
રવીન્દ્ર પારેખ
મધ્યમવર્ગ, ઇન્કમટેક્સમાં કૈં રાહત મળશે એવી આશાએ, નાણાં મંત્રી નિર્મલા સીતારામનનું, 2024નું વચગાળાનું છઠ્ઠું બજેટ જોવા, ટી.વી. પર આંખકાન ખોડીને બેઠો તો ખરો, પણ દર વખતની જેમ આ વખતે પણ મૂરખ બન્યો. નિરાશ થયો. એ ખરું કે આ સંપૂર્ણ બજેટ નથી. આવતા એપ્રિલ-મેમાં લોકસભાની ચૂંટણી આવી રહી છે ને સંપૂર્ણ બજેટ નવી સરકાર આવે ને તે જુલાઈમાં રજૂ કરે ત્યારે પાકી ખબર પડે. જો કે, કોઈ ચમત્કાર જ પરિણામ બદલી શકે, બાકી મોદી સરકાર જ ફરી આવી રહેલી જણાય છે. વિપક્ષો સાથે મળીને ભા.જ.પ.ને ટક્કર આપી શકે એમ જ નથી. એમને પોતાના પક્ષને કેટલી સીટ મળે એથી વધારે બીજો કોઈ રસ જ નથી. સાચું તો એ છે કે વિપક્ષો સરકાર બનાવવાની ફિરાકમાં જ નથી. એ લવારાઓ કરે છે, પણ લવારાઓથી સત્તા મળતી નથી. નીતીશકુમારમાં નીતિ સિવાય બધું જ છે. એમની નીતિ વિપક્ષી ગઠબંધન સાથે સુમેળ સાધવાની રહી જ નથી. એમને ને એ જ્યાં જાય છે એમને કેવળ સત્તા મેળવવામાં જ રસ છે, એટલે લાકડે માંકડું વળગતું રહે છે. કાઁગ્રેસ અધ્યક્ષ ખડગે કહે છે કે મોદી સરકાર આવી તો, તાનાશાહી દેશમાં લાગુ થશે ને આ છેલ્લું ઇલેક્શન હશે. એમની વાત માની લઈએ તો પણ, એનો સામનો કરવા કાઁગ્રેસ ખરેખર શું કરે છે તે સ્પષ્ટ નથી. એવી જ રીતે અખિલેશ યાદવે પણ બજેટ સંદર્ભે કહ્યું કે આ ભા.જ.પ.ની વિદાયનું બજેટ છે. હસવું આવે છે આવી વાતોથી. ભા.જ.પ.ની વિદાય માટે એમનો પક્ષ કે વિપક્ષોનો આખો સમૂહ કૈં કરે છે કે બોલવાથી જ ભા.જ.પ. વિદાય થશે એવું એમને લાગે છે?
બજેટની શરૂઆતમાં જ નાણાં મંત્રીએ કહ્યું કે મોંઘવારી ઘટી છે, તો એ વાતે હસવું આવ્યું કે બજેટને દિવસે જ કોમર્શિયલ ગેસ સિલિન્ડરનો ભાવ વધ્યો છે. અનેક ચીજ વસ્તુઓના ભાવ વધ્યા છે, પણ મોંઘવારી સંસદની બહાર જ હોય તે સમજી શકાય એવું છે. મોંઘવારી અનેક ગણી વધી, પણ ઇન્કમટેક્સનો 2.50 લાખનો સ્લેબ અંગદના પગની જેમ અડીખમ ખોડાયેલો જ છે. બહુ થાય તો તેની આસપાસ થોડીઘણી રાહતો ફેંકાય છે કે વિકલ્પો અપાય છે, પણ સરવાળે લાભમાં તો સરકાર જ રહે છે. સરકારનો સીધો હેતુ ઓછી આવક ધરાવનારો પણ ટેક્સ ભરતો થાય એવો છે ને એમાં સરકાર નિષ્ફળ નથી ગઈ. નાણાં મંત્રીએ જ તેમનાં બજેટ પ્રવચનમાં જાહેર કર્યું કે ટેક્સ કલેક્શનમાં ત્રણ ગણો વધારો થયો છે. મતલબ કે કર ભરનારાઓમાં પણ વધારો થયો છે. ટૂંકમાં, ઘણા કરદાતાઓ સુધી સરકાર પહોંચી છે. અત્યારે તો સાત લાખ સુધીની આવક પર ટેક્સ લાગતો નથી તે ખરું, પણ સ્લેબ નથી બદલાયો તે પણ ખરું. આમ તો ઘણી આગાહીઓ બજેટ પહેલાં ચર્ચામાં હતી, જેમ કે 80Cની લિમિટ 1.50 લાખથી વધીને 2.50 લાખ થશે, પણ કોઈ અટકળ સાચી પડી નથી.
