નીરાબહેને પોતાનાં જીવનની સાર્થકતા વિદ્વત્તા અને કર્મશીલતાના સમન્વયમાં જોઈ. તેઓ ક્યારે ય માત્ર અભ્યાસી કે અધ્યાપક ન હતાં. સમાજશાસ્ત્ર વિષયના શિક્ષણ તેમ જ સંશોધનમાં નારીવાદનું મહત્ત્વનું સ્થાન ઊભું કરવામાં નીરાબહેનનો બહુમૂલ્ય ફાળો છે.
‘થપ્પડ’ ફિલ્મ બને છે. લશ્કરમાં સ્ત્રીઓના પુરુષોને સમકક્ષ નોકરીના અધિકારને સર્વોચ્ચ અદાલત બહાલી આપે છે. નિર્ભયાના બળાત્કારીઓને ફાંસીમાં વિલંબ સામેનો આક્રોશ ચાલુ છે. મહિલાઓ સાથે માસિકના દિવસોમાં રાખવામાં આવતી આભડછેટ પર ફિટકાર વરસે છે. મુસ્લિમ મહિલાઓનું બહાર આવવું શાહીનબાગ વિરોધને વિશિષ્ટ બનાવે છે. આવી ગતિવિધિઓ આપણાં સમાજમાનસમાં મહિલાઓનું ગૌરવ જાળવવા અંગે વધતી જઈ રહેલી સભાનતાને આભારી છે. તેના પાયામાં બે પરિબળો રહેલાં છે. એક, દેશના જાહેર જીવનમાં આઠમા દાયકાથી મજબૂત બનતી ચાલેલી નારીવાદી ચળવળ; અને બે, દેશના બૌદ્ધિક જીવનમાં વિકાસ પામેલી સ્ત્રી અભ્યાસ અર્થાત્ વિમેન્સ સ્ટ્ડીઝ નામની માનવતાવાદી જ્ઞાનશાખા. આ બંનેનો જેમાં સમન્વય થયો હોય તેવાં સ્ત્રી-પુરુષ અગ્રણીઓમાં સમાજશાત્રનાં વિદ્વાન નારીવાદી અધ્યાપક નીરાબહેન દેસાઈ(1925-2009)નું સ્થાન મોખરે છે.
‘સ્ત્રીઅભ્યાસ : જ્ઞાનની વિસ્તરતી ક્ષિતિજો’ નામનાં પુસ્તકની પ્રસ્તાવનામાં તેમણે લખ્યું છે : ‘નારીઅભ્યાસ એ કેવળ બૌદ્ધિક વ્યાયામ નથી પરંતુ આ સમજણ દ્વારા સમાન, ન્યાયી અને મુક્ત સમાજનું સર્જન થાય કે જેમાં સ્ત્રી માનભેર, પોતાની ઓળખ જાળવી શકે, એ ઉદ્દેશ પણ નારીઅભ્યાસ સાથે ગાઢ સંબંધ ધરાવે છે. આથી જ નારીઅભ્યાસ અને નારીઆંદોલન ગાઢ રીતે સંકળાયેલાં છે. એકબીજાના ટેકામાં જ બન્નેનાં અસ્તિત્વની સાર્થકતા છે.’
