ધીકતી આગ
ચમકે સૂરજ આભમાં,
જાણે કોની સ્પર્ધામાં !
કૌવત એનું ઠાલવે,
વરસાવે અગનઝાળ.
આ ધોમધખતી ધરા
ને ભડકે બળતી સડકો
ઉમટ્યો માનવ મહેરામણ.
રખે સમજતા મહેરામણથી,
શીતળ ઉદધિની લહેરો!
આ તો ઉભરાયાં જ્યમ કીડિયારાં
શોષિતોનાં, શોણિતોનાં,
જેણે સીંચ્યાં લોહી-માંસ,
રોટલા બે પોતાના ને
માલિકોના નફા કાજ.
ઠુકારાયા માલિકોના રોફથી,
ધકેલાયા આશ્રયદાતાથી,
છોડ્યાં ઘર-ઝૂંપડી ને ખોલી,
રેલ ચાલી … રેલ ચાલી …
હાડ-માંસની રેલ ચાલી,
ઘર સમટાયાં એક પોટલામાં!
કાંખે લીધાં બાલુડાં ને
આંગળીએ ઝાલ્યાં છોકરાં.
ભૂખની ભૂતાવળ ભાગી,
ચીંથરેહાલ કાયા દોડી,
નાગે પગે ઉછળતી ચાલી!
આ ધરા ફાટ-ફાટ, ને
લોહીઝરતાં એમનાં તળિયાં.
રૂંવે રૂંવે ભડકે આગ,
હોઠ પર અસીમ પ્યાસ,
પેટમાં અગનઝાળ.
હથેળીમાં ખોડંગાતો જીવ,
લોહીનાં આંસુ પાડતો જાય!
એક હામ, એક નામ,
જીભે એનું એ જ રટણ,
જન્મ્યો એ ધરાએ પોગવું!
ના દિન જોવા ને રાત,
મારી ધરાને ચૂમવું!
ધડામ! ધૂમ! ધડામ!
ડાંગ! ડીબાંગ! ધડામ!
સૂબેદાર ને સરમાયાદાર
“સદૈવ સેવામાં”ના પોલીસો,
“આપના સેવક”ના યાચકો,
“વસુધૈવ કુટુમ્બકમ્” કહેતા શાસકો!
સૌનો સહિયારો સિતમ !
ધડામ! ધૂમ! ધડામ!
રસ્તા આંતર્યા, આડશો પાથરી,
પ્રતિબંધનાં ફરફરિયાં લહેરાવ્યાં,
આ માનવ મહેરામણને !
ઊમટે જાય ચોપાસથી,
ડાંગો ઉછળે, ગોળી વછૂટે,
થાકેલો મજૂર લાચાર બને,
ગાડી-ગાડાં-ટેક્સી-ખટારા
ગમે તેમાં સમાવા ઝંખે!
શું એ આસાન છે?
ચાલક લૂંટે, ભરે ‘બકરાં’,
કમાયું કોણ?
હતાશ, નંખાયેલા બાકી લોક,
ફરી પગ ઉપાડે દોડાદોડ,
નદી-નાળે-જંગલને રસ્તે
ના છોડે કાનૂનનો રક્ષક!
નાણા ઓકાવે મજબૂરીમાં,
આપે જાણે લીલી ઝંડી!
એ કોણ?
કેટલાં નાકાં ઓળંગવા,
કેટલા પ્રસાદ ધરવા?
ખિસ્સાં તર કરનારાં એ કોણ?
યાદ આવે છે એ તસવીર,
‘પુલિત્ઝર એવોર્ડ’ વિજેતા તસ્વીર!
૧૯૯૩ના દુકાળમાં, સુદાનમાં,
એક ગીધ, એક મૃતઃપાય બાળકી,
ધીકતી ધરા પર એકલી-અટૂલી,
કેડેથી વળેલી,
કોઈ એક તંતુએ ટકેલી,
હાડકાંના માળા સમી!
ગીધ જુએ છે વાટ એના મરવાની!
તસવીર ‘એક ગીધ, એક છોકરીની’!
સવાલ પૂછાયો,
‘એ અગનઝાળમાં ગીધ
બે હતાં કે એક?’
ને બીજા ગીધે આત્મહત્યા કરી !
અહીં તો ઠેકાણાં એટલાં ગીધ છે!
લોકોનાં દુ:ખ-યાતના પર
રોટલા શેકનારાં!
સૌજન્ય : “નિરીક્ષક” − ડિજિટલ આવૃત્તિ; 25 મે 2020
![]()



જાણીતી કહેણી છે કે એક વ્યક્તિનું મૃત્યુ કરુણતા છે અને વધુ લોકોનાં મૃત્યુ કેવળ આંકડા. અમેરિકામાં ટ્રમ્પ તંત્રની ઊડીને આંખમાં ખૂંચે એવી બેદરકારીને કારણે કોરોના-મૃતકોનો આંકડો એક લાખે પહોંચવામાં છે, ત્યારે ‘ન્યૂ યૉર્ક ટાઇમ્સે’ આ પ્રસંગની ગંભીરતા પારખીને, કંઈક અનોખું છતાં સંવેદનશીલ કરવાનું વિચાર્યું. તેનું પરિણામ છે રવિવાર, ૨૪ મે ૨૦૨૦ના ‘ન્યૂ યૉર્ક ટાઇમ્સ’નું પહેલું પાનું. તેમાં કોરોનાથી મૃત્યુ પામેલી હજારેક વ્યક્તિઓનાં નામ, વય, સ્થળ અને માણસ તરીકે તેમની ખાસિયત વર્ણવતી એક-એક લીટી—આટલું ભારે જહેમતપૂર્વક સંકલિત કરીને મૂકાયું છે. સમાચારનું પેટામથાળું છેઃ ધે વેર નોટ સિમ્પલી નેમ્સ ઑન અ લિસ્ટ. ધે વૅર અસ. (મૃતકો કંઈ નકરી નામાવલિ ન હતાં. એ આપણા જેવાં જ માણસો હતાં).