એક વાત સ્પષ્ટ છે કે મધ્યમવર્ગ હજી સંયુક્ત કુટુંબ ધરાવે છે ને મોટે ભાગે ઘરની કમાનાર વ્યક્તિ એક જ હોય છે. એની 7-8 લાખની આવક નોકરીમાંથી થતી હોય ને આવકનો સ્લેબ 2.5 કે 3 લાખનો જ વર્ષોથી હોય ને થોડું રોકાણ કરીને તે ટેક્સ બચાવવા માંગતો પણ હોય, પણ પાંચેક જણનાં કુટુંબમાં નાનામોટા એટલા ખર્ચ પડતાં હોય છે કે પૈસા બચાવીને રોકાણ કરવું હોય તો પણ ન કરી શકે. મોટેભાગે તો એની હાલત કફોડી જ હોય છે. એને ટેક્સ ઘરની વસ્તીના પ્રમાણમાં નથી લાગતો. એ સ્થિતિમાં તેણે કુટુંબ નિર્વાહ ચલાવવાની સાથે જ ટેક્સ પણ ભરવાનો થાય છે. આ તબક્કે સરકાર સીધી જ ટેક્સ સ્લેબની રકમ 7 લાખ પર લાવે એ અપેક્ષિત છે. એવાં ઘણાં કુટુંબો છે જેની આવક મોટી દેખાય છે, પણ ઘરની વ્યક્તિઓની તુલનામાં ને તેમનો ખર્ચ જોતાં એ આવક ઓછી જ છે. એને આ કે તે રોકાણમાં બચત કરાવી રાહત આપવાનું મશ્કરી સમાન છે, કારણ તે ઈચ્છે તો પણ બચત કરીને ટેક્સ બચાવી શકે એમ જ નથી. એ સંજોગોમાં એનો ટેક્સ સ્લેબ જ વધેલો હોય તે જરૂરી છે. આ વચગાળાનું બજેટ હોવાથી મોટી જાહેરાતો કરવાથી સરકાર બચી છે, તો પણ જે સરકાર પૂર્ણ બજેટ લાવશે તેની પણ સ્લેબ વધારવાની ઈચ્છા બહુ નહીં જ હોય, કારણ, સરકારનું માનસ પાયામાંથી જ નફાખોર વેપારીનું છે. એ પણ ખરું કે આ બજેટમાં રાહતો ગણતરીપૂર્વકની જ અપાઈ છે.
જે મતદાતાઓથી સરકારને મતનો રોકડો લાભ છે એવાં ગરીબો, મહિલાઓ, ખેડૂતો અને યુવાનોને ધ્યાનમાં રાખીને કેટલીક દરખાસ્તો થઈ છે. 2017માં GST લાગુ થયો તે પછી સરકારે લાખો કરોડની કમાણી કરી છે, એટલે કસ્ટમ કે એક્સાઈઝ ડ્યૂટીને બાદ કરતાં બજેટમાં ખાસ કૈં સસ્તું કે મોંઘું થયું નથી, છતાં મોબાઈલ સસ્તા થવાની ને સોનું-ચાંદી મોંઘું થવાની વાત છે. એવું થોડું છે કે બધું બજેટમાં જ વધે? એ બજેટ પછી પણ વધે તો આપણે કોનો હાથ પકડવાના હતા !
