આઝાદી પછીનાં ભારતનાં અંગ્રેજી પત્રકારત્વના અત્યંત પ્રતિભાશાળી પત્રકારોમાંના એક એમ.જે. અકબરનું પતન જોઇને ઊંડો રંજ પણ થાય છે અને કવિન્યાય જોઇને કળ પણ વળે છે. ૧૯૮૦ના દાયકામાં વિનોદ મહેતા અને એમ.જે. અકબરે ભારતીય અંગ્રેજી પત્રકારત્વમાં ક્રાંતિ કરી હતી. વિનોદ મહેતાએ રવિવારીય ‘સન્ડે ઓબ્ઝર્વર’ કાઢ્યું હતું અને અકબરે કલકત્તાથી ‘ધ ટેલિગ્રાફ’. બન્ને જણે ભારતીય અંગ્રેજી પત્રકારત્વને ઢાંચામુક્ત કર્યું હતું. એ દિવસો યાદ છે જ્યારે અકબરનું ‘ધ ટેલિગ્રાફ’ ખરીદવા અમે ખાસ ચર્ચગેટ સ્ટેશને એ.એચ. વ્હીલરના સ્ટોલ પર જતા. વ્હીલરવાળાને કહી રાખ્યું હોય કે કોઈ કારણથી ન આવી શકું તો મારી કોપી રાખી મૂકવાની. એમાં પણ શુક્રવારનો અંક તો દરેક અંક સાચવી રાખવા જેવો હોય. પ્રસિદ્ધ કલામર્મજ્ઞ ચિદાનન્દ દાસગુપ્તા આર્ટ અને રિવ્યુનું પાનું એડિટ કરતા.
આ લખનાર અને મારા જેવા કેટલાક નવશીખિયા પત્રકારો એકલવ્યભાવે અકબર અને વિનોદ મહેતા પાસેથી પત્રકારત્વ શીખતા હતા. આમાં પણ વિનોદ મહેતા કરતા એમ.જે. અકબર વિશેષ હતા. બને એટલી સુલભ શૈલીમાં અઘરી અને ઊંડી વાત કઈ રીતે કહી શકાય એનું અકબર ઉદાહરણ હતા. આ ઉપરાંત એમ.જે. અકબરે ખૂંટે બંધાઈને પુસ્તકો પણ લખ્યાં છે. એક પત્રકાર તરીકે મારો અકબર સાથે એકલવ્યયીય સંબંધ બંધાયો ત્યારે અકબર જવાહરલાલ નેહરુનું ચરિત્ર, કાશ્મીર અને સાંપ્રદાયિકતા વિશે પુસ્તકો લખી ચૂક્યા હતા. પુસ્તકો તો બીજા પત્રકારોએ પણ લખ્યાં છે, પરંતુ અકબર જેવું ઊંડાણ તેમાં ભાગ્યે જ જોવા મળે. મનમાં પ્રશ્ન થાય કે દૈનિક છાપું કાઢનાર પત્રકાર આટલું ઊંડાણથી લખવા સમય કઈ રીતે કાઢતો હશે? તાજેતરમાં તેમણે ઇસ્લામ અને મૂળભૂતવાદી ઇસ્લામની ચિકિત્સા કરનારાં પુસ્તકો પણ લખ્યાં છે. મનમાં એમ થતું કે પત્રકાર બનવું હોય તો અકબર જેવા બનવું.
દરેક માણસમાં મર્યાદા હોય છે અને આપણે તે ચલાવી લેતા હોય છે; પરંતુ જો કાંઈક નવું ભાળી શકનાર, નવું વિચારી શકનાર, રૂઢ ચીલો ચાતરીને નવું કરી શકનાર તેજસ્વી માણસમાં અપલક્ષણ હોય તો લોકો ખાસ ચલાવી લેતા હોય છે. સ્વામી આનંદના ‘નઘરોળ’માંના ચરિત્રો વાંચવા જેવાં છે. સહન ન થઈ શકે એવાં અપલક્ષણ હોય, પણ જ્યારે સર્જકતા ખીલે ત્યારે આકંઠ તરબોળ કરી દે. એક વાર દુર્વાસા જેવા કવિ ન્હાનાલાલ માટે ગાંધીજીએ કહ્યું હતું કે દૂઝણી ગાયની લાત ખમવી પડે. આ જોઇને ન્હાલાલાને એટલો ગુસ્સો આવ્યો હતો કે ગાંધીજીને ગુજરાતના તપસ્વી તરીકે ઓળખાવનારા ન્હાનાલાલે ગાંધીજીને વર્ધાના વંઠેલ તરીકે ઓળખાવ્યા હતા. આમ છતાં ગાંધીજીએ સર્જક ન્હાનાલાલ નામની દૂઝણી ગાઈની લાત ખમી લીધી હતી. અકબરમાં પણ કેટલીક મર્યાદા હતી. કેટલીક સાંભળી હતી અને કેટલીક હવે ‘મી ટૂ’ મુવમેન્ટના ભાગરૂપે પહેલીવાર સાંભળવા મળી.
