આવું બનશે એની કોઈએ કલ્પના નહોતી કરી, પરંતુ એવી ઘટના જ્યારે બની જ ગઈ છે તો તેના સંકેતો અને સૂચિતાર્થો સમજી લેવા જોઈએ. સાવ હિંદુ કોમવાદીઓને ભરોસે બેસી રહેવા જેવું નથી. રવિવારે વડા પ્રધાને દેશની જનતાને ઉદ્દેશીને ‘મન કી બાત’ કરી તેને ૭૪ હજાર લાઈક્સ મળી અને પાંચ લાખ કરતાં વધુ ડિસલાઈક્સ મળી. એમ કહેવાય છે કે વિદ્યાર્થીઓ ધપાધપ ડિસલાઈક્સ મારતા હતા. શિક્ષણની, શિક્ષણસંસ્થાઓની, અર્થતંત્રની અને રોજગારીની હાલત ખરાબ છે. એટલી ખરાબ છે કે તરુણોને અને યુવાનોને પોતાનું ભવિષ્ય ધૂંધળું ભાસે છે. તેઓ ડરી ગયા છે અને તેમણે તેમનો ક્રોધ ‘મન કી બાત’ ઉપર ઠાલવ્યો હતો.
આને ગંભીરતાથી લેવા માટે બે કારણ છે. એક તો એ કે યુવાનોએ વડા પ્રધાનની ‘મન કી બાત’ને ટાર્ગેટ કરી જે નરેન્દ્ર મોદીનું દેશની પ્રજા સાથે તાર જોડવાનું માનીતું સાધન છે. વડા પ્રધાનનો ઑપેરા છે. તેઓ કાંઈક એવું માને છે કે તેઓ દેશ સમક્ષ બોલતા નથી, દેશ તેમના દ્વારા બોલી રહ્યો છે. તેઓ દેશનો અવાજ છે, દેશની વાચા છે, દેશનો ધબકાર છે, દેશના અરમાન છે, દેશનું સપનું છે, વગેરે. આવું તેઓ માને છે અને તેમના ભક્તો તો તેમનાં કરતાં પણ વધારે માને છે. શ્વાન પત્રકારો બાકીની પ્રજા આવું માને એ માટે પ્રયત્નો કરે છે. ટ્રોલ્સ સવાલો કરનારાઓને અને પ્રજાની આંખ ઉઘાડનારાઓને ધમકાવવાનું અને ગાળો દેવાનું કામ કરે છે. ટૂંકમાં એક પ્રકારનું મીઠુંમધુરું આભાવર્તુળ તેમણે ‘મન કી બાત’ દ્વારા રચ્યું છે જેને કોઈ ભેદી ન શકે.
પણ એ ભેદાયું. રવિવારે આખા દેશના આશ્ચર્ય વચ્ચે યુવાનોએ ‘મન કી બાત’ને ટાર્ગેટ બનાવી. આનું એક કારણ એ પણ ખરું કે હજુ બે દિવસ પહેલાં વડા પ્રધાને મોરને ચણ ખવડાવવા માટે પાંચ પાંચ વાર કપડાં બદલ્યાં હતાં. અહીં હાથરૂમાલ ખરીદવાના પૈસા નથી ત્યાં મોરને ચણ ખવડાવવામાં વડા પ્રધાન પાંચ વાર કપડાં બદલે એ દૃશ્ય પણ યુવાનોના રોષનું કારણ હોવું જોઈએ. આ ઘટનાને ગંભીરતાથી લેવા માટેનું બીજું કારણ એ કે ‘મન કી બાત’ને ટાર્ગેટ કરવાનો કોલ કોઈએ યુવાનોને કે વિદ્યાર્થીઓને આપ્યો નહોતો. વોટ્સેપ કે સોશ્યલ મીડિયાના બીજા પ્લેટફોર્મ્સ પર કોઈ મેસેજ નહોતો ફર્યો કે ‘મન કી બાત’ને ડિસલાઈક કરીને ટાર્ગેટ કરવાની છે. આનો અર્થ એ કે યુવાનોનો રોષ સ્વયંસ્ફૃર્ત હતો અને એ વધારે ગંભીર છે. વોર્નિંગ બેલ છે. વડા પ્રધાને હવે પ્રજાને રાજી રાખવાની નવી નવી તરકીબો શોધવાની જગ્યાએ પ્રજાના કલ્યાણ માટેના કોઈ તરીકાઓ શોધવાની જરૂર છે.
