નાહી સિર પર ફિર ભંવરે રે,
કમલ સમઝ નહીં નાદાન મોહે…નાહી
મોહે સંગ આવત, કાહે સતાવત,
પીછે ન આ તુ ગુમાની રે.
લટ છટકા કે દૂર કરુંગી,
સિસ ન ઘુમ હમરે …કમલ સમઝ
સખીઅન આવો, મોહે છુડાવો,
ભવરે ને કર દી દીવાની રે.
બરજોરી એ તો મોહે કરત હયે,
મોરે બાલ છુટત સગરે… કમલ સમઝ
પીલુ રાગમાં ગવાતી આ ઠુમરી ૧૯મી સદીની છેલ્લી પચ્ચીસીમાં મુંબઈ શહેરમાં ભજવાયેલા અને પુસ્તિકા રૂપે છપાયેલા નાટકમાં એક સ્ત્રીપાત્ર ગાય છે. આ સ્ત્રીપાત્ર કોણ હશે? ગમે તેટલું માથું ખંજવાળીએ તો પણ મોટે ભાગે જવાબ ન મળે. એ નાટકનું નામ છે : ’શકુંતલાનો ઊરદુ ઓપેરા : તમામ ગાયન રૂપી ખેલ, ઊરદુ રાગ રાગનીમાં.’ એટલે કે આ ઠુમરી ગાય છે શકુંતલા. આ નાટકના બનાવનાર કહેતાં લેખક છે નસરવાનજી મેરવાનજી ખાનસાહેબ.
એક જમાનામાં અમેરિકાને દુનિયાનું મેલ્ટિંગ પોટ કહેવામાં આવતું. ૧૯મી સદીના હિન્દુસ્તાનનું મેલ્ટિંગ પોટ હતું મુંબઈ. દેશના અને દુનિયાના જુદા જુદા ભાગમાંથી આવીને અહીં લોકો વસ્યા હતા. તેમનાં ‘વતન’, ભાષા, ધર્મ, જીવન જુદાં જુદાં હતાં. ક્યારેક તેને કારણે સંઘર્ષ પણ થતો, જેને એ જમાનામાં ‘હુલ્લડ’ કે ‘દંગલ’ કહેવાનો રિવાજ હતો. પણ એકંદરે આ બધા લોકો હળીમળીને, સંપીને રહેતા. એટલું જ નહિ તેમની વચ્ચે ભાષા, સાહિત્ય, રંગભૂમિ, નાટક, સંગીત વગેરેમાં લેવડદેવડ થતી રહેતી.
આ નાટક આવી લેવડદેવડનો એક મજેનો દાખલો છે. તેમાં પાંચ સાંસ્કૃતિક પરંપરાનો સુમેળ સધાયો છે. આ નાટકનાં કથાનક, પાત્રો કવિ કાલિદાસના અભિજ્ઞાન શાકુન્તલ નાટકનાં છે. અને તેનાં મૂળ મહાભારતના આદિપર્વમાં છે, એટલે કે સંસ્કૃત સાહિત્યની પરંપરાનાં છે. એની ભાષા હિન્દુસ્તાની – આજે આપણે જેને ઉર્દૂ કહીએ છીએ – છે. પણ એ ભાષા છપાઈ છે ગુજરાતી લિપિમાં. એના લેખક ખાનસાહેબ પારસી છે. અને નાટકનું સ્વરૂપ પશ્ચિમના ઓપેરાનું છે. અને આ નાટક એ જમાનામાં છપાયું છે એટલું જ નહિ, ભજવાયું છે, સફળતાથી ભજવાયું છે. આજે કોઈને સવાલ થાય કે દુષ્યંત શકુંતલા જેવાં પાત્રો ઉર્દૂ બોલે એ કેવું લાગે? પ્રેક્ષકો એ અપનાવી શકે? પીટર બ્રુક્સના નાટકમાં મહાભારતનાં પાત્રો અંગ્રેજી બોલે એ આજે આપણે જેમ સ્વીકારીએ છીએ તેમ એ વખતનો પ્રેક્ષક પણ આવી વાત સ્વીકારી લેતો.