નારીઅભ્યાસ અને નારીઆંદોલનનાં આવાં સમન્વયમાં નીરાબહેને પોતાનાં જીવનની સાર્થકતા વિદ્વત્તા અને કર્મશીલતાના સમન્વયમાં જોઈ. ભારતમાં નારીઅભ્યાસ શાખાનાં સ્થાપક નીરાબહેન ક્યારે ય માત્ર અભ્યાસી કે અધ્યાપક ન હતાં. પશ્ચિમ ભારતમાં ખાસ કરીને મહારાષ્ટ્રમાં, ગુજરાતમાં અને ગુજરાતી ભાષામાં સમાજશાસ્ત્ર વિષયના શિક્ષણ તેમ જ સંશોધનમાં નારીવાદનું મહત્ત્વનું સ્થાન ઊભું કરવામાં નીરાબહેનનો બહુમૂલ્ય ફાળો છે. તેમણે વર્ગમાં શિક્ષણ, અભ્યાસક્રમોની રચના, સંશોધન, સર્વેક્ષણ, ઇતિહાસલેખન જેવાં અનેક પાસામાં નારીવાદી પરિપ્રેક્ષ્યને લગભગ અનિવાર્ય બનાવ્યો. તે માટે તેમણે ખુદ સંશોધનો કર્યાં, સંશોધનોનું માર્ગદર્શન કર્યું, અહેવાલો અને સર્વેક્ષણોમાં સતત પરિશ્રમ કર્યાં. મંચ, સંગઠન, સંસ્થાઓની સ્થાપના કરી, તેમને વિચાર-વિભાવના પૂરાં પાડ્યાં, સક્રિય રાખ્યાં. મહિલા અભ્યાસીઓ અને કર્મશીલોનું ઘડતર કર્યું. અત્યારે અનેક જાણીતી નારીવાદી મહિલાઓ માટે નીરાબહેન એક યા બીજી રીતે પ્રેરણાસ્થાન રહ્યાં હતાં. અનુરાધા શાનબાગ, કલ્પના કન્નબ્રિયન, ફ્લાવિયા ઍગ્નિસ, બકુલા ઘાસવાલા, લતા પી.એમ., શિરાઝ બલસારા, સરૂપ ધ્રુવ જેવાં નામોની, અને નીરાબહેનનાં કામોની યાદી ઘણી લાંબી થઈ શકે.
સૉલિસિટર પિતા ભદ્રજી ધ્રુવ અને ભણેલા-ગણેલાં પ્રબુદ્ધ માતા અનસૂયાબહેને નીરાબહેનને પ્રગતિશીલ રીતે ઉછેર્યાં હતાં. આઝાદીની લડત દરમિયાન ગાંધીજીની વાનરસેનામાં તેઓ જોડાયાં હતાં. મુંબઈની એલફિન્સ્ટન્સ કૉલેજનો અભ્યાસ 1942ની હિન્દ છોડોની ચળવળમાં છોડ્યો હતો અને એક વખત જેલમાં પણ ગયાં હતાં. ઇતિહાસ અને અર્થશાસ્ત્ર સાથે બી.એ. થયાં પછી નીરાબહેને એમ.એ. ના અભ્યાસમાં ‘ઇમ્પૅક્ટ ઓફ બ્રિટિશ રુલ ઑન ધ પોઝીશન ઑફ વિમેન ઇન ઇન્ડિયા નામે મહાનિબંધ’ લખ્યો, જે પછી ‘વિમેન ઇન મૉડર્ન ઇન્ડિયા’ પુસ્તક તરીકે પ્રસિદ્ધ થયો. 1954માં નીરાબહેન શ્રીમતી નાથીબાઈ દામોદર ઠાકરસી (એસ.એન.ડી.ટી.) યુનિવર્સિટીમાં અધ્યાપક તરીકે જોડાયાં જે તેમની કર્મભૂમિ બની રહી. અહીં 1965માં તેમણે ગુજરાતના સામાજિક સુધારા વિષય પર પીએચ. ડી. કર્યું. છઠ્ઠા અને સાતમા દાયકામાં અધ્યાપનની સાથે નારીકેન્દ્રી ઍકેડેમિક કામગીરી મોટા પ્રમાણમાં હાથ ધરી.
અમેરિકામાં ફુલબ્રાઇટ સ્કૉલરશીપ હેઠળ અભ્યાસ કર્યા બાદ, ત્રીજા વર્ષે 1972માં તેઓ સ્ટેટસ ઑફ વિમેન કમિટી ઓફ ઇન્ડિયાના સોશ્યલ ટાસ્ક ફોર્સનાં સભ્ય તરીકે વરણી પામ્યાં. આ કમિટીનો ‘ટોવર્ડસ ઇક્વાલિટી’ નામનો અહેવાલ સીમાચિહ્ન બન્યો. એસ.એન.ડી.ટી.ના નેજા હેઠળ તેમણે દેશના સહુ પ્રથમ સ્ત્રી અભ્યાસ સંશોધન કેન્દ્રની સ્થાપના કરી. તેની વિવિધ પ્રવૃત્તિઓની એક નક્કર ફલશ્રુતિ તરીકે દેશને ઇન્ડિયન અસોસિએશન ફૉર વિમેન્સ સ્ટડીઝ નામનું કાર્યશીલ સંગઠન મળ્યું. કેન્દ્રે નારીઅભ્યાસ માટે દસ્તાવેજીકરણમાં પણ પહેલ કરી. 1975ની કટોકટી બાદ નીરાબહેન રાજકીય કર્મશીલતાની બાબતમાં વિશેષ સભાન બન્યાં. પૂનામાં વિવિધ પ્રકારના શ્રમકાર્ય સાથે સંકળાયેલી મહિલાઓનાં 1978માં યોજાયેલાં સંમેલન અને પશ્ચિમના નારીવાદના અભ્યાસ બાદ ગરીબ અને ત્રીજા વિશ્વની મહિલાઓ માટેની તેમની નિસબત તીવ્ર બની.
તેજસ્વી માર્ક્સવાદી ચિંતક અક્ષયકુમાર રમણલાલ દેસાઈ સાથેનું નીરાબહેનનું દામ્પત્યજીવન બૌદ્ધિક સહજીવનનું પણ દૃષ્ટાન્ત છે. આ દંપતીએ ‘સમાજવિજ્ઞાનમાળા’ પુસ્તકશ્રેણી હેઠળ વીસ ઉત્તમ પુસ્તકોનાં લેખન-અનુવાદ-સંપાદન આપ્યાં છે, જે ગુજરાતી ભાષામાં અનોખાં છે. તેમનાં પુત્ર દેશમાં મિહીર માનવ માનવાધિકાર માટે લડનાર ધારાશાસ્ત્રી છે. ગુજરાતમાં 2002માં થયેલાં રમખાણો પછી પીડિતો માટે સામાજિક ન્યાય માટેના પ્રયત્નોમાં તેઓ સામેલ છે.
‘વિમેન ઇન મૉડર્ન ઇન્ડિયા’ એ નીરાબહેનનું પુસ્તક ‘ભારતીય નારીજીવનનો સહુથી પહેલો વિશ્લેષણાત્મક ઇતિહાસ’ ગણાય છે. તક અને વિકાસથી સ્ત્રી વંચિત કેવી રીતે રહી ગઈ, તેમ જ તેની પર દમન કેમ શરૂ થયું અને કેમ સતત ચાલુ રહ્યું તેનો અહીં અભ્યાસ છે. ‘ભારતીય સમાજમાં સ્ત્રીજીવન’ પુસ્તક ‘સ્ત્રીજીવનનાં સર્વસ્પર્શી આલેખન’ના પ્રયાસ તરીકે લખાયું છે. ‘માનવશાસ્ત્ર’ પુસ્તક ‘વૉઇસ્ ઑફ અમેરિકા ફોરમ લેક્ચર્સ’ ઉપક્રમ હેઠળનાં નવ વ્યાખ્યાનોનો અનુવાદ છે. મૈત્રેયી કૃષ્ણરાજ સાથેનું ‘વિમેન ઍન્ડ સોસાયટી ઇન ઇન્ડિયા’ કૉલેજ કક્ષાનું અને સ્ત્રીઅભ્યાસનું પાયાનું પુસ્તક ગણાય છે. એ અર્થતંત્ર, શિક્ષણ, કુટુંબ, આરોગ્ય, હિંસા અને બદલાવ વિષયોને આવરે છે. ‘અ ડિકેડ ઑફ વિમેન્સ મૂવમેન્ટ ઇન ઇન્ડિયા’ સંપાદનમાં 1974-84 સમયગાળો છે. ઇન્દિરા જયસિંહ, ઇલા પાઠક, કલ્પના શાહ, ગેઇલ ઑમ્વેટ, ચંડી પ્રસાદ ભટ્ટ, પામેલા ફિલિપોઝ જેવાંએ તેમાં લખ્યું છે.
