
સુમન શાહ
સામાન્ય ગુજરાતી અધ્યયનકારને પ્રશ્ન થવાનો કે શી ઉપયોગીતા છે, દેરિદાની ફિલસૂફીની? લાભ શો? કોઈ પ્રગતિશીલ સુજ્ઞ જનને લાગે કે દેરિદા તો ગઈ કાલ કહેવાય, આજે શી જરૂર? આગે બઢો!
પરન્તુ સામ્પ્રતને નિર્મમ થઈને ધ્યાનથી નીરખવાની જરૂરત છે :
આપણે એવા સમયમાં જીવીએ છીએ જેમાં જોઈ શકાય છે કે ધર્મસત્તા અને ધનસત્તા રાજસત્તાનું સ્વઅર્થે નિયન્ત્રણ કરી રહી છે. પૂછી શકે એવા સાત્ત્વિક વિદ્રોહી ચિન્તકો નથી રહ્યા. વિચારક લેખકો પણ populist – લોકપ્રિયતાવાદી – થવા લાગ્યા છે, વાચકોની સૉડમાં ભરાઈ રહે છે, વાતે વાતે સસ્તા વિચારો સાથે રમી લે છે. કેટલાક પ્રતિક્રિયાવાદીઓ પૂર્વ શ્રેષ્ઠ પશ્ચિમ નહીં કરતા નાનીમોટી અનુત્પાદક ચળવળો ચલાવે છે. ભારત શ્રેષ્ઠ છે, હતો અને હશે શૈલીના પોકારો વડે શાસકોનું પડખું સેવે છે. ‘સા વિદ્યા યા વિમુક્તયે’ સાચું પણ રાજસત્તા વિદ્યાને જ અંકુશમાં લઈને પોતાના માપે વેતરી રહી છે. અધ્યાપક અને વિદ્યાર્થી કાં તો કર્તવ્યમૂઢ અને હતાશ છે અથવા પરિસ્થિતિથી દમિત-પ્રાણ છે. શક્ય નથી કે એ આગે બઢી શકે બલકે પીછેહઠનો શિકાર છે. આત્મરતિગ્રસ્ત સુ-શાન્ત વૃદ્ધ સાહિત્યકારોને ભાષા અને સાહિત્યનાં ધૉરણો અને મૂલ્યોનું ધોવાણ પરખાતું નથી. વિવેચન વળી પાછું નિદ્રાધીન છે. સમીક્ષા કોઈ પરગ્રહવાસી ચિડિયાનું નામ છે.
હું તો ૧૯૯૭-થી સમજતો આવ્યો છું કે દેરિદાની વિચારસૃષ્ટિ બધા સમયોમાં કામ આવે છે. એની જ્ઞાનવિષયક પ્રશ્નકારકતા અને મનુષ્ય-સરજિત સંઘટ્ટન માત્રને વિઘટિત કરનારી સમીક્ષાબુદ્ધિ કદી કાલગ્રસ્ત નથી થવાની. લાભ તો એ કે વિઘટન સ્વાસ્થ્યપ્રદ છે. સંસ્કૃતિનો આજે કયો સંવિભાગ સ્વસ્થ છે કે જેના વિઘટનની આપણને જરૂરત નથી?
આપણે એવા સમયમાં જીવીએ છીએ જે અતિ વેગીલો પણ છે. વિચાર કે લાગણી ઝાઝો સમય ટકતાં નથી, કેમ કે ટકે એ માટે કાળજી લેનારાં મનુષ્યો નાસભાગમાં હોય છે. સમ્બન્ધો વ્યવહારો કે લૅણદેણ એકેયના સદ્ સ્વરૂપને પામીએ એ પહેલાં તો એ બદલાઈ જાય છે. માણસમાં સંસ્થાઓમાં તન્ત્રોમાં કે રાષ્ટ્રમાં ભરોસો રાખીએ પણ થોડા જ વખતમાં એ દરેકનું અવિશ્વસનીય રૂપ સામે આવે છે. તેમછતાં માણસ જીવનપુરુષાર્થ પરત્વે નિષ્ઠાવાન હોય છે. સંસાર એક જૂઠાણું હોય તો પણ એને સાચો ગણવાની કેટલી તો તત્પરતા બતાવતો હોય છે! જીવન અર્થશૂન્ય છે એમ જાણવા છતાં અર્થ માટે ઘડીએ ને પલકે કેટલું તો મથતો હોય છે!