આજે મુંબઈની રંગભૂમિ ગુજરાતી, મરાઠી, હિન્દી, અંગ્રેજી, વગેરેમાં વહેંચાઈ ગઈ છે. નાટક લખનારા અને ભજવનારાઓ વચ્ચે થોડી લેવડદેવડ થતી રહે, પણ એ દરેકનો પ્રેક્ષક વર્ગ અલગ અલગ છે. એ વખતે એવું નહોતું. પારસીઓ ભજવે તે નાટક જોવા બિન-પારસીઓ પણ જતા. મરાઠી નાટકો બીજી ભાષા બોલતા લોકો પણ જોતા. આ નાટક જેવાં હિન્દુસ્તાની નાટક જોવા ગુજરાતી, પારસી, મરાઠી, ઉર્દૂભાષી અને બીજા લોકો પણ જતા. ૧૯મી સદીનાં છેલ્લા ૨૫ વરસમાં અને ૨૦મી સદીની પહેલી પચ્ચીસી દરમ્યાન આ સ્થિતિ હતી. અને આવું કાંઈ નાટકની બાબતમાં જ થતું એવું નહોતું. શિક્ષણ, સમાજ સુધારો, સાહિત્ય, પત્રકારત્વ, નાટક ઉપરાંત બીજી કલાઓ, બધાં ક્ષેત્રોમાં જુદા જુદા વર્ગના લોકો ભેગા મળીને કામ કરતા. એ જમાનાનું મુંબઈ સાચા અર્થમાં ‘કોસ્મોપોલિટન’ શહેર હતું.

શકુંતલા અને બે સખીઓ − રાજા રવિ વર્માનું ચિત્ર
ખેર, આપણે ‘શકુંતલાનો ઊરદુ ઓપેરા નાટક’ તરફ પાછા વળીએ. છે તો છાપેલાં ૨૬ પાનાંનું નાટક પણ અહીં બધું જ પદ્યમાં, ગીતમાં કહેવાયું છે. એટલે આ ૨૬ પાનાં ભજવતાં સહેજે ચાર-પાંચ કલાક તો લાગતા હશે. કારણ અહીં બાર જેટલાં નાનાં-મોટાં પાત્રો છે. ભૈરવી, ઝિંઝોટી, પીલુ, જોગિયા, બિહાગ, ખમાજ, કાફી, જેવા શાસ્ત્રીય સંગીતના રાગોમાં ગવાતાં ગીતો છે. એક ગીત ‘લ્યુસી નીલ’ નામના અંગ્રેજી ગીતની ચાલ પ્રમાણે પણ ગાવાનું છે! (એ વખતનાં ઘણાં પારસી-ગુજરાતી નાટકોમાં આવાં અંગ્રેજી ચાલનાં ગીતો મૂકવામાં આવતાં.) નાટકમાં ઠુમરી, હોરી, ગઝલ, દાદરા, તરાના, પદ, લાવણી, મરસિયા(!), જેવા ગેય પ્રકારો છે. આખા નાટકને બે જ ‘બાબ’(અંક)માં સમાવ્યું છે, બંને અંકમાં છ-છ ‘પરદા’ (દૃશ્યો) છે. એ વખતના રિવાજ પ્રમાણે અહીં એક આખું દૃષ્ય ‘કોમેડી’ કે ‘ફારસ’નું પણ છે. આવું કોઈ દૃષ્ય કાલિદાસના શાકુન્તલ નાટકમાં નથી. ખાનસાહેબ એ ક્યાંથી લઈ આવ્યા એ જાણી શકાયું નથી. તો બીજી બાજુ કાલિદાસના શાકુન્તલનો સૌથી વધુ જાણીતો અને હૃદયસ્પર્શી એવો કન્યાવિદાયનો પ્રસંગ અહીં છે જ નહિ! પુસ્તક કોટ વિસ્તારની પારસી બજાર સ્ટ્રીટમાં આવેલ ‘જહાંગીર બેજનજી કરાણી ચોપડી વેચનારે’ પ્રગટ કર્યું છે.

