પોતાની પ્રજાનો નેતા – જેને બહારની કોઈ પણ સત્તાનો સહારો નથી; રાજપુરુષ – જેની સફળતા ખટપટ કે આયોજનિક યુક્તિઓ પરના પ્રભુત્વ પર નહિ પણ કેવળ પોતાના વ્યક્તિત્વની સામાને સમજાવી લેતી શક્તિ ઉપર અવલંબે છે; વિજયી યોદ્ધો–જેણે હંમેશાં હિંસાના ઉપયોગને ધુત્કારી કાઢ્યો છે; પ્રજ્ઞા અને નમ્રતાની મૂર્તિ – જે દૃઢ સંકલ્પ અને અદમ્ય સંગતતાથી સુસજ્જ છે, જેણે પોતાની પ્રજાને ઉદ્ધારવામાં અને એમની દશા સુધારવામાં પોતાની સમગ્ર શક્તિ સમર્પી છે; એક માણસ – જેણે એક સામાન્ય મનુષ્યના ગૌરવ વડે યુરોપની પાશવતાને સામને કર્યો છે અને એ રીતે સર્વદા જે ઉત્તરોત્તર ઊંચે ચડ્યો છે. સંભવ છે કે આવતી પેઢીઓ ભાગ્યે જ એ વાત માનશે કે આવો માણસ ખરેખર જીવતા-જાગતા સ્વરૂપે આ ભૂતલ ઉપર વિચર્યો હતો !
− આલ્બર્ટ આઇન્સ્ટાઇન
ગાંધીજીએ એક આખી પ્રજાને ટટ્ટાર ઊભી રહેતી કરી અને તેમના બોલથી એ પ્રજા ટટ્ટાર ઊભી. ગાંધીજી જડતત્વ પર આત્મતત્ત્વના વિજયના, હિંસા પર હિંમતના, અને અન્યાય પર ન્યાયના વિજયના પ્રતિનિધિ હતા. હિંદમાં બ્રિટિશ શાસનની રૂઢ પ્રણાલી ચાલુ રહે એ એમણે તદ્દન અશક્ય બનાવી દીધું. આ એમનો નાનો સૂનો વિજય નથી. ઇતિહાસની અદાલતમાં હિંદી પ્રજાને નામે તેઓ એક ફરિયાદી તરીકે ઊભા રહ્યા અને જ્યારે એમણે એમની દલીલો પૂરી કરી ત્યારે બીજો કોઈ ચૂકાદો શક્ય નહોતો. સ્વાતંત્ર્ય એ જ ચૂકાદો હતો.
− પ્રો. હેરોલ્ડ લાસ્કી
અમારે મન ગાંધીજી તે પોતે જેને સાચું માને તેને માટે ઊભા રહેનારા બહાદુર પુરુષોમાંના એક હતા, પૃથ્વી પરના રડ્યા-ખડ્યા સંતોમાંના એક હતા. અમે હિંદ માટે ગૌરવ અનુભવીએ છીએ કે ગાંધીજી તેનાં સંતાનોમાંના એક હતા; અને અમને હિંદ માટે દયા ઉપજે છે કે હિંદના જ એક સંતાને એમને હિચકારી રીતે ઠાર કર્યા! ગાંધીજીના મૃત્યુની સંજ્ઞા સાથે સરખાવી શકાય એવો ઇશુના ક્રૂસ-આરોહણ સિવાય બીજો કોઈ પ્રસંગ નથી. પોતાના દેશના જ હત્યારાને હાથે નીપજેલું ગાંધીજીનું મૃત્યુ એ બીજું ક્રૂસારોહણ છે.