+ +
પણ એ નિષ્ઠા તત્પરતા કે મથામણને વ્યક્ત કરવાનું સાધન તો માણસ પાસે ભાષા છે. એટલે ક્રમે ક્રમે આપણે માણસો ભાષામાં અને તેથી સંભવેલી ભાષિક-પેદાશોમાં વિશ્વાસ કરતા થઈ જઈએ છીએ. ભાષા વિનાનું જગત કેવું હશે એની કલ્પના કરી શકાય છે પણ તરત ભાન થાય છે કે હવે તો જગત પોતે જ ભાષામય છે. વ્યક્તિને થતો અસ્તિત્વબોધ પણ ભાષામય છે. જુઓ ને, નાનપણમાં ‘ક’ ‘ખ’ ‘ગ’ અને ‘પગ’, ‘વડ’ કે ‘ઢબુ’-નો ‘ઢ’ કે ‘ફૅણ’-નો ‘ણ’ આવડી ગયા પછી એ પર દૃષ્ટિ પડતાં, એ બધા અક્ષરો જરા ય ક્ષર્યા વિના જીવન્ત થઈ ઊઠતા’તા! એટલે સ્તો મોટપણે ‘પ્રેમ’ ‘લાગણી’ ‘શોક’ ‘વેદના’ ‘આતુરતા’ જેવા શબ્દો માણસને ખરા અને રણકતા લાગતા હોય છે. કોઈ કહે કે ‘હું તને પ્રેમ કરું છું’ તો એ શબ્દાવલિ મધુર પંક્તિ રૂપે ચિત્તમાં ગુંજ્યા કરે છે, માણસને થાય છે, આથી તો સાચું શું હોય વળી!
એમાં ય જો પ્રેમપત્રમાં લખીને જણાવાયું હોય કે ‘હું તને પ્રેમ કરું છું’ તો એ વાક્યને માણસ હૃદયસ્થ કરી લેતો હોય છે. એણે ‘મા ફલેષુ કદાચન્’ વચન સાંભળ્યું હોય અને “ગીતા”-માં લિખિતરૂપમાં જુએ, એટલે સાંભળેલું એને સાચું લાગે, પ્રસન્ન થઈ જાય. મૂલ્યવાન ભાષિક-પેદાશ સાહિત્યકલા છે. પ્લેટોને ભલે એ સત્યની નકલની ય નકલ લાગી, રસિયાઓને સાહિત્યથી વધારે સાચું કશું લાગતું નથી, સાહિત્યને સવાઈ સત્ય કહીને જ જંપે છે! હકીકત એમ ઠરે છે કે લિખિત ભાષા માણસને ખાતરીથી જીવન-સંતોષ આપે છે.
જો કે જીવનમાં બનાવો એવા બને કે પેલો લિખિત પ્રેમપત્ર કે કોઈ દસ્તાવેજ ગૂમ થઈ જાય ચોરાઈ જાય ફાટી જાય બળી જાય; અને એવું અવારનવાર બને એટલે લિખિત પરનો ભરોસો ડગી જાય, આપણે એકબીજાના બોલ પર વિશ્વાસ કરતા થઈ જઈએ. લેખનની શોધ ન્હૉતી થઈ ત્યારે તો એમ જ હતું, માણસો ‘પ્રાણ જાય પણ વચન ન જાય’ એવી ઉક્તિ પ્રયોજતા હતા. બોલનારો આપણી સામે હોય, આપણે એની સામે હોઈએ, એથી મોટી તે કઈ ખાતરી વળી! જીવન-સંતોષ ત્યારે પણ લાધે છે.