આમ તો 80 કરોડ લોકોને સરકાર મફત અનાજ આપે છે, ને વર્ષોથી આપે છે, તે સાથે જ ગરીબ કલ્યાણ યોજના હેઠ 34 લાખ કરોડ નાખીને 25 કરોડ લોકોને ગરીબીમાંથી બહાર કાઢવાનો દાવો પણ સરકારે કર્યો છે. ગરીબીને લગતા આ આંકડા છતાં, સરકાર દુનિયાની શ્રેષ્ઠ ઇકોનોમીમાં દાખલ થવા મથી રહી હોય તો, તેના આ સાહસને બિરદાવવાનું જ રહે. બજેટમાં ઉલ્લેખ થયો કે લગભગ 1 કરોડ મહિલાઓ ‘લખપતિ દીદી’ બની ને આગામી વર્ષમાં બીજી બે કરોડ મહિલાઓ ‘લખપતિ દીદી’ બનવાની છે. એક કરોડ પરિવારોને 300 યુનિટ સુધી મફત વીજળી આપવાની વાત પણ છે. એ સારી વાત છે કે 3,000 નવી IIT ખોલવામાં આવી છે અને 54 લાખ યુવાનોને તાલીમ આપવામાં આવી છે. આવી વાતો દરેક બજેટમાં ચાલે છે ને બીજી તરફ શિક્ષિત બેકારીનો છેડો આવતો નથી, તો સવાલ થાય કે આટઆટલા પ્રયત્નો છતાં બેકારી ઘટતી કેમ નથી? કૈં થતું જ નથી, એવું નથી, મત્સ્ય સંપદા યોજના હેઠળ 55 લાખ લોકોને રોજગારી આપવામાં આવી છે. 11.8 કરોડ લોકોને પી.એમ. કિસાન યોજનાનો લાભ મળ્યો છે ને બીજે પક્ષે ખેડૂતો આંદોલન કરવાના મૂડમાં જ હોય છે. એવું જ આવાસ યોજનાઓનું પણ છે. આ વખતે પણ 2 કરોડ નવા આવાસ બાંધવાનું લક્ષ્ય છે, ને અગાઉ ત્રણ કરોડ તો બની ચૂક્યા છે. આવાસ યોજનાઓ અને ગરીબી હટાવ દરેક સરકારનું લક્ષ્ય રહ્યું છે ને દરેક સરકારોમાં એ ચાલુ જ રહેશે એ કેવું મોટું આશ્વાસન છે !
સ્ટાર્ટઅપ્સ પર સરકારની રહેમ નજર રહી છે, એટલે આ વખતે પણ કરમુક્તિ વધુ એક વર્ષ માટે લંબાવવામાં આવી છે. અત્યારે યુદ્ધને ધોરણે યુદ્ધો ચાલી રહ્યાં છે. પાકિસ્તાન અને ચીનની બેશરમી જગજાહેર છે, એ જોતાં સંરક્ષણ બજેટ 11.8 ટકા વધારવામાં આવે તે સર્વથા ઉચિત છે, એટલે બજેટમાં 6.2 લાખ કરોડ ફાળવવામાં આવ્યા છે. રેલવેને લાગે વળગે છે ત્યાં સુધી તે 3 નવા રેલ કોરિડોર બનાવવા તરફ છે. બજેટમાં ઇન્ફ્રાસ્ટ્રકચર પર 11 ટકા ખર્ચ કરવાની દરખાસ્ત થઈ છે. 40,000 જનરલ કોચ વંદે ભારત જેવા પણ કરવાની વાત છે.
એક રીતે આ બજેટ કોઈ ઉત્તેજના ધરાવતું નથી, તેનું સાદું કારણ એ છે કે તે વચગાળાનું બજેટ છે. ખાસ તો GST અને ઇન્કમટેક્સમાં કોઈ ફેરફાર વિનાનું આ બજેટ છે, એટલે બજારો પણ શરૂઆતના ઉછાળ પછી ટાઢાં જણાયાં છે. બજેટમાં, લાલબહાદુર શાસ્ત્રી દ્વારા અપાયેલાં સૂત્ર ‘જય જવાન, જય કિસાન’માં વાજપેયીએ વધારો કરી ‘જય જવાન, જય કિસાન, જય વિજ્ઞાન’ કર્યું. તો વડા પ્રધાન પણ બાકાત કેમ રહે? તેમણે ‘જય જવાન, જય કિસાન, જય વિજ્ઞાન, જય અનુસંધાન’ કર્યું. શેનું ‘અનુસંધાન’ એની સ્પષ્ટતાઓ હવે પછી થાય તો થાય, પણ અન્ય વિકાસની જેમ સૂત્રોમાં પણ વિકાસ થયો, એનો હરખ પ્રગટ કરવાનો રહે જ છે. જો કે, આ વિકાસ સૂત્રો એકદમ કયાં કારણે લહેરાયાં તે અકળ છે.