દુષ્યન્તને પત્ર લખતી શકુંતલા – ટપાલ ટિકિટ પર
આ ખાનસાહેબ હતા કોણ? પારસીઓ વિશેના એનસાઈકલોપીડિયા જેવા ‘પારસી પ્રકાશ’માં એક નાનકડો ફકરો જોવા મળે છે. એ પ્રમાણે ૧૮૮૨ના માર્ચની ૨૦મી તારીખે માત્ર ૨૯ વર્ષની ઉંમરે તેઓ બેહસ્તનશીન થયા. એટલે કે તેમનો જન્મ ૧૮૫૩માં થયો હોય. પિતાનું નામ જમશેદજી રતનજી બેલગામવાલા. ખાનસાહેબ વનસ્પતિ શાસ્ત્ર(બોટની)ના અને હિન્દુસ્તાની ભાષાના જાણકાર હતા. ‘આરામ’ ઉપનામથી તેમણે હિન્દુસ્તાની નાટકો લખ્યાં છે. ઉપરાંત પારસી ગુજરાતીમાં તેમણે ‘મેહર મસ્તની મુસાફરી’ નામનું પુસ્તક પ્રગટ કર્યું હતું. જે સર્વાન્ટિસની જગવિખ્યાત નવલકથા ‘દોન કિહોટે’નું પારસી પાત્રો અને સુરતની ભૂમિકા ધરાવતું રૂપાંતર હતું. ‘શકુંતલાનો ઊરદુ ઓપેરા’ વાંચ્યા પછી આપણે કહી શકીએ કે તેઓ હિન્દુસ્તાની ઉપરાંત સંસ્કૃત, અંગ્રેજી, ગુજરાતી, ભાષા-સાહિત્યના તથા આપણા શાસ્ત્રીય સંગીતના અચ્છા જાણકાર હોવા જોઈએ.
વધુ ખાંખાખોળાં કરતાં બીજી કેટલીક હકીકતો પણ જાણવા મળે છે. ખાનસાહેબનાં બે પ્રકારનાં નાટક જોવા મળે છે. એદલજી ખોરીએ પહેલાં પારસી ગુજરાતીમાં લખેલાં નાટકોના હિન્દુસ્તાની ભાષામાં કરેલા અનુવાદ. આવાં નાટકોમાં સોને કે મોલ કી ખુરશેદ (૧૮૭૧), નૂરજહાં, જહાંગીર, મજહબે ઇશ્ક, બકાવલી-તાજૂલમલૂક, ગુલબકાવલી, હાતિમ (બધાં ૧૮૭૨), જાલમજોર (૧૮૭૬)નો સમાવેશ થય છે. આ નાટકો ભજવાતાં પણ બંને ભાષામાં. તેમનાં મૌલિક હિન્દુસ્તાની નાટકોની પ્રકાશન સાલ મળતી નથી પણ તેમાં આ નાટકોનો સમાવેશ થાય છે : ગુલવાસવનોવર, છેલબટાઉ મોહનારાની, પદમાવત, લાલો ગૌહર, ચંદ્રાવલી, વગેરે. શકુંતલા ઉપરાંત ખાનસાહેબે બીજાં ઓપેરા પ્રકારનાં નાટકો લખ્યાં છે. બદરેમનીર-બેનઝીર તેમનું પહેલું ઓપેરા. બીજું ઓપેરા જહાંગીરશાહ-ગૌહર જે ૧૮૭૪માં પ્રગટ થયું. અને ત્રીજું આ શકુંતલા, જેની ભજવણીની કે પ્રકાશનની સાલ હજી સુધી મળી નથી. પારસી નાટક મંડળીએ પૂનામાં ભજવેલ ‘ઇન્દ્રસભા’ નાટક જોયા પછી અન્નાસાહેબ કિર્લોસ્કરને મરાઠીમાં સંગીત નાટક લખવાનો વિચાર આવ્યો. ૧૮૮૦માં ભજવાયેલું તેમનું ‘સંગીત શાકુન્તલ’ મરાઠીનું પહેલું સંગીત નાટક. પછી તો વર્ષો જતાં એ પરંપરા ખૂબ સમૃદ્ધ થઈ. પણ મોટે ભાગે તેમના ‘સંગીત શાકુન્તલ’ પહેલાં ખાનસાહેબનું ‘શકુંતલાનો ઊરદુ ઓપેરા’ નાટક લખાયું અને ભજવાયું. કારણ ૧૮૭૬ પછી લખાયેલું તેમનું કોઈ નાટક મળતું નથી. અને ૧૮૮૨માં તો તેમનું અવસાન થયું છે.