આમ સૌ પહેલાં ભાષામાં અને ક્રમે ક્રમે લિખિત અને વાણીસ્વરૂપ ભાષિક-પેદાશોમાં આપણે વિશ્વાસ કરતા થઈ જઈએ છીએ.
પરન્તુ કદી આપણે વિચાર્યું છે ખરું કે ભાષા પણ અવિશ્વસનીય ચીજ છે? પેલો સંતોષ બરાબર પણ વિચાર્યું છે કે એ ખાતરી શું છે? ‘પ્રેમ’ ‘લાગણી’ ‘શોક’ ‘વેદના’ કે ‘આતુરતા’ શબ્દો ખરા લાગેલા પણ એ શબ્દોના ખરાપણા વિશે કદી આપણને પ્રશ્ન થયો છે? લિખિત પ્રેમપત્ર સાચો પણ ‘હું તને પ્રેમ કરું છું’ એ ચારે ચાર શબ્દોના અર્થની સચ્ચાઈ વિશે કે ‘પ્રાણ જાય …’ વગેરે બોલના મતલબ વિશે એને શંકા પડેલી ખરી? સાહિત્ય સવાયું સત્ય રજૂ કરે પણ એ જેનું બન્યું છે એ ભાષા કયા સત્ય પર ઊભી છે એ સવાલ સાહિત્યકારોને થયો છે? ભાષાનો લિખિત કે ઉચ્ચરિત શબ્દમાત્ર રસળતો છે, શબ્દ પોતાનો આપે છે તે અર્થ પૂરો નથી અધૂરોપધૂરો છે એમ લાગ્યું છે ક્યારે ય? ભાષા આપણને હમેશાં પોતામાં જોતરી રાખે છે એવું સમજાયું છે કદી? શબ્દ પછી શબ્દ આપણે લવ્યા કે લખ્યા જ કરીએ છીએ પણ એ સાતત્ય અન્તહીન છે એવો વિચાર પણ આવ્યો છે?
+ +
રીઢા ચોર જેવા આપણે ભાષા-રીઢા છીએ એટલે એવા પ્રશ્નો શી રીતે થાય? ન જ થાય. એ રીઢાપણાને કોઈ પછાડે તો આપણે ખળભળી ઊઠીએ. એવો ખળભળાટ મચાવનાર હતો ૨૦-મી સદીનો મહાન ફ્રૅન્ચ ફિલસૂફ Jacques Derrida (1930-2004). મારે ‘ઝા’ક ડે’રીડાહ્’ લખવું જોઈએ, પણ હું ‘ઝાક દેરિદા’ લખતો આવ્યો છું. દેરિદાએ પરમ્પરાઓને તળેઉપર કરી નાખી હતી; ભાષાતત્ત્વ વિશે પ્રચણ્ડ પ્રશ્નો કરીને જ્ઞાનપરક સમૂળી ક્રાન્તિ સરજી હતી. પરિણામે, સુજ્ઞજનોને સંસ્થાઓને તન્ત્રોને કે વિદ્યાશાખાઓને પુનર્વિચારની ફરજ પડી હતી. વાતાવરણમાં નવેસરનો પ્રાણસંચાર થયો હતો.
‘ઝા‘ક ડે‘રીડાહ્‘ લખવું જોઈએ, પણ હું ‘ઝાક દેરિદા‘ લખતો આવ્યો છું
દેરિદાનાં બે જ્વલન્ત મન્તવ્યો :
૧
દેરિદાએ પહેલું મન્તવ્ય ફરિયાદ રૂપે રજૂ કર્યું. એમ કે પશ્ચિમની ફિલસૂફીવિષયક સમગ્ર પરમ્પરા logocentric છે. એમ કહીને એમણે લોગોસૅન્ટ્રિક પરમ્પરાનો છેદ ઉડાવ્યો એ ૨૦-મી સદીની મહત્તમ બૌદ્ધિક ઘટના છે. એમાં કૃતિથી સંસ્કૃતિ સુધી વિસ્તરેલા જ્ઞાન-પુરુષાર્થને તેમ જ પરિવારથી રાષ્ટ્ર લગી વિકસેલા વ્યવસ્થા-તન્ત્રને ચકાસવાનો પ્રચ્છન્ન આદેશ છે. એમાં આત્મનિરીક્ષણ અને પરીક્ષણ આધારિત પુનર્વાચન અને પુનર્મૂલ્યાંકનની તકો છે.
