વલ્લભભાઈ નાંઢાની આ વાર્તા, ‘આયેશા’ એમણે રચેલી અન્ય વાર્તાઓ કરતાં કંઈક જુદા જ પ્રકારની છે. વાર્તા ઘડવાની આ નવીન રીતને હું ‘ચોકઠાની રીત’ કહું છું, જેમાં પાત્રો પોતે જ પોતાના રચેલા ચોકઠામાં રહીને વાર્તા આગળ ચલાવે છે. પણ ચોકઠાની દિવાલો ઈંટ-પથ્થરોની બનાવેલી નથી, પણ એવી પાતળી છે કે સંવાદોની અવરજવર થઈ રહી છે અને પાત્રોની અલિપ્તતા પણ જળવાઈ રહી છે.
વાર્તા આમ તો સીધી સાદી છે. A boy meets a girl જેવી. અહીં બૉય એટલે મોરિસ જોન્સ, જે લંડનની એક કૉલેજમાં થિયોસોફીનો અધ્યાપક છે. અને ગર્લ એટલે આયેશા, જે એક મુસ્લિમ, મધ્યમ વર્ગની, થોડા સમય પૂર્વેથી નિરાધાર છે – હૉમલેસ છે. બન્ને જુદા જુદા ચોકઠાનાં પાત્રો છે.
વાર્તામાં એક જ ઘટના છે : વરસતા વરસાદમાં પોતાના કોર્ટયાર્ડ પાસે, ફૂટપાથના ઘાસ પર બેઠેલી, પાણીથી લથબથ ભીંજાયેલી, એક યુવતીને જોઈને મોરિસ જોન્સ, માનવસહજ ભાવથી તેમ જ અનુકંપાથી પેલી સ્ત્રીને મદદ કરવા ચાહે છે. ‘હૅલો, કાંઈ તકલીફ છે ?’ અને યુવતી આયેશા, હૉમલેસના કઠોર અનુભવોથી ઘડાયેલી, પોતાના સ્વરક્ષણ માટે એક ચોકઠાની દિવાલ રચી દે છે. ‘મોરિસનની સામે જોયું ન જોયું ને નજર નીચે ઢાળી લીધી.’ એ ચોકઠામાં રહીને આયેશા વાર્તાની રજૂઆત કરે છે અને અંત સંવાદની એક પાતળી શી દોરી ચોકઠા પર લટકાવે છે, ‘મને કંઈ તકલીફ નથી.’
મોરિસ સહાનુભૂતિથી પિત્ઝા રેસ્ટૉરાઁમાં એને પિત્ઝા ખવડાવે છે. બહાર નીકળી પરિચયની આપ-લે કરતાં હાથ લંબાવે છે. આયેશાએ સંકોચથી હાથ લંબાવ્યો અને તરત પાછો ખેંચી લીધો. મોરિસ ધર્મ વિષયનો અધ્યાપક હોઈ અન્ય ધર્મોના વિચારો, રીતરિવાજોથી માહિતગાર છે. તેથી પોતાના ચોકઠામાં આવી જાય છે, અને પેલી પાતળી દોરીને અનુસરી પોતાના જ ચોકઠામાં રહીને એના મનોભાવો થકી અને નાનકડા સંવાદ વાટે વાર્તા આગળ ચલાવે છે. આમ બન્ને પાત્રો પોતપોતાના ચોકઠામાં રહી, સંવાદ-દોરીને અનુસરીને સંવાદ રચે, ક્યારેક એકબીજાં પ્રત્યે શંકાકુશંકા કે ભાવ-પ્રતિભાવ સ્વગત સંવાદો રચીને વાર્તા આગળ ચલાવે. વાર્તાકારની આ રીત વાચકને જરૂર પ્રભાવિત કરે છે.