ખાનસાહેબનું બીજું એક પુસ્તક
ખાનસાહેબે જેમનાં ગુજરાતી નાટકોના હિન્દુસ્તાની અનુવાદ કર્યા તે એદલજી જમશેદજી ખોરીનો જન્મ ૧૮૪૭માં. હજી ભણવાનું ચાલુ હતું ત્યારે બીજા બે પારસી મિત્રો સાથે મળીને ‘અરેબિયન નાઈટસ’નો ગુજરાતી અનુવાદ બે દળદાર ભાગોમાં ૧૮૬૫માં પ્રગટ કરેલો. ૧૮૬૯માં વિક્ટોરિયા નાટક મંડળીએ નાટક માટે હરીફાઈ જાહેર કરી ત્યારે ૩૦૦ રૂપિયાનું પહેલું ઇનામ ખોરીના ‘રુસ્તમ અને સોહરાબ’ નાટકને મળેલું અને તેથી એ મંડળીએ ભજવેલું, અને ૧૮૭૦માં એ મંડળીએ જ છાપીને પ્રગટ કરેલું. ખોરીનું આ પહેલું નાટક. ‘ખોદાબક્સ’ ૧૮૭૧માં ઝોરાસ્ટ્રિયન નાટક મંડળીએ ભજવેલું અને ખોરીએ પોતે પ્રગટ કરેલું. એ જ વર્ષે વિક્ટોરિયા નાટક મંડળી માટે તેમણે ‘સોનાનાં મુલની ખોરશેદ’ લખ્યું જેનો હિન્દુસ્તાની અનુવાદ બેહરામજી ફરદુનજી મર્ઝબાને કરેલો તે વિક્ટોરિયાએ ભજવેલો અને પ્રગટ કરેલો. હિન્દુસ્તાની (ઉર્દૂ) ભાષામાં ભજવાયેલું આ પહેલવહેલું નાટક. આ ઉપરાંત તેમણે બીજાં ત્રણ-ચાર નાટક લખ્યાં જેના હિન્દુસ્તાની અનુવાદ ખાનસાહેબે કર્યા અને ભજવાયાં. પણ પછી ખોરીની કારકિર્દીએ અણધાર્યો વળાંક લીધો. તેઓ કાયદાના અભ્યાસ માટે ઇન્ગ્લંડ ગયા અને ૧૮૮૨માં બેરિસ્ટર બન્યા. પહેલાં સિંગાપુરમાં અને પછી ઇન્ગ્લંડમાં પ્રેક્ટિસ કરી, પણ નાટક સાથેનો સંબંધ સદંતર તૂટી ગયો. ૧૯૧૭ના જૂનની ૧૦મી તારીખે ઇન્ગ્લંડમાં જ તેઓ બેહસ્તનશીન થયા.

ભજવાઈ રહેલું એક પારસી-ગુજરાતી નાટક
પારસી નાટક મંડળીઓ પારસી ગુજરાતી નાટકો ભજવતી હતી, ક્યારેક ‘શુદ્ધ’ ગુજરાતી નાટક અને અંગ્રેજી નાટક પણ ભજવી લેતી. પણ તેમણે હિન્દુસ્તાની નાટકો ભજવવાનું કેમ શરૂ કર્યું? બે મુખ્ય કારણ. એક તો મુંબઈમાં પ્રેક્ષકોના વધુ મોટા સમૂહ સુધી પહોંચવા માટે. મુસ્લિમો ઉપરાંત એ જમાનામાં ઘણા પારસીઓ અને હિંદુઓ પણ ઊર્દૂ ભાષા જાણતા હતા. પોર્ટુગીઝો અને અંગ્રેજોના આગમન પહેલાં દેશના ઘણા મોટા ભાગની દરબારી અને કાનૂની ભાષા હિન્દુસ્તાની હતી. એટલે ઘણા લોકો માટે ભલે થોડી ઘણી, પણ આ ભાષા જાણવાનું જરૂરી હતું. આવા લોકો ગુજરાતી કે અંગ્રેજી ઉપરાંત હિન્દુસ્તાની નાટકો જોવા પણ આવે તો પ્રેક્ષકો વધે. બીજું, ઘણી પારસી નાટક મંડળીઓ દર વર્ષે મુંબઈની બહાર, ખાસ કરીને ઉત્તર અને પૂર્વ ભારતમાં, નાટકો ભજવવા માટે પ્રવાસે જતી. વિક્ટોરિયા અને બીજી એક-બે મંડળી તો પરદેશના પ્રવાસે પણ જતી. આવા પ્રવાસો દરમ્યાન માત્ર ગુજરાતી નાટકો ભજવવાને બદલે સાથે હિન્દુસ્તાની નાટકો પણ ભજવ્યાં હોય તો વધુ આર્થિક લાભ થાય. બીજું કારણ એ કે હિન્દુસ્તાની નાટકોમાં વિવિધ પ્રકારનાં સંગીત અને નૃત્યને વધુ અવકાશ હતો અને તેનાથી આકર્ષાઈને પણ પ્રેક્ષકો આવી શકે. એટલે વિક્ટોરિયા નાટક મંડળી પછી બીજી પારસી મંડળીઓ પણ હિન્દુસ્તાની નાટક ભજવવા લાગી.
