હજારો વર્ષથી હું રખડ્યો અહીં, રઝળ્યો અહીં,
લંકાને કાંઠે, કાળી ડિબાંગ રાતે, મલબાર કિનારે;
ખૂબ ભટક્યો હું. હતો હું અશોક અને બિંબિસારના ભૂખરા સંસારમાં,
દબાયો હતો હું વિદર્ભના અંધકારમાં.
થાક્યો છું હવે હું, છે મારી ચારે બાજુ ઊછળતા દરિયાનાં ફીણ
મને ક્ષણભર શાંતિ આપે કોણ? તે છે નાટોરની વનલતા સેન.
એના કેશ જાણે વિદિશાની પ્રાચીન નિશા,
એના ચહેરે શ્રાવસ્તીની હસ્તકલા. સુકાન તૂટે
અને મધ-દરિયે જ્યારે નાવ ઘસડાય,
ત્યારે સુકાની જ્યારે જુએ તજનો દ્વીપ,
બસ એમ જ ભરઅંધકારમાં મેં જોઈ એને.
એણે પૂછ્યું, ક્યાં હતો તું અત્યાર સુધી?
અને પંખીના માળા જેવી એની આંખો એણે ખોલી,
જુએ છે મારી તરફ – નાટોરની વનલતા સેન.
દિવસને અંતે ઝાકળની ઝલક સાથે આવે છે સંધ્યા.
બાજ પોતાની પાંખમાંથી સૂર્યપ્રકાશની સુવાસ ખંખેરી નાખે છે –
જ્યારે વસુંધરાના રંગ ચીમળાય છે અને ઝાંખી રેખા ચીતરાય છે
ત્યારે ઝગમગતા આગિયા રંગે છે આ કથા –
ઘરે આવે છે બધાં જ પંખી, બધી સરિતા, પૂર્ણ થાય છે જીવનનાં સૌ કર્મ,
રહે છે માત્ર અંધકાર, અમારા ચહેરા એકમેક, સન્મુખ,
જ્યારે હું બેસું છું, મારી સમક્ષ છે નાટોરની વનલતા સેન.
૧૭મી ફેબ્રુઆરીએ કવિનો જન્મ દિવસ હતો, ત્યારે મેં એમની આ રચના મૂળ બંગાળીમાંથી ઉતારી અરુણાભ સિંહાના અંગ્રેજી અનુવાદની મદદથી પરિમાર્જિત કરી અહીં મૂકી છે. : સલિલ ત્રિપાઠી
સૌજન્ય : “નિરીક્ષક”, 01 માર્ચ 2022; પૃ. 12