આવું ૧૯૭૪માં બન્યું હતું. અચાનક એક દિવસ ગુજરાતમાં વિદ્યાર્થીઓ બહાર આવી ગયા. એ પછી બિહારમાં અને પછી અન્યત્ર. એ વરસો પણ અત્યારની જેમ આર્થિક સંકટનાં વરસો હતાં અને સાચી વાત તો એ છે કે અત્યારનો સમય ૧૯૭૦ના દાયકા કરતાં અનેકગણો વધારે વિકટ છે. આખું જગત સંકટગ્રસ્ત છે અને એમાં ભારત તો જગતનો સૌથી મોટો યુવાનોનો દેશ છે. રળી શકનારા અને રળવા માગનારા સૌથી વધુ હાથ ભારતમાં છે. એમને માટે ભારત સરકાર પાસે શું યોજના છે? એમના ભવિષ્યની બાબતે ભારતના વડા પ્રધાને શું કહેવાનું છે? જે યોજનાઓ વડા પ્રધાને તેમની પહેલી મુદ્દત દરમ્યાન જાહેર કરી હતી એનું શું થયું? હવે તો તેને યાદ પણ કરવામાં આવતી નથી. યુવાનોને સમજાઈ ગયું છે કે તેમનું ભવિષ્ય અનિશ્ચિત છે. આ ખાનગીકરણના યુગમાં જેની પાસે પૈસા નહીં હોય તેમને સારું શિક્ષણ મળવાનું નથી અને ભણ્યા પછી રોજગારી પણ મળવાની નથી.
ભવિષ્ય વિશેનો ભય ૧૯૭૪માં રસ્તા પર જોવા મળેલો. ૧૯૭૧ની સામાન્ય ચૂંટણીમાં ઇન્દિરા ગાંધીની કૉન્ગ્રેસને લોકસભાની કુલ ૫૧૮ બેઠકોમાંથી ૩૫૨ બેઠકો મળી હતી. ૧૯૭૧ના ડિસેમ્બર મહિનામાં પાકિસ્તાનનાં બે ફાડિયાં કરીને અને બંગલાદેશને સ્વતંત્ર કરીને ઇન્દિરા ગાંધી દુર્ગાની ઉપાધિ પામ્યાં હતાં અને ઉપડ્યાં ઉપડતાં નહોતાં. એ ઇન્દિરા ગાંધીને માત્ર બે જ વરસમાં યુવાનોના રોષનો પરિચય થયો હતો. એ સમયે ઇન્દિરા ગાંધીએ પણ ઘડીક રડવાના, ઘડીક સ્ત્રી તરીકે અબળા હોવાના, ઘડીક ભારત સામેનાં કાવતરાંના, ઘડીક પ્રજાને પારો ચડાવવાના સોંગ સજ્યાં હતાં; પણ એક પણ તરકીબ કામમાં નહોતી આવી.
વાસ્તવિકતાઓનો સામનો તરકીબોથી નથી થતો. વળી એ યુગના સંકટ કરતાં અત્યારનું સંકટ અનેકગણું વિકરાળ અને બિહામણું છે. બીજું, ઇન્દિરા ગાંધી જરૂર પડ્યે તરકીબ વાપરતાં હતાં એ ખરું, પણ પૂરાં સમયનાં તરકીબબાજ નહોતાં, જ્યારે નરેન્દ્ર મોદીની એક માત્ર મૂડી તરકીબ છે. ત્રીજું, ઇન્દિરા ગાંધી પાસે આવડતની દૃષ્ટિએ એકથી એક ચડિયાતા પ્રધાનો, સલાહકારો અને અધિકારીઓ હતા, જ્યારે અહીં તો એનો પણ અભાવ છે. આવી બીલો એવરેજ કેબિનેટ આજ સુધી જોવા નથી મળી.
તો વાતનો સાર એટલો કે વડા પ્રધાને હવે તરકીબોનો આશરો છોડીને પ્રજાકલ્યાણના તરીકાઓ શોધવા જોઈએ. પેલી ઉક્તિ છે ને કે થોડા લોકોને લાંબો સમય બેવકૂફ બનાવી શકાય, ઘણા લોકોને થોડો સમય બેવકૂફ બનાવી શકાય પણ બધાને બધો સમય બેવકૂફ ન બનાવી શકાય.
પ્રગટ : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 03 સપ્ટેમ્બર 2020
![]()


હાલના કોરોનાકાળમાં તહેવારો અને ધાર્મિક-સામાજિક મેળાવડા મર્યાદિત હાજરીમાં યોજાય છે ત્યારે આ વરસનો શિક્ષક દિવસ પણ કદાચ બંધ શાળા-કોલેજોના માહોલમાં વિધાર્થીઓની પ્રત્યક્ષ હાજરી વિના મનાવાય એમ બની શકે છે. પણ તેનાથી ગુરુ-શિષ્યના પરસ્પરના પ્રેમ અને આદરમાં ફેર નહીં પડે.
