
ગુરુદયાળ મલ્લિક
સરહદ પ્રાંતની અદાલતમાં ન્યાયાધીશ સાહેબ પોતાની સત્તાના આસન પર બેઠા છે. એમની પાછળ એક પઠાણ પટાવાળો ઊભો છે. ન્યાયાધીશ સાહેબની ખુરશી પાસે એક તરફ સરકારી વકીલ ઊભા છે અને બીજી તરફ અદાલતનો એક કારકુન. સામેની બાજુએ લોઢાના પિંજરામાં એક કદાવર પઠાણ નાળિયેરીના ઝાડની જેમ સીધા ટટ્ટાર ઊભેલા દેખાય છે. પિંજરાની ચારે કોર થોડા સિપાઈઓ ગોળી ભરેલી બંદૂકોથી સજ્જિત થઈ ગોઠવાયેલા છે.
ટીન … ટીન ટીન … ઘંટડી વાગે છે.
ન્યાયાધીશની પાછળ ઊભેલો પટાવાળો મોટેથી બૂમ પાડીને કહે છે “ખામોશ !”
પછી ન્યાયાધીશ સાહેબ હુકમ કરે છે : ” અદાલત કા કામ શરૂ કરો. “
ન્યાયાધીશનો એ હુકમ સાંભળી સરકારી વકીલ પોલીસ ઇન્સ્પેકટરને કહે છે: “સરકારી ગવાહ પેશ કરો!”
ત્યાર બાદ એક પછી એક સરકારી સાક્ષીઓ આવી, ન્યાયાધીશ સાહેબને સલામ ભરી, પિંજરામાં ઊભેલા પઠાણની વિરુદ્ધમાં સાક્ષી આપે છે.
એ બધા લોકોની આવી અસત્યથી ભરેલી જૂઠી સાક્ષી સાંભળીને તેનું મોં લાલચોળ થઈ જાય છે. જે વાતો એને સ્વપ્નેય મનમાં ન ઊઠી હોય અને જે કામ એણે કદી કર્યું પણ ન હોય એ બધું પોતાને વિશે સાંભળી એની સત્યશીલ આત્મા આગની જેમ ભડભડ પ્રજળી ઊઠ્યો. અત્યાર સુધી તે પથ્થરના પૂતળાની માફક મૌનમાં, આખો બંધ કરીને — જાણે તે મૌનમાં પોતાના માલિકને યાદ કરી રહ્યો હોય તેમ — ઊભો હતો. પણ હવે તો અસત્યોની કારમા તીર સમાન વર્ષાથી તે અશાંત બની ગયો. તેનાથી આ બધું હડહડતું જૂઠાણું સહેવાતું ન હતું તેથી તે ઊંચોનીચો થવા લાગ્યો.
એને આમ અસ્વસ્થ જોઈને અંગ્રેજ પોલીસ સાર્જન્ટ ગુસ્સે થઈ બોલી ઊઠ્યો : ” સીધા ખડા હો!”
આ સાભળી તે પઠાણ પાછો ટટ્ટાર ઊભો રહ્યો, પણ તેના મોંમાંથી શબ્દો નીકળી પડે છે : “અગર વહ મલંગને (પ્રભુના પ્યારાએ) હમ કો નહિ રોકા હોતા તો… – “
પેલો સાર્જન્ટ રોષમાં બોલ્યો – “તો તુમ ક્યા કરતા?”
“ક્યા કરતા?” પઠાણે સામો પ્રશ્ન કર્યો. પછી તેણે પોતાના હાથના બળથી લોઢાના પિંજરાના બે સળિયા વાંકા કરી દીધા !
આ જોઈને સારજન્ટ હેબતાઈ જ ગયો. તે ધીમેથી બોલ્યો : “ઈતની તાકત! ઔર ઉસ પર ઈતના કાબૂ!!”
ન્યાયાધીશ સાહેબ પણ એ દૃશ્ય જોઈ જ રહ્યા. તેમને લાગ્યું કે પઠાણના આવા વર્તાવથી કચેરીના ગંભીર કાર્યક્રમમાં ભંગ પડી રહ્યો છે; તેથી તેમણે પોતાની પાછળ ઊભેલા પટાવાળાને ઈશારો કર્યો. પટાવાળો સમજી ગયો અને જોરથી બોલી ઊઠયો: “ખામોશ !”
અદાલતમાં પાછી શાંતિ પ્રસરી ગઈ. પણ ન્યાયાધીશ આગળ કામ ચલાવી શક્યા નહિ. એમના મનમાં જાત જાતના વિચારો આવવા લાગ્યા. તેથી તેમણે હુકમ કર્યો : “અદાલત કા કામ આજ કે લિએ બંદ રખા જાતા હૈ!”
પછી ન્યાયાધીશ સાહેબ ખુરશી પરથી ઊઠ્યા અને પોતાના ઓરડામાં ચાલ્યા ગયા. કચેરીનું કામ તે દિવસે બંધ રહ્યું.
પિંજરામા ઊભેલો સત્યપ્રિય પઠાણ કોણ હતો?
તે હતા આપણા સરહદના ગાંધી – ખાનસાહેબ અબ્દુલ ગફાર ખાન !
અને તે ‘મલંગ’ કોણ હતો જેણે એમને એમની સિંહ જેવી શારીરિક તાકાતને અંકુશમાં રાખવાનું શીખવ્યું હતું ?
તે હતા આપણા પરમ પૂજ્ય ગાંધીબાપુ, આપણા યુગના અહિંસાના અવતાર!
11 મે 2025
સૌજન્ય : નંદિતાબહેન મુનિની ફેઇસબૂક દીવાલેથી સાદર; ક્રમાંક – 309