શું કહેવું, સર્વોચ્ચ અદાલતના વડા ન્યાયમૂર્તિ ગોગોઈને, સિવાય કે ઈટ્સ નૉટ ડન, મિ. લૉર્ડ!
એક મહિલા કર્મચારી જ્યારે કામના સ્થળ પર જાતીય સતામણીની ફરિયાદ વાસ્તે જહાંગીરના અદ્દલ ઇન્સાફી ઘંટ શી સર્વોચ્ચની ડેલીએ ધા નાખે ત્યારે બચાડી કીડી પર જાણે કે કટક આખું ઊતરી પડે એવું જે વરવું દૃશ્ય દેશે આ દિવસોમાં જોવાનું આવ્યું તે આપણા પ્રજાસત્તાકની એકંદર અનવસ્થા વિશે આયનાથી કમ નથી. (કુદરતી ન્યાયના સિદ્ધાંતની આવી ઘોર અવમાનના અને અવગણના વખતે સાંભરતો પેરેલલ કટોકટીમાં હેબિયર્સ કોર્પસનો હક્ક રહેતો નથી એવી સુપ્રીમ ભૂમિકાનો છે.)
સર્વોચ્ચ અદાલતે ખુદ ૨૦૧૩ના કાયદા મુજબ, કામના સ્થળે મહિલા કર્મચારીની જાતીય શોષણની ફરિયાદ અંગેની સમિતિ અને સંરચનાની જોગવાઈ કરવાપણું આ પૂર્વે જોયું નથી; અને ન્યાયતંત્રે પોતે કારોબારી સત્તાથી જ નહીં પણ કાયદાથી ય પર અને ઉપર હોય એવી તાસીર પ્રગટ કરી છે તે નિઃસંશય છે. પૂર્વે, પોલીસને ગણવેશમત્ત ગુનાખોર કહેવાનું કે પોતાને કાયદાપારના ટાપુ લેખતી રાજકારણી જમાતની ટીકા કરવાનું બન્યું છે, પણ ન્યાયતંત્રની સર્વોચ્ચ સપાટીએ સુધ્ધાં આ પ્રકારની ટિપ્પણી કરવાનું બને તે વસમા દિવસનાં એંધાણ છે.
મહિલા કર્મચારીએ ધા નાખી ત્યારે, ગમે તેમ પણ, બે વાને સમ્યક્ વિવેક વિનાવિલંબ અને વિનાવિવાદ અપેક્ષિત હતો : એક તો, કુદરતી ન્યાયને ધોરણે એને અવકાશ અપાવો જોઈતો હતો. બીજું, વડા ન્યાયમૂર્તિએ, કેમ કે પોતાની સીધી સંડોવણી હતી, પંડે તપાસથી તત્કાળ ખસી જવાની તાકીદ હતી. (વિશાખા માર્ગદર્શિકાની ટઈડપઈડ તો ખેર છોડો.)
વડા ન્યાયમૂર્તિએ એકદમ જ – ન દલીલ, ન વકીલ, ન અપીલ – આ મહિલાની ફરિયાદ પૂંઠે કાવતરું સૂંઘતી છલાંગ ભરી. ભલા સાહેબ, છેવટે એટર્ની જનરલ વેણુગોપાલનાં એ હિતવચનો તો કંઈ નહીં તો રહેમ રાહે કાળજે ધરવા’તાં કે તપાસ સમિતિ પર બહારનું કોઈક સભ્ય રાખો.
અને સરકાર, શું કહેવું એને! તરત એણે એટર્ની જનરલ વેણુગોપાલ પર દબાણ આણ્યું કે તમે વડા ન્યાયમૂર્તિને આપેલી આ લેખી સલાહ સરકાર તરફથી નહીં પણ વ્યક્તિગત રાહે (એટલે કે અનૌપચારિક અગર બિનસત્તાવાર) હતી એવી સ્પષ્ટતા કરો.
હાલના સૌ ન્યાયમૂર્તિઓને મુકાબલે આ ક્ષેત્રે સિનિયરમોસ્ટ તરીકે પણ સન્માન્ય (ઉંમર વર્ષ ૮૮) એટર્ની જનરલ વેણુગોપાલે હમણે હમણે એક-બે એવી ચૂક કરી હતી જે એમના સરખા અનુભવજ્યેષ્ઠ અને ઉચ્ચપદારૂઢની ગરિમાને બિનચૂક હાણ પહોંચાડે. રફાએલ પ્રકરણમાં એમણે ‘ચોરાયેલા દસ્તાવેજો’ અદાલતમાં લક્ષમાં ન લેવાય એવી ભૂમિકા લીધી હતી, અને પાછળથી ફેરવી તોળ્યું હતું કે આ કિસ્સો ચોરીનો નથી. જે છે તે ફોટો કૉપી છે. સાફ સમજાય છે કે ચૌર્યશૌર્યની એમની દલીલ સરકારી તાણ ને દબાણ હેઠળ હશે. (છેલ્લા કિસ્સામાં, એમણે તપાસમાં ‘બહારના સભ્ય’ની જરૂરતનો મુદ્દો આગળ કર્યો તે અંતરાત્માનો સહજોદ્ગાર હતો અને પાછો ખેંચ્યા જેવું કર્યું તે સરકારશ્રીનું વાજિંત્ર હતું, એમ જ માનવું રહ્યું.) મતદારોએ પાર્ટી ફંડના નાણાસ્રોત જાણવાની શી જરૂર, એવી જે અજબ જેવી માસૂમિયત આ અનુભવજ્યેષ્ઠે સત્તાવાર પ્રગટ કરી હતી તેમાં પણ સરકાર (વત્તા રાજકીય અગ્રવર્ગ લગભગ સમસ્ત)નું દબાણ જ કામ કરી ગયું જણાય છે. નહીં કે એટર્ની જનરલનો અંતરાત્મા આ સૌ મુદ્દે એમની સાથે હશે – બને કે નાક પર પાણી આવવામાં હોય, અને કદાચ એમનું રાજીનામું પણ.
