ઐસે તો ન દેખો કિ હમકો નશા હો જાયે
ખૂબસૂરત સી કોઈ હમસે ખતા હો જાયે
તુમ હમેં રોકો ફિર ભી હમ ન રૂકે
તુમ કહો કાફિર ફિર ભી ઐસે ઝૂકે
કદમ-એ-નાઝ પે એક સજદા અદા હો જાયે
યું ન હો આંખે રહે કાજલ ઘોલે
બઢ કે બેખુદી હંસી ગેસુ ખોલે
ખુલ કે ફિર ઝુલ્ફેં સિયાહ કાલી બલા હો જાયે
હમ તો મસ્તી મેં જાને ક્યા ક્યા કહે
લબ-એ-નાજુક સે ઐસા ન હો તુમ્હેં
બેકરારી કા ગિલા હમસે સિવા હો જાયે
દેવ આનંદે જેનું દિગ્દર્શન કર્યું હોય એ ફિલ્મનું નામ શું? એ ફિલ્મનું નામ ‘તીન દેવિયાં’, 1965ની ફિલ્મ. ત્રણ યુવતીઓના પ્રેમમાં પડતા યુવાનની, એ જમાનાથી ઘણી આગળની કહેવાય એવી, ડી.એચ. લૉરેન્સની વાર્તા પરથી બનેલી આ ફિલ્મની માવજત સરસ હતી અને એ હિંદી – અંગ્રેજી બે ભાષામાં બની હતી. દિગ્દર્શનની ક્રેડિટ જો કે અમર સિંહને અપાઈ હતી.

મહમ્મદ રફી
આજે આ ફિલ્મના એક મસ્ત ગીતને યાદ કરીએ – ઐસે તો ન દેખો, કિ હમકો નશા હો જાયે, ખૂબસૂરત સી કોઈ હમસે ખતા હો જાયે – આ રોમેન્ટિક, મુલાયમ અને ખુશખુશાલ ગીતના શાયર છે મજરુહ સુલતાનપુરી અને સંગીતકાર એસ.ડી. બર્મન. ગીત દેવ આનંદ અને નંદા પર ફિલ્માવેલું છે અને મહમ્મદ રફીએ ગાયું છે. ગીતમાં ઘણી ખૂબીઓ છે, પણ સૌથી મોટી ખૂબી એ છે કે દેવ આનંદ અને નંદા એક ચાલીના સામસામા રૂમમાં છે, એકબીજાને જુએ છે પણ છુપાઈને, છતાં દેવ આનંદનો નખશિખ રોમેન્ટિક અભિનય અને રફી સા’બનો રેશમી મુલાયમ કંઠ એવો માહોલ રચે છે કે બીજું એક નશીલું ગીત (શમ્મી કપૂર સાથેનું) યાદ આવી જાય – હમ ઔર તુમ ઔર યે સમાં, ક્યા નશા નશા સા હૈ!
આ વન એન્ડ ઓનલી મહમ્મદ રફીની પુણ્યતિથિ 31 જુલાઈએ છે : શું યાદ કરીએ, શું નહીં!! દેવ આનંદ-રફીનાં જ ગીતો જુઓ : ખોયા ખોયા ચાંદ, દિન ઢલ જાયે, તેરે મેરે સપને, તૂ કહાં યે બતા, દિલ કા ભંવર કરે પુકાર, ધીરે ધીરે ચલ, કોઈ સોને કે દિલવાલા, તેરી ઝુલ્ફોં સે જુદાઈ તો નહીં માંગી થી, ઉફ યુમ્મા, જિયા હો, કભી ખુદ પે – અને અનેક. આવું જ દિલિપુમાર, શમ્મી કપૂર, રાજેન્દ્રકુમાર, ધર્મેન્દ્ર, સુનીલ દત્ત, જિતેન્દ્ર કે રાજકુમાર જેવા અદાકારો સાથે રફીનું થાય.
એક આખી પેઢી રફીનાં ગીતો સાથે ઉછરી ને ત્રણ ત્રણ પેઢી એમની આશિક રહી. આજે પણ વિદેશમાં કોઈ ભારતીય સામે રફીનો ઉલ્લેખ કરી જોજો, દોસ્તી થઈ જશે. સ્વાતિ પરાશર નામની પત્રકારે લખ્યું છે કે તેને તેલ અવીવમાં બે યહૂદી સન્નારીઓ મળી હતી ને ભાંગીતૂટી હિંદીમાં જાણવા માગતી હતી કે ‘હુસ્નવાલે તેરા જવાબ નહીં’ ગાનાર માણસ હજી જીવે છે કે કેમ. આગળ લખે છે, ‘મારા શ્રીલંકન મિત્રોને ‘સુહાની રાત ઢલ ચુકી’ ગમે છે, યુગાંડાના મિત્રો ‘જો વાદા કિયા’ પાછળ ગાંડા છે અને ઈરાનના મિત્રો ‘એ મુહબ્બત ઝિંદાબાદ’ સાંભળી જુસ્સામાં આવી જાય છે, પણ આ બધા જ શમ્મી-રફીનાં ગીતો સાંભળી નાચવા માંડે છે.’ રફીએ હિંદી ઉપરાંત ભારતની દસેક ભાષાઓમાં અને વિદેશી ભાષામાં પણ ગાયું છે; વેસ્ટ ઈન્ડિઝ, ફિજી, યુ.એસ., યુ.કે., પૂર્વ આફ્રિકામાં ભરચક હૉલ વચ્ચે લાઈવ પરફૉર્મન્સ આપ્યાં છે ને અઢળક, અઢળક, અઢળક ચાહના મેળવી છે.