આ લખનારે હિન્દુસ્તાની નાટકોનાં લગભગ પચાસ પુસ્તક મેળવ્યાં છે. તેમાંનું એકેએક ગુજરાતી લિપિમાં છપાયું છે. તેમાંનાં ઘણાં પુસ્તકોનાં પૂંઠા અને ટાઈટલ પેજ પર છપાયું હોય છે : ‘ઝબાને ઊર્દૂ બ હર્ફે ગુજરાતી’. એટલે કે ભાષા ઉર્દૂ, પણ લિપિ ગુજરાતી. આમ કેમ? ઉર્દૂ જે લિપિમાં લખાય છે તેમાં જોડાક્ષર મળીને લગભગ ૨૦ હજાર જેટલા અક્ષરો વપરાય છે. ૧૯૮૧ પહેલાં ઉર્દૂ છાપવા માટેના ટાઈપ (ફોન્ટ) જ બની શક્યા નહોતા. એટલે ત્યાં સુધી લિથોગ્રાફ (શિલાછાપ) પદ્ધતિથી ઉર્દૂ લખાણ છાપવું પડતું. આ માટે પહેલાં પુસ્તકનું એક એક પાનું લહિયા પાસે ખાસ જાતના પોચા પથ્થર પર લખાવવું પડતું અને પછી તેના વડે છાપકામ કરવું પડતું. આ આખી પ્રક્રિયા ખર્ચાળ અને વધુ સમય માગી લે તેવી હતી. વળી એવા પણ ઘણા લોકો હતા જે હિન્દુસ્તાની ભાષા જાણતા, પણ તેની લિપિ નહિ. મુવેબલ ટાઈપ વાપરીને ગુજરાતી છાપકામની શરૂઆત મુંબઈમાં તો છેક ૧૮મી સદીના છેલ્લા દાયકામાં થઈ ગઈ હતી, અને પારસીઓ તેમાં અગ્રણી હતા. એટલે, હાજર સો હથિયાર કરીને તેમણે આ ઉર્દૂ નાટકો ગુજરાતી લિપિમાં છાપ્યાં.
XXX XXX XXX
E.mail : deepakbmehta@gmail.com
![]()





પહેલો સવાલ, આપણે ઘણી વાર કહીએ છીએ, ગાંધીનું ગુજરાત આ વાક્ય મને મૂંઝવે છે. ગુજરાતને ગાંધીનું કેદી બનાવી દેવામાં આવે છે. ગાંધીનું ગુજરાત એટલે જો હિંસા થઈ હોય કોમી તો કહે કે ગાંધીના ગુજરાતમાં તો આવું ન થાય! અરે ભાઈ, ગાંધીનો ઇજારો છે ગુજરાત પર? ગાંધીના ગુજરાતમાં નશાબંધી તો હોવી જ જોઈએ? શું કામ? ગુજરાતમાં હોવી જોઈએ એ જુદી વસ્તુ છે. પણ ગાંધીના ગુજરાતમાં? એટલે એમ કહેવાથી ‘ગાંધી’, ગુજરાતને મુક્ત કરવાને બદલે ‘ગુજરાત’-નું બંધન થઈ પડે. એટલે ‘ગાંધીનું ગુજરાત’ એ વાક્યનું વિશ્લેષણ, અંગ્રેજીમાં કહીએ તો એનું diconstruction શું? એનો અર્થ શું? અને એનો અને એની સાથે આવતો સવાલ : ગુજરાતમાં ગાંધીપણું, ગાંધીમાં ગુજરાતીપણું કેટલું હતું? આજ સુધીમાં મારી નજરે એના આ બે વિષયો