કેટલાક લોકો સવાલ કરે છે કે આ છોકરીઓ મૂંગી કેમ રહી? આવો સવાલ કરવા માટે એક ખાસ પ્રકારના સંસ્કાર અને માસૂમિયત જોઈએ જે કેટલાક લોકો ધરાવતા હોય છે. વળી આ યુગ પણ માસૂમોનો છે. એ છોકરીઓ મૂંગી રહી સારા ગુરુ પાસે દીક્ષિત થવા. આ કોઈ ગુનો નથી. અકબર સામે જે બોલી રહી છે એ દરેક સ્ત્રીએ અકબરનાં અપલક્ષણો પારખી લીધાં પછી તેનાથી બચવા માટેના રસ્તાઓ શોધી લીધા હશે, પણ કોઈએ દીક્ષિત થવાનું છોડ્યું નહોતું. અરે ભાઈ! પત્રકારત્વને લાગેવળગે છે ત્યાં સુધી આપણા યુગનો એ જાયન્ટ પત્રકાર છે. એક અનુભવ પછી કોઈએ હોટેલમાં જવાનું બંધ કર્યું હશે, કોઈએ જો જવું જ પડ્યું હશે તો કોઈને સાથે લઈને ગઈ હશે વગેરે. સંસારમાં સ્ત્રી હોય કે પુરુષ; રસ્તાઓ કાઢીને, બચી નીકળીને, થોડુંક મન મક્કમ કરીને, અણગમો છુપાવીને જે તે ક્ષેત્રના શ્રેષ્ઠ પાસેથી શ્રેષ્ઠ મેળવવું પડતું હોય છે. આરાધના શ્રેષ્ઠની હોય છે એટલે દરેક આરાધક લક્ષ્મણરેખા નક્કી કરીને જોખમ ઉઠાવતો હોય છે.
બીજો સવાલ ઉઠાવવામાં આવે છે કે હવે તેઓ કેમ બોલવા લાગી? આ સવાલ મહત્ત્વનો છે. અપલક્ષણો પછી પણ જો એમ.જે. અકબરે પત્રકારત્વકીય મર્યાદા જાળવી રાખી હોત તો કદાચ એ સ્ત્રીઓ બોલી ન હોત. અકબરે પ્રતિષ્ઠા અને રાજકીય લાભ માટે સમાધાનો કરવા માંડ્યા હતા. ટ્રીપલ તલાક વિષે લોકસભામાં ભાષણ આપનારા અને મુસ્લિમ પુરુષોને વાસનાગ્રસ્ત ગણાવનારા અકબરે શાહબાનોનો ચુકાદો રાજીવ ગાંધીએ ઊલટાવ્યો ત્યારે કોઈ પ્રખર ભૂમિકા નહોતી લીધી. બાબરી મસ્જિદના તાળા ખોલવાના પ્રશ્ને, શાહબાનોના પ્રશ્ને અને બોફોર્સના પ્રશ્ને એ સમયના વડા પ્રધાન રાજીવ ગાંધીને માફક આવે એવી ભૂમિકા લીધી હતી અને કૉન્ગ્રેસની ટિકિટ મેળવીને બિહારમાંથી ચૂંટણી લડીને લોકસભામાં ગયા હતા. ગુરુ અપલખણો હોય અને ગુરુ અંતરાત્મા વિનાનો બીકાઉ હોય એમાં ફરક છે. વિનોદ મહેતા આજીવન આદરણીય રહ્યા હતા, પરંતુ અકબરે આદર ગુમાવી દીધો હતો. ઊંટની પીઠ પર છેલ્લા તરણા જેવી ઘટના બી.જે.પી.માં જોડાવાની હતી. અમારી પેઢીના પત્રકારોને ગરીબ તરફી, પ્રગતિશીલ, સેક્યુલર, બંધારણનિષ્ઠ, કાયદાના રાજને સમાધાન કર્યા વિના કેન્દ્રમાં રાખનાર અકબર બી.જે.પી.માં જોડાઈ શકે? રાષ્ટ્ર ઘડતરમાં નેહરુનું યોગદાન અને ભારતમાં કોમવાદનું સ્વરૂપ શીખવાડનારા અકબર બી.જે.પી.માં?
