એક દિવસ મારા ઘર પાસે રાબેતા મુજબ દર્શકદાદાની ગાડી આવીને ઊભી રહી. હું દોડતો ગાડી પાસે પહોંચ્યો ત્યાં ચંપલ પહેરી લેવાનો અને પૈસા સાથે રાખવાનો ઈશારો થયો !
ગાડીમાં બેઠા પછી કહે, આપણે સાંઢીડા મહાદેવ દર્શને જવાનું છે. મેં કહ્યું, ‘હજુ હમણાં જ આપણે અમદાવાદથી આવ્યા, તમે થાક્યા નથી ?’ સજળ આંખે કહ્યું, ‘જો, આપણી ગૌશાળાની ગાયને ગઈ કાલે આડું આવેલું ને બીચારી છૂટતી નહોતી, દુ:ખી થતી હતી. મેં આવીને જાણ્યું કે વાછરું ને ગાય બચી ગયાં છે. મેં દર્શને જવાની માનતા માનેલી, સમજ્યો ?’ મેં કહ્યું, ‘અરે વાહ, ભગવાનને થેંક્યું કહેવા જવું છે એમ ને ?’
મંદિરે પહોંચી ઈશારાથી પૈસા માંગ્યા. મેં સોની નોટ કાઢી. તરત ડોળા ફાડ્યા, પાંચની માંગી !! પછી કહે, જો, અરુણ, આપણે પૈસાદાર નથી. ભગવાન એ બધું જાણે જ છે, એ તો ભાવનો – શ્રદ્ધાનો ભૂખ્યો છે ! ખાલી હાથે દર્શન ન કરાય એટલે આટલા તો બસ !’ વળતા મારાથી પૂછાઈ ગયું, ‘દાદા, તમે ભગવાનમાં માનો ? જોયા છે ? આ અંધશ્રદ્ધા નથી ? ગાયનું આડું તો ઢોરડૉક્ટરથી સરખું થાય ને ? વગેરે … ’
થોડીવાર થંભી જઈ કહે, ‘આ તમારા વિજ્ઞાન વર્ગમાં આપણે એક વખત ચર્ચા કરેલી કે દરેક પદાર્થ અણુ-પરમાણુનો બનેલો છે. અને પરમાણુમાં સોળેક જેટલાં સૂક્ષ્મ કણો આવેલા છે, સાચું ને ?’ મેં કહ્યું, ‘એ તો વિજ્ઞાન છે, સાબિત થયેલું છે.’
‘હવે સાંભળ તો ખરો ભાઈ, તેં સમજાવેલું કે નખ ઉપર કરોડો પરમાણુ સમાય તેટલા તે નાના છે એ પરમાણુના કેન્દ્રમાં ન્યુટૃોન અને પ્રોટોન ગાઢ રીતે જોડાયેલાં છે, ત્યારે જ્યારે ઇલેકટૃોન તેની ભ્રમણકક્ષાઓમાં ફરે છે ! હવે આ પરમાણુને તારા કોઈ વિજ્ઞાનીએ બાપગોતર જોયો છે ? ઇલેકટૃોનને ફરતો નજરોનજર જોયો છે ? એ છે અને ફરે છે તેનું અનુમાન કર્યું છે ને ?’ હું વચ્ચે કૂદી પડ્યો − ‘દાદા, દાદા સમજો, એ તો ખાસ પદ્ધતિ છે કે તમારે અનુમાનો કરવાના અને એ પ્રમાણે જો તે વર્તે તો તે અનુમાન સાચા છે તેમ સાબિત થાય ! વર્ષોની વૈજ્ઞાનિક તપશ્ચર્યા પછી એ તારણોમાંથી જેની સાબિતીઓ મળી તેને વૈજ્ઞાનિક તથ્યો તરીકે સ્વીકારાયા છે. એમ કાંઈ આડુંઅવળું ઝીકમઝીક નથી થયું !’
અને બમણા જોરથી દર્શકદાદાએ અટેક કર્યો, ‘અરે કાકા, હું એ જ પદ્ધતિથી સાબિત કરું છું કે અમે પણ ઈશ્વરના ભલે દર્શન ન કર્યા હોય, અમને તેની હયાતીના, અસ્તિત્વના તારણો પ્રમાણેના પરિણામો મળ્યા છે ! અનુભૂિત થઈ છે ! તમે ઇલેકટૃોન જોયો નથી ને મંડી પડ્યા છો ત્યારે મને ઈશ્વર બતાવો તો જ માનીએ એવું શું જોઈને ચોંટ્યા છો ? જેમ ઇલેકટૃોન નથી અને ફરતો નથી એવું જ માને તેને તમે જે કહો તેમ હું પણ ઈશ્વર નથી એમ માને તેને કહું, એ … માનવું હોય તો માનો નહીં તો થાવ દુ:ખી.’