ઉપર એક પણ લેખ લખાયો નથી, એનું શું કારણ? એ તો સાહિત્યકાર જ જવાબ આપશે. પણ એ અંગે મારે સહેજ અંગુલિનિર્દેશ કરવો છે. ગાંધીમાં એવું શું દેખાય છે કે આપણે કહીએ કે આ તો ગુજરાતી વાણિયા છે અથવા તો આ ગુજરાતની જ પેદાશ હોઈ શકે. ગાંધીજીની અંદર ગુજરાતની અસર હોવાની જ. જીવનનાં પહેલાં સત્તર વર્ષ એમણે ગુજરાતમાં ગાળ્યાં. રાજકોટ અને પોરબંદરની વચ્ચે. એને લઈને ગુજરાતની સંસ્કૃતિ જે હોય, ગુજરાતની સમાજપદ્ધતિ, વર્ણ-વ્યવસ્થા, ગુજરાતની ધાર્મિકતા, ખાસ કરીને એમની માતાનો પ્રણામી સંપ્રદાય કે જેમાં હિન્દુઓનો ધર્મ અને મુસલમાનોનો ધર્મ, બંનેને સરખી રીતે સ્વીકારવામાં આવે છે, એણે એમના પર ઊંડી અસર કરેલી. એટલે આ ગુજરાત એ એમની સાથે જોડાય છે પાયારૂપે. પણ એમના ઘડતરમાં આનો ફાળો બહુ મર્યાદિત છે. ઇંગ્લૅન્ડ જાય છે ત્યારે કંઈક અંશે ઇંગ્લૅન્ડ, લંડનનો. કંઈક વધારે અંશે દક્ષિણ આફ્રિકાનો કે જ્યાં એમણે એકવીસ વર્ષ ગાળ્યાં. જેટલાં સૌરાષ્ટ્રમાં ગાળ્યાં હતાં પછી એના કરતાં વધારે તેમણે દક્ષિણ આફ્રિકામાં ગાળ્યાં. લંડનમાં જ્યારે જાય છે ત્યારે ત્યાં મૅડમ બ્લેવેટ્સ્કીની થિયોસોફીની મોટી મૂવમેન્ટ ચાલતી હતી. ત્યાં ગાંધીને અવારનવાર પૂછવામાં આવતું કે મોક્ષ એટલે શું? તમારો ધર્મ શું કહે છે? આટલા બધા ઈશ્વર તમારી પાસે? એમની પાસે કોઈ જાતનો જવાબ નહોતો. અને એમણે એમની આત્મકથામાં લખ્યું છે કે હિન્દુ ધર્મ વિશે સામાન્ય માણસ, સામાન્ય હિન્દુ જે થોડુંઘણું બા-બાપુજી પાસેથી મેળવતો હોય છે એ સિવાય મારી પાસે બીજું કંઈ હતું નહીં. ત્રિમૂર્તિ એટલે શું છે? ક્રિશ્ચિયનોની trinity છે. God the Father, God the Son, God the Holy Spirit. બ્રહ્મા, વિષ્ણુ, મહેશ એ પ્રકારના છે કે બીજું કંઈક છે? શું છે? કંઈ કરતાં કંઈ ખ્યાલ નહીં. પહેલી જ વાર ત્યાં Edwin Arnoldનો The Light of Asia વાંચે છે. પોતાના ધર્મ વિશે પહેલી વાર અભિમાન અને સદ્ભાવ જાગે છે. એમણે લંડનમાં એમ પણ કહ્યું છે કે લંડનના શરૂઆતના