ નિર્ણયની સત્તા ઍકેડેમિક કાઉન્સિલ પાસે રહે છે. બરાબર એક વર્ષ પહેલાં સર્વોચ્ચ અદાલતે ઇલૈયાના એક પુસ્તક પર પ્રતિબંધ મૂકવા માટેની અરજી ફગાવી દીધી હતી.

ઉપર્યુક્ત ત્રણેય કિસ્સા જેવા બનાવો ભા.જ.પ.ના શાસન દરમિયાન સતત બનતા રહ્યા છે. આ પહેલાંની સરકારો દૂધે ધોયેલી હતી એમ કહેવાનું નથી. પણ તટસ્થ કે મોદી તરફી અભ્યાસીઓ પણ એ સ્વીકારશે એ દમનનું પ્રમાણ ચોક્કસ ઓછું હતું. હિન્દુત્વવાદીઓમાંના સંકુચિત લોકોને પણ લોકશાહીમાં પોતાનો મત ધરાવવાનો, અભિવ્યક્ત કરવાનો, તેના વિશે ચર્ચા-વિમર્શ કરવાનો અધિકાર હોય જ. પણ તેનો અમલ ટોળાંશાહી દ્વારા ન હોય અને શાસનવ્યવસ્થાના સીધા કે આડકતરા ટેકે તો નહીં જ .
*******
22 નવેમ્બર 2018
સૌજન્ય : ‘ક્ષિતિજ’ નામક લેખકની સાપ્તાહિક કટાર, “નવગુજરાત સમય”, 23 નવેમ્બર 2018
![]()


સાહિત્ય અને સંગીતને સહજ રીતે એક સાથે મૂકનારી જૂજ વ્યક્તિઓમાં નિરૂપમા શેઠ અને અજિત શેઠનો સમાવેશ થાય છે. અજિત શેઠના કાર્યક્રમો એટલે પુસ્તક સિવાય સાહિત્યને પામવાનો એક મધુર વિકલ્પ. આ યુગલની કેટલીક મહત્ત્વની સિદ્ધિઓમાં એક સિદ્ધિ તેમના દ્રશ્ય-શ્રાવ્ય કાર્યક્રમોનું આયોજન. સાહિત્યને લોકભોગ્ય બનાવવા દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમનો કલાત્મક વિનિયોગ કરવાની તેમની આગવી સૂઝને કારણે આ કાર્યક્રમોને ખૂબ સરસ પ્રતિસાદ મળતો હતો. આ દંપતીની સાંસ્કૃિતક પ્રવૃત્તિઓની પાછળ એક ચોક્કસ દ્રષ્ટિ રહેલી હતી. કેવળ મનોરંજન દ્વારા પૈસા કમાવાની વૃત્તિ તેમનામાં નહોતી. શિષ્ટ સાહિત્ય અને સુમધુર સંગીત લોકો સુધી પહોંચાડવાની નેમ ધરાવતા આ યુગલે એટલે જ ક્યારે ય ધંધાદારી કાર્યક્રમો કર્યા નહોતા.
‘આંખે કંકુના સૂરજ આથમ્યા’ કેસેટમાં બિનગુજરાતીઓએ ગુજરાતી ગીતો ગાયાં છે. અજિત ભાઈ સાથે થોડાંક વર્ષો પહેલાં થયેલી પ્રત્યક્ષ વાતચીતમાં એકવાર મેં પૂછયું હતું કે, "તમે ગુજરાતીઓ પાસે કેમ નથી ગવડાવ્યું? એ પ્રશ્નના ઉત્તરમાં અજિતભાઈએ જણાવ્યું હતું કે, "ગીતો ભલે બિનગુજરાતીઓએ ગાયાં છે પણ એનું પરિણામ તમે જોયું ને? કેટલું સુંદર ગાયું છે! ગુજરાતીઓને સંગીતના ઊંડાણમાં જવાની, મહેનત કરવાની આદત નથી. હરિહરન, કવિતા કૃષ્ણમૂર્તિ વગેરે સામેથી ફોન કરીને મારી પાસે પ્રેક્ટિસ માટે આવે. એમને કોઈ હેન્ગ અપ્સ નહીં. કોઈ નહીં ગીત બરાબર ન ગવાતું હોય તો નમ્રતાથી એ કહે કે અમને ગીતની બારીક મૂરકીઓ બતાવો. આવી નિષ્ઠા આપણા ગુજરાતી કલાકારોમાં ઓછી જોવા મળે છે.”
કવિ રાવજી પટેલ ખેડૂત પુત્ર હતા. અભાવોમાં જન્મ્યા. ઘર-ગામ સાવ ગરીબડું. ડાકોર પાસેનું વલ્લવપુરા ગામ એ ચરોતરનો છેવાડાનો ભાગ. રાવજીનો જન્મ અને ઉછેર અહીં જ થયો હતો. ત્યાર બાદ કોલેજ ભણવા માટે તેઓ અમદાવાદ ગયા. ત્યાં ભણે ને સાથે નોકરી કરે, પરંતુ ૨૮ વર્ષની સાવ નાની વયે ટી.બી.નો રોગ થયો જેમાંથી એ ઊભા ન થઈ શક્યા. ક્ષય રોગમાં સાવ યુવાન વયે અવસાન પામ્યા. રાવજીનાં કાવ્યોમાં કૃષિ જીવન અને નગર જીવન બન્ને ધબકે છે. ગામડું, ખેતર, સીમ, શેઢો, વગડો ઇત્યાદિનાં તાજગીભર્યાં કલ્પનો દ્વારા કવિતામાં એ ગ્રામ્ય જીવનનો અહેસાસ કરાવે છે. એમનાં કાવ્યોમાં ગામડું છૂટ્યાની વેદના અને નગરમાં ગોઠવાઈ ન શક્યાની પીડા વ્યક્ત થઈ છે. નગરની વેદના અને ગામડાંનો ઝુરાપો એમનાં ઘણાં કાવ્યોમાં વ્યક્ત થયો છે.