વાચકને આ ચોકઠાની નિરસતા ખૂંચે, કારણ કે એક જ ઍપાર્ટમેન્ટમાં આ યુવાન સ્ત્રી-પુરુષ સાથે રહે છે, પણ ક્યાં ય ફણગો ફૂટતો નથી લાગતો, કશું ય અંકુરિત થતું નથી. એ નિવારવા વાર્તાકારે ક્યાંક રસિકતાની રચના કરી. બાથરૂમમાં ન્હાતી આયેશા મનોમન વિચારે ‘પેલો ટૃાય કરે તો’. અને એને ગલગલિયાં થાય. તો બીજી બાજુ બહાર સોફા પર સુતેલો મોરિસ અડધી રાતે બાથરૂમમાં જવા માટે, આયેશા જ્યાં સૂતી છે એ બેડરૂમમાં જાય અને પોતાની પથારીમાં સુતેલી આયેશાને જોઈ રહે …… પણ ધાર્મિકતાનું ચોકઠું, એટલે સંયમ જાળવીને રૂમ બહાર નીકળી જાય છે.
ડોરોથી − મોરિસની માતા. એનું પાત્ર બહુ નાનું છે પણ વાર્તામાં એ અગત્યની ભૂમિકાએ છે. એને પણ વાર્તાકારે એક ચોકઠામાં બેસાડી દીધી છે. તે દીકરાથી અલગ રહે છે. દીકરાના જીવનમાં કોઈ દખલગીરી કરતી નથી, પણ માતાનું દિલ છે. એટલે આયેશા જેવી મધ્યમ વર્ગની અને સંસ્કારી છોકરી પોતાના દીકરા સાથે રહે છે, તો ક્યાંક ગોઠવાઈ જાય તેવું વિચારતી હોય છે, પણ મોરિસને કે આયેશાને સામેથી પૂછતી નથી.
વાર્તાના અંતે આ ત્રણેય ભેગાં થાય છે, પોતપોતાના ચોકઠાંમાંથી નીકળીને, થોડા સંવાદો અને મનોભાવો થકી વાર્તા અંતિમ ચરણે આવે છે, અને અચાનક જ અણધાર્યા મુકામે વાર્તા પૂરી થાય છે. વાચક દિગ્મૂઢ બની જાય અને વાર્તાકાર બધાને પ્રભાવિત કરીને ખુશી ખુશીથી નીકળી જાય.
વાહ ! વલ્લભભાઈ, વાહ !
પણ સર્વ હક લેખકને સ્વાધીન, એ વાત એમનાં પાત્રો સ્વીકારતાં નથી, કારણ કે પાત્રો પોતે જ પોતાના પાત્રાલેખન થકી પોતપોતાનો રસ્તો બનાવી લે છે. આયેશા એ હોમલેસ છે અને હોમલેસનેસ એટલે જીવનની અનિશ્ચિતતા, અસ્થાયી જીવન અને સ્વ બચાવ માટે શંકાનું કવચ જે એની માતાએ પહેરાવેલું, એટલે આયેશા માટે શંકા નિવારણ કરવું એ દુષ્કર છે, અને ઈચ્છા હોવા છતાં પણ કોઈની સાથે જોડાવવું એ કઠિન બને.
મોરિસ જોન્સ − બાળપણથી જ ખ્રિસ્તી ધર્મના વિચારોથી રંગાયેલો છે. એની ઉંમરના છોકરાઓ જ્યારે છોકરીઓ પાછળ ઘેલા થાય ત્યારે મોરિસ બાઇબલ વાંચવામાં રસ ધરાવે. એટલે એનામાં સંયમી વર્તાવ ઘડાતો જાય અને એક પ્રકારની અલિપ્તતા કેળવાતી જાય. પાંચ દિવસની મહેમાનગતિ માણ્યા બાદ આયેશા હૃદયપૂર્વક કહે કે ‘આઈ એમ રિયલી થેન્કફૂલ’, એ પળે અન્ય પુરુષની જેમ આયેશા પ્રતિ નજીક થઈ શક્યો હોત; કંઈક અંકુરિત થઈ શક્યું હોત. પણ એ તો કેવળ હાથ ઊંચો કરીને રૂમની બહાર નીકળી જાય છે. એ એની અલિપ્તતા કે પછી એના પિતાએ બાળપણમાં કરેલી ટકોર કદાચ સાચી હોય ?
ડોરોથી − ખ્રિસ્તી ધર્મનાં નીતિનિયમોમાં આસ્થા રાખનારી, દીકરાએ એક અનાથ – બેઘર યુવતીને એના ઍપાર્ટમેન્ટમાં ‘પનાહ’ આપી છે તે ‘ગુનાહ’ નથી, એવી સોચ ધરાવનારી, પુત્રના લક્ષણ પારણામાંથી એવું જાણનારી એ નારીને કંઈક શંકા થાય કે આયેશા સાથે લગ્ન કરીને દીકરો એને ઘરમાં સ્થાન તો આપશે પણ સ્ત્રી સહજ ભૂખ સંતોષી ન શકે તો ? આયેશા પછી ફરીવાર બેઘર થઈ જાય એના કરતાં એને દીકરી તરીકે અપનાવું તો !!!
આમ ત્રણેય પાત્રો પોતપોતાના સ્વ-ભાવ કે સ્વ-પ્રકૃતિ અનુસાર વાર્તાના એ જ અંત તરફ બઢતાં હોય તો એ પાત્રો પણ વાર્તાની સફળતાના ભાગીદાર બને છે.
ઘટનાઓ ઘડ્યા વગર, કેવળ પાત્રોના બોલ કે અબોલ સંવાદો થકી વાર્તા રચવી, પાત્રો એકબીજાંની નજીક આવે પણ તેમના સ્વ-ભાવ પ્રમાણે કંઈ જામે નહિ − અલિપ્ત રહે ત્યારે વાચકને આગળ ઉપર કંઈક થશે, એ માટેની ઈન્તેજારી રહે અને એ ઈન્તેજારી છેવટ સુધી જળવાઈ રહે એ રીતની વાર્તા રચવાનો શ્રેય વાર્તાકારને જરૂર ઘટે.
એક બે ક્ષતિઓ તરફ આંગળી ચીંધું ! કોઈ પણ હોમલેસ વ્યક્તિ બીમાર થવાના ડરથી વરસતા વરસાદમાં ભીનાં ઘાસ પર ખુલ્લામાં બેસે નહિ. હા. પાણીથી લથબથ થયેલી યુવતીનું ચિત્ર કામુક ભાવ જગાડે. પણ તે માટે માખણ જેવી પીઠ પર ફેલાયેલા કાળા વાળ એ વર્ણન અત્રે અસ્થાને છે.
આ તો થઈ વાર્તા વિશેની વાત, પણ વાર્તામાંથી ઊઠતા એક બે મુદ્દા મને દેખાયા છે તેની વાત કરું.
આ વાર્તા એક ધાર્મિક વાર્તા નથી, પણ એમાં ક્રિશ્ચિયન વેલ્યૂની જે નોંધ કરાઈ છે, તે છે હ્યુમન વેલ્યૂ ઍન્ડ એમ્પથિ – માનવ મૂલ્ય અને અનુકંપા. કોઈ પણ જાતિ કે ધર્મની પરવા કર્યા વગર ત્રસ્ત વ્યક્તિ પ્રતિ કેવળ અનુકંપાથી દોરાઈને એને મદદરૂપ થવા કે એના દુ:ખમાં ભાગીદાર થવાનો એક આદર્શ અહીં વ્યક્ત થયો છે.
બીજો મુદ્દો − વાર્તામાં થોડીક શૃંગારિકતા લાવવા માટે વરસાદમાં બીંજાતી સ્ત્રીનું વર્ણન કર્યું છે, એમાં થોડી કામુકતા છે. પણ એથીયે આગળ વધીને, એકાન્તમાં એક અનજાન પુરુષ સાથે રહેતી સ્ત્રીના મનમાં કેવા ભાવો પ્રગટે છે તેનું પણ બયાન કર્યું છે. બાથરૂમમાં ન્હાતી આયેશા મનોમન વિચારે છે કે ‘પેલો ટૃાય કરશે તો?’ અને એના દિલમાં ગલગલિયાં થવાં લાગે છે. અને આગળ જતાં એક બીજો ભાવ જાગે છે, ‘એ જેન્ટલમેનનો બચ્ચો થવા જશે અને ટૃાય નહિ કરે તો ?’ યુવાન સ્ત્રીપુરુષ, એકબીજાંથી અનજાન, પણ એકાન્તમાં મળે ત્યારે આવા કંઈક વિચારો ઉભરાય એ સ્વાભાવિક છે. અને ખાસ કરીને પુરુષના ભાવોને પ્રગટ રૂપે બતાવાય છે, જ્યારે સ્ત્રીના ભાવો અ-પ્રગટ રહેતા હોય છે. પુરુષપ્રધાન સમાજમાં સ્ત્રી એ પુરુષ માટે ભોગ માટેનું સાધન મનાય છે. પણ સ્ત્રી એ ભોગ્ય વસ્તુ નથી, એ એક ભોક્તા પણ છે. હવે ‘સ્ત્રી માટેના સમાન હક’ની વિચારધારાથી નવી સમજ કેળવાતી જાય છે, એ પ્રતિ લેખકે અહીં અંગૂલિનિર્દેશ કર્યો છે.
e.mail : mndesai.personal@googlemail.com
(વિલાયતની ‘ગુજરાતી સાહિત્ય અકાદમી’ની માસિકી બેઠક – ‘વાર્તા વર્તુળ’માં, શનિવાર, 02 નવેમ્બર 2019ના દિવસે આ વાર્તા વિશે રસદર્શન થયું તેની પ્રમુખ રજૂઆત)
આ વાર્તા અહીં જોઈવાંચી શકાય છે : https://opinionmagazine.co.uk/details/4777/ayesha
![]()


રવીન્દ્રનાથ ટાગોરે રાષ્ટ્રવાદ પર ભાષણ આપ્યું એની શરૂઆત જ આ શબ્દોમાં કરી હતી. Our real problem is not political. It is social. This is a condition not only prevailing in India, but among all nations. અને એ પછી આગળ કહે છે, Nationalism is a great menace. It is the particular thing which for years has been at the bottom of India’s troubles. રવીન્દ્રનાથ કહે છે કે ભારતની સમસ્યા રાજકીય નથી, સામાજિક છે અને આવી સ્થિતિ એકલાં ભારતમાં નથી પણ બાકીના દેશોમાં પણ છે. રાષ્ટ્રવાદ એક અભિશાપ છે અને ભારતની સમસ્યાઓનું એ કેન્દ્રવર્તી કારણ છે.
આ એ સમયનું કથન છે જ્યારે ભારતે હજુ આઝાદી મેળવવાની બાકી હતી અને રાષ્ટ્રીય ચેતના જાગૃત કરવા રાષ્ટ્રવાદનો ખપ હતો. જેમ લોકમાન્ય તિલકને લાગ્યું હતું, જેમ અન્ય નેતાઓને લાગ્યું હતું, જેમ કંઈક અંશે ગાંધીજીને પણ લાગ્યું હતું એમ રવીન્દ્રનાથને પણ લાગવું જોઈતું હતું કે પ્રજાકીય જાગરણ માટે રાષ્ટ્રીય ચેતના જરૂરી છે અને તેને માટે રાષ્ટ્રવાદ સશક્ત માધ્યમ બની શકે એમ છે. મેધામાં રવીન્દ્રનાથ, વિવેકાનંદ અને ગાંધીથી ચડે એમ હતા અને તેમની દેશભક્તિ બીજા કોઈ પણ કરતાં ઓછી નહોતી. રવીન્દ્રનાથે દેશને બેઠો કરી દેનારા ગાંધીજીની પીઠ થપથપાવવી જોઈતી હતી અને એની જગ્યાએ કાન આમળે છે. એ બે મહાનુભાવો વચ્ચે સંબંધ કેટલો હાર્દિક હતો અને જીવનપર્યંત રહ્યો હતો તેની વિગતો આપવાની અહીં જરૂર નથી.