મહિનામાં તો મેં મારો ધર્મ ગુમાવ્યો, મારો ઈશ્વર ગુમાવ્યો, વિશ્વાસ જ નહોતો બેસતો. અને ખાસ કરીને હિન્દુ તરીકે મારી જે મજાક ઉડાવવામાં આવતી’તી, ટીકાઓ થતી’તી ત્યારે મને થયું કે આ ધર્મમાં હું ક્યાંથી જન્મ્યો? – એને બદલે એમાંથી ધીરે ધીરે બહાર નીકળે છે. અને પોતે હિન્દુ છે તેનું અભિમાન થાય છે. અભિમાન કોને લઈને? પેલા બહારના માણસો કહે છે એટલે. પણ એ જ ગાળામાં, જ્યારે પોતાનો ધર્મ એ શોધે છે તે જ વખતે ખ્રિસ્તી ધર્મની પણ અસર થતી જાય છે, અને ગાંધીજીના જીવનમાં હિન્દુ ધર્મ અને ખ્રિસ્તી ધર્મ બંનેને એકસાથે શોધવાનો આ એક જબરજસ્ત પ્રસંગ છે, જેથી કરીને હિન્દુ ધર્મને એ ખ્રિસ્તીની નજરે જુએ છે અને ખ્રિસ્તી ધર્મને હિન્દુની નજરે જુએ છે. એટલી હદ સુધી કે છેલ્લે સુધી કોઈ કહી શકતું નથી કે આ માણસ સાચા અર્થમાં હિન્દુ છે કે ખ્રિસ્તી હિન્દુ છે. તમને ખ્યાલ હશે ૧૯૩૬માં શંકરાચાર્યે મોટી ચળવળ શરૂ કરી હતી. બ્રિટિશ ગવર્નમેન્ટની સામે દોઢ લાખ માણસોની અરજી રજૂ કરી હતી કે ગાંધીજીને નૉન-હિન્દુ તરીકે જાહેર કરો. ગાંધી સાઉથ આફ્રિકા જાય છે ત્યારે, ત્યાં જે નહોતી એ રાજકીય શક્તિ એમનામાં આવે છે. રંગભેદ અનુભવ એમને થાય છે. લડવું જરૂરી છે. સત્યાગ્રહની શોધ થાય છે. અને આ બધી સામગ્રી લંડન, સાઉથ આફ્રિકાથી લઈને આવી આ માણસ ભારતમાં ફરતો ફરતો, ભારતમાંથી ઊભો થાય છે. દુનિયાને શોધે છે. અને એ દુનિયામાંથી શોધેલું લઈને હિન્દુસ્તાનમાં આવે છે અને ત્યાર પછી ગાંધી કદી હિન્દુસ્તાન છોડતા નથી. સિવાય ‘રાઉન્ડ ટેબલ કૉન્ફરન્સ’ માટે એક વાર; તમે જે ટાગોરનો ઉલ્લેખ કર્યો એ તો સમજવા જેવો છે કે આપણા દેશના નેતાઓમાં મને કોઈ પણ નેતા ધ્યાનમાં નથી કે દુનિયાની જેણે આટલી બધી મુસાફરી કરી હોય. દર વર્ષે ક્યાંક ને ક્યાંક ટાગોર વિદેશ જતા. ગાંધીજી ક્યાં ય નહીં. આ જ મારી કર્મભૂમિ છે. અહીંયાં જ મારે રહેવાનું છે. ખૂબ આગ્રહ કર્યો ત્યારે ૧૯૩૧ની અંદર એ ‘રાઉન્ડ ટેબલ કૉન્ફરન્સ’માં લંડન ગયા.