વડા ન્યાયમૂર્તિને સાચવી લેવાનું સરકારી વલણ જે પણ કારણસર હોય, શીર્ષકથી જ વાતનો છેડો વાળવો રહે છે – ઈટ્સ નૉટ ડન, મિ. લૉર્ડ !
મે ૧૨, ૨૦૧૯
સૌજન્ય : “નિરીક્ષક”, 16 મે 2019; પૃ. 16
![]()


સત્તરમી લોકસભા માટેના મતદાનની પ્રક્રિયા હવે ઉપાન્ત્ય તબક્કો વટી ચૂકી છે ત્યારે મળતા નિર્દેશો આગલા રાઉન્ડની જેમ જ ત્રિશંકુ લોકસભાનો સંકેત આપે છે. મોદી ભા.જ.પ. સૌથી મોટા પણ ચોખ્ખી બહુમતી વગરના પક્ષ તરીકે ઉભરે ત્યારે કેવુંક ચિત્ર સરજાશે એ અલબત્ત અનુમાનનો વિષય છે. ત્રણેક દાયકા પર રાજીવ ગાંધી અને કૉંગ્રેસ સૌથી મોટા પણ બહુમતી વગરના પક્ષ તરીકે ઊભર્યાં ત્યારે એમણે ભલે ગણતરી સરની પણ ગરવાઈભેર એવું વલણ લીધું હતું કે જનાદેશ અમારા પુનઃ સત્તારોહણ માટેનો નથી. ત્યાર પછી વિશ્વનાથ પ્રતાપસિંહના નેતૃત્વમાં બહારથી ભા.જ.પ. અને સી.પી.એમ.ના સમર્થનપૂર્વકની સરકાર બની હતી એનો જાગ્રત વાચકોને ખયાલ હોય જ. ધારો કે મોદી ભા.જ.પ. આવા સંજોગોમાં મુકાય તો તે શું કરશે?
હમણાં આપણે બે મિનિટ પહેલાં મૌન પાળ્યું … ૧૯૪૮માં એક સાંજે, આ સમયે, એક વૃદ્ધ માણસ, બે વ્યક્તિના સહારે રસ્તો પસાર કરી રહ્યો હતો અને એક શખ્સે વૃદ્ધ માણસના દુર્બળ શરીરમાં ત્રણ ગોળી ધરબી દીધી. એ શખ્સને આ ઘરડા માણસથી નફરત હતી? એક જર્જરિત કાયાથી નફરત હતી? શું તે આ ઘરડા માણસને જ મારવા માગતો હતો કે તેનું લક્ષ્ય બીજું જ કંઈક હતું? એ જર્જરિત દેહને મારવા નહોતો માગતો, એના નિશાને એક વિચાર હતો, એક સ્વપ્ન હતું, એક ઉમ્મેદ હતી, એક ભરોસો હતો; જેનું નામ ગાંધી હતું. પણ એ સ્વપ્ન, આશા, ઉમ્મેદ, ભરોસો, સિદ્ધાંત કે સત્યને ગોળીથી ઠાર મારી શકાતાં નથી. ગાંધી હયાત છે, અને એ વાતની મારા-તમારા કરતાં એ લોકોને વધારે ખબર છે, જે લોકો ગાંધીને નફરત કરે છે. એમનામાં હિંમત નથી કે જે ગાંધીની તેમણે હત્યા કરાવી, એ ગાંધી, જેમના દરેક આદર્શ, દરેક સિદ્ધાંતની તેઓ વિરુદ્ધમાં હતા અને છે; તેની સામી છાતીએ આવીને, દુર્દશા કરી શકે. હજી પણ તેમણે રાજઘાટ ઉપર હાથ જોડીને ઊભા રહેવું પડે છે. આ એવાં ઉંદરડાંઓ છે જે ગાંધીના પગ ધીમે ધીમે કટક-બટક કાપી રહ્યાં છે અને આશા રાખી રહ્યા છે કે આવનારાં બસો-ત્રણસો વર્ષમાં આ પ્રતિમાનું કદ ઘટાડવામાં તેઓ સફળ થશે. પણ એમ થવાનું નથી. એ એટલા માટે કે ગાંધી દરેકનાં દિલમાં, દરેકના વિચારોમાં ઓછા કે અધિક, પણ દરેક હિન્દુસ્તાનીના હૃદયમાં જીવતા છે.