૧૯૮૦ અને ૧૯૯૦ના દાયકામાં જે નવા પ્રવેશેલા પત્રકારો આવ્યા હતા તેમને માટે અકબર ગુરુ હતા, આદર્શ હતા, દીવાદાંડી હતા અને અત્યારે એ જ અકબર માટીપગા છે. એકલવ્યની જેમ મેં પણ અકબર પાસેથી ઘણું શીખ્યું છે, પરંતુ તેમના માટે આદર નથી જે ત્રણ દાયકા પહેલાં હતો અને હવે તો તેમના માટે તિરસ્કારની ભાવના છે. જો અકબરે આટલાં મોટા સમાધાનો ન કર્યાં હોત તો કદાચ આ સ્ત્રીઓ મૂંગી પણ રહી હોત.
અકબર દ્વારા ત્રાસિત સ્ત્રીઓ અત્યારે બોલવા લાગી એનું બીજું કારણ ‘મી ટૂ’ મુવમેન્ટ અને મોમેન્ટ બન્ને છે. મુવમેન્ટ અને મોમેન્ટ પૂછીને કે સમય જોઇને આવતી નથી. એ બસ આવે છે અને ઈમારત તૂટી પડે છે. હજુ વધુ ઈમારતો તૂટવાની છે, ધીરજ ધરો!
સૌજન્ય : ‘કારણ-તારણ’, નામક લેખકની કટાર, “ગુજરાતી મિડ-ડે”, 19 અૉક્ટોબર 2018
![]()


ડૉ. પ્રકાશ આમટે અને તેમનાં પત્ની ડૉ. મંદા આમટે, ગયાં ચૂંવાળીસ વર્ષથી, પૂર્વ મહારાષ્ટ્રના ગડચિરોલી જિલ્લામાં આવેલા, દુર્ગમ એવાં હેમલકસા નામનાં પંથકના, હજારો અભાવગ્રસ્ત આદિવાસીઓને વિના મૂલ્યે તબીબી સેવા પૂરી પાડવાનું કામ ‘લોક બિરાદરી’ નામની સંસ્થાના નેજા હેઠળ કરી રહ્યાં છે. સમયાંતરે સંસ્થાએ શિક્ષણ, જળસંચય, ગ્રામવિકાસ કાર્યક્રમ, આવક-નિર્માણ ઉપક્રમો અને પ્રાણીઓનાં અનાથાલય જેવાં ક્ષેત્રોને પણ આવરી લીધાં છે. ‘લોક બિરાદરી’માં નિષ્ઠાવાન કાર્યકર્તાઓ, આમટે દંપતીનાં બે સમર્પિત પુત્રો અને પુત્રવધૂઓનો મોટો ફાળો છે.
'મહોરાં'-માં એણે વાંદરાભાઇનું વિલક્ષણ પાત્ર સરજયું છે. એને કેન્દ્રમાં રાખીને પાંચ વાર્તાઓ લખી છે. આપણને લુચ્ચા શિયાળની કે ફુલણજી કાગડાની બોધકથાઓની ખબર છે. આ વાંદરાભાઇ પણ એવા જ છે. માણસની જેમ જ વર્તે છે. પણ કશો બોધ આપવા નથી આવ્યા. વાર્તા કહેનારા કથકની વાતો કરવા આવ્યા છે. કથકના અન્તરંગ મિત્ર છે. આમ તો, આ કથક તે આપણા દરેકનો 'હું' અને વાંદરાભાઈ તે આપણી અંદર બેઠેલો એક બીજો 'હું' જે આપણને હરદમ જોતો રહેતો હોય છે. પહેલા હું-નો સાક્ષી. ચુકાદા સુણાવ્યા કરતો જજ પણ ખરો. વાર્તાઓ આવું બધું ચિન્તનાત્મક નથી કહેતી. જિજ્ઞેશ આપણને વાર્તાકલાના સૌન્દર્યનો નિર્વ્યાજ આનન્દાનુભવ કરાવે છે.