‘લોગોસ’ એટલે, સામાન્યપણે, શબ્દો. જેના કેન્દ્રમાં શબ્દ, વિચાર, તર્ક, સિદ્ધાન્ત અને વાણીની સ્થાપના થઈ હોય, આધિપત્ય ઊભું થયું હોય, એ ફિલસૂફી લોગોસૅન્ટ્રિક છે. સમજાય છે એવું કે એથી જ જાણે વાસ્તવિકતાનો બોધ થવાનો હોય. બાકી, અર્થ કે સત્યને વ્યક્ત કરવા શબ્દો કે તર્કને અગ્રિમતા આપવાની જરૂરત નથી. અન્ત:સ્ફુરણા કલ્પનો પ્રતીકો લાગણીઓ ભાવભાવનાઓ કે સૂઝબૂઝથી પણ એ કામ થઈ શકે છે. રંગો ઇશારાઓ ચેષ્ટાઓ રીતરિવાજો સાંસ્કૃતિક આવિષ્કારો કે જીવનમાં પ્રવેશતી રહેતી ફૅશનો પણ એ કામ કરી શકે છે.
એક અધ્યેતા તરીકે હું જોઈ શકું છું અને અનેક અધ્યેતાઓ જોઈ શક્યા છે, કે દેરિદા શબ્દથી સંજ્ઞા ભણી, ભાષાવિજ્ઞાનથી સૉસ્યૂરના સંકેતવિજ્ઞાન ભણી, નૉમિનોલૉજીથી હ્યુસેર્લની ફીનૉમિનૉલૉજિ ભણી, ખાસ્સું વળ્યા છે. એટલું જ નહીં, સંરચનાવાદી વિચાર પછીના અનુ-સંરચનાવાદી વિચારને વિકસાવી રહ્યા છે. મારે અહીં જ ઉમેરવું ઘટે કે સંરચનાવાદ માનવીય અનુભવના ઘડતરમાં ભાષા સંસ્કૃતિ સમાજ જેવી અન્તર્ગત સંરચનાઓને સ્થિર અને સાર્વત્રિક ગણે છે. જ્યારે, અનુ-સંરચનાવાદ સંરચનાઓ અને અર્થોને power dynemics-થી, સત્તાકીય ગતિવિધિથી, નિયન્ત્રિત તેમ જ અસ્થિર અને પ્રવાહી ગણે છે. બન્ને વચ્ચેનો એ ઓછામાં ઓછો પણ પાયાનો તફાવત છે.
આ સ્થિત્યન્તરને હું બીજા શબ્દોમાં મૂકું : જગપ્રસિદ્ધ ગ્રન્થ “Critic of Pure Reason”-ના રચયિતા જર્મન ફિલસૂફ Immanuel Kant (1724-1804) અનુભવોના જગતને phenomena અને ઇન્દ્રિયબોધોથી સ્વતન્ત્રપણે અસ્તિત્વ ધરાવતી વસ્તુઓના જગતને noumena કહે છે. કાન્ટ અનુસાર, જ્ઞાન અનુભવોથી સીમિત છે અને માણસનો વસ્તુઓમાં સીધો પ્રવેશ નથી. એટલે સમજદારીના વિષયમાં તર્કની ભૂમિકા અનિવાર્ય છે. એ વાત ખરી પણ એ દૃષ્ટિમતિ લોગોસૅન્ટ્રિક છે. એથી વિરુદ્ધ, ફીનૉમિનોલૉજિ અનુભવોનું અધ્યયન છે, જિવાયેલા અનુભવો અને ચેતના પર ભાર મૂકે છે, અને ભાષાથી અતિરિક્ત વસ્તુઓના સત્ત્વનો વિચાર કરે છે. એ અભિગમ નૉન-લોગોસૅન્ટ્રિક છે.
