યુનિફોર્મ સિવિલ કોડ એ સુધારેલા હિન્દુ કાયદાની બેઠ્ઠી નકલ ન હોઈ શકે: મુદ્દો કથિત ધર્મસ્વાતંત્ર્યનો નહીં પણ ‘જેન્ડર જસ્ટિસ‘ જેવાં નવ્ય મૂલ્યોને ધોરણે નવવિધાનનો છે

પ્રકાશ ન. શાહ
ગઇ ચોથી ફેબ્રુઆરીએ મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે ‘વડા પ્રધાન મોદીના દર્શન’ મુજબ ગુજરાતમાં પણ ઉત્તરાખંડની વાંસોવાંસ યુ.સી.સી. કહેતાં યુનિફોર્મ સિવિલ કોડનું ભર્યું નાળિયેર રમતું મૂક્યું છે. ઉત્તરાખંડમાં આ મુદ્દે ન્યાયિક ક્ષેત્રે અગ્રભૂમિકા ભજવનાર, સર્વોચ્ચ અદાલતનાં સેવાનિવૃત્ત ન્યાયમૂર્તિ રંજનાકુમારીના જ નેતૃત્વમાં ગુજરાતમાં પાંચ સભ્યોની સમિતિએ યુ.સી.સી. મુદ્દે તાગ લેવાનો ને તોલ બાંધવાનો તેમ કાનૂન વાસ્તે જરૂરી ખરડો ઘડી કાઢવાનો હવાલો સંભાળ્યો છે. યુ.સી.સી.ના ક્ષેત્ર વિશે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ આરંભે જ સ્પષ્ટતા કરી દીધી છે કે આદિવાસીઓની રૂઢિપરંપરાનો આદર થશે, એમાં કોઈ દખલ કરવામાં નહીં આવે. ઉત્તરાખંડમાં પણ આ જ વલણ હતું. હવે, રાજ્ય વિધાનસભાની 182 બેઠકોમાંથી 27 આરક્ષિત મળી અંદાજે 40 જેટલી બેઠકોમાં વર્ચસ ધરાવતા આદિવાસી મતદારો બાબતે આશ્વસ્ત થયા પછી સદરહુ સમિતિએ, રાજ્ય સરકારે અને સવિશેષ અલબત્ત સત્તાપક્ષે આશરે નવ ટકે પહોંચતી મુસ્લિમ વસ્તે બાબતે કદાચ ઝાઝી ચિંતા કરવા જેવું ન હોય કેમ કે વિશાળ હિંદુ બહુમતી વત્તા 14 ટકા આદિવાસી વસ્તીને તો આ બાબતમાં સરવાળે કશું નવેસર ના’વાનીચોવાનું ક્યાંથી હોય.
પ્રગતિશીલ કાનૂનસુધારની ચર્ચા કરતી વેળાએ ગુજરાતની વસ્તીની ટકાવારીને ધોરણે વાત કરવી આપણે સામાન્યપણે પસંદ નયે કરીએ. પણ શું ઉત્તરાખંડમાં કે શું ગુજરાતમાં, હરીફરીને આ મામલો જાડી રીતે એક યા મુસ્લિમ લઘુતમી તો બીજી પા બિનમુસ્લિમ કહેતાં હિંદુ બહુમતી એવો બની રહે છે તે એક વાસ્તવિકતા છે.