પાંચમી સપ્ટેમ્બર ૧૮૮૮ના રોજ તમિલનાડુની રાજધાની ચેન્નઈથી ૪૦ માઈલ દૂરના ગામ તિરુતાનીમાં ડો.રાધાકૃષ્ણન્નો જન્મ થયો હતો. વડવાઓનું ગામ તો સર્વપલ્લી, જે પછી કુળનામ બની રહ્યું. નિમ્ન મધ્યમવર્ગીય બ્રાહ્મણ કુટુંબના આ બાળકને એમના તહેસીલદાર પિતા ભણાવવાને બદલે મંદિરના પૂજારી બનાવવા માંગતા હતા. પણ તેઓ ભણીગણીને હિંદુ તત્ત્વજ્ઞાનના મહાન વિદ્વાન અને મુઠ્ઠી ઉંચેરા દાર્શનિક બન્યા! ડો.રાધાકૃષ્ણન્નું લગભગ સઘળું શિક્ષણ ખ્રિસ્તી મિશનરી શાળા કોલેજોમાં થયું અને પછી તેઓ ‘ધી હિંદુ વ્યૂ ઓફ લાઈફ’ જેવો ગ્રંથ રચી શક્યા તેમાં ખ્રિસ્તી મિશનરી શિક્ષણ સંસ્થાઓના મુક્ત વાતાવરણને યશ અપાય છે, તો મિશનરીશાળાઓમાં હિંદુ ધર્મને ઉતરતા ધર્મ તરીકે ભણાવાતો હતો તેની કિશોર-યુવાન રાધાકૃષ્ણન્ના ચિત્ત પર પડેલી છાપનું પરિણામ પણ માનવામાં આવે છે.
ડો. રાધાકૃષ્ણન્ કોરા વિદ્વાન કે નિરસ શિક્ષક નહોતા. તેઓ વિધાર્થી પ્રિય અધ્યાપક હતા. શું દેશમાં કે શું વિદેશમાં તેઓ હંમેશાં વિધ્યાર્થીઓના પ્રીતિપાત્ર રહ્યા હતા. અઘરો મુદ્દો અને જટિલ વિષય તેઓ સરળતાથી અને રસપૂર્વક વિધાર્થીઓને સમજાવી શકતા હતા. તેમના વર્ગખંડો વિદ્યાર્થીઓથી ચિક્કાર રહેતા, તેનું આ મુખ્ય કારણ હતું. શિક્ષણ અને સમાજ ડો. રાધાકૃષ્ણન્ના જીવન સાથે સતત વણાયેલા રહ્યા. ૮મી ઓકટોબર ૧૯૫૫ના રોજ ઉપરાષ્ટૃપતિ રાધાકૃષ્ણન્ને ગુજરાત યુનિવર્સિટીના પદવીદાન સમારંભને દીપાવ્યો હતો, તે પ્રસંગે દીક્ષાંત પ્રવચન આપતાં તેમણે કહ્યું હતું કે, ‘મારા જીવનનાં ચાળીસથી વધારે વરસો હું શિક્ષક રહ્યો છું. અને તમને કહેવા માંગું છું કે વિદ્યાર્થીઓમાં બુનિયાદી કોઈ જ ખરાબી નથી. આપણે તેમને તક જ આપતા નથી. જે એમનો અધિકાર છે. મોટામોટા બંધો બાંધવાનો કોઈ જ અર્થ નથી જો આપણે જે માણસો પેદા કરીશું તે નાના હશે.’
સર્વોચ્ચ અદાલતના અપમાનના મામલે પ્રશાંત ભૂષણના નહીં ઝુકવાના વલણને લીધે તેમને ઉમળકાથી વધાવવામાં આવ્યા. ક્યાંક તો તેમની સરખામણી ગાંધીજી ને મેન્ડેલા સાથે પણ થઈ. અલબત્ત, ખુદ પ્રશાંત ભૂષણે તેને અસ્થાને ગણાવીને એવી સરખામણીઓથી બચવા કહ્યું. લોકમાનસની આ એક મુશ્કેલી છે. તે થોડું સારું જુએ ત્યાં સર્વાંગસંપૂર્ણ નાયકત્વનું આરોપણ કરવા તત્પર હોય છે. સામેનું પાત્ર સભાન ન હોય તો તેને પણ ધીમે ધીમે આવી ટેવ પડવા માંડે છે અને ‘હોઉં તો હોઉં પણ ખરો’ એવું લાગે છે. પ્રશાંત ભૂષણ અત્યાર લગી તેનાથી બચેલા રહ્યા છે તે રાહતની વાત છે.