એટલે ઘણા એમ કહે છે, ગાંધી અને ટાગોર વચ્ચેની સરખામણીમાં, કે ટાગોર સાહિત્યના માણસ છે, એ ખોટી વાત છે, કારણ કે ગાંધીજી એટલા જ સાહિત્યના માણસ હતા. એટલો જ એમનો ઊંડો રસ હતો. એટલું જ નહીં, પણ એ માણસે છ પુસ્તકો લખ્યાં. એમાં ‘હિન્દ સ્વરાજ’ છે કે ‘દક્ષિણ આફ્રિકા સત્યાગ્રહનો ઇતિહાસ’ છે કે ‘ગીતાબોધ’ છે. આ બધું એમણે ગુજરાતીમાં લખેલું. એ બધું લખ્યું એમણે. એટલું જ નહીં, પણ એમણે અનુવાદો કેટલા બધા કર્યા. વિલિયમ સૉલ્ટનું એક પુસ્તક હતું, ‘Ethical Religion’ એનો મુદ્દો એ છે કે કોઈ પણ religionનું હૃદય છે તેના એથિક્સમાં, મેટાફિઝિક્સમાં નથી. ગાંધીજીને ગમ્યું. તરત એમણે કર્યો ગુજરાતીમાં અનુવાદ, Ruskinનું ‘Unto This Last – ગુજરાતીમાં અનુવાદ!, ‘સર્વોદય.’ પ્લૅટોની ‘Apology’. એ પુસ્તકમાં સૉક્રેટિસને સત્તાવાળા લોકો હેમલોક ઝેર પીવાનું કહે છે. સૉક્રેટિસ પોતાની જાતનો બચાવ કરે છે. આ લોકોએ કહ્યું કે તારા દેશની ટીકા કરવા બદલ તારે ક્યાં તો મરવું પડશે, ક્યાં તો દેશ છોડીને ચાલ્યો જા. દેશ તો હું ન છોડી શકું. મરીશ તો અહીંયાં. આ જ મારું છે ઘર. એ પ્લૅટોની Apologyનો એમણે ગુજરાતીમાં અનુવાદ કર્યો. સારું કોઈ વાંચવાનું આપે તો તરત એનો ગુજરાતીમાં અનુવાદ. ક્યાં તો પુસ્તકરૂપે, ક્યાં તો એમના ‘Young India’ કે ‘નવજીવન’ કે ‘Indian Opinion’ એમાં લેખોરૂપે અનુવાદ કરતા રહે.
ત્રીજો સવાલ લઈએ. આજના ગુજરાતમાં સાહિત્યકાર, સાહિત્યનું સ્થાન શું? અથવા તો પેલો ભારી શબ્દ વાપરો તો સાહિત્યકારની જવાબદારી શું? મારી નજરે આનો જવાબ આ રીતે આપી શકાય. ગુજરાત એ હકીકત નથી. ગુજરાત તો સર્જન છે. It’s an idea. જેમ આપણે The idea of India કહીએ છીએ તેમ ગુજરાત એક સ્વપ્ન અથવા દર્શન (Vision) છે, It is an historical construction. આપણી પાસે અનેક રજવાડાંઓ હતાં. અલગ અલગ ઇતિહાસ એનો, અલગ અલગ ભૂગોળ. આ બધાં ભેગાં કરીશું તો ગુજરાત ભેગું થશે. એટલે ગુજરાતનું તો સર્જન કરવાનું છે અને સતત રોજ રોજ થતું રહ્યું છે. કોઈક વાર લાગે કે ગુજરાતનો જન્મ થઈ રહ્યો છે. કોઈક વાર લાગે છે કે ના, એનું મૃત્યુ થઈ રહ્યું છે. આ બધા ભાગોને ભેગા કરવા, અને એક સમગ્ર ગુજરાતની કલ્પના ઊભી કરવી, એ સાહિત્યકારનું કામ છે. અને એ આખા ગુજરાતની કલ્પના કેવી હોઈ શકે કે જેમાં ગુજરાતના એકેએક ભાગને પોતાનું સ્થાન હોય. ભાષા એક જ પણ અલગ અલગ ઉચ્ચારથી બોલાય. આપણે બધા જ ગુજરાતીઓ છીએ, પણ આપણી રીતે, એટલે ગુજરાત એ રીતે ઊભું કરવાનું છે કે અંદર સમાન એક (કૉમન) આઇડેન્ટિટી રહે, પણ છતાં ય આ જે તફાવતો છે, તે રહે. એ ગુજરાતની અંદર હિન્દુઓ પણ હોવાના, મુસલમાનો પણ હોવાના, જૈન વગેરે પણ. તો ગુજરાતની કલ્પના એવી હોવી જોઈએ કે જેમાં દરેકને પોતાનું સ્થાન હોય. દરેકને એમ લાગે કે આ મારું ગુજરાત છે. એનો અર્થ એમ થયો કે જેમ સુરતી ગુજરાતી ભાષા પોતાની મેળે બોલશે, તેમ ગુજરાતનો મુસલમાન. એનો અર્થ એમ થયો કે ગુજરાત જે છે એ કંઈ ઇતિહાસે આપણને આપેલું નથી. એ કંઈ ભૌગોલિક વસ્તુ નથી. એનું તો સર્જન આપણે કરવાનું છે. કેવી રીતે કરીશું એ આપણા પર આધાર રાખે છે. એમાં સાહિત્યકારનું મોટું યોગદાન છે.