એમ લાગે છે કે સરકારને એવું હશે કે જીતવાના જ છીએ તો વધુ ચોકસાઈથી બજેટ ત્યારે કરીશું, અત્યારે તો બજેટ આપવાનું જ છે, તો એક વિધિ તરીકે રજૂ કરી દેવું. આવી કોઈ ગણતરીથી બજેટ પ્રસ્તુત થયું હોવાનું લાગે છે, બાકી, સૌથી લાંબું, બે કલાકથી વધુનું બજેટ પ્રવચન નાણાં મંત્રી નિર્મલા સીતારામનનું હોય ને સૌથી ટૂંકું 58 મિનિટનું પ્રવચન પણ એમને નામે જ ચડે તો કોઈક મુદ્દે ઉદાસીનતા સેવાઇ હોવાનો વહેમ પડે.
જોઈએ, જૂન-જુલાઈમાં નવી સરકાર કુલડીમાં કેવોક ગોળ ભાંગે છે તે –
000
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 02 ફેબ્રુઆરી 2024
![]()


કેટલાક અર્થશાસ્ત્રીઓ એમ કહે છે કે કોઈ પણ નીતિ(policy)નું ધ્યેય રાષ્ટ્રીય આવકને બદલે ‘સુખ’ (happiness) હોવું જોઈએ. આ બાબતે દરેક વ્યક્તિ સંમત થાય જ કે લોકોને તેમની માનસિક સુખાકારી(well-being)માં સુધારો કરવાના અર્થમાં વધુ સુખી કરવા એ પ્રશંસનીય લક્ષ્ય છે. આ અભિગમ એવા સર્વે તરફ લઈ જાય છે કે જે એમ બતાવે છે કે સુખ એ આવકનું પ્રમાણ નથી. આ ઘટનાને ‘ઇસ્ટરલિનના કોયડા’ તરીકે ઓળખવામાં આવે છે. અર્થશાસ્ત્રી રિચર્ડ ઇસ્ટરલિન (1926-) દ્વારા એમ જણાવવામાં આવ્યું કે અમુક હદ પછી રાષ્ટ્રીય આવક વધે તેની સાથે સાથે સુખ વધે એવું હોતું નથી. અમુક હદ સુધી જ બંને સાથે વધે છે અને પછી સુખ સ્થિર થઈ જાય છે અને આવક વધવાનું ચાલુ રહે છે.
સુભાષચંદ્ર બોઝની અધૂરી આત્મકથાની જાણ બહુ ઓછા લોકોને છે. નેતાજીના જીવનકાર્ય અને વિચારોએ ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામ પર અમીટ છાપ પાડી છે, ત્યારે તેમની આત્મકથા તે સમયને જાણવા, સમજવા, મૂલવવા ખૂબ અગત્યનો દસ્તાવેજ છે.
કિશોરાવસ્થાથી તેમણે અનુભવેલું મનોમંથન આત્મકથામાં સરસ રીતે આલેખાયું છે. પંદર વરસની વયે કિશોર સુભાષને વિવેકાનંદનો સાક્ષાત્કાર સાવ અનાયાસે તેમનાં પુસ્તકો થકી થયો અને જીવનની નવી દિશા ઉઘડી હતી. આત્માની મુક્તિ અને પીડિત માનવની સેવાનો મનુષ્ય જીવનનો હેતુ તેમને વિવેકાનંદનાં પુસ્તકોના વાચનથી મળ્યો હતો. વિવેકાનંદના ગુરુ રામકૃષ્ણ પરમહંસના સાહિત્યના પરિચયે તેઓ કામવાસના અને સાંસારિક સુખના ત્યાગના માર્ગે વિચારવા લાગ્યા હતા. આ પ્રકારના વિચારો ધરાવતા મિત્રો સાથે મળીને સમાજસેવા પણ આરંભી હતી. ગામડાંની શાળાના બાળકોને ભણાવવા અને મહામારીગ્રસ્ત લોકોની સેવાનું કામ કર્યું હતું. મેટ્રિક સુધીની પોતાની શિક્ષણ સફરનું મૂલ્યાંકન કરતાં આત્મકથામાં તેમણે લખ્યું છે કે હું મેટ્રિકની પરીક્ષામાં સારા માર્કસ મેળવી શાળાનું નામ રોશન કરીશ તેમ માનતા લોકો મને ભભૂત ચોળીને સાધુસંતોની પાછળ ભાગતો જોઈને નિરાશ થયા હશે.