એક અવાજ આછોપાતળો પણ આ દિવસોમાં ગુજરાતમાં સંભળાવા લાગ્યો છે – રિજેક્ટ યુ.સી.સી.. અહીં પ્રામાણિકતાથી ભલે પ્રાથમિક સ્તરે પણ મારે એક વિધાન કરવું જોઈએ કે સિવિલ કોડ કહેતાં, કુટુંબકાયદાઓમાં સમાનતા અગર સમરૂપતા આણવાનો વિચાર ચોક્કસ સંદર્ભમાં તત્ત્વતઃ ખોટો નથી. આંબેડકરે જ્યારે હિંદુ કોડ બિલની દિશામાં પ્રારંભિક કામગીરી હાથ પર લીધી ત્યારે જેમ બંધારણ બાબતે તેમ હિંદુ કુટુંબકાયદે પણ મનુસ્મૃતિ શું ખોટી એ પ્રકારની દલીલ આજે આગળ કરાતા ‘દર્શન’ના તત્કાલીન આગેવાનોની હતી. નેહરુના નેતૃત્વમાં જે પ્રક્રિયા ચાલી તેણે આ આગેવાનોની હતી. નેહરુના નેતૃત્વમાં જે પ્રક્રિયા ચાલી તેણે આ આગેવાનોથી ઉફરાહે પ્રગતિશીલ કાનૂનસુધારનો રાહ 1955માં લીધો એ ઇતિહાસવસ્તુ છે. એ જ ધોરણસર આજે હિંદુ-સ્તર તબક્કામાં કાનૂની સુધારની વાત મુદ્દલ ખોટી નથી. તેમ છતાં, રૂઢિચુસ્ત વર્તુળોની બહારથી પણ ‘રિજેક્ટ યુ.સી.સી.’ એવો પ્રતિભાવ ઊઠતો હોય તો વિપળવાર થંભીને એ બાબતે વિચાર કરવો રહે છે.
ઉત્તરાખંડમાં ભા.જ.પ. સરકારે પસાર કરેલ યુ.સી.સી.ની વિગતોમાં નહીં જતાં એક સામાન્ય અવલોકન ખસૂસ નોંધીશું કે હિંદુ-ઇતર નાગરિકો પર બહુધા હિંદુ મુદ્રાનો આ નવો કાયદો છે. સર્વોચ્ચ અદાલતના ચુકાદાને પગલે જેમ ‘તીન તલાક’નો ચાલ ગયો તેમ બહુપત્નીત્વનો ખયાલ પણ ધર્મસ્વાતંત્ર્યનું ઓઠું લઈને ન ચાલી શકે તેમ પણ સમજાય એવો મુદ્દો છે. પણ યુ.સી.સી. અંગે આ તો એક તરેહનું સમલીકરણ ને સપટબયાની છે. આંબેડકર-નેહરુ પ્રક્રિયામાં આવેલ હિંદુ સિવિલ કોડમાંયે હજુ સુધારાને અવકાશ છે, અને હાલની યુ.સી.સી. ઉડ્ડાનમાં એને ખાસો અવકાશ છે, કેમ કે યુ.સી.સી. એટલે હિંદુ સિવિલ કોડ બધે ફિટ કરી દેવો એવું નથી. ‘જેન્ડર જેસ્ટિસ’ જેવાં નવ્ય મૂલ્યોના ઉજાસમાં સ્ત્રીપુરુષ સમાનતાને મુદ્દે હાલનો હિંદુ સિવિલ કોડ પણ તપાસને દુરસ્તી માગી લે છે. શાહબાનું ચુકાદા વખતથી મુસ્લિમ પર્સનલ લૉ બાબતે નાગરિક પુનર્મૂલ્યાંકનની તાકીદ સમજાઈ છે એ તો ઠીક જ છે. પણ યુ.સી.સી. જો મુસ્લિમ પર્સનલ લૉમાં નવ્ય સુધાર ઇચ્છે છે તો સુધરેલો હિંદુ કોડ પણ જ્યાં જ્યાં ખોડંગાય છે ત્યાં સુધારો અનિવાર્ય છે.
‘રિજેક્ટ યુ.સી.સી.’ એ પ્રતિભાવ અગર પ્રતિક્રિયાને ઉપરટપકે નહીં જોતાં વ્યાપક સંદર્ભમાં જોવાપણું છે એટલું જ કહીશું.
Editor: nireekshak@gmail.com
પ્રગટ : ‘પરિપ્રેક્ષ્ય’, “દિવ્ય ભાસ્કર”; 19 માર્ચ 2025