નમ્ર, મૃદુભાષી રફીનાં ગીતોએ અનેક હીરોને લોકપ્રિય બનાવ્યાં. ધર્મેન્દ્ર, રાજેન્દ્ર કે શમ્મીને રફી વિના કલ્પી શકાય? મૈત્રી ખાતર-મદદ ખાતર ફી વગર ગાય અને અન્ય ગાયકો પર છવાઈ જવાનો પ્રયત્ન તો ન જ કરે, ઊલટું એમને તક અપાવે. વૈવિધ્યપૂર્ણ, અલૌકિક, વિશાળ રેન્જ ધરાવતો સંવેદનશીલ કંઠ દેશભક્તિ (એ વતન, કર ચલે), રોમેન્ટિક (જબ દિલ સે દિલ, તેરી પ્યારી પ્યારી), કરુણ (આપકે પહલૂ મેં, મિલી ખાક મેં મુહબ્બત), કોમેડી (જાને કહાં મેરા, સર જો તેરા), આક્રોશ (જિન્હે નાઝ હૈ, દેખી ઝમાને કી યારી), ફિલોસોફી (કારવાં ગુઝર ગયા, મન રે), હતાશા (ન કિસી કી આંખ કા નૂર હૂં, ન આદમી કા કોઈ ભરોસા), ભક્તિ (દુનિયા ન ભાયે, સુખ કે સબ સાથી) જેવા દરેક ભાવમાં અને શાસ્ત્રીય સંગીત (કૂહુ કૂહુ બોલે કોયલિયા, અજહુ ન આયે બાલમા) કે કવ્વાલી (યે ઈશ્ક ઈશ્ક, પરદા હૈ પરદા) તમામમાં છવાઈ જાય.
કામિયાબીનું શ્રેય ઉપરવાળાને આપે અને મુશ્કેલીઓ વખતે પણ એનું જ શરણું લે. પોતે ઓછું ભણ્યા હતા, પણ સંતાનોને વિદેશમાં ભણાવ્યાં. પોતે ફિલ્મો ન જોતા. એ વખતે પણ નેપોટિઝમ ને ફેવરિટિઝમ હતાં, પણ એમણે સંતાનો માટે કોઈ ફેવર કદી ન લીધી, ઊલટું એમને બોલીવૂડથી દૂર રાખ્યાં. રોયલ્ટી પ્રકરણ વખતે તેમણે નિર્માતાઓને સાથ આપ્યો, પણ પછી ગીતો ખૂબ ચાલતાં ને નિર્માતાઓ ખૂબ કમાતાં છતાં પોતાને આર્થિક મુશ્કેલી વેઠવી પડી. કિશોરકુમારનો યુગ બેઠો પછી કામ પણ ઓછું મળતું. નૌશાદ મહેન્દ્ર ક્પૂર તરફ ને એસ.ડી. કિશોરકુમાર તરફ વળ્યા એ દિવસો પણ જોયા અને વિવાદો, ઈર્ષા વચ્ચે સ્વસ્થતા, સજ્જનતા ન ગુમાવ્યાં. ઊલટું પોતાના કંઠને ‘રિડિસ્કવર’ કરી બદલાતી સંગીતશૈલી સાથે તાલ મેળવતા રહ્યા.
માત્ર 55 વર્ષની ઉંમરે એમણે ચિરવિદાય લીધી. એમનું એક ગીત યાદ આવે છે – લોગ મેરે ખ્વાબોં કો ચુરાકે ડાલેંગે અફસાનોં મેં, મેરે દિલ કી આગ બંટેગી દુનિયા કે પરવાનો મેં, વક્ત મેરે ગીતોં કા ખઝાના ઢૂંઢેગા … દિલ કા સૂના સાઝ તરાના ઢૂંઢેગા, મુઝકો મેરે બાદ ઝમાના ઢૂંઢેગા …
e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : લેખિકાની સાપ્તાહિક કોલમ, ‘મલ્ટિપ્લેક્સ’ પૂર્તિ “જન્મભૂમિ”, 24 જુલાઈ 2026
![]()