ભાષાવિજ્ઞાન ભાષિક નિયમો અને સંરચનાઓનું અધ્યયન છે. એમાં વ્યાકરણ વાક્યાન્વય કે ધ્વનિતન્ત્રનો વિચાર કરવામાં આવે છે. જ્યારે સંકેતવિજ્ઞાન શબ્દો સંજ્ઞાઓ શબ્દેતર પ્રતીકો રંગો ઇશારાઓ ચેષ્ટાઓ રીતરિવાજો કે ફૅશનોનું અધ્યયન છે. આગળ વધીને સંકેતવિજ્ઞાન વિચારે છે કે અમુકતમુક સાંસ્કૃતિક સંદર્ભોમાં સંજ્ઞાઓ અને પ્રતીકો કઈ રીતે અર્થો સરજે છે. આ નૉન-લોગોસૅન્ટ્રિક અભિગમ છે કેમ કે એમાં દૃઢ મન્તવ્ય પ્રવર્તે છે કે અર્થો માત્ર ભાષાસાધિત નથી પણ સંકેતીકરણના વિવિધ જીવનવ્યવહારોનું પરિણામ છે.
Ferdinand de Saussure (1857-1913) સ્વિસ ભાષાવિજ્ઞાની હતા. એમણે શબ્દ અથવા સંજ્ઞા અને અભિવ્યક્તિ માટે ‘સંકેતક’ અને એથી જે સૂચવાય તેને માટે ‘સંકેતિત’ વિભાવો રજૂ કર્યા. એ કારણે એ વિજ્ઞાન સંકેતવિજ્ઞાન કહેવાયું. Edmund Husserl (1859-1938) જર્મન ફિલસૂફ હતા. ફિનોમિનૉલોજિના પિતા મનાય છે. એમણે ચેતનાને સમજવા માટે આત્મલક્ષી અનુભવ અને વ્યક્તિના આશય ભાર મૂક્યો હતો. બન્ને વિદ્વાનોએ પોતપોતાના દૃષ્ટિકોણથી વાત તો એ જ કરી કે અર્થ કેવી રીતે ‘કન્સ્ટ્રક્ટ’ થાય છે, પણ દેરિદાએ દર્શાવ્યું કે ‘ડીકન્સ્ટ્રક્ટ’ કરીએ તો જ સમજાય કે કેવી રીતે થાય છે. ‘કન્સ્ટ્રક્શન’-ને હું ‘સંઘટ્ટન’ કહું છું, ‘ડીકન્સ્ટ્રક્શન’-ને ‘વિઘટન’.
દેરિદા સ્વયંની વ્યક્તિતા મને વિઘટનશીલ વરતાય છે. સૉસ્યૂર અને હ્યુસેર્લના વિશ્વમાં ઊંડે ઊતરીને પણ દેરિદાએ બન્નેના અભિગમોની ટીકાટિપ્પ્ણી કરી અને બન્નેના પાયા હચમચાવ્યા. દેરિદાનું કહેવું એમ છે કે આપણે બધું વિઘટિત કરીએ, ભાષા અર્થો અને અનુભવોની સીમાઓને ઉથલાવીએ, તો જ સત્યો હાથ આવે.
સૉસ્યૂરના સંકેતક-સંકેતિત ખયાલને દેરિદાએ સંરચનાવાદી કહીને પડકાર્યો. સૉસ્યૂરની સંરચનાવાદી દૃષ્ટિનો વિકાસ સંકેતવિજ્ઞાન રૂપે થયો એ બરાબર પણ દેરિદા એને પશ્ચિમની ફિલસૂફીની છેલ્લી હાંફ – final gaspe – ગણે છે એટલે કે, નાભિશ્વાસ! મૅટાફિઝિકલ સિસ્ટમ્સનો નાભિશ્વાસ! પ્લેટો-ઍરિસ્ટોટલથી પ્રારમ્ભાયેલી અને હાઇડેગર લગી પાંગરેલી યુરોપીય વિચારપ્રણાલિનો નાભિશ્વાસ! એ પૂર્વકાલીન સઘળાને દેરિદાએ લોગોસૅન્ટ્રિક કહીને પડકાર્યું અને દર્શાવ્યું કે સંકેતક-સંકેતિત વચ્ચેનો સમ્બન્ધ સૉસ્યૂર કહે છે તેવો સ્થિર નથી. પોતાનું મન્તવ્ય દર્શાવવા દેરિદાએ ફ્રૅન્ચ શબ્દ différance-ની વિભાવના રજૂ કરી અને જણાવ્યું કે અર્થો હમેશાં તફાવતને વરેલા અને વિલમ્બિત હોય છે, પ્રવહમાણ અને રમતા રહેતા લીલામય હોય છે, સ્થિર નહીં.
