અજ્ઞાત હિંદી સર્જકની કૃતિનો ભાવાનુવાદ
જીવતાં રહીશું તો ફરી આવીશું સાહેબ,
તમારાં શહેરોને આબાદ કરવા.
ત્યાં જ મળીશું ગગનચુંબી ઈમારતોની પછીતે,
પ્લાસ્ટિકની છાજલીથી ઢાંકેલી ઝૂંપડપટ્ટીઓમાં.
ચાર રસ્તે ઓજારોના થેલા સાથે,
કારખાનાઓના કાળા ધુમાડા જેવી હોટલો ને ઢાબા પર ખાવાનું પકાવતાં.
વાસણ માંજતાં, કપડાં ધોતાં,
ગલી ગલી ને ચોકમાં ફેરી કરતાં,
સાયકલરિક્ષા ખેંચતાં.
ઓટો રિક્ષા ચલાવતાં,
પરસેવે રેબઝેબ થતાં,
તમને તમારા મુકામે પહોંચાડતાં.
ક્યાંક ને ક્યાંક તો ફરી મળીશું તમને,
પાણી પીવડાવતાં કે
સાંચામાં શેરડીના સાંઠા પિલતાં.
કપડાં ધોતાં, ઈસ્ત્રી કરતાં,
શેઠની ભાડે લીધેલી રેંકડી પર
સમોસાં તળતાં કે પાણીપૂરી વેચતાં.
ઈંટવાડા પર ધૂળિયા વેશે,
કે તેજાબથી ઘરેણાં ચમકાવતાં
સ્ટીલનાં વાસણોને બફ પોલિશ કરતાં.
મુરાદાબાદનાં પિત્તળનાં કારખાનાંથી લઈને,
ફિરોઝાબાદની બંગડી સુધી.
પંજાબનાં લહેરાતાં ખેતરોથી લઈ,
ગોવિંદગઢની લોહભઠ્ઠીઓ સુધી,
પૂર્વના ચાના બગીચાઓથી લઈને
અલંગના જહાજવાડા સુધી.
અનાજની મંડીઓમાં ગુણો ઊંચકતાં ઠેર ઠેર હોઈશું અમે.
બસ ફક્ત એક મહેરબાની અમારી પર કરજો, સાહેબ,
આટલી વાર અમને અમારા ઘેર પહોંચાડી દો.
ઘરે બુઢ્ઢી મા છે, બાપ છે, જવાન બહેન છે.
મહામારીની ખબરો સાંભળીને
તે સહુ બહુ પરેશાન છે.
ભેગા મળી એ સહુ, કાકા, કાકી, માસા, માસી
વાટ જુએ છે અમારી.
ના રોકશો હવે અમને,
બસ અમને જવા દો,
તૂટી ચૂક્યો વિશ્વાસ તમ શહેરીઓથી,
એ ફરી જતાવવા માટે અમને થોડો સમય આપો.
અમે ય માણસ છીએ તમારી જેમ જ,
એ વાત અલગ છે અમારાં શરીરે છે,
પરસેવે ગંધાતાં, પહેરેલાં જૂનાં કપડાં,
તમારાં જેવાં ચમકતાં કપડાં નથી.
સાહેબ, ચિંતા ન કરો,
વિશ્વાસ ફરી જો પડશે
તો ફરી પાછાં આવીશું.
જીવતા રહીશું તો ફરી પાછા ચોક્કસ આવીશું.
આમ તો જીવવાની આશા નહીંવત્ જ છે,
અને મરી ગયાં તો ……
અમને આટલો હક તો હવે આપો,
અમને અમારા વતનની ધૂળમાં સમાઈ જવા દો.
આપે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે
ખવડાવ્યું તેનો દિલથી આભાર.
અમારા ઝોળામાં ફૂડપૅકેટ બનાવી બનાવીને નાખ્યાં
એનો પણ આભાર.
આખરે તમે ય ક્યાં સુધી અમને ખવડાવશો?
સમયે તમને પણ લાવી દીધા અમારી બરોબર
પછી અમને કેમ જમાડશો?
તો પછી કેમ નથી જવા દેતા અમને અમારે ઘેર,
અમારે ગામ.
તમને મુબારક છે આ ચકાચૌંધભર્યું શહેર તમારું.
અમને અમારા જીવથી વહાલું
ભલું ગામ અમારું.
(અમેરિકા)
સૌજન્ય : “નિરીક્ષક” − ડિજિટલ આવૃત્તિ; 05 જૂન 2020