− શ્રીમતી પર્લ બક
02 જાન્યુઆરી 2025
•
આજની દુનિયાના ઇતિહાસમાં આ પૂજ્ય પુરુષની નિરર્થક હત્યાથી વધારે અકારું કશું બન્યું નથી. સભ્યતા જો ટકી શકવાની હોય તો તેની ઉત્ક્રાંતિમાં સૌ મનુષ્યે કાળે કરીને ગાંધીજીની માન્યતાને અખત્યાર કર્યા વગર રહી શકશે નહિ કે તકરારી મુદ્દાઓના ઉકેલ માટે હિંસાને સામુદાયિક ઉપયોગ એ તત્ત્વતઃ ખોટો છે. એટલું જ નહિ, પણ તે પોતાની અંદર આત્મનાશનાં બીજ ધરાવતો હોય છે. ગાંધીજી એવા પયગંબરોમાંના એક હતા કે જેઓ પોતાના જમાનાથી ઘણા આગળ વધેલા હોય છે.
− જનરલ ડગલાસ મેકઆર્થર
ગાંધીજી ગૌતમ બુદ્ધ પછીના સૌથી મહાન હિંદી અને ઈશુ પછીના દુનિયાના સૌથી મહાન પુરુષ હતા.
− ડૉ. હોમ્સ
હિંદના સ્વાતંત્ર્યનો સંગ્રામ એટલે ગાંધીજીનું સમસ્ત જીવનચરિત્ર. મારું પોતાનું જીવન ગાંધીજી સાથે ગાઢ રીતે સંકળાયેલુ હતું. ગાંધીજી હિંદમાં જન્મ્યા ન હોત તો બનાવો કેવું સ્વરૂપ લેત એ કહેવું મુશ્કેલ છે. ગાંધીજી હિંદમાં જન્મ્યા ન હોત તો હિંદને કદાચ અત્યાર સુધી આઝાદી મળી જ ન હોત. એ સત્યનો ફિરસ્તો પગલે પગલે હિંદની પ્રજાને આઝાદીની મંઝિલ ભણી દોરી ગયો, અને કૂચ પૂરી થઈ કે તરત જ એક દુષ્ટાત્માએ તેમનો જાન લીધો! ગાંધીજી જેવી વિભૂતિનું ખૂન થઈ શકે તો પછી દેશમાં બીજા ભયંકર બનાવોની ધારણા કેમ ન રાખી શકાય ?
− સરદાર વલ્લભભાઈ પટેલ
દુનિયાભરમાંથી જે અંજલિઓ બાપુને મળી, તેવી આજ સુધીના કોઈ પણ મહાપુરુષને તેમના જીવિતકાળ દરમિયાન કે દેહાંત પછી તુરત મળી નથી. કેટલાયને એ અનાથના નાથ જેવા હતા. કેટલાયને બાપુ એક જ શરીરે મા અને બાપ બન્ને હતા.
બાપુના સ્નેહીજને પોતાની ખરી શાંતિ બાપુ પાછળ ઝૂરીઝૂરીને જીવન પૂરું કરવામાં ન માની શકે, તથા એમની પૂજા આરતી કરવા – વધારવામાં પણ ન માની શકે. પણ બાપુની જેમ જ કોઈને કોઈ દુઃખગ્રસ્ત જીવને છાતીએ વળગાડી, પીડાયેલાના મિત્ર બની, ન્યાય અને સત્ય માટે એકલે હાથે પણ સત્ય-અહિંસાપૂર્વક ઝઝૂમી, પોતાનું સેવામાં જીવન ગાળીને મેળવી શકે. હવે આપણે કોઈએ શોકના સંગ્રહને જ ધર્મ કરી ન મૂકવો અને ખેદનો નિ:શ્વાસ નાખવો એ જ કાર્યક્રમ ન થવા દેવો. પણ સૌએ બાપુના પ્રજાવિધાયક, જનસેવાનાં કામો પર ચડી જવું. બાપુને એ જ સાચી અંજલિ હશે.
− કિશોરલાલ મશરૂવાળા
03 જાન્યુઆરી 2025
•
સૌજન્ય : નંદિતાબહેન મુનિની ફેઇસબૂક દીવાલેથી સાદર; ક્રમાંક : 199 તેમ જ 200