Presence of meaning અને intentionality વિશેના હ્યુસેર્લના વિચારો સાથે દેરિદા જરૂર જોડાયા છે. માનવચેતના ખુરશીને બેસવાના આશયથી જુએ-અનુભવે, એ છે ખુરશીનો ઉપસ્થિત, હાજરાહજૂર અર્થ, અપરોક્ષ અનુભવ. પણ પ્રેઝન્સનો એવો જે મહિમા હ્યુસેર્લે કર્યો એ બાબતને દેરિદાએ પડકારી છે. પોતાનું મન્તવ્ય દર્શાવવા દેરિદાએ trace અને absence વિભાવો રજૂ કરીને જણાવ્યું છે કે અર્થ એમ અનુભવાય નહીં કેમ કે એ બદલાતો રહેતો પદાર્થ છે, વળી, જે હાજર નથી એ અનુપસ્થિતનાં ‘નિશાન’ લઈને આવ્યો હોય છે; કદી પૂરા સ્વરૂપે હોતો નથી.
૨
દેરિદાએ બીજું મહા મન્તવ્ય એ ઉચ્ચાર્યું કે – there is nothing outside the text. (ફ્રૅન્ચ – Il n’y a pas de hors-texte). ટૅક્સ્ટ બહાર કશું નથી. તાત્પર્ય, આખું વિશ્વ એક ટૅક્સ્ટ છે. એ infinite અને boarderless ટૅક્સ્ટ છે, એને નથી સીમા કે નથી અન્ત. જો કે એથી જ આપણે વિશ્વને સમજી શકીએ છીએ કેમ કે માનવીય અનુભવની સમગ્રતાને આવરીને બેઠી છે એ ટૅક્સ્ટ. (‘ટૅક્સ્ટ’ શબ્દનો ગુજરાતી પર્યાય ‘પાઠ’ ‘વાચના’ કે ‘કૃતિ’ હું નહીં પ્રયોજું કેમ કે અહીં નભી શકે એમ નથી, કોઈક સ્થાને નભશે ત્યારે પ્રયોજીશ.)
માણસને પોતાની ભાષામય પરિસ્થિતિ અસ્તિત્વબોધ સંદર્ભે યોગ્ય લાગતી હોય તો એને સમજાઈ જવું જોઈશે કે એ પરિસ્થિતિ એક ટૅક્સ્ટ છે અને ‘વાંચી’ શકાય એવી છે, એને ‘વાંચવી’ એ એનું માનવીય કર્તવ્ય છે. એના કોઈપણ અંશને ‘વાંચી’ શકાય છે, વિશ્લેષણ કરી શકાય છે. એ માટેના ઉપકરણને દેરિદા deconstruction કહે છે. તદનુસારનું વિશ્લેષણ કોઈપણ સમયમાં કોઈપણ બાબતની ઉચિત સમજ માટે ચાવીરૂપ તેમ જ ઉપકારક નીવડી શકે છે. વિઘટન-વિચારની એ સાર્વત્રિક સર્વકાલીન લાક્ષણિકતાને કોઈપણ ભાવિ ફિલસૂફી નામશેષ નહીં કરી શકે.
=== ગુજરાતી સાહિત્ય પરિષદ : ‘પરબ’ માર્ચ ૨૦૨૫-માં પ્રકાશિત લેખ ===
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર