એક રાજા હતો. કાશ્મીરી કન્યાના મોહમાં પડી ગયો. પણ કન્યા પડોશના રાજ્યના રાજાના મોહમાં હતી. પડોશનું રાજ્ય પણ નબળું અને રાજા પણ નબળો, તેમ છતાં. આપણા રાજાએ પહેલાં તો કન્યાનાં સગાં-વહાલાં-મિત્રો મારફતે ચાર-ચાર વર્ષ મથામણ કરી જોઈ. મેળ ના પડ્યો. એટલે સગાં-વહાલાં-મિત્રોને મૂક્યા તડકે. કન્યાના દૂરના એક મામાને શોધી કાઢ્યા. એક ગુંડા-ટોળી મામાની મદદમાં મૂકી. બધાને કન્યાને ગામ મોકલી આપી ધંધે લગાડ્યા. મામાએ કન્યાના સગાં-વહાલાં-મિત્રોને ડરાવી-ધમકાવી-રડાવી, આખા ગામમાં આતંક મચાવી મુક્યો. કેટલાકને તો સ્થાનિક પોલીસને ફોડીને જેલમાં ઘાલ્યાં. કન્યાનું અપહરણ કર્યુ. ઘડિયા લગ્ન લેવાયા. જાનૈયાઓએ ખૂબ ફટાકડાઓ ફોડ્યા. વરઘોડામાં ખૂબ નાચ્યા. જાનડીઓએ ગળાં ફાડી ફાડીને ફટાણાં ગાયાં. રાજાજીએ હવે રાણી બનાવેલી કન્યાને રાજી કરવા જાત જાતનાં ને ભાત ભાતનાં વચનો આપવામાં કોઈ કસર ના છોડી. મહિનો ઉપર થઈ ગયો. હજી પણ વચનો આપ્યે રાખે છે.
આપણા રાજાજી અમર આશાવાદી છે. પણ પેલી કન્યા, હવે કહેવાતા રાણીજી, કોપ ભવનમાંથી બહાર આવતાં નથી ને દરબારમાં હાજરી આપીને રાજાજીની શાન વધારતાં નથી.
તો હવે કરવું શું?
રાજાજીના વફાદાર પ્રજાજન છો? – નાચવા-ગાવા-ફટાકડા ફોડવાનું ચાલુ રાખો.
રાજાજીના વફાદાર દરબારી છો? – રાજાજી આપી શકે તે માટે નવાંનવાં વચનો શોધો અને નવાં નવાં ઉજવણાંના તાયફા ને રાજાજીના પ્રવાસોના કાર્યક્રમો ઘડવામાં મચી પડો. રાજાજીનું જીવનકાર્ય અટકવું ન જોઈએ.
પડોશી દેશની પ્રજા છો? – કુદરતે તમને પણ અમારા દેશની જેમ જ ઘણી સંપત્તિ અને પ્રશ્નો આપ્યાં છે. માત્ર અને માત્ર એની ઉપર તમારું ધ્યાન આપો.
નિંદક છો? મારી જેમ લેખો લખો, ભાષણો કરો, રેલીઓ કાઢો.
સામાન્ય પ્રજાજન છો? નસકોરા બોલાવો.
આપણા રાજાજીનાં આ લગ્ન સફળ થાય છે કે અન્ય નિર્ણયોની માફક સુરસુરિયું એ તો ત્રણ-ચાર વર્ષે ખબર પડશે. રાણી જો દરબારમાં હાજરી આપતાં થાય તો સફળ, અને નહીં તો પછી નોટબંધી જેવું.
ઈ-૮, સ્ટર્લિંગ રો હાઉસીસ, સુભાષ ચૉક, ગુરુકુલ રોડ, મેમનગર
સૌજન્ય : “નિરીક્ષક”, 16 સપ્ટેમ્બર 2019; પૃ. 22
![]()


ગાંધીજીની દોઢસોમી જન્મજયંતીનાં સત્તાવાર ઉજવણાં વચ્ચે અન્ય એક શતાબ્દિટાણું આવ્યું ને જતું રહ્યું. સમાચારોમાં ખાસ નહીં ચમકેલી એ શતાબ્દિ ગાંધીજીએ ચલાવેલા સાપ્તાહિક ‘નવજીવન’ની હતી. ગાંધીજીના તંત્રીપદ હેઠળ ‘નવજીવન’નો પહેલો અંક સપ્ટેમ્બર ૭, ૧૯૧૯ના રોજ પ્રગટ થયો હતો. ૧૯૩૨માં તેનું પ્રકાશન આટોપાયું ત્યાં સુધીમાં તે ગાંધીજીના અનેક પ્રયોગોનું સાક્ષી અને લોકો સુધી તેમની વાત પહોંચાડવાનું માધ્યમ બન્યું. ગાંધીજીનાં જોમવંતાં છતાં ઉશ્કેરણીજનક નહીં, વિચારપ્રેરક છતાં ગળચટ્ટાં ચિંતનખોર નહીં એવાં લખાણો ‘નવજીવન’ માટે લખાયાં. અસહકારની ચળવળ અને ખિલાફ્ત આંદોલનથી માંડીને દાંડીકૂચ જેવી દેશને ઉપરતળે કરનારી અનેક ઘટનાઓ ‘નવજીવન’ના પાને ઝીલાઈ. ગાંધીજીની લેખનશૈલી ઘડાઈ અને શીલમાંથી શૈલી શી રીતે નીપજી શકે તેનું ઉત્તમ ઉદાહરણ બની. ‘નવજીવન’ ફ્ક્ત ગાંધીવિચારનું જ નહીં, જાણે દેશમાં પ્રસરેલી નવી આબોહવાનું મુખપત્ર બની રહ્યું.