કેવું અદ્દભુત અનુબંધિત સચોટ દૃષ્ટાંત !
દર્શક શતાબ્દીએ થયું આવું સ્મરણ.
(“કોડિયું”માંથી સાભાર)
સૌજન્ય : “બિરાદર”, 15 સપ્ટેમ્બર 2014, પૃ. 16
![]()


મૌલિક અને અનુવાદિત મળીને કુલ ૧૪ નાટક લખનાર રણછોડભાઈ ઉદયરામ દવેનો જન્મ ૧૮૩૭ના ઑગસ્ટની નવમી તારીખે નડિયાદ નજીકના મહુધા નામના ગામમાં. બાળપણમાં મહુધામાં ભવાઈના વેશો જોયેલા. બાળપણથી જ અવાજ સારો. દસેક વર્ષની ઉમ્મરે વૈજનાથ મહાદેવના મંદિરમાં શિવપાર્વતીનાં સ્તોત્રો ગાઈને તેમણે લોકોને મુગ્ધ કરેલા. પ્રાથમિક શિક્ષણ મહુધામાં લીધું. સુરતના મિસ્ટર ગ્રેહામ પરીક્ષા લેવા આવેલા ત્યારે રણછોડભાઈની તેજસ્વિતાથી પ્રભાવિત થઈ અંગ્રેજીના અભ્યાસ માટે પોતાની સાથે સુરત લઈ જવાની તૈયારી બતાવી. પણ કુટુંબીજનો બાળક રણછોડને આટલે દૂર સુધી મોકલવા તૈયાર ન થયા, એટલે રણછોડભાઈ નડિયાદ જઈ એક ખાનગી શિક્ષક પાસે અંગ્રેજી શીખ્યા. નડિયાદમાં હરિદાસ વિહારીદાસ અને મનસુખરામ સૂર્યરામ ત્રિપાઠી સાથે મૈત્રી બંધાઈ. વધુ અભ્યાસ માટે ત્રણ જણ પહેલાં ખેડા અને પછી અમદાવાદ ગયા. ત્યાં હાઇ સ્કૂલનું શિક્ષણ પૂરું કરી ‘લૉ ક્લાસ’માં જોડાયા. અમદાવાદના અભ્યાસ દરમિયાન જ કવિતા અને નિબંધો લખવાનું શરૂ કર્યું. ૧૮૫૮માં આઠ મહિના માટે ગુજરાત વર્નાક્યુલર સોસાયટીના આસિસ્ટન્ટ સેક્રેટરી તથા ‘બુદ્ધિપ્રકાશ’ માસિકના તંત્રી થયા.
એ પછી છેક ૧૮૮૧માં આ ભાષાઓ ફરી દાખલ કરવા માટેની ચળવળ શરૂ થઈ. યુનિવર્સિટીની સેનેટમાં આ ભાષાઓ ભણાવવાનું ફરી ચાલુ કરવા અંગેની દરખાસ્તો રજૂ થઈ, પણ તે પસાર થઈ નહિ. મુંબઈ યુનિવર્સિટીના પહેલવહેલા ગ્રેજ્યુએટ મહાદેવ ગોવિંદ રાનડેએ ૧૮૯૪માં આ વાત પોતાના હાથમાં લીધી. વિદ્યાર્થી તરીકે તેઓ પોતે મરાઠી ભણ્યા હતા, આ જ યુનિવર્સિટીમાં. પણ કોઈ તંત્ર ફેરફાર કરવા માટે રાતોરાત તૈયાર ન થાય એ હકીકત તેઓ જાણતા હતા. એટલે તેમણે માગણી કરી કે સંસ્કૃત, અરબી, ફારસી જેવી ક્લાસિકલ ભાષાઓ તો ભણાવાય છે જ, તો તેમની સાથે સાથે ‘દેશી’ ભાષાનું પણ એક-એક પુસ્તક અભ્યાસક્રમમાં દાખલ કરવું. પણ તેમની આટલી અમથી માગણી પણ સ્વીકારાઈ નહિ.