આ એ સમયનું કથન છે જ્યારે રૉલેટ ઍક્ટ તરીકે ઓળખાતો કાળો કાયદો ભારતમાં લાગુ કરવામાં આવ્યો હતો અને તેનો વિરોધ કરી રહેલા નિ:શસ્ત્ર લોકો પર અમૃતસરમાં જાલિયાંવાલા બાગમાં નિર્મમ ગોળીબાર કરીને ૩૭૯ લોકોને મારી નાખવામાં આવ્યા હતા. ગાંધીજીએ અસહકારની ચળવળ શરૂ કરી હતી અને દેશ બેઠો થઈ ગયો હતો. ભારતમાં હવે વધારે સમય રાજ કરવું શક્ય નથી એવું અંગ્રેજોને લાગવા માંડ્યું હતું, તે ત્યાં સુધી કે ૧૮મી માર્ચ ૧૯૨૨ના રોજ લંડનમાં આમની સભામાં બ્રિટિશ વડા પ્રધાને નિવેદન કરીને બ્રિટિશ પ્રજાને સધિયારો આપવો પડ્યો હતો કે ભારતમાં બ્રિટિશ સામ્રાજ્ય સલામત છે અને રહેશે.
એક સપ્તાહ તમારી પાસે છે. એ દરમ્યાન તમે ઈચ્છો તો રવીન્દ્રનાથના રાષ્ટ્રવાદ વિશેના ત્રણ પ્રવચનોનો ડૉ. ત્રિદીપ સુહ્રદે ગુજરાતીમાં કરેલો અનુવાદ જોઈ જઈ શકો છો. નવજીવન પ્રકાશન મંદિરે તેનું પ્રકાશન કર્યું છે. એમાં પશ્ચિમનો રાષ્ટ્રવાદ અને જપાનના રાષ્ટ્રવાદ એમ બે નિબંધો વધુ વાંચવા મળશે. નાનકડું પુસ્તક છે એટલે એક અઠવાડિયામાં વાંચી જઈ શકશો. જો અંગ્રેજી વાંચતા હો તો એસ. ઈરફાન હબીબ દ્વારા સંપાદિત ‘ઈન્ડિયન્સ નેશનાલિઝમ’ પુસ્તક પણ જોઈ શકો છો. એમાં મહાદેવ ગોવિંદ રાનડે, સુરેન્દ્રનાથ બેનર્જી, બાળ ગંગાધર ટિળક, લાલા લજપત રાય, બિપીન ચન્દ્ર પાલ, શ્રી અરવિંદો, મૌલાના હુસેન અહમદ મદની, અલ્લામા ઇકબાલ, સરોજિની નાયડુ, પ્રફુલ્લ ચન્દ્ર રાય, મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ, જવાહરલાલ નેહરુ, ડૉ. બી.આર. આંબેડકર, સી. રાજગોપાલાચારી, સુભાષ ચન્દ્ર બોઝ, ભગત સિંહ, માનવેન્દ્રનાથ રોય, મૌલાના અબુલ કલામ આઝાદ, ખાન અબ્દુલ ગફાર ખાન, ખ્વાજા અહમદ અબ્બાસ, જયપ્રકાશ નારાયણ અને રવીન્દ્રનાથ ટાગોરનો ઉપરનો નિબંધ એમ કુલ ૨૩ મહાનુભાવોના રાષ્ટ્રવાદ વિશેના વિચારો એક જ સ્થળે મળી રહેશે.