નીરાબહેને અક્ષયકુમાર સાથે સંપાદિત કરેલાં ‘મહિલા શ્રમશક્તિ’ પુસ્તકને સંવેદનશીલ નાગરિક માટેનું જરૂરી વાચન ગણી શકાય. તેમાં સ્ત્રી શ્રમિકોનાં પ્રશ્નોની સર્વાંગી ઢબે, વ્યાપક દૃષ્ટિએ હૃદયસ્પર્શી રીતે સમજ આપતાં ક્ષેત્રકાર્ય આધારિત આઠ દીર્ઘ અભ્યાસોને નારીવાદી અનુવાદકોએ ગુજરાતીમાં ઊતાર્યા છે. ‘ફેમિનિઝમ ઍઝ એક્સપિરિયન્સ : થૉટ્સ ઍંડ નરેટિવ્ઝ’ આકરગ્રંથમાં ગુજરાત અને મહારાષ્ટ્રની અનેક ક્ષેત્રોની ચોવીસ નોંધપાત્ર નારીવાદી મહિલાઓની નીરાબહેને લીધેલી મુલાકાતો પર આધારિત નરેટિવ્ઝ મળે છે. આ પુસ્તકનાં પરિશિષ્ટ તરીકે અન્ય ચોંસઠ મહિલાઓની યાદી છે કે જેના નીરાબહેને ઇન્ટર્વ્યૂઝ લીધા હોય. આ પુસ્તક અને ઇન્ટર્વ્યૂઝ ‘સ્પૅરો’ એટલે કે ‘સાઉન્ડ ઍન્ડ પિક્ચર આર્કાઇવ્ઝ ફૉર રિસર્ચ ઑન વિમેન’ નામની સંસ્થાના ઉપક્રમે થયાં છે. બહુ રસપ્રદ કામ કરનાર ‘સ્પૅરો’નાં શિલ્પીઓમાં નીરાબહેન એક હતાં. નીરાબહેનનું કદાચ આખરી મહત્ત્વનું કામ એટલે ગુજરાતીમાં ‘સ્ત્રીઅભ્યાસ શ્રેણી’(2000-2003)નું સંપાદન કે જેમાં અભ્યાસી મહિલાઓએ બાર નાનાં પુસ્તકો લખ્યાં છે. તે સ્ત્રીજીવનનાં સંદર્ભે આંદોલનો, ઇતિહાસ, કાનૂન, રાજકારણ, વિકાસ, શિક્ષણ, સાહિત્ય અને હિંસા વિશે માહિતી અને વિચારપૂર્ણ સામગ્રી પૂરી પાડે છે.
નીરાબહેનનાં વિશાળ જીવનકાર્ય વિશે જિરેલ્ડાઇન ફોર્બ્સ અને ઉષા ઠક્કરે વિગતવાર લખ્યું છે. ઉપરાંત તેમનાં સાથી વિભૂતી પટેલે એક અંજલિ લેખમાં નીરાબહેનનાં પદ્ધતિ અને પ્રદાન ઉપરાંત, તેમનાં આધાર અને હૂંફ, સ્નેહ અને સાદગી,સંસ્કારિતા અને રુચિસંપન્નતા વિશે લખ્યું છે. તેમણે એમ પણ લખ્યું છે કે આઠમી માર્ચે નીરાબહેન જ્યાં હોય ત્યાં મહિલા દિનના કાર્યક્રમમાં જોડાતાં. આ રવિવારે પણ તેઓ હશે જ !
******
બુધવાર, 4 માર્ચ 2020, મધ્યરાત્રિ
પ્રગટ : ‘ક્ષિતિજ’ નામક લેખકની સાપ્તાહિક કટાર, “નવગુજરાત સમય”, 06 માર્ચ 2020